‘સોનાની કે કોલસાની ખાણ જ્યારે ધસી પડે છે અને માણસો દટાઈ જાય છે ત્યારે એમને શું થતું હશે?’ હેલન-કેલરની આત્મકથા ના અનુવાદ ‘અપંગની પ્રતિભા’ના પ્રાસ્તાવિકમાં ભાવુક થઈને નોંધેલા આ વિધાનમાં આગળ જઈને કાકાસાહેબ જણાવે છે તેમ, આંખો જવાથી આખી દુનિયા, જિંદગી, સ્થળ અને કાળ જ્યારે અંધકારમય થઈ જાય છે ત્યારે માણસને આમ જ થતું હશે.

હેલનના સંદર્ભે જોતાં તેમની પાસે આંખ તો નથી જ પણ કાન અને જીભને પણ તેમણે ગુમાવ્યાં છે. ત્રણ ત્રણ ઈન્દ્રિયો વિના પણ જેમને જીવનના શિષ્ય થવાનું સૂઝ્યું, વિશાળ ચેતનાને જગવીને પોતામાં રહેલા ઈન્દ્રિયાતીત તત્ત્વને તેમણે પારખ્યું એ ઘટના એમને એક પુરુષાર્થી મહિલા કરતાં અધ્યાત્મનાં યાત્રી ઠેરવે એવી જણાય છે.

અમેરિકાના ઉત્તર આલાબામાં આવેલા ટસ્કુમ્બિયા નામના એક નાનકડા ગામમાં ઈ.સ. ૧૮૮૦ના જૂન માસની વીસમી તારીખે જન્મેલા હેલન દુનિયાને માત્ર ૧૯ માસ જ નિહાળી શક્યાં. આત્મ-કથામાં પોતાના જીવનમાં આવેલી વિષમતાને વીસવર્ષીય હેલને કાવ્યાત્મક ઢંગથી નિરૂપતાં નોંધ્યું : ‘આ મારા સુખી દહાડા બહુ લાંબા ન ચાલ્યા. એક વસંત, એક ઉનાળો ને એક પાનખર આવતાંક તે ઝડપથી પસાર થઈ ગયાં…મને અંધાપો ને બહેરાશ આપનારી માંદગી આવી, જેણે પાછી મને નવા જન્મેલા બાળકના જેવા અંધારામાં નાખી દીધી…’

જિંદગીએ હેલનને આપેલી થકવી નાખે એવી ક્ષણોને ધાર્યું હોત તો હેલન લંબાવીને, તાર સ્વરે રડી શક્યાં હોત, પણ હેલનનો ભરપૂર જીવનપ્રેમ આ વ્યથાને અતિક્રમી શક્યો. હેલનની દર્શનની ઈન્દ્રિય છીનવાઈ પણ પછી ફૂટી તે ‘પ્રજ્ઞા’ની નજરે તેમને બચાવી લીધાં છે.

તેમની ફૂટેલી પ્રજ્ઞાની નજરના દાતા, હેલન પોતે જ જણાવે છે તેમ, એમનાં શિક્ષિકા એન. સુલીવાન છે. સુલીવાનના પ્રવેશ પહેલાંની પોતાની સ્થિતને હેલન ‘ફેન્ટમ’ની ગણાવે છે. આરંભકાળની હેલન જિદ્દી છે, કડવાશથી ભરેલી છે, જીવનથી હારેલી છે ને મૃત્યુની ઝંખના ધરાવે છે. તેનું જીવન શૂન્યવત્ બની ગયું છે. પોતાની આવી સ્થિતિને હેલન ગાઢ ધુમ્મસમાં અટવાઈ ગયેલા વહાણની સાથે સરખાવતાં વહાણની સ્થિતિને બહેતર સમજે છે કેમ કે તેના પાસે હોકાયંત્રની સગવડ તો હોય છે!

