બેથી પણ વધુ શતકો જેટલાં વર્ષોથી આપણે યુરોપીય દૃષ્ટિકોણથી ઈતિહાસ લેખન કરતા આવ્યા છીએ. આ સમય દરમ્યાન યુરોપની મુખ્ય પ્રવૃત્તિ સંસ્થાનો માટેની દોડ હતી, તેને પરિણામે વિશ્વના ઈતિહાસ-લેખનમાં પણ તે હેતુ જ પ્રતિબિંબિત થાય છે. આ બાબત સૌ કરતાં વધારે તો પ્રાચીન ભારતના ઈતિહાસ માટે વધુ પ્રસ્તુત છે. ભારતે તેના પ્રાચીનતમ અને અતિવિસ્તૃત ઐતિહાસિક સ્રોતોને જાળવી રાખ્યાં છે. પરંતુ આજે ભારતના ઈતિહાસનાં શૈક્ષણિક પુસ્તકોમાં વેદો અને પુરાણો જેવા ઐતિહાસિક ગ્રંથોનું અત્યંત વિષમ રૂપે અર્થઘટન થાય છે અને ઉલટાનું તેમાં સાંસ્થાનિક હેતુઓ અને હિતોને જ વાસ્તવિક હકીકતોવાળો ‘ઈતિહાસ’ ગણાવામાં આવે છે. આમાં ઉપહાસરૂપ તો એ છે કે જે યુરોપીય ‘ઈતિહાસકારો’એ તેથી જ, પ્રાચીન ભારતનો ઈતિહાસ લખ્યો, તેઓ મુખ્યત્વે તો અંગ્રેજોની કંપની સરકારના નોકરિયાતો હતા અથવા ચર્ચના મિશનરીઓ જ હતા. તેમનામાં, ઈતિહાસ-લેખન માટેની જરૂરી આવડતો કે કૌશલ્ય અને અભિગમ પણ હતાં નહિ!

તાજેતરમાં પુરાતત્ત્વશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, પ્રાચીન ગણિતશાસ્ત્ર જેવામાં થયેલી નવી શોધખોળો, કૃત્રિમ ઉપગ્રહો દ્વારા લેવાયેલી છબીઓ અને ખાસ તો આવી માહિતીના આધારે પ્રાચીન અભિલેખોનાં નવાં સાહસિક અર્થઘટનો દ્વારા હવે ભારત તેમજ વિશ્વના પ્રાચીન ઈતિહાસ અંગે એક વધુ સારી સમજ કેળવી શકવાને આપણે સમર્થ બન્યા છીએ. આપણા પ્રાચીન અભિલેખોમાંની વિગતોને, જેને આપણે પરંપરાગત રીતે સાચવી રાખેલ છે, તેનું સમર્થન આ નવી શોધખોળો કરતી જણાય છે. આ નવી માહિતી મુજબ, ભારતીય સંસ્કૃતિનાં મૂળ ઈ.પૂ. ૭૦૦૦ વર્ષથી પણ વધુ પ્રાચીન સમયમાં જણાય છે. ક્રમશઃ એ પણ સ્પષ્ટ થતું જાય છે કે વિખ્યાત ઋગ્વેદ અને વૈદિક સંસ્કૃતિનો વિકાસ થવામાં તે સમયે પૃથ્વી પરની વિશિષ્ટ પરિસ્થિતિ કારણભૂત હતી – એ સમયે છેલ્લા હિમયુગ પછી બરફનાં શિખરો પીગળવા લાગ્યાં હતાં. સંશોધનો દ્વારા એ પણ જાણવા મળે છે કે ‘આર્યોના ભારત પરના આક્રમણ’નો વિચાર કેવળ તે સમયે યુરોપીય રાજકારણ અને મિશનરીઓના હિતોને ધ્યાનમાં રાખીને જ રજૂ કરવામાં આવ્યો હતો અને નહિ કે પ્રાચીન ભારતીય અભિલેખો કે વિજ્ઞાનશાસ્ત્રોમાં દર્શાવાયેલી હકીકતોને ધ્યાનમાં રાખીને. રાજકીય કારણો ઉપરાંત બીજું કારણ એ પણ હતું કે ૧૯મી સદીના ઈતિહાસના વિદ્વાનોમાં વિજ્ઞાનના જ્ઞાનનો તદ્દન અભાવ હતો. ભાષાશાસ્ત્રમાં થયેલી નવી શોધોને તેમણે એક ક્રિશ્ચિયન મતાગ્રહ (Dogma) સાથે જોડી દીધી, કે ઈ.પૂ. ૪૦૦૪ના વર્ષની ૨૩મી ઑક્ટૉબરે જગતની ઉત્પત્તિ થઈ હતી પણ ભારતથી માંડીને આયર્લેન્ડ સુધી બોલાતી ઈન્ડો-યુરોપિયન ભાષાનાં મૂળ તો ઈ.પૂ. ૪૦૦૦ થી પણ વધુ પ્રાચીન સમયના ભારતમાંથી જ મળી આવે છે, એ વાત પણ વધુ સ્પષ્ટ ચૂકી છે. પરંતુ આ બધાંમાં સૌથી વધુ નાટકીય શોધ તો એ હકીકતની છે કે ઈજીપ્ત, મેસોપોટેમિયા અને સિંધુ સંસ્કૃતિથી પણ વધુ પ્રાચીન આધ્યાત્મિક સાંસ્કૃતિક સ્તરનું અસ્તિત્વ વેદયુગીન ભારતમાં જણાઈ આવે છે. સંસ્કૃતિના ઉદય અગાઉની પૂર્વભૂમિ-જગતની આદ્ય સંસ્કૃતિનું ઉદ્ભવસ્થાન હતું – સિંધુથી લઈને ગંગા સુધીનો પ્રદેશ.

