‘સઘળી વિખ્યાત વ્યક્તિઓમાં કીર્તિએ જેમને કલુષિત ન કરી હોય એવી વ્યક્તિ મૅરી ક્યુરી એક જ છે.’ આ સદીના મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને, તેમના જેવાં જ સમર્થ મહિલા વૈજ્ઞાનિક માદામ ક્યૂરી માટે આપેલા આ મંતવ્યમાં મૅરીના વ્યક્તિત્વનું યથાર્થ અર્થઘટન પડેલું છે.

ઈ.સ. ૧૮૬૭થી ૧૯૩૪ સુધીની ૬૭ વર્ષની જીવનયાત્રામાં મૅરીએ જીવનને ઓળખવાનો નિષ્ઠાપૂર્વકનો યત્ન કર્યો છે. ‘કામ કેટલું કરવાનું છે ને દિવસો કેટલા ઓછા છે’ એવું સતત વિચારતાં મૅરી માટે આયુષ્ય ટૂંકું પડ્યું છે.

પૉલેન્ડનાં વતની માદામ ક્યૂરી કૌમાર્યાવસ્થામાં માર્યા સ્કૉલોદોસ્કી છે. દેશની ભૌગોલિક સ્થિતિ એ મૅરીને મળેલો પ્રથમ સંઘર્ષ છે. રશિયા, ઑસ્ટ્રેલિયા અને જર્મની જેવા ત્રણ-ત્રણ દેશોનું દબાણ પૉલેન્ડે ભોગવવાનું છે. તેમાંયે યહૂદી જાતિમાં જન્મ એ તો મોટો દોષ; પૉલિશ સંસ્કૃતિનું ત્યાં કોઈ મૂલ્ય નથી. પરદેશી શાસનનું મહિમાગાન ગાતાં આ ગૌરવશીલ બાલિકા ગૂંગળાઈ ઊઠે છે. શાળામાં આવતા ઈન્સ્પેક્ટરની સામે આ પૉલિશ બાળાને પોતાના ધર્મની પ્રાર્થના રશિયન ભાષામાં ગાતી વખતે અશ્રુ આવી જાય છે. માર્યામાં પાછળથી જે પૌરુષત્વ પ્રગટ્યું છે એના મૂળમાં આવી ક્ષણો પડેલી છે. અસ્મિતાને ટકાવવાના વિચારો મૅરીને બાલ્યાવસ્થાથી જ જન્મ્યા છે.

માતા-પિતા ને મોટાં ભાઈ-બહેનોની હૂંફમાં માર્યાને જીવન ભરપૂર જણાયું છે. નાની પુત્રી હોવાને નાતે માતાએ તેને ખૂબ પ્રેમ આપ્યો છે. પણ માતાનું વાત્સલ્ય મૅરી માટે ઝાઝું ટક્યું નથી. ક્ષયની દર્દી માતાએ ઝડપથી મૅરીના જીવનમાંથી વિદાય લીધી છે. એક સાથે માતા ને મોટી બહેનનાં મૃત્યુને જોઈને મૅરીને વ્યક્તિ માટે તેમ જ જાતિ માટે જીવન ક્રૂર ભાસ્યું. પરિણામે નાનપણથી જ તેઓ ધર્મ પ્રત્યે નિરપેક્ષ બની ગયાં. જે દેવળમાં તેઓ જતાં ત્યાં હવે પ્રાર્થના કરતાં તેમના મનમાં છૂપો બળવો જાગતો. અન્યાયભર્યા આઘાતો જેણે પોતાનું જે કંઈ મધુર ને ઉમદા હતું તેનો વિનાશ કર્યો એ ઈશ્વરની ઉપાસના હવે પ્રેમથી કરવી શક્ય નહોતી. આ પ્રકારની વિચારધારાએ મૅરીને ઉંમર કરતાં ઘણી વહેલી પ્રૌઢ બનાવી.

ઊગતી કિશોરાવસ્થાના સમયની આ અવઢવોએ મૅરીને વિકૃત કે નકારાત્મક ન બનાવી તેની પાછળ તેના પિતાનું સંતાનો પ્રત્યેનું અપાર વહાલ ને ભાઈ-બહેનો વચ્ચેની સંવાદિતા હતી. ગૃહજીવનનાં મધુર વાતાવરણે મૅરીમાં રહેલી કોમળતાને ઉત્તરોત્તર સમૃદ્ધ બનાવી.

