તા. ૧મે, ૧૯૯૭ના રોજ નઝરુલ મંચ, કલકત્તા ખાતે યોજાયેલ રામકૃષ્ણ મિશનના શતાબ્દી સમારોહ પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ (તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ) ડૉ. કે.આર.નારાયણને આપેલ ઉદ્‌ઘાટન પ્રવચનનું ગુજરાતી ભાષાંતર -સં.

આદરણીય રાજ્યપાલશ્રી રઘુનાથ રેડ્ડી, સ્વામી આત્મસ્થાનંદજી, સ્વામી લોકેશ્વરાનંદજી, સ્વામી ગહનાનંદજી, સ્વામી સ્મરણાનંદજી, શ્રીરામકૃષ્ણ મિશનના અન્ય સર્વે સ્વામીજીઓ, શ્રીમતી સરોજીની રેડ્ડી, શ્રીમતી કમલ બાસુ, સન્નારીઓ અને સજ્જનો.

શ્રીરામકૃષ્ણ મિશનની સ્થાપનાના શતાબ્દી ઉત્સવ સમારોહના શુભ પ્રસંગે હાજર રહેવાની મને જે તક આપવામાં આવી છે, તે માટે હું પોતાને ધન્ય માનું છું.

સમગ્ર વિશ્વમાં રામકૃષ્ણ મિશનનું સ્થાન સામાજિક અને આધ્યાત્મિક ચળવળોમાં અદ્વિતીય છે. એ મિશન ભારતમાં ઉદ્ભવ્યું, અને તે પણ બંગાળમાં; જ્યાંથી જ સામાજિક સુધારાઓ અને રાષ્ટ્રીય ક્રાન્તિકારી પગલાંઓનો પણ ઉદય થયો છે, અને આ બાબત દરેક બંગાળી અને દરેક ભારતીયજન માટે અત્યંત ગૌરવપ્રદ છે. આપણા આ દેશમાં એક અતૂટ પરંપરા ચાલી આવી છે જેમાં અનેક મહાન અને પવિત્ર વિભૂતિઓ પેદા થઈ છે. આપણે માટે આ એક મહાન આશીર્વાદ સમાન છે. અને સાથે જ, આ બાબત આપણે માટે એક ઉત્તરદાયિત્વ પણ છે, કેમ કે આપણી સમક્ષ આવેલા આ ઉચ્ચતમ આદર્શો અને ઉપદેશોને આંબવાનું કાર્ય આપણે કરવાનું છે.

શ્રીરામકૃષ્ણ પરમહંસ એક અસાધારણ વ્યક્તિ હતા. તેમના શબ્દોની સુરેખ સરળતા તેમ જ તેમના વ્યક્તિત્વમાંનું અંગભૂત પ્રેરક તત્ત્વ માનવીય વિચારોમાં જાણે એક ક્રાન્તિ ઊભી કરે તેવા સમર્થ હતાં. એક વાર શ્રી રોમાં રોલાંએ તેમનું વર્ણન કરતાં કહ્યું હતું કે તેઓ તો જાણે જીસસ ક્રાઈસ્ટના નાના ભાઈ જ હતા. આવા મહાન આત્માની પ્રેરણા લઈને એક શતક પહેલાં સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી.

સ્વામી વિવેકાનંદ સ્વયં ખૂબ જ ગહન આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમ છતાં, તેઓ દુનિયાની માનવજાતિની મોટી સમસ્યાઓ વિષે પણ ખૂબ જ જાગૃત હતા. તેઓ માનતા હતા કે સંગઠન, અને સંગઠિત કાર્ય દ્વારા જ ગરીબીના શાપથી મૂર્છિત ભારતદેશ ઊંચો આવી શકે તેમ છે. અમેરિકાની મુલાકાત લીધા પછી તો સ્વામીજીની એ માન્યતા વધુ દૃઢ થઈ કે પ્રજાની ભૌતિક સમસ્યાઓ દૂર કરવા માટે પણ વિચારોનો સંગઠિત રીતે પ્રચાર કરવો જોઈએ. એક વખત તેમણે કહ્યું કે ભારતીય લોકોમાં એક અવગુણ છે : ‘ભારતમાં કોઈ પણ ત્રણ માણસો પાંચ મિનિટ માટે પણ એક સાથે મળીને કામ કરી શકતા નથી. દરેક જણ સત્તા માટે પ્રયત્ન કરે છે, અને છેવટે તો સંગઠન જ તૂટી પડે છે.’ આસપાસ નજર કરતાં આપણે જોઈએ છીએ કે સ્વામીજીની આ વાત હજી આપણા સમયને પણ એટલી જ લાગુ પડે છે.

