આપણી દિવ્યતાનું વિસ્મરણ જ આપણી બધી સમસ્યાઓનું મૂળ છે. આધ્યાત્મિક જીવનમાં તેમ જ દૈનિક જીવનમાં સફળતા માટે સ્મરણશક્તિ આવશ્યક છે. મૅકગીલ યુનિવર્સિટી, મૉન્ટ્રીયલ, કૅનેડાના ગણિતશાસ્ત્રના પ્રૉફેસર એમ. રામમૂર્તિ આ લેખમાં શ્રીરામકૃષ્ણદેવ, સ્વામી વિવેકાનંદજી અને અન્ય મહાન વ્યક્તિઓની અસાધારણ સ્મરણશક્તિના દાખલાઓ ટાંકી સ્મરણશક્તિની કળા વિશે રસપ્રદ માહિતી રજૂ કરે છે. – સં.

(ગતાંકથી ચાલુ)

પ્રાચીનકાળમાં, માણસના રોજિંદા જીવનમાં સ્મરણશક્તિ અગત્યનો ભાગ ભજવતી હતી. એક પેઢી બીજી પેઢીને જ્ઞાન સ્મરણશક્તિ દ્વારા આપતી હતી. દરેક વ્યક્તિને આ માનસિક શક્તિની જરૂર પડતી હતી. જો આપણે પ્રાચીનકાળની નિશાળો તરફ એક દૃષ્ટિ કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે સ્મરણશક્તિની કળા ખૂબ જ વિચારપૂર્વક શીખવવામાં આવતી હતી. ભારતમાં વેદોને કંઠસ્થ કરી લેવામાં આવ્યા હતા, અને વેદોને લખવામાં આવ્યા તે પહેલાં સદીઓ સુધી સ્મરણશક્તિમાં જાળવી રાખવામાં આવ્યા હતા. તેઓના લયને કારણે વેદોને કંઠસ્થ કરવા વધારે સહેલું હતું. રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યો વિશે પણ એ જ સાચું છે. ગ્રીસમાં વિદ્યાર્થીઓ કવિ હોમરનાં મહાકાવ્યો, ‘ઇલીઅડ’ અને ‘ઓડીસી’ને કંઠસ્થ કરી લેતા.

સ્મરણશક્તિના નિયમો

એ જાણીતું છે કે આપણને મળેલ સ્મરણશક્તિનો આપણે માત્ર ૧૦ ટકા જ ઉપયોગ કરીએ છીએ. સ્મરણશક્તિના નિયમોનો ભંગ કરીને આપણે ૯૦ ટકા શક્તિનો વ્યય કરીએ છીએ. આ નિયમો ક્યા છે?

એ નિયમો નીચે મુજબ છે :

મન પર પડેલી અસરોનો નિયમ, પુનરાવર્તનનો નિયમ અને સંબંધનો નિયમ (Association). જે વિચારો આપણે સ્મૃતિમાં જાળવી રાખવા માગતા હોઈએ તેની ઊંડી, સ્પષ્ટ અને કાયમી છાપ મેળવવી, આ થયો પહેલો નિયમ. ધ્યાન (attention) અને અભિરુચિ દ્વારા તેનો અમલ થઈ શકે. માનસશાસ્ત્રનો એ નિયમ છે કે જ્યારે આપણું મન કોઈ એક વિચાર પર સ્થિર થાય છે ત્યારે તેના માટેની અભિરુચિ અને ધીમે ધીમે પ્રેમ પણ પ્રગટ થાય છે. સ્વામી વિવેકાનંદ લખે છે, ‘દરેક વ્યક્તિનું મન ક્યારેક એકાગ્ર થઈ જાય છે. જે વસ્તુઓ આપણને ગમે છે તેના પર આપણે આપણા મનને એકાગ્ર કરીએ છીએ, અને આપણે આપણા મનને એ વસ્તુઓ પર એકાગ્ર કરીએ છીએ કે જે વસ્તુઓ આપણને ગમે છે.’

આપણે માનસિક ગૂંચવાડામાં દિવસો સુધી નિસાસો નાખતા પરિણામો લાવવા માટે પ્રયત્ન કરીએ છીએ; જ્યારે પાંચ મિનિટ માટેની સ્પષ્ટ અને ક્રિયાશીલ એકાગ્રતા વધારે સારાં પરિણામો લાવે છે. થૉમસ ઍડિસન, ન્યુ જરસી, મૅટ્રો પાર્ક ખાતે એક ફૅક્ટરી ધરાવતા હતા. તે ફૅક્ટરીના મેદાનમાં એક ચેરિ વૃક્ષ ઊગ્યું હતું, પરંતુ ઍડિસને જોયું કે તેમના ત્રીસ મદદનીશમાંથી કોઈએ પણ તે ચેરિ વૃક્ષની નોંધ લીધી ન હતી.

