‘જો મારાં પુસ્તકો અને મારા વાચનના પ્રેમના બદલામાં સમસ્ત મહારાજ્યોના મુકુટો મારા પગ આગળ મૂકવામાં આવે તો હું તે સર્વ મુકટોને લાત મારી ફેંકી દઉં!’

– ફેનેલન

‘વાચનનો રસ, જે મારો બાળપણનો અજેય મિત્ર છે તેને બદલે જો કોઈ મને હિંદુસ્તાનની સઘળી દોલત આપી દે તો પણ હું તેનો ત્યાગ કરું નહિ.’

– ગિબન

‘હાલમાં મારા ઘણા મિત્રો છે અને હું તેમને ચાહું છું પરંતુ તેમના કરતાં હું વાચનને વિશેષ ચાહું છું.’

– પોપ

‘ગ્રંથો એ મિત્રરહિત માણસોના મિત્રો છે.’

– જ્યોર્જ એસ. હિલર્ડ

ગ્રંથો એ મિત્રહીનના મિત્રો, એકલવાયા પડેલા જનોના સાથીઓ, આનંદહીનનો આનંદ, નિરાશ થયેલાઓની આશા, હૃદયભગ્ન થયેલાઓનું આશ્વાસન અને અસહાય નિરાશ્રિતોના આશ્રય અને સહાયક છે. પુસ્તકો અંધકારમાં પ્રકાશ આણે છે અને છાયામાં તડકો આણે છે.

આપણે ગરીબ હોઈએ; સમાજ દ્વારા તિરસ્કારાયેલા હોઈએ અને સત્પુરુષોનો સમાગમ કરવાની તક ન મળતી હોય પણ પુસ્તકોને આપણે ઉત્તમોત્તમ મિત્રો બનાવી શકીએ છીએ. તેમના દ્વારા આપણે મહેલોમાં રહી શકીએ છીએ. મોટા મોટા મહારાજાઓ સાથે વાતો કરી શકીએ છીએ. રાજવંશીઓના મિત્ર થઈ શકીએ છીએ અને સર્વ યુગોના મહાનમાં મહાન અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુરુષોની સાથે બેસીને ધરાઈએ ત્યાં સુધી વાર્તાલાપ કરી શકીએ છીએ.

જે ગ્રંથ એક યુવાન માણસને તેના જીવનકાર્યમાં ગોઠવી શકે છે તે મહાન શક્તિશાળી હોય છે. માત્ર એક જ ગ્રંથના પ્રોત્સાહનથી અનેક વ્યાખ્યાનકારો, કવિઓ, તત્ત્વવેત્તાઓ, ગ્રંથકર્તાઓ અને રાજદ્વારી પુરુષો ઉત્પન્ન થયા છે. એથી ઊલટી રીતે જોતાં, એક જ અનીતિમાન પુસ્તકે કેટલીવાર અનેક માણસોને નાસ્તિક, લંપટ અને અપરાધી બનાવ્યા છે. ઓસિયનનાં કાવ્યોએ નૅપોલિયનના જીવન પર અતિ પ્રબળ અસર કરી હતી અને તે હોમરની પ્રશંસા કરતાં થાકતો ન હતો. તેનું વાચન બહુ જ વિશાળ હતું; તેણે સમસ્ત યુગોના અને સમસ્ત દેશોના ઈતિહાસ, ગણિતશાસ્ત્ર, વર્જિલ અને ટાસોના ગ્રંથો અને ધાર્મિક પુસ્તકો તથા કાયદાના ગ્રંથો વાંચ્યા હતા.

જે પુસ્તકો આપણને સૌથી વિશેષ પ્રોત્સાહન આપે અને કાંઈક મહાન કાર્ય કરવાને તથા કાંઈક મહત્તા મેળવવાને સૌથી વિશેષ નિશ્ચયવાન બનાવે તે જ ઉત્તમોત્તમ ગ્રંથો છે.

એમર્સને વાચનના ત્રણ નિયમો કર્યા હતા:

જે પુસ્તકને પ્રસિદ્ધ થયાને એક વર્ષ થઈ ગયું ન હોય તે ન વાંચવું.

