(આપણી માતૃભૂમિ-ભારતભૂમિ નવલોહિયાનાં બલિદાનો માગે છે’ – સ્વામી વિવેકાનંદજીની આ દેશભાવના અને એ સ્વાતંત્ર્ય લડતના યુગમાંઅમોને ખબર નથી અમારે પંથ શી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છેની ભાવનાને વરેલા શ્રી રતુભાઈ અદાણી એક સ્વાતંત્ર્ય સેનાની છે. ભારતને આઝાદી અપાવવાં કેટકેટલાં બલિદાનો અપાયાં હશે તેનો ખ્યાલ કરીને આજની યુવા પેઢી સ્વાતંત્ર્ય સેનાનીના જીવનમાંથી જાણીને એના સંદેશને ઝીલીને દેશને એક અને અખંડ રાખવા અને તેનું નવનિર્માણ કરવા, પોતાનું સર્વસ્વ અર્પણ કરવા તૈયાર થશે એવી આશાથી આ લેખ રજૂ કરીએ છીએ. – સં.)

‘‘દુનિયાના કેટલાક પરાધીન દેશોએ સ્વાધીનતા હાંસલ કરવા માટે વરસો સુધી ખૂનખાર જંગ ખેલ્યા છે, પોતાના હજારો શૂરવીર યોદ્ધાઓના લોહી વહેવડાવ્યાં છે અને અનેક પ્રકારના બલિદાનો આપ્યાં છે, જ્યારે આપણા દેશને આઝાદી પ્રાપ્ત કરવા માટે નથી ખેલવા પડ્યા ખૂનખાર જંગ, નથી વહેવડાવવા પડ્યાં આપણા બહાદુર લડવૈયાના લોહી કે નથી આપવા પડ્યા ભારે ભોગ કે બલિદાન. ગાંધીજી જેવા યુગપુરુષના પ્રતાપે આપણને તો રમતાં રમતાં આઝાદી મળી ગઈ છે.” એવી કેટલાક લોકોમાં માન્યતા જોવા સાંભળવા મળે છે. પરંતુ આવી માન્યતા સત્યથી ઘણી વેગળી છે.

કેવળ વેપાર કરવા માટે આપણા દેશમાં આવેલા અંગ્રેજ લોકો આપણી અનેક નબળાઈઓનો ગેરલાભ ઊઠાવીને આપણા દેશના ધણી થઈ બેઠા. વખત જતાં લોકોને અંગ્રેજ લોકોની ગુલામી કોઠે પડી ગઈ. શાળાઓમાં અભ્યાસ કરતા આપણા કુમળી વયનાં બાળકોના મગજમાં અંગ્રેજ લોકોના ગુણગાન ઠસાવવાનું શરૂ થઈ ગયું. આપણા જ દેશના અનેક નાગરિકો પોતાના સ્વાર્થ ખાતર અંગ્રેજ શાસનના હાથા બનીને આપણા જ લોકો ઉ૫૨ જુલ્મ વરસાવવા લાગ્યા. દેશભરમાં અંધકાર છવાઈ ગયો.

પરંતુ કોઈ પણ દેશની પ્રજા કાયમ માટે ગુલામી ભોગવી શકે નહીં. લોકોમાં વહેલી મોડી આઝાદીની ભૂખ જાગ્યા વિના રહેતી નથી. આપણા દેશમાં પણ અંગ્રેજી રાજ્યના ગુણગાન ગાયા પછી આઝાદીની ભૂખ ધીરે ધીરે ઉઘડવા લાગી. દેશના કેટલાક મહાપુરુષોએ આપણા લોકોમાં આઝાદીની ચિનગારી પેટાવવા માટે પોતપોતાની રીતે પ્રયાસો શરૂ કરી દીધા. દેશમાં અને ખાસ કરીને દેશના યુવાનોમાં સળવળાટ શરૂ થયો.