ઍડિસને લખ્યું, ‘એક સામાન્ય માણસની આંખો જે અવલોકન કરે છે તેનો એક હજારમો ભાગ પણ તેનું મગજ અવલોકન કરતું નથી. આપણી અવલોકન કરવાની શક્તિ કેટલી નબળી છે તે આપણને આર્યચકિત કરી દે છે. તે ખરેખર તાલીમ અને ટેવનો પ્રશ્ન છે, હૅરી હોડિનિના જીવનચરિત્રમાં આપણે જોઈએ છીએ કે કેવી રીતે તેમણે એક તસવીર જેવી સ્મરણશક્તિ કેળવી. હૅરી તેમના ઓરડાની બધી વસ્તુઓ જોતા અને પછી તરત જ તે બધી વસ્તુ યાદ કરવાનો પ્રયત્ન કરતા.

અબ્રાહમ લિંકન ફરિયાદ કરતા કે તેમની સ્મરણ શક્તિ સારી ન હતી. તેથી સ્મરણશક્તિ સુધારવા માટે તેમને જે યાદ રાખવાનું હોય તે બધું મોટેથી બોલીને વાંચતા. તેઓ કહેતા, ‘જ્યારે હું મોટેથી બોલીને વાચું છું ત્યારે બે ઈન્દ્રિયો (senses) વિચારને પકડે છે. પહેલું હું જે વાચું છું તે નજરે જોઈ શકું છું. બીજું હું તે સાંભળું છું અને તેથી યાદ રાખી શકું છું.’ લિંકને આગળ કહ્યું, ‘મારું મન એક સ્ટીલના ટુકડા જેવું છે. તેના પર કોઈ લિસોટો કરવો બહુ અઘરું છે, પરંતુ એક વખત લિસોટો કર્યા પછી તે કાઢી નાખવો લગભગ અશક્ય છે.’

માર્ક ટ્વેઇને દૃષ્ટિવિષયક સ્મરણશક્તિની પદ્ધતિ વિકસાવી હતી કે જેથી તેઓ નોંધ રાખ્યા વિના બોલી શકે. તેઓ દૃષ્ટિવિષયક ચિત્રને (Visual image) પોતાના મુદ્દા સાથે જોડવા માગતા હતા અને ત્યાર પછી ચિત્રોની શ્રેણી યાદ રાખતા. દાખલા તરીકે, તેઓ એક ચિત્રને કોઈ એક નંબર સાથે જોડતા; સૂર્યને નંબર એક સાથે જોડતા, પ્રાણીસંગ્રહસ્થાનને નંબર બે સાથે, એક વૃક્ષને ત્રણ સાથે, બારણાને નંબર ચાર સાથે અને તેવી રીતે આગળ. વાર્તાલાપમાં પહેલો મુદ્દો એક ચિત્રમાં બદલી જશે અને તે ચિત્રને પછી સૂર્ય ૫૨ ગોઠવી દેવામાં આવશે. બીજા મુદ્દાને એક ચિત્રમાં ફેરવી નાખવામાં આવશે અને પ્રાણીસંગ્રહસ્થાન પર ગોઠવી દેવામાં આવશે અને તેવી રીતે આગળ. દાખલા તરીકે, જો તમે આ વાર્તાલાપને આવી દૃષ્ટિવિષયક સ્મરણશક્તિમાં કંડારવા ઈચ્છતા હો તો કોઈ પણ વ્યક્તિ જે છ વાર્તાઓથી મેં શરૂઆત કરી તે વાર્તાઓને છ દૃષ્ટિવિષયક ચિત્રોની સાથે જોડી શકે. આ માનસિક શક્તિ એક નવી કળા છે કે જે આપણે કેળવવાની છે અને તેની ટેવ પાડવાની છે. જેમ કોઈ વ્યક્તિ આ ટેવ વિકસાવે છે, તે વ્યક્તિ જોશે કે ચિત્રો (Images)ને વિચારો સાથે જોડવાની તેની શક્તિ વધે છે.