આ નવીન શોધખોળોને આધારે હવે ઘણા ભારતીય તથા અમેરિકન વિદ્વાનોએ ભારત અને વિશ્વના ઈતિહાસનું તદ્દન નવું સ્વરૂપ રજૂ કરવા માંડ્યું છે. અત્રેના લેખમાં લેખકનાં પોતાનાં બે પુસ્તકોમાંના એક, ‘ધી પૉલિટિક્સ ઑફ હિસ્ટ્રી’, એમ.એસ. રાજારામ અને ‘વૈદિક આર્યન્સ ઍન્ડ ધી ઑરિજિન્સ ઑફ સિવિલાઈઝેશન’ ડૅવિડ ફ્રૉલીના પુસ્તકની સંક્ષિપ્ત રજૂઆત કરવામાં આવી છે. – સં.

પ્રાચીન ભારત: જૂનાં મંતવ્યો અને નવા પુરાવાઓ

પ્રાચીન ભારતના ઈતિહાસ-લેખનની એક વિશિષ્ટ અને આશ્ચર્યકારક બાબત એ છે કે તેના લેખકો ન તો ભારતીય હતા કે ન તો ઈતિહાસકારો હતા. તેઓ માત્ર યુરોપના ભાષાશાસ્ત્રીઓ અને સાંસ્થાનિક નોકરિયાતો જ હતા. ભારતના સાંસ્થાનિક અતીતનો આ પુરાવો તો છે જ, પણ સાથે સાથે તેના આધુનિક શિક્ષણશાસ્ત્રીઓ અને ખાસ કરીને તેના આધુનિક ઈતિહાસકારોની એ નિષ્ફળતા જ કહેવાય કે તેઓ આજે પણ શૈક્ષણિક પુસ્તકોમાં સાંસ્થાનિક હિતો અને ક્રિશ્ચિયન મિશનરીઓનાં અર્થઘટનોને પ્રતિબિંબિત કરતા ઈતિહાસને આલેખ્યા કરે છે. યુરોપની રાષ્ટ્રીય ચળવળો અને અન્ય ઘટકોએ આ હિતો સાથે હાથ મિલાવ્યા હતા અને તેમને ભારતના પ્રાચીન ઈતિહાસના તથ્યમાં કોઈ જ રસ નહોતો. તેમણે તો એ ઈતિહાસનું એવું અર્થઘટન કરવાના પ્રયત્નો કર્યા કે જેમાંથી એમ ફલિત થાય કે ભારતની બધી ઉપલબ્ધિઓ માત્ર આક્રમણકારોને જ આભારી છે. સૌથી પ્રાચીન ‘આક્રમણકારો’ હતા આર્યો, જેઓ પોતાની સાથે વિશ્વનો પ્રાચીનતમ ધર્મગ્રંથ ગણાતો ‘ઋગ્વેદ’ પણ બહારથી લાવ્યા હતા!

આક્રમણકારોને આ રીતે જોવાનો દૃષ્ટિકોણ ભારતના જ નહિ, વિશ્વના ઈતિહાસ માટે પણ દુર્ભાગી ઠર્યો, કેમકે ભારતના વેદ-યુગીન આર્યોથી લઈને આયર્લેન્ડના સેલ્ટીક-ડ્રુઈડ્સ સુધીની તમામ પ્રજાઓના ઐતિહાસિક વારસાના સંકેતોને મોટે ભાગે ભૂંસી કાઢવામાં આવ્યા છે પણ સદ્ભાગ્યે હવે, એક નવા, વધુ વૈજ્ઞાનિક અને કોઈ પૂર્વગ્રંથિ વિના જ પ્રાચીન ભારતીય અભિલેખોનું સંશોધન શરૂ થયું છે. તે એક આદિમયુગીન વિશ્વ હતું – એક મહાન સ્રોત જેમાંથી એશિયા તથા યુરોપ ખંડોના રહેવાસીઓની મહાન ઈન્ડો-યુરોપિયન ભાષાઓનો ઉદ્ભવ થયો.

