(શ્રીરામકૃષ્ણ મઠના અધિષ્ઠાતૃદેવતા શ્રીરામકૃષ્ણ છે તો, પૂજ્ય શ્રીમા તેમની આધારશક્તિ છે. વૈશ્વિકપ્રેમનાં બંધનો વડે ભેદતાં તત્ત્વોને નિષ્કામ કરતી અને વિવિધતાને સમાવિષ્ટ કરતી શ્રી શારદાદેવીમાં મૂર્તિમંત થતી એ માતૃશક્તિ આ સંઘને સંગઠિત રાખે છે. મઠના સાધુઓ માટે, પૂજ્ય શ્રીમાનું પૂજન એ શ્રીરામકૃષ્ણ પરંપરાના વિધિસરના ઉપચાર કરતાં સવિશેષ છે; સત્ય અને સમાજને ઓળખવાની દૃષ્ટિ પ્રત્યે તેમનું વલણ નક્કી કરનારું એ પ્રેરક બળ છે. સ્વામી અશેષાનંદજી મહારાજને શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું. હાલ તેઓ અમેરિકામાં રામકૃષ્ણ સંઘના પોર્ટલેન્ડ કેન્દ્રના વડા છે. આ વર્ષે શ્રીમા શારદાદેવીની જન્મતિથિ ૨૪મી ડિસેમ્બરે વિશ્વભરમાં ઉજવાશે. આ પ્રસંગે તેમના સંસ્મરણો વાચકોના લાભાર્થે રજૂ કરી છીએ.)

એક અંગ્રેજ કવિએ કહ્યું છે:

આંધીઓમાં અને લોઢોમાં હોકાયંત્ર જ માર્ગદર્શક બને છે.

આ હોકાયંત્ર મારા આત્માનાં ચિરંતન પથદર્શક, પૂજ્ય શ્રીમા છે. ૧૯૧૭માં કલકત્તામાં, ‘ઉદ્બોધન’ કાર્યાલયમાં હું તેમને પ્રથમ વાર મળ્યો હતો. એ કાળે કલકત્તાની સેંટ પૉલ કેથેડ્રલ કૉલેજમાં હું ભણતો હતો. એ જ કૉલેજમાં ભણતા સ્વામી અખિલાનંદ જોડે, દર અઠવાડિયે બલરામ બાબુને ઘે૨ સ્વામી બ્રહ્માનંદને મળવા હું જતો. સ્વામી બ્રહ્માનંદના ચુંબક જેવા વ્યક્તિત્વથી, એમાં ભળેલી મધુર હાસ્યવૃત્તિથી અને, જેને હું શબ્દમાં વર્ણવી શકું તેમ નથી તેવા તેમના મારે માટેના તેમ જ સ્વામી અખિલાનંદ માટેના પ્રેમથી હું એમની તરફ આકર્ષાયો હતો. એક દિવસે ઠાકુરના કોઈ ભક્તને મળવા સ્વામી બ્રહ્માનંદ કલકત્તે ગામમાં ગયા હતા. હું થોડી વાર રોકાયો પરંતુ, મહારાજ પાછા આવ્યા નહીં. એમના કોઈ અંતેવાસીએ મને કહ્યું કે ‘મહારાજ જે કુટુંબને મળવા ગયા છે ત્યાં સાંજનું ખાણું લઈને જ આવશે.’

