(કન્યાકુમારીથી યુવાનોને આહ્વાન)

(સ્વામી વિવેકાનંદજીની જન્મ શતાબ્દી વખતે (૧૯૬૩માં) શ્રી એકનાથજી રાનડેએ પોતાનું એક મહાન સ્વપ્ન સિદ્ધ કર્યું. ભારતમાતાના અંતિમ છેડા પર જ્યાં ત્રણ સાગરો મળે છે ત્યાં ‘વિવેકાનંદશિલા’ (જે શિલાખંડ પર બેસી સ્વામીજીએ અમેરિકા જતાં પહેલાં ભારતમાતા વિશે ત્રણ દિવસો સુધી ધ્યાન કર્યું હતું.) પર એક ભવ્ય સ્મારકનું નિર્માણ. તેની સાથે જ તેમણે પ્રારંભ કર્યો –વિવેકાનંદ કેન્દ્રનો, જેમાં જેઓ સંન્યાસ ગ્રહણ કરવા નથી માગતાં એવા યુવક-યુવતીઓ પોતાનું સમસ્ત જીવન સેવા માટે સમર્પિત કરે. આ કેન્દ્રની પ્રવૃત્તિઓનો પરિચય આપે છે – વિવેકાનંદ કેન્દ્રના ભૂતપૂર્વ અધ્યક્ષ. – સં.)

આપણાં ઉપનિષદોના ઉદાહરણ યોગ્ય આદર્શો ઉપરથી પ્રેરણા મેળવીને સ્વામી વિવેકાનંદજીએ – ત્યાગ અને સેવા – એમ બે આદર્શોને રાષ્ટ્રના આદર્શો તરીકે ઉદ્બોધ્યા છે. આ આદર્શોના આચરણ દ્વારા આપણાં જીવન સામર્થ્યપૂર્ણ બને એમ તેઓ ઈચ્છતા હતાં. વિજ્ઞાન, ટૅક્નૉલૉજી અને માનવીય મહત્ત્વાકાંક્ષા કેવો વળાંક લેશે એની ભવિષ્યવાણી એમણે આજથી સો વર્ષ પૂર્વે ઉચ્ચારી હતી.

આશ્ચર્ય તો એ છે કે “સ્વૈચ્છિક સાદગી”, ‘‘કરકસરભર્યો ઉપયોગ’’, ‘‘દાર્શનિક બુદ્ધિમત્તા”, અને “વૈશ્વિક ચેતના’’ એવા એવા અનેક આદર્શોના પ્રયોગો આજે પશ્ચિમે ખૂબ ઉત્સાહ સાથે અને ગૌરવાન્વિત ભાવનાઓથી આરંભ્યા છે તે તો આપણા સાંસ્કૃતિક ઈતિહાસમાં સાર્થકપણે અને સક્રિય રીતે ગુંજન કરી જ રહ્યા છે.

સ્વામી વિવેકાનંદે કરેલું આહ્વાન આપણે માટે અન્ય રીતે પણ પ્રસ્તુત છે. આજે જ્યારે આપણા રાષ્ટ્રીય જીવનનો ઢાંચો તીવ્ર પ્રાદેશિકતા અને સંકુચિત સાંપ્રદાયિકતાથી રફે દફે થઈ રહ્યો છે ત્યારે માતૃભૂમિ માટેના સ્વામીજીના ઉત્કટ પ્રેમને આપણે યાદ કરવો જરૂરી લાગે છે તથા એની પાછળનો તાર્કિક આધાર સમજવો પણ ખૂબ જરૂરી છે. પોતે એક શ્રેષ્ઠતમ દેશભક્ત હતા અને પોતાની માતૃભૂમિને તેઓ સાક્ષાત્ જગદંબા જ માનતા હતા અને એના અધઃપતન અને વિનાશથી તેમનું દિલ ખૂબ દુભાતું હતું. દેશનાં ચિર-સન્માનિત મૂલ્યો અને પરંપરાઓમાં સાધારણ માણસના વિશ્વાસને પુનઃસ્થાપિત કરવો એ જ એક માત્ર રસ્તો એમને માતૃભૂમિ ભારતના ગૌ૨વને અગાઉની ટોચે પાછું લાવવા માટે જણાતો હતો. એમને મન આ માત્ર રાષ્ટ્રીય આવશ્યકતા જ નહોતી, પરંતુ એક ઐતિહાસિક જરૂરિયાત હતી, કારણ કે તેઓ એમ માનતા હતા કે સ્વ-નિર્મિત વિનાશને પંથે ધસી જતી માનવજાતિ માટે ભારત જ એક માત્ર આશારૂપ છે. આથી વેદો અને ઉપનિષદોનાં ગતિશીલ જીવન- દાયક સત્યો સામાન્ય માણસના ઘરના આંગણામાં લાવીને મૂકી દેવાનો તથા વેદાંતનાં સત્યોનાં સાર- તત્ત્વોને રોજબરોજ જીવાતા જીવનના સ૨ળ નિયમોમાં રૂપાંતરિત કરવાનો એમણે દૃઢ નિર્ધાર કર્યો હતો.