આ પદ્ધતિનું ઉદ્ગમસ્થાન બહુ પ્રાચીન છે. પ્રાચીન ગ્રંથો ‘સ્મરણશક્તિનાં આંતર દેવાલયો’ની વાત કરે છે. આ ગ્રંથો વિચારોને ચેતનામાં બેસાડવા માટે સ્થાપત્ય કલાના અભિગમનું વર્ણન કરે છે. દાખલા તરીકે, ઈમારતો અને સ્થાપત્યને બહુ જ કાળજીપૂર્વક જોવાનું વિદ્યાર્થીઓને કહેવામાં આવતું; એટલું જ નહિ પરંતુ બધા ખંડોને ચાલીને જોવાનું કહેવામાં આવતું. જ્યારે વિચારોની શ્રેણી યાદ રાખવાની હોય ત્યારે, વિચારોને ચિત્રોમાં બદલાવાના હોય છે, અને જે રીતે ચાલીને ખંડોને જોયા હોય તે રીતે દરેક ખંડમાં ચિત્રને ગોઠવી દેવાનું હોય છે. એવું સૂચવવામાં આવ્યું હતું કે જેમ વધારે હાંસીજનક ચિત્ર તેમ યાદ રાખવું વધારે સરળ.

આપણું મન જોડવાનું કામ કરતું યંત્ર છે. એક કેળવાયેલી સ્મરણશક્તિ સંબંધોની (Associations) સુવ્યવસ્થિત પદ્ધતિ પર આધાર રાખે છે, જે દરેક હકીકત આપણે સ્મરણશક્તિમાં જાળવી રાખવા માગતા હોઈએ તેની સાથે ભિન્ન ભિન્ન અને બહુવિધ સંબંધો (Associations) સ્થાપવામાં સારી સ્મરણશક્તિનું રહસ્ય રહેલું છે. આ રીતે ઉપયોગમાં લેવાતું જ્ઞાન જળવાઈ રહે છે. આ પ્રથા વિચારો જાળવી રાખવાની પદ્ધતિ છે અથવા નવા વિચારોને આપણા મગજમાં આવવા દે છે અને તેમાં શક્તિનો સંચાર કરે છે.

શ્રીરામકૃષ્ણનું મન સંબંધોનું એક અદ્ભુત ઝૂમખું હોવું જોઈએ. કોઈ એક વિચાર અથવા સૂચન તેઓના મનને ઉચ્ચતમ ભૂમિકાએ લઈ જતું. દાખલા તરીકે, પ્રાણીસંગ્રહસ્થાનમાં સિંહને જોઈને તેઓના મનમાં દિવ્ય માતા દૂર્ગાનો વિચાર સ્ફૂર્યો, અને તરત જ શ્રીરામકૃષ્ણ સમાધિમાં સરકી ગયા. કોઈ વ્યક્તિએ પોતાની છત્રી બંધ કરી અને તેથી મનનાં કિરણોને એકત્રિત કરવાનું સૂચન શ્રીરામકૃષ્ણને થયું, અને ફરી તેઓ સમાધિમાં સરકી ગયા. જે પ્રકારના સંબંધો (Association) આપણે બનાવીએ છીએ તેના પર આપણા જીવનની ગુણવત્તાનો આધાર રહે છે.

આપણો દરેક નવો વિચાર આપણા મગજમાં એક નવો માર્ગ (Channel) બનાવે છે અને માણસનો સ્વભાવ અસાધારણ રીતે રુઢિવાદી છે તે બાબત આ પ્રક્રિયાથી સમજાય છે. જે રુઢિઓ પહેલેથી છે તેને અનુરૂપ થઇને જીવવાનું માણસના સ્વભાવને ગમે છે. કારણ કે તે સરળ છે. દરેક વિચાર મગજમાં એક માર્ગ બનાવે છે અને આ માર્ગ બંધ થઈ જ જાત, પણ તેમ થતું નથી કારણ કે મગજનો ક્રિયાશીલ ભાગ (grey matter) એક રેખા બનાવીને તેને અલગ રાખે છે. જો મગજનો ક્રિયાશીલ ભાગ ન હોત તો સ્મરણશક્તિ પણ ન હોત, કારણ કે સ્મરણશક્તિનો અર્થ એ થાય છે કે જૂના માર્ગો પર ફરીથી ચાલવું; આપણા વિચારને ફરી તાજો કરવો.

