નગાધિરાજ હિમાલયને ખોળે અનેક પ્રસિદ્ધ તીર્થસ્થળો – શાંતિધામો અવસ્થિત છે – કેદારનાથ, બદ્રીનાથ, અમરનાથ, કૈલાસ, માનસરોવર વગેરે. તે સિવાય સ્વર્ગની સુંદરતા અને આધ્યાત્મિક શાંતિથી વ્યાપ્ત કેટલાક આધુનિક તીર્થધામો પણ અહીં અવસ્થિત છે, જેનાથી લોકો વિશેષ પરિચિત નથી, આ આધુનિક તીર્થધામોમાંથી ત્રણનું વર્ણન અહીં આપેલ છે. લેખિકા શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, વડોદરાના સક્રિય સભ્ય છે. -સં.

માયાવતી

अस्त्युत्तरास्थां दिशि देवातात्मा हिमालयो नाम नगाधिराज:

‘કુમાર સંભવ’માં હિમાલયની સ્તુતિનો આરંભ કવિ કાલિદાસ આ શબ્દોથી કરે છે. શેષ શ્લોકો પરથી પણ હિમાલયનું આકર્ષણ કેટલું બધું છે તે સ્પષ્ટ છે. સ્થાનિક પ્રાકૃતિક સૌંદર્ય ઉપરાંત આ હિમાચ્છાદિત પર્વતોમાં પ્રાચીનકાળથી એક એવું વિશિષ્ટ તત્ત્વ જણાયું છે જેથી ભારતીયજનોની આધ્યાત્મિક વૃત્તિને ઉચ્ચતમ અવસ્થાએ પહોંચાડે છે. પ્રાચીન કવિઓએ કેવળ વૈવિધ્યપૂર્ણ અને ચિત્રવિચિત્ર પ્રકારનાં ફળફૂલો, વનસ્પતિઓ તથા પશુપક્ષીઓના નિવાસસ્થાન તરીકે જ નહિ, પરંતુ કિન્નરો અને ગંધર્વો જેવા દિવ્ય ગણોના સ્વર્ગલોકસમા રહેઠાણ તરીકે પણ હિમાલયને વર્ણવ્યો છે. ત્યાંની ગુફાઓ અને તળેટીઓમાં પ્રાચીન યુગના અનેક ઋષિ-મુનિઓ અને યોગીઓએ કરેલી સાધના અને તપશ્ચર્યાને લીધે પણ હિમાલયમાં એક વિશિષ્ટ પ્રકારનું આધ્યાત્મિક હવામાન બંધાયું છે. એ વાતાવરણ એટલે સુધી અસરકારક જણાય છે કે ત્યાર પછી રચાયેલાં શાસ્ત્રોમાં ઉત્તર દિશા પોતે જ મુમુક્ષુઓની આધ્યાત્મિક અભિલાષાઓની પ્રેરક અને સિદ્ધિ માટે સહુથી વધુ પવિત્ર દિશા ગણાવા લાગી. ‘મહાભારત’માં આપણે વાંચીએ છીએ કે તેમના ‘મહાપ્રસ્થાન’માટે પાંડવો હિમાલય ગયા હતા; અને આદિ શંકરાચાર્ય તેમની અંતિમ યાત્રા માટે કેદારનાથના શિખરોથી પણ વધુ આગળ જઈને અનંતમાં વિરમ્યા હતા.

હિમાલયના ઉત્તુંગ હિમાચ્છાદિત શિખરોનું આકર્ષણ જાગૃત આત્માઓને સદૈવ રહેલું જ છે. સ્વામી વિવેકાનંદ પણ ફરતાં ફરતાં છેવટે અહીં જ આવ્યા, અને અહીં જ તેમને અન્યત્ર ક્યાંય નહોતી થઈ તેવી ભવ્ય અને અલૌકિક અનુભૂતિ થવા પામી. અહીં તેમણે વેદાંત અને અદ્વૈતના તત્ત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યો. જગતના લાખો ભાગ્યહીન લોકોની દુર્દશાથી ચિંતાતુર થઈને તેમણે પછી પશ્ચિમી દેશોનો પ્રવાસ આદર્યો, જેથી ભારતની મહાન પ્રાચીન પરંપરાઓનું ગૌરવ તેઓ જાણી લે, અને વેદાન્ત તત્ત્વજ્ઞાનને વ્યાવહારિક જગતમાં ઉતારે. ભારતના લોકોમાં પણ આ જ્ઞાન ફેલાવીને તેઓનો ઉદ્ધાર કરવાને સ્વામીજી આતુર હતા.

ઈ.સ. ૧૮૯૬ના વર્ષમાં સ્વામી વિવેકાનંદ બીજી વાર ઇંગ્લેન્ડની મુલાકાતે ગયા. ત્યાર પછી તેમણે યુરોપનો પણ પ્રવાસ કર્યો. તે દરમિયાન પોતાના શિષ્યો કૅપ્ટન તથા શ્રીમતી સેવિયર અને મિસ મૂલર સાથે તેઓએ આલ્પ્સ પર્વતમાળાના શિખરોનું આરોહણ કર્યું. યુરોપના આ મહાન પર્વતોની વચ્ચે પ્રથમ વાર સ્વામીજીની એક ઈચ્છા વ્યક્ત થવા પામી. તેઓના પ્રિય એવા હિમાલયની ગોદમાં તેઓ એક આશ્રમ સ્થાપવા ઈચ્છતા હતા. આ ઈચ્છાને સાંભળનારાઓ જ ભવિષ્યમાં અદ્વૈત આશ્રમના સ્થાપકો બનવાના હતા. સ્વામીજીએ કહ્યું, ‘ઓહ, મને એવા આશ્રમની- તપોવનની – ઈચ્છા છે. જ્યાં હું મારા જીવનની પ્રવૃત્તિઓમાંથી પરવારીને નિવૃત્તિમય જીવન વીતાવું અને જીવનનો શેષ સમય ધ્યાનમાં ગુજારી શકું!! એ એક એવું કેન્દ્ર હશે જ્યાં મારા ભારતીય તેમ જ પાશ્ચાત્ય દેશોના શિષ્યો સહુ સાથે રહેશે અને હું તેઓને મારા કાર્યકરો બનવાની તાલીમ આપીશ. તેઓ વેદાન્તના પ્રચારકો તરીકે પછી પશ્ચિમમાં જશે અને શેષ અહીં ભારતમાં જ ભારતના કલ્યાણ માટે કાર્યરત થશે.’

સ્વામીજીના આ સ્વપ્નથી પ્રેરિત થઈને કૅપ્ટન તથા શ્રીમતી સેવિયર સ્વામીજીની સાથે જ ઇંગ્લેન્ડથી ભારત આવી પહોંચ્યાં. ત્યાર બાદ તેમણે અલ્મોડા તાલુકામાં આવા તપોવનની સ્થાપનાને યોગ્ય હોય તેવા સ્થાનની શોધ આદરી. સ્વામી સ્વરૂપાનંદ નામના સ્વામીજીના અન્ય શિષ્ય પણ તેઓની સાથે રહ્યા. ઘણાં સ્થળોએ ફરીને, અને દરેક શક્ય સ્થાનનો પૂરતો અભ્યાસ કર્યા પછી તેઓને માયાવતીનું સ્થાન મળ્યું. મોટાં મોટાં વૃક્ષોથી સઘન રીતે છવાયેલો આ પ્રદેશ છે, જેની ઊંચાઈ ૬,૫૦૦ ફીટની છે. અલ્મોડા શહેરથી તે ૫૦ માઈલ દૂર છે. ત્યાંથી હિમાલયનાં શિખરોનું અદ્ભુત દર્શન થાય છે. આ સ્થળની શોધ ખરેખર અનન્ય હતી. એ વિદેશી યુગલની આસ્થા અને કાળજી વિષે માન થયા વિના રહેતું નથી, કારણ કે ત્યાંનો પ્રદેશ વિકટ તો હતો જ, પરંતુ ઘોડાની પીઠ પર બેસી તે જગ્યાઓમાં ફરવાનું પણ ખતરનાક હતું, જેમાં ઘોડાઓના પગ પણ ફસડાઈ પડે તેવી વણખેડી જમીનો અને ખીણો હતાં. નવાગંતુકોએ આવી ભયજનક યાત્રા કરી એટલું જ નહિ, આટલું સુયોગ્ય સ્થળ પણ, પોતાના સ્વામીજીના હેતુને સારી રીતે સમજીને શોધી કાઢયું.

