ચૌદ વર્ષ અગાઉ, એક ફિલિપન કુટુંબ સાથે મનિલાની મધ્યમાં મેં ત્રણેક માસ ગાળ્યા. ત્યાંની આસપાસના વિસ્તારમાં આવેલા ભાગોમાં હું એકલી એકલી જ ભ્રમણ કર્યા કરતી. એમ કરતાં કરતાં, મેં મનિલાથી થોડે દૂર આવેલા લ્યૂઝોન ટાપુ પર જવાનું ઠરાવ્યું. મને ફિલિપનો દેવળોની મુલાકાતો લેવાનું બહુ ગમતું; ત્યાંના ઉપાસકો સાથે શાંતિપૂર્વક બેસવાનું, અને તેમની ભક્તિમાં ભાગ પડાવવાનું મને ખૂબ ગમતું. ફિલિપનો સંસ્કૃતિમાં ધર્મ, ખાસ કરીને કેથેલિક ધર્મ, એક ખૂબ જ મહત્ત્વનું અંગ છે. લગભગ દરેક ઘરમાં જીસસ, વર્જીન મેરી અને બેબી જીસસ (એલ નીનો)ની પૂજાનું સ્થાન હોય છે, જ્યાં કુટુંબના સભ્યો પ્રાર્થના કરતાં હોય છે. આ પૂજાઘરની મૂર્તિઓ લગભગ આપણા પશ્ચિમી દેશોના ધર્મસ્થાનોમાં જોવા મળતી મૂર્તિઓ જેવી જ હોય છે : જીસસના વાળ સોનેરી છે અને આંખો ભૂરી છે; મેરી એક કોકેશિયન સ્ત્રી જેવી છે જેના આશીર્વાદ ટપક્યા કરતા હોય તેમ જણાય છે. ‘એલ નીનો’ તો જાણે એક તોફાની, સુંદર મજાનું બાળક છે, જેને માથે ગૂંચળાંવાળા સોનેરી વાળ છે. ‘અટી ચિંગ’ નામના મારા યજમાને જ્યારે ધર્મની વાતચીત દરમ્યાન કહ્યું કે મારે ‘કાળા જીસસ’ના ચર્ચની મુલાકાત લેવી, ત્યારે મને ખૂબ જ કુતૂહલ થયું.

મને એવું દેવળ હકીકતમાં મળી આવ્યું તેનું પણ મને ખૂબ આશ્ચર્ય થયું. તે ચર્ચમાંથી ફિલિપનો પ્રાર્થના કરવા માટે પંક્તિબદ્ધ રીતે તેના મોટાં ડબલ દરવાજાઓમાંથી આવતા અને ઘસાયેલા પથ્થરનાં પગથિયાં ચડીને ચર્ચમાં જતા પણ દેખાતા હતા. જો કે ફિલિપનો ચર્ચમાં લોકોની હાજરી તો રહેતી જ હતી, અને સપ્તાહના સામાન્ય દિવસોમાં પણ તેનાં પ્રવચન (સ્ચજજ) માટે લોકો ખાસ્સી એવી સંખ્યામાં હાજર રહેતા. તેમ છતાં મેં કદી દર્શન માટેની આવી કતારો જોઈ નહોતી. હું પણ આ કતારમાં જોડાઈ અને શાંતિથી મારો વારો આવવા માટે રાહ જોવા લાગી.

