(સ્વામી શારદાનંદજી મહારાજ સંસ્મરણો)

સુપ્રસિદ્ધ હિન્દી કવિ અને સાહિત્યકાર શ્રી સૂર્યકાન્ત ત્રિપાઠી શ્રીરામકૃષ્ણદેવના ભક્ત હતા. તેમણે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’નું બંગાળીમાંથી હિન્દી ભાષાંતર (‘શ્રીરામકૃષ્ણ વચનામૃત’ના નામે) કર્યું છે. અનેક વર્ષો સુધી તેઓએ રામકૃષ્ણ સંઘની હિન્દી માસિક પત્રિકા ‘સમન્વય’નું સંપાદન કર્યું હતું. તેમણે શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય સ્વામી શારદાનંદજી મહારાજ પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી, જેમની જન્મતિથિ આ વર્ષે ૧૪મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે. આ પ્રસંગે શ્રી નિરાલાજીના તેમના વિશેના રોમાંચક સંસ્મરણો અહીં પ્રસ્તુત છે. – સં.

તે દિવસો ઇ. સ. ૧૯૨૧ના હતા. એક મામૂલી વિવાદને લઈને વિશદ્ મહિષાદલ – રાજ્યની નોકરીને મારું રાજીનામું અસ્વીકાર્ય હોવા છતાં છોડીને હું ગામડામાંના મારા ઘરે રહેતો હતો. કોઈ કોઈ વાર આચાર્ય પં. મહાવીરપ્રસાદ દ્વિવેદીને મળવા જૂહી, કાનપુર જતો હતો. આ પહેલાં પણ જ્યારે ઈ. સ. ૧૯૧૯માં હિંદી અને બંગાળીમાં વ્યાકરણ ૫૨ લખેલો મારો લેખ સુધારીને ‘સરસ્વતી’માં છાપીને, ઈ. સ. ૧૯૨૦માં તેઓ સાહિત્ય સેવામાંથી નિવૃત્ત થયા, ત્યારે દોલતપુરમાં હું તેમનાં દર્શન કરી ચૂક્યો હતો. હું સાહિત્યમાં તેમની મહાનતા, તેમના પોતામાં રહેલી મહાનતાને કારણે માનતો હતો અને હજુયે માનું પણ છું. પણ એ કોઈ અંગત આર્થિક ઉપાર્જન કે સ્વાર્થને માટે નહીં, પરંતુ ઈષ્ટદેવ તો પોતાના ભક્તની ભરપૂર ભક્તિ તરફ જુએ જ છે ને? તેવી જ રીતે ત્રિવેદીજી પણ મારી મનની સ્વતંત્રતાને કારણે ઉત્પન્ન થયેલી આર્થિક પરતંત્રતા પર વિચારવા લાગ્યા. આજની જેમ તે દિવસોમાં હિંદીની મસ્જિદમાં શિખો દ્વિવેદીજીની નમાજ કરતા હતા. પરિણામે તેમની જે કોશિશ હતી કે હું કોઈ અખબારી પ્રેસમાં જગ્યા મેળવી લઉં – તે સફળ થઈ. બે પત્રો તેમની આજ્ઞાની નોંધ સાથે, તેમણે ગામના સરનામે મારી પાસે મોકલી આપ્યા. એક કાશીના પ્રસિદ્ધ શ્રીમંત રાજકારણી નેતાનો હતો અને એક હતો કાનપુરનો જ. કાશીવાળા પત્રમાં આવવા-જવાનો ખર્ચ આપવાની સાથે યોગ્યતાની ચકાસણી પછી જગ્યા આપવાની વાત હતી. કાનપુરવાળા પત્રમાં લખ્યું હતું કે – આ સમયે ૨૫ રૂ.ની એક જગ્યા છે. ઈચ્છો તો આવી જાઓ, સૌને માલૂમ થાય કે આ બધી ઉદારતા પૂજ્ય દ્વિવેદીજી પોતાના તરફથી લાગણીવશ થઈ કરી રહ્યા હતા.

