ભારત સરકારના બાયૉ-ટૅક્નૉલૉજી વિભાગના સૅક્રૅટરી ડૉ. શ્રીમતી મંજુ શર્મા બાયૉ-ટૅક્નૉલૉજીનાં વિશ્વવિખ્યાત નિષ્ણાત છે. – સં.

૧૯૮૧ની વસતી ગણતરી પ્રમાણે કૃષિક્ષેત્રમાં ૮૦% સ્ત્રીઓ કામ કરે છે. આમાંની ૫૦% કરતાં પણ વધુ સંખ્યાની સ્ત્રીઓ પ્રાથમિક શિક્ષણ પણ પામી નથી. આપણે જાણીએ છીએ કે આપણા દેશના ગ્રામ્ય વિસ્તારમાં એક સામર્થ્યવાન કાર્યકરનો મોટામાં મોટો સ્રોત એ આપણા દેશની બહેનોનો બનેલો છે. મોટા ભાગની સ્ત્રીઓના જીવન આધારનો સ્રોત કૃષિ છે. ૫૦ મિલિયન સ્ત્રીઓ કૃષિ પર આધારિત છે. ૨૧ મિલિયન સ્ત્રીઓ ખેતમજૂરી પર નભે છે. આ છે આપણા ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓનું કાર્યબળ. કુલ ૮૬% ગ્રામ્ય સ્ત્રીઓ કૃષિક્ષેત્રમાં કામ કરે છે, એમાંથી ૩૬%ની પાસે પોતાની ખેતીની જમીન છે, ૩૬% બહેનો ખેતમજૂર તરીકે કાર્ય કરે છે. અને ૧૪% સ્ત્રીઓ બીજાં કાર્યોમાં રોકાયેલી રહે છે. દુ:ખની વાત તો એ છે કે આજે વિશ્વની સ્ત્રીઓની કુલ સંખ્યાના ૭૦% જેટલી સ્ત્રીઓ ગરીબોમાં ય ગરીબ એવું જીવન જીવે છે.

આપણે આ વર્ષોમાં વિવિધ ક્ષેત્રોમાં ઘણો વિકાસ સાધ્યો છે. સાયન્સ એન્ડ ટૅક્નૉલૉજીનું આ ક્ષેત્રવિકાસોમાં સૌથી મહત્ત્વનું પ્રદાન છે. ભૌતિક સાધનસંપદાએ ઉત્પાદન, પ્રૌદ્યોગિકતા, વિકાસ પરિમાણો અને આપણા અર્થકારણની સુધારણામાં લાવેલ ચિરકાલીન સ્થિરતાથી સૌ કોઈ પરિચિત છે. ગરીબોની સમસ્યાઓ, આર્થિક રીતે પછાતવર્ગના પ્રશ્નો અને આપણા દેશના માનવસંસાધન સ્રોતના ૫૦% જેટલા સ્રોત બહેનોની સમસ્યાઓમાં અસરકારક રીતે કામ કરવા સાયન્સ અને ટૅક્નૉલૉજી ઘણી શક્તિમત્તા ધરાવે છે.

આપણે માનવસંસાધનરૂપ વસતી પર-પ્રજાજનો પર નજર નાખીએ તો જેમના પર સૌથી વધારે માંદગી અને અપૂરતા પોષણના ભારે ઘાતક હુમલા થતા રહે છે તે છે – આપણી બહેનો. ભારતમાં આવાં સ્ત્રીબાળકોની સંખ્યા વિશ્વભરમાં સૌથી વધારે છે. વિજ્ઞાનને મોખરાનું સ્થાન આપીને અને એને મુખ્ય ચાલકબળ બનાવીને આપણો દેશ વિકાસમાં આગેકૂચ કરવા માગતો હોય અને આવતી ૨૧મી સદીમાં અર્થકારણ અને ઉદ્યોગના ક્ષેત્રે ક્રાંતિ લાવવા ઇચ્છતો હોય તો આપણા દેશની સ્ત્રીઓ સાયન્સ અને ટૅક્નૉલૉજીના ક્ષેત્રમાં પૂરેપૂરી ભાગીદાર બને અને એ ક્ષેત્રને સ્ત્રીઓના કલ્યાણ માટે કામે લગાડાય એ જરૂરી છે. સાથોસાથ મહિલા વૈજ્ઞાનિકો અને ટૅક્નૉલૉજીસ્ટોને સારા વળતર સાથેની સન્માનપૂર્વકની કામગીરી મળવાની ખાતરી મળે એ આવશ્યક છે. પોતાની કારકિર્દી ઘડવા સ્ત્રીઓ વિજ્ઞાન પર પોતાની પસંદગી ઉતારે તે માટે તેમને પ્રોત્સાહિત કરવાની પણ એટલી જ આવશ્યકતા છે. આપણી સુશિક્ષિત અને વિજ્ઞાનની પદવી ધરાવતી સ્ત્રીઓની સંખ્યાના ૮૮% બહેનો વિજ્ઞાન અને દાક્તરી તેમજ વૈદ્યકીય સેવાઓના ક્ષેત્રમાં છે. આમાંથી માત્ર ૩% જેટલા જ બહેનો ઈજનેરી, ઇન્ફૉર્મેશન ટૅક્નૉલૉજી અને કમ્પ્યુટર જેવાં ક્ષેત્રોમાં કામ કરે છે.

