એ દિવસે વૈશાખી પૂર્ણિમા હતી. દીદીને બોટિંગનો ગજબનો શોખ હતો. એ રાત્રે બોટિંગ કરવા ગયાં હતાં. દસ વાગ્યે ઘેર આવ્યાં અને સૂઈ ગયાં. દીદી તો મીઠી નીંદરમાં હતાં. એટલામાં એમના બગીચાનો પૂર્વ બાજુનો બંધ દરવાજો ખૂલ્યો. રામકૃષ્ણદેવ ચાલતા અંદર આવ્યા. દીવાલની પાસે પુસ્તકોનાં નાનાં નાનાં કબાટો હતાં. એના ઉપર બુદ્ધનો ફોટો રાખ્યો હતો (જે અત્યારે પણ છે), એની પાસે પુષ્પો રાખ્યાં હતાં; ત્યાં દીદીએ અગરબત્તી કરી હતી એની પાસે આવ્યા. પોતાની કોણી એના પર ટેકવી. ધોતિયાનો એક છેડો ગળાની આસપાસ વીંટાળ્યો હતો. દીદી તો પથારીમાંથી કૂદીને મચ્છરદાનીમાંથી બહાર નીકળ્યાં. સામાન્ય મનુષ્યનું શરીર હોય એવું જ એમનું શરીર હતું. દીદીએ ચરણોમાં મસ્તક મૂક્યું. એમણે મસ્તક પર હાથ મૂક્યો. ગ્રામ્ય બંગાળી ભાષામાં વાત કરી રહ્યા હતા. બહુ જ પ્રસન્ન હતા. કહ્યું : ‘બીજમંત્રનો જપ ક્યારેય ન કરવો. તારે માટે એ આવશ્યક નથી.’ ઠાકુરે કહ્યું : ‘ન તો તારે ઉપવાસની જરૂર છે, ન આ મંત્રજપની જરૂર. જે ચાલી રહ્યું છે એ ઠીક છે.’ ચાર-પાંચ વાક્યો બોલ્યા ન બોલ્યા ત્યાં દીદીને થયું કે આ શરીર તો ભસ્મીભૂત થયું હતું ને? એ ક્યાંથી આવ્યું? જ્યાં મનમાં આ આવ્યું અને હાથ હટી ગયો. પછી જોયું તો કોઈ નહોતું. એ વખતે બરાબર ૩-૩૦ થયા હતા. દીદીને થયું કે આટલો જીવિત સ્પર્શ ભ્રમ ન હોઈ શકે. અચેતનનું પ્રક્ષેપણ પણ ન હોઈ શકે. તો આ હતું શું? દીદીએ પોતાના મનમાં જ કહ્યું કે ત્યારે જ હું સાચું માનીશ, જ્યારે કોઈ મને એક જાસૂદનું ફૂલ અને સંદેશ (મીઠાઇ) આપશે. ઠાકુર જાસૂદના ફૂલ માને ચઢાવતા હતા અને સંદેશનું નૈવેદ્ય માના ચરણોમાં ધરતા હતા. દીદીએ મનથી નક્કી કર્યું કે જ્યાં સુધી આ શું હતું એ નક્કી ન થાય ત્યાં સુધી મારે અન્ન-જળ લેવાં નથી. ૫-૩૦ વાગ્યે ઈન્દુબહેન કમરામાં ડોકિયું કરી ગયાં. પાર્વતીજીને જઈને કહ્યું કે દીદી તો આંખો મીંચીને બેઠાં છે. બન્ને ત્યાં આવ્યાં. બોલ્યાં : ‘દીદી.’ દીદીએ કહ્યું : ‘શું છે?’ કહેવા લાગ્યાં, ‘છ વાગી ગયા છે. ચા-પાણી કશું લેવું નથી?’ દીદીએ કહ્યું: ‘જુઓ, આજે અમે બેસી રહેવાનાં જ છીએ. આજે ચા-પાણી ખાવા-પીવાનું નથી, જ્યાં સુધી અમે ઊઠીએ નહિ ત્યાં સુધી અમને બોલાવશો નહિ.’ પૂછ્યું : ‘તબિયત ખરાબ છે?’ દીદીએ કહ્યું: ‘ના, કંઈ કારણ છે. સાંજે કહીશ.’ સવારના સાડા ત્રણ વાગ્યાનાં બેઠેલાં. સાંજે પોતાના ક્રમ મુજબ માસા આવ્યા. પાર્વતીબહેને સવારથી દીદીના જે હાલચાલ હતા તે કહ્યા. માસાએ કહ્યું: ‘હશે કોઈ કારણ.’ માસા સાથે આ વાત ચાલતી જ હતી. ત્યારે રક્તવર્ણનાં ભગવાં કપડાં પહેરેલા એક સંન્યાસી ઉપર આવ્યા. પૂછ્યું : ‘વિમલાદેવી અહીં રહે છે કે?’ દીદીએ અવાજ સાંભળ્યો. એટલે કૂદીને બહાર આવ્યાં. શિવકુટીનાં અર્ધાં પગથિયાં એ ચઢ્યા હતા. દીદી દોડીને નીચે ગયાં. ‘આવો મહારાજ, ઉપર આવો.’ એ ઉપર આવ્યા. બેસાડ્યા. દીદી સામે ઊભાં રહ્યાં. કંઈ બોલ્યાં નહિ. ઝોળીમાંથી જાસૂદનું પુષ્પ કાઢ્યું. દીદીના હાથમાં આપ્યું. પછી બ્રાઉનપેપરની નાની કોથળી કાઢી. એમાં એકદમ તાજાં બનાવેલાં સંદેશ હતાં. જેનું ઘી બ્રાઉન પેપર પર લાગ્યું હતું એ રાખ્યું અને કહ્યું : ‘ઠાકુરે કહાવ્યું છે કે તમને ખોટું દેખાડવાનું એ શા માટે કરે? તમને ખબર છે ને કે માની જાતિ ઉપવાસ કરે એ એમને પસંદ નહોતું. શું તમે એ જાણતાં નથી?’ દીદીએ કહ્યું : ‘જાણું છું. ‘તો જાણ્યા પછી શા માટે ઉપવાસ કર્યા?’ દીદીએ પૂછ્યું : ‘ક્યારે આવવાનું થયું? ક્યાં ઊતર્યા છો?’ કહ્યું: ‘કાલે સાંજે આવ્યો. લાલમંદિરમાં ઊતર્યો છું. આજે સવારે ઠાકુરનો આદેશ મળ્યો.’ દીદીએ કહ્યું : ‘આવાં સંદેશ આબુમાં તો નથી બનતાં.’ મહારાજે કહ્યું : ‘ક્યાં બન્યાં છે એની સાથે તમારે શું મતલબ છે?’ દીદીએ પ્રણામ કર્યા અને એ સડસડાટ નીચે ઊતરી ગયા. દીદીને રડવું આવી ગયું. હાથમાં જાસૂદનું ફૂલ અને સંદેશવાળી થેલી લીધી. માસાને લઈને દીદી સ્વામી જપાનંદજીને ત્યાં ગયાં. માસાને આશ્ચર્ય થયું કે આખો દિવસ ખાધુ-પીધું નથી. મામલો શું છે? સંન્યાસી સાથે શું વાત થઈ? જપાનંદજી પાસે જઈને દીદીએ સ્વામીજીના હાથમાં જપાકુસુમનું ફૂલ અને સંદેશની થેલી મૂક્યાં. થોડો વખત બેઠાં. સ્વામીજીએ કહ્યું: ‘ઠાકુરની પણ કસોટી કરો છો કે?’ દીદીએ કહ્યું: ‘ના, ના ઠાકુરની કસોટી તો કોણ કરે? મારે તો જોવું હતું કે આ ભ્રમણા તો નથી ને?’ પહેલું સંદેશ કાઢીને એના ત્રણ ભાગ કર્યા. એક ત્રિકમભાઈને આપ્યો, એક દીદીને આપ્યો અને એક પોતાના મોમાં મૂક્યો પછી બોલ્યા : ‘જાવ, આ હવે બધાંને વહેંચો’

(વિમલ પ્રકાશન ટ્રસ્ટ, અમદાવાદ – દ્વારા પ્રકાશિત પુસ્તક, ‘વિમલ સંસ્મરણો’ પૃ. ૯૬-૯૭માંથી સંકલિત)

Total Views: 52

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.