ઉત્તમ ગ્રંથો સિવાય બીજું કોઈ પણ પુસ્તક વાંચવું નહિ.

જે પુસ્તક પસંદ પડતું ન હોય તે કદી પણ વાંચવું નહિ.

બેકન કહે છે કે:

‘કેટલાક ગ્રંથોનો તો માત્ર સ્વાદ જ લેવાનો હોય છે. કેટલાકને ગળી જવાના હોય છે અને થોડાકને જ ચાવી અને પચાવી દેવાના હોય છે’ અર્થાત્ કેટલાંક પુસ્તકોના માત્ર થોડા જ ભાગ વાંચવાના હોય છે, કેટલાકને વાંચી જવાના હોય, પરંતુ આતુરતાપૂર્વક નહિ અને થોડાકને જ ઉદ્યોગ, ધ્યાન અને મનનપૂર્વક સંપૂર્ણ વાંચવાના હોય છે.

જો સઘળી વસ્તુઓ ખરીદવાની તમારામાં શક્તિ ન હોય તો આવશ્યક રાચરચીલાં અને છબીઓ કે ચિત્રોને બદલે પુસ્તકો જ ખરીદજો.

જો આપણા દેશના પ્રત્યેક ઘરમાં ઉત્તમોત્તમ પુસ્તકોનો સંગ્રહ હોય તો આપણી સંસ્કૃતિમાં એક મોટો ફેરફાર થઈ જાય.

સારા ગ્રંથો ચારિત્ર્યને ઉન્નત કરે છે, રુચિને શુદ્ધ કરે છે, હલકા આનંદોનો મોહ મટાડે છે અને આપણને ઊંચકીને વિચાર અને જીવનની ઉચ્ચતર ભૂમિકા પર મૂકી દે છે.

તમે જે પણ વાંચી તે ઉત્સાહપૂર્વક વાંચો. જો તમારા મગજનો વિકાસ કરવાની તમારી ઈચ્છા હોય તો બલપૂર્વક અને સંપૂર્ણ ધ્યાનપૂર્વક વાંચો; અને તેમાંના આઘ્યાત્મિક અને નૈતિક જીવનને ગ્રહણ કરવાનું તથા તેને તમારા જીવનમાં મેળવી દેવાનું શીખો.

એમ કહેવાય છે કે, કુમારી માર્ટિનો એક કલાકમાં માત્ર એક જ પૃષ્ઠ વાંચતી. ઍડમંડ બર્ક હંમેશાં એવી રીતે પુસ્તક વાંચતો કે એ તેને પોતાનું જ બનાવી લેતો, તેને પોતાના જીવનપર્યંતની સંપત્તિ જ બનાવી લેતો.

જૉસફ કૂક તરુણોને એવો બોધ આપે છે કે, તેમણે વાંચતી વખતે હંમેશાં નોંધ કરવી. મહાશય કૂક પોતાના ગ્રંથોમાં હાંસિયાનો ઉપયોગ નોંધ કરવામાં કરે છે. એ પોતાના ગ્રંથો પર એટલી છૂટથી નોંધ કરે છે કે, તેના પુસ્તકાલયમાંનો પ્રત્યેક ગ્રંથ એક નોંધપોથી બની જાય છે. તે સમસ્ત તરુણ સ્ત્રી પુરુષોને પોતાની પાસે નોંધપોથી રાખવાની સલાહ આપે છે. આ નોંધપોથીઓ સ્મરણશક્તિને ઘણી સહાય કરે છે અને આપણે જે વાંચ્યું હોય તેને ભવિષ્યમાં ઉપયોગમાં લેવાને માટે સંગ્રહી રાખવામાં અથવા શોધી કાઢવામાં અદ્ભુત મદદ કરે છે. સ્વામી રામતીર્થ અને કલાપી પણ એમ જ કરતા.

(“ભાગ્યના સ્રષ્ટાઓ” પુસ્તકમાંના “ગ્રંથો” નામના લેખમાંથી)

Total Views: 103

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.