અહીં જેમનાં સંસ્મરણો આપેલાં છે તેવાં ક્ષીરોદબાલા રૉય પૂજ્ય શ્રી શ્રીમા શારદામાનાં મંત્ર દીક્ષિત શિષ્યા હતાં.

મૂળ બંગાળી પુસ્તક ‘શ્રી શ્રીમાયેર કથા’ના અંગ્રેજી અનુવાદ ‘The Gospel of Holy Mother’નો કેટલોક ભાગ ‘શ્રી શ્રીમાતૃચરણે’એ નામે ગુજરાતીમાં પ્રકાશિત થયો હતો. મૂળ અંગ્રેજી ગ્રંથમાંથી અનુવાદિત ન થયેલા કેટલાક અંશ અમે ક્રમશઃ ધારાવાહિક રૂપે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં ભાવિકોના લાભાર્થે આપીએ છીએ. આ અનુવાદ કાર્ય શ્રી દુષ્યંત પંડ્યાએ કર્યું છે. અપેક્ષા છે કે ભાવિકોને શ્રી શ્રીમાની વાણી મનની શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ સાધવામાં સંતર્પક નીવડશે. – સં.

(ગતાંકથી આગળ)

હું સપડાઈ ગઈ અને મારું હૈયું ધડકવા લાગ્યું. મને થયું, મા પેલી સ્ત્રીને પૂછી શક્યાં હોત. પણ એને પૂછવાને બદલે, માએ મને જ પૂછ્યું: ‘ચરણરજ આમ શા માટે લીધી?’ એટલે મેં ઉત્તર વાળ્યો, ‘મારો હાથ રોગગ્રસ્ત છે.’ તરત જ મા કહે, ‘મને જોવા દે.’ મારો હાથ જોઈ એમને એટલું દુઃખ થયું કે હું આભી થઈ ગઈ. એ બોલ્યાં, ‘અરે ગાંડી! તું આટલા સમયથી અહીં આવે છે અને તારા હાથની દશા કેવી છે! તારી મા છું તોય મને એની જાણ ન હતી. મને બહુ દુઃખ થાય છે. બેટા.’ હું ક્યારથી આ પીડા ભોગવતી હતી અને આ રોગ મને શી રીતે એ તેમણે પૂછ્યું. એટલે હવે મારે બધું કહેવું પડ્યું.

પછી મા બોલ્યાં, ‘દીકરી, હું એવી સ્થિતિમાં છું કે, હું મારામાં જ રત રહું છું. એટલે તારા હાથની મને ખબર ન પડી. તું આવે હાથે પૂજા કરે છે માટે તારો રોગ મટતો નથી. વારુ, ચાલ મારી સાથે. ઠાકુરને અર્પણ કરેલાં પુષ્પો અને ચરણામૃત ગંગામાં પધરાવવાં પડશે. ચાલ જલદી.’ એમની સાથે હું બીજા ઓરડામાં ગઈ. મા કહે: ‘જો આ કમંડલમાં ચરણામૃત અને કૂલબિલી છે. કાંડા સુધી તારા હાથ એમાં બોળી રાખ.’

મેં તેમ કર્યું. પછી એમણે આગળ કહ્યું: ‘તારા હાથ રોગમુક્ત થઈ જશે પણ બને ત્યાં લગી માછલી, માંસ, કાંદા અને લસણને હાથ લગાડવાથી દૂર રહેજે. એ વસ્તુઓથી તદ્દન દૂર નહીં જ રહી શકાય. એમને અડીશ ત્યારે રોગ ફરી દેખાશે ખરો. ઠાકુરની પૂજા રોજ કરજે. ફરી ફરફોલા ઊઠે કે તરત જ ઠાકુરનું ચરણામૃત લગાડજે. એ જ ઇલાજ છે. તેં પપૈયાં સમાર્યાં તે દિવસ તેં તારા નખ કાપ્યા હતા?’ ‘મને યાદ નથી’, મેં જવાબ આપ્યો. માએ કહ્યું, ‘તારા નખ તેં કાપ્યા જ હશે. પછી જ પપૈયાંનો રસ ત્યાં લાગ્યો હશે. તારી પીડા માટે આ બે ભેગા જ જવાબદાર છે.’