કૃષિ અને બાયૉટૅક્નૉલૉજીના ક્ષેત્રે બહેનો

માત્ર પુરુષકૃષિકારોના કલ્યાણ માટે નિયોજાતી કૃષિવિકાસ વ્યૂહરચના લાંબો સમય ટકવાની નથી. જ્યાં સુધી આપણા સ્ત્રીકૃષિકારો દ્વારા આપણી પ્રાકૃતિક સંપદાના સ્રોતનું અતિ ઉપયોગ સાથેનું શોષણ નહીં અટકે ત્યાં સુધી ચિરકાલીન કૃષિવિકાસ શક્ય નથી. જ્યાં સુધી સ્ત્રીકૃષિકારોને પુરુષો કરતાં અપૂરતું શિક્ષણ અપાશે ત્યાં સુધી ખેડૂતની સલામતી નહીંવત્ રહેવાની. આવું ચાલશે ત્યાં સુધી પોતાની ભૂમિની ફળદ્રુપતામાં સુધારણા લાવવાની બાબતમાં તેઓ શક્તિમાન નહીં બને અને ખેતી કરીને પોતાનાં કૃષિઉત્પાદન અને તેની કમાણીમાં વૃદ્ધિ પણ નહીં કરી શકે. આપણી વિકાસલક્ષી કાર્યયોજનામાં સ્ત્રીઓનાં વિવિધ પાસાં-કૃષિકાર, ગૃહિણી, માતા, વેપારી-ને અને સ્ત્રીઓની જવાબદારીઓને વારંવાર નજરઅંદાજ કરવામાં આવ્યાં છે. સ્ત્રીઓને કૃષિસહકાર ક્ષેત્ર અને અન્ય કિસાનસંગઠનોથી પણ બાકાત રાખવામાં આવે છે. સ્ત્રીઓની મૂળ સ્રોત સુધી પહોંચવાની ઊણપ અને નાવીન્યપૂર્ણ સંશોધનો તેમજ પ્રૌદ્યોગિક સુધારણાથી તેમને બાકાત રાખવાથી કૃષિવિકાસ ઉપર ઘણી માઠી અને નિષેધાત્મક અસર પડી છે. ગ્રામ્ય સ્ત્રીઓમાં ઘણી શક્તિ છે. જેને પૂરેપૂરી કામે લગાડીને સંપત્તિ-સમૃદ્ધિમાં પરિવર્તિત કરી શકાય તેમ છે. એટલે હવે ગ્રામ્ય વિસ્તારનાં સ્ત્રી પુરુષો વચ્ચે વાર્તાલાપ દ્વારા સંવાદ સ્થાપવાના કાર્યક્રમો યોજાય એ આવશ્યક છે. કૃષિવિષયક કાર્યોમાં સ્ત્રીઓનું સંકલન અને સ્ત્રીઓનો સમાવેશ કરવા માટે બધી કૃષિસંસ્થાઓ, સરકારી-અર્ધસરકારી કચેરીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓએ સુમેળભર્યા પ્રયાસો કરવા પડશે.

વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના ક્ષેત્રે સ્ત્રીઓ પોતાનું પ્રદાન કેવી રીતે કરી શકે?