ખરેખર તો એ પોતે જ એક ‘‘નાનકડું ભારત’’ હતા. આપણને બધાંને એક રાષ્ટ્ર તરીકે સંગઠિત કરી રાખે એવું અત્યંત મહત્ત્વપૂર્ણ અને અસાધારણ કહેવાય એવું જો આપણા યુવાનો શોધી રહ્યા હોય તો તે છે – એમણે પ્રતિપાદિત કરેલો એકતા અને વિશ્વ-વ્યાપકતાનો સંદેશ. એ સમજણમાંથી યુવાનોનું જીવન નવપલ્લવિત થશે જે તેમને તેમના જીવનના શ્રેષ્ઠ ઉત્કર્ષના લક્ષ્ય તરફ પ્રયાણ કરવા માટે તૈયાર કરશે.

આપણી માતૃભૂમિને તથા એના સંસ્કારો તથા પરંપરાઓને ચાહવાનું શીખીને તેઓ આપણા સાંસ્કૃતિક વારસાના મુખ્ય વિચારરૂપ ‘‘વિવિધતામાં એકતા’’ના અર્થને અને “વૈશ્વિક ભ્રાતૃભાવ”ના સત્યને ઓળખી શકશે.

તેમની પોતાની નાનકડી અસ્મિતાને વૈશ્વિક અસ્મિતા સાથે સાંકળવાથી તેઓ તેમની વ્યક્તિગત મર્યાદાઓની પેલે પાર પહોંચી શકશે. આ પ્રમાણેની માનવ-નિર્માણની પ્રક્રિયા દ્વારા જ આપણે રાષ્ટ્ર-નિર્માણ પ્રાપ્ત કરી શકીશું. આપણા યુવાનોની કાયાપલટ દ્વારા જ ભારત તેની ગુમાવેલી ચારિત્ર્ય- શીલતા, પ્રતિષ્ઠા અને ભવ્યતા પુનઃ પ્રાપ્ત કરી શકશે.

આપણે ગૌરવ લઈ શકીએ એવી તમામ વસ્તુ આપણી પાસે છે જ. જ્યારે જીવનની ખરેખરી વૈજ્ઞાનિક આધ્યાત્મિક આધારભૂમિની સમજણ ઘણા સમય પહેલાં કેળવી લીધી હતી અને જેણે વૈશ્વિક પ્રેમ, વૈશ્વિક પ્રજ્ઞા અને વૈશ્વિક ભ્રાતૃભાવનો જ ઉપદેશ આપ્યો હતો એવા રાષ્ટ્ર સાથે, એવી સંસ્કૃતિ સાથે અને એવી પરંપરાઓ સાથે આપણે જોડાયેલા છીએ. જે કાંઈ અસ્તિત્વમાં છે તે સર્વમાં વિશ્વ ઐક્ય છે એ સત્યનો ભારતે જગતને ઉપદેશ આપ્યો છે, જેનો જોટો સારાયે વિશ્વમાં મળવો મુશ્કેલ છે. જો આ ચેતનામાંથી ઉદ્ભવતા આપણા આધ્યાત્મિક વારસાના અને સાંસ્કૃતિક મૂલ્યોના વાસ્તવિક મહત્ત્વને સમજવા માટે થોડોક પણ શ્રમ લઈશું તો આજે જેની ઘણી જ આવશ્યકતા છે એવી સાંસ્કૃતિક ક્રાંતિના પ્રારંભકર્તા આપણે બનીશું. સ્વામીજીના ઉપદેશોનો એ જ પ્રમુખ વિચાર હતો.

