જે માણસ શબ્દની શક્તિને ઓળખે છે, તે વાતચીતમાં ઘણો સાવધ રહે છે. પોતાના ઉચ્ચારેલા શબ્દો વડે માણસ સતત પોતાને માટે નિયમો બનાવતો રહે છે.

હું એક માણસને ઓળખું છું. તે હંમેશાં કહેતો : ‘હું જેવો સ્ટૉપ પર પહોંચું કે હંમેશાં બસ ઊપડી જ ગઇ હોય છે.’

એની દીકરી કહેતી : ‘મેં કોઈ દિવસ બસ ગુમાવી નથી. જેવી હું સ્ટૉપ પર પહોંચું કે બસ આવી જ હોય છે.’

આવું વરસો સુધી ચાલેલું. એ બંનેએ પોતાના જુદા નિયમો બનાવેલા : એકે નિષ્ફળતાનો, બીજાએ સફળતાનો.

અંધશ્રદ્ધા કે વહેમ પાછળ આ જ માનસ કામ કરતું હોય છે. લોકો કેટલીક વસ્તુને શુકનિયાળ ને બીજી વસ્તુઓને અપશુકનિયાળ લેખતા હોય છે. પણ ખરી રીતે તો દરેક વસ્તુ પાછળ ભગવાનની શક્તિ જ આવી રહેતી હોય છે, અને તેથી કોઈ વસ્તુ અપશુકનિયાળ નથી, કશું જ અનિષ્ટ નથી.

મારી એક મિત્રને નિસરણી હેઠળથી ચાલતાં ખૂબ ડર લાગતો. મેં તેને કહ્યું : ‘તું ભય પામે છે તેનો અર્થ એ કે તું બે સત્તામાં માને છે : શુભની અને અશુભની. પણ પરમાત્મા એક જ છે, તે શુભ છે. માણસ પોતે પોતાના ખ્યાલથી અશુભ ઊભું કરે છે. અશુભની પોતાની કોઈ શક્તિ નથી, તેવું તું માનતી હો તો નિસરણી હેઠળથી ચાલી જો.’ ત્યાર પછી તરતમાં તેને બૅન્કમાં જવાનું થયું. સેફ ડિપોઝિટ વૉલ્ટમાં તેને પોતાનું ખાતું ઉઘાડવું હતું પણ વચ્ચે નિસરણી મૂકેલી હતી. તે ભયથી પાછળ રહી ગઇ, ને બહાર નીકળી આવી. રસ્તા પર ચાલતાં તેને મારા શબ્દો યાદ આવ્યા અને તે પાછી ગઇ. તેણે નિસરણી હેઠળથી જવાનો નિશ્ચય કર્યો. આ તેના માટે એક મોટી ક્ષણ હતી. કારણ કે આખી જિંદગી તે આ ભયમાં પકડાયેલી હતી. તે પોતાના ખાના તરફ જવા આગળ વધી અને આશ્ચર્ય! નિસરણી ત્યાં હતી જ નહિ.

આવું ઘણી વાર બને છે. માણસને જેનો ભય લાગે તે કરવાનું તે નક્કી કરે, તો પછી તે બાબત ત્યાં રહેતી જ નથી.

આ અ-વિરોધનો નિયમ છે, જેને બહુ ઓછા લોકો સમજે છે.

ભયની સ્થિતિનો નિર્ભયતાથી સામનો કરો, અને સામનો કરવા માટે પરિસ્થિતિ રહેતી જ નથી. પોતાના જ વજનથી તે તૂટી પડે છે.

ઉપરના કિસ્સાનો ખુલાસો એ છે કે ભયને કારણે એ સ્ત્રીના માર્ગ પર નિસરણી આકર્ષાઇ હતી, નિર્ભયતાએ એને હટાવી દીધી.