બપોરે માએ બીજી સ્ત્રીઓને કહ્યુંઃ ‘તમારે કે તમારા પતિઓએ અને બાળકોએ, કોઈએ વાળંદની નેયણીથી નખ નહીં કાપવા; કારણ એથી ચેપી રોગ પેદા થાય. મારી આ દીકરીને હાથે એવો ચેપ લાગી ગયો છે. પણ ઠાકુરની ઇચ્છાથી એ લાંબુ ચાલશે નહીં.’ એ પ્રસંગે, એક થાળીમાં બીજાની સાથે ખાવાથી, બીજા સાથે એક શય્યામાં સૂવાથી અને બીજા કોઈનાં કપડાં કે ટુવાલ વાપરવાથી ઊભા થતા ભયની માએ વાત કરી. એકના શરીરની સારી માઠી અસરો બીજાને કેમ લાગે છે તે પણ તેમણે અમને કહ્યું.

મારા દહાડા હું કેમ પસાર કરતી અને, મને માંસમચ્છી રાંધવાની ફરજ પડતી તે વિશે મેં માને કશું કહ્યું ન હતું તે નવાઈ જેવું છે. પરંતુ એ બોલ્યાઃ ‘તું એમનાથી અળગી નહીં રહી શકે. જેટલી વાર તું માંસમચ્છીને હાથ લગાડીશ એટલી વાર આ ફોલ્લા ઊઠી આવશે પણ, ઠાકુરનું ચરણામૃત લગાડીશ કે તું સાજી થઈ જશે.’ મારે માટે એ આનંદાશ્ચર્ય હતું કે, બીજે જ દિવસે હું ઠાકુરના ચરણામૃતમાં હાથ બોળતી મારો રોગ મટી જતો. માંસમચ્છી કે એવા બીજા ખોરાકને હાથ લગાડતી ત્યારે ફોલ્લા ઉપડી આવતા પણ, એમના ઉપર ચરણામૃત લગાડ્યા પછી એક કલાકમાં એ અદૃશ્ય થઈ જતા. આ પીડાથી હું મુક્ત થઈ ત્યારે મેં માને કહ્યું, ‘મા, મારા દેહની પીડા દૂર થાય એ માટે હું આપની પાસે નથી આવી. આપ મને એટલી સરળતાથી આઘી નહીં હડસેલી શકો!’ હસીને મા બોલ્યાં ‘બેટા, તારો દેહ એ મારો જ દેહ છે. તમને ઠીક ન હોય તો મને પીડા થાય જ.’

મારો નિશ્ચય હતો કે, માર શારીરિક સુખ માટે, પૈસા માટે કે, બીજા કોઈ ભૌતિક લાભ માટે મોંએથી કે મનમાં પણ હું કદી માગણી નહીં કરું. મા મને એવી વસ્તુ આપીને સુખી કરી દે તેવો મને ડર હતો. મારી પ્રાર્થના ફળતી નથી એવી ફરિયાદ હું જ્યારે પણ કરતી ત્યારે, મા મને કહેતાં, ‘હું તારી ગુરુ છું અને, તું આગળ વધે છે કે નહીં તે જાણું છું. તું એ કેવી રીતે સમજી શકસે? તું બધું પામીશ, બધું જાણીશ. ઉપાસનામાં આવતી અનેક અડચણો બહારની નથી હોતી, અંદરની હોય છે. ઠાકુરનું નામ રટવાથી અને ધ્યાન કરવાથી એ બધી ધીમે ધીમે ખરી પડશે. તારું કાર્ય કર્યે જા. મનની મૂંઝવણો ચીટકી રહી છે કે નહીં તે તરફ લક્ષ જ દેવું નહીં.’ વળી મા એમ પણ કહેતાં, ‘નાળિયેરીની ડાળ, સમય થતાં પોતાની મેળે ખરી પડે છે પણ, સમય પાક્યાં પહેલાં એને તોડવા માટે ખૂબ શ્રમ કરવો પડે છે. એ રીતે દરેક ચીજને એને પોતાનો સમય હોય છે.’ પછી મેં એમને પૂછ્યું, ‘જપ ધ્યાનમાં હું કેમ એકચિત્ત નથી થતી?’ મા કહે, ‘તું જરૂરી બધું જ કરે છે; બધું જ બરાબર ચાલ્યું જાય છે. મારી દીકરી, નાની ઉંમરે વિધવા થઈને તું અહીં આવી છો એ તારું મોટું સદ્‌ભાગ્ય છે. તારે ઝાઝી મહેનત નહીં કરવી પડે. રોજ સાંજે તારે ભગવાનને પાયે પડવું. કોઈ એક વાર એક વિચારને પકડે તો, પછી એણે બીજી કશી સાધના કરવી પડતી નથી. તું બધું સહજ પ્રાપ્ત કરી શકીશ.’

