ભારતનાં પ્રાચીન આદર્શો અને મૂલ્યો પર આધારિત કેળવણીના આદર્શને આધુનિક ભારતમાં સૌ પ્રથમ લાવનાર ભગિની નિવેદિતાએ પોતાની વિદ્યાર્થિનીઓનાં જીવનમાં આ પ્રાચીન મૂલ્યો અને રાષ્ટ્રીય ભાવનાનો સંચાર કરવા કેવો સંઘર્ષ કર્યો હતો. તેનો ચિતાર આ લેખમાં શ્રી અનિલ બરન રૉય અને શ્રીમતી મમતા રૉય આપે છે. શ્રી અનિલ બરન રૉય (એમ.એ.પી.એચ.ડી.) બર્દવાન યુનિવર્સિટીમાં પોલીટીકલ સાયન્સના પ્રોફેસર છે.

“ભારત શબ્દનો અર્થ, જગતમાં તેનું સ્થાન, ભારતભૂમિ અને જનતાની સેવા કરવાની તીવ્રતમ ઇચ્છા આ બધું સ્ત્રી-કેળવણીના એક અંગ તરીકે સ્વીકારવું, આ બાબતો જ કેળવણીનું હાર્દ હોય!”

આ હતા ભગિની નિવેદિતાના કેળવણીના વિચારો. કેળવણીના આ આદર્શને ચરિતાર્થ કરવા એમણે કલકત્તાના બાગબજાર વિસ્તારમાં કન્યાઓ અને મહિલાઓ માટે એક શાળા શરૂ કરી.

આવી શાળા સ્થાપવા પાછળનો આશય શો હતો? અને તેની આવશ્યક્તા શી હતી? એ સમયની શિક્ષણ પ્રણાલી એ વાડાબંધીની શિસ્ત જેવી હતી અને માનવવિકાસની વાત નહિવત્ હતી. પ્રાથમિકથી માંડી યુનિવર્સિટી સુધીનું શિક્ષણ ત્રણ ‘R’ (Reading, Writing, Arithmetic વાચન, લેખન અને અંકગણિત)માં સમાયું હતું. છતાં આ કેળવણીનો લાભ પણ બંગાળની કુલ વસ્તીની ફક્ત સાડા છ ટકા જેટલી અતિ અલ્પ સંખ્યાની બહેનોને જ મળતો હતો. આ કારણે વધુ હેતુપૂર્ણ અને અર્થવાહી શિક્ષણના પ્રસારની અત્યંત આવશ્યક્તા હતી. આ બાબતની ખાતરી થતાં નિવેદિનાએ સ્પષ્ટ કર્યું કે, કેળવણી એટલે જીવનમાં વ્યવહારુ ઉપયોગિતા માટે જરૂરી વિકાસ. “ભારતની સ્ત્રીઓના વર્તમાન જીવનમાં વ્યક્તિના વિકાસની વધુ શક્યતા, વૈયક્તિક વિકાસનો અવકાશ, અનેક સામાજિક તકો, આર્થિક શક્તિ પ્રાપ્ત કરવાનો ઈલાજ, ચાલુ સંસ્થાઓની ટીકા કર્યા સિવાય જે કરવાની તાતી જરૂરિયાત છે, તે કરવું જોઈએ.”

પોતાની શાળા ભારતમાં સ્થાપવાના હેતુ અંગે ભગિની નિવેદિતાને પશ્ચિમમાં પૂછવામાં આવેલું, ત્યારે એમણે આપેલો જવાબ એમના ઉદ્દેશને સ્પષ્ટ કરે છે, અને તે સમજવા આ જવાબ અહીં નોંધવા જેવો છે.

“રૂઢિચુસ્ત હિંદુ સમાજની કન્યાઓને દેશની જરૂરિયાતને અનુરૂપ માત્ર ભણતર નહિ – કેળવણી આપવી. હું કબૂલ કરું છું કે ભારતની જે સંસ્થાઓ ખામીભરી છે, તેને બદલવાનો ભારતની જનતાનો પોતાનો અધિકાર છે. આપણે બુદ્ધિની પરિપકવતા અને કાર્ય સિદ્ધ કરવાની શક્તિ માટે તાક્વું જોઈએ. મને એમ પણ લાગે છે કે, સામાજિક સન્માન અકબંધ જાળવી રાખી પોતાની આજીવિકા રળી લેનાર કોઈ પણ ભારતીય નારીને પૂરો મોભો આપવો ઘટે.”