એકધારી રીતે કતાર આગળ ધપતી ગઈ અને તેનું કારણ મેં દાખલ થતાં જ જોયું કે એક નિશ્ચિત માર્ગે અમારે આગળ જવાનું હતું, એક તીર્થયાત્રા હતી જેમાં બીજા માટે માર્ગ ખૂલ્લો રાખવાનો હતો. ચર્ચનો અંદરનો ભાગ તો મોટાભાગના અન્ય ચર્ચોમાં હોય છે તેવો જ હતો જેની મેં મુલાકાતો લીધી હતી. વચ્ચેના એક રસ્તાની આસપાસ ભક્તોને બેસવાની બેન્ચો ગોઠવાયેલી હતી. આ રસ્તાના છેવટના ભાગમાં થોડાં પગથિયાં આવતાં હતાં. જેની પર ચડતાં ધાર્મિક ટેબલ (કે Alter) આવતું હતું. તેની પછી તે ખૂબ જ ઊંચાઈએ ભીંતમાં જડેલી એક જીસસની કોતરેલી મૂર્તિ દેખાતી હતી, જેમાં જીસસને ક્રોસ પર જડી દીધા હતા તેવું ચિત્ર હતું. પરંતુ વિશેષમાં, આ ચર્ચમાં એક કમાનવાળી બેઠક પણ હતી, જે બાકીની બેન્ચોથી, પાદરીની બેઠકથી, ધાર્મિક ટેબલ અને જળસંસ્કારના ઝરાથી (Baptismal Fount) પણ સહેજ અલગ રખાઈ હતી. આ કમાનવાળી બેઠકમાં દાખલ થઈએ કે ત્યારે સામે જ બીજી એક જીસસની મૂર્તિ હતી જે મનુષ્યના પ્રમાણની જેટલી જ હતી અને તેમાં પણ જીસસને ક્રોસ પર ચડાવેલા દર્શાવાયા હતા. તેમના પગ મારી આંખોની સમક્ષ આવે એટલી ઊંચાઈએ આ મૂર્તિ ગોઠવાઈ હતી. લગભગ બધા ફિલિપિનોની આંખ આગળ આવે એ રીતે ગોઠવાયેલી આ પ્રતિમા ભૂમિથી લગભગ પાંચ ફૂટ ઊંચે મૂકાઈ હતી. આ મૂર્તિ પાસેથી પસાર થતા ભક્તો તેમના જડાયેલા એવા ચરણોને વંદન કરતા હતા, જાણે તે સ્વયં જીવંત જીસસ ન હોય! હું પણ એક ક્ષણ માટે ત્યાંથી ચાલતાં અટકી, તેમના ચરણોને મારું કપાળ અડાડ્યું અને તેમના મુખ સામે જોયું. મને ખબર તો હતી જ કે આ ફક્ત એક મૂર્તિ હતી, એક શિલ્પ હતું. છતાં પણ, જાણે જીસસની ઘેરી આંખો મને જીવંત અને સાચી લાગી, તેઓ પોતાના ક્રોસ પરની પીડાને ભૂલીને જાણે કોઈ અંતરના દૃશ્યને નિહાળી રહ્યા હતા. તેમના વાળ કાળા હતા અને કાંટાના તાજની નીચે ચીપાઈ ગયેલા હતા. તેમની સુંદર ત્વચા પણ હેતાળ અને ઉષ્માવંત બદામી રંગની હતી. આ નાનકડી બેઠક ખૂબ જ ભાવુક્તામય ભક્તિથી તરબોળ જણાતી હતી. જ્યારે કતારની ગતિમાં જોડાઈને મારે અહીંથી આગળ જવું પડ્યું ત્યારે હું દુ:ખી થઈ અને છેવટે હું પણ દરવાજે આવી પહોંચી.