વખત વીતવા લાગ્યો. બલરામ મંદિરમાં, ડેલાને ઓટલે બેસી વાતો કરતા કેટલાક ભક્તોને મેં જોયા. એમાંથી એક મારી પાસે આવ્યો અને બોલ્યો: ‘જયરામવાટીથી પૂજ્યશ્રીમા ઉદ્બોધનમાં આવ્યાં છે. ત્યાં જઈ એમને પાયે લાગવા જવા અમે વિચારીએ છીએ. તું આવીશ અમારી સાથે? મેં કહ્યું, ‘સ્વામી અખિલાનંદને પૂછીને તમને કહું. બાજુના ઓરડામાં, મઠના એક વરિષ્ઠ સાધુ સાથે સ્વામી અખિલાનંદ વાત કરતા હતા ત્યાં જઈ તેમની સલાહ માગી. એમણે હા પાડી. જો કે, કોઈ બીજા કામ અંગે પોતે આવી શકે એમ ન હતા. એ ભક્તોની સાથે એ થોડું અંતર ચાલીને કાપી નાખ્યું અને પંદર મિનિટમાં અમે ઉદ્બોધનમાં પહોંચી ગયા. ત્યાં આત્મશક્તિથી અભિભૂત વાતાવરણમાં મને શાંતિ લાધી. ત્યાં મને કાર્યાલયના ખંડમાં બેસાડવામાં આવ્યો. મને સ્વામી ધીરાનંદ મળ્યા. હું એમને જાણતો હતો અને એ મારી પર ખૂબ દયાભાવ રાખતા, મારી તબિયત વિશે અને મારા અભ્યાસ વિશે તેમણે પૂછ્યું અને મારા ભાવાત્મક ઉત્તરોથી તેઓ સંતોષ પામ્યા. અચાનક તેઓ બોલી ઊઠ્યા, ‘તારા જવાબથી મને સંતોષ છે. પણ મને એક બાબત જણાવ. તારા આધ્યાત્મિક જીવનનો ભાર કોણ લેશે? (બંગાળીમાં ભાર નેબે કે?) હું કૉલેજમાં વિદ્યાર્થી હતો અને મારા પાશ્ચાત્ય શિક્ષણનું મને અભિમાન હતું. મેં ઉત્તર વાળ્યો, ‘સ્વામીજી, મારો ભાર ઊંચકવા હું સમર્થ છું. બીજાને માથે ભાર નાખવો એ મનની નબળાઈ છે. મારા ઉત્તરથી તેઓ ગુસ્સે ન થયા પણ, મોઢા ૫૨ હાસ્ય સાથે તેમણે કહ્યું, ‘ધર્મની બાબતમાં તું સાવ બાળક છે. અધ્યાત્મનો લાંબો પંથ જેણે ખેડ્યો છે તેમને તારે ધ્યાનથી સાંભળવા જોઈએ. માની લે કે તું કોઈ અંધારી ઊંડી ગુફામાં દેવદર્શને જઈ રહ્યો છે. તારું માથું આમતેમ અથડાશે અને તું ઉઝરડાવાળા શરીરે પાછો આવીશ. પણ ધાર કે હાથમાં મશાલ પકડીને તને કોઈ દોરી લઈ જાય તો, તું દેવનાં દર્શન કરી શકીશ? અને ઈજા પામ્યા વગર હસતે મુખે બહાર પાછો આવી શકીશ.’ પવિત્ર સાધુપુરુષના આ શબ્દો સાંભળી મેં જરા વિચાર કર્યો અને તુરત મારા અંતઃકરણમાંથી સંસ્કારી જ્ઞાનનો ગર્વ ગળી ગયો. હું વિનમ્ર બન્યો, અને ગુરુની, આકરા જીવનપંથને અજવાળનાર જ્યોતિર્દાતાની જરૂર મને સમજાઈ. 