ઔદ્યોગિક રાષ્ટ્રોના અનુભવોથી એ સર્વસ્વીકૃત વાત બની ગઈ છે કે સામાજિક આર્થિક ક્ષેત્રના સાર્વત્રિક વિકાસ માટે તેમજ ઉત્પાદનમાં સુધારણા કરવા સાયન્સ એન્ડ ટૅક્નૉલૉજી નિર્ણાયક અને મહત્ત્વનાં પરિબળો બની ગયાં છે. તેણે સમાજનાં બધાં ક્ષેત્રોમાં પોતાનાં મૂળિયાં નાખી દીધાં છે. સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજીની આગેકૂચ સાથે કૃષિ, આરોગ્ય, પાણી, સ્વાસ્થ્યસ્વચ્છતા, સંદેશવ્યવહાર અને શિક્ષણ જેવાં અનેક ક્ષેત્રોને સવિશેષ લાભ થયો છે. આ બાબતની અનુભૂતિની ઝાંખી મોટા ભાગના વિકાસશીલ દેશની પ્રજાના મનમાં થવા લાગી છે. સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજીના પ્રગતિ-વિકાસના ક્ષેત્રમાં સ્ત્રીઓનું પ્રદાન અનેકમુખી છે. કેટલીક મહત્ત્વની મુખ્ય એવી આ ક્ષેત્રની જવાબદારીઓ બહેનો ઉપાડી શકે તેમ છે: ૧. ટૅક્નૉલૉજીના વિકાસ અને ઉપયોજનના વિષયમાં નીતિનિર્ધારણમાં અને નિર્ણયાત્મક ક્ષેત્રમાં સ્ત્રીઓ સક્રિય ભાગ લઈ શકે. ૨. રિસર્ચ ઍન્ડ ડૅવલપમેન્ટના ક્ષેત્રમાં મહિલા વૈજ્ઞાનિકો અને ઇજનેરો સક્રિય બનીને પોતાનું પ્રદાન કરી શકે. ૩. શિક્ષણ અને સંદેશવ્યવહારના ક્ષેત્રની મહિલાઓ સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજીનાં વિવિધ ક્ષેત્રોના સક્રિય ભાગીદાર બનીને પોતાનું પ્રદાન આપી શકે. ૪. સ્ત્રીઓના વિજ્ઞાન પ્રત્યેનાં રસરુચિમાં વૃદ્ધિ અને સ્ત્રીઓમાં વૈજ્ઞાનિક મિજાજનું સર્જન કરવાના કાર્યમાં બહેનો મહત્ત્વનું પ્રદાન કરી શકે. ૫. પોતાની ગુંજાશ-ક્ષમતાશક્તિ ઊભી કરવાનું કાર્ય કરી શકે.

નીતિનિર્ધારણના ક્ષેત્રે સ્ત્રીઓની જવાબદારી

ખાનગી અને જાહેર સંસ્થાઓમાં નીતિનિર્ધારણના ક્ષેત્રે સ્ત્રીઓ અગત્યનો ભાગ ભજવી શકે એમ છે. આપણા દેશની વૈજ્ઞાનિક તરીકે કામ કરતી સ્ત્રીઓનો ૨૦% ભાગ વહીવટ, વ્યવસ્થાપન અને નીતિનિર્ધારણના ક્ષેત્રમાં જોડાયેલી છે. યોગ્ય લાયકાતો અને કૌશલ્યો ધરાવતાં મહિલા વૈજ્ઞાનિકોએ પોતાની પ્રશંસનીય કામગીરીથી ઉચ્ચ વ્યાવસાયિક અને વ્યવસ્થાપન ક્ષેત્રોમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે. આવાં બહેનો શિક્ષણ, સંશોધન સંસ્થાનોમાં અધ્યક્ષ, નિયામક કે સંશોધન-પ્રયોગશાળાઓના વડા તરીકે પોતાની સેવાઓ આપે છે અને નીતિનિર્ધારણનું કાર્ય પણ કરે છે. ભિન્ન ભિન્ન સાયન્ટિફિક અને ટૅક્નૉલૉજીકલ કાઉન્સિલોના તેમજ સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજીની ઍકૅડૅમિઝના સક્રિય સભ્યરૂપે આપણા દેશની રાષ્ટ્રીય નીતિના આયોજન અને નિર્ધારણમાં આપણાં બહેનો મોખરાનું સ્થાન ધરાવે છે. જો કે ઘણી નાની ટકાવારીમાં મહિલા વૈજ્ઞાનિકો આ કાર્ય કરે છે, પરંતુ વિશેષ રૂપે મહિલા જગત માટે અને સામાન્યત: વિજ્ઞાનના ક્ષેત્રે રસરુચિ ધરાવવા માટે મહિલાઓનાં આ ભાગીદારી અને પ્રદાન ઘણાં અગત્યનાં બની રહે છે.