ત્યાર પછી ઘણીવાર મેં એ ‘બ્લેક જીસસ’ વિષે વિચારો કર્યા છે, કેટલું પ્રેમમય શિલ્પ! શું તેનાં ચરણોને ચૂમતા લોકોનાં આંસુ અને ભાવુકતા! મારા પોતાના આધ્યાત્મિક વિકાસને લઉં, તો હું માનું છું કે હું ફિલિપનો ભક્તોની ઉપર ‘બ્લેક જીસસ’ના પ્રભાવને થોડે અંશે સમજી શકું છું, એક એવી મૂર્તિ જે ધાર્મિક ભાવનાને અન્ય ભાવનાઓથી વધુ ચેતનવંતી કરી શકે તેવી એ મૂર્તિ હતી. વીસ વર્ષ અગાઉ મેં મારા આધ્યાત્મિક નિવાસની શોધ આદરી હતી. મારે એવો ધર્મ શોધવો હતો જે મારા મનને, મારા હૃદયને અને મારી શક્તિઓને કામે લગાડી દે. જીસસનો ઉપદેશ મને ખૂબ જ પ્યારો હતો. છતાં એક વિશિષ્ટ અને અસ્પષ્ટ રીતે વધુની જરૂરિયાત હું અનુભવતી હતી. હું એ ધર્મથી આકર્ષાઈ જે વસ્તુત: મારે ખૂબ જ અજાણ્યો, વિદેશી, હતો – હિન્દુ ધર્મ! એક નવી જ રીતે હિંદુધર્મના ઉપદેશે મને એ બાબતમાં સથવારો આપ્યો કે સ્ત્રી અને પુરુષ – બન્નેમાં – ભગવાનનો અંશ નિહિત છે. પ્રભુને માતા અને પિતા, બંને સ્વરૂપે પૂજી શકાય છે. મને એ વાતનું ખૂબ આશ્ચર્ય હતું કે હું પ્રભુનું માતાસ્વરૂપે પૂજન કરી શકતી હતી; અને એ બાબતને લીધે ધર્મ પ્રત્યે પહેલાં કદી પણ ન થયો હતો એવો અનુરાગ પ્રેરાયો. આંતરિક ગાઢ સંબંધ અને ઓળખની કામનાને આપણા વ્હાલા લોકો જ પરિપૂર્ણ કરે છે એટલું જ નહિ પણ તેઓ આપણા કુટુંબીઓ અને આપણા જેવા જ હોય છે. ફિલિપનો લોકો ‘બ્લેક જીસસ’નું પૂજન વિશિષ્ટતાથી કરતા હતા કેમ કે તેમનામાં તેઓ પોતાની પ્રતિકૃતિ જોઈ શકતા હતા – એક એવો પ્રભુ જેની પ્રતિમા ખેતરમાં કામ કરતા અને તડકાથી કાળા થઈ ગયેલા ખેડૂતો જેવી કાળી જણાતી હતી. મેં પણ ‘દિવ્ય માતા’નું આકર્ષણ અદમ્ય રીતે અનુભવ્યું, કેમ કે તે સમયે હું એટલી હતાશ થઈ ચૂકી હતી કે મારામાં કશું યે તત્ત્વ છે કે નહિ તે વિચાર્યા કરતી હતી, તેવે સમયે પ્રભુત્વને તેમણે એક નારીનો ચહેરો આપ્યો હતો, જેને કારણે મારો જીવનનો ઉત્સાહ મને ફરીથી પ્રાપ્ત થયો અને મારી આધ્યાત્મિક યાત્રા વધુ પ્રમાણિત બની ગઈ.