ઉપરની હકીકતમાં ભગિની નિવેદિતાના શિક્ષણશાસ્ત્રના બે મુદ્દા સૂચિત છે. પહેલો તો એ કે, તેઓ પણ પોતાના ગુરુ (સ્વામી વિવેકાનંદ)ની પેઠે સ્વયંભૂ વિકાસમાં માને છે. શિક્ષણમાં શીખનારનું દૃષ્ટિબિંદુ જ અગત્યનું હોવું જોઈએ અને પોતાની રીતે જ વિકાસ સાધવામાં તેને મદદ કરવી જોઈએ. આ સ્વયંભૂ વિકાસની વિચારસરણી તેમણે આલ્બર્ટ સ્ટર્ડી પર તા. ૨૭ સપ્ટેમ્બર, ૧૯૦૮માં લખેલા એક પત્રમાં વધુ સ્પષ્ટ થાય છે.

“વાસ્તવિક હકીકત એ છે કે, ઉછેર (કે વૃદ્ધિ) પેઠે શિક્ષણ પણ હંમેશાં અંદરથી જ આવવું જોઈએ. ફક્ત શીખનારની ઇચ્છા અને તેની આંતરિક મથામણ તેમાં હોવાં જોઈએ. જેઓ બીજી રીતે વિચારે છે તેઓ, કેળવણી પણ એક શાસ્ત્ર છે તે બાબતથી અજ્ઞાન છે. એક વ્યક્તિ તરીકે, આપણા પોતાના માટે એ સાચું છે કે, આપણે આંતરિક સંઘર્ષ કે મથામણ કરીએ છીએ તેથી જ આપણી પ્રગતિ થઈ શકે છે. ઊંચે ચડવાની આપણી ઇચ્છાશક્તિને જે નિર્મૂળ કરે, પાછા પાડે, જેથી અણગમો થાય એવા બધા ઉપરના ઘોંચપરોણાનો કશો અર્થ નથી. વ્યક્તિ માટે જે સાચું છે તે સમાજ માટે પણ એટલું જ સાચું છે. કેળવણી ભીતરથી જ ઊગવી અને પાંગરવી જોઈએ.”

બીજો મુદ્દો એ કે, તે વખતે પ્રચલિત એવી આર્થિક, ધાર્મિક, સામાજિક પ્રથાઓમાં ઘાલમેલ થાય તેવું નિવેદિતા કશું કરવા ઇચ્છતાં નહિ. લોકો જેનાથી પરિચિત છે તેવી.એ બધી ચાલુ સંસ્થાઓની તેમણે કદી ટીકા કરી નથી. તેમની એવી માન્યતા હતી કે, પોતાની પદ્ધતિ નક્કી કરવાનો અને તેનું ગૌરવ કરવાનો દરેક દેશનો પોતાનો હક છે. ખ્રિસ્તી મિશનરીઓ ભારતના સામાજિક જીવનના વિકાસના નહિ પણ તેને છિન્નભિન્ન કરવાના અવળા રવાડે ચડ્યા હતા.

“મિશનરીઓ ખોટે રસ્તે છે. શિક્ષણની હાલની જરૂરિયાત વિશે તેમની સાચી કે ખોટી એક ધારણા છે. ભારતીય બાળાઓના જીવનમાં કેળવણીનાં ક્યાં મૂલ્યો, ક્યાં તત્ત્વો જરૂરી છે, તે જુદાં પાડીને સમજવાનું તેમનું ગજું નથી.” ઘરમાં મોટી બા કે નાની પાસેથી એક બાળા જે તાલીમ લે છે તેની મિશનરીઓએ અવગણના કરી. નિવેદિતાએ આ શિક્ષણની ઉપેક્ષા કરવાને બદલે તેનું ગૌરવ કર્યું :