દસ વર્ષની વયે મારું લગ્ન થયું હતું અને પંદરમે વર્ષે હું વિધવા બની. પૂજ્યમાના ચરણનું શરણ લઈ મેં એમને કહ્યું હતું, ‘મા, આપના ચરણનું મેં શરણ લીધું છે. મારું રક્ષણ કરો.’ મને ખાતરી આપતાં માએ કહ્યું હતું, ‘ડરવાનું કંઈ કારણ નથી. મા તને હાથ ઝાલીને લઈ જશે.’ એમને મોઢેથી નીકળેલો એક પણ શબ્દ કદી ખોટો પડ્યો નથી. આજે તો હું સાઠે પહોંચવા આવી છું. માનો પવિત્ર હસ્ત મારા મસ્તકને સ્પર્શ્યો છે અને મારું મસ્તક અને મારા હાથ એમના પુનિત ચરણને સ્પર્શ્યાં છે – એ રીતે હું કૃપા કરી પામી છું. ‘તારે કશાથી ડરવાનું નથી, તારો હાથ ઝાલી ઠાકુર તને દોરશે.’ એમના આ શબ્દોને વળગી મેં આટલી લાંબી જિંદગી કાઢી છે અને, સુખની કોઈ તૃષ્ણાએ મને કદી પીડી નથી. મેં માત્ર કૃપા અનુભવી છે, કૃપા સિવાય બીજું કશું નહીં. મને દીક્ષા આપી તે દિવસ સિવાય, મારે શું કરવું જોઈએ તે વિશે તેમણે મને કદી કશું કહ્યું નથી. એ એટલું જ કહેતાં કે ઠાકુર બધું કરી દેશે. આપણને આ નહીં સમજાય પણ, એમના શબ્દો સાચા પડ્યા છે, દરેક સમયે આપણે ભલે ઠાકુરને અને માને સાદ ન દેતાં હોઈએ, ભય અને દુર્ભાગ્યથી પોતાનાં બાળકોનું રક્ષણ એ બંને કરે છે. મેં પાકો અનુભવ કર્યો છે કે, એમની કૃપા વિના, માત્ર બણગાં ફૂંકીને કોઈ સંસારનાં બંધનને ઓળંગી શકે નહીં.

મા કહેતાં કે, ‘દેવ દ્વારે રિક્તપાણિ જવાય નહીં’ એટલે, હું મા પાસે જતી ત્યારે મારી સાથે કંઈક લઈને જતી. એક દહાડો મા કહે, ‘તારી પાસે પૈસા તો છે નહીં, તો પછી, બેટા, તું શા માટે રોજરોજ આ બધું લાવે છે? તું એક આમળું લાવે તો પણ ચાલે. તમારા સૌના મુખેથી હું જ ખાઉં છું ને? તમે જમો એ હું જમ્યા બરાબર છે, ઠાકુરની સમીપ આવ્યા પછી મેં કેટલું બધું ખાધું છે.’