પ્રથમ દર્શને જ સેવિયર દંપતીએ ઠરાવ્યું કે આ માયાવતીનું સ્થળ સર્વથા યોગ્ય છે, જેમાં સ્વામીજીને પ્રિય એવા ‘અદ્વૈત આશ્રમ’નું નિર્માણ થઈ શકે; અને વળી અલ્મોડામાં તેમણે જે સામયિકનું પુનરુત્થાન કર્યું હતું તે ‘પ્રબુદ્ધ ભારત’નું કાયમી પ્રકાશનસ્થાન પણ અહીં જ બનાવી શકાય તેમ હતું.

સદ્ભાગ્યે આ સ્થળ વેચાઉ પણ હતું, તેથી એની ખરીદી પણ તરત થઈ ગઈ, અને ૧૯મી માર્ચ ૧૮૯૯ના રોજ સ્વામી સ્વરૂપાનંદ અને સેવિયર દંપતી ત્યાં રહેવા પણ આવી ગયાં. આ દિન પવિત્ર હતો કેમ કે તે દિવસે જ શ્રીરામકૃષ્ણની જન્મતિથિ પણ હતી. ‘પ્રબુદ્ધ ભારત’નું પ્રેસ પણ તે સમયે તેઓ પોતાની સાથે અલ્મોડાથી માયાવતી લઈ આવ્યાં.

સ્વામી વિવેકાનંદની દોરવણી હેઠળ શરૂ થયેલી સંસ્થાઓમાં અદ્વૈત આશ્રમ અનન્ય હતો. તેના સિદ્ધાંતો અને આદર્શો અંગે આશ્રમના સંસ્થાપકોને સમજાવતાં સ્વામીજી લખે છે,‘….જ્યારે જ્યારે વ્યક્તિ અથવા જૂથમાં પ્રેમનો વિકાસ કે કલ્યાણમાં પ્રગતિ થાય છે, ત્યારે તે એક જ રીતે સંભવ બને છે, કે જ્યારે શાશ્વત સત્યની સમજ, જાણકારી અને વ્યવહારુ સૂઝ મળે…હજી સુધી આ ઉદાત્ત સત્યનો પ્રચાર દ્વૈત નિર્બળતાઓથી દૂર રહીને કરવો શક્ય બન્યો નથી, અને એથી જ મને લાગે છે કે તે (સત્ય) માનવજાતિમાં વધુ પ્રચલિત અને ઉપયોગી બની શક્યું નથી.’

‘વ્યક્તિ અને માનવજાતિના જીવનને ઉન્નત બનાવનાર આ ‘એક સત્ય’ના પ્રચારના હેતુથી આપણે હિમાલયની એ ઊંચાઈઓમાં અદ્વૈત આશ્રમની સ્થાપના કરવી છે, જ્યાં તે ‘સત્ય’નું પ્રથમ સ્પષ્ટીકરણ થયું. (સત્યનો પ્રથમ આવિર્ભાવ થયો!)

‘અત્રે એ આશા રાખવાની છે કે દરેક પ્રકારના વહેમો, કુશંકાઓ વગેરે અનિચ્છનીય તથા દુર્બળ કરનારાં તત્ત્વોથી અદ્વૈત (આશ્રમ)ને મુક્ત રાખીએ. આ સ્થળે સીધી સાદી એકતાના જ પાઠ પઢાવાશે, અને તે સિવાય બીજું કંઈ નહિ. અન્ય બધી બાબતો અને બધા વિચારો માટે હૃદયપૂર્વકની સહાનુભૂતિ હોવા છતાં આ આશ્રમ ‘અદ્વૈત’ માટે જ રહેશે, અને માત્ર ‘અદ્વૈત’ વિચાર માટે જ રહેશે.’

માયાવતી અદ્વૈત આશ્રમ હિમાલયની તળેટીની ટેકરીઓમાં પૂર્વી કુમાઉ ક્ષેત્રમાં આવેલ છે. ચંપાવત શિખરની ઉત્તર દિશામાં આવેલા ઢોળાવ પર તે ટેકવાયેલો છે. મૂળે એક ચાયબાગાન (Tea Plantation) ના માલિકની આ મિલકત હતી, અને તેનો લાકડા અને પથ્થરથી સુંદર રીતે સજાવેલો બંગલો છે. જે સ્થળે ચાની ફૅક્ટરી હતી ત્યાં હવે ગ્રંથાલય તેમ જ સાધુઓને રહેવાનું મકાન બનાવેલ છે.

આશ્રમની ઉત્તર દિશામાં એક સુંદર બગીચો, સીધા ઢોળાવવાળા અને લીલાં વૃક્ષોના સઘન વનથી લીલા જણાતા પહાડો દેખાય છે. ઊંચાઈઓ પર આવેલાં હિમાચ્છાદિત શિખરો તેની ઉપર પ્રાકૃતિક સૌંદર્યને એટલું વધારી દે છે કે એક ક્ષણ માટે આપણો શ્વાસ સ્તબ્ધ થઈ જાય છે. ત્યાંથી દેખાતાં આ હિમાલયનાં શિખરો છે- કેદાર, ચૌખંબા, શિવલિંગ, કામેટ, ત્રિશૂલ, નંદાદેવી, નંદકોટ, પંચચુલ્લી-વગેરે. આશ્રમના બગીચામાં અનેક જાતની વેલીઓ, રંગબેરંગી ફૂલો અને ક્યારાઓ, ગુલાબ, ડહેલિયા, ક્રિસાન્થીમમ અને લીલી જેવા રંગીન છોડોની બિછાત ખૂબ આહ્લાદજનક છે. તે બધાંની વચ્ચે ગાલીચાની જેમ લીલીછમ્મ લોન વિસ્તરેલી છે. તેને ઉત્તરને છેડે એક પ્રાચીન ઓક વૃક્ષ ઊભું છે (સ્વામી વિવેકાનંદ આ વૃક્ષ તળે અનેક વાર ધ્યાન કરવા બેસતા) અને પછી આવતી સીધી ખીણથી જાણે રક્ષા કરે છે! તે ઊંડી ખીણમાં પણ ઓક વૃક્ષો, બારેમાસ લીલાં રહેતાં વૃક્ષો, મોટાં ફૂલો ધરાવતાં વૃક્ષો, પાઈન વૃક્ષો, ઈત્યાદિ વનશ્રી ફેલાયેલી છે. દૂર દૂર, નીચે એક રૂપકડું ઝરણું વહે છે જેનો પ્રવાહ વર્ષાઋતુમાં ઘણો બધો જોરદાર બની જાય છે. આશ્રમ તરફ આવતા લાંબા રસ્તા પર મુલાકાતીને અજાણ્યા વિવિધ પ્રકારના પક્ષીઓનો કલરવ અને પાઈન વૃક્ષોનાં પર્ણોમાંથી પસાર થતો પવન સુમધુર સંગીત પૂરું પાડે છે. આ કલરવ સિવાય દિવસના ભાગમાં પણ નિસ્તબ્ધતા અને અદ્ભુત શાંતિ પ્રસરેલી હોય છે.