“શાળા અને ઘર એ બે વચ્ચે સંવાદિતા હોવી જોઈએ અને તેમાંયે આ બેમાં મહત્ત્વનું તો ઘર છે. શાળા એ મુખ્ય નહિ, ગૌણ બની રહેવી જોઈએ: કહેવાનું તાત્પર્ય એ કે, ભારતીય કન્યાની કેળવણી તેને વધુ સારી ભારતીય નારી બનાવે, તેને માટે ભારતીય આદર્શ શો છે, અને તે શી રીતે પ્રાપ્ત થાય, તે સમજી શકે તેવા દૃષ્ટિકોણવાળી હોવી જોઈએ. એને તુચ્છ સમજી સામાજિક અને નૈતિક અવ્યવસ્થામાં તેને ધકેલી મૂકે તેવી તો નહિ જ. કૌટુંબિક તાણાવાણા, ધર્મ, કરકસર, સન્માન, રાષ્ટ્રીય વિભૂતિઓની પ્રશંસા, મહાકવિઓની પુરાણ કથાઓનું ભાથું એની દરરોજ ચર્ચાવિચારણા થાય, નવાં અર્થઘટન થાય એ ભારતીય આદર્શ છે. ભારતને ઘડનારી આ બાબતો છે. તેનો સ્રોત ઘરમાંથી વહેવો જોઈએ.”

ભારતીયતાની આ સમજ ભારતીયનાં લોહીમજ્જામાંથી ઉદ્ભવે તે માટે નિવેદિતા શાળામાં ક્યા અભ્યાસક્રમો આપે છે? કિન્ડરગાર્ટન પદ્ધતિના પાયા પર તે આ અભ્યાસ વિચારે છે :-

(૧) બંગાળી ભાષા(માતૃભાષા) અને સાહિત્ય.

(૨) અંગ્રેજી ભાષા અને સાહિત્ય.

(૩) ગણિતશાસ્ત્રનાં મૂળ તત્ત્વો.

(૪) વિજ્ઞાનનાં મૂળ તત્ત્વો.

(૫) હસ્તકળા તાલીમ-એટલે હાથકારીગરીથી થતી ચીજો.

આ છેલ્લા વિષયનો તાત્કાલિક ઉદ્દેશ વિદ્યાર્થિની ઘરમાં જ કામ કરીને પોતાની ખર્ચી જાતે જ રળી લે, તે હતો. એનો અંતિમ ઉદ્દેશ પ્રાચીન ભારતીય ઉદ્યોગો અને કળાને પુનર્જીવિત કરવાનો હતો. અહીં એ નોંધવું ખાસ જરૂરી છે કે, અભ્યાસક્રમમાં હાથકારીગરીનો વિષય સામેલ કરી ભગિની નિવેદિતાએ ગાંધીજીની ‘નયી તાલીમ’ની પાયાની ઈંટ મૂકી. અત્યારે તે વ્યવસાયલક્ષી શિક્ષણને નામે ઓળખાય છે. આ સાથે એ સગર્વ નોંધવા જેવું છે કે, નિવેદિતાએ પોતાની શાળામાં બાળાઓના વિભાગ સાથે હિંદુ વિધવાઓની મદદ કરવાનું પણ નક્કી કર્યું હતું. ઈ.સ. ૧૯૦૩માં તેમણે શાળામાં પ્રૌઢ બહેનોનો વિભાગ પણ ઉમેર્યો.

“બે-ત્રણ એવા ઉદ્યોગો વિકસાવવા કે તેનું ઈંગ્લેન્ડ, ભારત અને અમેરિકામાં આશાસ્પદ બજાર ઉઘાડી શકાય. આમાં દેશી મુરબ્બા, અથાણાં અને ચટણીઓનો સમાવેશ કરી શકાય.” એ સમયના ચુસ્ત રૂઢિગ્રસ્ત હિંદુ સમાજમાં બહેનોને આર્થિક રીતે પગભર કરવી, એ વિચાર જ ક્રાંતિકારક હતો.

