(ભારતના સુપ્રસિદ્ધ સરોદવાદક અમજદ અલી ખાં સંગીતપ્રેમી હોવા ઉપરાંત શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના પણ પ્રેમી છે અને પ્રેમના ધર્મમાં વિશ્વાસ ધરાવે છે. આજે દેશમાં ધર્મ-ધર્મ વચ્ચેની સંવાદિતાનો પ્રશ્ન ગંભીરરૂપ ધારણ કરી રહ્યો છે, ત્યારે તેમના જેવી ઉદાર દૃષ્ટિકોણ ધરાવતી એક મુસ્લિમ વ્યક્તિ આ બાબતમાં શું માને છે તે જાણવું રસપ્રદ રહેશે. તેઓ કહે છે કે, “હું દૃઢતાપૂર્વક એ વાતમાં વિશ્વાસ રાખું છું કે, જ્યાં સુધી અલ્પ સંખ્યાવાળા સમુદાયો એમ નહીં માને કે તેઓ ભારતના નાગરિક છે, ત્યાં સુધી આ દેશમાં શાંતિ આવશે નહિ.વ્યક્તિગત રીતે તેઓ એવા આંતરરાષ્ટ્રીય ધર્મમાં વિશ્વાસ ધરાવે છે જેમાં કટ્ટરવાદિતા કે વાડાબંધીને સ્થાન નથી. આ પ્રશ્નના હાર્દમાં જઈ તેઓ કહે છે, “મને લાગે છે કે, પોતાના કેટલાક ઉદ્દેશ્યો પાર પાડવા માટે પ્રેરાયેલા ભાવોથી જ ધર્મને રાજકારણ સાથે ભેળવી દેવામાં આવ્યો છે.”)

દરેક મનુષ્ય માટે ધર્મ એ એક તદ્દન વ્યક્તિગત બાબત છે, મારે પોતાને માટે પણ એમ જ છે અને એટલે જ ધર્મની બાબતમાં ખુલ્લી રીતે વિવેચન કરવું મને પસંદ નથી. મને લાગે છે કે, મારું આ વક્તવ્ય કદાચ બધાંને ખુશ નહીં કરી શકે. પરંતુ કોઈને અપ્રસન્ન ક૨વા એ મારું લક્ષ્ય નથી. એટલે જ આજ સુધી ધર્મની બાબતમાં મેં પ્રકટ રૂપે કંઈ કહ્યું નથી. છતાંય ક્યાંક સાધારણ રીતે મેં મારી જીવનયાત્રા સંબંધે વિવેચન કર્યું છે અને એ વિવેચનમાં અનિવાર્ય રીતે ધર્મની વાત પણ આવી ગઈ છે.

પ્રથમ મારા પિતાજીની વાત કરું. મારા પિતા ઉસ્તાદ હાફિજ અલી ખાં સાહેબ હતા. પિતાજી ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાં તથા અબ્દુલ કરીમ ખાંના સમસામયિક હતા. એટલે કે મારા પિતાજી અને મારી ઉંમરમાં ઘણું મોટું અંતર હતું જેથી તે મારા પિતાજી નહિ પરંતુ અનાયાસે દાદાજી જેવા લાગતા હતા. હું મારાં માતા- પિતાનું સૌથી નાનું સંતાન. એટલે એ કહેવાની જરૂર નથી કે, સૌભાગ્યથી મને તેમનો સ્નેહ અને પ્રેમ કંઈક વધારે માત્રામાં મળ્યા હતા. પરંતુ એ મોટી વાત નથી. અગત્યની વાત તો એ છે કે, મારા પિતાજી માત્ર એક યશસ્વી કલાકાર જ નહોતા પરંતુ ખરેખર જ તેમના જેવા મહાનુભાવ અનુભૂતિશીલ અને ધાર્મિક મનુષ્ય મેં ખૂબ ઓછા જોયા છે. પિતાજી નિયમિત રીતે રોજ પાંચ વાર નમાઝ પઢતા હતા. ખાસ કરીને એટલે જ અમારા ઘરનું વાતાવરણ ઠીક-ઠીક ખુલ્લું, નિખાલસ અને સંસ્કારી હતું. પિતા પાસેથી ઉત્તરાધિકારીના રૂપમાં મેં જે રીતે સંગીતવિદ્યા પ્રાપ્ત કરી છે, તેવી જ રીતે ઉઘાડું મન પણ પ્રાપ્ત કરેલ છે. અને તેથી જ ત્યાર બાદ હું પોતે ક્યાંય અટકીને ઊભો નથી. એમ કહી શકું કે, મેં મારી વિચારબુદ્ધિનો પણ પ્રયોગ કર્યો છે. જે કાર્ય મને ક૨વા યોગ્ય લાગે છે, તે કાર્ય જ હું કરું છું. કોઈ ધર્મગુરુને પ્રસન્ન કરવાની જવાબદારી મારી નથી. એટલે સાચી-ખોટી રીતે તેમને વચ્ચે લાવવાની મારી ઈચ્છા નથી. મેં પહેલાં જ કહ્યું કે, ધર્મ વિષે ખુલ્લેઆમ વિવેચન કરવાનું મને પસંદ નથી.

