સફળ જીવન જીવવાની કળા: મુકુન્દ પી. શાહ

પ્રકાશક: કુસુમ પ્રકાશન, ૬૧એ, નારાયણનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭

મૂલ્ય: રૂ।. ૬૦, પૃ. ૧૮૪

ગુજરાતી ભાષાના જાણીતા માસિક ‘નવચેતન’ના તંત્રી સ્વ. શ્રી ચાંપશીભાઈ ઉદેશીના માનસપુત્ર અને ‘નવચેતન’ના વર્તમાન તંત્રી શ્રી મુકુન્દભાઈ પી. શાહે જીવનમાં સુખ, શાંતિ, સફળતા અને સમૃદ્ધિ મેળવવા માટે માર્ગદર્શન આપતી યુવાજગતને પ્રેરણાદાયી પુસ્તિકાઓ લખી છે: ૧. જીવનમાં સફળતા મેળવવી છે? ૨. જીવનસંઘર્ષમાં વિજયી બનો. ૩. જીવનમાં સુખી થવું છે? ૪. જીવનમાં સમૃધ્ધ થવું છે? ૫. સુખની ચાવી. ૬. સુખ, શાંતિ, સફળતા. ૭. જીવન જીવી જાણો. ૮. સફળતાની કેડીએ.

આ ૮ પ્રેરિત પુસ્તિકાઓમાંથી અગત્યના લેખો ચૂંટીને મુકુન્દભાઈ શાહે એક પુસ્તક પ્રગટ કર્યું છે. તે છે, ‘સફળ જીવન જીવવાની કળા.’ આ લેખો અગાઉ જાણીતા દૈનિકો, સાપ્તાહિકો, પાક્ષિકો અને માસિકોમાં પ્રગટ થયા છે તેમ આકાશવાણી પરથી પણ પ્રસારિત થયાં છે. આ રીતે પણ તેનું ઘણું મહત્વ છે.

લેખકે પોતીકા અનુભવોમાંથી, સંઘર્ષોમાંથી અને મથામણોમાંથી જીવન જીવવાની કળા પ્રાપ્ત કરી છે તેનો નિચોડ આ લઘુનિબંધ પ્રકારના લેખોમાંથી આપણને મળે છે. મોટા ભાગના લેખો યુવાવર્ગને સંબોધીને લખાયા છે. તેમાં આદેશ છે તો ઉપદેશનું પણ તત્ત્વ છે. ‘આત્મશ્રદ્ધા કેળવો’, ‘સ્વાશ્રયી બનો’, ‘પ્રગતિ માટે સક્રિય રહો’, ‘ચિંતાને ઘેર લાવશો નહિ’, ‘ક્ષમાવાન બનો’ જેવા લેખોનાં શીર્ષકો બોધક છે, પ્રેરક છે તેમ વિચારપ્રધાન છે. લેખકે પોતાના વિચારો અને ચિંતનને સબળ, કુશાગ્ર અને ધારદાર બનાવવા જગતના શ્રેષ્ઠ વિચારકોની વિચારકણિકાઓ, સુવાક્યો, કહેવતો અને રૂઢિપ્રયોગોનો પણ છૂટથી ઉપયોગ કર્યો છે તે પણ આવકાર્ય છે.

‘નિર્ભય બનો’ નામના ત્રીજા લેખનો એક પરિચ્છેદ ટાંકવા જેવો છે: ‘‘જીવન છે એટલે મુશ્કેલીઓ આવવાની જ, પણ એથી એ મુશ્કેલીઓથી ડરી જઈ તમે નિરાશાના ઘેરા અંઘકારમાં સરી જાવ એ બિલકુલ ઈચ્છનીય નથી. ના, બિલકુલ નહીં: ભય કરતાં ભયની કલ્પના જ વધુ ભયંકર હોય છે એ વાત તમે ક્યારેય ભૂલશો નહીં.’’ ગદ્યનો આ ટુકડો પ્રેરક તો છે જ. પરંતુ લેખકની ભાષાશૈલીમાં જે સરળતા અને સાદગી છે તેનો પણ પરિચાયક છે.

આજના ઝડપી યુગમાં માણસો તણાવ અને સમયના અભાવ વિશે એકબીજાને ફરિયાદ કરતા હોય છે. આજે નાનામાં નાના માણસ પાસે પણ સમયનો અભાવ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને લેખકે આ પુસ્તકમાં સમયનું સંચાલન કઈ રીતે કરી શકાય તે માટે પાંચ-છ લેખો સામેલ કર્યા છે: ‘આજનું કામ કાલ ઉપર ના ઠેલો’, ‘સમયનું પાલન કેવી રીતે કરશો!’ વગેરે આ પ્રકારના લેખોમાં લેખકે સમયના સંચાલન વિશેની કેટલીક ઉપયોગી ચાવી આપી છે, જે આજના યુગના દરેક વિદ્યાર્થી, ગૃહિણી, વેપારી, ઉદ્યોગપતિ કે નોકરિયાત વર્ગ માટે ઉપયોગી છે.

જીવનને સફળતાથી કઈ રીતે જીવી શકાય તેની ચાવીઓ આપતું આ ઉપયોગી પ્રેરણાદાયી પુસ્તક આપવા બદલ લેખકને અભિનંદન.

– ડૉ. એસ. એસ. રાહી

Total Views: 194

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.