નિવેદિતાની શાળા કિંડરગાર્ટનના નમૂના પર ઊભી થઈ હતી ત્યારે આ પદ્ધતિનો તેઓ ખરેખર શો અર્થ કરે છે તે નોંધવું જરૂરી છે. પરદેશની તમામ વસ્તુઓ અને પરદેશની વાનરનકલને તો તેઓ ધિક્કારતાં, છતાં જે પદ્ધતિનાં મૂળિયાં પરદેશી હતાં તેનું તેમણે શા માટે અનુકરણ કર્યું? આમાં કોઈ પ્રગટ વિસંવાદ નથી. ભારતના સંદર્ભમાં આ પદ્ધતિનો શો ઉપયોગ છે અને તેનું કેવું અર્થઘટન કરવામાં આવે છે તે સમજણમાં આવે તો તે પદ્ધતિ કેવળ પરદેશી હોવાને કારણે તેનો વિરોધ નથી. બેશક! આ પદ્ધતિનાં મૂળ વિદેશી એ રીતે છે કે, સ્વીટઝર્લેન્ડના શિક્ષણશાસ્ત્રી કોબેલે તેનાં કેટલાંક પાસાંને વ્યવહારમાં મૂક્યાં. ખૂબ શરૂઆતમાં જ નિવેદિતાએ સ્પષ્ટ કર્યું કે, યુરોપમાં કિંડરગાર્ટન અને ભારતમાં કિંડરગાર્ટન આ બે જુદી જ વસ્તુઓ હતી. જેમાં ભારતીય જીવન પાંગરી શકે તેવું કિંડરગાર્ટનનું તેમણે ભારતીયકરણ કર્યું.

સ્વામી અખંડાનંદજી પરના પત્રમાં આ માટે પોતાની સમજ આલેખે છે, “કિંડરગાર્ટન જે રીતે જર્મનીમાં વ્યવહારમાં મુકાયું તેનો અભ્યાસ કરવાનું વિચારી શકાય, પણ એ જ સ્વરૂપે એને ભારત ગળે ઉતારી શકે નહિ. ભલે વિગતમાં જુદી પડતી હોય પણ જેનો હેતુ સમાન હોય તેવી પોતાની એક પદ્ધતિ ભારત વિકસાવી શકે.” જેમ કે માટીના નમૂના બનાવવા, કાગળ કતરાઈ, રંગોળી કે અલ્પના જેવી ગૃહકળાઓ નિવેદિતા શાળામાં સૂચવે છે. હિંદુઓની મૂર્તિપૂજા, ગોપૂજા, ભારતીય કન્યાઓનાં પરંપરાગત ધાર્મિક વ્રતો, વગેરેમાં તેમણે ઘણું સારસ્ય નિહાળ્યું.

નિવેદિતા લખે છે, “હિંદુઓનું ધાર્મિક શિક્ષણ કેવળ ધર્મનું નહિ પણ ઘરસંસાર અને સામાજિક ઘડતરનું સંપૂર્ણ શિક્ષણ છે. ઈશ્વરી શક્તિની અનુભૂતિને બૌદ્ધિક રીતે રજૂ કરવા મૂર્તિ એક પાયો છે. બાળાઓનાં વ્રતો, ગોપૂજા અને એવી સંખ્યાબંધ બાબતોમાં હિંદુત્વની વિચારસરણીનો સંપૂર્ણ નિખાર છે. સાચો રસ્તો ત્યારથી જ આરંભ કરવાનો અને શક્ય હોય તો તેનાથી આગળ વધવાનો છે. શિક્ષણનો આરંભ આ રીતે મૂર્તથી હોય અને તાલીમબદ્ધ ધ્યાન અને મનને એકાગ્ર કરવાની શક્તિમાં તેનો છેડો હોય, જેને ભારત સમજી શકે પણ યુરોપ કદી નહિ.”