રિસર્ચ ઍન્ડ ડૅવલપમેન્ટ ક્ષેત્રમાં બહેનોની ભાગીદારી

આજે વૈજ્ઞાનિક તરીકે કામ કરતી બહેનોમાંથી ભાગ્યે જ ૩% જેટલી બહેનો આ ક્ષેત્ર સાથે સંલગ્ન છે. ગુણવત્તા કસોટી, યંત્રસંચાલન પ્રક્રિયા, જાળવણી કે નિભાવ, ઔદ્યોગિક ઉત્પાદનો જેવાં પ્રૌદ્યોગિક વ્યવસાયમાં તેમની ભાગીદારી નગણ્ય રહી છે. બાયૉમૅડિકલ સંશોધન, ફૂડ એન્ડ ન્યુટ્રિશન, કૉમ્યુનિટી હૅલ્થ પ્રોગ્રામ, કૃષિ સંશોધન, ઇલૅક્ટ્રૉનિક્સ, કમ્પ્યુટર સૉફ્ટવૅર અને ઇકૉલૉજી રિસર્ચ જેવાં કેટલાંક ક્ષેત્રોમાં મહિલાઓ ઘણું અસરકારક કાર્ય કરી શકે તેમ છે. ટૅક્નૉલૉજીના ઉત્પાદન અને તેના સ્થાનાંતરણની પ્રક્રિયામાં મહિલાઓનો સમાવેશ એ ઉપર્યુક્ત ક્ષેત્રોના કાર્યક્રમોની ચોક્કસ સફળતાને ખાતરી આપનારું કાર્યબળ છે.

શિક્ષણ અને વિજ્ઞાનની લોકાભિમુખતા અને મહિલાઓનું પ્રદાન

વિજ્ઞાનની લોકાભિમુખતા અને લોકોમાં વૈજ્ઞાનિક મિજાજ ઊભો કરવો આ બે આજનાં સમાજનાં અતિ ઉપયોગી અને અંગભૂત ઘટકોમાં મહિલા વૈજ્ઞાનિકો ઘણો અગત્યનો ભાગ ભજવી શકે તેમ છે. સ્નાતક કક્ષા સુધીનાં ભિન્ન ભિન્ન સ્તરે એક વિજ્ઞાનના નિષ્ણાત શિક્ષકના રૂપે કામ કરતી મહિલાઓ અસંખ્ય વૈજ્ઞાનિક મહિલાઓનાં ભવિષ્યનું ઘડતર કરી શકે છે. અત્યારના મહિલા વૈજ્ઞાનિકોનો ૨/૩ ભાગ વિજ્ઞાનશિક્ષક તરીકે કાર્ય કરે છે. આ પોતાની પસંદગીનું ક્ષેત્ર હોવાથી તેમનું પ્રદાન પણ મહત્તમ રહે છે. આ સર્વસ્વીકૃત હકીકત છે કે વિજ્ઞાન ક્ષેત્રના આપણા ઘણાં તજ્જ્ઞોને એમના શિક્ષકોએ પ્રેર્યા છે. એ પણ સર્વસ્વીકૃત બાબત છે કે પ્રણાલિગત રીતે બહેનો વિજ્ઞાન કે ઇજનેરી શાખામાં અભ્યાસ માટે જોડાવા ઉત્સુક નથી, આને લીધે એક એવો સ્વપ્રતિબંધ મુકાઈ જાય છે કે જેની કેટલીય મહિલાઓના વિજ્ઞાન અને ઇજનેરી અભ્યાસક્રમના પ્રવેશ પર માઠી અસર પડે છે. એટલું જ નહીં પરંતુ પુરુષો સાથેની મહિલાઓની તંદુરસ્ત પ્રતિસ્પર્ધાની બાબતમાં પણ બહેનોમાં એક ખચકાટ ભરી લાગણીની ગ્રંથિને દૃઢ કરે છે. વિજ્ઞાન શિક્ષણની ગુણવત્તા સુધારણા અને એને સુદૃઢ બનાવવી તેમજ શાળા અને ઉચ્ચ શિક્ષણના સ્તરે વિજ્ઞાનશિક્ષણની તાલીમની પૂરતી સુવિધાઓ પૂરી પાડવી એ આજની તાતી જરૂર છે. શાળા કૉલેજ કક્ષાએ મહિલા વિજ્ઞાનશિક્ષકોને તાલીમ આપવી જોઈએ, એમને પ્રોત્સાહિત કરવાં જોઈએ, વિજ્ઞાન વિષયક સહાભ્યાસિક પ્રવૃત્તિમાં એમને સામેલ કરવી જોઈએ. એમને પ્રોત્સાહન આપવા તેમજ વિજ્ઞાન અને ટેકનિકલ શિક્ષણ શાળાઓમાં મહિલાઓની સંખ્યામાં વૃદ્ધિ લાવવા પારિતોષિકો, ઍવૉર્ડ્સ, પ્રતિસ્પર્ધા, યુથક્લબ વગેરેનું આયોજન પણ કરવું જોઈએ. બહેનોમાં વૈજ્ઞાનિક શક્તિ ઊભી કરવા અને વિકસાવવા માટે દેશમાં અને વિદેશમાં તાલીમી કાર્યક્રમો યોજવા જોઈએ, સંશોધન સહાય આપવી જોઈએ, રાજ્ય, રાષ્ટ્ર કે વિશ્વકક્ષાની વિજ્ઞાન વિચારણા સંશોધન સભામાં ભાગ લેવા વિશેષ ભથ્થાની સહાય વગેરે એક પ્રોત્સાહન રૂપે મળવાં જોઈએ. મહિલા વૈજ્ઞાનિકો લેખિકા, વિજ્ઞાન ટૅક્નૉલૉજીના ક્ષેત્રના પત્રકારત્વ, વિજ્ઞાન ટૅક્નૉલૉજીની જાગૃતિ અને તેના વિકાસની જાણકારી, લોકોમાં વિજ્ઞાન ટૅક્નૉલૉજીની સ્વીકૃતિના અભિગમ અને પર્યાવરણ જાળવણી જેવાં ક્ષેત્રોમાં મહિલા વૈજ્ઞાનિકો પોતાની સેવા સારી રીતે આપી શકે તેમ છે.