મહેલનની સ્થિતિથી મુંઝાયેલાં હેલનનાં માતા-પિતા ડૉ. ગ્રેહામ બેલના સૂચનથી બોસ્ટનની પર્કિન્સ સંસ્થાના નિયામક શ્રી એમેગ્રોસને પત્ર લખીને શિક્ષકની માગણી કરે છે જેના ઉત્તરરૂપે હેલનના જીવનમાં સુલીવાનનો પ્રવેશ થાય છે, જે એકધારો પચાસ વર્ષ સુધી ટકે છે.

તદ્દન જડ સ્થિતિમાં જીવતાં હેલન, સુલીવાનની મદદથી બોલતાં થયાં, ભણ્યાં, જર્મન, ફ્રેન્ચ, અંગ્રેજી જેવી ભાષાઓ પર પ્રભુત્વ મેળવ્યું, રેડક્લિફની સામાન્ય કોલેજમાં ભણીને ઉચ્ચ શિક્ષણ લીધું, ઈ.સ.૧૯૦૪માં સ્નાતકની પદવી મેળવી. તેમણે મેળવેલી જુદી જુદી ઉપાધિઓ આ પ્રમાણે હતી – બી.એ; ડી. લિટ્. (ટેમ્પલ યુનિવર્સિટી); એલ.એલ.ડી. (ગ્લાસગો) એલ.એલ.ડી (વીટવૉકર્સ યુનિ.)

દુનિયાના વિશાળ ને વિભિન્ન પ્રકારના અનુભવો મેળવતાં મેળવતાં હેલને સમાજ, ધર્મ, કેળવણી, માનસશાસ્ત્ર, ઇતિહાસ, ભાષાઓ વગેરેનું જે જ્ઞાન મેળવ્યું તે અસાધારણ મૌલિક હતું, તેનું કારણ તેમનો અનુભવ આમ મનુષ્ય કરતાં જુદો હતો તે હતું. આ દૃષ્ટિએ તેમનો કેળવણી વિશેનો ખ્યાલ નોંધવો રસપ્રદ થાય તેવો છે. તેમને મતે, કોઈ પણ શિક્ષક બાળકને નિશાળમાં ગોંધી શકે પણ દરેક જણ તેને ભણાવી ન શકે. બાળકને જ્યાં સુધી સ્વતંત્રતાનો અનુભવ કરાવવામાં ન આવે ત્યાં સુધી તે આનંદથી કામ નહીં કરે. અપ્રિય લાગતા પાઠો તે ઈચ્છાપૂર્વક ગ્રહણ કરે અને પાઠ્યપુસ્તકોના અરસિક અભ્યાસક્રમમાંથી બહાદુરીભેર અને ઉલ્લાસપૂર્વક પસાર થવાનો ઠરાવ કરે તે પહેલાં; એણે વિજય જન્ય પ્રફુલ્લતા અને વિષાદજન્ય ખેદ અનુભવેલાં હોવાં જોઈએ. બાળકમાં શિક્ષણ પ્રત્યેની રુચિ જગાડવા અંગેનો હેલનનો આ અભિપ્રાય આજે પણ એટલો જ કામ લાગે તેવો છે.

ત્રણ ઈન્દ્રિયોના અભાવ ઉપરાંત, હેલનને જીવનના બીજા પણ વિષમ અનુભવોના ભોગ બનવાનું આવ્યું છે. હેલને લખેલી પહેલી વાર્તા ‘હિમરાજ’ પ્રસિદ્ધ થઈ પછી પાછળથી હેલનને જાણવા મળ્યું કે એ વાર્તા તો ‘હિમની પરીખો’ એ નામે હેલનના જન્મ પહેલાં જ પ્રગટ થઈ ગયેલી! આ ઘટનાને કારણે હેલનને ઘણી ઉપેક્ષા સહન કરવી પડી. પાછળથી તેને સમજાયું કે તેનાં ગુરુ સુલીવાનની ગેરહાજરીમાં બીજા મિત્ર પાસેથી તેણે આ વાર્તા સાંભળેલી. પાછળથી એ ભુલાઈ પણ ગયેલી ને જાણે પોતાને જ સૂઝી હોય તેમ અચાનક જ મગજમાં સળવળી ને તંતોતંત એ રીતે જ લખાઈ. નાનકડી હેલનને આ આઘાતમાંથી બહાર આવતાં ખૂબ શ્રમ પડ્યો.

