શ્રી એસ. રામકૃષ્ણન્ ભારતીય વિદ્યા ભવનના એક્ઝક્યુટિવ ડાયરેક્ટર છે. – સં.

વિજ્ઞાન આધુનિક વિશ્વનો યોજક-સાધક છે. આધુનિક વિચારશૈલી અને વૈજ્ઞાનિક વિચારશૈલી એ બંને લગભગ સમાનાર્થી શબ્દો બની ગયા છે. વિજ્ઞાને માનવજાત પર વિપુલ માત્રામાં અને સર્વગ્રાહી પ્રકારનાં અનેક વરદાનો વરસાવ્યાં છે. કેટલાય ભયંકર રોગો નિર્મૂળ થયા છે. વિજ્ઞાનની સિદ્ધિઓએ માનવજીવનને વધુ ને વધુ સુખસુવિધાવાળું બનાવી દીધું છે. આધુનિક વિજ્ઞાને માનવને આકાશમાં પક્ષીની જેમ ઉડ્ડયન ક૨વા માટે અને માછલીની જેમ ઊંડા પાણીમાં ઊંડી ડૂબકી મારવા માટે સુસજ્જ-સાધનસજ્જ બનાવી દીધો છે. પણ મોટા દુઃખની વાત એ છે કે આ જ વિજ્ઞાન માનવને સૂઝબૂઝવાળા, વિનિત માનવના રૂપે સજ્જ કર્યો નથી. વિજ્ઞાને માનવના બાહ્ય રૂપને વિભૂષિત કર્યું છે. પણ એની આ પ્રક્રિયામાં માનવની અંદરના માનવની કલુષિત કર્યો છે અને વિસારે પાડ્યો છે. આને લીધે આજનાં સ્ત્રીપુરુષોને બાહ્ય-ભૌતિક સુખવૈભવ પ્રત્યે ઉન્માદભરી આંધળી દોડ મૂકનારાં કરી મૂક્યાં છે અને એમનામાં ફ૨જભાવના વિનાના હક્કની લાલસા ભયંકર હદે ઊભી કરી છે. બાહ્યજીવન- ભૌતિકજીવન સાથેના વિજ્ઞાનના માનવમનમાં વ્યાપી ગયેલા વિચારોએ અને અંદરના માનવની સંપૂર્ણ અવગણનાએ માનવને ક્ષુદ્ર પ્રાણી બનાવી દીધો છે. એણે માનવને વિરાટકાય યંત્રના એક નાના દાંતા જેવો, હેતુ વિહીન તેમજ સતત ફર્યા કરતા એક યંત્રચક્ર જેવો ક્રિયાશીલ અને ક્ષીણ બનાવી દીધો છે.

