પ્રકાશક: આર. અંબાણી એડ સન્સ, રાજકોટ, ૧૯૮૮, મૂ. રૂ. ૧૪.

સુખની મૃગયા સનાતન છે. આદિકાળથી મનુષ્ય સુખની શોધ કર્યા કરે છે. પ્રાચીન ગ્રીક દંતકથાના રાજા મિડાસે માની લીધેલું કે સુવર્ણમાં સુખ છે. એણે વરદાન મેળવ્યું: ‘તું જેને સ્પર્શશે તે સોનું થઈ જશે.’ વરદાનથી ખુશ થઈ, બાજુમાં પડેલા પથરાને મિડાસે સ્પર્શ કર્યો તો તે સોનાનો થઈ ગયો. એ પથરો પોતાની સાથે લઈ તે મહેલમાં આવ્યો. દરવાજાને હાથ લગાડતાં તે સોનાનો બની ગયો. રાજાની ખુશી વધી. આમ વધતો ચાલેલો આનંદ ખાતી વખતે શોકમાં પલટાઈ ગયો. કારણ, એના સ્પર્શે ખોરાક પણ સોનાનો થઈ ગયો! સોનું ખાઈ શકાતું નથી.

‘કઠ’ ઉપનિષદમાં બાળ નચિકેતાને યમરાજાએ સુખની ચાવી બતાવી છે; બધાના અંતરમાં જે રહેલા છે તેને પોતાના અંતરમાંયે રહેલા જુએ છે તે શાશ્વત સુખ પામે છે. ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’માં પણ આ મતલબની વાત આવે છે. સુખની ખોજ અંતરમાં કરવાની છે, બહાર નહીં.

જેમ્સ એલન’નું આ નાનકડું પુસ્તક એ પુરાતન વાતને નવા લેબાસમાં રજૂ કરે છે. નાનાં-નાનાં ચૌદ પ્રકરણોમાં ઠેર-ઠેર આપણને આપણાં ઉપનિષદોના અને ‘ગીતા’ના ભણકારા સંભળાય છે. પાંચમાં પ્રકરણનું મથાળું ‘ત્યાગીને ભોગવી જાણો’ ‘ઈશાવાસ્યોપનિષદ’માંથી લેવામાં આવ્યું છે. વાત પણ એ જ છે. આઠમા પ્રકરણનું શીર્ષક ‘સર્વ ભદ્રાણિ પશ્યન્તુ’ પણ એ ભારતીય સત્યનું જ પુનરુચ્ચારણ કરે છે. છઠ્ઠા પ્રકરણમાં લેખક પૂછે છે: ‘સુખનો શાશ્વત ભંડાર ક્યાં છે?’ ને ઉત્તર આપે છે, ‘એ છે તો તમારી અંદર જ… તમારી સ્વાર્થી ઇચ્છાઓને, અહંકારને, સ્વકેન્દ્રીપણાને છોડી દો ત્યારે જ તમને બધી જ વેદના, બધાં જ દુન્યવી દુ:ખોનું કારણ સમજાય. આ સમજ તે જ સાચું જ્ઞાન છે.’ ( ૫ ૪૭).

નવમાં પ્રકરણમાં લેખક કહે છે, ‘આપણી અપેક્ષાઓ આપણને દુ:ખ આપે છે અને દુ:ખમાંથી વ્યગ્રતા જન્મે છે પણ આકાંક્ષાઓ અને સ્વાર્થ જ્યારે છૂટાં પડે છે, મનમાંથી નીકળી જાય ત્યારે એની સાથે વ્યગ્રતા પણ નીકળી જાય… એટલે વ્યગ્રતા ચાલી જાય છે અને એનું સ્થાન શાશ્વત આનંદ લઈ લે છે.’ (પૃ. ૬૯) ‘ગીતા’ના અભ્યાસીને માટે આની નવાઈ નથી.

આ અવતરણો આપણને અજાણ્યાં નથી લાગતાં કારણ, આપણાં શાસ્ત્રોએ તો આ માર્ગ ક્યારનોય આપણને બતાવ્યો છે. દુ:ખ એટલું જ છે કે આપણે એ ભૂલી ગયાં છીએ, આપણાં શાસ્ત્રોની ઉપેક્ષા કરતાં થયાં છીએ અને પશ્ચિમના કોઈ પણ વિચારથી અંજાઈ જઈએ છીએ.