બાગબજારની શાળામાં કન્યાઓમાં રાષ્ટ્રીય ચેતના જગાડવા નિવેદિતાએ કઈ રીતે પ્રયત્ન કર્યા તેની નોંધ લીધા વિના ભગિની નિવેદિતાના કેળવણી વિષયક વિચારની ચર્ચા અધૂરી રહેશે. જે ઉમદા હેતુ સિદ્ધ કરવા તેમણે પ્રયત્ન કર્યો, તે પરથી તેમની શાળા આધુનિક માર્ગે ચાલતી બહેનોની પ્રથમ રાષ્ટ્રીય શાળા હતી એમ સહેજ પણ ખચકાટ વિના કહી શકાય. તેમણે બહેનોને ઇતિહાસ, ભૂગોળ, સીવણ અને ડ્રૉઈંગ શીખવ્યાં. ભારતીય ઇતિહાસ પર લેવાતા તેમના આ વર્ગો ખૂબ રસમય હતા. કારણ કે આ વિષય માટે તેમને ખૂબ ઉમળકો હતો. રાષ્ટ્રીય જાગૃતિ ઇતિહાસ દ્વારા જ પ્રગટ થાય છે. પોતાના જીવનના સંબંધો અને સંસ્મરણો દ્વારા માનવી પોતાનું સાર્થક્ય પ્રમાણી શકે છે. ઐતિહાસિક વિભૂતિઓની વાત કરતાં એ પોતે શાળાના વર્ગખંડમાં છે એ ભૂલી જતાં. એક દિવસ ચિત્તોડની તેમની મુલાકાતની વાત કરતાં આમ બનેલું, “હું એક ટેકરી પર ગઈ અને ઘૂંટણ ટેકવીને બેઠી. મેં આંખો બંધ કરી પદ્મિનીનો વિચાર કરવા માંડ્યો અને દેવી પદ્મિનીને મેં ચિતા પાસે ઊભેલી જોઈ. (ચિતા પર ચડતાં) જીવનની અંતિમ ક્ષણે તેમના મગજમાં આવેલ વિચારો વિશે મેં ચિંતવન કર્યું.”

આમ, સાવ ભાવ અને વ્યવહારથી તે (નિવેદિતા) એવી રીતે વાત કરતાં કે જાણે એ ટાણે એ ત્યાં જ હતાં. આમ, ઇતિહાસના એક પાત્રને જીવંત રીતે રમતું કરવામાં તેમનો હેતુ ઇતિહાસ દ્વારા બહેનોની કલ્પનાને ઉત્તેજી તેમની લાગણીને પોષવાનો હતો.

રાજપૂત સ્ત્રીઓની વાત કહ્યા પછી તે ઉપદેશ આપતાં કહે છે : “ઓ ભારતની પુત્રીઓ! તમારે તેવા થવું જોઈએ, તમે ક્ષત્રિયનારી થવાના શપથ લો.” ભગિની નિવેદિતાના જીવનચરિત્રનાં લેખિકા પ્રવ્રાજક આત્મપ્રાણાના આ શબ્દો નોંધવા જેવા છે કે, “કન્યાઓને તે હંમેશાં કહેતાં કે, તમે ભારતવર્ષની પુત્રીઓ છો.”

નિવેદિતા સ્વદેશીની ચળવળ દરમિયાન બહેનોને બ્રાહ્મ કન્યાશાળામાં લઈ જતાં, જેથી બાજુના બગીચામાં અપાતાં વ્યાખ્યાનો તે સાંભળી શકે. ૧૯૦૬માં કોંગ્રેસે સ્વદેશી ચીજવસ્તુઓનું પ્રદર્શન ભર્યું. નિવેદિતાએ પોતાની શાળાની બહેનોના હાથકારીગરીના નમૂનાઓ પ્રદર્શનમાં મૂકવા મોકલ્યા. તેમણે શાળામાં રેટિયો શરૂ કર્યો. એક પ્રૌઢ મહિલાને આ કાર્ય માટે નિયુક્ત કર્યાં, જેમને બહેનો ‘ચરખા મા’ કહેતાં. જે સમયે વંદેમાતરમ્ ગાવા પરનો સરકારનો પ્રતિબંધ હતો, તે સમયે તેમની શાળામાં દૈનિક પ્રાર્થના તરીકે વંદેમાતરમ્ ગાવાનું શરૂ કર્યું.