સંક્ષેપમાં, આપણે સૌ ભારતીયોએ આપણા પ્રત્યેકમાં સુષુપ્ત અવસ્થામાં પડેલા સામંજ્સ્ય સ્થાપિત કરનારાં, એકીકરણ કરનારાં, આધ્યાત્મિકતા અને પૂર્ણતા તરફ લઈ જનારાં બળોનું આહ્વાન કરીને, નિશ્ચેત અને યાંત્રિક સંસ્કૃતિના સાર્વત્રિક વિનાશકારી, ભીષણ અને વેગીલા આક્રમણને અટકાવવા, પડકાર ઝીલવા માટે કટીબદ્ધ થવું પડશે. સાદી ભાષામાં વાત કરીએ તો આનો અર્થ એ જ થાય કે ‘‘દિવ્યતાને અભિવ્યક્ત કરવી”, જે સ્વામીજીને અત્યંત પ્રિય એવી વાત હતી. ખરેખર તો આ જ વૈજ્ઞાનિક સાધના છે. આ જ વાસ્તવિક આધુનિકતા છે. સાચી વાસ્તવિકતાની નવી દૃષ્ટિના પુનરુદ્ધારમાં જ માનવસમાજના પ્રગતિશીલ વિકાસની તથા માતૃભૂમિને જીવાડવાની આશા રહેલી છે.

વિવેકાનંદ કેન્દ્ર:

ત્યાગ અને સેવાનો આદર્શ અપનાવવો તથા માનવ-નિર્માણ અને રાષ્ટ્ર-નિર્માણને આધારભૂમિ રાખીને એ આદર્શને સુચરિતાર્થ કરવા માટે નિશ્ચિત ઢાંચાવાળી સંસ્થાને મૂર્તિમંત કરવી એ બે સ્વામી વિવેકાનંદના સર્વોપરી આદર્શોના સ્વીકારની સાથે જ સ્વામી વિવેકાનંદ કાર્ય યોજનાનો પ્રારંભ થાય છે. કાર્યકર્તાને તેની સેવાકાર્યને લીધે આંતરિક વિકાસ સાધવાનો અને એની સમર્પિત સેવાને લીધે સમાજને થતો લાભ એમ બેવડો લાભ આથી વિવેકાનંદ કેન્દ્રના બધા જ કાર્યક્રમોને મળે છે. જ્યારે સ્વામી વિવેકાનંદે ‘‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ” એ આદર્શવાળાં આપણાં કાર્યો હોવાં જોઈએ એવું ભારપૂર્વક કહ્યું ત્યારે તેમણે આ આદર્શોની જ વાત કરી હતી. આ બાબતને પૃષ્ઠભૂમિમાં રાખીને વિવેકાનંદ કેન્દ્રે તેની “પંચમુખી યોજના” (પાંચ પાસાંવાળા સેવા કાર્યક્રમ)ને આકાર આપ્યો છે.