જોકે મારી પાસે હાલ જે શૈક્ષણિક લાયકાતોનાં પ્રમાણપત્રો છે, તેની યોગ્યતાનું પૂરેપૂરું ધ્યાન જગ્યા આપનારાઓએ રાખ્યું તો હતું. છતાં પણ સિપાઈગીરીની નાની પાયરીથી લઈને સૂબેદાર સુધીના વ્યવસ્થિત વિકાસક્રમ પર અટલ શ્રદ્ધા મને તો પહેલાં ય ન હતી, અને આજે પણ નથી. તે પ્રમાણપત્રોને પણ મારી અયોગ્યતાને કારણે સ્થાન મળ્યું મારા ખિસ્સામાં! પ્રમાણપત્ર તરીકે, આપણા પેલા સુલેખકો પાસે પાછા જવાનું સૌભાગ્ય એમને પ્રાપ્ત ન થયું! મારામાં મર્યાદાનું જ્ઞાન બહુ પ્રબળ છે, તેની જાણ જ પૂજ્ય દ્વિવેદીજીને સહજ સ્વાભાવિકપણે મને કોઈ યોગ્ય હોદ્દો અપાવવા તરફ વાળવા લાગી. પરંતુ દ્વિવેદીજી કરે પણ શું? યોગ્યતા જ ન હતી! સાહિત્ય સેવાની પ્રબળ ઇચ્છાથી જે કંઈ હું લખતો હતો તે એક જ અઠવાડિયામાં સંપાદક તરફથી અસ્વીકૃત થઈ મને ફરી પરત મળતું હતું. માત્ર બે લેખ તથા કદાચ બે કવિતાઓ છપાઈ હતી તે પણ જ્યારે હિંદીના છંદો ઘૂંટીને અને લેખોમાં કલમના ઉચ્ચ સ્વરે હિંદીની પ્રશંસા કરી તેથી. અસ્તુ! તે દિવસોમાં સ્વામી માધવાનંદજી અધ્યક્ષ, અદ્વૈત – આશ્રમ, (રામકૃષ્ણ મિશન) માયાવતી, અલ્મોડા, હિંદીમાં એક પત્રિકા કાઢવાના વિચારથી પત્રિકાઓમાં જાહેરાત આપવા સાથે સંપાદકની શોધમાં દ્વિવેદીજીની પાસે જૂહી આવ્યા.

તે સમયે મારી એક કવિતા જે ‘પરિમલ’માં ‘આધ્યાત્મિક-ફળ’ના નામે છપાઈ છે, તે ‘પ્રભા’માં પ્રકાશિત થઈ હતી. આ એક માત્ર પ્રત્યક્ષ આધાર પરથી આચાર્ય દ્વિવેદીજી સ્વામીજીની પાસે પત્રિકા માટે મારી યોગ્યતાની ભલામણ કરવા ગયા. તેમની મુશ્કેલી તમે સમજી શકો છો. સ્વામીજીએ મારું સરનામું નોંધી લઈ, મને યોગ્યતાનું પ્રમાણપત્ર તેમને મોકલવાની આજ્ઞા આપતો એક પત્ર લખી મોકલ્યો. બંગાળમાં રહીને હું પરમહંસ શ્રીરામકૃષ્ણદેવ તથા સ્વામી વિવેકાનંદજીના સાહિત્યનો પરિચય મેળવી ચૂક્યો હતો. એક બે વાર શ્રીરામકૃષ્ણમિશન, બેલૂરમાં દરિદ્રનારાયણની સેવા માટે પણ જઈ ચૂક્યો હતો. શ્રીપરમહંસદેવના શિષ્ય પૂજ્યપાદ સ્વામી પ્રેમાનંદજી મહારાજને મહિષાદલમાં મારા તુલસીકૃત રામાયણના સ્વરપાઠ સંભળાવીને તેમનો અદ્વિતીય સ્નેહ તથા આશીર્વાદ પણ મેળવી ચૂક્યો હતો. સ્વામી માધવાનંદજીને પત્રના જવાબમાં મારી આ યોગ્યતાનું પણ ભરપૂર પ્રમાણ આપ્યું. સ્વામીજીનો તે પત્ર અંગ્રેજીમાં હતો અને મારો ઉત્તર બંગાળીમાં. થોડા દિવસ પછી દ્વિવેદીજીને મળવા ગયો ત્યારે જાણવા મળ્યું કે કલકત્તામાં એક યોગ્ય સાહિત્યકાર સ્વામીજીને મળી ગયો છે. ઘરે પાછા ફરતાં, મને પણ તેમનો એક પત્ર બંગાળીમાં લખેલો મળ્યો, ‘ધીરજ રાખો. પ્રભુની ઈચ્છા હશે તો આગળ જોયું જશે.’