આપણે આ ત્રણ નિયમોનો ઉપયોગ કરી શકીએ : અસર, પુનરાવર્તન અને સંબંધ. મેં મારા જીવનમાં તેનો ઉપયોગ કર્યો છે. પરંતુ શ્રુતિધરોની અદ્ભુત સ્મરણશક્તિનો આ નિયમો અને પદ્ધતિઓ ખુલાસો કરી શકતી નથી. ભૂતકાળની અસરો અને પૂર્વગ્રહોના સ્તર મારફત આપણે વસ્તુઓ અને વિચારોનું અવલોકન કરીએ છીએ. આ વિચારોને આપણા મનમાં જાળવી રાખવા માટે આપણે તેનું પુનરાવર્તન કરવું પડે છે કારણ કે મનમાં પહેલેથી ઘડેલા ખ્યાલો આપણા અનુભવ સાથે દખલ કરે છે. ખરેખર આપણે વિશ્વનો અનુભવ કદી કરી શક્તા નથી. વિશ્વ વિશેનો આપણો જે અભિપ્રાય છે તેનો જ આપણે અનુભવ કરીએ છીએ. શ્રુતિધરની બાબતમાં કોઈ પૂર્વગ્રહો અથવા મનમાં આગળથી ઘડેલા ખ્યાલો હોતા નથી. આવા શુદ્ધ મનમાં, ચેતનાનાં કિરણો વિચારોને સીધી રીતે જ્ઞાનથી પ્રકાશિત કરે છે.

સ્વામી વિમલાનંદ આ મંતવ્યને ટેકો આપે છે, અને સ્વામી વિવેકાનંદ સાથેની પોતાની પહેલી મુલાકાત યાદ કરે છે : હું હંમેશાં વિચારતો હતો કે સ્વામીજીની પ્રચંડ બુદ્ધિમત્તા તેઓના પવિત્ર જીવનને કારણે હતી. સ્વામીજી સાથેનો ગાઢ પરિચય મારી માન્યતા વધારે મજબૂત બનાવતો હતો. એક દિવસે સ્વામીજીના શબ્દોએ મારી માન્યતાને દૃઢ કરી દીધી. એ મારા જીવનની યાદગાર સાંજ હતી કે જે મારા મનમાંથી કદી ભૂંસી નહીં શકાય. સ્વામીજીના શિષ્ય થવાની ઈચ્છા રાખનાર વ્યક્તિએ જ્યારે એક પ્રશ્ન પૂછ્યો ત્યારે સ્વામીજીએ એક સવિસ્તર અને મનમાં હલચલ મચાવી દે તેવો બ્રહ્મચર્ય પર એક વાર્તાલાપ આપ્યો. તેઓના વાર્તાલાપ દરમ્યાન સ્વામીજી ધાર્મિક જીવનમાં પવિત્રતાનું કેટલું બધું મહત્ત્વ છે તે સમજાવી રહ્યા હતા. અને પવિત્રતાને આપણા જીવનમાં કેવી રીતે આત્મસાત્ કરવી તે પણ સમજાવી રહ્યા હતા. માણસના સ્વભાવના નૈતિક અને બૌદ્ધિક પાસાંને અવગણીને અને તેના લાગણીતંત્ર પર પ્રભાવ પાડીને, ધાર્મિક જુસ્સો એક મોટો પ્રત્યાઘાત સર્જે છે. પછી સ્વામીજીએ પૂર્ણ માનસિક પવિત્રતાની અસીમ શક્તિઓ વિશે વાત કરી અને એ પણ સમજાવ્યું કે કેવી રીતે માણસની પશુ વૃત્તિનું આધ્યાત્મિક શક્તિમાં રૂપાંતર થાય છે. આ વિષય સ્વામીજીએ ખૂબ જ ઉત્સુકતાથી સમજાવ્યો. જાણે કે અંદરનો પારદર્શક આત્મા જળના ધોધની માફક સ્વામીજીની વાણી દ્વારા વ્યક્ત થતો હતો. અને શ્રોતાજનોને સ્વર્ગીય જળમાં સ્નાન કરાવી રહ્યો હતો. જે ચિત્ર અમારા મનમાં ઉપસી રહ્યું હતું તેની પ્રતિકૃતિ અમારી સામે હતી. અને એ વાર્તાલાપના છેલ્લા શબ્દોએ અમારા પર કેવો પ્રભાવ પાડ્યો તેની કલ્પના શ્રોતાઓએ કરવાની રહી : ‘મારા ગુરુએ મને કહ્યું હતું કે હું હમણાં જ વર્ણવેલ સંપૂર્ણ પવિત્રતાની સ્થિતિ પ્રાપ્ત કરી શકું તો મને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થશે. જ્યારે મને સંતોષ થયો કે મે તે સ્થિતિ પ્રાપ્ત કરી છે ત્યારે જ વિશ્વ સમક્ષ ઊભા રહેવાનું સાહસ કર્યું. એક ખડક જેવી મક્કમતાપૂર્વક તમારે આ આદર્શ તમારી સમક્ષ રાખવો જોઈએ એમ હું તમને આગ્રહપૂર્વક કહું છું. ભલા થઈને મેં તમારામાં જે વિશ્વાસ મૂક્યો છે તેને લાયક બનજો.’ એક બીજા પ્રસંગે પણ મેં સ્વામીજીને પોતાની આધ્યાત્મિક સૂક્ષ્મ દૃષ્ટિ વિશે બોલતા સાંભળ્યા હતા. તે દૃષ્ટિ ભવિષ્યના ગર્ભમાં છુપાયેલ ઘટનાનો છેડો જોઈ શકતી હતી અને જેની માત્ર શરૂઆત કરવામાં આવી છે. મારા કહેવાનો અર્થ એ ન થવો જોઈએ કે બૌદ્ધિક તેજસ્વિતા એ આધ્યાત્મિકતાની નિશાની છે. બિલકુલ આધ્યાત્મિકતા વિના પણ કોઈ વ્યક્તિ મહાન બુદ્ધિશાળી હોઈ શકે. જ્યારે બીજી બાજુએ કોઈ વ્યક્તિ આધ્યાત્મિક હોઈ શકે પરંતુ તેની પાસે વિશાળ અને વિવિધ માહિતી ધરાવતું મગજ ન પણ હોય, અથવા તે વ્યક્તિ પાસે શબ્દોને તર્કસંગત સ્વરૂપ આપવા માટેની શક્તિ ન પણ હોય, પરંતુ સત્ય તેની મેળે તે મનમાં આવિર્ભાવ પામે છે. સ્વામી વિવેકાનંદના વ્યક્તિત્વમાં આપણે આધ્યાત્મિક સૂક્ષ્મદૃષ્ટિ અને પ્રથમ કક્ષાની બુદ્ધિમત્તાનું સુંદર મિશ્રણ જોઈએ છીએ. સત્ય તેમને અંતરજ્ઞાન દ્વારા પ્રાપ્ત થયું. પરંતુ સ્વામીજી પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને તેને તર્કસંગત સ્વરૂપ આપતા અને ભરપૂર હકીકતો અને વિચાપ્રક્રિયાની સમાનતા દ્વારા તેને ધ્યેય બનાવતા.