સ્વામી સ્વરૂપાનંદ તથા સેવિયર દંપતીના નિરીક્ષણ હેઠળ માયાવતી આશ્રમ શરૂ થયો ત્યાર પછી બે વર્ષે સ્વામી વિવેકાનંદ જાન્યુઆરી ૧૯૦૧માં ત્યાં આવી પહોંચ્યા. પરંતુ દુર્ભાગ્યે આ બે વર્ષ દરમિયાન, તેમણે વેઠેલાં કષ્ટો ઉપરાંત રોગની શરૂઆતના દિવસોમાં યોગ્ય ઉપચાર ન થઈ શક્યો હોવાને કારણે કૅપ્ટન સેવિયરનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. નીચેની ખીણમાં આવેલ નાની નદીના તટમાં તેઓની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.

૧૯૦૦-૧૯૦૧ના શિયાળામાં અસામાન્ય ઠંડી પડી. તે પણ ખાસ તો એ જ દિવસોમાં જ્યારે સ્વામી વિવેકાનંદની મુલાકાત આશ્રમમાં હતી. કાઠગોદામથી માયાવતીની તેમની લગભગ ૬૫ માઈલ લાંબી યાત્રા સહેજે સરળ નહોતી. રસ્તામાં જ ખૂબ હિમવર્ષા થતી હતી, વરસાદ સતત ચાલુ હતો. આમ છતાં સ્વામીજી પોતાના સાથીદારોને હિંમત આપતા હતા. તેમણે યાત્રા ચાલુ રાખી. ચોથે દિવસે માયાવતીની સામે આવેલા પહાડ પરથી મુલાકાતીઓએ માયાવતીનાં પ્રથમ દર્શન કર્યાં. પછી જ્યારે તેઓ નીચેની તળેટીએ પહોંચ્યા ત્યારે તેમણે પહેલી વાર આશ્રમ જોયો, અને સ્વામીજીએ તે જ સમયે આશ્રમમાં થતો બાર વાગ્યાનો ઘંટારવ સાંભળ્યો. હવે ત્યાં પહોંચવા સ્વામીજી ઉતાવળા થઈ ગયા અને એક ઘોડા પર સવાર થઈને ઝડપથી ત્યાં પહોંચી ગયા. ત્યાં પહોંચીને તેમણે ત્યાંના અંતેવાસીઓને મળીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો તેમ જ કૅપ્ટનને ખોવાનું દુ:ખ શ્રીમતી સેવિયર સમક્ષ વ્યક્ત કર્યું.

હવામાનની કઠોરતાને કારણે સ્વામીજીને મોટા ભાગનો સમય આશ્રમના મકાનમાં જ વીતાવવો પડ્યો. આ બધો સમય તેઓ મુખ્યત્વે અંતેવાસીઓ અને ભક્તોની સાથે વાતચીત કરવામાં વ્યસ્ત રહ્યા અને જે ઉચ્ચ આદર્શો માટે અદ્વૈત આશ્રમની સ્થાપના થઈ હતી તેની સમજ તેમ જ પ્રેરણા તેઓને આપતા રહ્યા. સ્વામી સ્વરૂપાનંદને તેમણે પોતે આ સ્થળેથી જે કાર્ય કરવા ધાર્યું હતું તેની વિસ્તૃત સમજ આપી અને એ કાર્ય કરવા માટેની ધગશ અને પ્રેરણા આપી. સ્વામીજીએ એક બાબત ઉપર ખાસ ભાર મૂક્યો કે રોજિંદા ધ્યાન અને મનનનાં કાર્યોની સાથોસાથ આ મુખ્ય કાર્ય માટે પણ એક સુવ્યવસ્થિત કાર્યસૂચિ બનાવી લેવી. જેણે માત્ર ધ્યાન જ કરવું હોય તેને તેઓએ સ્પષ્ટ સુણાવ્યું કે માયાવતીનું જીવન માત્ર ધ્યાનયુક્ત ન જ હોઈ શકે. તમે કલાકો સુધી ધ્યાન કરવાનું કઈ રીતે વિચારો છો? સવારના અને સાંજનો કેટલોક સમય જ (તે માટે) જરૂરી છે. બાકીનો સમય તમારે કંઈક તો પ્રવૃત્તિ કરવાની જ રહેશે અભ્યાસ અથવા સામાન્ય હિતનું કોઈ કાર્ય!’

માયાવતી આશ્રમમાં શ્રીરામકૃષ્ણનું ઔપચારિક વિધિવત્ પૂજન કરવામાં આવતું નથી, કેમ કે સ્વામી વિવેકાનંદની એ ઈચ્છાને માન આપવામાં આવે છે કે આ અદ્વૈત આશ્રમ આવી કોઈ વિધિવત્ પૂજામાં જોડાય નહિ. તેમણે કહ્યું હતું, ‘અહીં આપણે ધર્મના વિષય પર ચિંતન જ કરવાનું છે, જેમ કે આપણું સ્વગત ધ્યાન, વ્યક્તિગત કે સામુહિક શાસ્ત્રાભ્યાસ, અને દ્વૈતની દુર્બળતાઓ કે આધારોથી દૂર રહીને માત્ર ‘અદ્વૈત’ના ઉચ્ચતમ આધ્યાત્મિક સિદ્ધાંતનું નિરૂપણ તેમ જ આચરણ કરવાનું છે.’

અલ્મોડાની જેમ માયાવતીથી ‘પ્રબુદ્ધ ભારત’નું પ્રકાશન પ્રત્યેક માસે થવાનું ચાલુ રહ્યું. તેના સંપાદક હતા સ્વામી સ્વરૂપાનંદ, પૅટ્રન અને મૅનૅજર હતા કૅપ્ટન સેવિયર અને પ્રૂફ રીડર હતાં શ્રીમતી સેવિયર. તેઓની અહીંની મુલાકાત દરમિયાન સ્વામી વિવેકાનંદે પોતે આ સામયિકમાં ત્રણ લેખો પણ લખ્યા હતા. બે એક વર્ષમાં વિવેકાનંદના ‘ધી કમ્પલીટ વર્ક્સ ઑફ સ્વામી વિવેકાનંદ’ના પ્રકાશન માટે સ્વામી સ્વરૂપાનંદે માહિતી એકત્ર કરવા માંડી હતી. ૧૯૦૬માં સ્વામી સ્વરૂપાનંદના નિધન બાદ ૧૯૦૭થી આ પુસ્તકોનું પ્રકાશન શરૂ થયું, જે ૧૯૧૦ સુધી ચાલ્યું.

સ્વામીજીની ઈચ્છા હતી કે સાધુઓએ આ આશ્રમમાંથી સમાજસેવાનું કાર્ય ઉપાડવું, અને એ ઈચ્છાને માન આપીને ૧૯૦૩માં એક નાનું દવાખાનું અત્રે શરૂ થયું.

આ દવાખાનાની સેવાઓ સ્થાનિક લોકો તેમ જ દૂર વસેલાં નાના ગામડાંના લોકોને મળવા લાગી. વર્ષોથી અપાતી આ સેવાઓમાં હવે તો ઘણો વિકાસ થયો છે. આજે તેની ઉત્તરે આવેલા ઢોળાવમાં ‘માયાવતી ચૅરિટેબલ હૉસ્પિટલ’ પણ ઊભેલી છે અને ત્યાં ખ્યાતનામ રહેવાસી (નિવાસી) ડૉક્ટર પણ સેવા આપે છે. આધુનિક ઉપકરણોથી સજ્જ આ હૉસ્પિટલ પાસે ઘણી જાતની સવલતો છે. ત્યાંની સ્વચ્છતા અને કુશળતા આંખે ઉડીને વળગે છે. બહારના દર્દીઓ ઉપરાંત હૉસ્પિટલમાં રહીને સારવાર કરવાની હોય તેવા દર્દીઓ પણ અહીં છે, જેમની સંખ્યા ૨૫ની હોય છે. બધા જ દર્દીઓને નિઃશુલ્ક સેવા અપાય છે અને જાતિ અથવા ધર્મનો કોઈ બાધ રખાતો નથી. જનતાના દાનપ્રવાહથી તેની અર્થવ્યવસ્થા સંભાળી લેવાય છે. એક દાંતનું દવાખાનું પણ છે, નાનું ઑપરેશન થિયેટર છે; જો કે આ બન્નેમાં તાત્કાલિક સારવાર અને સર્જરીની જ વ્યવસ્થા હોઈને મોટાં ઓપરેશનો માટે અન્યત્ર જવાની સલાહ અપાય છે. એક નાની છતાં સુસજ્જ પૅથૉલૉજિકલ લૅબોરેટરી પણ આ હૉસ્પિટલ ધરાવે છે.