આ અરસામાં મહિષાદલ રાજ્ય તરફથી મને તાર મળ્યો કે જલ્દી આવી જાઓ, મેં વિચાર્યું કે જ્યારે રાજીનામું સ્વીકારાયા વગર પણ મારા પર હઠવશ ચાલ્યા આવવા પરનો વાંધો જ દૂર થઈ ગયો છે, તો પછી હવે જવામાં હું શું કામ અચકાઉં? હું મહિષાદલ ગયો પરંતુ, ‘રાજા, યોગી, અગ્નિ ને જળની અવળી રીત’ વાળી વાત મને યાદ ન રહી! આ તરફ ‘સમન્વય’ના સાર્થક નામથી રામકૃષ્ણ મિશનની એક સુંદર હિન્દી પત્રિકા પ્રકાશિત થઈ. મારી પાસેથી પણ તે એક લેખની ઉતાવળી માગ કરવા લાગ્યું. મેં તેમાં ‘યુગાવતાર ભગવાન શ્રીરામકૃષ્ણ’ એવો એક લેખ લખ્યો હતો. જ્યારે તે પ્રકાશિત થયો ત્યારે મેં દ્વિવેદીજીનો અભિપ્રાય માગ્યો. તેમણે તે લેખ વાંચી અભિનંદન આપ્યાં. હું મૌલિક લેખ લખી શકું છું તેવા આચાર્ય દ્વિવેદીજીના આશીર્વાદનો સદુપયોગ મારી અંદર જ ત્યારથી આજ સુધી હું કરતો આવ્યો છું. મારા બીજા ઘણા સાહિત્યિક પૂજ્યવરોએ પણ આ લેખના વિચાર અને ભાષા – શૈલીને માટે મને પ્રોત્સાહન આપ્યું. ‘સમન્વય’ની એક મોટી મુશ્કેલી પડી તે હિંદી અને બંગાળી બોલનારાઓમાં, મારા વિચારથી. જે લગભગ હજુ ઘણા દિવસો સુધી રહેશે. આ બાજુ મારી સામે ‘રાજાસાહેબવાળી અવળી રીત’ રજૂ થઈ. એ વખતે ‘સમન્વય’ના મૅનેજર સ્વામી આત્મબોધાનંદજીએ મને લખ્યું કે ‘બંગાળીઓના ભાવોને સમજવા માટે અહીં એક એવા માણસની જરૂર છે કે જે બંગાળી જાણતો હોય. અમને મુશ્કેલી પડે છે. તમે આવી જાઓ.’ મેં જઈને જોયું કે ‘સમન્વય’ના આઠ મહિનાની અંદર બે સંપાદક બદલાઈ ગયા હતા. સંપાદકની જગ્યાએ સ્વામી માધવાનંદજીનું નામ છપાતું હતું, તેઓ હિંદી પણ બહુ સારી જાણતા, કાર્ય તથા હિંદીની ઉત્કૃષ્ટતાની રક્ષા માટે ‘સમન્વય’માં એક હિંદીભાષી સંપાદક રાખલ હતો. આ રીતે હું ‘સમન્વય’માં જઈને સ્વામીજી મહારાજની સાથે ‘ઉદ્બોધન’ કાર્યાલય, બાગબજારમાં રહેવા લાગ્યો. અહીં પહેલવહેલાં આચાર્ય સ્વામી શારદાનંદજી મહારાજનાં દર્શન કર્યાં. આ ઈ. સ. ૧૯૨૨ની વાત છે.

સ્વામી શારદાનંદજી મહારાજ એટલા સ્થૂળકાય હતા, કે તેમને જોઈને ડર લાગતો હતો. જો કે ડરવાની વાત મારામાં પહેલેથી જ ઓછી હતી, ભૂતોને જોવા માટે રાતોની રાતો સુધી સ્મશાનમાં ફરતો અને એક વાર અડધી રાતે ઘરેથી નીકળી આઠ-નવ માઈલ પગે ચાલીને સવારે આચાર્ય દ્વિવેદીજીનાં દર્શન કર્યાં હતાં. છતાં પણ સ્વામી શારદાનંદજીની સામે ઘણા દિવસો સુધી જોઈ શક્યો નહિ. પરંતુ હું આંખો ઢાળીને, પ્રણામ કરી તેમની સભામાં કોઈ કોઈ વાર બેસી જતો હતો – વાતચીત સાંભળવા માટે! કોઈ દર્શનશાસ્ત્ર કે ધર્મગ્રંથનું વાંચન થતું ત્યારે ઊઠીને ચાલ્યો જતો કારણ કે દાર્શનિકતાની માત્રાઓ આમેય મારા મગજમાં બહુ ન હતી. જીવ ગભરાઈ જતો હતો. સ્વામીજીની ચર્ચાસભામાં મેં ઘણા મહિના સુધી સંયમ રાખ્યો; કંઈ પણ બોલીને બેવકૂફ નહીં બનું તેવો સંકલ્પ મેં કરી રાખ્યો હતો. બહારથી આવેલા વિદ્વાનોને પણ હું જોતો હતો. તેઓ જેમ તેમ આડું-અવળું બોલ્યે જતા હતા.