કેન્દ્રના મુખ્ય કાર્યક્રમો:

(૧) કેળવણી:

ભારતીય સમાજમાં જે બેચેની પ્રવર્તે છે તેના મૂળભૂત કારણ તરીકે સ્વામીજીએ યોગ્ય શિક્ષણના અભાવ તરફ અંગૂલિનિર્દેશ કર્યો હતો. આથી આ કેન્દ્ર પોતાની સેવાની મુખ્ય પ્રવૃત્તિઓમાં શિક્ષણને પ્રમુખ સ્થાન આપ્યું છે. જનજાતિનાં બાળકો માટે અરુણાચલપ્રદેશમાં આ કેન્દ્ર ૧૫ નિવાસી શાળાઓ ચલાવે છે. આ ઉપરાંત આસામમાં ત્રણ, આંદામાન અને વલ્લયુરમાં એકેક અને તામીલનાડુમાં કન્યાકુમારીમાં એક એ પ્રમાણે આ કેન્દ્ર શાળાઓ ચલાવે છે. અંકુરિત થતાં આપણાં બાળકોને પૂર્વ- પ્રાથમિક શિક્ષણ આપવા માટે શાખા કેન્દ્રો ઘણી બધી બાલવાડીઓ ચલાવે છે. માનવ-નિર્માણ અને રાષ્ટ્ર- નિર્માણના સ્વામી વિવેકાનંદના આદર્શોને અમારા તમામ શૈક્ષણિક કાર્યક્રમોમાં અગ્રસ્થાન આપવામાં આવે છે.

(૨) ગ્રામવિકાસ કાર્યક્રમો:

સ્વામી વિવેકાનંદ એક એવા સ્વપ્નદ્રષ્ટા હતા જેમણે કહ્યું હતું કે ગામડાંઓના જનસમાજને જાગ્રત કરવાથી જ નવા ભારતનો ઉદય થશે. આ બાબતને લક્ષમાં રાખીને કેન્દ્ર તરફથી તામીલનાડુના કન્યાકુમારી, તીરુનાલવેલી, ચિદમ્બરાનર અને રામનાથપુરમ્ એમ ચાર જિલ્લાઓમાં સાંસ્કૃતિક ઝોક સાથેની પ્રવૃત્તિઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સામાજિક જાગ્રતિ અને સાંસ્કૃતિક પુનર્જીવનના નિર્માણ માટે કેન્દ્રે પૌષ્ટિક આહારની સગવડ આપતી શિશુશાળાઓ, યુવા શિબિરો, ગ્રંથાલયો, તબીબી પરિચર્યા, બાળકો માટે સાંસ્કૃતિક વર્ગો તથા સ્પર્ધાઓ તથા બાળ-સંસ્કાર વર્ગો અને સ્ત્રીઓ માટે દીપ-પૂજા સહિતના અનેકવિધ કાર્યક્રમો હાથ ધર્યા છે.

આ કેન્દ્રના ગ્રામ વિકાસના કાર્યક્રમો કેરાલા, બિહાર, કર્ણાટક, આસામ અને આંદામાન સુધી વિસ્તર્યા છે. આસામ રાજ્યના કરબી આંગલોંગ જેવા જનજાતિ માટેના સ્વાયત્ત જિલ્લાના ખાટકટ્ટીમાં એક ગ્રામ તાલીમ સંસ્થાનની સ્થાપના કરવામાં આવી છે.

(૩) કુદરતી સંપત્તિ વિકાસ પરિયોજના:

‘‘કુદરત સાથે સામંજસ્ય રાખીને જીવો”, એવો પ્રાચીન ઋષિઓનો સંદેશ છે. કુદરતી સંપત્તિની ગેર-વ્યવસ્થા અને અવિચારી ઉપયોગને કારણે આજે આપણે ઊર્જા સ્રોતની કટોકટીનો સામનો કરી રહ્યા છીએ. આજના સમયની માગ છે કે આપણી પાસે જે સંપત્તિ પડેલી છે તેનું સંરક્ષણ કરવું અને તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો તથા વૈકલ્પિક અન્ય સ્રોતો માટેની શોધ પણ કરવી. કેન્દ્રના NARDEP (કુદરતી સંપત્તિ વિકાસ પરિયોજના) દ્વારા તામીલનાડુના ગામડાંઓમાં અનેક બાયોગૅસ પ્લાન્ટ્સ અને બીજા સ્વયંસ્ફૂર્ત ઊર્જા સ્રોતો ઊભા કરવામાં આવ્યા છે.

