(સ્વામી વિવેકાનંદે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો ભારત પોતાના રાષ્ટ્રીય જીવનના માર્ગ તરીકે રાજકારણને પસંદ કરશે તો ભારત નિષ્ફળ જશે. પરંતુ, કમનસીબે, એવું જણાય છે કે ભારતે તે ભયજનક માર્ગ પસંદ કર્યો છે. આપણે ઉત્સુકતાપૂર્વક એવી આશા રાખીએ કે તે કાયમી નહીં હોય. ભારતે સ્વતંત્રતા મેળવી ત્યારથી ભારતના રાષ્ટ્રીય જીવનમાં એક દંગ કરી દે તેવી ઘટના બની છે, અને તે છે અસંખ્ય રાજકારણીઓનો ઉદય. એક ભ્રમણા પ્રચલિત થઈ ગઈ છે કે જો તમારી પાસે રાજકીય સત્તા ન હોય તો તમે દેશની સેવા કરી શકો નહિ. સ્વાભાવિક રીતે આપણે એ પૂછવાનું ટાળીએ છીએ કે કેટલા લોકો આ દેશ માટે દુઃખ અનુભવે છે?

આ પરિસ્થિતિએ એક ફૂટ સમસ્યા ઊભી કરી દીધી છે, અને તે છે ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓનું રાજકીયકરણ. ભારતમાંના ખૂબ જ સ્પર્ધાત્મક પક્ષીય રાજકારણને લીધે આ ચેપ ફેલાતો જાય છે; પક્ષના હેતુઓ સિદ્ધ કરવા માટે જેના ઉપર સહેલાઈથી અસર પાડી શકાય એવો વિદ્યાર્થી સમુદાય પક્ષોને તૈયાર મસાલો પૂરો પાડે છે.

પરંતુ વિદ્યાર્થીના વાસ્તવિક હિત વિશે શું? એક શીખનાર તરીકેની તેની કારકિર્દી વિશે શું? શરીર, મન અને ચારિત્ર્યનું ઘડતર કરીને જિંદગીના આકરા સંઘર્ષોનો સામનો કરવાની વિદ્યાર્થીની તૈયારી વિશે શું? જો વિદ્યાર્થી સક્રિય પક્ષીય રાજકારણમાં જોડાય તો તે બાબત કેટલે અંશે તેને સહાયરૂપ બની શકે? પક્ષીય રાજકારણમાં પડેલા બધા નેતાઓ આ જટિલ મુદ્દો ટાળવાનો પ્રયત્ન કરે છે અને તેનાં કારણો પણ સમજી શકાય એવાં છે. ડૉ. કરણસિંહ ભારતના ખ્યાતનામ નાગરિક છે. તેઓના બાહોશ, સંતુલિત અને રચનાત્મક વિચારો કૉલેજના વિચારશીલ વિદ્યાર્થીને તેના જીવનમાં સહાયરૂપ થશે. – સં.)

વિશ્વના બધા લોકશાહી દેશોમાં વિદ્યાર્થીઓનું રાજકીય પ્રવૃત્તિઓમાં મોટા પાયે જોડાવું તે અર્વાચીન યુગનું એક વિશિષ્ટ લક્ષણ છે. એક રીતે આ અનિવાર્ય છે અને ઈચ્છવા યોગ્ય પણ છે, કારણકે કૉલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કોઈ પણ રાષ્ટ્રની ગતિશીલ પ્રથમ હરોળનું પ્રતિનિધિત્વ કરે છે, અને એ વિદ્યાર્થીઓ બિનરાજકીય રહે એવી અપેક્ષા ભાગ્યે જ રાખી શકાય. આ સદીની શરૂઆતથી ભારતમાં વિદ્યાર્થીઓ સ્વતંત્રતાની ચળવળમાં જોડાયા હતા, અને ૧૯૦૫ની સાલમાં બંગાળના ભાગલાની સાથે ભારતીય રાજકારણનું ઉદ્દામમતવાદીકરણ શરૂ થયું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંના ઉદ્દામમતવાદી એક સમૂહ વડે ભાગલા વિરોધી ચળવળની આગેવાની લેવામાં આવી હતી. લોકમાન્ય બાલ ગંગાધર તિલક, શ્રી અરવિંદ ઘોષ, શ્રી બિપિનચંદ્ર પાલ અને લાલા લજપતરાય એ સમૂહના નેતાઓ હતા. આ મહાન નેતાઓ યુવાન પેઢીને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને સ્વતંત્રતાની ચળવળમાં જોડાઈ જવા માટે પ્રેરણા આપવા માટે શક્તિમાન હતા. સ્વતંત્રતાની ચળવળમાં યુવાન પેઢીને સામેલ કરવા માટે સ્વામી વિવેકાનંદે બે દસકા પહેલાં માર્ગ મોકળો કર્યો હતો. સ્વામીજીએ દેશના યુવાનોને હાકલ કરી હતી અને તેઓ ઈચ્છતા હતા કે યુવાનો લોખંડી તાકાતવાળા બને. દરેક સ્થળે સ્વામીજીને સાંભળવા માટે હજારોની સંખ્યામાં યુવાનો ભેગા થતા હતા, અને નવા અને સ્વતંત્ર ભારતનું જે દર્શન સ્વામીજી રજૂ કરતા હતા તેનાથી તેઓ ખૂબ જ પ્રભાવિત થતા હતા. ભારતના યુવાનોને આપેલાં ભાષણો રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ માટે હક્કપત્ર સમાન છે. આજે એક સદી પછી પણ તે ભાષણોનો અભ્યાસ ખૂબ જ ઉપયોગી અને લાભપ્રદ નીવડે એ રીતે કરી શકાય.