શ્રીરામકૃષ્ણ ૫૨મહંસના ૫૨મ જ્ઞાની, ૫૨મ વૈરાગી, ૫૨મ ભક્ત એવા શિષ્ય સ્વામી વિવેકાનંદજીએ દેશના ઊંઘતા લોકોમાં અને ખાસ કરીને દેશના ઊંઘતા યુવાનોમાં રાષ્ટ્રભક્તિ જગાડવા માટે કરેલો પ્રયાસ મારી દૃષ્ટિએ સૌથી વધુ અસરકારક અને પ્રભાવશાળી નીવડ્યો છે. ‘ઊઠો, જાગો અને ધ્યેય હાંસલ કર્યા વિના ઝંપો નહીં.’ એવી એમની હાકલે દેશને બેઠો કરી દીધો. ‘સૂર્યાસ્ત પછી સૂર્યોદય થાય જ એ કુદરતનો ક્રમ છે. ગુલામીનો સૂર્યાસ્ત થઈ ગયો છે. સ્વાધીનતાનો સૂર્યોદય થવામાં છે.’ એમ કહીને એમણે દેશમાં આઝાદીની ચેતના પ્રગટાવી દીધી.

આઝાદી હાંસલ કરવા માટે આપણી પાસે દુનિયાભરમાં બળુકા લેખાતા અંગ્રેજી શાસનના સૈન્યનો મુકાબલો કરી શકે એવું સૈન્ય નહોતું. અંગ્રેજી સેના પાસે હતાં એવાં અદ્યતન શસ્ત્રો નહોતાં, અંગ્રેજી શાસનમાંથી દેશને મુક્ત કરાવવાની કોઈ તાકાત ન હતી. પણ સ્વાધીનતા હાંસલ કરવા માટે આપણા દેશના અધીરા બનેલા યુવાનોએ સશસ્ત્ર ક્રાંતિનો માર્ગ અપનાવી લીધો. ગમે ત્યાંથી, ગમે તેમ કરીને થોડા ઘણાં શસ્ત્રો મેળવીને કે બૉમ્બ જેવા ઘાતક શસ્ત્રો નિર્માણ કરીને અંગ્રેજ રાજ્યના જુલમી અમલદારોને અને એમના સમર્થકોને ગોળીએ વીંધવાનું એમણે શરૂ કરી દીધું. આવા એકલદોકલ અમલદારોને કે સમર્થકોને મોતને ઘાટ ઉતારવાથી દેશની આઝાદી પ્રાપ્ત કરવાની કોઈ શક્યતા નહોતી. પરંતુ દેશના યુવાનોમાં ફનાગીરીની ભાવના પ્રગટાવવા મથતા અને મોતને મુઠ્ઠીમાં લઈને દેશભરમાં ભમતા આ યુવાનોનો પથ બહુ આકરો હતો. ભાઈ ૫૨માણંદદાસ જેવા કેટલાયે યુવાનોને કાળા પાણીની સજા ફટકારવામાં આવી. સરદાર ભગતસિંહજી, સુખદેવ, રાજગુરુ, ખુદીરામ બોઝ જેવા કંઈક યુવાનો ‘ભારત માતાની જે’ બોલાવતા અને હસતા હસતા ફાંસીને માંચડે લટકી ગયા. આ જેવી તેવી ફનાગીરી ન લેખાય.

આપણા દેશમાંથી મજૂરી કરવા અને રોટલો રળવા માટે દક્ષિણ આફ્રિકા ગયેલા ભારતવાસીઓ ઉપર ત્યાંની અંગ્રેજ સરકાર દ્વારા વ૨સતા અપમાન અને જુલમ જોઈને કેવળ વકીલાત ક૨વા દક્ષિણ આફ્રિકા ગયેલા બૅરિસ્ટર ગાંધી કકળી ઊઠ્યા. એમણે ભારતવાસીઓને સંગઠિત કર્યા. અંગ્રેજી રાજ્યની સશસ્ત્ર સેના સામે, હાથમાં હથિયાર લીધા વિના, સત્ય અને અહિંસાને માર્ગે લડવા માટે એમણે સત્યાગ્રહનું અમોઘ શસ્ત્ર શોધી કાઢ્યું. ત્યાગ, જીવનસર્વસ્વનાં ભોગ અને બલિદાનના માર્ગે શરૂ થયેલા સત્યાગ્રહમાં ગાંધીજીએ મેળવેલી સફળતા જોઈને હિંસક યુદ્ધોમાં રાચતું સારું વિશ્ર્વ તાજ્જુબ બની ગયું.