આશ્રમથી શહેર જતા રસ્તે એક ફર્લાંગને અંતરે એક ગેસ્ટહાઉસ છે જેમાં બહા૨ગામથી આવતા અનુયાયીઓ ઉતરે છે. તેની નજીકમાં જ કૅપ્ટન અને શ્રીમતી સેવિયરનું જૂનું કૉટેજ છે અને વધુ પ્રમાણમાં મહેમાનો આવે ત્યારે જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સવલતને લીધે આશ્રમમાં રહેતા સાધુઓને કોઈ ખલેલ પહોંચતી નથી અને ભક્તો પણ માયાવતીના પ્રાકૃતિક સૌંદર્યને પૂરી સ્વતંત્રતાથી માણી શકે છે, થોડા સમય માટે પણ અંતર-નિરીક્ષણ અને ધ્યાન કરતાં કરતાં દિવસો વીતાવે છે અને આત્મોન્નતિને પંથે આગળ ધપે છે.

આજે તો આશ્રમમાં ઘણી આધુનિક સગવડો ઊભી કરવામાં આવી છે. મકાનોમાં વીજળીના દીવા છે, રસ્તા પર પણ વીજળીના દીવા છે. લોહાઘાટથી લઈને માયાવતી સુધીનો રોડ મ્યુનિસિપાલિટી સારી રીતે સાચવે છે. શહેરથી આશ્રમ સુધી પહોંચવા માટે જીપ તથા અન્ય વાહનો પણ મળે છે. તેમ છતાં, માયાવતી તેના શાશ્વત આકર્ષણને જાળવી રહેલ છે. ઓક વૃક્ષો તથા અન્ય વનસ્પતિનાં વનો હજી એવાં જ અડીખમ છે. સ્વામી સ્વરૂપાનંદ તેમ જ અન્ય આશ્રમવાસીઓએ ઉગાડેલાં દેવદાર અને પાઈનના ઘણાં વૃક્ષો પણ ઘટાદાર થઈ ચૂક્યાં છે. સૂર્ય પ્રકાશ અને ધુમ્મસ વચ્ચે ખેલાતી ધૂપ-છાંવની રમતમાં માયાવતી એક સ્વર્ગીય સ્વપ્ન સમાન જણાય છે, ખાસ તો તેવા લોકોને જેમણે શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના બોધને સારી પેઠે સમજી લીધો છે. એ કબૂલવું જ રહ્યું કે માયાવતી એક અતિ સુંદર અને અલૌકિક ભૂમિ છે.

અલ્મોડા

હિમાલયની તેમની યાત્રાઓમાં જે સ્થળની સહુથી વધુ મુલાકાત સ્વામી વિવેકાનંદે લીધી હોય, તે છે અલ્મોડા. ૫,૦૦૦ ફીટની ઊંચાઈ પર, પહાડ પર વસેલું, ઉત્તરપ્રદેશનું એક નાનું રળિયામણું શહેર અલ્મોડા.

૧૮૯૦ની સાલમાં સ્વામી અખંડાનંદની સાથે સૌ પ્રથમ વાર સ્વામી વિવેકાનંદ અલ્મોડા આવ્યા હતા. એક દંડ અને એક કમંડળ એટલી સામગ્રી જ સાથે હતી, એવા આ બે સાધુઓ કાઠગોદામના રેલ્વે સ્ટેશનથી ચાલતા ચાલતા નૈનીતાલ આવ્યા અને ત્યાંથી અલ્મોડાની દિશામાં આગળ વધતા હતા. યાત્રાના ત્રીજા દિવસે કોશી નદી પર સ્થિત કાકરીઘાટ નામની એક જગ્યાએ તેઓ આવી પહોંચ્યા.

સ્વાર્મી વિવેકાનંદને આ સ્થળ પ્રત્યે તરત જ એક રહેવાના સ્થળ તરીકે આકર્ષણ થયું હતું; આ તેમને મન ‘ધ્યાન કરવા માટે ઘણું મજાનું હતું.’ અહીં જ્યારે એક પીપળાના વૃક્ષ નીચે ધ્યાન કરવા સ્વામીજી બેઠા ત્યારે તેમને ઊંડી સમાધિ લાગી ગઈ અને ઘણા લાંબા સમય સુધી બાહ્ય જગતને વીસરીને તેઓ સમાધિસ્થ રહ્યા, જાગૃત થતાં જ તેમણે સ્વામી અખંડાનંદને કહ્યું, ‘અરે ગંગાધર, હમણાં તો હું મારા જીવનની અતિ મહત્ત્વની ક્ષણોમાંથી પસાર થયો! મને સમગ્ર બ્રહ્માંડ અને સૂક્ષ્મ અણુ (Macrocosm and microcosm) ની એકતાનો સાક્ષાત્કાર થયો છે!’ આજે પણ એ મહાન પીપળાનું વૃક્ષ તેને સ્થાને અડીખમ ઊભું છે. એક વેળા જ્યાં ખેતરનો કોશ ફરતો હતો, ત્યાં આ સાધુઓએ રાતવાસો કરેલો અને આજે ત્યાં એક નાની પથ્થરની ઈમારત એમની સ્મૃતિ અખંડ રાખવા માટે ઊભી છે.

આ પછી આવતો પથ વધારે સીધા ચડાણવાળો હતો. કશો જ આહાર લીધો ન હોવાથી થોડા સમય માટે આરામ કરવા સ્વામી વિવેકાનંદ પથ્થરની એક શિલા પર બેસી પડ્યા. લગભગ મૂર્છિત થઈ જાય તેટલા તેઓ શ્રમિત થઈ ગયા હતા. સ્વામી અખંડાનંદ પાણીની શોધમાં આસપાસ ફરવા લાગ્યા.

પાસે જ આવેલ કબ્રસ્તાનમાં રહેતા એક શ્રદ્ધાળુ મુસલમાન ફકીરે સ્વામીજીને કાકડી ખાવા આપી. આવી અસામાન્ય ઉદારતાથી સ્વામીજી સ્વસ્થ થયા અને જાણે પુનર્જીવન જ પામ્યા. જ્યાં સ્વામીજી આરામ કરવા બેઠા હતા તે પથ્થરની શિલા તથા તે કબ્રસ્તાન ખંડેર હાલતમાં હજી આજે પણ જોવા મળે છે. તાજેતરમાં ભક્તો, મિત્રો તથા શુભેચ્છકોએ ભેગા થઈને તેની નજીક એક નાનું મકાન ઊભું કર્યું છે અને તેને નામ આપ્યું છે- ‘સ્વામી વિવેકાનંદ આરામગૃહ’. અલ્મોડા જતો નવો મોટર રસ્તો આ સ્થાનને ઉપરથી જોઈ શકાય તે રીતે પસાર થાય છે. આ સ્થળ હવે માત્ર આરામ જ નહિ બલ્કે મુલાકાતીઓને એક શાંત ખૂણો પણ પૂરો પાડે છે જ્યાં ધ્યાન કરી શકાય અને જ્યાં બેસીને અતીતને સંભારી શકાય.