જ્યારે સ્વામીજી રામકૃષ્ણ મિશનની સ્થાપના કરતા હતા અને તેના ધ્યેયોને સ્પષ્ટ કરતા હતા, ત્યારે તેમના કેટલાક ગુરુભાઈઓએ પોતાનો સંશય કહ્યો કે મિશનમાં પાશ્ચાત્ય ઢબના સંગઠનની ગોઠવણી કરવી શું યોગ્ય રહેશે? હું ધારું છું કે સ્વામીજી આ વાતને લીધે ખૂબ રોષે ભરાયા હતા. તેમણે એ પણ સુણાવ્યું કે ભક્તિ કંઇ ભાવુક્તાપૂર્ણ મૂર્ખામી નથી. તેઓ તો એમ માનતા હતા કે આધ્યાત્મિક પુરુષોએ આશ્રમોમાં બેસી જવું એ પૂરતું નથી; તેમણે દુનિયાનાં દુઃખો પ્રત્યે આંખ બંધ કરી લેવી જોઈએ નહિ કે માનવજાતિના સુખ અને સમસ્યાઓ વિષે બેધ્યાન રહેવું જોઈએ નહીં. ભારતમાં આટલી બધી ગરીબી જોઇને તેમને ખૂબ જ દુઃખ થતું. જ્યારે તેઓ લોકપ્રિયતાની ટોચે હતા ત્યારે શિકાગોમાં તેમને સૂવા આપેલા પલંગ પર તેઓ સૂઈ શક્યા નહિ, અને જમીન પર સૂઈને દુઃખી થઈને આળોટવા લાગ્યા. કેમ કે ભારતીયજનોની ગરીબીના વિચાર માત્રથી તેમને અત્યંત દુ:ખ થતું હતું. એમ પણ કહેવાય છે કે કલકત્તામાં પ્લેગથી થયેલા વ્યક્તિના મરણના જ્યારે તેમણે સમાચાર વાંચ્યા, ત્યારે તેઓ બોલી ઉઠ્યા, ‘આપણે તેમની સેવા કરવી જ જોઈએ, ભલે પછી આપણે આપણું બધું વેચી દેવું પડે.’ આ રીતે, સ્વામીજીના બધા જ આધ્યાત્મિક ઉચ્ચતાના પ્રયત્નો માનવજાતિના કલ્યાણ અને ઉત્થાનની દિશામાં જ હતા, ભારતના લોકોની ભૌતિક સગવડો પૂરી પાડવા માટે થતા, અને ગરીબીના શાપને દૂર કરવા માટે હતા.

હકીકતમાં; જ્યારે તેઓ અમેરિકા ગયા, ત્યારે તેમનું એક ધ્યેય ફંડફાળો ઉઘરાવવાનું હતું. તે ધનાઢચ દેશમાંથી તેમને ખૂબ પૈસો એકત્ર કરવાની હોંશ હતી અને તેના ઉપયોગથી ભારતનું દારિદ્ય્ર દૂર કરવાની નેમ હતી. પરંતુ થોડા જ વખતમાં તેમને એ બાબતનો ખ્યાલ આવી ગયો કે આવો ફંડકાળો પરદેશમાંથી મેળવવો એ ખૂબ જ કપરું કામ હતું, કારણ કે, ત્યાંના મોટા ભાગના લોકો ભારતની પ્રજાને ‘અસભ્ય મૂર્તિપૂજક’ (heathen) સમજતા.