આફ્રિકામાં જ્વલંત વિજય હાંસલ કરીને ગાંધીજીએ ભારતના કિનારે પગ મૂક્યો. ભારત આવીને તેઓ સમગ્ર દેશમાં ઘૂમી વળ્યા અને ભારતના રાજકારણની ધૂરા સંભાળી લીધી. સને ૧૯૨૧માં એમણે શરૂ કરેલા અસહકાર આંદોલન વખતે મારી સાત વર્ષની વયે હું મુંબઈમાં અભ્યાસ કરતો હતો. એ વખતે મેં હજારો સ્વયંસેવકોને હાથમાં ત્રિરંગો ઝંડો અને માથે ખાદીની ટોપી સાથે બજારોમાં ઘૂમતા અને સેંકડોની સંખ્યામાં જેલ ભણી કૂચ કરી જતા જોયા છે. લોકોએ લાખોની કિંમતના પોતાના પરદેશી કપડાં હોળીમાં સળગાવી મૂક્યાં. પરદેશી કાપડ અને દારૂની દુકાનો ઉ૫૨ હજારો બહેનોએ પીકેટીંગ કરી, નરાધમ પોલીસોના દંડા ઝીલ્યા. કંઈક વકીલોએ ધીખતી વકીલાત છોડી, દાક્તરોએ દાક્તરી છોડી, સ૨કારી નોકરોએ નોકરીનો ત્યાગ કર્યો, વિદ્યાર્થીઓએ અંગ્રેજી શાળાઓને રામરામ કર્યા.

તિલક મહારાજ, ગાંધીજી જેવા દેશના આગેવાનોને છ-છ વર્ષની સજાઓ ફટકારવામાં આવી, દેશભરમાં દેશની સ્વાધીનતા માટે અજબની ચેતના પ્રગટી ગઈ. અસહકારનો પ્રભાવ થોડો શાંત પડ્યો એટલે ગાંધીજીના આદેશથી હજારો યુવાનો જુદી જુદી રચનાત્મક પ્રવૃત્તિઓમાં ગુંથાઈ ગયા. આ જેવી તેવી કુ૨બાની ન લેખાય.

સને ૧૯૩૦માં કોંગ્રેસે સંપૂર્ણ સ્વાધીનતા હાંસલ કરવાનું ધ્યેય સ્વીકાર્યું અને એ ધ્યેય સિદ્ધ ક૨વા માટે સને ૧૯૩૦માં સત્યાગ્રહ સંગ્રામ શરૂ થયો. હું ત્યારે યુવાનીમાં ડગ માંડી રહ્યો હતો. પરંતુ દેશની આઝાદીના જંગમાં ઝંપલાવવાની દેશના યુવાનોની ફરજ છે એમ સમજી દેશભરમાં મારા જેવા હજારો યુવાનોએ અંગ્રેજી રાજ્યની સશસ્ત્ર સેના સામે અહિંસક સત્યાગ્રહનું યુદ્ધ ખેડવા માટે રણમોરચાઓ ગજાવી મૂક્યા. અંગ્રેજ લોકોએ મા૨પીટ, ધોકાબાજી, લાઠીમાર, ગિરફતારી, આકરી જેલ, ક્યાંક ક્યાંક ઘોડદોડ અને ક્યાંક ગોળીબાર દ્વારા સત્યાગ્રહીઓ ઉપર જુલમ ગુજારવામાં કોઈ કમી ન રાખી. અસંખ્ય યુવાનોએ માથાં ફોડાવ્યાં, અસંખ્ય સત્યાગ્રહીઓએ હાથ-પગનાં હાડકાં ભંગાવ્યાં.

ગાંધીજીના આદેશથી અંગ્રેજ સરકારને જમીન મહેસૂલ ન ભરનાર ખેડૂતોની જમીન, ખોરડાં, ઢોરઢાંખર, બધું જપ્ત કરી, પાણીના મૂલે એની હરરાજી કરી, અસંખ્ય ખેડૂતોને રઝળતા કરી મૂક્યા. નાનાં નાનાં બાળકોએ વાનરસેના રચીને ‘હાઉ હાઉ’ના પોકારો સાથે, તેમ જ નાની નાની બાળાઓએ માંજર સેના રચી ‘મ્યાઉં મ્યાઉં’ના પોકારો સાથે સત્યાગ્રહીઓના કાર્યક્રમોમાં ઘણી મોટી મદદ કરી. પીકેટીંગ કરતી બહેનો ઉ૫૨ અંગ્રેજ અધિકારીઓના આદેશથી ઘોડેસવારોએ પોતાના ઘોડા દોડાવીને કંઈક બહેનોને ઘાયલ કરી. આમ છતાં ભારતના લાખો નાગરિકોએ અને યુવાનોએ આ બધા જુલમો હસતા મોઢે સહન કરીને, દેશની સ્વાધીનતા હાંસલ કરવાની પોતાની તાલાવેલી અને તમન્નાનો અંગ્રેજ સરકારને પરિચય આપ્યો.