પિતાની નબળી આર્થિક સ્થિતિને લઈને મૅરીએ ભાઈ-બહેનોને ભણાવવા માટે બાળકોને શિક્ષણ આપવાની નોકરી સ્વીકારી. ઈન્ટરવ્યુ દેવા ગયેલી મૅરીનાં પ્રમાણપત્રો જોઈને ચકિત થયેલાં મહિલા અધિકારીએ મૅરીની ઉંમર પૂછતાં શરમાયેલી મૅરીએ અચકાતાં અચકાતાં ‘સત્તર’ એવું જણાવીને ઝડપથી ઉમેર્યું: ‘હું તરતમાં અઢારની થઈ જઈશ.’ બહેનને દાક્તર બનાવવાનું સ્વપ્ન સેવતી મૅરીની આ ધગશ જ તેને ભવિષ્યની મહાન વૈજ્ઞાનિક બનાવવાના માર્ગ તરફ ઝડપથી મુક્યે જતી હતી.

તારુણ્યના ઉંબરે ઊભેલી મૅરીને સ્વપ્નો જોવાનો, પ્રેમ કરવાનો કે ફ૨વાનો સવાલ જ ઊઠે તેમ નહોતું. એ સાત કલાક નોકરી કરતી ને રાત્રે મળતા સમયમાં ભૌતિકશાસ્ત્ર ને ગણિતનો અભ્યાસ કરતી. આજુબાજુની દુનિયા તેને માટે જાણે થંભી ગઈ હતી. અલબત્ત, એનો અર્થ એવો નહોતો કે મૅરીમાં માનવસહજ ભાવો જાગ્યા જ નહોતા. જે બાળકોને એ ભણાવતી ત્યાંના માલિકના મોટા પુત્ર સાથે તેને કુમળો ભાવ જાગેલો. એ છોકરાએ પણ મૅરીને પસંદ કરી. પરંતુ છોકરાનાં મા-બાપને માટે આ ઘટના અત્યંત ઉપેક્ષણીય હતી કેમ કે મૅરી તેમને ઘેર કામ કરતી હતી! છોકરો પણ માતા-પિતાના નકાર સામે ઝૂકી ગયો. સ્વમાની મૅરી માટે આ ઘટના ભારે ગૌરવભંગની હોવા છતાં આર્થિક વિવશતાને કારણે તેનાથી નોકરી છોડાય તેમ પણ નહોતું. આ ઘટનાએ જીવન પ્રતિ તેને વધુ તટસ્થ બનાવી, ને પુરુષો પ્રત્યે સાશંક. નિરાશ થયેલી મૅરીએ પોતાની બહેનને જણાવ્યું : ‘ભવિષ્યની મારી કોઈ યોજના નથી. છે તો પણ એટલી સાધારણ કે એની ચર્ચા કરવી વ્યર્થ છે. હું જેટલી સારી રીતે મારી જાતને ચલાવી શકીશ એટલી સારી રીતે ચલાવીશ. અને નહીં સાચવી શકે ત્યારે આ સંસારથી વિદાય લઈશ.’ મૅરીની નિરાશા સ્વાભાવિક હતી પણ તેને ખબર નહોતી કે ઊજળું ભવિષ્ય ને રોગગ્રસ્ત માનવજાત તેની રાહ જોઈ રહ્યાં હતાં.

મૅરીના પ્રયત્નોથી આગળ વધેલી મોટી બહેન પૅરિસમાં જ સ્થાયી થઈ ને તેણે મૅરીને પૅરિસમાં અભ્યાસ કરવાનું આમંત્રણ આપ્યું. પોતાનો દેશ, વૃદ્ધ થતા જતા પિતા, ઘર એ બધું છોડીને પૅરિસ જવાનું મૅરી તરત તો ન સ્વીકારી શકી પણ બહેનના આગ્રહને વશ થઈને છેવટે તેણે વૉરસો છોડ્યું.