કેટલાંક વર્ષ તો હિંદુધર્મમાંનો મારો રસ મેં કોઈ જ જાતની મદદ વિના જ પોષ્યો હતો. પૂર્વીય દર્શનો અને ધર્મોની સમજણ કેળવવી મારી શક્તિ બહાર હતું એ વાતની મને જાણ તો હતી, છતાં મારો દૃઢ વિશ્વાસ હતો કે શ્રીમા સાથેના મારા સંબંધો તો પૂર્ણ રીતે સત્ય હતા જ. તેઓને પ્રેમ કરવા માટે, તેઓની પૂજા કરવા માટે, તેઓને પ્રાર્થના કરવા માટે શું શાળાએ જવું પડે? હવે, મને ખ્યાલ આવે છે કે વેદાંત શીખવાને માટે હું કેટલી ભાગ્યશાળી હતી, અને શ્રીમા અંગેની જાણકારી પણ કેટલી સૌભાગ્યની વાત હતી. તેનું કારણ એ છે કે એમ થયા વિના ‘દિવ્યમાતા’ ને માટેનો મારો એકલવાયો પ્રેમ અને મારી પૂજા તદ્દન ઊંધે રસ્તે દોરાઈ જતી હતી. ‘દિવ્યમાતા’નો વિચાર પણ મારાથી અજાણ એવી દેવી સાથે મને ખૂબ જ એકાત્મતાનો અનુભવ કરાવતો હતો એ ખરું. છતાં એ ખ્યાલને જે રીતે હું જોતી હતી તેથી મેં જાણે રાજકીયતાનો અંચળો ચડાવ્યો હતો : પ્રભુના માતૃત્વને મેં એ રીતે જોયું, અને દિવ્ય માતાના સંઘર્ષો મારા સંઘર્ષો બન્યા, મારા શત્રુઓ એમના શત્રુ બન્યા. અમેરિકામાં એક સ્વતંત્ર યુવતી તરીકેનું જીવન વ્યતીત કરવાના પ્રયત્નોમાં મને લાગ્યું કે મને દરેક પગલે જાતિયતાનાં જ અનુભવો થાય છે. જીવનના દરેક સોપાને મનને ફરી ફરીને એ વાતનો અહેસાસ થવા લાગ્યો કે આપણાં સમાજમાં સ્ત્રીનું સ્થાન સમાનતાથી કેટલું વંચિત છે. દિવ્યમાતા જ મારા બચાવ માટે સંઘર્ષ કરવા લાગ્યાં. જ્યારે મને પુરુષોએ આર્થિક અથવા રાજકીય સમાનતા ન આપી, અને જોઈતું માન પણ ન આપ્યું, કેમકે હું એક સ્ત્રી હતી, તેવે સમયે દિવ્ય માતા જ તે પુરુષને લડવામાં અને વગોવવામાં જાણે મારું સમર્થન કરતાં. પ્રભુનું પ્રતિનિધિત્વ મને નારી સ્વરૂપે કોઈ પિતૃસ્વરૂપના પ્રતિનિધિત્વ કરતાં ઘણું વધારે ઉચ્ચ લાગતું હતું, અને મારામાં રહેલા પક્ષપાતો અને અણગમાઓને મેં દિવ્ય માતામાં પણ રોપ્યાં હતાં.

પરંતુ શ્રીમાએ મને એ શીખવ્યું છે કે હું ‘દિવ્યમાતા’નું વ્યક્તિત્વ જે રીતે વિચારતી હતી તે તો મારી પોતાની નાસીપાસીઓ અને કામનાઓનું જ આરોપણ તેમનામાં કરેલું હતું.

દિવ્ય માતા પ્રત્યેનો મારો દૃષ્ટિકોણ આવો હોવાને લીધે, જ્યારે હું વેદાંત સોસાયટીમાં પહેલવહેલી આવી અને શ્રીમા અંગે જાણકારી મને મળી ત્યારે પણ મેં શ્રીમાને એક એવાં વ્યક્તિ ધારી લીધાં જે શત્રુઓના સંહાર માટે તત્પર હોય, મારા નારીવાદનાં મસીહા હોય. મારે તેમને એક નારીવાદી પૂજનીય પ્રતિમા જેવાં જોવાં હતાં, બધાં એવાં સામાજિક પરિબળો સામે બથ ભીડતાં જોવાં હતાં જેને લઈને નારીની શક્તિઓને રૂંધી નાખવામાં આવે છે. પરંતુ શ્રીમાનું વ્યક્તિત્વ મારા આ રાજકીયકરણના હેતુને પૂરું કરે તેમ નહોતું. તેમને મારા રાજકીય સંઘર્ષોમાં જોડવાં તે જાણે તેમના જ વ્યક્તિત્વને એટલું રૂંધી નાખવા જેવું હતું કે જેથી તેઓ મને આધ્યાત્મિક રીતે મદદ જ ન કરી શકે.