મુક્તિની પળ ત્યારે આવે જ્યારે તે અશક્ય બને – એવું બાઈબલનું કથન છે. ૧૯૮૧ના જૂનની ૨૪મીએ એક અનન્ય ઘટના જીનિવામાં ઘટી. શાણપણ અને બૌદ્ધિક સ્વસ્થતાને માનવ અને રાષ્ટ્ર-પ્રજાઓમાં ફરીથી આવવા માટેની ગહન અને અર્થપૂર્ણ આશાજનક શક્યતાઓથી ભરેલી આ ઘટના છે. આગ ઓકતા રાક્ષસ પ્રાણીની ઝંઝાવાતી ઘટનાઓવાળી, ભયાનક હિંસક અને અનૈતિક વૈજ્ઞાનિક અતિસંપાતની સામે દુઃખદ રીતે સતત ઝઝૂમતી આપણી આ ગંડુ દુનિયાની વચ્ચે બનેલી આ એક ખરેખર કમળ જેવી કોમળ, સુંદર અને શીતલ ઘટના છે. વિશ્વભરના ૫૩ નોબૅલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિકો અને સાહિત્યવિદોએ જીનિવામાં ૨૪ ડિસેમ્બર, ૧૯૮૧ના રોજ એક જાહેરનામું બહાર પાડ્યું. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિશ્વવ્યાપી રાજકીય અને આર્થિક અંધાધૂંધીને કારણે ભૂખમરાની ગર્તામાં હોમાવાની તૈયારી કરતાં કરોડો કરોડો માનવબંધુઓને એ ભયંકર ભૂખમરામાંથી બચાવવા અને એ પરિસ્થિતિમાં ઉત્સાહ પ્રેરક પરિવર્તન લાવવા વિશ્વનાં ભલાં નરનારીઓ, કલ્યાણકારી શાસકી, શક્તિવાન તેમજ વિનમ્રભાવવાળાનાં આત્માને ઢંઢોળતી એક અરજ-વિનંતી છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગણ્યમાન્ય એવા બુદ્ધિધનોનું પણ બુદ્ધિધન, જેમણે દૂરસુદૂર પહોંચી જતી વૈજ્ઞાનિક શોધખોળો કરી છે એવાં પ્રાજ્ઞજનોનું – આધુનિક વૈજ્ઞાનિક સિદ્ધિઓ સાથેની ઘૃણા-સુખ અને ભ્રમ નિરસન માટેનું કબુલાતનામુ આ શબ્દોમાં સમાયું છે. વિશ્વ સામે ધરાયેલા નવમાનવના નામે પેલી ઘાતકી, વાંઝણી વેરાન અને માનવનો ભોગ લેતી કલ્પના સૃષ્ટિને ત્યજી દેવા કરેલો આ એક ઉત્તાપ ભર્યો પોકાર છે. સામૂહિક ભૂખમરા અને વિનાશતાના ભયથી ધ્રૂજાવતા આ અપૂર્વ મહાવિનાશમાંથી સમગ્ર વિશ્વને બચાવવા માટે મહાત્મા ગાંધીને માર્ગે ચાલવાનો આ એક બૂલંદ સાદ છે. આ જાહેરનામાનો મુસદ્દો સચોટ અને સાર્થક રીતે જણાવે છે. ‘આ ધરતીના શક્તિવાન લોકોની જો કે ઘણી મોટી જવાબદારી છે કારણ તેઓ એકલા જ આ ધરતી પર રહેતા નથી.’ અને વળી વિનવે છે ‘જો આ અસહાય લોકો પોતાના ભાગ્યને પોતાના હાથમાં લઈલે, જીવન જીવવાના પોતાના સૌથી અગત્યના અને પાયાના મૂળભૂત અધિકાર સિવાયના બીજા કાયદાનું પાલન કરવાનો આવા વધ્યે જતા અસંખ્ય લોકો ઈન્કાર કરે, આ નિર્બળ લોકો સંગઠિત થઈને પોતાની પાસેનાં થોડાં પણ શક્તિશાળી હથિયારો મહાત્મા ગાંધીજીએ ચારિતાર્થ કરેલાં પ્રભાવક અને અનુસરણીય અહિંસાના આચરણો કે જે મયાર્દિત અને સુયોગ્ય છે – હાથમાં લે. અને જો આવું કંઈ બને તો આપણા જ જીવનકાળમાં આ મહાન આપત્તિભર્યા ઉત્પાતનો અંત આવે.’

વિજ્ઞાન માનવ કે સમાજનું વેરી નથી. વળી વિજ્ઞાન અને ટૅકનોલોજી આપણાં નૈતિક-આધ્યાત્મિક મૂલ્યોની જેમ અદ્વિતીય નથી. વિજ્ઞાનનો હેતુ પ્રકૃતિનો અભ્યાસ કરવાનો અને તેની વસ્તુલક્ષિતાને અનુભવવાનો છે. વિજ્ઞાનનો ઉદ્દેશ્ય સમગ્ર માનવજાતના ક્ષેમ-કલ્યાણ માટે જ્ઞાન અને માહિતી પૂરાં પાડવાનો છે તો પછી આ આજનું વિજ્ઞાન સમગ્ર માનવજાતિ માટે વિશાળ વિપુલ આપત્તિનું એંધાણ કેવી રીતે બની ગયું છે? આનું કારણ સાદું-સીધું છે. એ છે આજના વિજ્ઞાનનાં સત્ત્વતત્ત્વના આધ્યાત્મિક જ્ઞાન વિશેનાં, અજ્ઞાનતા અને ગરીબાઈ. કમનશીબે આપણા આધુનિક વિજ્ઞાનનો આપણા જીવન પ્રત્યેના વલણ પરનો પ્રભાવ – બાહ્ય પ્રકૃતિ પર વધારે ને વધારે નિયમનનો છે અને અંતર પ્રકૃતિ પરનો સંયમ-નિયમ એમાં ઘણો ઓછો જોવા મળે છે. અને જ્યારે વિજ્ઞાને સર્જેલો વિકાસ નૈતિક ઉન્નતિને પાછળ ધકેલે છે ત્યારે ભાવિ આશા-ઉમેદ સહસ્રાવાદ્યની બનવાને બદલે વિલીન થતી જાય છે. આધુનિક વિજ્ઞાન અને ટૅકનોલોજી આત્મલક્ષી – અભિગમન એટલે કે માનવના આત્મા-જીવનુ ઓછું સમર્થન કરે છે. વિજ્ઞાન જીવનને માંડ દૃષ્ટિએ જુએ છે. જીવનને સંપૂર્ણ, પરસ્પરાવલંબી સમગ્રતયા એકતા વાળું છે એ દૃષ્ટિએ જોવામાં વિજ્ઞાન નિષ્ફળ ગયું છે. અને આ જ કારણે વિજ્ઞાનની પ્રગતિએ માનવમાં આપત્તિભર્યો ઉત્પાત સર્જ્યો છે અને ખરેખર એણે માનવના સમતુલનને હાનિ પહોંચાડી છે. પ્રકૃતિ વિજ્ઞાનને માનવ-વિજ્ઞાનથી માહિતગાર કરવું જ પડશે. અને તો જ આધુનિક માનવનું દૃષ્ટિબિંદુ યંત્રમાંથી માનવ, મન અને આત્મા સુધી – એટલે કે શાબ્દિક રીતે મૂલ્યો સુધી વિસ્તાર પામશે.