જ્યારે સ્વામી અખંડાનંદ અને સ્વામી વિવેકાનંદ અલ્મોડા પહોંચ્યા ત્યારે તેમનો ભેટો બીજા બે ગુરુબંધુઓ સાથે પણ થયો અને તેઓની સાથે જ તેમણે ત્યાંના સ્થાનિક વેપારી બદ્રી શાહને ત્યાં ઊતારો રાખ્યો. એ થોડા દિવસો દરમિયાન પણ સ્વામીજી એવાં સ્થાનની શોધમાં જ વ્યસ્ત રહ્યા, જ્યાં બેસીને ધ્યાન લગાવી શકાય. શોધતાં શોધતાં છેવટે તેમને કસાર દેવીના મંદિરની પાસે જ આવેલા સીધા ચડાણવાળા ખડકમાં એક ગુફા મળી આવી. આ મંદિરની જગ્યા અલ્મોડાથી પાંચેક માઈલ દૂર ફંટાતી ડુંગરોની હારમાળામાં આવેલ હતી. આ ગુફામાં સ્વામીજી ઊંડા ધ્યાનમાં ઊતરી ગયા. તેમનો એ નિશ્ચય જ હતો કે પોતાના ધ્યેય સમાન ‘આત્મસાક્ષાત્કાર’, તેઓ હવે જરૂર મેળવશે, પરંતુ એમ કરવામાં સફળ થવા માટે જાણે કશુંક તેમનો અવરોધ કરતું હતું. તેમના મનમાં એક ખટક ઊભી રહેવા લાગી કે તેમણે એક ખાસ કાર્ય હજી કરવાનું બાકી છે, એક મિશન પૂરું કરવાનું છે. સ્વામી અખંડાનંદના શબ્દોમાં,

‘જ્યારે જ્યારે સ્વામીજી શાંતતાના સાગરમાં ડૂબી જવાની અભિલાષા કરતા અને શુદ્ધ સાધુત્વને પામવાની ઈચ્છા કરતા ત્યારે ત્યારે સંયોગો જ કંઈક એવા ઊભા થતા, કે એમણે એ ઈચ્છાઓનો ત્યાગ કરવો જ પડતો.’

સ્વામીજી અલ્મોડા પાછા ફર્યા ત્યાં તેમને દુઃખદ સમાચાર મળ્યા કે તેમનાં વિધવા બહેને આત્મહત્યા કરી લીધી છે. આ સમાચાર તેમને માટે આઘાતજનક હતા. તેમણે નિર્ધાર કર્યો કે સ્ત્રીઓની સતામણી કરનાર અને સમાજને વિકૃત બનાવનાર કેટલીક રૂઢિઓ અને પરંપરાઓનો તેઓ સખ્ત વિરોધ જાહેર કરશે.

આ પછી એક સમયગાળો એવો આવ્યો કે સ્વામીજીએ સમગ્ર ભારતભૂમિમાં પરિભ્રમણ શરૂ કર્યું. તે પ્રવાસમાં ભારતની સામાન્ય પ્રજા અને મુસીબતોનો તેમને અનુભવ થયો. આ પછી તેમણે શિકાગોની ‘પાર્લામેન્ટ ઑફ વર્લ્ડ રિલિજીયન્સ’માં ભાગ લેવા માટે પશ્ચિમી દેશોનો પ્રવાસ પણ કર્યો. તે પછી તેમણે અમેરિકા અને ઇંગ્લેન્ડના પણ પ્રવાસો કર્યા. ૧૮૯૭માં સ્વામીજી ભારત પાછા ફર્યા ત્યારે તેમની સાથે તેમના કેટલાક વિદેશી શિષ્યો પણ આવ્યા હતા, જેઓ હતા – જે. જે. ગુડવીન, માર્ગારેટ નોબેલ અને કૅપ્ટન તથા શ્રીમતી સેવિયર. કલકત્તામાં શ્રી રામકૃષ્ણ મઠ તથા શ્રી રામકૃષ્ણ મિશનની સ્થાપના કર્યા બાદ મે મહિનામાં તેઓ અલ્મોડા આવ્યા જ્યાં તેઓનો હેતુ આરામ કરવાનો હતો.

અલ્મોડાએ સ્વામીજીનું સ્વાગત એક શૂરવીરને કાજે હોય તેવી ભવ્ય રીતે કર્યું. છેક શહેરની બહારથી જ તેમને આવકારનાર સરઘસ શરૂ થયું. એક શણગારેલા ઘોડા ઉપર સ્વામીજીને બેસાડવામાં આવ્યા અને તેઓને શહેરની મોટી બજારમાંથી પસાર કરાયો જ્યાં શહેરના હજારો લોકો તેમનાં દર્શન કરવા આતુરતાથી રાહ જોતા હતા. આ એક અદ્ભુત ક્ષણ હતી. આ સમયે સ્વામીજી લગભગ અઢી મહિના સુધી અલ્મોડામાં રોકાયા, અને આ વખતે પણ તેઓનો મુકામ ફરીથી બદ્રી શાહને ત્યાં જ હતો. તે ઘર પણ હજી અલ્મોડાની બજારમાં જોવા મળે છે. જે ઓરડામાં સ્વામીજીનો ઉતારો હતો તેને અલગ સાચવી રાખવામાં આવ્યો છે. આ દરમિયાન સેવિયર દંપતીએ પણ અલ્મોડામાં એક મકાન ભાડે રાખ્યું હતું જે હવે ‘થૉમસન હાઉસ’ તરીકે ઓળખાય છે.

બીજે વર્ષે, એટલે કે ૧૮૯૮માં સ્વામીજી ફરીથી અલ્મોડાની મુલાકાતે ગયા. આ વેળા તેમની સાથે તેમના વિદેશી શિષ્યા સિસ્ટર નિવેદિતા અને અન્ય ગુરુબંધુઓ સ્વામી નિરંજનાનંદ અને સ્વામી તુરીયાનંદ પણ હતા. આ વખતે જાણે વિદેશી શિષ્યોને તાલીમ આપવા માટેની જ મુલાકાતે આવ્યા હતા. અહીં તેઓ અન્ય વિશિષ્ટ વ્યક્તિઓને પણ આ વખતે મળ્યા હતા, જે હતાં શ્રીમતી ઍની બૅસન્ટ, શ્રી અશ્વિનીકુમા૨ દત્ત વગેરે. અહીં તેમણે પોતાની રીતે ભારતની ઉન્નતિ અંગે વાતો કરી. આ બધી પ્રવૃત્તિઓ અને મેદનીથી ઘેરાયેલા રહેતા હોવા છતાં સ્વામીજી ઘણી વખત છટકીને અલ્મોડાની પશ્ચિમે આવેલા અને વનશ્રીમાં છુપાયેલા શિયાદેવી શિખરના એકાંતમાં જતા રહેતા. એમ કહેવાય છે કે ત્યાં જવા માટે ખીણમાંથી પસાર થઈ કોતરો વળોટવાનાં હતાં અને ત્યાર પછી ખડકનું સીધું ચઢાણ આવતું હતું જે શિયાદેવી શિખરે પહોંચવાનો રસ્તો હતો. ત્યાંના શુદ્ધ, શાન્ત વાતાવરણમાં અને એકાન્ત જગ્યામાં બંધાયેલા નાના મંદિર પાસે તેઓ ધ્યાન કરવા બેસી જતા. આજે પણ ત્યાં જનારાઓને એ આખો વિકટ રસ્તો પાર કરવો અતિશય કઠણ લાગે છે અને એક આખો દિવસ કેવળ જવા-આવવામાં લાગી જાય છે. અલ્મોડાની આ મુલાકાત પછીના થોડા જ મહિનાઓમાં તેમની અભિલાષા – હિમાલયમાં એક અદ્વૈત કેન્દ્ર ખોલવામાં આવે – ની પરિપૂર્તિ માટે યોગ્ય સ્થાન શોધતાં સેવિયર દંપતીને પૂર્વમાં ૫૦ માઈલ દૂર આવેલ માયાવતીનું સ્થળ મળી આવ્યું હતું.