મને એ વાસ્તવિકતાનો ખ્યાલ આવી ગયો કે શ્રીશારદાદેવી તો દિવ્ય પ્રેમ, સમસ્તને આવરી લેતા દિવ્ય પ્રેમનું જીવંત પ્રતિનિધિત્વ છે, જે સામાજિક દબાણો અને રાજકીય વિરોધાભાસોથી ક્યાંય ઊંચે છે. ઉચ્ચતમ આધ્યાત્મિકતાના મૂર્ત સ્વરૂપ જેવાં શ્રીશારદાદેવી ‘સ્ત્રી’ અને ‘પુરુષ’ જેવી માનુષી વ્યાખ્યાઓથી પર છે, અને તેવું જ તેમના પતિનું પણ હતું. શ્રીરામકૃષ્ણને તો તેઓ કાલિમાતાના જ અવતાર તરીકે ગણતાં હતાં! માતાએ મોટેથી હસીને કહ્યું, ‘જો ભાઈ, તેઓ પોતે જ તો મહાન પ્રભુ અને મહાન માતા છે. દરેક દેવી-દેવતાઓમાં તેઓ છે અને દરેક પ્રાણીમાં તેઓ વસે છે…. તું તેઓને મહાપ્રભુ પણ કહી શકે છે, અથવા તો મહાન માતા પણ કહી શકે છે.’ અનંત યુગોથી જોડાયેલાં દંપતિ, શ્રીરામકૃષ્ણ અને શ્રીશારદાદેવી તો દિવ્ય દંપતિ હતાં, જેમ શિવ અને શક્તિ, પુરુષ અને પ્રકૃતિ, આ નર-નારીનો સિદ્ધાંત જે કદી સંઘર્ષમાં પડતો નહિ પરંતુ આધ્યાત્મિક સંવાદિતતામાં એકબીજા સાથે સંકળાયેલો હતો. જ્યારે એક યુવતી તરીકે શ્રીમા શ્રીરામકૃષ્ણની સાથે લગ્નમાં જોડાયાં, ત્યારે તેમણે શ્રીમાને પૂછ્યું, કે શું શારીરિક સંબંધોની તેમને ખેવના છે? શું તેઓ એમ ઇચ્છે છે કે તેઓ આધ્યત્મિક ક્ષેત્રમાંથી પાછા ફરીને ભૌતિકતામાં સીમિત થઈ જાય? તેવે સમયે શ્રીમાનો સ્પષ્ટ ઉત્તર એ હતો કે તેઓની એક જ કામના હતી કે પતિના આધ્યાત્મિક કાર્યને પુષ્ટિ આપવી.

હવે જાણે શ્રીમા મને પૂછી રહ્યાં છે, ‘શું તું મને તારા રાજકીય સંઘર્ષોના સીરે ઉતારી લાવવા માગે છે?’ હવે મારો જવાબ બની ગયો છે, ‘ના. એના કરતાં તો આપ મને એ સમજાવવો કે માનવશરીરમાં જ દિવ્ય માતૃત્વ કઈ રીતે જીવી શકાય? મને એ શીખવો કે પ્રભુના દિવ્ય માતૃત્વનો સાચો અર્થ શું છે.’

