(નવી નારી નવાં વિધાન: લેખિકા: શ્રીમતી જયવતી કાજી: પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ – ૪૦૦૦૦૨: કિંમત રૂ. ૫૦)

આજના યુગના અનેક પ્રશ્નોમાંનો એક સળગતો પ્રશ્ન છે ‘બહેનો અને તેમનું અનેક પ્રકારે થતું શોષણ’. દુનિયાની લગભગ અડધી વસતિ ધરાવતી જે જાતિ છે તે સ્ત્રીની છે. છતાંય તેને પોતાનું સ્થાન, પોતાના હક્કો, પોતાની આગવી ઓળખ માટે લડત આપવી પડે છે. લેખિકાએ આ પ્રશ્નોને આજના સંદર્ભમાં મૂલવીને જુદા જુદા દેશોમાં આજે સ્ત્રીઓની કેવી પરિસ્થિતિ છે તે અંગે ૨૬ લેખોમાં પોતાના વિચારો રજૂ કર્યા છે.

સ્ત્રીઓએ પોતાના આગવા વ્યક્તિત્વ માટે શરૂ કરેલી ચળવળ આજે ક્યાં પહોંચી છે, તે અનુસંધાને પરિસ્થિતિમાં શું ફેરફાર થયો છે વગેરેની જુદા જુદા દેશોની આ વિષયને રજૂ કરતી લેખિકાઓનાં વિધાનો ટાંકીને, થયેલાં સર્વેક્ષણોના આંકડાઓ આપીને તથા કવિઓએ રચેલ કાવ્યોમાંથી નિષ્પન્ન થતા ભાવ વર્ણવીને કરી છે. જેમ કે

હવે તો માળામાંથી ઊંડું

બસ, બહુ થયું

ક્યાં લગી આમ ભરાઈ રહેવું?

સાવ ઘરકૂકડી!

ભારત, અમેરિકા, રશિયા, જાપાન જેવા દેશોના દાખલા આપીને તેમણે કહ્યું છે કે શરૂ થયેલી ચળવળને કારણે સ્ત્રીઓએ જે કંઈ મેળવ્યું છે તેનું મૂલ્ય બહુ આંકી શકાય તેમ નથી. કારણ કે મતાધિકાર, સમાન વેતન, વારસાહક્ક, શારીરિક, માનસિક અને જાતિય ત્રાસ વગેરેની બાબતમાં કાયદાથી લાભ મળ્યો છે પરંતુ તેનો અમલ સંપૂર્ણપણે કરાવવાની મજલ હજુ ઘણી લાંબી છે. એટલે આ બાબતોના અમલીકરણ માટે જરૂર છે સ્ત્રી શિક્ષણ અને સ્ત્રીની જાગૃતિની. આજની સ્ત્રીને પોતાના પ્રેમસભર કુટુંબ જીવનની સાથે પોતાનું આગવું વ્યક્તિત્વ જોઈએ છીએ. તેને દેવી નથી થવું – તેને સમકક્ષ સહચરી થવું છે.

કવિવર રવીન્દ્રનાથ ટાગોર, મધર ટૅરૅસા, શ્રીમતી માર્ગારૅટ મીડ વગેરેએ “સ્ત્રીઓનું સમાજમાં સ્થાન” વિશે જે વિધાનો કર્યાં છે તેમને યથાસ્થાને લેખિકાએ ટાંક્યાં છે. જેમકે, સ્વામી વિવેકાનંદે દસ દાયકા પહેલાં સાચું કહ્યું હતું, “સ્ત્રીઓનો ઉદ્ધાર કરવાવાળા પુરુષો કોણ? સ્ત્રીઓનો ઉદ્ધાર સ્ત્રીઓએ પોતે જ કરવો રહ્યો. પોતાની મુક્તિ પોતે મેળવવાની છે. પોતાનું ગૌરવ, પોતાનું સ્થાન એણે પોતે નિર્માણ કરવાનું છે.”

આજના સંદર્ભમાં પણ આ વાત તેટલી જ સાચી છે. આ સદીની નારી મુક્તિનો વિશિષ્ટ અવાજ છે. તેઓ કહે છે – “આવી સભાનતા આપણામાં તકદીરના સુકાની થવાની લાગણી જગાડે છે. આપણે જ આપણા ભાવિના ઘડવૈયા બનીએ એ બીજા કોઈ આપણને દોરે તેના કરતાં વધુ પ્રેરક છે. સ્થાયી ક્રાંતિ આપણી જ ભીતરના ઊંડા પરિવર્તનમાંથી આવે છે.”

સરળ ભાષામાં, સામાજિક ઉદાહરણો આપીને લખાયેલું આ પુસ્તક બહેનોના પ્રશ્નોને વાચા આપતું અને તે અંગે જાગૃત કરતું બની રહેશે.

પુષ્પા પંડ્યા

Total Views: 251

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.