આ સંસારમાં રાગ સમાન અગ્નિ નથી, દ્વેષ સમાન હાનિ નથી, ચાર મહાભૂત વગેરે સ્કંધ સમાન દુઃખ નથી અને શાંતિ સમાન સુખ નથી.

આ સંસારમાં ભૂખ એ મોટામાં મોટો રોગ છે. સંસ્કારો-વાસનાઓ એ મોટામાં મોટું દુઃખ છે. એ પ્રમાણે જે મનુષ્ય ખરેખર સમજે છે, તેને નિર્વાણનું પરમ સુખ પ્રાપ્ત થાય છે.

સંસારમાં નીરોગી રહેવું એ મોટામાં મોટો લાભ છે. સંતોષ એ પરમ ધન છે. જેનામાં આપણો વિશ્વાસ છે, તે આપણું મોટામાં મોટું સગું છે; અને નિર્વાણ એ પરમ સુખ છે.

એકાંતવાસ અને શાંતિનો રસ પીને ધર્મના પ્રેમરસને પીતો પીતો મનુષ્ય ડર અને પાપ વગરનો બની જાય છે.

આર્ય પુરુષોનું દર્શન ઉત્તમ છે. તેમનો સહવાસ સદા સુખકર છે. અજ્ઞાની મૂઢ જીવોને નહિ જોવાથી સદા સુખી થઇ શકાય છે અર્થાત્ અજ્ઞાની જીવોને નહિ જોવા જ સારા.

જે મનુષ્ય અજ્ઞાની જીવોની સંગતે ચાલે છે, તેને લાંબા સમય સુધી શોક કરવાનું રહે છે. વેરીઓની સાથેનો સહવાસ જેમ દુઃખકર નીવડે છે, તેમ અજ્ઞાની જીવોની સાથેનો સહવાસ સર્વકાળે દુઃખકર નીવડે છે. તેમ જ ધીર પુરુષોની સાથેનો સહવાસ આપણાં સગાંઓના સમાગમની પેઠે સુખકર નીવડે છે.

તેથી કરીને –

ચંદ્રમા જેમ આકાશનો આશરો લે છે, તેમ મુમુક્ષુ સાધક મનુષ્યે ધીર, બુદ્ધિમાન બહુ શાસ્ત્રના જાણકાર, ઉત્તમોત્તમ શીલવાળા, વ્રતનિયમને પાળનાર આર્ય અને સારી બુદ્ધિવાળા સત્પુરુષનો આશરો લેવો અર્થાત્ તેવા પ્રકારના સત્પુરુષની સેવા કરવી.

જેમના તરફ રાગ છે તેમનો અને જેમના તરફ દ્વેષ છે તેમનો સંગ કદાપિ ન કરવો. પ્રિયને નહિ જોવાથી દુઃખ થાય છે; અને અપ્રિયને જોવાથી દુઃખ થાય છે.

તેથી કોઈ ઉપર રાગ ન કરવો. પ્રિય માનેલી વસ્તુનો વિયોગ દુઃખકારક નીવડે છે. જેમને કશું પ્રિય નથી તેમ કશું અપ્રિય નથી, તેમને બંધનો હોતાં નથી.

કામના એટલે વાસનાના પ્રેમને લીધે શોક થાય છે. કામના પ્રેમને લીધે ભય થાય છે, જેનામાં કામનો એટલે વાસનાનો પ્રેમ નથી, તેને શોક થતો નથી; તો ભય ક્યાંથી થાય?

કામને લીધે શોક થાય છે; કામને લીધે ભય થાય છે. જેનામાં કામ એટલે કામનાઓ નથી, તેને શોક થતો નથી; ભય ક્યાંથી થાય?

તૃષ્ણાને લીધે શોક થાય છે; તૃષ્ણાને લીધે ભય થાય છે. જેનામાં તૃષ્ણા નથી, તેને શોક થતો નથી; તો ભય ક્યાંથી થાય?

જે મુમુક્ષુ શીલવાળો છે, જ્ઞાનવાન છે, ધર્મમાં સ્થિર છે, સત્યવાદી છે અને પોતાની શુદ્ધિને લગતી પ્રવૃત્તિ કરે છે, તે લોકોને વહાલો લાગે છે.

લાંબા પ્રવાસેથી, ઘણે દૂરથી કુશળક્ષેમ સાથે પોતાને સ્થાને આવી પહોંચેલા મનુષ્યને મિત્રો, સગાંવહાલાં, ભાઇબંધો અભિનંદન આપે છે, સ્વાગત કરે છે.

તેમ જ જે મનુષ્ય પુણ્ય કરીને આ લોકમાંથી પરલોકમાં જાય છે તે મનુષ્યનું પણ તેણે કરેલાં પુણ્યો તેનાં સગાંવહાલાંની પેઠે અભિનંદન કરે છે – સ્વાગત કરે છે.

(‘ધમ્મપદ’માંથી સંકલિત)

Total Views: 245

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.