પોતાના જીવનનાં ઘણાં વર્ષોમાં, શ્રીમાની આધ્યાત્મિક મહાનતા જગતને સમજાઈ નહોતી. બહારથી તો તેઓ એક સામાન્ય મનુષ્ય જ લાગતાં, જેમણે એક સાચી હિંદુ સ્ત્રીની ભૂમિકા અદા કરી હતી. નમ્ર અને શરમાળ, તેમણે શ્રીરામકૃષ્ણની નિ:સ્વાર્થ સેવા કરી, તેમને જ માટે નહિ પણ તેમના બહોળા પ્રમાણના શિષ્યો અને મુલાકાતીઓ માટે ભોજન રાંધ્યાં અને તેમની માંદગી દરમ્યાન ખૂબ સેવાચાકરી કરી. શ્રીરામકૃષ્ણ માટે શ્રીમા તો અનિવાર્ય હતાં જ, છતાં મંદિરમાં આવનારાં અનેક લોકો, જે તેમના નોબતખાનાના રહેઠાણની પાસેથી પસાર પણ વારંવાર થતા હતા, તેઓ પણ શ્રીમાના અસ્તિત્વથી અજાણ રહ્યા. શ્રીરામકૃષ્ણ તેમનું વર્ણન કરતાં કહેતા પણ ખરા, ‘તે તો રાખમાં છૂપાયેલી એક બિલાડી જેવાં છે; જે સંતાઈને રહે છે, અને કોઈની વચ્ચે આવતાં નથી.’ શ્રીમાના આધ્યાત્મિક અભ્યાસથી પણ લોકો અજાણ હતા. વહેલી સવારે ત્રણ વાગ્યે તેઓ ગંગાસ્નાન કરવા ઊઠી જતાં, જ્યારે આસપાસ કોઈનો સંચાર ન હોય. રાત્રે બધાં સૂઈ ગયાં હોય ત્યારે તેઓ ધ્યાન કરવા માટે જાગતાં. પ્રભુના જ સતત ખ્યાલમાં રહેતાં અને તેથી તેમના પતિ માટે તેમણે કરેલું એક એક કાર્ય જાણે પ્રાર્થના જ બની જતી, એક આધ્યાત્મિક કાર્ય બની જતું. શ્રીમા કેવળ એક પત્ની તરીકે ફરજો નહોતાં નિભાવતાં, તેમણે એ ફરજોને પરમાનંદ આપનાર કાર્યો બનાવી દીધાં હતાં. કેવળ શ્રીરામકૃષ્ણ પોતે જ તેમના આધ્યાત્મિક બળની સાચી ઓળખ ધરાવતા હતા. તેમણે ષોડશી પૂજા કરીને તેમનું સન્માન કર્યું, જેમાં પ્રભુનું માતૃત્વ એક માનવદેહમાં અવતર્યું હોય તેની પૂજા કરવામાં આવે છે. જ્યારે તેઓ એક આધ્યાત્મિક આનંદમાં બેઠાં હતાં ત્યારે શ્રીરામકૃષ્ણે પોતાની પત્ની શારદાદેવીની પૂજા કરી, જેમાં ‘દિવ્યમાતા’ના મૂર્તિ સ્વરૂપ તરીકે તેમનું સ્થાન હતું. ‘આ એક સર્વોચ્ચ ધાર્મિક વિધિ દ્વારા શ્રીમાનું પ્રતિષ્ઠાપન હતું. જેના દ્વારા તેમણે પોતાની સમક્ષ બેઠેલ દેવીને પોતાનાં તપ, જપ અને પોતાની સાથે પોતાનું સર્વસ્વ તેઓને સમર્પિત કર્યું હતું’ આ રીતે, તેમના પરસ્પરના પ્રેમ અને અહોભાવને લીધે તેમનું દાંપત્ય જીવન જાતીયતાના સ્તરથી ખૂબ જ ઉપર ઊઠીને એક પ્રખર આધ્યાત્મિક સંબંધ બની ગયું.

જો કે શ્રીરામકૃષ્ણના ‘ભૌતિક’ મૃત્યુ સુધી શ્રીમાના ઉચ્ચ આધ્યાત્મિક સ્તરને લોકોએ ઓળખ્યું નહોતું (એક સ્વપ્નમાં તેમણે શ્રીમાને કહ્યું, ‘‘હું જતો રહ્યો નથી. હું તો એક ઓરડામાંથી બીજા ઓરડામાં જ ગયો છું.’’) શ્રીરામકૃષ્ણનો દેહ પડ્યો તેના છેલ્લા દિવસોમાં શ્રીમાએ વિરોધ કર્યો હતો, ‘હું તો કેવળ સ્ત્રી છું!’ છતાં શ્રીરામકૃષ્ણે કહ્યું કે હજી ઘણું બધું કામ કરવાનું શેષ રહે છે, જેની જવાબદારી તેમણે સ્વીકારવી પડશે. હવે તેઓ ‘રાખમાં છુપાયેલી બિલાડી’ તરીકે નહીં રહી શકે, જેમાં તેઓ કેવળ નજીકનાં નારી -શિષ્યો સાથે જ હરતાં- ફરતાં હતાં.

શ્રીરામકૃષ્ણનાં શિષ્યા હતાં અને શ્રીમાનાં સખી પણ હતાં, તેવા યોગિનમાના કહેવા પ્રમાણે, રામકૃષ્ણ-મઠનાં તો શ્રીમા પ્રાણસમા બની ગયાં. ‘‘આજે તમે જે કંઈ જુઓ છો, આ બધા મઠો અને આશ્રમો, એ કેવળ શ્રીમાની જ કૃપાને કારણે છે!’’