આ પરિયોજનાની અન્ય પ્રવૃત્તિઓમાં પર્યાવરણના કાર્યક્રમો, ઓછી કિંમતનાં મકાનો, દુષ્કાળની સંભાવના ધરાવતા વિસ્તારોમાં અંતઃસ્રવણ (૫૨કોલેશન) ટાંકીઓનું બાંધકામ વગેરેનો સમાવેશ થાય છે.

(૪)યોગ માર્ગે જીવનનો પ્રચારઃ

સાધારણ લોકો માટે, વિદ્યાર્થીઓ માટે, વ્યવસાય કરનારાઓ માટે, તથા સાધકો માટે યોગનો પ્રચાર કરીને કેન્દ્રનો યોગ વિભાગ ખૂબ ઉપયોગી ભૂમિકા ભજવે છે. કેન્દ્રની બધી જ શાખાઓમાં નિયમિતપણે યોગ શિબિરો તથા આધ્યાત્મિક શિબિરોનું આયોજન કરવામાં આવે છે. યુવા શિબિરો અને કિશોરો માટે વ્યક્તિત્વ વિકાસની શિબિરો અમારી વિશેષ લાક્ષણિકતા છે. બેંગલોર ખાતેની દોઢસો પથારીવાળી યોગ થૅરેપી હૉસ્પિટલને તથા એના બહુમુખી સંશોધન કાર્યક્રમોને માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહિ પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ આનંદપૂર્વક વધાવવામાં આવ્યા છે.

(૫) પ્રકાશનો:

યુવાનો અને તેમની મહત્ત્વાકાંક્ષાઓને કેન્દ્રમાં રાખીને વિવેકાનંદ કેન્દ્રની પ્રકાશન પાંખ તરફથી વિવિધ ભાષાઓમાં માસિક, ત્રૈમાસિક અને અર્ધ-વાર્ષિક સામયિકો ઉપરાંત ઘણા બધાં પ્રકાશનો બહાર પાડવામાં આવ્યાં છે. વિવેકાનંદ કેન્દ્ર તરફથી પ્રકાશિત થતી ડાયરીઓ અને અભિનંદન પત્રિકાઓ સ્વામી વિવેકાનંદના સંદેશને સારાયે વિશ્વમાં ઘેર ઘેર પહોંચતા કરે છે.

સ્વામીજી આપણી ભૂમિના યુવાનો માટે અદ્ભુત સ્વપ્ન પોતાની પાછળ મૂકી ગયા છે, અને એ છે, આપણી માતૃભૂમિ ભારતના પ્રાચીન ગૌરવની પુનઃસ્થાપના કરવાનું અને કોઈ પણ ગંતવ્યસ્થાન ઉપર પહોંચ્યા વગર ભૌતિક લક્ષ્યો તરફ આંધળી દોટ મૂકીને સંઘર્ષ કરતી સમસ્ત માનવજાતિમાં પ્રાણ રેડનારી દીવાદાંડી બની શકે તે માટે માતૃભૂમિને ચેતનવંતી બનાવવાનું. આપણે જેના ઉત્તરાધિકારી બન્યા છીએ એવા આપણા આધ્યાત્મિક વારસાને વ્યાપક બનાવવો અને તેમાં સમસ્ત માનવજાતનો સમાવેશ કરવો એ જ ઉદ્દેશ આપણે આપણી સમક્ષ રાખવો જોઈએ.

આપણા રાષ્ટ્રનું નવ-નિર્માણ કરવા માટેના આપણા આધ્યાત્મિક વારસાને પુનર્જીવિત કરવા માટેના આ વિરાટ કાર્યને સફળ બનાવવા માટે આપણી અંદર પડેલી અપ્રગટ પ્રભાવશાળી દિવ્યતાનું આકર્ષણ કરીને આપણામાંની દરેકે દરેક વ્યક્તિએ પોતાની જાતનું પુનર્નિર્માણ ક૨વાનું છે. ભારતના લોકોના પુનરુદ્ધારના આ કાર્યમાં સ્વામી વિવેકાનંદ આપણી દીપ-જ્યોતિ બની રહો.

Total Views: 100

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.