આજના કોઈ પણ શૈક્ષણિક ઈતિહાસના પુસ્તકમાં તમે જોશો કે ભારતની પ્રાચીન સંસ્કૃતિનો પ્રારંભ સિંધુ ખીણની સભ્યતાથી કરવામાં આવે છે. મોટે ભાગે હડપ્પા અને મોહેનજોદડોનાં સ્થળોની શોધથી તે શરૂ થાય છે, થોડું વિવરણ ત્યાં મળી આવેલ વસ્તુઓનું થાય છે. કદાચ એમ પણ કહેવાય છે કે આ નગરો એટલાં વિકસિત સંસ્કૃતિનાં હતાં અને તે કાળજીપૂર્વક આયોજિત થયેલાં હતાં. પાણી પહોંચાડવાની વ્યવસ્થા ઉપરાંત મોટી ગટરના પાણીના નિકાલની પણ સરસ વ્યવસ્થા હતી અને આ સભ્યતા ક્રમશઃ હ્રાસ પામી અને છેવટે ઈ.પૂ. ૧૫૦૦ની આસપાસ તેનો અસ્ત જ થઈ ગયો. આના કારણરૂપ તો બહારના રખડુ કબીલાઓ-આર્યો-હતા. જેમણે સિંધુ સંસ્કૃતિનો નાશ કર્યો અને ઉત્તર ભારતમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું અને પોતાની સંસ્કૃતિ ઊભી કરી, જેમાં ઋગ્વેદની રચના મુખ્ય છે. વળી આ યુગથી જ ભારતનો સાચો ઈતિહાસ શરૂ થાય છે એમ જણાવાય છે અને આ ‘આક્રમણકાર’ આર્યો પોતાના અભિલેખોની પરંપરા સર્જે છે.

આ પ્રકારની માહિતીને લઈને વિદ્યાર્થી તો એમ જ સમજે છે કે – માની લે છે કે -‘આર્યોના આક્રમણ’ વિષેનો મતાગ્રહ (મંતવ્ય) કોઈ પુરાતત્ત્વીય સંશોધન પર આધારિત જ હશે. પરંતુ હકીકત કંઈ જુદી જ છે. હકીકત એ છે કે પુરાતત્ત્વનાં કોઈ પણ કાર્યો કર્યાં પહેલાં જ ‘આર્યોના આક્રમણ’નો મતાગ્રહ શરૂ થઈ ચૂક્યો હતો. ૧૮મી અને ૧૯મી સદીના યુરોપની ધાર્મિક અને રાજકીય માન્યતાઓમાં આનાં મૂળ જણાય છે. ખાસ તો જર્મન રાષ્ટ્રવાદી વિચારોમાં ૧૯મી અને ૨૦મી સદીના સંશોધકોએ આ તૈયાર માન્યતાઓના માળખામાં ભાષાશાસ્ત્રનો ટેકો ઊભો કરવામાં પોતાની વિદ્વત્તા ખરચી નાખી. તેમાંના સૌથી મહાન અને પ્રભાવશાળી વ્યક્તિ હતા, વિખ્યાત જર્મન ઈન્ડૉલૉજીસ્ટ, નામદાર ફ્રૅડરિક મૅક્સમૂલર. એક સંનિષ્ઠ સંસ્કૃત વિદ્વાન હોવા છતાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ અથવા વિજ્ઞાન અંગે તેઓ કશું જ જાણતા નહોતા. બલ્કે બાઈબલના એ કથનમાં તેમને અંધશ્રદ્ધા જ હતી કે આ વિશ્વની ઉત્પત્તિ ઈ.સ. ૪૦૦૪ની ૨૩મી ઑક્ટૉબરે સવારે ૯ વાગે થઈ હતી!