આમ, ‘ન દેખાતાં પરિબળો’ માણસની જાણ બહાર કામ કરતાં હોય છે. શબ્દોની આંદોલનાત્મક શક્તિને લીધે માણસ જે કોઈ શબ્દબદ્ધ કરે, તે તેના ભણી આકર્ષાઇ આવે છે. માણસ એક વાર શબ્દની શક્તિ સમજે, પછી તે શબ્દો વિશે અસાવધ રહી શકતો નથી. મારી એક મિત્ર ઘણી વાર ફોન પર કહે છે : ‘તું આવ તો આપણે ગપ્પાં મારીશું.’ આ ‘ગપ્પાં’ એટલે પાંચસોથી હજાર વિનાશક શબ્દોનો એક કલાક, જેમાં દુઃખ, રોદણાં, માંદગીની જ વાતો મુખ્યત્વે હોય છે.

એક જૂની કહેવત છે કે માણસે પોતાના શબ્દો ત્રણ હેતુઓ માટે વાપરવા જોઈએ : સાજા કરવા, આશીર્વાદ આપવા અથવા સમૃદ્ધ થવા. તે કોઈનું ‘ખરાબ નસીબ’ ઇચ્છે, તો પોતાના માટે જ ખરાબ નસીબ નોતરે છે. સફળતા ઇચ્છે તો પોતાની જ સફળતા ભણી આગળ વધે છે.

સ્પષ્ટ દર્શન અને ઉચ્ચારિત શબ્દો વડે શરીરનો કાયાકલ્પ કરી શકાય છે અને રોગ સંપૂર્ણપણે ભૂંસાઇ જાય છે. શરીરને સાજું કરવા માટે મનને સાજું કરવું જોઈએ. આ મન એટલે અર્ધજાગૃત ચિંતા જેને ‘ખોટા વિચારો’થી સદા બચાવતા રહેવું જોઈએ.

બધી માંદગી અને દુઃખ પ્રેમના નિયમનો ભંગ કરવામાંથી આવે છે, એમ કહીએ તો ખોટું નથી. રંગભૂમિ પર કામ કરતી એક સફળ અભિનેત્રીને તેના જૂથના એક દ્વેષી માણસને લીધે કામમાંથી રજા મળી. તેનું મન એ માણસ પ્રત્યે ગુસ્સા અને ધિક્કારથી ભરાઇ ગયું. પણ તેણે કહ્યું : ‘ઓ ભગવાન, એ માણસને હું ધિક્કારવા લાગું એવું ન થવા દેતો.’ કલાકો સુધી એકાંતમાં તેણે આ ભાવ ઘૂંટયો. તેના હૃદયમાં એ માણસ પ્રત્યે, પોતાની જાત પ્રત્યે, દુનિયા પ્રત્યે શાંતિનો ભાવ પથરાયો અને ત્રીજા દિવસે તો, તેને ઘણા દિવસથી પીડતા ત્વચારોગનો પણ અંત આવ્યો.

સતત ટીકા કરવાથી રૂમેટિઝમ – સંધિવા થાય છે. અસંવાદી ટીકાભર્યા વિચારો લોહીમાં અકુદરતી દ્રવ્યો જમા કરે છે જ. સાંધાઓમાં સ્થિર થઇ રહે છે. ઇર્ષ્યા, ધિક્કાર, ક્ષમાનો અભાવ, ભય વિવિધ રોગો જન્માવે છે. ક્ષમાશીલતાનો અભાવ એ રોગનું બહુ મોટું કારણ હોય છે. એ નસોને કે લિવરને સખત બનાવી દે છે, આંખની દૃષ્ટિને અસર કરે છે.

આથી જાગ્રત પ્રબુદ્ધ માણસ પાડોશીઓ પ્રત્યેના પોતાના વ્યવહારને સંપૂર્ણ સુંદર બનાવવાનો પ્રયત્ન કરે છે. તે દરેક ભણી શુભેચ્છા ને આશીર્વાદ પ્રસારે છે અને તમે જો કોઈ માણસ પ્રત્યે આશીર્વાદનો ભાવ સેવો, તો તે માણસ તમારું ક્યારેય નુકસાન કરી શકતો નથી.

ટૂંકમાં પ્રેમ અને શુભેચ્છા અંદરના શત્રુઓનો નાશ કરે છે અને તેથી બહાર પણ કોઈ શત્રુઓ રહેતા નથી. કારણ જેવું અંદર હોય છે તેવું બહાર હોય છે.

ભાષાંતર કુન્દનિકા કાપડિયા

(‘જીવન : એક ખેલ’ માંથી સાભાર)

Total Views: 212

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.