સ્વામી શિવાનંદ ઉપર લખેલા એક પત્રમાં સ્વામી વિવેકાનંદ પણ યોગિનમાની જ વાતને સમર્થન આપતાં લખે છે, ‘શ્રીમાના જીવનના વિસ્મયકારી મહત્ત્વને તમે હજી સમજી શક્યા નથી-તમારામાંથી કોઈ સમજ્યું નથી. પણ ધીરે ધીરે તમે તે જાણી લેશો. શક્તિ વિના જગતનું પુનર્જીવન શક્ય જ નથી.. ભાઈ, અમેરિકા માટે નીકળતાં અગાઉ મેં શ્રીમાને આશીર્વાદ પાઠવવા માટે પત્ર લખ્યો. તેઓના આશીર્વાદ આપતો પત્ર આવ્યો અને જાણે હું એક છલાંગે સમુદ્ર પાર કરી ગયો!’ શ્રીમાની જ કૃપાથી શ્રીરામકૃષ્ણનો ઉપદેશ લુપ્ત થઈ જતાં અટક્યો અને એટલું જ નહિ, તેને એક પીઠબળ મળ્યું, એક એવો આધાર મળ્યો જેને લીધે તે સંપૂર્ણ જગતમાં વિસ્તાર પામ્યો.

રામકૃષ્ણ મઠની સ્થાપનામાં શ્રીમાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા એક નારીવાદી માટે ખૂબ ઉપયોગી ઉદાહરણ બની શકે તેમ છે. અસાધારણ માનવોનું પણ નેતૃત્વ કરનાર અને નિર્દેશન કરનાર સ્ત્રીનું તેઓ ઉદાહરણ પૂરું પાડે છે. પણ, જો કે હું શ્રીમાને સંપૂર્ણ રીતે સમજી નથી, છતાં મને લાગે છે કે તેઓનાં કાર્યોને એક નારીવાદી દૃષ્ટિકોણથી જ જોવાં તે તેમના ઉચ્ચ હેતુઓનું ખોટું અર્થઘટન થશે. અને, શ્રીમાને મારી વાતમાં સંડોવવાથી નારીવાદના જ ધ્યેયના વિરોધમાં તેઓ આવી જશે. શ્રીમાનું સંપૂર્ણ જીવન, ખાસ તો શ્રીરામકૃષ્ણના આધ્યાત્મિક કાર્યનું આયોજન જે તેમના પ્રતિનિધિત્વમાં તેમણે સંભાળ્યું, એમાં સમન્વયની ભાવના હતી, વિરોધની નહિ. શ્રીમાનો પ્રેમ દરેક માટે, બધાં માટે હતો.‘‘આપણા આ પૃથ્વી ગ્રહની ઉપર આવતા અનંત અસંખ્ય જીવો, મનુષ્યોની હારમાળામાં શ્રીમા એક અસાધારણ ઉદાહરણ છે.. જેનો પ્રેમ યોગ્ય – અયોગ્ય પાત્રમાં વિભાજિત નહોતો, જેની દૃષ્ટિમાં સંત અને પાપી એક સમાન અને મહામૂલાં બાળકો હતાં, જેનું વિશાળ હૃદય સમસ્ત માનવ જાતિને પોતાના માતૃત્વમાં સ્થાન આપતું હતું, જેના નાનામાં નાના અંશ માટે કામ કરવું અને સહન કરવું તેઓ પોતાનું ગૌરવ ગણતાં હતાં.’’ કોઈ પણ આદર્શવાદ, પછી તે નારીવાદ હોય કે બીજા કોઈ વાદ હોય, પોતાના ધારી લીધેલા વિરોધીઓની નબળી કડીઓ શોધે છે. પોતાની મહાસમાધિ સમયે શ્રીમાના શબ્દો હતા તે જુઓ: ‘કદી એ કોઈના દોષ ન જોશો, કદી કોઈને અજાણ્યું અને પારકું ન સમજશો. સમગ્ર જગતને પોતાનું કુટુંબ માનજો.’ પુરુષ અને સ્ત્રી વચ્ચેના સંબંધો અંગે શ્રીમાને ચિંતા તો હતી, પણ તે એ રીતે કે એમણે પરસ્પર પ્રેમ અને માનભર્યુ વર્તન રાખવું, જેમ આધ્યાત્મિક ભાઈ-બહેન હોય તેમ. તેમની ઉચ્ચસ્તરે લઈ જતી હાજરીમાં સ્ત્રીઓને પુરુષો એક જ કુટુંબનાં સભ્યો હોય તેમ અનુભવતાં, એક જ માતાનો પ્રેમ મેળવતાં. શું કોઈ રાજકીય કાર્યક્રમને લઈને આપણે બાળકોને તેમની માતાથી અળંગા કરી શકીશું?