જેમ્સ એલન અમેરિકન સદ્ગૃહસ્થ છે. ‘ક્ષમા’ પરના પ્રકરણમાં (પૃ. ૫૫) કાશીના રાજા બ્રહ્મદત્તની વાતનું ઉદાહરણ એમાં અપાય તેની નવાઈ નથી. નવાઈ એ વાતની છે કે એની માંડણી ‘આપણા દેશની એક જૂની વાર્તા છે’ વાક્યથી થયો છે. જેમ્સ એલન ભારતનો ઉલ્લેખ ‘આપણા દેશ’ તરીકે કરે તે શી રીતે બની શકે? મૂળ પુસ્તક વાંચ્યું નથી એટલે મૂળ અંગ્રેજીમાં આ દૃષ્ટાંત અપાયું છે કે નહીં, અને અપાયું છે તો ‘આપણા દેશની’ વાર્તા તરીકે અપાયું છે કે નહીં તે ખબર નથી. તો અનામી અનુવાદકે – અનામી એ માટે કે અનુવાદકનું નામ આપવામાં આવ્યું નથી આ દૃષ્ટાંત ઘુસાડી દીધો હશે?

સરળ ભાષામાં, જરા પ્રેરક વાચન પૂરું પાડતું આ નાનું પુસ્તક, એની મર્યાદામાં રહીને, ઉપયોગી છે.

દુષ્યંત પંડ્યા

 સાભાર સ્વીકાર

શ્રી શિવ મહિમ્ન: સ્તોત્ર તથા શ્રી શક્રાદય સ્તોત્ર (સ્તુતિ): ગુજરાતી પઘ ભાષાંતર: લેખક તથા પ્રકાશક: શ્રી મકરંદ દેસાઈ, તખ્તેશ્વર પ્લોટ, ચંદ્રભુવન-૨, ભાવનગર. ‘નંદકુટિર’ શ્રી કોલોની-૫, રાજકોટ-૪. પૃષ્ઠ સંખ્યા ૩૦. કિંમત રૂ. ૪.

સંતગુંજન કવન અને ભાવાંજલિ: શ્રી મકરંદ દેસાઈ, તખ્તેશ્વર પ્લોટ, ચંદ્રભુવન-૨, ભાવનગર. ‘નંદકુટિર’ શ્રી કોલોની-૫, રાજકોટ-૪. પૃષ્ઠ સંખ્યા ૪૪. કિંમત રૂ. ૪.

પરમાત્મ – તત્ત્વ પ્રકાશ: ભાગ ૧-૨-૩: લેખક: પરમહંસ સચ્ચિદાનંદ (જય પ્રભુ) પ્રાપ્તિસ્થાન: ઈશ્વરની કુટિર, ઈન્દ્રપુરા, તા. વિજાપુર, જિ. મહેસાણા (ઉ.ગુ.) ભાગ – ૧ પૃષ્ઠ સંખ્યા: ૫૬. ભાગ – ૨ પૃષ્ઠ સંખ્યા: ૪૪. ભાગ-૩ પૃષ્ઠ સંખ્યા: ૪૬. કિંમત જણાવેલ નથી.

શ્રીબ્રહ્મવર્ય ગોંદવલેકર મહારાજનાં હૃદયસ્પર્શી સંસ્મરણો મૂળ સંગ્રાહક: લ.ગ. મરાઠે. ગુજરાતી અનુવાદ: હર્ષદ ઉપાધ્યાય: પ્રકાશક: શ્રી હર્ષદ ઉપાધ્યાય, શ્રી ચૈતન્ય એપાર્ટમેન્ટ્સ, બ્લોક નં. ૧૪, ચોથે માળે, કૃષ્ણબાગ, સ્ટેશન રોડ, મલાડ (વેસ્ટ), મુંબઈ – ૪૦૦૦૬૪. પૃષ્ઠ સંખ્યા: ૧૪૪ કિંમત રૂ. ૨૦.

દેશભાવના અને બાળ યુવા ગીતો: લેખક: મહિપતભાઈ જે. ટાંક “સત્યમ્”, પ્રકાશક: બી. જે. ટાંક, વિસાવદર. પૃષ્ઠ સંખ્યા: ૪૪ કિંમત રૂ. ૬.

Total Views: 158

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.