આવો જ એક બીજો અગત્યનો બનાવ તેમના જીવનમાં જાગેલા વિજાતીય પ્રેમ અંગેનો છે. હેલનના જીવનઘડતરમાં અનેક પુરુષમિત્રોએ ભાગ ભજવ્યો હતો. પણ હેલને લગ્નની ઈચ્છાને સેવી હોય એવું તેમણે ક્યાંય નોંધ્યું નથી. એનું એક કારણ તેમને મળેલો ભરપૂર પ્રેમ છે. ઉપરાંત હેલનના પોતાના વ્યક્તિત્વમાં પણ એક પ્રકારની સભરતા છે. પોતાની મર્યાદાઓને સારી રીતે જાણતાં ને તેનું પૃથક્કરણ કરી શકતાં. હેલન, પોતાને લગ્નનો આગ્રહ કરતા ડૉ. ગ્રેહામ બેલને જણાવે છે : ‘તે મહાન શાહરા ખેડવાની મને પહેલાં કરતાં ઓછી ઈચ્છા છે. મને ચોક્કસ લાગે છે કે જીવનના તડકા- છાંયડાનો સામનો કરવા માટે સ્ત્રી-પુરુષ બંને સરખા હોવાં જોઈએ. કોઈ પણ પુરુષ ઉપર મારી ખોડખાંપણનો બોજો લાદવો એ તેના માટે ભારે બોજારૂપ થાય. આવો અસ્વાભાવિક બોજો તેના ઉપર લાદવાના બદલામાં તેને આપવા જેવું મારા પાસે કંઈ નથી.’ લગ્ન જેવી જીવનની પ્રમાણમાં અનિવાર્ય કહી શકાય તેવી જરૂરિયાત પ્રત્યે પણ હેલનની તટસ્થતા નોંધપાત્ર છે.

લગ્ન પ્રતિ હેલને ખાસ ઉત્સુકતા દર્શાવી નથી. તેમ છતાં તેમને ચાહનારો એક યુવાન તેમને મળે છે, જેનું નામ છે ઈન. એક પ્રવાસ દરમ્યાન હેલન સાથે રહેતાં રહેતાં તેમને ચાહવા લાગે છે. તે તેની સાથે લગ્ન કરવા પણ ઈચ્છે છે. તેનો આ પ્રસ્તાવ હેલનમાં સુખદ આશ્ચર્ય જગવે છે. પોતાના જીવનની આ અદ્ભુત ઘટના માતા અને ગુરુને કહેવા માટે હેલન અધીરી બને છે. પણ હેલનની માતાના વર્તન વિશે થોડી આશંકા સેવતો ઈન હેલનને થોડી ધીરજ રાખવા સમજાવે છે. તેમ છતાં માતાને આ વાત કહેવાની ઈચ્છા ધરાવતી હેલનની પાસે માતા જ સામેથી વાત છેડીને આ સંબંધો પ્રત્યે નારાજગી દર્શાવે છે. આથી ગભરાઈ જઈ હેલન આખીય વાતથી અજાણ હોવાનો ડોળ કરીને પોતાના સંબંધો અંગે નકાર દર્શાવી બેસે છે! આ કારણે માતા પેલા યુવાનને કાઢી મૂકે છે ને હેલનના પ્રણયસંબંધનો કરુણ અંત આવે છે.