સને ૧૯૩૪માં ગાંધીજીએ પોરો ખાવા માટે સત્યાગ્રહ સંગ્રામ મોકુફ રાખ્યો ત્યારે ફરી એમણે દેશના યુવાનોને કોઈને કોઈ રચનાત્મક પ્રવૃત્તિ હાથ ધરી ગામડાઓમાં જઈ, દટાઈ જવાની હાકલ કરી અને સમગ્ર દેશના મારા જેવા હજારો યુવાનો ગાંધીજીની હાકલ શીરોમાન્ય ગણી, વર્ષો સુધી મનપસંદ રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે ગામડામાં દટાઈ ગયા. આને જેવા તેવા ભોગ અને બલિદાન કહેવાય?

ફરી ૧૯૪૨માં કોંગ્રેસે ગાંધીજીના નેતૃત્વ નીચે અંગ્રેજી રાજ્ય સામે સ્વાધીનતાનો આખરી જંગ શરૂ કર્યો. આ પ્રસંગે તો દેશનાં લાખો ભાઈ-બહેનો અને નાનાં નાનાં બાળકો પણ સ્વાધીનતાના આખરી સંગ્રામમાં સામેલ થઈ ગયાં. વિશ્વ યુદ્ધમાં અટવાયેલ અંગ્રેજ સરકારે આ જંગનો સામનો કરવા માટે અહિંસક પ્રજા ઉપર જુલમો વરસાવવામાં કોઈ કચાશ રાખી નહીં. બધા આગેવાનોને રાતોરાત ઝડપી લીધા. મોટી સંખ્યામાં કાર્યકરોને જેલના સળિયા પાછળ ધકેલી દઈને, જેલના કાનૂન નેવે મૂકી, એમના પર જુલમનો દોર શરૂ કરવામાં આવ્યો. કંઈક યુવાનોએ માથાં ભંગાવ્યાં, કંઈક લોકોએ પોતાના હાડકાં ભંગાવ્યાં. કોઈ કોઈ સ્થળે જુવાનોએ સામી છાતીએ ગોળીઓ ઝીલીને પોતાના જાન કુરબાન કર્યા. ગાંધીજીએ પોતાના જેલવાસ દરમિયાન જ આગાખાનના બંગલામાં પોતાના અંગત મંત્રી શ્રી મહાદેવભાઈને અને પોતાના જીવનમાં સદાય સાથે રહીને અનેક પ્રકારની યાતનાઓ ભોગવનાર કસ્તુરબાને ગુમાવ્યાં. દેશની આઝાદી માટે સમર્પણ અને બલિદાનનો આ જેવો તેવો ઈતિહાસ ન લેખાય.

પવિત્ર ધ્યેયની સિદ્ધિ અર્થે આપેલાં ભોગ-બલિદાન કદી એળે જતાં નથી. સને ૧૯૪૨માં આપણી સ્વાધીનતા માટે શરૂ થયેલા જંગના પરિણામે ભારતની તાસીર સમજીને અંગ્રેજ લોકોએ સને ૧૯૪૭માં ભારતની લગામ આપણા આગેવાનોના હાથમાં મૂકીને શાંતિપૂર્વક આપણા દેશમાંથી વિદાય લીધી. દિલ્હીના ચોકમાં આપણો રાષ્ટ્રધ્વજ લહેરાવા લાગ્યો.