૧૯૨૦ની સાલમાં ગાંધીજીના આગમન સાથે સ્વતંત્રતાના સંગ્રામમાં એક નવો આયામ ઉમેરાયો. ત્યારથી છેક ૧૯૪૭માં સ્વતંત્રતાની પ્રાપ્તિ સુધી વિદ્યાર્થીઓ આઝાદીના સંગ્રામની પ્રથમ હરોળમાં હતા. કૉલેજો છોડીને આઝાદીના સંગ્રામમાં જોડાઈ જવાની ગાંધીજીએ વિદ્યાર્થીઓને ઘણી અપીલો કરી. પંડિત મદન મોહન માલવિયા અને ડૉ. રાધાકૃષ્ણન્ જેવા કેળવણીકારોએ એ વાત ઉપર ભાર મૂક્યો કે ભારતે પોતાના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસા પર રચાયેલી કેળવણીની પદ્ધતિનો વિકાસ ક૨વો જોઈએ. ભારતના યુવાનો પર પંડિત નહેરુના વ્યક્તિત્વની એક વિશિષ્ટ અસર હતી, અને એક યુવાન પેઢી તેમની અસર નીચે પરિપકવ બની.

ભારતમાં “વિદ્યાર્થીઓ અને રાજકારણ” એ સમસ્યાને યોગ્ય સંદર્ભમાં મૂકવા માટે આ ટૂંકું ઐતિહાસિક સર્વેક્ષણ જરૂરી છે. અમુક લોકો એમ માને છે કે વિદ્યાર્થીઓ રાજકારણમાં ભાગ લ્યે તે ઈચ્છવા યોગ્ય નથી, પરંતુ એ લોકો એ વાત સમજી શકતા નથી કે કોઈ ઐતિહાસિક પ્રક્રિયાને એકાએક બદલી શકાતી નથી. છેલ્લા ત્રણ દાયકાઓથી હું ઘણી કેળવણીની સંસ્થાઓ સાથે જોડાયેલો છું, અને દેશનું વ્યાપક પરિભ્રમણ કર્યું છે. કાશ્મી૨થી કેરળ સુધી વિદ્યાર્થીઓને મળ્યો છું અને તેઓને સંબોધનો કર્યા છે. ખૂબજ વિચાર કર્યા પછી હું એવા અભિપ્રાય ૫૨ આવ્યો છું કે વિદ્યાર્થીઓને રાજકારણથી અલગ રાખવા એ શક્ય પણ નથી અને ઈચ્છવા યોગ્ય પણ નથી.

આપણે એ ભૂલવું ન જોઈએ કે ખાસ કરીને પછાત વિસ્તારોમાંનો અને પછાત જાતિઓમાંનો વિદ્યાર્થી સમુદાય આપણા સમાજનો ગતિશીલ ખંડ છે અને તેના પર ભવિષ્યની આશાઓ રહેલી છે. આજના વિદ્યાર્થીઓ આવતી કાલના નાગરિકો અને મતદારો છે. ભારતમાં ચાલી રહેલા એક મહાન લોકતાંત્રિક પ્રયોગમાં જો વિદ્યાર્થીઓ અસરકારક રીતે અને બુદ્ધિપૂર્વક ભાગ લેવાના હોય તો એ જરૂરી છે કે તેઓ રાજકીય પ્રશ્નો, રાજકીય વલણો અને રાજકારણમાં પડેલી વ્યક્તિઓ વિશે પૂરેપૂરા માહિતગાર હોવા જોઈએ. ખાસ કરીને એવી રાજકીય પદ્ધતિ કે જેમાં લોકોની ભાગીદારી જરૂરી હોય ત્યારે એ જરૂરી બની જાય છે કે સામાન્ય લોકોને દેશની નીતિઓ અને સમસ્યાઓ વિશે પૂરેપૂરી જાણકારી આપવામાં આવે. આ બાબત તો જ શક્ય બને કે જ્યારે વિદ્યાર્થીઓ દેશના રાજકારણનાં ભિન્ન ભિન્ન પાસાંઓથી સુમાહિતગાર હોય.

