(શ્રી જવાહરલાલ નહેરુ, શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદને પ્રાચીન ઋષિ પરંપરાની એવી વિભૂતિઓ માનતા હતા જે અર્વાચીન યુગ માટે પણ અત્યંત મહત્ત્વની છે. ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા પ્રત્યે તેમની આસ્થા આવા મહાપુરુષોના અધ્યયનથી વધી હતી. ‘મારું હિંદનું દર્શન’ ગ્રંથમાં તેમણે લખ્યું છે: “વિવેકાનંદની માનસિક ભૂમિકાનાં મૂળ ભૂતકાળમાં રહેલાં હતાં. આમ છતાં જીવનને સ્પર્શતા પ્રશ્નોને અંગે તેમની દૃષ્ટિ હિંદના ભૂતકાળ અને વર્તમાનકાળ વચ્ચેના એક પ્રકારના સેતુના જેવી હતી. હતાશ બની ગયેલા અને પોતાનું સત્ત્વ ગુમાવી બેઠેલા હિંદુ માનસ માટે તેઓ એક પ્રાણદાયી ઔષધિ સમાન થઈ પડ્યા અને તેને તેમણે સ્વાશ્રયની દીક્ષા આપીને ભૂતકાળના વારસા સાથે તેનું અનુસંધાન કરાવી આપ્યું.” તેમણે શ્રીરામકૃષ્ણ મિશન, દિલ્હીમાં શ્રીરામકૃષ્ણદેવની ૧૧૪મી જન્મજયંતી પ્રસંગે ૧૯૪૯ના માર્ચની ૨૦મી તારીખે આપેલ વ્યાખ્યાનમાંથી થોડા અંશો યુવા વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ. – સં.)
યુવાપેઢીના કેટલા લોકો સ્વામી વિવેકાનંદના લેખો અને ભાષણો વાંચે છે તે હું જાણતો નથી. પણ હું કહીશ કે, મારી પેઢીમાંના ઘણા લોકો સ્વામીજીની પ્રબળ અસર હેઠળ આવેલા અને આજની પેઢી સ્વામીજીનાં લેખો અને ભાષણો વાંચશે તો તેને પણ તે ખૂબ લાભદાયી થશે એમ હું માનું છું. તેમને એમાંથી ઘણું જાણવાનું મળશે. અમને કેટલાકને થયું હતું તેમ સ્વામી વિવેકાનંદનાં મન અને હૃદયમાં જે અગ્નિ ભભૂકતો હતો અને જે નાની વયમાં જ એમને સ્વાહા કરી ગયો હતો – તેની ઝાંખી આપણને તેથી થશે. એમનાં અંત૨માં રણકતી ચોટદાર અને ઉદાત્ત ભાષામાં વહેતો મહાપુરુષનો અગ્નિ હતો તેથી, એ બોલતા તે મિથ્યાપ્રલાપ ન હતો; પોતે જે કંઈ બોલતા તેમાં તેઓ પોતાનું હૃદય, પોતાનો પ્રાણ રેડતા. એટલે જ તેઓ મહાન વક્તા બન્યા હતા; વક્તાઓની વાક્છટાઓ અને ચાટૂક્તિઓ વડે નહીં, પણ, અંતઃકરણની ઊંડી શ્રદ્ધા અને નિષ્ઠાથી ભારતમાં ઘણાનાં ચિત્ત પર તેમણે પ્રભાવ પાડ્યો અને બે ત્રણ પેઢીઓ તેમના પ્રભાવ હેઠળ આવી તે વિશે શંકા નથી. આ દેશમાં બીજી મોટી ઘટનાઓ બની અને એક અતિ મહામાનવ આખા ભારતને હલબલાવનાર, ગાંધીજી આવ્યા એ પણ જૂની ઋષિપરંપરાના હતા.
આરંભના એ કપરા કાળમાં ભારતને તૈયા૨ ક૨ના૨ અને ઘડનાર જે લોકો આવ્યા તેઓને, ભુલાવે તેવું ઘણું બધું વચલા ગાળામાં બની ગયું છે. સ્વામી વિવેકાનંદનાં ભાષણો અને લેખો વાંચો તો તમને નવાઈ એ વાતની લાગશે કે એ કાલગ્રસ્ત નથી. ૫૬ વર્ષ પૂર્વેના એ શબ્દો છે તે આજે પણ તાજા જ છે કારણ કે, જે વિશે એ બોલતા કે લખતા તે, આપણા જગતના પ્રશ્નોને સ્પર્શતી, પાયાની બાબતો છે. એટલે એ કાલગ્રસ્ત બની શકે નહીં. ભલે આજે વાંચો તોયે એ તમને તાજું જ લાગવાનું. મને કહેવા દો તો, આપણા વારસાનું કેટલુંક અભિમાન થાય તેવું એમણે આપણને આપ્યું છે. સ્વામીજીએ આપણને છોડ્યા નથી. એમણે આપણી નબળાઈઓની અને નિષ્ફળતાઓની પણ વાત કરી છે. એ કશું જ સંતાડવા માગતા ન હતા અને એમ એમણે કરવું જ જોઈએ. કારણ આપણે પેલી ઊણપોને સુધારવાની છે. એ નિષ્ફળતાઓની ચર્ચા પણ તેઓ કરે છે. કોઈ વાર તેઓ આપણને જોરદાર લપડાક મારે છે. તો કોઈક વા૨ જે મહાન વસ્તુઓનું પ્રતિનિધિત્વ ભારત કરતું હતું અને જે ભારતના પતનકાળે પણ એને અંશતઃ મહત્તા અર્પતું હતું તે ભણી તેઓ આંગળી ચીંધે છે.
એટલે સ્વામીજીએ જે લખ્યું છે અને કહ્યું છે તે આપણે માટે અગત્યનું છે અને તે કાયમી મહત્ત્વપૂર્ણ રહેવું જોઈએ. કારણ કે તે દીર્ઘકાળ પર્યંત આપણને અસ૨ ક૨વાની શક્યતાવાળું છે. રાજકારણી શબ્દના રૂઢ અર્થમાં સ્વામીજી રાજકારણી ન હતા. છતાંય, ભારતની અર્વાચીન રાષ્ટ્રીય પ્રવૃત્તિના મહાન આદ્ય પ્રણેતાઓ – તમને ગમે તો તમે બીજો શબ્દ વાપરી શકો છો – માંનાં એક હતા અને રાષ્ટ્રને આઝાદ કરવાની ચળવળમાં ભાગ લેનાર લોકોએ સ્વામી વિવેકાનંદ પાસેથી પ્રેરણા લીધી હતી; પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આજના ભારત ઉપર તેમણે પ્રબળ અસર કરેલી છે ને હું માનું છે કે સ્વામી વિવેકાનંદમાં ઝરતાં શાણપણના, અધ્યાત્મના, અગ્નિના આ સ્રોત પાસેથી આપણી યુવાપેઢી લાભ ઉઠાવશે.
Your Content Goes Here