આત્મ પ્રાણા બીજી જગ્યાએ લખે છે, “જ્યારે સ્વદેશીની ચળવળ શરૂ થઈ ત્યારે પરદેશી માલનો બહિષ્કાર કરવા અને બહેનોને તેમ કરવા પ્રોત્સાહન આપવા નિવેદિતા આગળ આવ્યાં. ઈ.સ. ૧૯૦૬માં (કોંગ્રેસના) કલકત્તા અધિવેશન વેળા તેમના મનમાં રાષ્ટ્રધ્વજનો વિચાર આવ્યો. ધ્વજમાં મૂકવા તેમણે વજ્રનું ચિહ્ન પસંદ કર્યું અને એક બાળા પાસે ભરત ભરાવી પ્રદર્શનમાં રજૂ કર્યું. આવી પ્રવૃત્તિઓથી આપણા ઐતિહાસિક, સાંસ્કૃતિક આદર્શો પ્રત્યેના પ્રેમ દ્વારા એમણે બાળાઓમાં દેશભક્તિનો જુસ્સો પ્રેર્યો.”

પ્રજાકીય જુવાળથી અને નિરુદ્દેશ નહિં પણ ચોક્કસ હેતુથી કરેલ પર્યટન દ્વારા પ્રાપ્ત થતા શિક્ષણનો તેમને ખૂબ શોખ હતો. તેમણે લખ્યું કે, “દેશનું નિરીક્ષણ કરનાર પુત્રી જ પોતાના દેશને સમજી શકે છે.” બચપણમાં અપાતા શાળા શિક્ષણનો આ નિષ્કર્ષ ખોટો તો નથી જ. તેમની બાળાઓને પુરી અને ભુવનેશ્વર, ચિત્તોડ અને બનારસ, ઉજ્જૈન અને રાજગીર, એલિફન્ટા અને કાંજીવરમ્ જેવાં ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવામાં પૈસાનો અભાવ તેમને ખટકતો પણ એની ખોટ પૂરી કરવા તેઓ કલકત્તા પ્રાણી-સંગ્રહસ્થાન, મ્યુઝિયમ અને દક્ષિણેશ્વર જેવા ટૂંકા પ્રવાસ યોજતાં, એમાંય એક પ્રવાસમાં કટોકટીની પળે એમણે બાળાઓને જે બોધપાઠ આપ્યો તેથી આવા પ્રવાસોનું શૈક્ષણિક મૂલ્ય ઉઘાડું હતું. એક વાર બધાં હોડીમાં બેસીને જતાં હતાં. નદી તોફાની બનનાં હોડી એક બાજુ ઢળતી હતી. બાળાઓ ડરી ગઈ તેથી નિવેદિતાએ કહ્યું, “તમે કેમ ડરો છો? મોટાં મોજાંથી બીઓ નહિ. સારો ખલાસી સુકાન પર દૃઢ રહે છે, મોજાં પરથી સહીસલામત પાર ઉતારે છે. મુશ્કેલીમાં દૃઢ રહેતાં શીખીએ તો જીવનમાં કશો ભય નથી. કદીય નહિ.” અભય, શક્તિ, ઉત્સાહ, ધ્યેય માટેની દૃઢતાનો ઉપનિષદીય વાણીમાં અપાયેલો આ ઉપદેશ તેમના ગુરુએ તેમનો હંમેશાં આપેલો અને આ એ જ સંદેશ છે, જે નિવેદિતા પોતાની બાળાઓમાં ચરિતાર્થ કરવા મથતાં.