તેમ છતાં સ્વામીજીના વૃતાંતમાં અલ્મોડાનું સ્થાન વિશિષ્ટ રીતે જળવાઈ રહેલું છે. હિમાલયની તેમની યાત્રાઓની સ્મૃતિમાં તે સ્થળ અચૂક સચવાશે અને આમ તો હકીકતમાં પણ સ્વામીજીની દિવ્ય હાજરીના ઘણા પુરાવાઓ ત્યાં આજે પણ મોજૂદ છે જ અને તેમાં મુખ્ય છે એવાં સ્થળો જે તેમની ઊંડી તપશ્ચર્યાવાળા જીવનને કારણે અને ધ્યાનમાં બેસવાને કારણે પવિત્ર થઈ ગઈ છે. ૧૯૧૬માં સ્વામી શિવાનંદ તથા સ્વામી તુરીયાનંદે અલ્મોડાની પશ્ચિમે જતા ખડકાળ ઢોળાવના રસ્તે ‘રામકૃષ્ણ કુટિર’ બાંધી. શહેરની વધતી વસતીથી આ આશ્રમ પોતાનું અંત૨ હજી પણ જાળવી રાખે છે. તેનાં પોતાનાં મકાનો વધ્યાં છે અને એ ઢોળાવના જુદા જુદા ટેકરાઓનાં શિખરો પર ગોઠવવામાં આવ્યાં છે. મૂળ કુટિરની જગ્યામાં પૂજામંદિર બનાવાયું છે, જેમાં શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી તથા સ્વામી વિવેકાનંદની વિધિવત્ પૂજા દરરોજ કરવામાં આવે છે, રોજ સાયંકાળે પ્રાર્થના ગવાય છે. અન્ય મકાનોમાં સાધુઓનું નિવાસસ્થાન, ગ્રંથાલય અને મહેમાનો માટે ઉતારાઓ તથા ભોજનાલય છે. પથ્થરનાં પગથિયાની એક હારમાળા, ફૂલો અને છોડો વચ્ચે ફરતી ફરતી, વનરાજીમાં એક ઠેકાણેથી બીજે ઠેકાણે જતી જતી દરેક મકાનને જોડતી રહે છે. ત્યાંની આસપાસના ગુલાબના ફૂલોના અઢળક છોડો, સ્થાનને રંગીન ને આહ્લાદક બનાવે છે. શહેર તરફ જતી પાકી સડકની સહેજ નીચે ઢોળાવમાં મહેમાનો માટેની કુટિરો બાંધી છે જે મુલાકાતીઓને મનગમતું એકાંત પૂરું પાડે છે. શિયાદેવી શિખરથી નીચેની ખીણનું મનોરમ્ય દૃશ્ય જોતાં જોતાં જો નજર ઊંચી કરીએ તો ઉત્તરે નંદાદેવીના ભવ્ય શિખરનાં દર્શન થાય છે.

શ્યામલાતાલ

હિમાલયની પર્વતમાળામાં ત્રીજું સ્થાન છે શ્યામલાતાલ જ્યાં ‘ધી વિવેકાનંદ આશ્રમ’ આવેલો છે. માયાવતીથી લગભગ ૨૯-૩૦ માઈલને અંતરે, કુમાઉં ક્ષેત્રમાં અને લગભગ ૪,૯૫૫ ફીટની ઊંચાઈએ આ આશ્રમ આવેલો છે. પહાડના સ્કંધમાં બંધાયેલા આ આશ્રમની નીચેની તળેટીમાં એક ઝળકતું નીલવર્ણી જળાશય પણ છે. આ સ્થાનનું જૂનું નામ હતું શ્યાન્લા, પરંતુ સ્વામી વિરજાનંદજીએ તેનું નવું નામકરણ કર્યું ‘શ્યામલાતાલ’ અને તેમ કરવાનું કારણ હતું એ નીલવર્ણી જળાશય જ. પાસેના ખડક પરથી (શ્યામલા તાલ પોઈન્ટ) પર ચડતી વખતે તેની એક બાજુમાં બીજાં બે નાનાં જળાશયો પણ નજરે ચડે છે, જ્યારે બીજી બાજુ મહાકાળી નદીની ઊંડી ખીણ આવેલી છે. (નીચાણવાળા ભાગને ‘શારદા’ તરીકે ઓળખવામાં આવે છે.) આ ખીણ સાથે જ નેપાળના રાજ્યની સરહદ જોડાય છે. જળાશયથી ઉપર જતાં આપણને સુંદર રીતે સજાવેલું પ્રવેશદ્વાર હોય તે રીતે ગોઠવેલી ડહેલિયા અને કમળનાં પુષ્પોની લતાઓ આશ્રમ તરફ દોરી જાય છે.

સ્વામી વિરજાનંદજીએ આ આશ્રમની સ્થાપના કરી હતી. શ્રી માના આ દીક્ષિત શિષ્યે સ્વામી વિવેકાનંદ પાસેથી સંન્યાસ લીધો. સ્વામી વિરજાનંદે 3જી ડિસેમ્બર, ૧૯૧૪ની પોતાની નોંધપોથીમાં લખ્યું છે કે આ આશ્રમની સ્થાપના તેમને માટે ‘સર્વોચ્ચ ધ્યેયની પ્રાપ્તિ માટે નવીન શાંતિપૂર્ણ અને ઉત્સાહી ધ્યાનજીવનની શરૂઆત થવાનું એક ચિહ્ન હતું.’

સ્વામી સ્વરૂપાનંદજીના અવસાન પછી સ્વામી વિરજાનંદ માયાવતીના આશ્રમના બીજા પ્રમુખ તરીકે આવ્યા હતા. સ્વામી માટે આ સમય કપરો હતો, કેમ કે આશ્રમની આર્થિક સ્થિતિ ઘણી નબળી હતી, ‘પ્રબુદ્ધ ભારત’નું પ્રકાશન પણ કરતા રહેવાનું હતું, અને તદુપરાંત સ્વામી સ્વરૂપાનંદે શરૂ કરેલ સ્વામી વિવેકાનંદના સમગ્ર લેખનકાર્યના સંગ્રહનું સંપાદન જે અધૂરું હતું – તે – પણ આગળ ધપાવવાનું હતું, જ્યારે આ છેલ્લા પ્રકાશનનો પાંચમો ભાગ પ્રકાશિત થયો ત્યારે સ્વામી વિરજાનંદને એક વિચાર સ્ફૂર્યો કે હવે સ્વામીજીની જીવનકથા પણ પ્રગટ થવી જોઈએ. માતા સેવિયરની મદદ લઈને તેમણે આ નવી પ્રવૃત્તિ માટેની માહિતી એકત્ર કરવા માંડી. જો કે સ્વામી વિરજાનંદ અથાગ પરિશ્રમી હતા, છતાં આટલાં બધાં કાર્યો એક સાથે કરવાને લીધે તેમનું સ્વાસ્થ્ય કથળવા લાગ્યું. તેમને થયું કે હવે થોડો વિરામ લેવો જોઈએ, છતાં પોતાની મૂળભુત અભિલાષા – ચિંતનમય જીવન – પણ પૂરી કરવાના પ્રયત્નો કરવા જોઈએ. માતા સેવિયરના પ્રોત્સાહનને લીધે તેમણે માયાવતીની નજીકમાં જ એક આશ્રમ બનાવવાનો નિર્ધાર કર્યો અને તેમની જ મદદથી એક યોગ્ય સ્થાન પણ પસંદ કર્યું. માતા સેવિયર સ્વામીજીના સ્વભાવ તેમ જ આવશ્યકતાઓને સારી રીતે જાણતાં હતાં, તેથી જ એક અગાઉ પસંદ કરાયેલા સ્થાનનો તેમણે નકાર જાહેર કર્યો અને આ સ્થાન માટે ઉત્સાહપૂર્વક કહેવા લાગ્યાં, ‘આ જ એ જગ્યા છે. મને એમ જ લાગે છે કે જાણે આ જ સ્થળે હુ પહેલાં પણ આવી ગયેલી છું. આ બધું જ જાણે મારું જાણીતું જ છે.’