ભારતમાં તો દારિદ્ય્ર, અજ્ઞાનતા અને રોગોને નાબૂદ કરવાનું જ તેમનું સ્થાયી ધ્યેય હતું. મને લાગે છે કે આપણે તેમને આધ્યાત્મિક રાષ્ટ્રવાદી કહી શકીએ, અને તે પણ એટલા જોશીલા રાષ્ટ્રવાદી આપણે બીજા જોયા નહિ હોય! ભારતના એક છેડેથી લઈ બીજા છેડા સુધી તેમણે પ્રવાસો ખેડ્યા અને જનતાને તેના પ્રમાદમાંથી જાગૃત કરવા ઢંઢોળી, તેમનામાં ઠાંસીને સ્વમાનની ભાવના ભરી, પોતાની સમસ્યાઓનો ઉકેલ તેઓ પોતે લાવી શકે તેમ છે તે બાબતનું ભાન કરાવ્યું, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે.

સ્વામી વિવેકાનંદનું આ જીવનકાર્ય સંપૂર્ણ રીતે પ્રાપ્ત કરવાનું હજી બાકી છે, જેમાં દેશની ગરીબીનો તદ્દન નાશ થઈ જાય તેવો આદર્શ છે. તેમ છતાં, રામકૃષ્ણ મિશને આ દિશામાં અત્યંત સુંદર કામગીરી કરી છે. તેના મૂળ ધ્યેયોમાં જ ભારતમાં કલા અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ધ્યેયનો સમાવેશ થયો હતો. તેના આદ્ય સ્થાપકની જેમ જ રામકૃષ્ણ મિશન પણ એ માન્યતા રાખે છે કે પોતાના માનવબંધુઓના દુ:ખોને દૂર કરવાના કાર્યમાં સંન્યાસીઓએ જોડાવું જ જોઈએ. સ્વામી વિવેકાનંદે એક વખત કહ્યું હતું કે સંન્યાસી એવો હોવો જોઈએ જે એક ક્ષણમાં ધ્યાનમાં બેસી જાય, અને બીજી જ ક્ષણે હળ ઉઠાવીને ખેતર ખેડવાના કાર્યમાં જોડાઈ જાય. રામકૃષ્ણ મિશનના સ્વામીઓ વિષે તેઓનો આવો વિચાર હતો. આ વિચારને આપણે થોડો આગળ ધપાવીએ એમ બને. રામકૃષ્ણ મિશનના સ્વામીઓએ સામાજિક કાર્યો, રચનાત્મક કાર્યો, વગેરે પણ (હળ લેવા ઉપરાંત) હાથ લીધેલાં છે જ. પરંતુ, શું ભારતના કરોડો દેશવાસીઓ, અને તેમાંય સુખી ઘરના લોકોની પણ એ ફરજ નથી બનતી કે સહુ પોતાના દેશ બાંધવો માટે કંઈક કરે? જો ધ્યાન કરનાર સંન્યાસી પાસે અપેક્ષા રખાય કે ધ્યાન ઉપરાંત કોઈ રચનાત્મક કાર્ય તે કરે, તો સ્વાભાવિક છે કે રાજકારણી અને નેતાઓ પાસે પણ એવી અપેક્ષા રાખી શકાય કે તેઓ પોતાનો સંપૂર્ણ સમય રાજકારણમાં નહિ પરંતુ થોડો ધ્યાન અને ચિંતન માટે ફાળવે જેથી તેઓ વ્યક્તિઓની સમસ્યાઓ સમજી શકે. આજે હું આ બાબત પર વધુ ભાર મૂકું છું, કેમ કે રામકૃષ્ણ મિશન આમ તો એક સાદી નાની સંસ્થા ગણાય, છતાં તેણે સમાજ પર પોતાના આધ્યાત્મિક કાર્યો, સામાજિક કલ્યાણનાં કાર્યો અને રચનાત્મક કાર્યોમાં રચ્યાપચ્યા રહીને મોટો પ્રભાવ પાડ્યો છે. જો આ પ્રકારની નિઃસ્વાર્થ રીતે કામ કરવાની સંન્યાસીઓની પદ્ધતિ આંશિક રીતે પણ આપણા દેશની અમલદારોની ફોજમાં અપનાવવામાં આવે, કે મોટી સંખ્યામાં ફરતા નેતાઓ અને રાજકારણીઓ અપનાવે તો આપણા દેશની કેટલીય સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આપણે સફળ થઈ શકીએ.