ભાષાશાસ્ત્રીઓનું પ્રદાન શું હતું? ભારતીય અને યુરોપીય ભાષાઓની સામ્યતાઓ પ્રત્યે ઈ.સ. ૧૭૮૪માં સર વિલિયમ જૉન્સનું ધ્યાન ગયું, જેઓ બંગાળમાં જજ તરીકે કામ કરતા હતા. જો કે આ પહેલાં એક ફલોરેન્ટાઉન વેપારી ફિલિપ્પો સાસેટ્ટીએ ગોવામાં (૧૫૮૩-૧૫૮૮) પાંચ વર્ષના તેના વસવાટ દરમ્યાન નોંધ્યું જ હતું કે સંસ્કૃત અને યુરોપીય ભાષાઓ વચ્ચે જરૂર કોઈ સમાન કેડી હોવી જોઈએ. પરંતુ વિલિયમ જૉન્સે ભલે એ બાબત પ્રથમ વાર ન કહી હોય, તે અંગેનો વ્યવસ્થિત અભ્યાસ કરનાર તે પ્રથમ વ્યક્તિ હતા તેથી તેને યથાર્થ રીતે જ ઈન્ડૉલૉજીના અભ્યાસનો પિતા કહેવામાં આવે છે. ઉદાહરણ રૂપે, સંસ્કૃત શબ્દ ભગવાન માટે પર્યાય ‘દેવ’ છે, જે લેટિનમાં ‘Deus’, ઈટાલિયનમાં ‘Dio’, ફ્રેન્ચમાં ‘Dieu’ અને ગ્રીકમાં ‘Theo’ છે. તેજ રીતે સંસ્કૃતનો શબ્દ ‘અગ્નિ’ લેટિનમાં ‘ઈગ્નીસ’ બને છે જેના ઉપરથી આધુનિક અંગ્રેજી ભાષામાં ‘ઈગ્નાઈટ’ અને ‘ઈગ્નીશન’ જેવા શબ્દો આગ કે ચિનગારી સળગાવવાના અર્થમાં વપરાય છે. આવા સામાન્ય શબ્દોની સંખ્યા એટલી વિપુલ છે કે તે કેવળ આકસ્મિક ન હોઈ શકે. ભાષાશાસ્ત્રીઓ તેથી એક એવી ધારણા કરે છે કે આ સંબંધિત ભાષાઓ બોલનારાઓના પૂર્વજો એક જ પ્રદેશમાં વસવાટ કરતા હોવા જોઈએ, જેને હવે આપણે ‘ઈન્ડો-યુરોપિયન’ તરીકે ઓળખીએ છીએ. એમની વિવિધ શાખાઓ કોઈ કારણોસર એશિયા અને યુરોપના ખંડોમાં સ્થળાંતર કરી ગઈ હોવી જોઈએ એમ માનવાથી આ ભાષાનું સામ્ય યોગ્ય જણાય છે.

આ ‘સ્થળાંતર’ અથવા ‘આક્રમણ’નું મંતવ્ય પણ કંઈ નવું નહોતું : યુરોપિયન રાષ્ટ્રવાદીઓએ ઊભા કરેલા ‘આર્યન રેસ’ – આર્ય જાતિ – ના મંતવ્યને પોતાની જરૂરિયાત મુજબ ટેકો આપ્યો હતો. બીજા શબ્દોમાં તે જૂનાં મંતવ્યો હતાં અને હવે તેમણે નવાં પરિધાન પહેર્યાં હતાં. આમ ભાષાશાસ્ત્રને કારણે આ મંતવ્ય ઊભું થયું એમ કહેવું અયોગ્ય છે.

સાથે સાથે એ પણ ધારણા કરવામાં આવી કે આ મૂળ પૂર્વજોનું વતન મધ્ય એશિયા અથવા યુરોપમાં કોઈ સ્થળે હોઈ શકે છે. આ ‘ઈન્ડો-યુરોપિયન’ લોકોના વંશજો ‘આર્યો’ હતા જેમણે સ્થળાંતર સમયે ભારત પર ‘આક્રમણ’ કર્યું હતું. મૅક્સમૂલરે બાઈબલમાં વિશ્વની ઉત્પત્તિની તિથિને માન્ય રાખી હતી, તેથી તેમણે ઈ.પૂ. ૨૪૪૮ને ‘બિબ્લીકલ ફલડ્‌સ’ની ‘મહાન રેલ’ તિથિ ગણાવી, અને તેથી ઈ.પૂ. ૧૫૦૦થી પહેલાં કોઈ પણ ગણતરીથી આ ‘આક્રમણ’ સંભવિત ન હતું અને તેથી ઋગ્વેદની રચનાનો સમય તેમણે ઈ.પૂ. ૧૨૦૦નો ઠરાવ્યો અને જણાવ્યું કે તે તિથિ સાહિત્યિક અને ભાષાશાસ્ત્રીય કારણોથી અપાય છે.

