ડૉ. અમૃતા એમ. સામ, સંયુક્ત રાજ્ય અમેરિકામાં કાર્યરત રામકૃષ્ણ સંઘના કેન્દ્ર વેદાંત સોસાયટી ઑફ સધર્ન કૅલિફોનિર્યા, હૉલિવુડ સાથે ગાઢ રીતે સંકળાયેલાં છે. – સં.

અગોચર વૃન્દરૂપે જેમના વિચારપ્રવાહો સમાજમાં સર્વત્ર ઊંડે ઊંડે ઊતરી રહ્યા છે એનો આપને ખ્યાલ આવ્યો છે? છેલ્લા બે દાયકાથી કાર્ય અને વિજ્ઞાનની યુતિ, વૈવિધ્યનો સ્વીકાર. અધ્યાત્મ સાધનાની આવશ્યકતાનો સ્વીકાર – તમારી નજરે ચડ્યો છે? સ્વામી વિવેકાનંદની એક પંક્તિ વાંચીને તમે કેવા અને કેટલા ઝંકૃત થઇ ઊઠ્યા – એ વાતની તમને યાદ છે ખરી? સ્વામીજીના કોઇ પણ સંદેશને લો-ઉદાહરણ તરીકે –

“આટઆટલાં વર્ષો આપણે પરાશ્રયી રહ્યા. જો મારે સુખાનંદ હોય અને એમાંય એક વ્યક્તિ ચાલી જાય તો મારા આનંદનો ય અંત આવી જાય. માણસની મૂર્ખામી તો જુઓ! તે પોતાની સુખાકારી માટે બીજા પર આધાર રાખે છે! બધા વિયોગ દુઃખદાયી છે. સુખ કે આનંદ માટે સંપત્તિનો આધારેય શા કામનો? કારણ કે એ તો આવે ને જાય. આરોગ્ય પર આધારિત સુખ, અરે, અપરિવર્તનશીલ આત્મા સિવાયનો કોઈનો ય આધાર આજે કે આવતી કાલે દુઃખ અને પીડાકારી બનશે જ. આ અમર આત્મા સિવાય બીજું બધું નાશવંત છે, પરિવર્તનશીલ છે. આ શાશ્વતતા તમારી ભીતર જ છે – તમારા સિવાય બીજે ક્યાંય નથી. ત્યાં જ અનંત, શાશ્વત આનંદ છે. ધ્યાન એ શાશ્વત આનંદના દ્વાર આપણને ખોલી આપે છે. પ્રાર્થના અને બીજા અન્ય ક્રિયાકાંડો તો ધ્યાન પાસે માત્ર પ્રાથમિક કક્ષાનાં જ છે.” (C.W.IV પાન. ૨૪૯)

સ્વામી વિવેકાનંદના સંદેશમાંથી ઉદ્ઘૃત આ વિચારો એમ ને એમ જ લીધા છે. તમે ય તમારી રીતે આવું ઉદ્ધરણ લઈ શકો. એમના શબ્દો વિદ્યુત્ ચમકારાની જેમ આપણી ભીતર રહેલા આત્માને પ્રેરનારા, પરિવર્તન લાવનારા, જીવનશક્તિ આપનારા અને પ્રાણવાન બનાવનારા બની રહે છે.