હું કટ્ટરતાને પસંદ કરતો નથી અને ધર્માંધ સનાતન પંથીઓની ઘૃણા કરું છું . દુર્ભાગ્યવશ આજે આ દેશમાં રાજનીતિ બધાંની વિધાતા બની ગઈ છે. મને લાગે છે કે, પોતાના કેટલાક ઉદ્દેશ્યો પાર પાડવા માટે પ્રેરાયેલા ભાવોથી જ ધર્મને રાજકારણ સાથે ભેળવી દેવામાં આવ્યો છે. આજે રાજનીતિથી જુદો પાડીને ધર્મને જોવાનો આપણી પાસે કોઈ ઉપાય રહ્યો નથી. ખાસ કરીને ચૂંટણીના સમયે ધર્મને લઈને રાજનૈતિક પ્રતિયોગિતા સર્વત્ર પ્રગટ થઈ જાય છે. દરેક ધાર્મિક નેતાનું એકમાત્ર લક્ષ્ય હોય છે કે, કોઈ પણ પ્રકારે પોતાના અનુયાયીઓની સંખ્યામાં વધારો કરતા રહેવું. ખરેખર, આ એક મોટી કમનસીબી છે. મને નથી લાગતું કે, આ પ્રયાસની સાથે ધર્મનો કોઈ સંબંધ હોય.

હું જાણું છું કે, જુદા-જુદા ધર્મોના જે પ્રવક્તાઓ હતા, તેમણે પોતપોતાને ધાર્મિક ક્ષેત્રે સ્પષ્ટરૂપથી કેટલાક આચરણ વિધિઓનું નિર્માણ કર્યું છે. સંભવતઃ તેની પાછળ બે ઉદ્દેશ હતા. એક તો, નવા ધર્મને નવી દિશા આપવાનો અને બીજો, ધાર્મિક સ્વતંત્રતાનું રક્ષણ કરવાનો, જેથી, બીજા ધર્મોની સાથે સંઘર્ષ ન થાય. એટલે જ કોઈ ધર્મ એમ કહે છે કે, માથાના વાળ ન કપાવવા અને કોઈ ધર્મ એમ કહે છે કે મુંડન કરાવવું. આ આચરણવિધિ મારા માટે ધર્મનું વ્યાકરણ છે. પરંતુ દુઃખની વાત એ છે કે, આજે દેશમાં બધા ધર્મો જાણે કે, આ વ્યાકરણના સ્તરે આવીને અટકી ગયા છે. ધર્મના પ્રવક્તાઓ આ નહોતા ઈચ્છતા. તેઓ એમ ઈચ્છતા હતા કે, તેમના અનુગામીઓ આ વ્યાકરણથી આગળ વધીને ધર્મનો અર્ક પામવાના પ્રયત્ન કરશે. મને લાગે છે કે, આજના વિશ્વમાં એક આંતરરાષ્ટ્રીય ધર્મની આવશ્યક્તા છે, એ ધર્મનું પાલન સંસારના બધા મનુષ્યો કરશે તથા ને ધર્મની મૂળ વાત હશે, સ્વાધીનતા. તે ધર્મમાં કટ્ટરવાદિતા કે વાડાબંધીને સ્થાન નહીં હોય. વ્યક્તિગત રીતે હું આ આંતરરાષ્ટ્રીય ધર્મમાં વિશ્વાસ ધરાવું છું.