અભ્યાસનિષ્ઠા તો મૅરીના લોહીમાં હતી. પૅરિસ પહોંચીને એ એવી તો કામમાં ડૂબી ગઈ કે જાણે ઘેનમાં હોય! પૂર્ણ જીવનની એણે બાંધેલી ધારણા કોઈ સાધુ કે ધૂની માણસને શોભે એવી હતી. ધીમે ધીમે એણે એકાંતવાસ અનુભવવા માંડ્યો. જે માણસો એને ક્યારેક સામે મળતા એ એને ભીંત જેવા લાગતા. વાર્તાલાપ એના એકાંતમાં ભાગ્યે જ ભંગ પાડતો. રાબ બનાવવાનું રહસ્ય જાણવા કરતાં એને ભૌતિકશાસ્ત્રનાં થોડાંક પાનાં વાંચવામાં વધુ રસ હતો. અભ્યાસનિષ્ઠાને લઈને ગૃહજીવનથી, જીવનના આરંભે મળેલા વિષાદમય અનુભવોને કારણે ધર્મ અને સંપ્રદાયથી ને વિજ્ઞાનપ્રેમને લઈને લોકૈષણાથી મૅરી હંમેશાં દૂર રહી. આ દૂરીમાં કોઈ ઉપેક્ષાભાવ નહોતો પણ ગંતવ્ય સ્થાનને પહોંચી વળવાની તાલાવેલી જ માત્ર હતી. નારી તરીકે જો એ અત્યંત સંવેદનશીલ હતી તો વ્યક્તિ તરીકે મક્કમ, લીધેલા નિર્ણયને મજબૂત રીતે પકડી રાખનારી, ઈચ્છિત વસ્તુને પ્રાપ્ત કરવા માટે ગમે તેવાં મંથનોને સહીને પણ તેને મેળવીને જંપનારી પુરુષાર્થી. પાછળથી મહાન વૈજ્ઞાનિક તરીકે તેને જે ખ્યાતિ મળી એ દિવસો કરતાં મૅરીને વિદ્યાર્થી જીવનના દિવસો વધારે વિત્તવાન લાગેલા. આ દિવસોમાં પોતે અગાઉ થયેલા મહાન વૈજ્ઞાનિકોની સાથીદાર હોય એવો ભાવ તેને જાગતો.

તરુણાવસ્થામાં થયેલા પ્રેમભંગના કઠોર અનુભવમાં વિદ્યાર્થીજીવન ભળતાં, મૅરીનો પ્રથમ છવ્વીસ વર્ષમાં એક પ્રકારની સખ્તાઈ આવી. ઈ.સ. ૧૮૯૪માં મહાન ફ્રેંચ વૈજ્ઞાનિક પિયર્ટ ક્યુરી સાથે થયેલી પ્રથમ મુલાકાતે આ સખ્તાઈમાં પહેલવહેલું છિદ્ર પાડ્યું. અલબત્ત મૅરી એમના ગાંભીર્યથી પ્રભાવિત થઈ, આકર્ષાઈ નહીં. બે વર્ષ પછી પિયર્ટનો પ્રેમ સફળ થઈ શક્યો. મૅરી તેમનો સ્વીકાર કરતાં પ્રારંભે અચકાઈ તેનું કારણ તેના કેટલાક સિદ્ધાંતો હતા ને વિદેશી વ્યક્તિ પરનો ધૂંધળો અવિશ્વાસ હતો. પિયર્ટ પણ આ સમજ્યા. તેઓ પણ માત્ર વિજ્ઞાનને ચાહતા માણસ હતા. પણ મૅરીની ચારિત્ર્ય નિષ્ઠાએ તેમને આકર્ષ્યા. પિયર્ટના સથવારે આ સાધ્વી, મનુષ્ય હોવાના ફાયદા જોતાં શીખી. પોતાના પૉલિશ અસ્તિત્વને ત્યજીને તેણે ફ્રેન્ચ બનવાનું હતું જે તેને આકરું ને અકારું લાગ્યું. પણ પ્રેમીના પ્રેમ માટે આટલું આત્મ – બલિદાન જરૂરી હતું. આ બંને વૈજ્ઞાનિકોના લગ્નોત્સવમાં ન તો લગ્નમાં અનિવાર્ય એવો શ્વેત પોશાક હતો, ન સુવર્ણ મુદ્રા, ન જમણ કે ન તો ધાર્મિક ક્રિયા હતી. હતી માત્ર ભેટ મળેલી બે ચકચકિત સાઈકલો, જેના પર બેસીને આ દંપતી પોતાની મધુરજની માણવાનું હતું!

લગ્ન પછી મૅરીએ પતિ પ્રત્યે, પતિનાં માતા-પિતા પ્રત્યે ને પછીથી પોતાનાં બાળકો પ્રત્યે એક કોમળ નારીને છાજતો વ્યવહાર કર્યો. લગ્નજીવનની પ્રસન્નતાની વૈજ્ઞાનિક મૅરીનાં સંશોધનો પર ઊંડી અસર પડી. પતિને ગુરુ માનતી મૅરીએ વિજ્ઞાનનાં અણ ઉકેલ્યાં રહસ્યોનો પતિની સંનિધિમાં સાક્ષાત્કાર કર્યો. બંનેનું સહજીવન ઉત્તરોત્તર ઊર્ધ્વીકરણ પામતું રહ્યું જેમાં બંનેનો સમાન હિસ્સો હતો.