સ્વામીજી મારી ‘यावत्किंचन्नभाषते’ની નીતિ પર પ્રસન્ન થઈ હસતા હતા. અમારે ત્યાંની જે સંસ્કૃતિ છે તે પ્રમાણે, હું નાનપણથી સંતોની વાણી પર ભક્તિ રાખીને વિશિષ્ટ રીતે ઈશ્વરપરાયણ બન્યો હતો. તેથી સૂઈ ગયા પછી સ્વપ્નમાં દેવોને બહુ જોતો હતો. જે દેવો જાગ્રત અવસ્થામાં ક્યારેય બોલતા નહીં, તેઓ નિદ્રા વખતે સ્વપ્નાવસ્થામાં થાકતા નહિ. વાતચીત કરતાં કરતાં હું જ થાકી જતો, આને ધર્મગ્રંથોમાં શુભ લક્ષા કહ્યું છે. પરંતુ મારે માટે તે ઉત્તરોત્તર અશુભ પુરવાર થયું. કારણ કે હંમેશાં મારો એ પ્રશ્ન ઊભો જ રહ્યો કે મૂર્તિઓ જાગ્રત અવસ્થામાં કેમ બોલતી નથી? રાતની અનિદ્રા અને દિવસની દોડધામનાં સારાં લક્ષણો સહજ રીતે કલ્પી શકાય છે. એથી મારામાં ક્રમશઃ દાર્શનિકતા પ્રબળ થતી ગઈ. ધીમે ધીમે દેવોના કથનોપકથનના ફળસ્વરૂપે ઘોર નાસ્તિક, એવો હું શાંતચિત્ત થઈ ગયો. જ્યારે ‘સમન્વય’ના સંપાદન માટે ગયો ત્યારે પણ આ જ દશા હતી. આસ્તિક્તા, સંચિત પૂર્વસંસ્કાર અથવા તડકા છાયાની રીતે આવતી હતી. એક દિવસ સ્વામીજીને મેં કહ્યું. ‘નિદ્રાવસ્થામાં દેવો મારી સાથે વાતચીત કરે છે,’ તેઓ પ્રેમપૂર્વક હસીને બોલ્યા, ‘બાબુરામ મહારાજની સાથે પણ કરતા હતા.’ સ્વામી પ્રેમાનંદજીનું પહેલાનું નામ શ્રી બાબુરામ હતું. તેમનો ઉલ્લેખ હું કરી ચૂક્યો છું કે શ્રીરામકૃષ્ણના શિષ્યોમાંથી સૌ પહેલાં તેમનાં જ દર્શન મેં મહિષાદલમાં કર્યાં હતાં. આ પ્રસંગ પછી થોડા દિવસો સુધી હું મારા એક બંગાળી મિત્રની પથારીમાં સૂઈ રહેતો હતો, બપોરે સૂવાનો નિયમ આજે પણ મારે છે. સ્વપ્નમાં મેં જોયું કે સ્વામી શારદાનંજી મહારાજ ગંભીર ધ્યાનમાં મગ્ન છે. ઈશ્વરીય ભાવમાં મગ્ન આવી પ્રતિમા મેં આજ સુધી જોઈ નહોતી. પદ્માસનમાં બેઠેલા, ઉપર હાથ, આંખો બંધ, મુખ પર મહાનંદની દિવ્યાતિ! એ વખતે તેમના એક સેવક સંન્યાસી મહારાજ તેમને ખવડાવવાને માટે રસગુલ્લાં લાવ્યા, તે જ ધ્યાનાવસ્થામાં સ્વામીજીએ મારા તરફ ઈશારો કર્યો. સેવક મહારાજે પાછા વળીને મને રસગુલ્લાંનો વાટકો આપી દીધો. હું ગયો અને એક રસગુલ્લું તેમને ખવડાવીને પાછો ફર્યો. વાટકો સેવક સંન્યાસી મહારાજને પાછો આપી દીધો.

