શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં વર્ષો સુધી રહેલા સ્વામી પ્રપન્નાનંદ વેદાંત સૉસાયટી ઑફ સૅક્રામૅન્ટોના અધ્યક્ષ છે. – સં.

સ્વામી વિવેકાનંદે ૧૮૯૬ના નવેમ્બરમાં લંડનમાં વ્યવહારુ વેદાંત વિષે ચાર વાર્તાલાપો આપ્યા હતા. આ વિષય પર એમણે અહીં પ્રથમવાર વિચારો વ્યક્ત કર્યા નહોતા. પરંતુ એમના કેટલાંય સંભાષણોમાં આવા વિચારો રજૂ થતાં રહ્યા હતા, વાસ્તવિક રીતે લંડનમાં એમણે આપેલા પ્રવચનોમાં તેઓ ખરેખર વ્યવહાર વેદાંત વિષે જે કંઈ કહેવા માગતા હતા- એના સારભૂત વિચારો વ્યક્ત થયા છે. સ્વામીજી કહે છે કે ‘વેદાંતનો પ્રથમ આદર્શ છે કે તમે દિવ્ય છો. – તત્ ત્વમ અસિ.’ આ તાત્વિક વાત બૌદ્ધિક દૃષ્ટિકોણથી કોઈને ગળે ઉતારવી શક્ય છે. આત્મા જન્મતો નથી, આત્મા મરતો નથી, આપણે મરવાના છીએ એવો આપણો ખોટો ખ્યાલ એ એક વહેમ માત્ર છે. આપણે આ કંઈ કરી શકીએ અને પેલું ન કરી શકી એ પણ એ વહેમ અને અશ્રદ્ધા છે. આપણે બધું કરી શકીએ છીએ. જૂનો ધર્મ કહે છે કે જે ઈશ્વરના અસ્તિત્વમાં માનતો નથી તે નાસ્તિક છે, વેદાંતની દૃષ્ટિએ પોતાની જાતમાં શ્રદ્ધા ન ધરાવનાર નાસ્તિક છે. સ્વામીજીના મત પ્રમાણે આ બધા આદર્શો પશ્ચિમના લોકોની દૃષ્ટિએ ક્રાંતિકારી છે ખરા, પરંતુ વ્યવહારુ નથી લાગતા. તેમાત્ર આદર્શો છે. પરંતુ વેદાંત કહે છે તેમ આ આદર્શોની અનુભૂતિ કરી શકાય અને તેને જીવનમાં પણ ઉતારી શકાય છે.