દેશના રાજકારણમાં વિદ્યાર્થીઓની ભાગીદારીનો પ્રકાર કેવો હોવો જોઈએ તે જ ખરો પ્રશ્ન છે. આ પ્રશ્ન વિશે મૌલિકપણે વિચાર કરવાની જરૂર છે. હું એમ માનું છું કે એ જરૂરી છે કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દેશની રાજકીય પરિસ્થિતિ વિશે પૂરેપૂરા માહિતગાર હોય. આપણા બંધારણના પાયાના સિદ્ધાંતો તેઓને શિખવવા જોઈએ કારણ કે દેશના બંધારણ ૫૨ દેશનું રાજકીય જીવન આધારિત હોય છે. જો તેઓ વિદ્યાર્થી જીવન દરમ્યાન પક્ષીય રાજકારણમાં ખૂબ જ સક્રિય રીતે સામેલ થાય તો તે ઈચ્છવા યોગ્ય નથી.

સામાન્ય રાજકારણ અને પક્ષીય રાજકારણ એ બંને વચ્ચે કદાચ ભેદ સ્પષ્ટ ન જણાય, પરંતુ આ એક ખૂબ જ અગત્યનો મુદ્દો છે. કોઈ પણ વ્યક્તિ પક્ષીય રાજકારણમાં ઝંપલાવ્યા વિના રાજકીય પરિસ્થિતિથી માહિતગાર રહી શકે છે. એ ઈચ્છવા યોગ્ય છે કે બધા રાજકીય પક્ષો એક બાબત વિશે સહમતિ કેળવે કે જ્યાં સુધી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય ત્યાં સુધી તેઓને સક્રિય રીતે પક્ષના કાર્યમાં જોડવા નહિ. આ સ્વયં સ્વીકારેલ કાયદો આપણી કેળવણીની સંસ્થાઓમાં શિસ્ત અને શિક્ષણનું ધોરણ સુધા૨વામાં ખૂબ જ સહાયરૂપ થશે.

એ ખાસ જરૂરી છે કે વિદ્યાર્થીઓની ચૂંટણી પક્ષીય રાજકારણથી દૂર રાખવી જોઈએ. કૉલેજો અને યુનિવર્સિટીની ચૂંટણીઓ રાજકીય પક્ષો માટે ચૂંટણી જંગ ખેલવાના મેદાનો બની ગઈ છે તે વર્તમાન પરિસ્થિતિનું ચોક્કસપણે અનિચ્છનીય પાસું છે. આ ચૂંટણીઓ માટે મોટી રકમો ખર્ચવામાં આવે છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓની બધી ભ્રષ્ટ રીતો વિદ્યાર્થી જગત સુધી પહોંચે છે. આવી રીતે યુનિવર્સિટી યુનિયનનો ખ્યાલ જળવાતો નથી કારણ કે યુનિવર્સિટી યુનિયનમાં કોઈ પણ વિદ્યાર્થીને તેના પક્ષ કે નાણાંકીય પરિસ્થિતિ ધ્યાનમાં લીધા વિના સામેલ કરવામાં આવે છે. યુનિવર્સિટીની ચૂંટણીઓમાં શૈક્ષણિક અને વહીવટી પ્રશ્નો કેન્દ્રસ્થાને હોવા જોઈએ, અને નહિ કે રાજકીય બાબતો. જો કે વર્તમાન પરિસ્થિતિનો ઈલાજ શોધી શકાય જો મોટા રાજકીય પક્ષો આ બાબતમાં એક વિશાળ સમજૂતી કેળવે તો.

ટૂંકમાં કહીએ તો વિદ્યાર્થીઓએ ભારતીય રાજકારણનો મૂળ આધાર સમજવો જોઈએ અને તે ભારતીય બંધારણમાં મૂકેલો છે. ભારતીય રાજકારણની ગતિશીલતા અને તેમાં સામેલ વ્યક્તિઓને સમજવા માટે એ જરૂરી નથી કે તેઓ સક્રિય પક્ષીય રાજકારણમાં જોડાઈને તેઓની શૈક્ષણિક કારકિર્દીમાં ખલેલ પહોંચાડે. વિદ્યાર્થીઓએ પોતાનાં શૈક્ષણિક વર્ષોનો એવી રીતે ઉપયોગ કરવો જોઈએ કે જેથી તેઓ શારીરિક રીતે, બૌદ્ધિક રીતે, નૈતિક રીતે અને આધ્યાત્મિક રીતે પોતાની જાતને તૈયાર કરી શકે અને નવા ભારત અને નવી માનવજાતિના ઘડતરના સાહસભર્યા કામમાં પોતાનો ફાળો આપી શકે. રાજકારણ એ આપણા રાષ્ટ્રીય જીવનનું એક પાસું છે અને તેને અયોગ્ય મહત્ત્વ આપવું નહિ જોઈએ. બીજી સામાજિક પ્રવૃત્તિઓના ભોગે આપણે રાજકીય પ્રવૃત્તિને વધુ મહત્ત્વ આપ્યું છે અને તેથી આપણા સમાજમાં વિકૃતિઓ ઊભી થઈ છે, અને તેથી આપણો વિદ્યાર્થી સમુદાય રાજકારણને સમગ્ર રાષ્ટ્રીય હિતના સંદર્ભમાં જુએ તે માટે તેઓને ઉત્તેજન આપવું જોઈએ.

ભાષાંતર: શ્રી સી.એમ. દવે

Total Views: 131

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.