આપણા રોજિંદા જીવનમાં સ્મરણશક્તિનું સ્થાન

સ્મરણશક્તિ શું છે? કોઈ એક વિચાર અથવા ચિત્રને (Image) મગજમાં જાળવી રાખવા અને આપણી ચેતનામાંથી તેને સરકી જવા ન દેવાની શક્તિને સ્મરણશક્તિ કહે છે. આપણા મગજમાં ચિત્રો ઉપસાવવાની જે આપણી શક્તિ છે તેની સાથે સ્મરણશક્તિ સંબંધ ધરાવે છે અને માણસના મગજનો એ પાયાનો ગુણધર્મ છે. અને તે જ માણસ અને પ્રાણી જગત વચ્ચેનો ભેદ દર્શાવે છે.

સ્વામી વિવેકાનંદ લખે છે : જ્યારે આપણે કોઈ વસ્તુને જોઈએ છીએ ત્યારે મગજના રજકણો એક ચોક્કસ પરિસ્થિતિમાં ગોઠવાઈ જાય છે અને આપણે તેને કૅલિડોસ્કોપમાંના ચિત્રો સાથે સરખાવી શકીએ. એ સંધાતને અને મગજના આ રજકણોની એ જ ગોઠવણને પાછી મેળવવામાં સ્મરણશક્તિ સમાયેલી છે. જો વ્યક્તિની ઈચ્છાશક્તિ વધારે પ્રબળ હોય તો મગજના આ રજકણોને ફરી ગોઠવવામાં તેને વધારે સફળતા મળશે.