હું માનું છું કે, ખાસ કરીને બધા ધર્મોની મૂળ વાત એક જ છે. અને તેને જ હૃદયંગમ કરવામાં આપણે સૌ નિષ્ફળ નીવડ્યાં છીએ.

કોઈ પણ ધર્મપ્રચારક કટ્ટરતાની પ્રશંસા કરતા નથી. બધા જ પ્રેમ, સહિષ્ણુતા અને સહૃદયતાની વાત કરે છે. કોઈએ કહ્યું નથી કે, માનવ પર જોર-જુલમ કરો, તેની હાનિ કરો, તેને કષ્ટ આપો. ખબર નથી પડતી કે, શા માટે આપણી પશુવૃત્તિ આપણા માથા પર સવાર થઈ જાય છે? મનુષ્ય અને પશુ વચ્ચે તો વ્યાપક ભિન્નતા હોય એ જ ઉચિત છે. પશુમાં કોઈ પણ પ્રકારનો મમત્વનો ભાવ તો હોતી નથી. તે હિંસામાં વિશ્વાસ રાખે છે. પણ શા માટે? ભયને લીધે જ. આજે હું જોઉં છું કે, આપણા જીવનમાં પણ પાશવિક મનોભાવો ઘર કરી ગયા છે. મને લાગે છે કે, આપણે પીછેહઠ કરી રહ્યા છીએ. વિકાસની ફળદ્રુપ જમીન ઉપર જાણે કે, હિમ પડી ગયું છે. જુદા જુદા ધર્મોની વાત મૂકી દઉં છું. આજે આપણે એક જ કુટુંબમાં માતા-પિતા, ભાઈ-ભાઈન, અરે! ત્યાં સુધી કે, સંતાનો સાથે પણ રહી શકતાં નથી. આપણે પણ આજે અધીર અને સ્વાર્થપરાયણ થઈ ગયા છીએ. આ મારી ખોટી આશંકા નથી. ચારે તરફના સાંપ્રદાયિક સંઘર્ષો તેનું જવલંત પ્રમાણ છે.

આ દેશની અંદર અલ્પસંખ્યાવાળા સમુદાયોની વચ્ચે જ સમસ્યાઓ ઊભી થાય છે એ એક આશ્ચર્યની વાત છે. હું દૃઢતાપૂર્વક એ વાતમાં વિશ્વાસ રાખું છું કે, જ્યાં સુધી અલ્પ સંખ્યાવાળા સમુદાયો એમ નહીં માને કે તેઓ ભારતના નાગરિક છે, ત્યાં સુધી આ દેશમાં શાંતિ આવશે નહિ અને આવી પણ ન શકે. ઉપર્યુક્ત માન્યતાની સાથે જ ધાર્મિક ક્ષેત્રે પણ નિર્ભયતાનો અનુભવ થઈ શકશે. એ કહેવાની આવશ્યકતા નથી કે, “જનસંખ્યા વધારો એટલે ધર્મનું રક્ષણ થશે.” એ ધારણા ખોટી છે. મને ખબર છે કે, દેશમાં કોઈ કોઈ ધર્મના લોકો પરિવાર નિયોજનમાં વિશ્વાસ રાખતા નથી. પરંતુ શું જ્યારે પરિવાર ભૂખ્યો હોય છે, ત્યારે કોઈ ધર્મગુરુઓ તેની મદદ કરવા આગળ આવે છે? એટલે કટ્ટરતાને છોડીને પોતાની વિવેકપૂર્ણ વિચારબુદ્ધિને ઉપયોગમાં લેવી એ સૌ માટે હિતાવહ છે. હું મારી પોતાની વિચારબુદ્ધિ પર જ આધાર રાખું છું. એનો અર્થ એવો નથી કે હું અધાર્મિક છે. ઈસા મસીહ, ગૌતમ બુદ્ધ, ગુરુનાનક, હજરત મહમ્મદ, રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ સૌ મારા વંદનીય છે. બધાં દેવ – દેવીઓનો પણ હું ભક્ત છું. મને લાગે છે કે, જુદી જુદી ભાષાઓમાં મૂળગત રીતે તો આ બધાં એક જ વાત કહેવા માગે છે. પરંતુ આપણે અજ્ઞાની હોવાથી એ વાત સમજી શકતા નથી. પરંતુ આ બધાંમાં રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ પ્રત્યે મારી પ્રબળ ભક્તિ છે. કામારપુકુર અને દક્ષિણેશ્વ૨ જવાનું સૌભાગ્ય પણ મને પ્રાપ્ત થયું છે. મેં મગ્ન થઈને આ બેઉ વ્યક્તિઓની રચનાઓ વાંચી છે. અને તેને આત્મસાત્ કરવાનો પ્રયત્ન કર્યો છે. એમ કરવાથી મને એમ લાગ્યું છે કે, આ બંને જણે માનવજાતિને યોગ્ય માર્ગ દેખાડ્યો છે. બન્ને જે કંઈ જાણતા હતા, તેમણે જે કંઈ પ્રાપ્ત કર્યું એ બધું સાધનાના માધ્યમથી મેળવ્યું હતું.