બર્ટ્રાન્ડ રસેલે કહ્યું છે, ‘યંત્ર એક પૂજાના પદાર્થ તરીકે સંતાનનું આધુનિક સ્વરૂપ છે. અને એની પૂજા એ આધુનિક પિશાચ પૂજા છે. આ યંત્રો બીજું ઘણું હોઈ શકે પણ એ મૂલ્યો તો નથી જ. આ જ એવી વાત છે કે રાજકારણી મર્મક્ષોએ ભૂલવી ન જોઈએ.’ અંશો-જીવશેષોના વિશ્વવિખ્યાત અભ્યાસ પીય્‌ર તેય્‌લેન્ડહી શાર્ડીને માર્મિક રીતે પ્રશ્ન કર્યો છે : ‘આજ સુધી વિજ્ઞાને દુનિયાને બાહ્ય રૂપે જોવા સિવાય ક્યારેય બીજી તસ્દી લીધી છે ખરી?’ અને એ પોતે જ એનો પ્રત્યુત્તર આપતાં કહે છે, ‘એક ભૌતિક વિજ્ઞાનની દૃષ્ટિએ ઓછામાં ઓછું આજ સુધી પદાર્થના બાહ્ય સ્વરૂપ સિવાય કંઈ વાજબી અસ્તિત્વ ધરાવતું નથી. આવું જ બૌદ્ધિક વલણ જીવાણુશાસ્ત્રીમાં હજુ યે ગ્રાહ્ય રહે છે. તેમનાં સંવર્ધન (મહત્ત્વની આડખીલીઓ સિવાય) પ્રયોગશાળામાંના રાસાયણિક દ્રવ્યપ્રક્રિયક જ ગણવામાં આવે છે. પરંતુ જીવ તરીકે નહીં પરંતુ વનસ્પતિનાં રોપના ક્ષેત્રમાં એ વધારે મુશ્કેલ છે. જીવશાસ્ત્રના જીવાણુંના વર્તનનો અભ્યાસની બાબત પણ એક જુગાર જેવી બાબત છે કરોડરજ્જુવાળા પ્રાણીઓના વિષયમાં એ સદંતર નિરર્થક-વ્યર્થ લાગે છે. અને એ બધું અંતે માનવ પાસે પૂરે પૂરું અટકી જાય છે. આ માનવની ભીતર રહેલા અસ્તિત્વને બહુ સમય અવગણી ન શકીએ કારણ કે પ્રત્યક્ષ અંતઃપ્રેરણાનો વિષય છે અને બધા જ્ઞાનનું તાત્પર્ય છે.’