બીજા પરાધીન દેશોની જેમ આપણે સ્વાધીનતા મેળવવા માટે ખૂનખાર સશસ્ત્ર યુદ્ધ ખેલીને સામા પક્ષના અને આપણા પક્ષના અસંખ્ય યોદ્ધાઓના લોહીની નદીઓ વહેવડાવવી નથી પડી. સશસ્ત્ર યુદ્ધમાં તો બન્ને પક્ષે હથિયારધારી યોદ્ધાઓ જ યુદ્ધ લડતા હોય છે. લોકો કેવળ સાક્ષી બની રહેતા હોય છે. જ્યારે અહિંસક યુદ્ધમાં તો લાખો બાળકો, બહેનો અને ભાઈઓને ભાગ લેવાનો અવસર મળે છે. એ રીતે ગાંધીજીના નેતૃત્વ નીચે, સત્ય અને અહિંસાનાં શસ્ત્રો દ્વારા શાંતિથી મોતને ભેટવાની તૈયારી સાથે સત્યાગ્રહ સંગ્રામમાં આપણા દેશના લાખો નાગરિકોએ, યુવાનોએ, બહેનોએ, વૃદ્ધોએ અને નાનાં નાનાં ભૂલકાંઓએ પણ વીરતાપૂર્વક ભાગ લઈને ત્યાગ અને બલિદાનનો નવલો ઈતિહાસ સર્જ્યો છે.

સ્વાધીનતા હાંસલ કર્યાને આજે આપણને ૪૮ વર્ષ થવાં આવ્યાં. આ ૪૮ વર્ષમાં તો ભારતના રાજકારણમાં અને જાહે૨જીવનમાં કંઈક આછાં અને ડહોળાં નીર વહી ગયાં. શરૂઆતમાં તો રાજકીય પક્ષોની સંખ્યા બહુ ઓછી હતી. બધા પક્ષોમાં શિસ્તની અદબ હતી. લોકોમાં પણ અસાધારણ જાગૃતિ હતી. રાજકીય સ્વાધીનતા હાંસલ કર્યા પછી આર્થિક સ્વાધીનતા હાંસલ કરવા માટે ખેતી, ગોસંવર્ધન, ખાદી, હેન્ડલુમ, નાના નાના ઉદ્યોગો, શિક્ષણ અને આરોગ્યના વિકાસ અર્થે લોકોમાં ઉત્સાહનો કોઈ પાર ન હતો. અસંખ્ય જુવાનો રાજકારણથી દૂર રહી આવાં વિકાસ કાર્યોમાં લાગી ગયા.

સને ૧૯૫૨માં દેશની અંદર સામૂહિક વિકાસ યોજનાના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. એને અમેરિકાની કોઈ યોજનાની નકલ ગણાવીને કેટલાક લોકોએ એની ટીકા કરી. પણ લોકોએ આ યોજનાને દિલથી વધાવી લીધી. સમાજના અને ગામડાંઓના સર્વાંગીણ વિકાસના ધ્યેયને વરેલી આ સામુહિક વિકાસ યોજનાનો લાભ લઈને પોતાના ગામમાં જે કાર્યક્રમ હાથ ધરવો હોય એના ખર્ચનો ત્રીજો ભાગ સમસ્ત ગામ આપે તો એની સામે યોજના ત૨ફથી બીજા બે ભાગ મળે એવું ધોરણ હતું. એ વખતે ગાંમડાંઓની સ્થિતિ આજના જેટલી સધ્ધર નહોતી. લોકો પાસે આજના જેટલી નાણાંની છોળ ઊડતી નહોતી. એટલે યોજનાના ખર્ચનો ત્રીજો ભાગ રોકડમાં દેવાને બદલે ગામલોકો શ્રમયજ્ઞ દ્વારા પોતાનો ત્રીજો ભાગ દેવાની તત્પરતા દાખવતા. એ વખતે સૌરાષ્ટ્ર રાજ્યમાં સામુહિક વિકાસ યોજનાનો વહીવટ મારા હસ્તક હતો. મેં સૌરાષ્ટ્રના સેંકડો ગામોમાં ફરીને મારી નજરે સમસ્ત ગામનાં બાળકો, બહેનો અને ભાઈઓને ભારે ઉત્સાહથી શ્રમયજ્ઞમાં જોડાતાં જોયાં છે. કોઈ શ્રીમંત કે સુંવાળો નાગરિક જાતે શ્રમ ન કરી શકે તો એણે શ્રમયજ્ઞમાં પોતાનો ફાળો આપવા માટે પોતાના પ્રતિનિધિને મોકલવો પડતો. સૌરાષ્ટ્રમાં સામુહિક વિકાસ યોજના દ્વારા ગામડાઓમાં લાખો રૂપિયાના શ્રમદાન દ્વારા શાળા, ચોરા, કૂવા, રસ્તા જેવાં કરોડો રૂપિયાનાં વિકાસ કાર્યો થયાં છે એનો હું સાક્ષી છું.