પ્રાચીનકાળમાં ભગવાન કૃષ્ણે અને રાજા જનકે આ આદર્શો અને વિચારોનો ઉપદેશ આપ્યો હતો અને સતત પ્રવૃત્તિશીલ જીવનમાં વ્યસ્ત રહેવા છતાં એ આદર્શોને પોતાના જીવનમાં ઉતારીને એનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. વેદાંતની બીજી વાત છે ક્યાંય પાપ નથી માત્ર ભૂલ કે ક્ષતિ છે. આપણે જે કંઈ ભૂલ કરીએ છીએ તે અલ્પકાલીન હોય છે. આપણને સદૈવ દોષિત ગણી શકાય નહીં. સદા પ્રકાશમાન આત્મામાં જ્ઞાનના પ્રભાતથી અજ્ઞાનનો નાશ થાય છે. વેદાંતનો ત્રીજો વિચાર ઐક્ય છે. કોઈ પણ વસ્તુમાં દ્વૈત નથી, બે જીવન નથી, બે જુદા જુદા પ્રકારનાં જીવન નથી, જીવનમાં દિવ્યતાના પ્રગટીકરણની માત્રાફેરને લીધે ભેદ દેખાય છે. આ વિચારો સ્વામીજીએ પશ્ચિમમાં ઉપેદેશ્યા હતા પાછળથી આ ઉપદેશો એમની સંસ્થાઓમાં અને અનુયાયીઓમાં ચાલુ રહ્યા, ૧૦૦ વર્ષ પછી હવે આ વિચારો અને આદર્શોના પરિણામોની નોંધ લેવી એ તાર્કિક વાત છે. ઘણા સંતોષ સાથે એવું કહેનારા કેટલાય વ્યક્તિઓ હશે કે પાપ અને પાપમુક્તિના સિદ્ધાંત તેમજ સજાના સિદ્ધાંતનો અસ્વીકાર કરનાર વેદાંતના વિચારોએ – આદર્શોએ એમના જીવનમાં ઘણાં રાહત-આનંદ-શાંતિ આપ્યાં છે. આ સિદ્ધાંતો બુદ્ધિશાળી માણસની સામાન્યબુદ્ધિને મહાત કરી શકે તેવા છે.વેદાંત બીજા ધર્મો પ્રત્યે સમભાવ, સન્માન રાખવા માટે મુમુક્ષુઓને મદદરૂપ બને છે અને પોતાના ધર્મને નવી રીતે જોવાની દૃષ્ટિ પણ આપે છે.બધાં ધર્મોનાં મૂળ સત્યો સમાન છે – એક છે. પરંતુ સમય અને સંજોગો પ્રમાણે જુદા જુદા ઉપદેશકોએ એનો જુદો જુદો અર્થ કર્યો છે અને એને એ પ્રમાણે મહત્ત્વ આપ્યું છે. પોતાના ધર્મને જરાય બાધારૂપ થયા વિના ઘણાં ખુલ્લા મનના વિચારોવાળા ધર્મગુરુઓ બીજા ધર્મો પ્રત્યે માન-સન્માન દાખવે છે. તેઓ સત્યના અત્યાર સુધી છૂપા રહેલા પાસાંને બહાર લાવે છે. આ પાસાં લાંબા સમયથી સુષુપ્ત હતા અને આજે જે પ્રસ્તુત છે. એટલે ‘તું તારા પાડોશીને તારી જેમ ચાહજે.’ – એને આજના વસુધૈવકુટુંબકના યુગમાં બીજા ધર્મોમાં રસ-રુચિ રાખવા અને એ ધર્મોમાંથી કંઈક શીખવા માટેની સૂચનારૂપે માનવામાં આવે છે. સ્વામી વિવેકાનંદે પોતાના એક વાર્તાલાપમાં ‘શું વેદાંત ભાવિ ધર્મ છે?’ માં વેદાંત વિશ્વના જનસમૂહનો ધર્મ બની શકે એ માટે શંકા વ્યક્ત કરી હતી. આવી જ રીતે ‘વૈશ્વિક ધર્મ અને તેની અનુભૂતિ’ એ વિષય પર પાસાડેનામાં આપેલા પ્રવચનમાં તેમણે કહ્યું હતું કે, ‘સમાન મન-બુદ્ધિ-ભાવનાવાળા વિવિધ ધર્મના લોકો, સમાનતાનાં સત્યો કે મુદ્દાઓ માટે સાથે મળી શકે અને એકમત થઈ શકે છે. બધા ધર્મના બુદ્ધિશાળી લોકો જ્ઞાનયોગના અનુયાયી તરીકે એકબીજાના વિચારો અને આદર્શોની પરસ્પર આપલે કરશે એવી પણ તેમણે અપેક્ષા રાખી હતી. આવી જ રીતે પ્રવૃત્તિઓ, પ્રેમભક્તિ અને મનોનિગ્રહ કેળવવા ઇચ્છતા અનુયાયીઓ પોતપોતાની સમાનચિ અને પ્રવૃત્તિઓની ભાવનાની અરસપરસ આપલે કરીને સહચાર કેળવશે. સ્વામીજીની આ આર્ષદૃષ્ટિ આજે સાકાર થતી હોય તેવું લાગે છે. શા માટે આજે પશ્ચિમમાં હિંદુ ધર્મના યોગ અને ધ્યાન એટલી બધી લોકચાહના મેળવતાં થયાં છે, એ આપણા માટે સમજવું કઠિન બની જાય તેવું છે. વેદાંતને પશ્ચિમમાં ધર્મરૂપે આવું મહત્ત્વ નથી, હઠયોગ અને ધ્યાનમાં રસરુચિ યોગાસનોના અનુશીલન સાથે ઊભા થયાં. ખૂબ ખર્ચાળ ચિકિત્સા અને દાકતરી સારવારના આ યુગમાં કોઈપણને માટે સ્વસ્થ રહેવું એ સીધીસાદી વાત છે. આજના યુગમાં મનની મુંઝવણો દૂર કરવી, આજના દૈનંદિન જીવનમાં જણાતા માનસિક તનાવમાંથી મુક્તિ મેળવવા અને અત્યંત ખર્ચાળ મનોવૈજ્ઞાનિક સારવારમાંથી બચવા ધ્યાન આજે સૌથી વધારે લોકપ્રિય સાધન બન્યું છે. સામાન્ય રીતે એકાદ કલાકની આવા વિશેષજ્ઞ ડૉક્ટરની મુલાકાતનો ખર્ચ ઓછામાં ઓછો પચ્ચાસથી સો ડૉલર રૂ. ૨૨૫૦ થી ૪પ૦૦) થાય છે. આ દેશની સુખ્યાત મૅડિકલ કૉલેજના મનોચિકિત્સા વિભાગના એક અધ્યાપકની નોંધ રજૂ કરીને મારો લેખ પૂરો કરું છું ‘છેલ્લાં ૨૦ વર્ષો સાઈકોથેરપીનાં રહ્યાં છે, એની પહેલાંના ૨૦ વર્ષ સાઈકોએનાલિસિસનાં હતાં, પરંતુ હવે પછીનાં ભાવિ ૨૦ વર્ષો ધ્યાનનાં રહેશે.’

Total Views: 135

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.