સ્મરણશક્તિના ખ્યાલના ઘણા સૂચિતાર્થો છે. પહેલું, સ્મરણશક્તિ ભૂતકાળનું સૂચન કરે છે અને તેથી ભવિષ્ય સૂચવે છે. દીર્ઘદૃષ્ટિ સ્મરણશક્તિનો સમોવડિયો ભાગ છે. પાસ્કલે લખ્યું, ‘દીર્ઘદૃષ્ટિ ધરાવવી એટલે શાસન કરવું.’ બીજું, સ્મરણશક્તિ વર્તમાન પરનો અંકુશ સૂચવે છે. એ વિવેકબુદ્ધિની શક્તિ સૂચવે છે. ભૂતકાળના આપણા અનુભવો પર આધારિત નિર્ણયો લેવાની શક્તિ સૂચવે છે. ત્રીજું, સ્મરણશક્તિ ધ્યાન (Attention) અને અભિરુચિ સૂચવે છે. નબળી સ્મરણશક્તિ જેવી કોઈ વસ્તુ નથી પરંતુ એવી સ્મરણશક્તિ હોઈ શકે કે જેમાં ધ્યાન (Attention) અને રુચિની શક્તિનો અભાવ હોય, કારણ કે આપણે બધા અમુક વસ્તુઓ બરાબર યાદ રાખીએ છીએ. જો આપણે કારણનું પૃથક્કરણ કરીએ તો આપણને જણાશે કે આપણે બરાબર ધ્યાન આપ્યું છે અને રુચિ બતાવી છે અને પુનરાવર્તનના નિયમ દ્વારા મનમાં ઉપસતાં ચિત્રોને બળવત્તર બનાવ્યાં છે.

સ્મરણશક્તિ સજાગ પણ હોઈ શકે અને અભાન પણ હોઈ શકે, ઐચ્છિક પણ હોઈ શકે અને અનૈચ્છિક પણ હોઈ શકે. આપણી સાથે જે કોઈ બાબત ઘટે છે તેની નોંધ લેવાઇ જાય છે. વશીકરણની અસર નીચે લોકો ઘણી વસ્તુઓ યાદ રાખે છે કે જે તેઓ સભાનપણે યાદ કરી શકતા નથી. તેથી ફરી યાદ કરવાની શક્તિને વિકસાવવાની જરૂર છે. પરંતુ સંપૂર્ણપણે ફરી યાદ કરવું એ ઈચ્છવા યોગ્ય નથી. હકીકતમાં ઘણી વખત સ્મરણશક્તિની કળા કરતાં ભૂલવાની કળાની આપણને જરૂર હોય છે.

જ્યારે સિમૉનીડસ એંથૅનના રાજનીતિજ્ઞ, થિમીસસ્ટૉકલીસને સ્મરણશક્તિની કળા શિખવવા માગતા હતા ત્યારે તે રાજનીતિજ્ઞ બોલી ઊઠ્યા, ‘મને યાદ રાખવાની કળા નહીં, પરંતુ ભૂલવાની કળા શિખવો કારણ કે, જે બાબતો હું ભૂલવા માગું છું તે બાબતો હું યાદ રાખું છું અને જે બાબતો હું ભૂલવા ઈચ્છું છું તે બાબતો હું ભૂલી શકતો નથી.’

સ્વામી વિવેકાનંદ આ સર્વસાધારણ પ્રશ્નને વિગતથી સમજાવે છે : ‘જો આપણે કોઈ વસ્તુ પર મનને એકાગ્ર કરીએ અને પછી આપણી ઈચ્છાનુસાર મનને તે વસ્તુથી અલગ ન કરી શકીએ તો તેને કારણે મોટું દુઃખ થાય છે. મનને અનાસકત કરવાની શક્તિ ન હોવાથી મોટા ભાગનું દુ:ખ નીપજે છે. આપણે મનને એકાગ્ર કરવાની શક્તિ કેળવવી જોઈએ અને એક જ ક્ષણમાં મનને એક વિષયથી અલગ કરીને બીજા વિષય પર લઇ જવાની શક્તિ પણ કેળવવી જોઇએ. આ બંને શક્તિઓ એકી સાથે વિકસાવવી જોઈએ. આ મનનો પદ્ધતિસરનો વિકાસ છે. મારા અભિપ્રાય પ્રમાણે મનની એકાગ્રતા એ કેળવણીનો સાર છે. માહિતી ભેગી કરવી એ કેળવણી નથી. જો મારે ફરીથી કેળવણી લેવાની હોય અને એ વિશે મારો અભિપ્રાય લેવામાં આવે તો હું તથ્યોનો (facts) બિલકુલ અભ્યાસ નહિ કરું. હું એકાગ્રતા અને અનાસક્તિનો અભ્યાસ કરું.’ માણસની પરિસ્થિતિમાં ભય એ છે કે બધી અસરોની (Impressions) નોંધ લેવાઇ જાય છે. અને તે અસરો અજાણપણે કાર્ય કરે છે. આપણે આ અસરોથી અજાણ છીએ અને તેથી આપણા મનના અંતરપ્રવાહોમાં તે કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે પણ આપણે અજાણ છીએ. આપણે ઘણી વખત આશ્ચર્ય અનુભવીએ છીએ કે શા માટે આપણે અમુક વસ્તુઓ કરીએ છીએ અને શા માટે અમુક વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં કોઈ ચોક્કસ પ્રતિક્રિયા આપીએ છીએ.

સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘આપણા મનમાં આવતો દરેક વિચાર મન પર તેની છાપ છોડી જાય છે, અને આવી અસરો ઉપલા સ્તર પર સ્પષ્ટ દેખાય નહીં તો પણ, અર્ધજાગ્રત મન પર તે અસરો ઠીક ઠીક પ્રબળ હોય છે. અને આ ખરેખર માણસનું ચારિત્ર્ય છે. જો સારી અસરો જળવાઈ રહે તો ચારિત્ર્ય સારું બને છે. જો ખરાબ અસરો જળવાઈ રહે તો ચારિત્ર્ય ખરાબ બને છે. જો કોઈ પણ માણસ સતતપણે ખરાબ શબ્દો સાંભળે, મનમાં ખરાબ વિચારો વિશે મનન કરે, ખરાબ કર્મો કરે, તો તેનું મન ખરાબ અસરોથી ભરાઇ જશે અને આ ખરાબ અસરો તેના વિચાર અને કાર્ય પર પ્રભાવ પાડશે. આ સમગ્ર પ્રક્રિયા એવી રીતે બને છે કે માણસને તેનો ખ્યાલ રહેતો નથી.’

તેથી અર્ધજાગ્રત મનમાં શું પડ્યું છે તેના વિશે આપણે સભાન હોવા જોઈએ. આપણે આપણા અનુભવોનું સંયોજન કરતા શીખવું જોઈએ અને ભૂતકાળમાંથી શીખવું જોઈએ. કોઈ પણ અનુભવ સારો કે ખરાબ આપણા માટે બોધપાઠ લાવતો હોય છે. જો આપણે તેમાંથી બોધપાઠ તારવીએ અને યાદ રાખીએ તો તે અનુભવ સારો અથવા ખરાબ થવાને બદલે બોધદાયક બને છે. આ વિચારો અને અસરો તરંગોની માફક ગતિ કરે છે. જ્યારે આપણે આ વિચારોનું તટસ્થ રીતે અવલોકન કરીએ છીએ ત્યારે આપણે મનની પરિપકવતા બહાર આવતી જોઈએ છીએ. જેટલી હદ સુધી આપણે ભૂતકાળનું સંયોજન કરી શકીએ છીએ અને આપણી ભૂલોમાંથી બોધપાઠ લઈએ છીએ, તેટલી હદ સુધી આપણે વર્તમાનનું નિયમન કરી શકીએ છીએ અને તેથી આપણા ભવિષ્યનું પણ.

આ વિશે શ્રીમા શારદામણિદેવી બોધ આપે છે કે દરેક દિવસના અંતે આપણે આપણી જાતને તપાસવી જોઈએ અને જોવું જોઈએ કે આપણે શું કર્યું છે; આપણે કંઈ ખોટું કર્યું છે કે કેમ. જો આપણે ખોટું કર્યું હોય તો આપણે ધારણા કરવી જોઈએ કે ભવિષ્યમાં એવા જ પ્રસંગે આપણે જુદી રીતે વર્તન કરીશું. આપણે માનસિક ચક્ષુ વડે આ રીતે આપણો ખ્યાલ બાંધવો જોઈએ, કારણ કે ભવિષ્યના પ્રસંગે, જે ચિત્રો આપણે સંગ્રહિત કર્યાં છે. મન તેનો આધાર લેશે. અનુભવના પુસ્તકની વિગતો આપણે ભૂંસી શકતા નથી. પરંતુ આપણે વિવેકવિચારની પુરવણી સામેલ કરી શકીએ છીએ.

