એનુ નામ વીરો. અઢાર-ઓગણીસ વર્ષનો જુવાન. ઊંચો, મજબૂત બાંધાનો ને પૂરો પહોંચેલો. જુવાનીનું જોમ અંગે અંગમાં તરવરે.

ધંધો એનો દાણચોરીનો, પણ ચોખાની દાણચોરી. પોતાની ટોળકી દ્વારા દિલ્હી, દેહરાદૂન, આગ્રા વગેરે સ્થળેથી ચોખાનાં બાચકાં લઈ આવે. રેલ્વેના માણસોને સાધી રાખેલા, એટલે ટ્રેન દ્વારા જ માલ આવે.

મુંબઈનાં બારામાં ટ્રેન પ્રવેશે, પછી દહીંસરનું રેલવે ફાટક આવે. અચાનક સાકળ ખેંચાય ને ચોખાનાં બાચકાં ચાલુ ટ્રેને ગબડવા માંડે. વીરો પોતાના માણસો સાથે તૈયાર જ ઊભો હોય. આંખના પલકારામાં માલ ઊંચકાઈ જાય ને વીરાના ખાનગી ગોડાઉનમાં પહોંચી જાય. દરરોજનો આ ક્રમ.

એક દહાડાની વાત છે. વહેલી સવારે દહેરાદૂન ઍક્સ્પ્રેસ બોરીવલીના પ્રાંગણમાં પ્રવેશવા ફાંફાં મારતી હતી ત્યારે અગાઉથી કરેલી ગોઠવણ મુજબ દહીંસર ફાટક પાસે ટ્રેન અટકી પડી. જુદા જુદા ડબ્બામાંથી ચોખાના બાચકાં ફેંકાવા માંડ્યાં. વીરો હાજરાહજૂર ઊભો રહીને સૂચનાઓ આપતો હતો ત્યાં સાદા વેશમાં ડબ્બે ડબ્બેથી પોલીસ–ફોર્સ નીચે ઊતરી પડ્યો. વીરાને પકડવામાં આવ્યો – રંગે હાથ. પૂરા દોઢ કલાક સુધી પોલીસે વીરાની મરમ્મત કરી. આખા ડિલે ચાઠાં પડી ગયાં. મોંમાંથી લોહી નીકળવા માંડ્યું ત્યાં સુધી મારવામાં આવ્યો. જેમ તેમ પતાવટ કરી એ ફાટેલા બુશશર્ટ ને સૂઝેલા મોંએ પોલીસ ચોકીમાંથી બહાર આવ્યો ત્યારે એના હોશકોશ ઊડી ગયેલા હતા.

અઠવાડિયા સુધી એ ખાટલે પડી રહ્યો, પૂરા સાત દિવસ સુધી એની પત્નીએ એને મનાવ્યો, વિનવ્યો અને આ ધંધો છોડી દેવા કાલાવાલા કર્યા. ઉત્તર પ્રદેશના ગામડામાં ઉછરેલા વીરાના મન પર આ કાકલૂદીની કોઈ અસર ન થઈ. એક વખત લોહી ચાખી ગયેલા વાઘ જેવી વીરાની મનોદશા હતી. નોટોના થોકડા સામે ઘડીભર પડેલો માર તે ભૂલી ગયો.

અઠવાડિયા પછી પાછો એ મૂળ કામે જવા રવાના થતો હતો. ત્યારે પત્નીએ છેલ્લી વાર વિનંતિ કરી ને છેલ્લે એકના એક છોકરાના સોગંદ આપ્યા ત્યારે વીરાએ કહ્યું. ‘પણ ખાશું શું?’ ‘ગમે તે સૂકા રોટલા ખાશું, હું કોઈનાં ઘરકામ બાંધીશ, પણ આ ખોટું કામ કરવાનું છોડી દો.’ જેમ તેમ કરીને વીરો માન્યો. પણ હવે કરવું શું? એ કોઈના દ્વારા એક બૅન્ક અધિકારીને મળ્યો. ખુલ્લા દિલથી બધી વાત કરી. ‘હવે શું કરવું છે?’ એ અધિકારીએ પૂછ્યું. ‘તમારી બૅન્કમાં ચપરાશી, ક્લાર્કની નોકરીએ રખાવી દો સાહેબ.’ ‘ક્યાં સુધી ભણ્યા છો?’ ‘ઈન્ટર આર્ટ્સ સુધી, ઈન્ટર પરીક્ષા આપી નથી.’ ‘નોકરીની તો હમણાં કંઈ સગવડતા ન થાય. પણ ધંધો કરી શકાશે?’

‘હા જી’

‘ક્યો કરશો?’

‘શાકભાજી, કેળાં, કેરી… એનો અનુભવ છે. આ ચોખાની દાણચોરીમાં પડ્યો તે પહેલાં હું બકાલું વેચતો.’ ‘અચ્છા, ‘સારું, કાલે મને મળજો. પણ ક્યાં શાક્ભાજી, ક્યાં ફ્રૂટ્સના ધંધામાં કેટલો નફો રહે છે, ક્યાંથી માલ લાવવાનો, શું ભાવે લાવો, શું ભાવે વેચો એ બધું વ્યવસ્થિત મને કાલે કહેજો.’

વીરો બીજા દિવસે બધી માહિતી લઈ બૅન્કમાં ગયો. એને જોઈતું ધીરાણ મળી ગયું. સીઝન પ્રમાણે શાક્ભાજી, ફૂટસ્ વ. જથ્થાબંધ ભાવથી મગાવે ને વેચે. કેરીની સીઝનમાં તો એને ઘેર જમવા આવવાની ફુરસદ રહેતી નથી.

એક દહાડે એ અધિકારી વીરાને મળી ગયા અને પૂછ્યું. ‘કેમ, ધંધો કેમ ચાલે છે?’ ‘બરાબર સાહેબ. તમારી બૅન્કનો એકેય હપતો ભરવાનો ચૂક્યો નથી. ફોન કરીને પૂછી જોજો.’ ‘દાણચોરીમાં પડ્યો નથી ને?’ ‘ના સાહેબ, એનું તો મેં હવે પાણી મૂક્યું છે. પણ સાહેબ એક વાત કરું? જ્યારથી એ ધંધો છોડ્યો છે ને આ શાકભાજીના ધંધામાં પડ્યો છું ત્યારથી રાત્રે નીંદર સરસ આવે છે. ઈશ્વર કી કસમ, સાબ, અભી જિંદગી મેં બહોત શાન્તિ મિલતી હૈ…’

(સુવિચાર – ગોરસ વિશેષાંકમાંથી સાભાર)

Total Views: 223

One Comment

  1. પ્રકાશ દિનકરરાય હાથી February 8, 2023 at 11:33 am - Reply

    ચોટદાર સંદેશ.. વાર્તા દ્વારા.. પ્રત્યેક શુભ કાર્ય.. પ્રમાણિકતા સહિત થાય તો જીવન માં ઉજાસ હી ઉજાશ

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.