બસ, આંખ ખુલી ગઈ! મારું મસ્તક હિમશિખરો જેવું શીતળ થઈ ગયું. તેમાં મહાજ્ઞાનનું કેવું મોટું પ્રત્યક્ષ પ્રમાણ મેં જોયું છે તે હું શું કહું!

પંરતુ મારી વિરોધી શક્તિ બરાબર પ્રબળ રહી. તીવ્રતાથી તીક્ષ્ણ દાર્શનિક વજ્પ્રહારોથી હું મારા મનમાંથી તેનું અસ્તિત્વ દૂર કરવા લાગ્યો – કરતો હતો, ત્યારે જ કાર્ય કરી શકતો હતો, પણ તે કાર્ય ઘર માટે, સંસાર માટે બંધનોથી મુક્ત કરવાવાળું સામાજિક અને સાહિત્યિક ઉત્તરદાયિત્વને માટે થયું હતું. પરંતુ, આકાશથી ભૂમિ ૫૨ આવીને પણ હું આકાશમાં જ રહેતો. જેમ જેમ લડતો ગયો તેમ તેમ જુદો પડતો ગયો – તે ભાવ પ્રબળ થતો ગયો. જીવનમુક્ત મહાપુરુષ શું છે, તે હું હવે સારી રીતે સમજવા લાગ્યો. હું જ્યારે સંઘર્ષમાં થાકી જતો ત્યારે મારા માનસપટલના સત્યસ્વરૂપ સ્વામી શારદાનંદજી મને રંગીન પડછાયાની જેમ ઢાંકીને હસતા ચહેરે મુગ્ધ કરી દેતા હતા. આ મહાદાર્શનિક, સ્વયંભૂ, મહાકવિ મનસ્વી ચિરબ્રહ્મચારી, સંન્યાસી, મહાપંડિત, સર્વસ્વત્યાગી સાક્ષાત્ મહાવીરની સામે દેવત્વ, ઈન્દ્રત્વ અને મુક્તિ પણ તુચ્છ છે. દેશ-વિદેશોના મોટા-મોટા પંડિતો તથા વ્યક્તિઓને તેમ જ અનેક સર્વશ્રેષ્ઠ ઉપાધિથી ભૂષિત થયેલા કેટલાય લોકોને જોયા છે. પરંતુ વાહ રે સંસાર! સત્યની કેવી આકરી કસોટી તેં કહી? હું બ્રાહ્મણ હતો, કોઈ વ્યક્તિને માથું નમાવ્યું નથી. મારા વ્યક્તિત્વનો પૂરો અભ્યાસ કરજો, ચરિત્ર અને જ્ઞાન જીવન તથા મૃત્યુમાં જે ‘એજતિ, ન એજતિ’ ને સાર્થક કરનાર બ્રહ્મ હતા, તેમણે તેમની પૂર્ણતા આપીને મારી સ્વલ્પતા લઈ લીધી. હવે બન્ને ભાવ તેમના જ છે, એકથી તેઓ લડી રહ્યા છે, બીજાથી બચે છે. આ મારું આ સમયનું જીવન છે.

સ્વામી શારદાનંજી મહારાજના જે સેવક સંન્યાસીના હાથમાંથી વાટકો લઈ સ્વપ્નમાં મેં સ્વામીજીને રસગુલ્લો ખવડાવ્યો હતો, તેઓએ મને એક દિવસ એકાએક પૂછ્યું, ‘તમે મંત્ર નહી લો?’ મેં વિચાર્યું કે અહીં મહાપ્રસાદની જેમ મંત્ર પણ અપાતો હશે. લેવામાં વાંધો શો છે? મને મોટેરાઓને ગુરુ ગણવામાં ક્યારેય વાંધો લાગ્યો નથી. વાંધો તો માત્ર ગુરુવાદ સામે જ હતો. વળી, મંત્ર લેવાથી કંઈક મળે પણ છે. જ્યાં મળવાની વાત હોય, ત્યાં ન જાય, તે બ્રાહ્મણનો કોઈ મૂર્ખ છોકરો જ હોઈ શકે. હું સીધી ચાલે સીડી ચઢીને સ્વામીજીના ઓરડામાં પહોંચી, બેસી ગયો. તેમણે પૂછ્યું, શું છે? મે કહ્યું : મંત્ર લેવા આવ્યો છું. મારા અવાજમાં જ કોણ જાણે એવું શું યે હતું કે મને તંત્ર-મંત્રમાં જરા પણ વિશ્વાસ ન હતો એમ જણાતું. સ્વામીજી ગંભીર પ્રસન્નતાથી બોલ્યા, ‘સારું, પછી ક્યારેક આવજો.’