આ વિશે શ્રીમા શારદામણિદેવીએ કહ્યું : ‘મન સર્વસ્વ છે. મનમાં જ આપણે અનુભવીએ છીએ કે આપણે પવિત્ર છીએ કે અપવિત્ર. માણસ સૌથી પહેલાં પોતાના મનને દોષિત કરે છે અને પછી બીજાના દોષ જુએ છે. બીજાઓના દોષ ગણીને તમે તેઓને ઈજા પહોંચાડી શકો? તમે તમારી જાતને જ ઈજા પહોંચાડો છો. જો કોઈ વ્યક્તિ મારા માટે નજીવું કાર્ય પણ કરે, હું તે પણ યાદ રાખવાનો પ્રયત્ન કરું છું.’

માણસના મનનો જે પાયાનો નિયમ છે તેનો અહીં નિર્દેશ થઈ રહ્યો છે સંબંધનો નિયમ (law of association). માણસનું મન લોહચુંબકની જેમ કામ કરે છે. માણસના મનમાં જે વિચાર પડ્યો છે તેની સાથે સંબંધ ધરાવતા બીજા વિચારો અને ચિત્રોને (Images) મન આકર્ષે છે. તેથી અનિષ્ટને યાદ કરવામાં આપણે દુઃખને આમંત્રણ આપીએ છીએ. શુભને યાદ કરવામાં આપણે શુભને આમંત્રણ આપીએ છીએ. પવિત્ર અને ઉદાત્ત વિચારો આપણા મનમાં પ્રવેશે છે અને આપણને શક્તિ પ્રદાન કરે છે. આ પાયાના નિયમનો આધાર લઈને હજારો વર્ષથી સંતો અને જ્ઞાનીપુરુષોએ ધ્યાન (Meditation) કરવાનો ઉપદેશ આપ્યો છે. તેઓના ઉપદેશ પ્રમાણે ધ્યાન વિશ્વ અને આપણી જાત સાથે કામ પાડવા માટેનું સૌથી અસરકારક સાધન છે, માર્ગ છે.

મનને એકાગ્ર કરવા માટે મંત્રનો ખ્યાલ સ્મરણશક્તિના ત્રણે નિયમોનું સંયોજન કરે છે. એક જ વિચારનું સતત પુનરાવર્તન કરવાથી અને તેના અર્થ પર મનન કરવાથી આપણે બીજા વિચારને મનમાં પ્રવેશવા દેતા નથી. તેથી તેની સાથે સંબંધ ધરાવતા બીજા વિચારો આપણા મનમાં કેન્દ્રિત થાય છે અને આપણા મનને તેજસ્વી બનાવે છે. સુંદરતાનું મનન કરવાથી આપણે સુંદરતા પામીએ છીએ, સત્યનું મનન કરવાથી આપણે સત્યનિષ્ઠ બનીએ છીએ, શક્તિનું મનન કરવાથી આપણે શક્તિશાળી બનીએ છીએ. સુપર કૉમ્પ્યુટર કોઈ પણ બાબત યાદ રાખી શકે છે, પણ તેવી અતિમાનવીય શક્તિ પ્રાપ્ત કરવાનો આપણો ઈરાદો નથી. આપણે એ યાદ રાખવા માગીએ છીએ કે જે નૈતિક હોય, એકરૂપતા લાવનાર હોય, અને ઉન્નત હોય, માત્ર આપણા માટે નહિ પરંતુ બીજાઓ માટે પણ. આવી રીતે આપણું જીવનદર્શન બ્રહ્માંડને આવરી લેતું બને છે.

ખરેખર કુરુક્ષેત્રમાં યુદ્ધ મેદાન પર શ્રીકૃષ્ણે અર્જુનને આ પ્રમાણે ઉપદેશ આપ્યો – ‘તારી ફરજ યાદ કર, તારી સાચી પ્રકૃતિ યાદ રાખ, આ સમગ્ર અસ્તિત્વ પરસ્પર આધારિત છે તે યાદ રાખ.’ ગીતાના અંતે અર્જુન કહે છે : ‘મારો ભ્રમ નાશ પામ્યો છે, આપની કૃપાથી મેં મારી સ્મૃતિ પાછી મેળવી છે, મારી શંકાઓ નિર્મૂળ થઈ છે, હું આપની આજ્ઞાનું પાલન કરીશ.’

આપણે આપણું લક્ષ્ય યાદ રાખીએ! આપણે આપણું દેવપણું યાદ રાખીએ!

ભાષાંતર : શ્રી સી. એમ. દવે
(‘પ્રબુદ્ધ ભારત’ ઑક્ટોબર ’૯૫માંથી સાભાર)

Total Views: 66

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.