(મોટા ભાગના પ્રેમસંબંધો નિષ્ફળતામાં પરિણમે છે, તેનું કારણ છે – પ્રેમમાં પડવાવાળા પ્રેમની કળા નથી જાણતા. એ પણ નથી જાણતા કે પ્રેમ એક કળા છે અને પ્રેમના પગથિયામાં લપસવાનો આનંદ લેતાં પહેલાં આ કળા શીખી લેવી જરૂરી છે. સ્વામી વિવેકાનંદજીકર્મ અને તેનું રહસ્યમાં કહે છે –આપણે બધા ભિખારીઓ છીએ. આપણે જે કંઈ કરીએ, તેનું વળતર ઈચ્છીએ છીએ. આપણે બધા વાણિયા છીએ. આપણે જિંદગીનો વેપાર કરીએ છીએ, આપણે નીતિનો વેપાર કરીએ છીએ, આપણે ધર્મનો વેપાર કરીએ છીએ. અરેરે! આપણે પ્રેમનો પણ વેપાર કરીએ છીએ… આપણા પ્રેમના બદલામાં આપણને દુ:ખ મળે છે, એ દુઃખ આપણે પ્રેમ રાખીએ છીએ એને લીધે નહીં, પરંતુ આપણે બદલામાં પ્રેમની અપેક્ષા રાખીએ છીએ તેથી દુ:ખ મળે છે.સાચો પ્રેમ – નિઃસ્વાર્થ પ્રેમ – દિવ્ય પ્રેમમાં પરિણમે છે – અમૃતની પ્રાપ્તિ કરાવે છે – વિષની નહિ. સુપ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક ઍરિક ફ્રોમ ‘પ્રેમની કળાપુસ્તકના પ્રારંભમાં આ વિશે માર્ગદર્શન આપે છે. – સં.)

શું પ્રેમ એ કળા છે? જો એ કળા છે એમ સ્વીકારીએ તો એ કળાને સિદ્ધ ક૨વા માટે જ્ઞાન અને પ્રયત્ન જરૂરી બને; પણ જો પ્રેમને માત્ર આનંદદાયક લાગણી માનીએ તો એ લાગણીનો અનુભવ માત્ર આકસ્મિક બની જાય; અને પ્રેમમાં પડવાનું પાત્ર નસીબદારને જ પ્રાપ્ત થાય. આ નાનું પુસ્તક ‘‘પ્રેમ એ કળા છે’’ એ સિદ્ધાંત ઉપર રચાયું છે. મોટા ભાગના લોકો પ્રેમને માત્ર આકસ્મિક અને નસીબનો વિષય ગણે છે.

લોકો પ્રેમનું મહત્ત્વ ન સમજતા હોય એવું નથી; તેઓ તો પ્રેમના ભૂખ્યા છે. માણસો સુખાંત કે દુ:ખાંત પ્રેમ કથાઓવાળી અસંખ્ય ફિલ્મો જુએ છે. તેઓ સેંકડો અર્થહીન પ્રેમગીતો સાંભળે છે – આમ છતાં, ભાગ્યે જ કોઈ એવું વિચારે છે કે પ્રેમ વિષે કંઈ શીખી શકાય!

આ વલણ કેટલીક બાબતો ઉપર આધાર રાખે છે. મોટાભાગના લોકો પ્રેમની સમસ્યાને મુખ્યત્વે ‘બીજા આપણને ચાહે’ એ દૃષ્ટિએ જ જુએ છે. તેઓ ‘પોતે બીજાને ચાહે’ એ દૃષ્ટિએ, કે પોતે બીજાને ચાહવાની શક્તિ કેટલા પ્રમાણમાં ધરાવે છે એ દૃષ્ટિએ આ સમસ્યાને જોતા નથી. તેથી તેમની દૃષ્ટિએ આ સમસ્યા બીજા આપણને શી રીતે ચાહે એવું રૂપ ધારણ કરે છે; અથવા બીજાની દૃષ્ટિએ આપણે ચાહવા યોગ્ય કેવી રીતે બનવું, એ તેમનો મુખ્ય પ્રશ્ન હોય છે.

