પરીક્ષાની તૈયારી

વ્હાલા યુવા વાચકો,

તમારી વાર્ષિક પરીક્ષાની તૈયારી માટે લગભગ એક મહિના જેટલો સમય બાકી છે, એટલે કે પરિણામ પર અસર કરતા ખૂબ જ નિર્ણાયક સમયગાળામાં તમે પ્રવેશી ચૂક્યા છો. આ અંગેનાં થોડાં માર્ગદર્શક સૂચનો અહીં આપેલ છે.

આ કિંમતી સમયમાં તૈયારી કેમ કરશો?

આખા દિવસ દરમિયાન ઘણો સમય બિનજરૂરી રીતે બગડતો હોય છે તે બચાવી તેનો વાંચનમાં ઉપયોગ કરો. કેટલા કલાક વાંચો છો તે નહિ પણ કેટલું એકાગ્રતાપૂર્વક વાંચી નક્કર કાર્ય કરો છો અને પરિણામ લાવી શકો છો તે મહત્ત્વનું છે.

અભ્યાસક્રમ સારી રીતે તૈયાર કરવા માટેનું આયોજન કરી, પરીક્ષા અંગેની કોઈ ચિંતાની પળોજણમાં પડ્યા વિના વાચન – મનન – લેખનમાં મંડ્યા રહો.

જે વિષય અઘરો જણાતો હોય કે રસ ન પડતો હોય તેને અવગણો નહિ પણ તેને માટે ચોક્કસ અને વધુ સમય ફાળવો.

એક વખત વિષયાંગ (ટૉપિક) તૈયાર થઈ જાય પછી એ કદાચ ભુલાઈ જાય તો ચિંતા કરશો નહિ કારણ કે તેને ફરીથી એકાગ્રતાપૂર્વક તૈયાર કરવામાં ઘણો ઓછો સમય લાગે છે.

પરીક્ષાના વીસ પચીસ દિવસ અગાઉ દરેક વિષયનાં થોડા મૉડૅલ પ્રશ્નપત્ર લખવાનો મહાવરો રાખો, તેમ કરવાથી તમારી ક્ષતિઓ દૂર થશે, લખવાની ઝડપ વધશે, તૈયારી સચોટ થશે, પરીક્ષાનો ભય દૂર થશે, આત્મવિશ્વાસ વધશે.

આવા મૉડૅલ પ્રશ્નપત્રમાં ન આવડતી વિગતો સમજણપૂર્વક તૈયાર કરી નાખો.

પરીક્ષાના દિવસો દરમિયાન વાંચવામાં તેમ જ લખવામાં કેવી કાળજી રાખશો?

પરીક્ષાના આગલે દિવસે ધીમે ધીમે શાંતિથી, સ્વસ્થતાથી, વ્યવસ્થિત રીતે અભ્યાસક્રમનું ઝડપી પુનરાર્તન કરો, વિહંગાવલોકન -સિંહાવલોકન કરો, કોઈ પણ સંજોગોમાં આખી રાતનો ઊજાગરો કરશો નહિ.

પરીક્ષાના એકાદ – બે કલાક પહેલાં વાંચવાનું બંધ જ કરી દો અને સ્વસ્થ અને આનંદિત રહો. છેલ્લી ઘડી સુધી વાંચવાથી ફાયદા કરતાં નુકસાન વધુ થાય છે.

તમે સફળ થશો જ, પેપર સારું જ જશે તેવા દૃઢ મનોબળ સાથે પરીક્ષા ખંડમાં પ્રવેશો.

પહેલા પાંચેક મિનિટમાં પ્રશ્નપત્ર જોઈ જાઓ. તેમાં અઘરો કે ન આવડતો પ્રશ્ન દેખાય તો સ્વસ્થતા ગુમાવશો નહિ! પે૫૨માં બીજું ઘણું આવડે તેવું છે તેમ વિચારો.

ખૂબ જ સારા આવડતા પ્રશ્નો સહુથી પહેલાં લખો જેથી એક સારી અને અસરકારક શરૂઆત થાય.

કોઈ પ્રશ્નને જરૂર કરતાં વધુ સમય ન ફાળવો, આવડતું હોય છતાં રહી જાય તેવું તો ન જ બનવું જોઈએ.

લાંબા પણ અસ્પષ્ટ લખાણ કરતાં ટૂંકુ પણ સ્પષ્ટ મુદ્દાસરનું સારું લખાણ પરીક્ષકને તમારા બનાવે છે અને વધુ ગુણ અપાવે છે.

જવાબ લખતાં પહેલાં તેમાં શું પૂછ્યું છે તે બરાબર સમજી, મનમાં જવાબના મુદ્દાઓનો ક્રમ ગોઠવીને પછી લખવાનું શરૂ કરવાથી મુદ્દાસર, સ્પષ્ટ, સારો અને ઝડપી ઉત્તર એની મેળે પેનમાંથી જાણે કે સ૨વા માંડશે.

સારી આકૃતિ, સારા અક્ષરો, વ્યસ્થિત અને મુદ્દાસર, સ્પષ્ટ, અને સારું લખાણ તેમ જ યોગ્ય સ્થળે શીર્ષકો અને પેરેગ્રાફવાળા આકર્ષક ઉત્તર સહેજે વધુ ગુણ અપાવે છે. એટલું જ નહિ તમારા ઉત્તર સામાન્ય વિદ્યાર્થીના ઉત્તર કરતાં અલગ તરી આવે એવો સભાન પ્રયત્ન કરો.

તમારું પે૫૨ દશેક મિનિટ પહેલાં પૂરું થાય તેવું આયોજન કરો, જેથી કોઈ ઉત્તરમાં ભૂલ નજરે ચડે તો તે સુધારી શકાય.

એકાદ પેપર ધાર્યા કરતાં નબળું જાય તો નિરાશ ન થશો. પણ વધુ જુસ્સાથી બીજા પેપરની તૈયારીમાં લાગી જશો.

મિત્રો, ચિ૨ યુવા સ્વામી વિવેકાનંદ આપણને ઉદ્દેશીને કહે છે: “જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત, અને દૃઢ ઈચ્છાશક્તિ હોવા જોઈએ. ખંતીલો માણસ કહે છે: ‘હું સાગરને પી જઈશ, મારી ઈચ્છા થતાં વેંત પર્વતો કડડભૂસ થઈ તૂટી પડશે. આવી ઈચ્છાશક્તિ દાખવો, જો તમે પુરુષાર્થ કરશો તો જરૂ૨ ધ્યેયને પામી શકશો, તમે જેવા વિચારો કરશો તેવા તમે થશો. જો તમે તમારી જાતને સમર્થ માનશો તો તમે સમર્થ બની જશો.”

કેમ, હિંમત આવી ગઈને? બસ, આ હિંમત અને જુસ્સાને ટકાવી રાખવા તમારા વાંચન ટેબલ પર સ્વામીજીનું એક ચિત્ર અને એકાદું પુસ્તક રાખી તેમાંથી શક્તિ મેળવો.

તમને ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવીને અહીં વિરમીએ છીએ.

Total Views: 127

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.