મેં મનમાં વિચાર્યું; ‘હવે આવે એ બીજા.’ ઘણા દિવસો થઈ ગયા-ગયો નહિ. ત્યાં ક્યારેક માના ઓરડામાં (શ્રી પરમહંસદેવના સહધર્મિણી શ્રી શારદામણિદેવી, ત્યારે શરીરત્યાગ કરી ગયાં હતાં) તુલસીકૃત રામાયણનું વાચન કરતો હતો. પહેલે દિવસે જ્યારે વાંચ્યું, ત્યારે સ્વામી શારદાનંદજીએ પ્રસાદમાં બે રસગુલ્લાં અપાવ્યાં હતાં, બધાંને એક જ રસગુલ્લો મળતો હતો. માત્ર શંકર મહારાજ (સ્વામી શારદાનંદજીના વડીલ ગુરુભાઈ, શ્રીરામકૃષ્ણ મિશનના પ્રથમ અધ્યક્ષ પૂજ્યપાદ સ્વામી બ્રહ્માનંદજીના પ્રિય શિષ્ય) બે રસગુલ્લાં મેળવતા પછીથી મેં જોયા હતા, પણ તેમણે એક રસગુલ્લું મને આપી દીધું હતું. એક વાર શ્રીમા શારદાદેવીને પ્રણામ કરી પ્રસાદ લઈને હું સ્વામી શારદાનંદજી મહારાજના ઓરડા તરફથી ઊતરીને જઈ રહ્યો હતો. પ્રસાદ મારા હાથમાં હતો. મન બહુ આનંદિત; ફૂલની જેમ ખીલેલ, હળવું હતું. ગોસ્વામી તુલસીદાસજીની ભારતીય સંસ્કૃતિ મન પર વ્યાપ્ત હતી. સ્વામીજી આવી રહ્યા હતા, મને ભાવાવેશમાં જોઈ રસ્તો છોડીને એકબાજુ થઈ ગયા. મારામાં સાનભાન હતું જ, હું દૂર થઈ ઊભો રહી ગયો કે તેઓ ચાલ્યા જાય, તો જાઉં. સ્વામીજીએ પૂછ્યું, ‘આ પ્રસાદ કોને માટે લઈ જાઓ છો! (સ્વામીજી સાથે મારી વાતચીત બંગાળીમાં થતી હતી) મેં કહ્યું. ‘મારા માટે’ તેમણે કહ્યું, ‘સારું, ખાઈને આવો.’ ઝટપટ પ્રસાદ ખાઈને હું ઉપર ગયો. સ્વામીજી એમના ઓરડાની સામે તે જ રસ્તા પર ઊભા હતા. મને જોઈને ખૂબ સ્નેહપૂર્વક બોલ્યા, ‘તે દિવસે તમે શું કહેતા હતા?’ મેં કહ્યું, ‘મને તંત્ર-મંત્ર પર વિશ્વાસ નથી’ તેમણે પૂછ્યું, ‘તમે ગુરુગામી છો?’ મેં કહ્યું, ‘હા.’ પરંતુ ત્યારે હું નવ વર્ષનો હતો. તેમણે કહ્યું, ‘અમે લોકો તો શ્રીરામકૃષ્ણને જ ઈષ્ટ માનીએ છીએ’ મેં કહ્યું; એવું તો હું પણ માનું છું. ઉત્તર આપવાની ક્યારેય મેં વાર લગાડી નથી, તે સાચો હોય કે ખોટો. પહેલાં શું કહી ગયો છું, પછી શું કહી રહ્યો છું, તેના તરફ ધ્યાન આપવાવાળો સાચો વક્તા, કવિ, લેખક કે દાર્શનિક નથી એવાની કલાસ્વાતંત્ર્યમાં ગણના પણ નથી – કલાકારોના આવા કથનનું હું જીવતુ જાગતું ઉદાહરણ હતો. સ્વામીજીના ભારતીય કાન એવા નહોતા કે જે અંગ્રેજી વાજાના વિવાદી સૂરોથી ભડકી જઈને તેનો સંગીત તરીકે સ્વીકાર જ ન કરે. તેઓ ભાવનાશીલ ગરિમાથી મારી સામે આવ્યા. એક રોમાંચક અનુભવ થયો, જાણે કે હું શીતળ છાયામાં ડૂબવા લાગ્યો. પછી તેઓ મારા ગળામાં તેમની આંગળીથી એક બીજમંત્ર લખવા લાગ્યા. મેં મનને ગળા પાસે લઈ જઈ શું લખી રહ્યા છે તે જાણવાની બહુ કોશિશ કરી, પણ મારી સમજમાં કંઈ આવ્યું નહિ.