મૅરીના લગ્નજીવનના પ્રારંભિક કાળમાં ફ્રેન્ચ વૈજ્ઞાનિક કેન્ડી બૅકેરલે યુરેનિયમ નામક ધાતુની વિશિષ્ટ તપાસ કરેલી તેમ જ આ ધાતુમાંથી નીકળતાં કિરણો વિશે નોંધ કરેલી. પાછળથી મૅરી જેમને ‘રેડિયો ઍકિ્ટવ’ તરીકે ઓળખાવવાની હતી તેનો આ પ્રારંભ હતો. આ તત્ત્વની શોધ પાછળ ક્યૂરી દંપતીનાં વર્ષો ગયાં. મૅરી તો મંડી જ પડી. એક વાર તેણે નોંધેલું : ‘આપણું જીવન સરળ નથી. પણ તેથી શું? આપણે મંડ્યા રહેવું જોઈએ… આપણને કોઈક નૈસર્ગિક બક્ષિસ મળી છે એમ આપણે માનવું જોઈએ અને કોઈ પણ ભોગે આ વસ્તુ સિદ્ધ કરવી જોઈએ. અંતે પીચ બ્લૅન્ડ નામના ખનિજ તત્ત્વમાં મૅરીને રેડિયમ દેખાયું. આ નવા તત્ત્વમાં બે રાસાયણિક ટુકડાઓ જોડાયેલા હતા. આમાંના બીજા તત્ત્વને મૅરીએ પોતાના દેશ પૉલેન્ડ પરથી નામ આપ્યું. ‘પૉલોનિયમ’. ત્રણ રાષ્ટ્રોએ દબાવી દીધેલા દેશનું નામ રોશન કરવાનું મૅરીએ સેવેલું સ્વપ્ન તેણે આ રીતે સાકાર કર્યું.

રેડિયમને શોધ્યા પછી પણ લોકો સમક્ષ એને પ્રગટ કરવામાં બીજાં ચાર વર્ષ લાગ્યાં. આ દંપતીએ ૧૮૯૮થી ૧૯૦૨ સુધી જે પરિશ્રમ કર્યો તેનું પરિણામ તે એમને ઈ.સ. ૧૯૦૩માં મળેલું નોબેલ પ્રાઈઝ, જેની કિંમત સિત્તેર હજાર ફ્રાન્ક હતી. મળેલા પૈસાથી વિજ્ઞાનની સેવા કરવાનું જ બંનેનું ધ્યેય હતું. ધારત તો આ તત્ત્વને શુદ્ધ કરવાની ક્રિયાનો પરવાનો મેળવી, બંને તેને વેચી શક્યાં હોત પણ બંનેએ આ વિચારને વૈજ્ઞાનિક ભાવનાથી વિપરીત માન્યો. આ ક્ષણે જ બંનેએ ગરીબીની પસંદગી કરવી મુનાસિબ માની.

મૅરીની પાછલી ઉંમરમાં અમેરિકા તરફથી મળેલી રેડિયમની ભેટનું પણ તેણે તાત્કાલિક વસિયતનામું બનાવ્યું જેથી કરીને તેની પુત્રીઓના હાથમાં પણ આને લગતો કોઈ લાભ ન જાય. પૈસાનું મૂલ્ય જાણવા છતાં તેઓ હંમેશાં તેના પ્રત્યે ઉદાસીન રહ્યાં છે. આ અંગે તેમના મિત્રોએ તેમને ઘણી સલાહો આપી છે. તે સૌને મૅરીનો ઉત્તર છે : ‘માનવજાતને એવા માણસોની ખરેખર જરૂર છે કે જેઓ વ્યવહારકુશળ હોય, પોતાના કાર્યનો જેઓ પૂરો લાભ ઊઠાવે અને લોકકલ્યાણનું વિસ્મરણ કર્યા વિના, પોતાના હિતનું રક્ષણ કરે; પરંતુ માનવજાતને એવા સ્વપ્નદૃષ્ટાઓની પણ જરૂર છે કે જેઓને કોઈ નિઃસ્વાર્થ સેવાકાર્યના વિકાસનું એટલું બધું આકર્ષણ હોય કે પોતાના આર્થિક સ્વાર્થને માટે ચિંતા કરવાનું એમના માટે અશક્ય બની જાય.’ મૅરીની આ વિચારધારામાં એક અનુભવીની આચારનિષ્ઠા પડેલી છે તેથી તેનું વધારે મૂલ્ય છે.