પુરાતત્ત્વનું પદાર્પણ આ ક્ષેત્રે ઘણું મોડેથી થયું. ૧૯૨૧માં દયારામ સાહનીએ પોતાનો અભિપ્રાય જાહેર કર્યો કે હડપ્પાનાં ખંડેરો મૌર્ય કાળ કરતાં પણ વધુ પ્રાચીન સંસ્કૃતિનાં છે અને ત્યાર પછી એકાદ જ વર્ષમાં આર.ડી.બૅનરજીએ મોહેનજોદડોના એક સ્થળના ખોદકામ વખતે જાહેર કર્યું કે આ બંને સ્થળોની સંસ્કૃતિ એક જ છે. ૧૯૨૨ના સમયે પ્રવર્તમાન જ્ઞાનના સંદર્ભમાં આ અભિપ્રાય આપવો તે તો બૅનરજીની અત્યંત ઊંડી સમજશક્તિ જ જાહેર કરે છે. પરંતુ ૧૯૨૪માં ‘ઈલસ્ટ્રેટેડ લંડન ન્યૂઝ’ નામના સામયિકમાં જહૉન માર્શલે લખેલા એક લેખને કા૨ણે આ નવીન શોધખોળોએ સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું. ત્યાર પછી ઘણી વિગતો આ સંસ્કૃતિ અંગે બહાર આવી છે – વિસ્તૃત સંસ્કૃતિ, વિસ્તૃત વ્યાપાર, નાવિક શક્તિ, આદિ.

પોતાના ‘આક્રમણ’ના મંતવ્યને પુરાતત્ત્વની શોધોનો ટેકો આપવા વિદ્વાનોએ આ અવશેષોને તે આક્રમણ સમયના અવશેષો જ ગણાવ્યા. ઈન્દ્ર ‘પુરંદર’ પર તેનો ‘આરોપ’ છે, એવું મોર્ટીમર વ્હીલરે જાહેર કર્યું. તેઓની નાટ્યાત્મક જાહેરાતોને લોકોએ વધુ પડતી ગંભીરતાથી લીધી હતી. તેવું તેમણે પોતે પછીથી કબૂલ કર્યું હતું- તેમનાં મંતવ્યો કોઈ વાસ્તવિક પુરાવા પર આધારિત હતાં નહિ.

ઉપરાંત એમ પણ કહેવાયું કે જેના પર ‘આર્યોનું આક્રમણ’ થયું તેઓ ‘દ્રવિડ’ હતા જેમને આર્યોએ તગેડી મૂક્યા. જો કે સિંધુ ખીણની મુદ્રાઓ પરની ભાષાને તામિલ આદિ ‘દ્રવિડ’ ભાષાને આધારે ઉકેલવાના પ્રયત્નો આજ સુધી નિષ્ફળ જ રહ્યા છે. ઉપરાંત, એ યાદ રાખવું ઘટે કે ‘આર્ય’ અને ‘દ્રવિડ’ જેવું વર્ગીકરણ તદ્દન આધુનિક છે, જે તે સમયની સ્થિતિમાં અપ્રસ્તુત હોઈ શકે છે. વળી બે હજાર વર્ષો પૂર્વે કોઈ ભાષા ‘દ્રવિડિયન’ હોવાના પ્રમાણ મળતાં નથી, જ્યારે હડપ્પાની મુદ્રાઓ ૪૦૦૦ વર્ષો જેટલી પ્રાચીન છે – તો એ ‘દ્રવિડ’ કઈ રીતે હોઈ શકે? ભારતની લગભગ બધી જ ભાષાઓનાં મૂળ સંસ્કૃતમાં જ છે. શ્રી એસ.આર. રાવ અને અમેરિકાના શ્રી સુભાષ કાકના તથા અન્ય વિદ્વાનોના પ્રયત્નોથી લાગે છે કે હડપ્પાની મુદ્રાઓની લિપિને સંસ્કૃતની સાથે સાંકળવાથી કદાચ તેનો ઉકેલ શક્ય બને. આ સંભાવનાને પુરાતત્ત્વીય સમર્થનો મળતાં જાય છે. તેથી એમ લાગે છે કે વેદયુગના અંતિમ ચરણમાં સિંધુ સંસ્કૃતિ હતી અને બંનેનું પતન એક સાથે થયું. તેનાં કારણો કઈ રીતે ભૌગોલિક હતાં તે આપણે પછીથી તપાસીશું.