ભારતના દારિદ્ય્ર વિષે સ્વામી વિવેકાનંદની વ્યગ્રતા અને તેને દૂર કરવા માટેના તેમના જોશ વિષે મેં અગાઉ કહ્યું જ છે. એટલું જ ધ્યાન તેમનું એક બીજા વિષય પર પણ હતું અને તે વિષય એટલે શિક્ષણ. તેમના કેટલાક વિચારો જાણે આજે પણ સમયથી કેટલાય આગળ વધેલા છે! તેમને એ બાબતે ઘણો વિરોધ હતો કે યુગોથી ભારતમાં શિક્ષણની કેટલાક લોકોએ ઈજારાશાહી રાખી હતી અને સામાન્ય પ્રજાને એ અલભ્ય બનાવી દીધું હતું. તેમની ઇચ્છા હતી કે શિક્ષણનો ખૂબ પ્રચાર થાય, અને તે માટે તેમણે કેટલાંક ખાસ પગલાંઓ લેવાની ભલામણ પણ કરી. મૈસૂરના મહારાજાને લખેલા એક પત્રમાં તેઓ જણાવે છે, ‘ધારો કે તમે દરેક ગામડામાં એક એક મફત શિક્ષણની શાળા ખોલશો, તો પણ એનાથી શિક્ષણનું ધ્યેય પૂર્ણ નહિ થાય. કારણ કે, ભારતની ગરીબી એટલી ઊંડી છે કે ગરીબ છોકરાઓ પોતાના બાપને કમાણી કરાવવા ખેતરમાં જવાનું કે બીજી કોઈ રીતે કમાણી કરવાનું પસંદ કરશે, શાળામાં જવાનું નહિ. તો પછી, જો ડુંગર મુહમ્મદ પાસે ન આવે, તો મુહમ્મદે ડુંગર પાસે જવું રહ્યું! જો ગરીબ છોકરા શિક્ષણ માટે શાળાએ ન આવી શકે, તો શિક્ષણે તેની પાસે જવું રહ્યું!’ આપણે જ પ્રજા પાસે જવું જોઈએ, છોકરાં પાસે જવું જોઈએ અને શિક્ષણ આપવું જોઈએ. આ જ શિક્ષણની રીત છે.

હું કેટલાંક વર્ષ પહેલાં સુદાન (કે ક્યુબા?) ગયો હતો. ત્યાં મેં જોયું કે આ જ પદ્ધતિથી તેમણે અપનાવી હતી અને એને કારણે કેવળ એક જ વર્ષમાં તેમણે પોતાના દેશમાંથી નિરક્ષરતા નાબૂદ કરી દીધી હતી. સ્વામીજીએ સલાહ આપી હતી કે સંન્યાસીઓએ પોતે જ સાક્ષરતા આંદોલનનું કામ હાથમાં લેવું. જો આ કેટલાક સંન્યાસીઓ જ નહિ, પરંતુ સરકારમાં કામ કરતા લાખો કર્મચારીઓ પોતાના ફાજલ સમયનો અડધો ભાગ પણ જો આ ધ્યેય પાછળ ખર્ચે અને લોકોને ભણાવે, તો થોડાં જ વર્ષોમાં આપણા દેશમાંથી નિરક્ષરતા સદંતર નાબૂદ થઈ જાય.

આ સાથે જ, સ્વામીજી સ્ત્રી-શિક્ષણના આદર્શને પણ માનતા હતા તે ન ભુલાવું જોઈએ. એમણે તો એમ પણ કહ્યું કે ભારતની અવનતિ અથવા તેનું ઉચ્ચ સ્થાન ગુમાવી દેવાનું મુખ્ય કારણ એ જ છે કે પ્રજાને કચડી નાખવામાં આવી છે અને સ્ત્રીઓનું દમન થાય છે. પુરુષ કરતાં પણ સ્ત્રીની સમર્પણ અને ઉદાત્ત આદર્શની ભાવના માટે સ્વામી વિવેકાનંદને વધુ વિશ્વાસ હતો, જેને લીધે સમાજની નવરચના સંભવ છે. એને કારણે જ તેઓ સ્ત્રી-શિક્ષણની હિમાયત પોતાની આગવી વાક્છટામાં કરતા રહેતા હતા.