મારો બીજા નંબરનો ભાઈ માંદો પડ્યો હતો અને એ સારવાર માટે કલકત્તા આવ્યો. ડૉક્ટર સર્વાધિકારી એની ઉપર શસ્ત્રક્રિયા કરવાના હતા. અમારા કુટુંબના બધા સભ્યો કલકત્તે આવ્યા હતા. આ જાતની શસ્ત્રક્રિયા પછી દર્દી જીવતો રહેવા બાબત સર્જનને ખાતરી ન હતી, એમ મને કહેવામાં આવ્યું હતું. મારા ભાઈને હું મા પાસે લઈ ગઈ. તે દિવસે રવિવાર હતો. પુરુષ ભક્તો માને પ્રણમવા બપોર પછી આવતા. રસ્તે જતાં, માને ચરણે અર્પણ કરવા માટે મારા ભાઈએ એક ફૂલહાર લીધો. એ મારા ધ્યાનમાં આવ્યું ન હતું, ત્યાં પહોંચી હું વિચારવા લાગી કે, મારો ભાઈ પ્રણામ કરશે ત્યારે લોકોનું ટોળું હશે અને મારાથી ત્યારે ત્યાં નહીં રહેવાય, મા એને ઓળખી શકશે ખરાં? પ્રણામ થઈ રહ્યા હતા ત્યારે, હું એ ખંડમાં જ ઊભી રહી. માએ રાધુને અને અમને બીજાને બોલાવી કહ્યું. એમાંથી ગુલાબનો હાર લઈ, રાધુને તે ભેટમાં આપી, મા કહે, ‘મારી દીકરીના ભાઈએ મને એ આપ્યો છે.’ પછી માએ મને કહ્યું, ‘તારા ભાઈને મેં ઓળખી કાઢ્યો છે.’ મારો ભાઈ અગાઉ કદી જ અહીં આવ્યો ન હતો એટલે મને નવાઈ લાગી કે, મારો ભાઈ જ એ હાર લાવ્યો હતો કે કોઈ બીજું. અનેક ફૂલહારમાં ગુલાબનો હાર એ એક જ હતો.

મેં માને કહ્યુંઃ ‘મા એને કારણે તો હું સંસારથી અળગી રહેવા માગું છું. એમનાં સામીપ્યથી દૂર રહેવા માટે હું આપની પાસે રડી હતી. એ મરી જશે તો એના કુટુંબનો ભાર મારે વેંઢારવો પડશે. મા, આપનું શરણ લીધું છે તે છતાં, હું લાંબું જીવવાની નથી કારણ, હું સંસારીઓની વચ્ચે છું. હવે મારું શું થવા બેઠું છે? કૃપા કરીને મને કહો કે મારે શું કરવું.’

માએ જવાબ આપ્યોઃ ‘આ શસ્ત્રક્રિયામાંથી પાર ઊતર્યો તો પણ તારો ભાઈ એક દિવસ મરવાનો છે, નહીં? અને એ જીવતો રહેશે તો તારું શું ભલું થવાનું છે? તો પછી તું આટલી ઉપાધિ શા સારુ કરે છે?’ મને લાગ્યું કે, કદાચ, મારો ભાઈ આ વેળા બચવાનો નક્કી. પરંતુ તે જ ઘડીએ મા બોલ્યાં: ‘શ્રી ઠાકુર છે ને. તારા ભાઈની શસ્ત્રક્રિયા થવાની હોય તે ખંડમાં ઠાકુરની એક છબી રાખજે. એ ભાઈનું રક્ષણ કરશે.’

માને આમ કહેતાં સાંભળ્યા પછી, હું ઘે૨ પાછી આવી અને, બધાં કુટુંબીજનોને આ વાત જણાવી. બધાં કહેવા લાગ્યાં: ‘હવે ચિંતાનું કશું કારણ નથી. જીવંત કાલીનાં ચરણને તો એ સ્પર્શ્યો છે. ડરનું કોઈ કારણ નથી. માની કૃપાથી મારો ભાઈ સાજો થઈ ગયો અને પાછો પોતાને ગામ ગયો. પૂજ્ય માને મળેલા મારા કાકા અને મોટાભાઈને કહેવામાં આવ્યું કે, માનાં દર્શનમાં તમે માતા કાલીનાં દર્શન કર્યાં છે ત્યારે તેમણે એ વાત તરત સ્વીકારી લીધી અને, કહેવા લાગ્યા કે, ‘શ્રીરામકૃષ્ણ જેમની ઉપાસના કરતા હતા તે મા કાલીનાં જ અમે દર્શન કર્યાં છે. અને તેમનાં જ ચરણને સ્પર્શ કર્યો છે; અમારા આધ્યાત્મિક કલ્યાણ માટે હવે અમારે બીજે ક્યાંય જવું નહીં પડે.’ અમારા કુટુંબમાંથી પૂજ્યમા પાસે જનાર હું પહેલી હતી. માની કૃપાથી હવે, અમારા કુટુંબમાં સૌએ શ્રીરામકૃષ્ણને ચરણે શરણ લીધું છે.