અને આ બંને હતા સંગીતપ્રેમી. તેમની પ્રાર્થના અને ઉપાસનાનું અભિન્ન અંગ પણ સંગીત હતું. અરે! ઠેઠ હઝરત મુહમ્મદને પણ સંગીત પર પ્રેમ હતો. પરંતુ દુર્ભાગ્યની વાત છે કે, કટ્ટરપંથી મુસલમાનો સંગીતને પસંદ નથી કરતા, તેઓ માને છે કે, સંગીત હરામ છે. આ લોકોને મારો એક જ પ્રશ્ન છેઃ દિવસમાં પાંચ વાર મસ્જિદમાં જે નમાજ થાય છે તે શું સંગીત નથી? શબ્દ અને છંદ આપણા શરીરનાં પણ અવિભાજ્ય અંગ છે. સંગીતનો અર્થ કેવળ ગીત નથી. વાતચીત પણ સંગીત છે. ત્યાં સુધી કે રુદન, ક્રંદન પણ સંગીત છે. શબ્દ એ ઈશ્વરનો શબ્દ છે. શબ્દ ન હોય, છંદ ન હોય તો જીવનમાં શું રહેશે?

આ વાત રહેવા દઈને હું મારી પોતાની વાત કહું છું. વ્યક્તિગત રીતે દરેક સમયે હું મારું મન ઉઘાડું રાખવાનો પ્રયત્ન કરું છું. મેં જેમની સાથે લગ્ન કર્યાં છે તેઓ હિંદુ છે. પરંતુ કોઈ દિવસ હું મારા પત્નીને તેમના ધર્મનું – પરિવર્તન કરવાનું કહેતો નથી. કહેવાની જરૂરત જ કોઈ દિવસ લાગતી નથી. શા માટે કહું? એ કરાવવાવાળો હું કોણ? વળી, ધર્મપરિવર્તન કરવાની જરૂરત જ ક્યાં છે? અમારે બે બાળકો છે. એકની ઉંમર નવ વર્ષ અને બીજાની સાત વર્ષ છે. તેઓ કોઈ કોઈ વાર પૂછે છે, “અમારો ધર્મ કયો છે?” અમે કોઈ પણ પ્રકારે તેમના મતામતને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરતાં નથી. હું પણ નહીં અને મારાં પત્ની પણ નહીં. નિર્ણય કરવાની જવાબદારી અમે એ બન્ને પર છોડી દીધી છે. અમે એમ માનીએ છીએ કે, અમારા બાળકો એ સમજે કે, તેમનાં માતા-પિતામાં કોઈ અંતર નહોતું. એટલે કે હિન્દુ-મુસલમાનમાં કોઈ ભેદ નથી. અમે એટલું જ ઈચ્છીએ છીએ કે, તેઓ બન્ને સારા માણસોને ચાહતાં શીખે. અને પછી? એ તો ઈશ્વરના હાથમાં છે.

ભાષાંતર: શ્રીમતી પુષ્પાબહેન પંડ્યા
(‘વિવેક શિખા’ ફેબ્રુઆરી, ૧૯૮૮માંથી સાભાર)

Total Views: 95

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.