જો ‘આર્યોના આક્રમણ’નું મંતવ્ય સ્વીકારીએ તો વેદિક સાહિત્ય- ખાસ તો ઋગ્વેદની રચના-નો સમય સિંધુ સંસ્કૃતિના પતન પછીનો જ આપવો પડે. પણ કેટલાયે અન્ય જ્ઞાન-વિજ્ઞાન શાખાના પ્રશ્નો અને પુરાવાઓથી આ બાબત વિષે શંકા ઊભી થતી જાય છે અને તેને કાલ્પનિક મંતવ્ય ગણવાની સંભાવના ઊભી થતી જાય છે.

ઋગ્વેદમાં ગંગા નહિ પરંતુ સરસ્વતી નદી સૌથી પવિત્ર ગણાતી હતી. તેને ‘માતાઓમાં ઉત્તમ, નદીઓમાં ઉત્તમ, દેવીઓમાં ઉત્તમ…’ (ૠગ્વેદ, ૨-૪૧,૧૬) જેવા શ્લોકો નવાજે છે. તાજેતરના પુરાતત્ત્વીય અભ્યાસો દર્શાવે છે કે સિંધુ સંસ્કૃતિનું કેન્દ્ર-બિન્દુ સિંધુ નદી નહિ બલ્કે હવે સુકાઈ ગયેલી પરંતુ પહેલાંના સમયમાં વહેતી, સરસ્વતી નદી જ હતી. આ નદી પર એક હજારથી પણ વધુ પડાવો જણાયા છે, અને એ રીતે ૠગ્વેદની વાતનું સમર્થન થાય છે. સ્વ. શ્રી વી.એસ. વાકનકર અને અન્ય જ્ઞાન-શાખાઓના તજ્જ્ઞ વિદ્વાનોની મંડળીએ વર્ષોની જહેમત ઉઠાવીને કરેલા સંશોધનથી જણાયું છે કે સરસ્વતીએ ઘણી વા૨ તેનું વહેણ બદલ્યું છે અને લગભગ ઈ.પૂ. ૧૯૦૦માં તે લુપ્ત થઈ ગઈ, સુકાઈ ગઈ. આમ થવાનું મુખ્ય કારણ એ હતું કે યમુના હવે ગંગાને પુરવઠો પૂરો પાડતી થઈ અને સતલજ સિંધુમાં ભળી ગઈ અને આ રીતે સરસ્વતીનો પુરવઠો ઘણો ખરો બંધ થયો. સરસ્વતી ક્ષેત્રના ભરતોને બદલે હવે પૂર્વ તરફના મગધ પ્રદેશમાં ભારતની શાસનધુરાનું કેન્દ્ર ખસી ગયું. આ બધા જ ફેરફારોની નોંધ વેદયુગના અંતિમ ચરણના અને ત્યાર પછીના સાહિત્યમાં – એટલે કે બ્રાહ્મણોમાં અને પુરાણોમાં- નોંધાયેલાં જ છે. સિંધુ સંસ્કૃતિ – જેનો રક્તપ્રાણ સરસ્વતી હતી તેને સિંધુ સરસ્વતી સંસ્કૃતિ કહેવી વધુ યોગ્ય ગણાશે. અમેરિકાએ છોડેલા ‘લૅન્ડસૅટ’ ઉપગ્રહો અને ફ્રાન્સના ‘સ્પૉટ’ ઉપગ્રહની છબીઓ પરથી પણ આ સરસ્વતીના અસ્તિત્વ અને ઈતિહાસ વિષે આ બાબતોને સમર્થન જ મળે છે.

જો ઈ.પૂ. ૧૯૦૦માં મહાન પ્રવાહ ધરાવતી સરસ્વતી નદી લુપ્ત થઈ, તો ‘આર્યોના આક્રમણ’ના મંતવ્ય પર ફરી એક વાર સંશય ઊભો થાય છે. જો એ નદી ઈ.પૂ. ૧૯૦૦માં લુપ્ત થઈ ગઈ, તો ૫૦૦ વર્ષ પછી ઋગ્વેદના રચયિતાઓએ એ નદીનું સ્પષ્ટ અને સવિસ્તર વર્ણન, પૂજા વગેરે કઈ રીતે કર્યાં હશે? જો પોતે ભારતમાં ૫૦૦ વર્ષ પછી આવ્યા હોય તો, બીજો ગૂંચવણભર્યો કોયડો એ છે કે પોતાના મોટા ભાગના પડાવ તેમણે સુકાઈ ગયેલી એ નદી પર શા માટે નાખ્યા હશે? તેમના ‘આગમન’ સમયે અન્ય મોટી મોટી છ નદીઓ હતી – સિંધુ અને તેને પુરવઠો આપતી અન્ય પાંચ નદીઓ – તો તેમને છોડીને એક સુકાઈ ગયેલી નદીને તટે પડાવ કેમ નાખ્યા હશે? તો આ પુરાતત્ત્વીય રીતે ગણીએ તો સ્પષ્ટ છે કે : ઋગ્વેદમાં વર્ણવવામાં આવેલું ભારત સરસ્વતી નદીના લુપ્ત થવા પહેલાંનું છે. બીજા શબ્દોમાં આ એક હજાર ચોરસ માઈલનો વિશાળ ઘેરાવો ધરાવતી સંસ્કૃતિ વૈદિક હતી, ‘આર્યન’ હતી. તો પછી ‘આર્યોનું આક્રમણ’ કે ‘આર્યન-દ્રવિડિયન અથડામણ’, જેવા મંતવ્યો નર્યાં કાલ્પનિક જ છે, વાસ્તવિક નહિ.