તમે પણ જેમ બીજા ઘણા કહે છે તે રીતે મારી જેમ વર્ષોથી સ્વામીજીના વિચારોનું અનુસરણ કરનારા કે વેદાંતી ગણાવતા રહ્યા છો તો હવે કંઇક કરી છૂટવાનો સમય પાકી ગયો છે. આ બધું કોના માટે કરીશું? એક સારા પરિવર્તન માટે અને સ્વામીજી માટે આ બધું કરવાનું છે. આપણે બધાં, વર્ષોથી એમ કહ્યા કરીએ છીએ કે સ્વામીજીએ આપણા જીવનનું પરિવર્તન કરી દીધું, આપણે સ્વામીજી માટે ગમે તે ભોગ આપવા તૈયાર છીએ અને સ્વામીજી ન હોત તો આપણે બધાં ક્યાં હોત?…. વગેરે વગેરે… આપણામાંથી ઘણાંએ તો વ્યક્તિગત રીતે અને સામુદાયિક રીતે સ્વામીજીના આદર્શોને અમલમાં મૂકવાનો પ્રયાસ કર્યો છે. આ રીતે આપણે અમેરિકાની વેદાન્ત સોસાયટીમાં, રામકૃષ્ણ મઠ – મિશન કે શારદામઠમાં કે પતિતોની સહાય માટે અને સ્વામીજીના જીવન સંદેશના પ્રસાર પ્રચાર માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓમાં પોતાની નિઃસ્વાર્થ સેવાઓ પણ આપી હશે. આનો અર્થ એવો નથી કે આ સુકાર્યમાં આપણે નિષ્ફળ રહ્યા છીએ, પણ થોડા સ્વાર્થી રહ્યા છીએ કારણ કે આપણે પૂરતું કાર્ય કર્યું નથી. પરંતુ હવે, રામકૃષ્ણ સંઘ આપણને જેની ખુલ્લી ભારપૂર્વકની ચર્ચા થઇ ન હોય તેવાં –જ્યાં સ્વામીજીએ યુનાઇટેડ સ્ટેટસની મુલાકાત વખતે ત્રણ ત્રણ વાર નિવાસ કર્યો હતો, જ્યાં ભારતની ઉન્નતિ માટેનાં કાર્ય કરવાથી ઉપજતા થાકને દૂર કરવા અને પુનઃ શક્તિવંત બનવા રહ્યા હતા, એ પવિત્ર સ્થળ “રિજલી ઍસ્ટેટ”ને ખરીદીને તેનો પુનરુદ્ધાર કરવા તેમજ વેદાન્તનાં બીજ વાવવાનાં સુકાર્ય માટે આપણને આહ્વાન કરે છે. છેલ્લાં સો એક વર્ષથી “રિજલી ઍસ્ટેટ”ની સ્થાવર મિલકતની માલિકી તેના પ્રથમ માલિક, સ્વામીજીના મિત્ર અને વેદાન્ત સોસાયટી ઑફ ન્યુર્યોકના પ્રથમ અધ્યક્ષ શ્રીમાન ફ્રેન્ક લૅગૅટના વારસોની છે. અને તેઓ જ તેની સાચવણી કરે છે. ન્યુયોર્ક શહેરથી ૯૦ માઈલ દૂર કૅટસ્કીલ્સ માઉટૅયન્સથી બહાર રૉલિંગ હીલ્સના ૮૫ એકરના વિસ્તાર ક્ષેત્રમાં ત્રણ મકાનોવાળી આ સ્થાવર મિલકત છે. આ “રિજલી ઍસ્ટેટ”માં પ્રવેશતાંની સાથે જ અહીં પ્રગાઢ શાંતિ અને પવિત્રતાથી કોઈ પણ દિડ્‌મૂઢ બની જાય તેવું વાતાવરણ છે. આ “રિજલી ઍસ્ટેટ”ની ખરીદી તેમજ તેમાંની સુવિધાઓની જાળવણી અને ઉપયોગ માટે કોઇ ફંડ ઊભું કરી શકાય કે કેમ તે જોવા ૧૯૯૭માં શ્રીરામકૃષ્ણ સંઘ, બેલુરમઠના ટ્રસ્ટીઓએ દક્ષિણ કૅલિફોર્નિયાની વેદાન્ત સોસાયટીના સંચાલક સ્વામી સ્વાહાનંદજીને વિનંતી કરી હતી. આ કાર્યની સંભાવનાનો અભ્યાસ કરવા તેમજ આ મિલકતના મૂળ માલિક પાસેથી તેની ખરીદી કરવા સંપર્ક-વાતચીત કરવા રામકૃષ્ણ વિવેકાનંદ ભાવ-ધારાને વરેલા ભક્તજનોના એક વર્તુળની સંરચના કરી તેમના મહિનાઓના સઘન સતત પ્રયાસો પછી સમજૂતી સધાઇ અને શ્રીરામકૃષ્ણસંઘની સંલગ્ન શાખા, ‘સ્વામી વિવેકાનંદ રિટ્રીટ, રિજી’ની સ્થાપના માટેના કરાર પર સહી – સિક્કા થયાં. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યના શિષ્ય સ્વામી સ્વાહાનંદજીના આધ્યાત્મિક માર્ગદર્શન હેઠળ ચાલતા દિક્ષણ કૅલિફોર્નિયાના વેદાન્ત સોસાયટી કેન્દ્રના પેટાકેન્દ્ર તરીકે આ નવું કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે. કૅલિફોર્નિયા રાજ્યમાં ‘નોન-પ્રૉફિટ રિલિજિયસ ઑર્ગેનિઝેશન તરીકે તેનું રજિસ્ટ્રેશન પણ થઇ ચૂક્યું છે. આ સંસ્થાની મિલકતની પ્રાપ્તિ પછીના થોડા જ સપ્તાહમાં વિજયાદશમીના પવિત્ર દિને, ૧૧ ઑક્ટોબર ૧૯૯૭ના રોજ વિવેકાનંદ રિટ્રીટ, રિજલીના મૅનોર હાઉસના ભોંયતળિયે આવેલા શ્રી ફ્રાન્સિસ લૅગૅટના ઘરમંદિરવાળા ખંડમાં પૂજામંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. તેમાં શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રીમા શારદાદેવી અને સ્વામીજીના – મોટા કદનાં છબી – ચિત્રો રાખવામાં આવ્યાં છે. મંદિરની ડાબી બાજુએ ભગવાન ગણેશની કાંસ્ય મૂર્તિ, જમણી બાજુએ નંદીની મૂર્તિ, કુંભી પર મૅડોના અને બાળકની ધવલવર્ણી પ્રતિમા છે. વેદીની પાછળ છતથી ભોંયતળિયા સુધી આવેલી વિશાળ કાચની બારીઓ કૅટસ્કી માઉન્ટેઇન્સના ભવ્ય દૃશ્યની સાથે આસપાસનાં લીલાંછમ વૃક્ષોનાં અતૂટ દૃશ્યો ખડાં કરે છે. જમણી બાજુની બારીમાંથી જેની નીચે બેસીને સ્વામીજી ધ્યાન ધરતાં તે પ્રૉફૅટ્સ પાઈન (પયગમ્બરી પાઈન) નજરે પડે છે. પૂજામંદિરની ડાબી બાજુએ એક આંતર પટલવાળો વિશાળ ખંડ છે. આ ખંડ ઉનાળાની ઠંડી સાંજોમાં બેસવા માટે આદર્શ સ્થળ છે. આ ખંડમાંથી ચાલતાં ચાલતાં આગળ અંગીઠી સાથેનું દીવાનખાનું આવે છે. ત્યાર પછીનો ખંડ સ્વામી વિવેકાનંદ, સ્વામી અભેદાનંદ, સ્વામી તુરીયાનંદ અને ભગિની નિવેદિતાની અવારનવાર જોવા મળતી જગમશહૂર છબિઓની સાથે આપણને સાંકળી લે છે. આ ખંડનાં પગથિયાં પર બેસતાં આપણને એક અજબ રોમાંચ અનુભવાય છે. આ એ પવિત્ર સ્થાન છે. જ્યાં આ બધા મહાત્માઓ રહ્યા, ધ્યાન-સમાધિ પામ્યા, સૌની સાથે હસ્યા-બોલ્યા, સર્વોચ્ચ સત્યના વિચારોમાં મગ્ન રહ્યા હતા.