આજે પ્રેમમાં પડવાની વાત, માનવીના આદાનપ્રદાનની શક્તિ ઉપર આધાર રાખે છે. હું સોદો ક૨વા બહાર પડ્યો છું. વસ્તુ સામાજિક દૃષ્ટિએ કિંમતી હોવી જોઈએ અને સાથેસાથે મને મેળવવા ઈચ્છતી હોવી જોઈએ. સામી વ્યક્તિ મને ઈચ્છે તે માટે મારું જમા પાસું અને મારી શક્યતાને લક્ષમાં લેવાય છે. બે વ્યક્તિઓ પ્રેમમાં પડે છે ત્યારે બંને એમ માને છે કે, બજારમાં મળતી ઉત્તમમાં ઉત્તમ વસ્તુ પોતે મેળવી લીધી છે. જે સંસ્કૃતિમાં બજારભાવનું મહત્ત્વ છે અને જ્યાં ભૌતિક સફળતાનું ઊંચું મૂલ્ય અંકાય છે, ત્યાં પ્રેમના સંબંધોને પણ એ જ દૃષ્ટિને મૂલવાય એમાં શી નવાઈ! આ જ પ્રેમને પણ લોકો એ જ ત્રાજવામાં તોલે છે.

પ્રેમમાં કશું શીખવાનું હોય જ નહિ, એવી માન્યતા પાછળ એક ત્રીજી ભૂલ પણ ભાગ ભજવે છે. શરૂની પ્રેમમાં ‘પડવાની’ લાગણી અને સતત પ્રેમમાં ‘હોવાની’ લાગણી એ બંને વચ્ચે ગૂંચવાડો ઊભો થાય છે. ધારો કે, બે અજાણી વ્યક્તિઓ વચ્ચેની દીવાલ એકાએક તૂટી જાય, અને બંને એકબીજાની નજીક આવી જાય, બંને એક હોય એવી લાગણી અનુભવે; આ એક હોવાની લાગણી ભારે આનંદદાયક છે, અને જીવનનો એક સૌથી રોમાંચક અનુભવ છે. પહેલાં તો તેઓ એકબીજાને ઓળખતા ન હતા, છુટ્ટા હતા, પ્રેમ નહોતો. હવે તેઓ પરિચયમાં આવ્યાં, એક થયાં, પ્રેમમાં પડ્યાં. જો એની સાથે જાતીય સંબંધોનું આકર્ષણ ઉમેરાય તો આ એકાએક થયેલા ગાઢ સંબંધનો જાદુ અનેકગણો વધી જાય છે.

જો કે, આવો પ્રેમ લાંબો સમય ટકી શકતો નથી. બે વ્યક્તિઓ એકબીજાને ઓળખવા માંડે છે. અને તેમનો ગાઢ સંબંધ ધીરેધીરે તેનો જાદુ ગુમાવી દે છે, એકબીજાથી વિરોધી વલણો, હતાશાઓ અને અતિપરિચયથી જન્મતો કંટાળો આ બધું પ્રારંભમાં જન્મેલી રોમાંચક લાગણીઓને કચડી નાખે છે. આમ છતાં, શરૂઆતમાં તેઓ આ બધું જાણતાં નથી હોતાં. મોહની તીવ્રતા અને એકબીજા માટેના પાગલપણાને તેઓ પ્રેમ માની લે છે. પણ હકીકતે તો, એમાંથી તીવ્ર એકલતા જ જન્મે છે.

સામાન્ય લાગણી એવી છે કે, પ્રેમ તો સૌથી વધારે સ૨ળ વસ્તુ છે. જ્યારે પરિસ્થિતિ તેનાથી સાવ જુદી જ છે. જગતમાં એવું કોઈ કાર્ય કે એવું કોઈ સાહસ નથી જે આવી પ્રચંડ આશાઓ અને એષણાઓ સાથે શરૂ થતું હોય ;છતાં હંમેશાં નિષ્ફળ જતું હોય. જો બીજા કોઈ કાર્યમાં આવી નિષ્ફળતા મળે તો લોકો તેનાં કારણો જાણવા આતુર હોય છે અને ભૂલો સુધારી લેવા પણ તૈયાર હોય છે અથવા તે કાર્યને તેઓ પડતું મૂકે છે. પ્રેમને પડતો મૂકવાનું શક્ય નથી. આથી પ્રેમની નિષ્ફળતા ઉપર વિજય મેળવવાનો એક જ ઉપાય છે, નિષ્ફળતાનાં કારણો તપાસવાં અને પ્રેમના અર્થને જાણવા અભ્યાસ કરવો.