બીજી અનેક વિષમતાઓની વચ્ચે, હેલનના જીવનમાં જાગેલી પ્રસન્નતાની આ પળો જે રીતે વિખેરાઈ ગઈ તેથી હેલને ભારે વ્યાકુળતા અનુભવી છે. પાછળથી કંઈક દુઃખી થઈને હેલન નોંધે છે : ‘આ ટૂંકો પ્રેમનો પ્રસંગ મારા જીવનમાં ઘેરા પાણીથી ઘેરાયેલા નાના સરખા આનંદદ્વીપ જેવો રહેશે. મને કોઈ ઈચ્છે અને ચાહે એવો અનુભવ થઈ ગયો તેથી મને ખુશી થાય છે. તેમાં દોષપ્રેમનો નહોતો પણ સંજોગોનો હતો. કદાચ નિષ્ફળતા એના હેતુની સુંદરતા વધારે સારી રીતે બહાર લાવે છે. હવે હું એ બધું વધારે ડાહી થઈને પણ દુઃખી હૃદયે જોઉં છું.’ હેલનનાં વિશાળ ને સ્વાગતશીલ ચિત્તનો અહીં વધુ એકવાર પરિચય થાય છે. શારીરિક દુ:ખોની સાથોસાથ હેલનને આવા અસહ્ય અનુભવોમાંથી પણ પસાર થવું પડ્યું એની પાછળ કુટુંબજીવન ને સમાજજીવનના અણઘડ ખ્યાલો પડેલા દેખાય છે.

હેલનના વ્યક્તિત્વમાં શ્રદ્ધા ને પુરુષાર્થનો સમન્વય છે. પોતા વિશે તેઓ અત્યંત સ્પષ્ટ છે. પોતાના અનુભવોની કડવાશને વ્યક્ત કરતાં તેઓ નોંધે છે, “મારી શારીરિક મર્યાદાઓને લીધે મને જે કડવા અનુભવો થયા છે તે હું જ વધારે જાણું છું, બીજાને તેની ખબર ન પણ હોય. મારી આજુબાજુની પરિસ્થિતિ વિશે હું ભ્રમમાં નથી. મને કદીયે દિલગીરી થતી નથી કે બળવો કરવાનું મન થતું નથી એમ કહેવું એ સાચું નથી. પણ ઘણાં સમયથી મેં મન સાથે નક્કી કર્યું છે કે મારે જીવન વિશે ફરિયાદ કરવી નહીં. મરણતોલ ઘવાયેલાએ પણ બીજાની ખાતર આનંદપૂર્વક જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ધર્મ એટલા જ માટે છે.” જીવન પ્રત્યેનો આ પ્રકારનો હેલનનો દૃષ્ટિકોણ તેમને ‘પ્રજ્ઞા’ચક્ષુ ઠેરવે છે.

સ્થૂળ પુરુષાર્થોને ખેડતાં ખેડતાં હેલને જીવનને પામવાનો સૂક્ષ્મ પુરુષાર્થ પણ ખેડ્યો. તેમની આ વિકાસયાત્રાને તેમના જ શબ્દોમાં જોવા જેવી છે : ‘વસંતૠતુના વરસાદથી જેમ ખેતરો લીલાંછમ થાય છે તેમ તત્ત્વચિંતકોના જાદુઈ શબ્દોમાંથી મળતા નૂતન વિચારોની વર્ષાથી મારું અંતર સુશોભિત થતું…મને મારા વિશ્વાસની પ્રતીતિ થવાથી આનંદ થયો કે, હું મારી ખંડિત ઈન્દ્રિયોની મર્યાદાની પાર જઈ શકું છું અને અદૃશ્યને પૂર્ણ પ્રકાશમાં જોઈ શકું છું; નિઃશબ્દ વાતાવરણમાં દિવ્ય સંગીતને સાંભળી શકું છું. મને આનંદમય ખાતરી થઈ હતી કે, બહેરાપણું અને અંધાપો એ મારા જીવનનાં આવશ્યક અંગો નહોતાં, કારણ કે તે કોઈ રીતે મારા અમર માનસનાં અંગો નહોતાં.’ જીવનદર્શને આપેલું સમાધાન અહીં સ્પષ્ટ રીતે ટપકતું જોઈ શકાય છે.