૧૯૧૪ની ૮મી નવેમ્બરે આ જમીનની ખરીદી થઈ. ત્યાંનું જૂનું પથ્થરનું મકાન ખંડેર થઈ ચૂક્યું હોવાથી તેનું સમારકામ જરૂરી હતું, વળી એક રસોડું બાંધવું પડે તેમ પણ હતું. લગભગ ૧૯૧૫ની વસંતઋતુના અંતભાગમાં આ બધું બાંધકામ પૂરું થઈ ગયું. એક શુભ દિને તે ઈમારતને સ્વામી વિવેકાનંદના નામથી પ્રસ્થાપિત કરવામાં આવ્યું, આ વિધિ સમયે માતા સેવિયર પણ ઉપસ્થિત હતાં, આ પ્રસંગને વિષે સ્વામી બ્રહ્માનંદ લખે છે, ‘મને એ બાબતે ઘણી ખુશી છે કે નવો આશ્રમ સ્વામી વિવેકાનંદને અર્પણ કરાયો છે અને તેમનું નામ તેને અપાયું છે.’

માયાવતીમાં નવા પ્રમુખ તરીકે સ્વામી પ્રજ્ઞાનંદે કામ સંભાળ્યું, જેથી સ્વામી વિરજાનંદ આ નવા આશ્રમની દેખરેખ સારી રીતે રાખી શકે. આ સ્થળે તેમણે સ્વામીજીના જીવનચરિત્રના પ્રકાશનનું કામ પરિપૂર્ણ કર્યું. ‘શ્યામલાતાલ’ના વિકાસના પ્રથમ તબક્કામાં જે સતત પરિશ્રમ, સતત કાળજી, ઉન્નત સ્વાવલંબન વગેરે ગુણો સ્વામીજીએ દાખવ્યા તે ખરેખર અદ્ભુત હતા! ઘણી વખત તેમણે આ આશ્રમ એકલે હાથે ચલાવવો પડ્યો. તેઓ ત્યાંનું બધું ઘરકામ કરતા, રાંધતા, બગીચાની સંભાળ લેતા, પોતાનું જપ અને ધ્યાનનું કાર્ય પણ નિયમિત કરતા અને કોઈ ભક્ત ત્યાં મુલાકાતે આવી ચડે તો, અને એવા ઘણા લોકો આવતા જેઓ માયાવતીના આશ્રમની મુલાકાતે જતા હોય અથવા પાછા ફરતા હોય, ત્યારે તેમને સરસ આતિથ્ય પણ પૂરું પાડતા. ઝડપથી આ આશ્રમનું એક ખાસ રોકાણ માટેનું આકર્ષણ વધતું ચાલ્યું. સ્વામી વિરજાનંદજીનુ ભરપૂર આતિથ્ય અને ત્યાંની ગહન શાંતિ જાણે મુલાકાતીઓનો બધો શ્રમ કરી લેતાં હતાં.

આરંભથી જ આસપાસના પર્વતીય પ્રદેશના લોકો સ્વામી વિરજાનંદ પાસે દવા લેવા આવતા હતા. સ્થાનિક વનસ્પતિઓનો ઉપયોગ કરીને તેઓ દવાઓ બનાવતા, અને આ દર્દીઓનો ઉપચાર કરતા. આજે પણ આ પ્રદેશ ઔષધિય વનસ્પતિઓથી ભરપૂર છે. આવી નાનકડી શરૂઆતથી આજના દવાખાના તથા હૉસ્પિટલનો પાયો અહીં નંખાયો, જેનું હવે ‘શ્રીરામકૃષ્ણ સેવાશ્રમ’નું નામાભિધાન કરેલું છે. અહીં એક ખાસ તાલીમ પામેલ નિવાસી ડૉક્ટર પણ છે. તેઓ લોકોને દવા-દારૂ પૂરાં પાડે છે અને જરૂર પ્રમાણે સારવાર કરે છે.

માતા સેવિયર અહીં રહેતાં ત્યારે જળાશયની તળેટીમાં આવેલ નાના કસ્બામાં આવતાં -જતાં અને ત્યાંના ગ્રામીણ લોકો સાથે હળતાં મળતાં. આશ્રમનાં મકાનોની ઉપર ૪૦૦ ફીટ પહાડ ઝળુંબે છે. કોઈ વાર માતા સેવિયર અને સ્વામી વિરજાનંદ આ પહાડ પર થોડા ઉપર ચડીને ત્યાંની એક સપાટ શિલા પર ઊભાં રહીને (જેને હવે ‘બનફૂલ-પૉઈન્ટ’ કહે છે) આસપાસના પહાડના પ્રાકૃતિક સૌંદર્યનું રસપાન કરતાં અને નીચે આવેલી ઘન વનરાજીને જોઈને આંખ ઠારતાં. શ્યામલાતાલથી ૧૨ માઈલને અંતરે ‘પુણ્યગિરિ’ શિખર છે. તે એક પવિત્ર શિખર ગણાય છે. તે સમયે ત્યાં પહોંચવાનો રસ્તો ઘણો વિકટ હતો. આ ડુંગર ઉપર અગાઉ કોઈ મંદિર અથવા પ્રતિમા હતાં નહિ અને સ્વયં શિખરની જ પૂજા કરવામાં આવતી, કેમ કે એમાં દેવીનો વાસ હતો, એમ મનાતું હતું!!

૧૯૨૪માં સ્વામી વિરજાનંદે આસપાસની ટેકરીઓમાંથી ફરી એક વાર જમીનો મેળવી, જે આ આશ્રમથી થોડે જ અંતરે હતી. આ સ્થાન તેમને આધ્યાત્મિક કાર્યો માટે ખૂબ જ યોગ્ય જણાયું હતું. (૧૯૪૦ની સાલમાં અહીં આવેલા બંગલા ઉપર બીજો માળ પણ ચણવામાં આવ્યો છે.) ત્યાર પછી જ્યારે જ્યારે સ્વામી વિરજાનંદ શ્યામલાતાલની મુલાકાતે આવતા ત્યારે આ મકાનમાં જ ઉતારો કરતા. તેમની પોતાની ચીજોનું ધ્યાન પણ ઘણા પ્રેમથી અને ખૂબ કાળજીપૂર્વક આજ સુધી અહીં લેવામાં આવે છે. એને લઈને તેમણે અત્રે કરેલા નિવાસનાં સંસ્મરણો તાજાં રહે છે. આ સ્થાનમાં સ્વામી વિરજાનંદજીએ ઘણાં વર્ષો એકાન્તમાં કાઢયાં, જો કે બેલુર મઠમાંથી સોંપાયેલી જવાબદારીઓ પણ તેમણે અચૂક નિભાવી.

૧૯૨૬માં રામકૃષ્ણ મઠ અને મિશનની બધી જ શાખાઓનું એક સંમેલન બેલુરમઠમાં ભરાયું, સ્વામી વિરજાનંદ તેની કાર્યવાહી સમિતિના સચિવ નિમાયા. ૧૯૨૯માં બાગબાઝારમાં આવેલા ‘ઉદ્બોધન હાઉસ’ને સંભાળવાની જવાબદારી તેમને સોંપાઈ. સિસ્ટર નિવેદિતાએ શરૂ કરેલી શાળાના પણ તેઓ નિરીક્ષક બન્યા. સ્વામી અભેદાનંદજીના અમેરિકાના પ્રવાસમાં સહાયક તરીકેની જવાબદારી પણ તેમને જ સોંપાઈ હતી, પરંતુ પછીથી તે અન્યને સોંપાતા તેમણે રાહત અનુભવી. ૧૯૩૬માં શ્રીરામકૃષ્ણની જન્મશતાબ્દિના ઉત્સવની વ્યવસ્થા અને નિરીક્ષણના ભગીરથ કાર્યો તેમણે સાચવ્યાં. સ્વામી શુદ્ધાનંદજીના દેહત્યાગ પછી ૧૯૩૮માં રામકૃષ્ણ મઠ અને મિશનના તેઓને પ્રમુખ નિમવામાં આવ્યા. આટલાં બધાં કાર્યો કરતાં કરતાં પણ સ્વામી વિરજાનંદ ઉનાળાના દિવસો શ્યામલાતાલમાં ગુજારતા અને ત્યાં આવ્યા પછી મઠ અને મિશનના પ્રમુખ તરીકે નહીં પણ એક સાધારણ આશ્રમવાસી તરીકે જ ત્યાં રહેતા.