એ દર્શનનો દિવસ હતો. પૂજ્ય શ્રીમાનાં દર્શન માટે એમના ઘ૨માં સેંકડો માણસ નીચે એકઠું થયું હતું. સ્વામી ઘીરાનંદે મને સૂચન કર્યું, ‘તું માનાં દર્શન માટે જા ત્યારે, પોતાની અનર્ગળ કૃપાથી તને આશિષ આપવા હું તેમને વિનંતી કરજે.’ પરંતુ, શ્રીમાના સાંનિધ્યમાં જવાનું મને કહેવામાં આવ્યું ત્યારે, ત્યાંના માર્ગદર્શક એક બ્રહ્મચારીએ મને કશું બોલવાની મનાઈ કરી હતી. માનાં દર્શન કરી આવીને મેં સ્વામી ધીરાનંદને કહ્યું કે, ‘માની સમીપ મને કશું બોલવાની મનાઈ ફ૨માવાઈ હતી.’ આ સાંભળી સ્વામી ધીરાનંદે સ્વામી અરૂપાનંદને બોલાવ્યા અને તેઓ મને ફરીથી ઉ૫૨, શ્રીમા પાસે લઈ ગયા. આ વેળા માના મોં પર ઘૂમટો ન હતો. સ્વામી અરૂપાનંદે તેમને કહ્યું કે હું સ્વામી બ્રહ્માનંદ પાસે અવારનવાર આવતો હતો. એમણે અરૂપાનંદને કહ્યું, “આને દીક્ષા આપવા માટે રાખાલ પૂરો સમર્થ છે, એ રાખાલને જ તેમ કરવા કહે.” આ સાંભળી મેં ખૂબ વિનમ્રતાથી કહ્યું, ‘મા, આપ મને દીક્ષા ને આશીર્વાદ આપશો તો એ મારું મહાસૌભાગ્ય લેખીશ.’ માએ હા પાડી, એમણે તિથિ નક્કી કરી, અને તે દહાડે ઉપવાસ કરી, ગંગાસ્નાન કરી મારે નીચે હાજર થવું તેમ ઠરાવ્યું. એમનાં સૂચનોનો મેં પૂરો અમલ કર્યો. પોતાની ઠાકુર-પૂજા પૂરી કર્યા પછી કોઈ સાધુને કહી શ્રીમાએ મને ઉ૫૨ બોલાવ્યો. દેવઘ૨માં પોતાની બાજુએ એક આસન પર મને તેમણે બેસાડ્યો. મારા આધ્યાત્મિક જીવન વિશે એમણે કેટલાક સવાલ મને કર્યા ને મેં એમને સાચા ઉત્તર વાળ્યા. ઊંડું ધ્યાન કર્યા પછી શ્રીમાએ મને પાવનકારી બીજ મંત્ર આપ્યો. નાનપણથી જેમને મેં ઈષ્ટ તરીકે સ્થાપ્યા હતા તે જ શ્રીમા પસંદ કરશે કે કેમ તે વિશે આગલી રાતે હું ચિંતા કરતો હતો. માએ એ જ ઈષ્ટની ઉપાસનાનું મને કહ્યું તેનું મને મોટું આશ્ચર્ય થયું. હું કંઈ બોલ્યો નહીં. શ્રીમા મારું અંતર જાણી ગયાં હતાં કારણ એ અંતર્યામિની હતાં. એમની કૃપાથી હું પામી શક્યો છું કે, મનુષ્ય ખંતીલો, નિષ્ઠાવાન અને પૂરા ભાવવાળો હોય તો આ જીવનમાં જ, એ ઈશ્વરનો પ્રત્યક્ષ અનુભવ કરી શકે છે.

આજે સીતેર વર્ષ પછી, મને સ્પષ્ટ કળાય છે કે શ્રીમા મારી ચેતનામાં જીવંત છે અને આ સંસાર સાગરને પાર કરી ચિરંતન જ્યોતિ અને આનંદના રાજ્યમાં મને લઈ જવા માટે તેમનો વરદ હસ્ત મારા શિર પર મંડાયેલો છે. જે સદા અવર્ણનીય છે તેને વર્ણવવાનો મારો આ નમ્ર પ્રયત્ન છે!

મારા હૃદયના પાવક મંદિરે

મારા લાડકાં મા પધાર્યા છે.

એમને હું શું ધરું?

મારી પાસે મૂલ્યવાન વસ્તુઓ નથી.

એમને ચરણે હું

મારો એકલ આત્મા

અને મારું પ્રાયશ્ચિતપૂર્ણ હૃદય ધરું છું.

મારી ભેટ સ્વીકારે ને

પોતાની અપાર કરુણાથી મને

એ આશિષ આપે.

પૂજ્ય માની ભવ્ય દિવ્યતાની ઝાંખી મને કરાવવા બદલ હું સ્વામી શારદાનંદનો સદાનો ઋણી છું. એમના અંગત સચિવ તરીકે હું કામ કરતો હતો ત્યારે, એકવાર પૂજ્ય શ્રીમાએ દીક્ષા સમયે નહીં દાખવેલી પદ્ધતિ મને દાખવવા મેં એમને કહ્યું. એમણે મને ઠપકો આપ્યો. એમણે મને ખખડાવ્યો, ‘પૂજ્ય શ્રીમાએ તને જે આપ્યું છે તેમાં વધારો કરવાનું મને કહેનારો તું મોટો મૂરખ છે. મા માત્ર સંઘજનની નથી, સમસ્ત માનવજાતની જનેતા છે. એમણે આપેલા મંત્રને જ વળગી રહે, એ મંત્રના અર્થનું ધ્યાન ધર. એ દિવ્ય જનનીનાં ચરણને વળગી રહે. તારી જિજ્ઞાસા તીવ્ર અને ઊંડી હશે તો તું ઈશ્વર સાક્ષાત્કાર પામીશ.’