હેલને સમજપૂર્વક પોતાની પરિસ્થિતિને વહી છે છતાં એનો યશ તેમને પોતાના મિત્રોને આપ્યો છે. જીવનમાં મિત્રોના મળવાથી તેમને કોઈ મધુર કાવ્ય વાંચ્યાનો, દિવ્ય શાતા પ્રાપ્ત થયાનો અનુભવ થયો છે. આ મિત્રોએ હેલનના જીવનને ભરી કાઢતા ગંભીર શૂન્યાર્થી nothingને એકદમ ઉજ્જ્વળ સંભવાર્થો possibilitiesમાં ફેરવી નાખ્યા છે એ પ્રકારની ઊર્મિશીલ અંજલિ હેલને મિત્રોને પાઠવી છે. હેલનને મતે, પોતે પ્રાપ્ત કરેલાં બે મહાન સત્યો છે – ઇશ્વરનું પિતૃત્વ ને મનુષ્યનું ભાતૃત્વ. આ બંને તત્ત્વો બધા ધર્મસંપ્રદાયો અને પૂજન-અર્ચન વિધિના મૂળમાં રહેલાં છે.

પાછલા જીવનમાં હેલને જુદી જુદી સંસ્થાઓમાં કાર્યરત રહીને પોતાનું જીવન અંધજનોને સમર્પિત કર્યું છે. જીવનને અંતે પાછું વળીને જોતાં હેલનને પોતાની સરળ જીવનયાત્રાના મૂળમાં ગુરુ એન. સુલીવાન જ જણાયાં છે. સુલીવાનને તેમણે ઇશ્વરનો પર્યાય ગણાવ્યાં છે. જીવનમાં લોકોએ જ્યારે જ્યારે તેમને યશકલગી અર્પી છે ત્યારે ત્યારે હેલને તેમાં ગુરુનો વિજય જોયો છે. અનેક બાબતોમાં સુલીવાનની વિચારસરણીથી હેલન જુદાં પડતાં હોવા છતાં પોતાની જાતને તેમણે ગુરુથી અભિન્ન માનીને પોતાની જીવનયાત્રાને સુલીવાનની જીવનયાત્રા ગણાવીને શિષ્યત્વનું ગૌરવ સાચવ્યું છે.

મુશ્કેલીઓની ગિરિમાળા વટાવ્યા પછીનું, જીવનના અંતિમ તબક્કે તેમને લાધેલું દર્શન ભારે ગહન છે. તેમને મતે, આત્માને ઉન્નત કરતા જીવનના અનુભવો પાસે શબ્દો તો રંગીન દેવતા જેવા છે. જીવનના ઊંડા અનુભવોની આપ-લે શબ્દો દ્વારા થઈ શકતી નથી. જેઓ આધ્યાત્મિક તરંગોને ઝીલી શકતા હોય તેઓ જ ઝાડીમાં અસ્વસ્થ થઈને ફફડતાં પક્ષીની માફક ફફડતા આત્માનો અવાજ સાંભળી શકે છે, આત્માનો આ અવાજ હેલને તો આંતરકર્ણ દ્વારા સાંભળ્યો જ છે. પોતે શોધેલાં ને અંતે મેળવેલ તત્ત્વને પામ્યાનો આનંદ તેમના જ શબ્દોમાં જોવા જેવો છે : ‘મને જીવન સુખમય અને રસમય લાગ્યું છે એટલે મને લાગે છે કે મને જીવનનું સત્ય પ્રાપ્ત થયું છે, તેમ જ ઇશ્વરની સુકૃતિમાં શ્રદ્ધા રાખતાં યત્કિંચિત આવડ્યું છે.’

ઈ.સ. ૧૯૬૮ની પહેલી જૂને, બરાબર અઠ્યાશી વર્ષનું ભરપૂર આયુષ્ય ભોગવીને આ દુનિયાની મુલાકાત પૂરી કરતાં હેલને જે સંદેશ આપ્યો છે તે તેમને ‘ધાર્મિક’ ઠેરવે એવો છે : ‘સુખનું એક દ્વાર બંધ થયા પછી બીજું ખૂલી જાય છે પણ કેટલીયે વાર આપણે બંધ દરવાજા તરફ એટલીવાર તાકી રહેલાં હોઈએ છીએ કે જે દ્વાર આપણે માટે ખોલવામાં આવ્યું છે તેને જોઈ શકતાં નથી.’ હેલનને ફૂટેલી આ ‘ત્રીજી’ નજર તેમને માનવજાતનાં સદ્‌ગુરુ ઠેરવી શકે એટલી સક્ષમ છે.

Total Views: 80

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.