મને લાગે છે કે આજના દિવસે સ્વામી વિવેકાનંદના વિચારો અને ઉપદેશોમાંના આ વ્યવહારિક પક્ષ પર ભાર દેવો વધુ યોગ્ય છે, કેમ કે આપણને આજે પણ તેની ખૂબ તાતી જરૂરિયાત છે જ. સ્વામીજીના લખાણોમાં આ વિચારો ઠેર ઠેર જોવા મળે જ છે. તેઓ આ બાબતે સભાન હતા. તેઓ જાણતા હતા, અને તેઓ કહેતા પણ હતા કે ભારતની અવનતિને માટે બાકીની દુનિયાથી તેનું અળગાપણું મુખ્યત્વે જવાબદાર છે, અને જો ભારતને આગળ ધપવું હોય, તો તે આ એકલવાયાપણામાંથી છૂટે અને દુનિયાના અન્ય દેશવિદેશના ગાઢ સંપર્કમાં રહે તે ખૂબ જ આવશ્યક છે. આ ધ્યેય માટે તેઓ કેવળ એક મઠની હિમાયત નહોતા કરતા, પરંતુ વિશ્વસમાજને માનવતામાં તરબોળ કરી દેવાની વાત કરતા હતા, કેમ કે તેમણે પોતાના ગુરુ પાસેથી જાણ્યું હતું કે ભગવાન દરેકે દરેક મનુષ્યમાં છે, અને જો ભગવાન મેળવવા હોય તો તે મનુષ્યમાં વસતા ભગવાનને મેળવવા જોઈએ.

સ્વામી વિવેકાનંદનું આ વિશ્વદર્શન, સહિષ્ણુતાના વિચાર, માનવજાતિની એકતાનું દર્શન, સર્વધર્મોની મૂળભૂત એકતાનું ધ્યેય, વગેરે તો તેમનો સમગ્ર જગતને આપેલો સંદેશ છે. આમ, સ્વામી વિવેકાનંદ એક રીતે કેવળ ભારતની જ સમસ્યાઓ વિષે વિચારતા નહોતા, પરંતુ આખાયે જગતની સમસ્યાઓ વિષે પણ વિચારતા હતા. તેમણે આપણને એક નવો માર્ગ દેખાડ્યો, સમગ્ર માનવજાતને નવી દિશા ચીંધી અને બધાંને બંધુભાવમાં બાંધી લીધા. ભારતીય પ્રજાની સ્થિતિ વિષે તેઓ વ્યથિત હતા અને દરેક ભારતીયજનને સ્વમાન અને સામર્થ્યથી ભરી દેવાની તેમની મહેચ્છા હતી.

આજે રામકૃષ્ણ મિશનના શતાબ્દી ઉત્સવ સમારોહના શુભ પ્રસંગે, હું સ્વામી વિવેકાનંદને અને તેમના મિશનના અન્ય સમર્પિત સ્વામીઓને મારી નમ્ર શ્રદ્ધાંજલિ અને ભાવાંજલિ અર્પું છું, જેમણે તેઓના સંદેશને આગળ ધપાવ્યો છે, અને કેવળ ભારતમાં જ નહિ, બલ્કે સમગ્ર વિશ્વમાં તે સંદેશ પહોંચાડતા રહ્યા છે.

ભાષાંતર : ડૉ. સુધા નિખિલ મહેતા

(‘પ્રબુદ્ધ ભારત’ ઑગસ્ટ ’૯૭માંથી સાભાર)

સંદર્ભ અને નોંધ

(૧) પશ્ચિમ બંગાળના રાજ્યપાલનાં ધર્મપત્ની.

(૨) પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શ્રી જ્યોતિ બાસુનાં ધર્મપત્ની.

(૩) કમ્પ્લિટ વકર્સ ઑફ સ્વામી વિવેકાનંદ (કલકત્તા, અદ્વૈત આશ્રમ, ૧૯૮૯), વો. ૮, પા. ૩૦૦ (હવેથી કં.વ.)

(૪) કં.વ. વૉ.૪, પા. ૩૬૩

Total Views: 155

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.