આ બધું વાતાવરણ રોમાંચકારી, પ્રેરણાદાયી અને દિડ્‌મૂઢ કરી દેનારું છે. પૂર્વ-પશ્ચિમ દરિયા કિનારાના અને સ્થાનિક શહેરના લોકો આ દિવ્ય સ્થળના પ્રતિષ્ઠાપન સમયે ઉપસ્થિત હતા. આ ભૂમિ-સ્થાનના મૂળ માલિક શ્રી અને શ્રીમતી માર્ગેસન પણ સહાયરૂપ બન્યાં હતાં. Living of the source -ની એક એક નકલ સાથે સ્વામીજીનાં ભાષણોની કૅસેટ્સ ‘ધ વિવેકાનંદ ફાઉન્ડેશન ઑફ આલામૅડા કૅલિફોર્નિયા’ -તરફથી આપવામાં આવેલ. સાન્ડિયાગોના સ્વામી આત્મરૂપાનંદજીને રિજલીમાં નિવાસી સંન્યાસી તરીકે મોકલવામાં આવ્યા છે. કેટલાક ગૃહસ્થ – ભક્તો આ સ્થળે સેવકો તરીકે જોડાયા છે. બધી જરૂરી પરવાનગી મેળવ્યા પછી આજુબાજુના પરગણાંના લોકોની જરૂરતને સંતોષતું આ વિવેકાનંદ રિટ્રીટ – રિજલી એક ધ્યાન શિબિરની સુવિધાવાળું યાત્રાસ્થાન બની રહેશે. અહીં ભાઇઓ-બહેનો જુદા જુદા ખંડમાં રહી શકશે. ધ્યાન – શિબિરોમાં હાજરી આપી શકશે, તેમજ ધ્યાનના વર્ગોમાં પણ ઉપસ્થિત રહી શકશે. સ્વામી વિવેકાનંદ અને વેદાન્તના અધ્યયન દ્વારા ધ્યાન અને ગહન અધ્યાત્મ સાધનાભર્યું જીવન જીવી શકશે. અહીંના રિટ્રીટમાં રહેવા માટે શક્તિ અનુસાર દાનની વિનંતી કરવામાં આવશે અને અભ્યાસુને શિષ્યવૃત્તિઓ પણ આપવામાં આવશે. આ સ્થળના ગીરોખતની મુદ્દત પાંચ વર્ષની છે. એમાંથી છોડાવવા ૧/૩ જેટલી રકમ માત્ર પાંચ મહિનામાં જ મળી રહી છે. આવતા વર્ષમાં પૂરી રકમ મેળવવાનો અમારો આગ્રહ છે – ત્યાર પછી આ મિલકતની જાળવણી માટેનું ફંડ ઊભું કરીને આ ધરતી પર ભાગ્યે જ મળતા દિવ્ય અને આધ્યાત્મિક વાતાવરણવાળા સ્થળે વધુ ને વધુ ભાવિકો આવી શકે તે માટે વધારાની સગવડો ઊભી કરવા બાંધકામ પરિવર્તનો પણ થશે. વિવેકાનંદ રિટ્રીટ-રિજલી – આ સમગ્ર અમેરિકા માટે તેમજ વિશ્વ માટેનું દિવ્ય સ્થળ છે. આ દિવ્ય ભૂમિસ્થાન વેદાન્ત સોસાયટીના સભ્ય ન હોય તેમના માટે ય છે. સ્વામીજીના વિચારોથી અનભિજ્ઞ માટે પણ છે, ગૃહસ્થ હોય કે સંન્યાસી અહીં સૌનું હાર્દિક સ્વાગત છે. અને સૌ કોઈ ભેદભાવ વિના સ્વામીજીની અશરીરી-સૂક્ષ્મ ઉપસ્થિતિને માણી શકે છે.