શ્યામલાતાલ, જે સ્વામી વિરજાનંદની ‘સાધનાપીઠ’૧૦ હતી, તે ખરેખર એક એવું સ્થળ હતું જે ભક્તો અને સાધુઓને આધ્યાત્મિક પથ પર ચાલવા માટે ખૂબ સહાયરૂપ હતું. આશ્રમના મુખ્ય મકાન ઉપરાંત, પહાડની ફરતે ચાલતાં રસ્તાની આસપાસ ગુલાબના અને અન્ય છોડો આપણે જોઈએ છીએ, ત્યાં જ એક નાનકડી ‘કુટિર’ નજરે ચડે છે, જ્યાં સ્વામી વિરજાનંદ રહેતા હતા. ત્યાંથી થોડે આગળ મહેમાનોની કુટિરો બાંધેલી છે. ડુંગરની આ ઉત્તર દિશામાંથી અને આસપાસના કેટલાંક સુવિધાજનક સ્થાનોએથી, નીચેની ખીણની વનરાજી, નાનકડી વાડીઓ અને તેમાં ખેડૂતોનાં નાનકડાં ઘરો, ઢોરોને ગળે બાંધેલી ઘંટડીઓનો રણકાર અને તેથી દૂર, ઊંચા પહાડોની હારોની હારો જાણે નીલરંગી, ભૂરાં મોજાંઓ હોય અને ધુમ્મસમાં લપાતાં છુપાતાં નાનાં મોટાં શિખરો – આ બધાનું અદ્ભુત દૃશ્યસૌંદર્ય જોવા મળે છે. તેથી પણ ઊંચા નંદાદેવી અને ત્રિશૂલનાં હિમાચ્છાદિત સુંદર શિખરો સૂર્યના આથમવાના સમયે જે સ્વર્ણ-રંગ ધારણ કરે છે તે જોતાં વિસ્મય તેમજ આનંદથી અભિભૂત થઈ જવાય છે.

શ્યામલાતાલમાં હજી વીજળી પહોંચી નથી. જેમ સાંજ વિસ્તરતી જાય છે, તેમ આશ્રમ વધુને વધુ રહસ્યમય જણાય છે. ફાનસો સળગાવવામાં આવે છે અને વિવિધ અવાજો વિરમતા આવે છે. આ અદ્ભુત સ્થળમાં વસેલો આશ્રમ જગતયાત્રાથી થાકેલા જિજ્ઞાસુ મનુષ્યનું અનન્ય આકર્ષણ બની જાય છે, જ્યાં તેને અંનત શાંતિ અને શ્રીરામકૃષ્ણદેવ તથા સ્વામીજીની ઉપસ્થિતિનો આશીર્વાદ પણ સાંપડે છે.

ભાષાંતર : ડૉ, સુધા નિખિલ મહેતા

(‘પ્રબુદ્ધ ભારત’ જુલાઈ’૯૬ (પૃ. ૪૩૩-૪૪૩)માંથી સાભાર)

પાદટીપ

૧. ‘ધી કમ્પ્લીટ વકર્સ ઑફ સ્વામી વિવેકાનંદ’, (કલકત્તા અદ્વૈત આશ્રમ, ૧૯૮૯) ; વૉ. ૫; પા. ૪૩૫.

૨. ધી લાઈફ ઑફ સ્વામી વિવેકાનંદ બાય હિઝ ઈસ્ટર્ન ઍન્ડ વૅસ્ટર્ન ડિસાઈપલ્સ (કલકત્તા : અદ્વૈત આશ્રમ, ૧૯૮૧) વૉ. ૨; પા. ૫૬૮.

૩. ઉપર મુજબ; પા. ૫૭૧

૪. જે ત્રણ લેખો સ્વામીજીએ લખ્યા હતા તેનાં શીર્ષક છે : ‘આર્યન્સ ઍન્ડ તમિલિયન્સ’; ‘સ્ટ્રે રિમાર્ક ઑન થિયૉસૉફી’, અને ‘ધી સોશ્યલ કૉન્ફરન્સ ઍડ્રેસ’.

૫. ‘કમંડળુ’ – સાધુઓ પાણી પીવાનું જે વાસણ સાથે રાખે છે તે.

૬. ‘ધી લાઈફ ઑફ સ્વામી વિવેકાનંદ’; વૉ. ૧; પા. ૨૫૦

૭. ગર્ટુડ ઇમર્સન સૅન, ‘સ્વામી વિવેકાનંદ્સ થ્રી વિઝિટ્સ ટુ અલ્મોડા; અલ્મોડા, શ્રી રામકૃષ્ણ કુટિર, ૧૯૮૫; પા. ૬

૮. સ્વામી શ્રદ્ધાનંદ, ‘ધી સ્ટોરી ઑફ ઍન ઈપો, સ્વામી વિરજાનંદ ઍન્ડ હિઝ ટાઈમ્સ.’ (મદ્રાસઃ શ્રીરામકૃષ્ણ મઠ, માયલાપોર, ૧૯૮૨); પા. ૧૩૬.

૯. ઉ૫૨ મુજબ; પા. ૧૩૪.

૧૦. એક સ્થાન જ્યાં સાધુ/મુમુક્ષુ પોતાના આધ્યાત્મિક વિકાસ અને સ્વનિયમનનાં કાર્ય કરે, અને આવા સ્થાનને ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે.

***

જેણે કોઇ દિવસ દુઃખ અનુભવ્યું નથી તે દુનિયાનો સૌથી વધુ દુઃખી માનવી છે.

– મેનોશિયસ

***

આજના સૂર્યને આવતી કાલના વાદળ પાછળ સંતાડી દેવો એનું નામ ચિંતા છે.

– કૅમ્પ

***

સુખ વિશે પુષ્કળ વિચાર કર્યા પછી હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે તે એક પતંગિયા જેવું છે કે જેની પાછળ દોડવાથી તે પકડમાં આવતું નથી, પરંતુ તેની લાલસા ન રાખવાથી તે પોતે જ હાથ પર આવીને બેસે છે.

– મોંટેસ્ક્યુ

***

ભૂખ વગર ખાધેલું અન્ન પચતું નથી તેવી રીતે દુઃખ વગર સુખ પણ પચતું નથી.

– ગાંધીજી

***

તે જ સૌથી સુખી છે, પછી તે રાજા હોય કે રંક, જેને પોતાના ઘરમાં શાંતિ મળે છે.

– ગથે

***

તે સુખી છે જેણે જીવનની વેદનાને શાંતિથી સહન કરતાં શીખી લીધું છે.

– જુવૈનલ

***

આખું વિશ્વ સુખી રહે એવી ઇચ્છા દૃઢ કરવાથી આપણે સુખી રહીએ છીએ.

– સ્વામી વિવેકાનંદ

***

નદીનો કિનારો નિસાસો નાંખીને કહે છે : ‘સામે કિનારે જ તમામ સુખ રહેલું છે એનો મને વિશ્વાસ છે.’ નદીનો સામો કિનારો ઊંડી આહ નાખે છે અને કહે છે : ‘જગતમાં જેટલું સુખ છે તે બધું જ પેલે કિનારે છે.’

– રવીન્દ્રનાથ ટાગોર

Total Views: 77

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.