એક બપોરે હું પૂજ્ય મા પાસે હતી ત્યારે, ગળામાં તુલસીના પારાની માળા પહેરેલી અને રામનામી વસ્ત્ર ધારણ કરેલી એક વિધવા આવી. એના ત્યાં આવતાં પહેલાં મા ગંભીર બની ગયાં હતાં. માનો ચરણ સ્પર્શ કરવા એ આગળ વધી એટલે મા બોલ્યાં: ‘મારા પગને અડતી નહીં; જમીન પર પડીને જ મને પ્રણામ કર.’ પણ પેલી વિધવાએ આ શબ્દો અવગણ્યા અને માના ચરણને સ્પર્શ કર્યો. શ્રીરામકૃષ્ણનો ફોટો અને બીજી બાબતો જોઈને એ વિધવા વિસ્મિત થઈ મને કહેઃ ‘આ જુઓ છો ને? કેટલું સુંદર છે!’ ‘એને તું શું બતાવે છે?’ માએ પ્રશ્ન કર્યો. તું જેમના ફોટા સામે આંગળી ચીંધે છે તેમની એ પૂજા કરે છે. પછી મારી સામે આંગળી ચીંધી એ વિધવા બોલી, આ શું તમારી દીકરી છે?’ માએ કહ્યું, ‘હા, બેટા.’ પછી એ વિધવાએ પૂછ્યું, ‘તમારે કેટલાં બાળકો છે?’ માએ ઉત્તર આપ્યોઃ ‘વિશ્વનાં બધાં પ્રાણીઓ મારાં બાળકો છે.’ એ સ્ત્રીએ પ્રશ્ન કર્યો, ‘તમે કેટલાં છોકરાં જણ્યાં છે?’ મા કહે, ‘માર પતિ ત્યાગી હતા. આનો અર્થ ન સમજાવાથી એ વિધવા વધારે પ્રશ્નો પૂછી માનો જીવ ખાવા લાગી. હું પણ ધીરજ ગુમાવવાની અણીએ પહોંચી ગઈ હતી. માએ મને કહ્યું, ‘આ બધી બાબતો એને સમજાવવા હું વધારે કંઈ કરી શકું તેમ નથી.’ એટલે પછી હું બોલી, ‘હું જોઉં છું કે તમે ઠાકુર વિશે કશું જાણતાં નથી. તો પછી અહીં એમને મળવા શિદને આવ્યાં છો? જે કોઈ માને મળવા આવે છે તે માત્ર તેમને મળવા અને પ્રણામ કરવા જ નથી આવતું. મા બાબત જાણવા જેવું ઘણું છે. એમને વિશે અનેક પુસ્તકો લખાયાં છે. ઘણા ભક્તો પાસેથી પણ તમે મા વિશે માહિતગાર થઈ શકો. એમને તમે થોડુંક પણ જાણતાં હોત તો, એમને આટલા બધા સવાલો પૂછવાની તમે હિમ્મત ન કરત. તમારે જે કંઈ કહેવું હોય તે મને કહો. માને હેરાન નહીં કરો.’ છતાં પણ તે સ્ત્રીએ ચાલુ જ રાખ્યું, ‘મારી દીકરી અહીં આવે છે. એક દિવસ એણે મોટા મૂળા અહીં જોયા હતા.’ માએ ઉત્તર વાળ્યો, ‘અનેક લોકો અનેક વસ્તુઓની ભેટ ધરે છે. હું શું એ બધું યાદ રાખી શકું? તમારી દીકરીને હું ઓળખતી નથી.’ એ પછી પેલી વિધવા ગઈ અને માએ મને કહ્યું; ‘થોડું પાણી લાવ અને મારા પગ ધોઈ કાઢ, મને થોડો પંખો નાખ.’ મેં તેમ કર્યું.