આડકતરી રીતે ધ્યાન-ધારણા માટે સ્વામીજી મને ક્યારેક ક્યારેક યાદ અપાવ્યા કરતા હતા. પરંતુ મને એ જ ધૂન લાગી હતી કે હવે જોવું છે કે ગળાવાળો મંત્ર શું પરિણામ લાવે છે. પૂજાપાઠ જે કંઈ કરતો હતો, તે પણ બંધ કરી દીધું. મને થોડા જ દિવસોમાં જણાવા લાગ્યું કે મારો નીચેનો ભાગ ઉપરની તરફ અને ઉપરનો ભાગ નીચેની તરફ થઈ ગયો છે અને રામકૃષ્ણ મિશનના સાધુઓ મને ખેંચી રહ્યા છે અજબની ગભરામણ થઈ. મેં વિચાર્યું કે આ સાધુઓએ મારા પર વશીકરણ કર્યું છે ત્યારે ‘સમન્વય’ ના કાર્યકર્તાઓ ‘ઉદ્બોધન’ છોડીને ‘મતવાલા’ ઑફિસમાં (ત્યારે મ’તવાલા’ નીકળતું નહોતું. બાલકૃષ્ણ પ્રેસ હતું. માલિક ‘મતવાલા’ના સંપાદક બાબુ મદેવપ્રસાદજી શેઠ હતા.) ભાડાના મકાનમાં રહેતા હતા. હું પણ તેમની સાથે અલગ ઓરડામાં રહેતો હતો. મહાદેવબાબુને મેં કહ્યું, ‘આ સાધુ લોકો મને તો જાદુગર જેવા લાગે છે.’ મહાદેવબાબુએ ગંભીર થઈને કહ્યું, ‘આ તમારો ભ્રમ છે.’ મેં કઈ કહ્યું નહિ પણ મને ભ્રમ હોય તો વિશ્વાસ પણ હોય જ. એક દિવસ એવું થયું કે તે સાધુઓમાંથી એકની હાલત પણ મારી પાસે આવવાથી મારી હાલત જેવી જ થઈ. તેઓ દર્શનશાસ્ત્રમાં એમ.એ. છે. આજ કાલ અમેરિકામાં પ્રચાર કરી રહ્યા છે. જ્યારે મારી તરફ ખેંચાવા લાગ્યા ત્યારે બોલ્યા, ‘પંડિતજી, શું તમે વશીકરણ જાણો છો? મે મનમાં જ કહ્યું, ‘હા’ પછી મોટેથી બોલ્યો, ‘હું મારણ, મોહિની, વર્ગીકરણ ઉચ્ચારણ, બધાંમાં સિદ્ધ છું.’

ત્યાર બાદ એક દિવસ સ્વપ્ન જોયું. જ્યોતિર્મય સમુદ્ર છે, શ્યામની ભુજામાં મારું મસ્તક છે, હું તરંગોમાં ડોલી રહ્યો છું.

પછીથી એટલા ચમત્કારો આ દશ વર્ષોમાં જોયા કે હવેના મોટા મોટા કવિઓની ચમત્કારોક્તિઓ વાંચીને હસવું આવે છે. તે મંત્ર પણ ત્રણ વર્ષ થયાં, અગ્નિસમાન ચમકતો કેટલાક દિવસો સુધી સામે આવ્યો, જે મેં વાંચી લીધો છે.

(નિરાલા ગ્રંથાવલી (૨) માંથી સાભાર)

Total Views: 66

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.