આ લખાણ દ્વારા હું નારીવાદને કોઈ રીતે નીચો આદર્શવાદ માનવા કે તેનો નકાર કરવા માગતી નથી. ઉલટાનું, હું મારી જાતને ચોક્કસ નારીવાદી માનું છું, અને એ બધા વાદોની વિરોધી છું જેવા કે જાતિવાદ (racism). જેને કારણે માનવોનાં, તેમના કલ્યાણનાં, વિભાજનો થતાં હોય છે. મતાધિકાર માટે લડનાર સ્ત્રીઓની હું ઋણી છું જેમણે વીસમી સદીના આરંભમાં સ્ત્રીઓને રાજકીય સ્થાન મેળવી આપ્યું. ઉચ્ચ શિક્ષણ અને આર્થિક તકોમાં રહેલી સ્ત્રી-વિરોધી અવરોધોને પાર કરનારી નારીવાદીઓની પણ ઋણી છું જ, કેમ કે તેમણે મારી લૌકિક કામનાઓની પરિપૂર્ણતા માટે ઊંચી આશાઓ બાંધી આપી. પણ સૌથી વધુ ઋણી હું શ્રીમાની છું. તેમના ઉદાહરણથી, તેમના અગાધ, બિનશરતી પ્રેમથી તેમણે આપણને એ શીખવ્યું છે કે આપણા હૃદયમાં પણ એક એવો ખૂણો છે જેથી આપણે પ્રેમ કરી શકીએ છીએ, શુધ્ધ અને ગહન પ્રેમ, જે જગતની ગણત્રીઓથી ઉપર છે, અને આપણને આધ્યાત્મિક અભિલાષાઓની પરિપૂર્ણતાનો માર્ગ દર્શાવે છે.

શ્રીમાનું આકર્ષણ પ્રથમ તો મને તેમના સ્ત્રી હોવાને લીધે જ થયું. હવે, હું પ્રાર્થું છું કે આધ્યાત્મિક રીતે તેમના સર્વવ્યાપી પ્રેમની સાથે મારું તાદાત્મ્ય વધતું જાય. છેલ્લે, વેદાંતે દરેક વ્યક્તિને આપેલા વચન પર મારું ધ્યાન છે: આપણા દરેકની અંદર, આપણા અંતરમાં, આત્મા રહેલો છે, જે દરેક ભેદભાવોથી ઉપર છે, ઉંચો છે. શ્રીમાની અત્યંત કૃપાથી જ્યારે આપણે આ અંતરાત્માનો સાક્ષાત્કાર કરીશું, ત્યારે પ્રભુ સાથેના આપણા સંબંધને તાદાત્મ્યની આવશ્યકતા નહીં રહે, પણ એકત્વ જ બની જશે. આપણને એ અનુભૂતિ થશે કે આપણે કેવળ ‘સ્ત્રી’ કે કેવળ ‘પુરુષ’ નહિ, બલ્કે સ્વયં ‘સર્વોચ્ચ આત્મા’ જ છીએ.

અનુવાદક : ડો. સુધા નિખિલ મહેતા
‘ગ્લોબલ વેદાંત’, ડિસે. ૧૯૯૬માંથી સાભાર.

Total Views: 98

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.