“તમારી કમર ટટ્ટાર રાખો, કદી ઝૂકશો નહિ.” બાળાઓને આવી શીખ અપાતી. વધુ પડતી છતમાં મોજશોખમાં પડશો નહિ, બધી બાબતમાં ખુલ્લા મનવાળાં અને રચનાત્મક બનો. શાળામાં કોઈ પણ તેમની નાની ઓરડી જુએ તો એમની જ શાળાની બહેનોએ એમના રચનાત્મક માર્ગદર્શનથી, રમકડાં, ચિત્ર, વગેરે દ્વારા સજાવેલી હોય. બધાં મુલાકાનીઓને તેઓ ગર્વથી આ બધું બતાવતાં. એક આવા જ પ્રસંગે કળાના એક મહાન પરીક્ષક આનંદકુમાર સ્વામીએ, એક બાળાએ દોરેલ અલ્પનાની આકૃતિની પ્રશંસા કરી. બહેનોની કળાશક્તિ ખીલવવા એમણે જે ભાર મૂક્યો હતો તેનું મહત્ત્વ એથી સમજાય છે. આ બાબતમાં તેમનો અંતિમ ઉદ્દેશ પ્રાચીન ભારતીય કળાના પુનરુદ્ધારનો હતો. તે સોલ્લાસ કહેતાં, “મારી બાળાઓ તાડપત્ર પર લખેલ સંસ્કૃતિથી મારી ઓરડી શણગારશે તે દિવસ કેવો આહ્લાદક હશે.”

નિવેદિતા પોતાની વિદ્યાર્થિનીઓના રોજ રોજના વિકાસમાં જે રસ લેતાં તે એમણે રાખેલ નોંધ પરથી જોઈ શકાય છે. અહીં બે દાખલા આપ્યા છે :

વિદ્યુતબાલા બોઝ : ૬૦માંથી ૪૫ દિવસ હાજર. મેં ભાગ્યે જ જોઈ હોય તેવી દૃઢ વ્યક્તિ. તેમાં ઉત્સાહ અને નિશ્ચયબળ અદ્ભુત છે. તેનો શોખ ઊંચી કક્ષાનો છે. પહેલાં તે શિરોવેદના જેવી અને ઉદ્દંડ હતી. પણ તેની સાથે શાંતિથી વાત થઈ અને ત્યારથી જ તેની સાથે કામ લેવામાં એક સ્મિત જ પૂરતું હતું. પછી તો અનેક ઉત્તમ અને મધુર વસ્તુ તેની પાસેથી મળતી રહી છે. એનામાં એક આગ છે અને તેનામાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળે તેવી ઇચ્છાશક્તિ છે. અલબત્ત, લગ્ન પછી શાંત થઈ જશે. સીવણકાર્ય ખાસ સુંદર છે.

એમ. એન. : ૬૦માંથી ૩૯ હાજરી. સુંદર, મધુર, શાંત, મહેનતુ બાળા. હું જાણું છું તે તમામ બહેનોમાં સૌથી મધુર, હોશિયાર અને ઉત્તમ બાળા, ખૂબ એકાંતપ્રિય, ખૂબ સાલસ! કામમાં જ ડૂબી રહેનાર.

એક માતાની પેઠે બાળાઓની અનુપમ સંભાળ તે લેતાં. એમના દિવસની શરૂઆત શાળાના દરવાજે બાળાઓને આવકારવાથી થતી. ચાલો, મારાં બાળકો આવી પહોંચ્યાં! આ કોઈ ઔપચારિક આવકાર નહોતો. પણ હૃદયના ઊંડાણનો પુકાર હતો એક વિદ્યાર્થિની મહામાયાને ક્ષયરોગ લાગુ પડ્યો. નિવેદિતા જાતે તંગી ભોગવતાં હતાં છતાં પોતાની આછી-પાતળી આવકમાંથી જે બન્યું તે પેલી બાળાની દવા પાછળ અને પુરીમાં ભાડાના એક મકાન પાછળ – ખર્ચ્યું, જેથી જિંદગીના છેલ્લા દિવસોમાં તેને શાંતિ મળે.