ભારતીય સંસ્કૃતિ વાસ્તવિક રીતે બધી સંસ્કૃતિઓ આ ભીતરના વિજ્ઞાનને રજૂ કરે છે જ્યારે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી બાહ્ય વિજ્ઞાનને રજૂ કરે છે. આજના વિશ્વને આવશ્યક્તા છે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાના સંવાદિતા ભર્યા સંયોજન યુક્ત માનવોની. બાહ્ય માનવ અને ભીતરના માનવના સમાંતર ચાલતા વિકાસની આ જ વસ્તુ બૌદ્ધિક સ્વસ્થતા અને શાણપણ પુનઃસ્થાપિત કરી શકે અને એ જ આધુનિક જીવનમાં સમતુલન જાળવી શકે-લાવી શકે. સુખ્યાત નક્ષત – ભૌતિક – રસાયણ શાસ્ત્રી રોબર્ટ અને મિલિકનની આત્મકથાના અંતિમ પ્રકરણમાંના તેના વસિયતનામામાં ઉપર્યુક્ત દૃષ્ટિબિંદુનો ઉત્તમ પુરાવો આપણને સાંપડે છે. ‘મને લાગે છે કે બધા માનવબંધુઓનું કલ્યાણ અને માનવ-વિકાસના બે મુખ્ય આધારસ્તંભ છે : એક ધર્મનું સત્ત્વ-તત્ત્વ અને વિજ્ઞાનના જ્ઞાનનું સત્ત્વ-તત્ત્વ એ બે માંથી એકેય એક બીજાના સહયોગ વિના મહાન પ્રભાક્તા પામી શકે નહીં.’ નોબૅલ પુરસ્કાર વિજેતાઓનું જીનેવાનું નવયુગનો આરંભ કરનાર મુસદ્દાનું ભાવિ-સૂચન શું છે. પોતાની સૂઝબૂઝ સાથે ૧૯૬૨ના ૧૫મી ઓક્ટોબરમય હોય છે. શું આપણે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાની સુખદ યુતિના, નવપ્રભારતના, નવી વિશ્વવ્યવસ્થાના કે યુગસાંધ્યના પ્રભાતના ઉંબરે છીએ? એ શું ભારતના પ્રાચીન ઋષિઓને આપેલા આદર્શ ‘વસુધૈવ કુટુમ્બકમ્’ -વિશ્વની યથાર્થ આગેકૂચના આરંભ મંડાશે ખરા? શું એ જેના પ્રમાણભૂત સમા હતા આપણા યુગના મહાત્મા ગાંધીજી એવા એ ભારતના આર્ષદૃષ્ટા અને સંતોના – આદર્શ – સ્વપ્નની અનુભૂતિના મંગળ પ્રારંભનું સૂચન કરશે? વિશ્વવિખ્યાત ઇતિહાસવિદ્ આર્નોલ્ડ ટોયમ્બીએ સમગ્ર માનવજાતના ઇતિહાસનું અવલોકન કર્યા પછી એમણે આ સૂચન તારણ કાઢ્યું છે જો માનવજાતનો સ્વવિનાશભર્યો અંત ન લાવવો હોય તો આ વાત વધુ ને વધુ સ્પષ્ટ થતી જાય છે કે જે પ્રકરણનો પ્રારંભ પશ્ચિમમાંથી થયો એનો અંત ભારતીય વિચારશ્રેણીથી જ કરવો રહે છે. માનવજાતના ઇતિહાસની સૌથી વધુ ભયંકર પળે માનવજાતિની યુક્તિનો પથ એક માત્ર પથ એ છે ‘સમ્રાટ અશોકનો મહાત્મા ગાંધીના અહિંસાનો સિદ્ધાંત – સંદેશ’ અને શ્રીરામકૃષ્ણની સર્વધર્મ સમભાવની અનુભૂતિપૂર્ણ સાબિતી આપણે આ જ વલણ રુચિ અને મનોબળ ધારણ કરવાં રહેશે કે જે માનવ જાતિને એક કુટુંબની વસુધૈવ કુટુમ્બકમ્‌ની ભાવનામાં ઉન્નત કરશે. અને આ અણુયુગમાં આપણી જાતના વિનાશના યુગમાં આ જ એક માત્ર વિકલ્પ આપણી પાસે છે.’

વિશ્વવિખ્યાત ટાઈમ-લાઈફ-બૂક્સના તંત્રી પોતાનો અભિપ્રાય આ શબ્દોમાં આપે છે. ઐતિહાસિક ભારત એ માત્ર દેશ-પ્રદેશ નથી. એ તો છે આ ધરતી પરની સૌથી પ્રાચીનમાંહેની એક સૌથી વધુ સાતત્યપૂર્ણ સંસ્કૃતિનો પ્રવાહ. આ સંસ્કૃતિ લગભગ બધી સભ્યતાની અનુષંગિક રહી છે. ભારતીય સંસ્કૃતિ અનાદિ છે, સનાતન છે. તે સૌથી વધુ પ્રાચીન છતાં સૌથી વધુ આધુનિક છે. જેટલી તે હજારો હજારો વર્ષ પહેલાં મહત્ત્વની અને પ્રાસંગિક હતી તેટલી આજે પણ અર્થસભર અને પ્રાસંગિક છે.

શું અરવિંદની ભવિષ્યવાણી સાચી પડશે ખરી? ‘ભારતવર્ષ યુગો પછી પણ અસ્ત પામ્યું નથી એણે પોતાની અંતિમ ઉદ્‌ભાવક – વિધાયક વાણીએ ઉચ્ચારી નથી તે છે અને હજુ યે એને પોતાના માટે અને માનવજાત માટે કંઈક કરવાનું છે.

અનુવાદક : શ્રી મનસુખભાઈ મહેતા

Total Views: 83

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.