બીજો મહત્ત્વપૂર્ણ પુરાતત્ત્વીય પુરાવો છે કે સિંધુ સંસ્કૃતિનાં ઘણાં સ્થળો પર ‘યજ્ઞશાળાઓ’ મળી આવી છે. તેમાંની ‘યજ્ઞવેદી’ની રચના ‘શુક્ષ્મ-સૂત્રો’ના નિયમો પ્રમાણે થઈ છે. આ શુક્ષ્મ-સૂત્રો દુનિયામાં સૌથી જૂનાં ગણિતશાસ્ત્રના ગ્રંથો છે. આવે વખતે આપણે તાર્કિક રીતે જોતાં એ સ્વીકારી ન શકીએ કે આમ તો હડપ્પાના લોકોએ યજ્ઞવેદીઓ રચી હતી, પણ તેના નિયમો તો તેના પર આક્રમણ કરનારા લોકોએ પૂરા પાડ્યા હતા.

વળી એક અત્યંત રસપ્રદ કિસ્સો આ સંદર્ભમાં જાણવો જોઈએ. ૧૯૫૮માં અમેરિકાના એક ધનાઢ્ય સંગ્રાહક, શ્રી હૅરી હિક્સે પોતાની ભારતની એક યાત્રા દરમ્યાન એક એવો અવશેષ મેળવ્યો જેને ઓગળવાની પ્રક્રિયામાંથી માંડ બચાવી લેવામાં આવ્યો હતો. આ અવશેષ હતો ધાતુનું બહુ જ સુંદર રીતે ઘડાયેલું માથું. હિક્સ અને અમેરિકન ફિઝિસીસ્ટ ડૉ.રૉબર્ટ ઍન્ડરસને આ શિલ્પ – જે વસિષ્ઠના મસ્તક તરીકે ઓળખાય છે – પર અત્યંત આધુનિક પરીક્ષણો અમેરિકન અને સ્વીટ્ઝરલૅન્ડની પ્રયોગશાળાઓમાં કર્યાં. તેઓના આશ્ચર્ય વચ્ચે તે ધાતુશિલ્પનો સમય ઈ.પૂ. ૩૭૦૦ વર્ષનો છે – ‘આર્યોનું આક્રમણ’ ભારતમાં થયું તેના કરતાં પણ ૨૦૦૦ વર્ષ જૂનો! અને ઋગ્વેદમાં વર્ણવાયેલા વસિષ્ઠ મુનિના દરેક વર્ણનને – લક્ષણને- આ શિલ્પ સાકાર કરતું જણાય છે! આ વસિષ્ઠ મુનિ રાજા સુદાસના મુખ્ય પુરોહિત અને સલાહકાર હતા અને તેમની મદદથી ‘દાશરાજ્ઞ યુદ્ધ’માં સુદાસે વિજય મેળવ્યો હતો. વળી ઋગ્વેદનું સાતમું મંડળ રચનાર પણ આ વસિષ્ઠ જ હતા. વેદોમાં થયેલાં ખગોળશાસ્ત્રીય કથનો પણ આ જ તિથિને સમર્થન આપે છે. આમ ભાષાકીય, ઐતિહાસિક, ધાતુશાસ્ત્રીય અને ખગોળશાસ્ત્રીય પુરાવાઓને આધારે આ ‘દાશરાજ્ઞ યુદ્ધ’ની તિથિ ઈ.પૂ. ૩૭૩૦ની ગણી શકાય. જે પેલા ધાતુશિલ્પની પણ ગણાવવામાં આવી છે – વૈજ્ઞાનિક રીતે.