ગિરિબાળા બાવીસ વરસની વિધવા હતી. એક બાળક સાથે બાગબજારમાં તે કાકાને ત્યાં રહેતી હતી. એણે શાળામાં આવવાનું શરૂ કર્યું અને એમાંથી પાડોશીઓએ ખણખોદ શરૂ કરી. રૂઢિચુસ્તતામાંથી પેદા થયેલો આવો દૃષ્ટિકોણ એ વખતના સમાજમાં અસાધારણ નહોતો. એ ટીકાથી ગિરિબાળાએ શાળામાં આવવાનું બંધ કર્યું. નિવેદિતાએ આ બાળાને શાળામાં મોકલવા તેના કાકાને કાલાવાલા કર્યા. એટલું જ નહિ પરંતુ, ગિરિબાળાને ઓઢવા પોતાની શાલ પણ આપી, જેથી શાલમાં ઢબુરાઈ તે શાળામાં આવી શકે. “મારી દીકરી! હવે તું શાળામાં નિયમિત આવી શકીશ.”

તેમની એક વિદ્યાર્થિની, એક બાળવિધવા, પ્રફુલ્લમુખીનું ઉદાહરણ તો હલાવી મૂકે તેવું છે. હિંદુ વિધવા માટે એકાદશી એ ઉપવાસનો દિવસ છે. તે દિવસે નિવેદિતા પ્રફુલ્લમુખીને બોલાવી ફળ અને મીઠાઈ ખાસ ફરાળ તરીકે મોકલતાં એક વાર એવું બન્યું કે, શાળાનું દૈનિક કાર્ય પૂરું કરી નિવેદિતા ડૉ. જગદીશચંદ્ર બોઝને ઘેર ગયાં. એ જ ક્ષણે એમને યાદ આવ્યું કે, આજે તો એકાદશી છે અને ગરીબ બિચારી પ્રફુલ્લમુખી ભૂખી રહી હશે. એ ઉતાવળે પાછાં ફર્યાં અને પ્રફુલ્લમુખીને બોલાવી અને માતાની અંતરતમ મમતાથી તેમણે કહ્યું, “મારી દીકરી! હું સાવ ભૂલી ગઈ. મારા માટે કેટલું અજુકતું ગણાય કે મેં તને તો કશું ખાવાનું આપ્યું નહિ પણ મેં મારું ડોઝરું ભર્યું. મારા માટે કેટલું અવિચારી!” આ એક માતાનો નિર્ભેળ અને પ્રગાઢ પ્રેમ હતો, જે નિવેદિતાએ સમગ્ર ભારતને આપ્યો. આ એક સ્ત્રીના એક કૌટુંબિક આદર્શની રાષ્ટ્રીય આદર્શમાં સંપૂર્ણ પરિણતી હતી. સમગ્ર ભારત નિવેદિતાનું કુટુંબ હતું. એક કવિને છાજે તે રીતે જ રવીન્દ્રનાથ ટાગોર તેમને લોકમાતા કહે છે. કોઈ પણ ભારતવાસી કરતાં આ મહાન મહિલા સવાયાં ભારતીય હતાં. આજની રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય ભાવાત્મકતાની તાતી જરૂરિયાતમાં, જેમનું પોતાનું જીવન એક બૃહદ્ સંદેશ હતું તેમણે આપેલ પ્રગાઢ અને નિ:સ્વાર્થ પ્રેમનો બદલો શી રીતે વાળી શકાય! તેમની તમામ વિચારસરણી અને કેળવણીનો પાયો હતો. “એક રાષ્ટ્ર બનો – તમારી મહાનતાનો વિચાર કરો, સાંસારિક સંબંધોનો આદર કરો. સૌનાં સમાન હિત હોય, સમાન જરૂરિયાત હોય, પરસ્પરને પૂરક ધર્મ હોય એવા જીવનની કામના કરો.”

ભગિની નિવેદિતાએ તેમની પાછળ મૂકેલ આ સંદેશ હતો. જે સમયમાં એ જીવ્યાં અને કાર્ય કર્યું તે કરતાં પણ આજના ભારત માટે આ સંદેશ વધુ મહત્ત્વનો છે.

ભાષાંતરકાર : પ્રો. જે. સી. દવે

(અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા પ્રકાશિત અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ (ફેબ્રુઆરી ૧૯૮૭)માંથી સાભાર ગૃહીત)

Total Views: 226

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.