ચાલો, આપણે પોકારીને કહીએ કે સ્વામીજી જ અમારું જીવન સર્વસ્વ હતા. અને – એમની સ્મૃતિને, એમના જીવન સંદેશને સૌના – વિશ્વભરના – સૌ માનવીના હૃદયમાં ભરી દેવા, આપણે કંઈક અર્પણ કરીએ. સ્વામી વિવેકાનંદે સ્થાપેલ રામકૃષ્ણ મિશનના શતાબ્દી મહોત્સવ પ્રસંગે આપણે સૌ સાથે મળીને સ્વામીજીને આપેલા વચનને કૃતાર્થ કરીએ – અને સ્વામીજી પ્રત્યેની શ્રદ્ધાને ચરિતાર્થ કરીએ. સો વર્ષ પહેલાં સ્વામીજીએ રોપેલા બીજમાંથી પૃથ્વી પર એક દિવ્યવૃક્ષ બની રહો. સ્વામીજીએ તમારાં જીવન, વિચારો, વલણ-રુચિ અને તમારા સમગ્ર અસ્તિત્વને પરિવર્તિત કરી નથી નાખ્યું? જો એમ હોય તો હવે એ બધાંના બદલામાં અલ્પાતિઅલ્પ અર્પણનો સમય આવી ચૂક્યો છે.

સંકલક : મનસુખભાઈ મહેતા

Total Views: 59

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.