વખત જતો ગયો, એમ આ ઉત્સાહ ઓસરતો ગયો. યુવાનો પોતાની ઊગતી યુવાવસ્થામાં ગામના કે સમાજના વિકાસકામોમાં લેશમાત્ર સમય આપ્યા વિના હવે એક યા બીજા સ્વરૂપે, સીધી કે આડકતરી રીતે રાજકારણમાં ઝંપલાવે છે અને હવે દિન-પ્રતિદિન રાજકીય પક્ષોની સંખ્યા પણ વધતી જાય છે. બધા રાજકીય પક્ષો તંદુરસ્ત જાહેરજીવનની અને શિસ્તની વાતો તો કરે છે. પણ અનુભવ જુદો જ જોવા મળે છે. વધતા ઓછા અંશે આવા યુવાનોને પોતાના જાહે૨ જીવનના પ્રારંભમાં જ નાત, જાત, ધર્મની વાડાબંધીની, ખટપટની, મારફાડની, દાદાગીરીની, લાંચરુશ્વતની અને ભ્રષ્ટાચારની તાલીમ મળવા માંડે છે અને એમના દ્વારા રાજકારણ અને જાહેરજીવનમાં અનેક પ્રકારનાં દૂષણો ઊંડા મૂળ નાખતાં જાય છે. આ જ રીતે આપણું જાહેર જીવન ચાલે તો આપણો દેશ દુર્ગતિના તળિયે જઈને બેસે. પણ દેશના ગરીબ, નિર્દોષ એવા કરોડો લોકોના સદ્ભાગ્યે એવો દિવસ જોવા નહીં મળે .

ભારતના ઉજ્જ્વળ ભાવિનો આધાર આજના યુવાનો ઉપર છે. રાજકારણમાં કે જાહેરજીવનમાં ઝંપલાવવા ઈચ્છતા યુવાનો પોતાનો અભ્યાસ પૂર્ણ થતાં પહેલાં કે પૂર્ણ થયા પછી રાજકારણમાં ઝંપલાવવાને બદલે થોડો સમય કોઈ ને કોઈ રચનાત્મક ક્ષેત્રમાં ગાળીને પોતાની જાતને દેશની સેવા માટે કેળવે એ જરુરી છે. રચનાત્મક ક્ષેત્ર તરીકે હું ઘાણી-ઘંટીની જ વાત કરતો નથી. ગામડાંઓના અને દેશના સર્વાંગીણ વિકાસ અર્થે વૃક્ષારોપણ, વનવિકાસ, ખેતી વિકાસ, ગોસંવર્ધન, નાના નાના કુટિર, ગૃહ કે ગ્રામ ઉદ્યોગો, સંરક્ષણ, નિરક્ષરતા નિવારણ, શિક્ષણ, આરોગ્ય સેવા, ગામની સ્વચ્છતા જેવાં અનેક રચનાત્મક કામો આજે યુવાનોની રાહ જોઈ રહ્યાં છે.

આજના યુવાનો કમમાં કમ પાંચ વર્ષ આવાં આવાં રચનાત્મક ક્ષેત્રોમાં ગાળી, નિઃસ્વાર્થ ભાવે લોકોની સેવા માટે પોતાની જાતને કેળવીને પછી રાજકારણમાં ઝંપલાવશે તો આજે રાજકારણમાં વ્યાપક બનેલો સડો નષ્ટ થશે, દેશને શુદ્ધ અને સેવામય રાજકારણનો લાભ મળશે, ભારત માતાએ પોતાના ઉજ્જ્વળ ભાવિ માટે આજના યુવાનો પાસેથી સેવેલી અપેક્ષા પૂર્ણ થશે અને આપણો દેશ અનેક ક્ષેત્રે અસાધારણ વિકાસ સાધીને દુનિયામાં મોખરાનું સ્થાન હાંસલ કરશે એવી આશા અસ્થાને નથી.

આજના યુવાનો ભારત માતાએ એમની પાસેથી સેવેલી અપેક્ષા પૂર્ણ કરે એવી અભ્યર્થના.

Total Views: 78

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.