મારા એક પિત્રાઈને દૂઝતા ભગંદરની પીડા હતી. એક આંખના દાક્તર પાસે ઑપરેશન કરાવવા માટે, પોતાનાં માતાપિતા અને અમારા બીજા કેટલાક કુટુંબીઓ સાથે એ કલકત્તા આવ્યો હતો. આ વિશે મેં પહેલેથી માને વાત કરી હતી. મા પાસે જઈ, મારા ભત્રીજાને બતાવી, માને પ્રણામ કરી હું બોલી, ‘મા, આ છોકરાની આંખે ઑપરેશન કરાવવાનું છે.’ મા કહે, ‘મને એની આંખ જોવા દે.’ બે છોકરાની આંખ જોઈને મા કહે, ‘બેટા, આજકાલ ભાતભાતના રોગો જોવા મળે છે અને દરેક રોગના નિષ્ણાત દાક્તરો પણ હોય છે. અગાઉ લોકો આટલા બધા રોગોથી પીડાતાં નહીં; તેમજ આટલી બધી દાક્તરી સારવારની પણ એમને ખબર ન હતી. આ રાધુનો જ દાખલો લે. એને કેટલાં બધાં દર્દો હતાં અને જાતજાતની સારવાર લેવી પડી હતી. વળી એ સાજી થાય એ માટે મેં જુદાં જુદાં દેવદેવીઓની બાધા માની હતી છતાંય, એ સાજી નથી રહેતી. ઠાકુરના મનમાં શું છે તે તો માત્ર એ જ જાણે છે.’ એમને સાંભળી, થોડુંક હસી હું મનમાં વિચારવા લાગીઃ ‘મા વિશે આપણે કેટલાં અજાણ છીએ? એમના બોલ પરથી લાગે છે કે જાણે રાધુ એમનું સર્વસ્વ છે. આમ એ પોતાનો સાચો સ્વભાવ છુપાવી રાખે છે.’ એમના હલનચલન પરથી કોઈ જ આ સમજી ન શકે. માએ પોતાની જાત જેની પાસે પ્રગટ કરી હોય તે માણસ જ એમને સમજી શકે. છોકરાની આંખ જોયા પછી મા કશું બોલ્યાં નહીં પરંતુ, ઑપરેશન સફળ રીતે પા૨ પડ્યું હતું.

થોડા સમય પછી, પોતાને વતન જતાં પહેલાં પોતાના બાળકો સાથે મારાં માસી માને દર્શને આવ્યાં. પગ લાંબા કરી બેઠેલાં મા, ઠાકુરના પ્રસાદ માટે ફળના ટુકડા કરતાં હતાં. એ બધાં સીધાં જ મા પાસે ગયાં અને એમણે માને પ્રણામ કર્યા. મારાં માસીને માએ પૂછ્યું, ‘શું આ બધાં તારાં છોકરાં છે?’ માસી બોલ્યાં, ‘હા,મા. બધાંય મારાં છે.’ મા કહે, ‘વારુ, અરે, બધાં કેવાં ભક્તિભાવવાળાં છે! બધાંયે સાષ્ટાંગ પ્રણામ કર્યા છે! મારી દીકરીને અહીં આ અગવડભર્યા સમયે સૌને લાવી છે. અત્યારે હવે દેવપૂજાનો સમય છે. હું થોડી વાર પણ વાત કરી શકું એમ નથી.’ માસીએ કહ્યું, ‘ક્ષીરોદે તો આ સમયે અહીં આવવાની ના જ પાડી હતી પણ, અમારી પાસે બીજો સમય નહીં હોવાથી, અમે અત્યારે આપની પાસે આવ્યાં છીએ. મા, ક્ષીરોદને અમે થોડા દિવસ અમારે વતન લઈ જવા માગીએ છીએ. હું આપની રજા માટે આવી છું. મા બોલ્યાં, ‘તમારે વતન તમે એને લઈ જાઓ એમાં શી તકલીફ પડવાની છે? પણ એ પાછી મોકલો ત્યારે એની મુસાફરીનો ખર્ચ તમે ભોગવશો તે ઠીક થશે. માસી કહે, ‘એમ જ કરીશું.’ પછી એ સૌ પોતાની ગાડીમાં ગોઠવાયાં.

(ક્રમશઃ)

Total Views: 95

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.