સ્ત્રીઓનાં કલ્યાણઉન્નતિ માટેનાં અસંખ્ય પડકારો અને તકો તરફ નજર નાખતાં છેલ્લામાં છેલ્લી ટૅકનૉલૉજીના ફલદાયી અમલીકરણના ફાયદાઓની ખાતરી ૨૧મી સદીમાં આપવામાં મહિલાઓનું પ્રદાન મુખ્ય અને મહત્ત્વનું બની રહેશે. બહેનોને ટૅકનૉલૉજીના ક્ષેત્રે સુસમૃદ્ધ બનાવવી, એમને યોગ્ય શિક્ષણ અને તાલીમ આપીને એમની વિવિધ ક્ષેત્રોની વ્યાવસાયિક જ્ઞાન ગુણવત્તા સુધારવી અને એમને માત્ર એક કાર્યકરના ક્ષેત્ર પૂરતી જ નહીં પણ નીતિનિર્ધારણ અને નિર્ણયાત્મક ક્ષેત્રોમાં કામ કરતી કરવી તેમજ રાષ્ટ્રીય વિકાસના મુખ્ય પ્રવાહમાં એમને સક્રિય ભાગીદારી નિભાવતી બનાવવી એ રાષ્ટ્રના સ્થિર પ્રગતિવિકાસ માટેનાં કેટલાંક અગત્યનાં પગલાં ગણી શકાય. વિજ્ઞાન પરિવર્તનનું વાહક માધ્યમ બનવું જોઈએ અને ટૅક્નૉલૉજીએ આર્થિક સમૃદ્ધિવાળી સત્તા બનવું જોઈએ. એટલે જ ૨૧મી સદીના સમૃદ્ધ ભારત બનાવવાના આપણા આદર્શોને પરિપૂર્ણ કરવા આપણે આપણા સમગ્ર માનવસંસાધન સ્રોતનો તેમજ પ્રાકૃતિક સ્રોતનો પૂરેપૂરો ઉપયોગ કરવો પડશે. જ્યારે જ્યારે આપણા ધ્યેય આદર્શો સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત રહ્યા છે ત્યારે ત્યારે આપણે ઉજ્જ્વળ પરિણામો મેળવ્યાં છે અને આપણું ઉજ્જ્વળ ભવિષ્ય સર્જ્યું છે. સાયન્સ અને ટૅક્નૉલૉજીને આપણે માનવજાતના કલ્યાણ માટે જોતરી શક્યા છીએ અને જોતરી શકીશું. આ કાર્યમાં સ્ત્રીઓ જ નેતૃત્વ લેશે. સુશિક્ષત, સમૃદ્ધ અને શક્તિ સંપન્ન સ્ત્રીઓના સમાજના મહત્તમ કલ્યાણમાં પૂર્ણ ઉપયોગ માટે આપણે આ ઉક્તિ યાદ રાખવી પડશે:

પુરુષને શિક્ષણ આપવું એટલે એક વ્યક્તિને કેળવવી અને સ્ત્રીને શિક્ષણ આપવું એટલે સમગ્ર સમાજને-જનસમૂહને શિક્ષણ આપવા જેવું છે.

(ભાષાંતર : શ્રી મનસુખભાઈ મહેતા)

Total Views: 87

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.