મારાં ચર્મચક્ષુથી મેં શ્રીરામકૃષ્ણને નથી નીરખ્યા. પરંતુ મારી આ જ આંખો વડે મેં પૂજ્ય શ્રીમાને જોયાં છે. એમને જોયાં છે એટલું જ નહીં પણ, એમણે આપેલો પવિત્ર શબ્દ મેં મારા કાને સુણ્યો છે. એ મંત્રના માત્ર હોઠના જપથી નહીં પણ અંતરના જપથી મને અંધારામાં તેજ લાધ્યું છે. નિરાશામાં આશા લાધી છે અને જીવનના ઝંઝાવાતોમાં શાંતિ લાધી છે. ૧૯૪૭માં હું અમેરિકા આવ્યો ત્યારથી, પૂજ્ય શ્રીમા મારે માટે શક્તિનો આધાર અને પ્રેરણાનો કદી નિષ્ફળ ન જનાર સ્રોત બની રહ્યાં છે. પોતાના માળા પર આંધી આવી ચડે ત્યારે બચ્ચાનું રક્ષણ કરનાર પંખિણીની જેમ તેમણે મને બધા ભય અને બધી મુશ્કેલીઓમાં રહ્યો છે. થોડાંક વર્ષો પહેલાં મારે માટે શસ્ત્રક્રિયા કરાવવી પડી હતી. માની કૃપાથી બધું હેમખેમ પાર ઊતર્યું. શસ્ત્રક્રિયા પહેલાં મારા માનસપટ પર મને તેમની ઝાંખી થઈ અને મારા હૃદયે આ ચેતનવંતા બોલ સાંભળ્યા: ‘ગભરાતો નહીં, હું અભયા છું. હિમાલય જેવાં વિઘ્નો પણ પાર થઈ જશે અને તું સાજોનરવો થઈ જશે. કારણ કે, પોતાના જણ્યા માટે મા લે તેવી તારી કાળજી હું લઉં છું. મારી ચમત્કારી અને ઝડપી સુધારણાથી મારી દેખરેખ રાખનાર યહૂદી દાક્તરને આશ્ચર્ય થયું હતું.

મને દૃઢ શ્રદ્ધા છે કે પૂજ્ય માએ આપણા હાથ ઝાલ્યા છે અને તે આપણને આપણા નિર્ધારિત ધ્યેય ભણી લઈ જાય છે. જેવી કૃપા પૂજ્ય શ્રીમાએ મારી ઉ૫૨ કરી છે તેવી સૌ વાચકો ઉ૫૨ તે કરો અને સૌને અવિચલ ભક્તિ, અડગ શ્રદ્ધા અને આપણા અંતરમાં વસી રહેલા પરમાત્મા પ્રત્યે દૃઢ પ્રેમ આપો. પરસ્પર સહાય, બંધુભાવના અને પ્રેમના નક્કર પાયા ૫૨ શ્રીમા પૂર્વ અને પશ્ચિમની અતૂટ એક્તા સાધો.

સૌનું મંગલ થાઓ.

સૌને સુખ પ્રાપ્ત થાઓ.

સૌ સત્યનું દર્શન કરો અને જ્ઞાન, શુભેચ્છા અને વિવેકનું કવચ સૌને રક્ષો. પૂજ્ય શ્રીમાને મારી આ પ્રાર્થના છે, હું એમને પૂજું છું ને ભજું છું અને મારા હૃદયના શાંત મંદિરમાં હું તેમને સ્થાપું છું.

ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

ભાષાંતર: શ્રી દુષ્યંત પંડ્યા

(રસિક વાચકોએ આ જ લેખકના પુસ્તક ‘મહાત્માની ઝાંખી’ (સ્વામી શારદાનંદનું શબ્દચિત્ર), હૉલીવુડની વેદાંત સોસાયટીનું પ્રકાશન જોવા વિનંતી)

Total Views: 276

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.