પહેલું પગલું એ છે કે ‘પ્રેમ એ કળા છે’ તે જાણવું. (કળા શબ્દ અહીં વ્યાપક અર્થમાં લેવાનો છે.) જીવન જીવવું એ પણ કળા છે. પ્રેમ કેવી રીતે કરવો એ આપણે શીખવા ઈચ્છતા હોઈએ તો, બીજી કળાઓમાં પારંગત થવા આપણે જે રીતે આગળ વધીએ છીએ એ રીતે જ આમાં પણ આગળ વધવું જોઈએ. ઉદાહરણ તરીકે, સંગીત, ચિત્રકળા, સુથારીકામ, દાક્તરની કળા અથવા ઈજને૨ની કળા.

કોઈ પણ કળા કેવી રીતે શીખી શકાય?

કળાના અભ્યાસને બે વિભાગમાં વહેંચી શકાયઃ એક તેના સિદ્ધાંતોમાં નિષ્ણાત બનવું અને બીજું, તેના વ્યવહારમાં નિષ્ણાત બનવું. જો મારે દાક્તરની કળામાં નિષ્ણાત બનવું હોય તો મારે પહેલાં તો માણસની શરીરરચના વિશે અને વિવિધ રોગો વિશે જ્ઞાન મેળવવું જોઈએ. જ્યારે મને આ બધું સૈદ્ધાંતિક જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, તે વખતે હું દાક્તર બની ગયો ન કહેવાઉં. પણ જ્યારે હું મારા આ જ્ઞાનને સારી રીતે અમલમાં મૂકી શકું ત્યારે હું નિષ્ણાત દાક્તર થયો ગણાઉં. અર્થાત્ સૈદ્ધાંતિક જ્ઞાન અને એના અમલનો સુમેળ થાય ત્યારે કળા જન્મે. કળાનો અર્ક એ પ્રેરણા છે. સિદ્ધાંતનું જ્ઞાન અને એનો અમલ કરવાની આવડત એ પ્રેરણાના જન્મદાતા છે.

સિદ્ધાંતનું જ્ઞાન અને તેનો અમલ એ ઉપરાંત એક ત્રીજો મુદ્દો પણ મહત્ત્વનો છે, કળામાં નિષ્ણાત બનવું એ માનવીનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ. કળા કરતાં કોઈ વસ્તુ વધારે મહત્ત્વની ન હોવી જોઈએ. સંગીત, ચિત્રકળા, દાક્તરી વિદ્યા, સુથારીકામ અને પ્રેમ – બધા માટે આ નિયમ એકસરખો લાગુ પડે છે. પ્રેમની કળા શીખવા કોઈ કેમ તૈયાર થતું નથી? તે પ્રશ્નનો જવાબ આમાં આવી જાય છે. વારંવાર નિષ્ફળતા મળવા છતાં અને પ્રેમ માટે અપાર ઝંખના હોવા છતાં કોઈ એ કળા શીખવાની કડાકૂટમાં પડવા તૈયાર નથી. પ્રેમ કરતાં બીજી બધી વસ્તુઓને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે: સફળતા, કીર્તિ, ધન, સત્તા. આ ઉદ્દેશો કેવી રીતે સિદ્ધ કરવા એ શીખવા માટે આપણે આપણી બધી જ શક્તિ ખર્ચી નાખીએ છીએ, પણ પ્રેમ કરવાની કળા શીખવા માટે જરાય શક્તિ ખર્ચવા આપણે તૈયાર નથી.

ધન, કીર્તિ અને સત્તાને આપણે જીવનમાં કેન્દ્રસ્થાને મૂકીએ છીએ અને તેને કેવી રીતે મેળવી શકાય એ શીખવાનું આપણે યોગ્ય ગણીએ છીએ, જ્યારે પ્રેમ એ માત્ર આત્મા સાથે સંબંધ ધરાવે છે, અને આધુનિક કાળમાં એનું કોઈ મૂલ્ય નથી. પ્રેમ એ શોખનો વિષય છે એમ ગણીને શું આપણે તેના ૫૨ શક્તિ ખર્ચવા તૈયાર નથી?

(આર અંબાણી એન્ડ સન્સ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘પ્રેમની કળા’માંથી સાભાર)

Total Views: 112

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.