તો એમ જણાય છે કે ઈ.પૂ. ૪૦૦૦ના સમયમાં આર્યો ભારતમાં સ્થિર થઈ ચૂક્યા હશે એટલું જ નહિ, પરંતુ તેમની સંસ્કૃતિ પણ અતિ વિકસિત હશે. સિંધુ સંસ્કૃતિ, એ રીતે ગણતાં, વેદયુગીન સંસ્કૃતિથી પછી જ આવી છે અને આધ્યાત્મિક રીતે પણ તેનાથી પછાત હતી તે સ્પષ્ટ છે. આમ, ‘દ્રવિડો’ વૈદિક સંસ્કૃતિના ભાગ જ હતા, અને ‘આર્ય-દ્રવિડ સંઘર્ષ’નું મંતવ્ય કેવળ આધુનિક વિદ્વાનોએ ઊભી કરેલી દંતકથા છે. જેનો મૂળ હેતુ લોકોમાં ભંગાણ પડાવવાનો જ હતો. પણ એ ઉપરાંત બીજે પણ મતાગ્રહ છોડવો પડશે- વૈશ્વિક ઈતિહાસના સ્તરે, મૅસોપોટેમિયાને ‘માનવસંસ્કૃતિના ઉદ્‌ગમ-સ્થાન’ તરીકે ઓળખવાને બદલે ૠગ્વેદીય સંસ્કૃતિ જ અતિ પ્રાચીન હોવાને લીધે તેને એ સ્થાન મળવું જોઈએ.

દક્ષિણ-એશિયાના અભ્યાસના પ્રખર વિદ્વાન અમેરિકન પ્રૉફેસર અને પુરાતત્ત્વશાસ્ત્રી શ્રી જીમ શાફરે પોતાના વિખ્યાત કથનમાં કહ્યું છે :

“તાજેતરમાં મળી આવેલી પુરાતત્ત્વીય હકીકતો કોઈ ‘ઈન્ડો-આર્યન’ અથવા યુરોપિયન આક્રમણ દક્ષિણ એશિયામાં પ્રાગૈતિહાસિક યુગમાં અથવા આદ્ય-ઐતિહાસિક યુગમાં કોઈ સમયે થયું હતું એનાં કોઈ જ પ્રમાણ પૂરાં પાડતી નથી. ઉલટાનું, પુરાતત્ત્વીય હકીકતોને આધારે પ્રાગૈતિહાસિક કાળથી લઈને ઐતિહાસિક સમય સુધીની તળપદી સંસ્કૃતિના વિકાસની કડીબદ્ધ માહિતી અવશ્ય મેળવી શકાય છે.”

અલબત્ત, એ ન ભૂલવું જોઈએ કે આ બધી શોધખોળો હમણાં-હમણાં થઈ છે અને આપણાં શૈક્ષણિક પુસ્તકોમાં તેનો સમાવેશ થઈ જ ચૂક્યો હોવો જોઈએ તેવી અપેક્ષા રાખવી પણ યોગ્ય નથી. છતાં દુર્ભાગ્યે આપણા પ્રતિભાશાળી ઈતિહાસકારો અને શિક્ષણશાસ્ત્રીઓ આ પુસ્તકોમાં વર્ષોવર્ષ જરૂરી ફેરફારોનાં સૂચનો પણ નકારતા જ રહ્યા છે અને ‘જાતિ’વાદ અથવા ‘આક્રમણ’નાં મંતવ્યોને વળગી જ રહ્યા છે. કદાચ થોડો ફેરફાર એ જણાય છે કે ‘આર્ય’ અને ‘દ્રવિડ’નું વર્ગીકરણ ‘જાતિ’ નહિ પરંતુ ‘ભાષા’ના આધારે કર્યું છે, જો કે તેનાં મૂળ પણ ‘જાતિવાદ’માં છે તે આપણે જોઈ શકીશું. આ મતાગ્રહની ‘શોધ’ જર્મનોએ કરી અને અંગ્રેજોએ તેનો ઉપયોગ કર્યો તે વધુ પડતું સરળ કહેવાતું હોય તો પણ સત્યથી ખાસ વેગળું તો નથી જ છતાં આ લુપ્ત પ્રયોગ (obsolete) વિચ્છેદનકર્તા કલ્પનાને ચાલુ રાખવાનું શિક્ષણશાસ્ત્રીઓ શા માટે મુનાસિબ સમજે છે, તે કળી શકાતું નથી, ખાસ તો એવે વખતે જ્યારે ભારતીય અભિલેખો અથવા પુરાતત્ત્વમાંથી કે વિજ્ઞાનશાખાઓના સંશોધનોમાંથી તેને કોઈ ટેકો ન મળતો હોય.

(ક્રમશઃ)

ભાષાંતર : ડૉ.સુધા મહેતા (‘પ્રબુદ્ધ ભારત’ સપ્ટે, ‘૯૬માંથી સંકલિત)

Total Views: 74

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.