અનેક પ્રકારના સંઘર્ષો, રેડિયમની શોધે આપેલી લોકપ્રિયતા ને જાહેર જીવનમાં પડવાને લઈને ઊભા થયેલા પ્રશ્નો વચ્ચે ઝઝૂમતાં આ દંપતીનું વિરલ દામ્પત્ય ૧૯૦૬માં પિયર્ટના અકસ્માતમાં થયેલા મૃત્યુથી નંદવાઈ ગયું. અગિયાર જ વર્ષના સુકુમાર લગ્નજીવન પછી મૅરી ફરીથી એકલી પડી.

વ્યથાથી થાકી ગયેલી મૅરી મનથી તો પતિની સાથે જ મૃત્યુ પામી પણ કર્તવ્યકર્મો પ્રત્યેની નિષ્ઠાને તેણે કદી ન છોડી. પાછળનાં વર્ષોમાં તેણે અનેક વ્યાખ્યાનો આપ્યાં, પ્રવાસ કર્યા, યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકોની સારવાર કરી ને ૧૯૧૧માં રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક બીજી વાર મેળવીને બે વાર આ પારિતોષિકનું માન મેળવનાર પ્રથમ મહિલા વૈજ્ઞાનિક બની. તેમની સિદ્ધિઓની પ્રશંસા કરતાં સૌને મૅરીનો ઉત્તર તેમને છાજે તેવો હતો : ‘મારા જેવું અસ્વાભાવિક જીવન ગાળવું જરૂરી નથી. હું ઈચ્છતી હતી માટે, મને શોધખોળનો શોખ હતો તેથી મેં વિજ્ઞાનને સમય અર્પણ કર્યો છે…’ એમના વિચારોમાં રહેલાં આવાં સ્વચ્છ જીવનદર્શન પાછળ એમણે જીવેલું સ્વચ્છ જીવન પ્રતિબિંબાય છે.

પોતાનાં કર્મો માટે જીવતી વખતે પ્રેમ જેવી ઊર્મિને વશ ન થવું જોઈએ એવું માનતાં મૅરી પુત્રી ઈવને લખે છે: ‘આપણે એવા આદર્શમાંથી બળ મેળવવું જોઈએ કે જે આપણને મિથ્યાભિમાની બનાવ્યા વિના આપણી અભિલાષાઓ અને આપણાં સ્વપ્નોને ઉચ્ચ કોટિમાં મૂકી શકે. હું માનું છું કે આપણા જીવનની સઘળી પ્રવૃત્તિને પ્રેમ જેવી તોફાની ઊર્મિને વશવર્તી બનાવવી એમાં નિરાશાનું મૂળ રહેલું છે.’

પોતાને હંમેશાં છુપાવીને ફરતાં માદામ ક્યૂરીને કોઈ જ્યારે પૂછતું કે ‘આપ જ માદામ ક્યૂરી છો?’ ત્યારે ઉત્તરમાં સંકોચાઈને તેઓ જણાવતાં : ‘ના જી, આપની કંઈક ભૂલ થાય છે.’

મૅરીને અનેક શારીરિક મુશ્કેલીઓનો સામનો ક૨વો પડ્યો તેનું કા૨ણ રેડિયમનો સતત સંપર્ક હતું. ૬૭ વર્ષની વયે ૧૯૩૪ની ચોથી જુલાઈએ ‘કામ ઘણાં છે ને સમય થોડો છે’ કહેતી આ સ્ત્રીએ સમયની પાબંદીને સ્વીકારીને અંતિમ શ્વાસ લીધો. અવસાનને દિવસે પણ તેમની પુત્રી ઈવને મતે મૅરી તરુણ કન્યા માર્યા સ્કૉલોદોસ્કીને જ મળતી આવતી હતી. જીવનના છેલ્લા દિવસે પણ તે તેના અજ્ઞાત બાલ્યાવસ્થાના દિવસોમાં હતી એટલી જ નમ્ર, અડગ, શરમાળ ને સઘળી વસ્તુઓ વિશે જિજ્ઞાસુ હતી. મશહૂર કેવી રીતે થવું એ તેને આવડતું નહોતું. આ અણઆવડતે તેને મશહૂર વૈજ્ઞાનિક મશહૂર જીવનસંગિની ને મશહૂર મહિલા બનાવીને તેમને જગદ્-વંદ્ય પણ.

Total Views: 177

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.