શ્રીરામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી સખ્યાનંદજીનો મૂળ અંગ્રેજીમાં Indian History in Its Right Perspective નામે ‘પ્રબુદ્ધ ભારત’ (August 1979)માં પ્રસિદ્ધ થયેલ લેખનો પ્રો. ચંદુભાઈ ઠકરાલે કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

ભાગ – ૧ : સ્વામી વિવેકાનંદના સ્વપ્નની ભારતીય ઐતિહાસિક રાષ્ટ્રિય સંશોધનપદ્ધતિ

ઇતિહાસનું લાભદાયક જ્ઞાન

ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં પુરાવૃત્ત અથવા ઇતિહાસને ઇતિહાસ-પુરાણ તરીકે ઓળખવામાં આવે છે. એને ઘણી વખત પાંચમા વેદ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

ભારતીય જ્ઞાનની (અપરાવિદ્યા) અઢાર શાખાઓમાંની ઇતિહાસપુરાણ એક છે. માનવજાતિને બોધ આપવા માટે પ્રાચીન ભારતના ઋષિમુનિઓએ તેનો વિકાસ કર્યો હતો. (માનવજાતિ માટે લાભકારક જ્ઞાનની આ અઢાર શાખાઓ)ના પાયા પર ભારતીય સંસ્કૃતિનું ચણતર થયેલું છે. ભારતીય સંસ્કૃતિનું ઘડતર કરનાર મહાન ઋષિઓના મતે ઇતિહાસ (પુરાવૃત્તમ્‌)નો અર્થ થાય છે સમયની આગેકૂચ દરમિયાન પેઢી દર પેઢીથી પરંપરાગત રીતે ઊતરી આવેલ સંસ્કારી સમાજ કે રાષ્ટ્રના જીવનમાં થયેલા ભૂતકાલીન સમાજ-રાજનીતિવિષયક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક અનુભવોનો વિશ્વસનીય અહેવાલ. પંચમ વેદના સાહિત્યમાં ભાવિ પેઢીઓના પ્રકાશ અને માર્ગદર્શન માટે આપણા ઋષિઓએ આ પરંપરાઓને નોંધી રાખી છે. આ સાહિત્યિક નોંધોને પ્રાચીન ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિના જ્ઞાન માટે સૌથી વધુ નક્કર સ્રોત તરીકે માનવામાં આવે છે.

કેન ઉપનિષદ કહે છે : ‘विद्यया विन्दते अमृतम्’ અર્થાત્‌ આપણે સાચી વિદ્યા દ્વારા અમરતા મેળવી શકીએ છીએ. આ વિદ્યા એટલે નક્કર સાધનો દ્વારા (પ્રમાણ દ્વારા) મેળવેલું લાભકારક સાચું જ્ઞાન. પૃથ્વી પરના આપણા જીવન દરમિયાન આપણે સૌથી ઉચ્ચ પ્રકારનું શ્રેય મેળવવા ઇચ્છતા હોઈએ છીએ તે જ અમરતા છે. ઐતિહાસિક જ્ઞાન મેળવવાથી આપણને શું મળે છે? ઇતિહાસ-પુરાણનું અધ્યયન કરવાથી શો ફાયદો? આપણા યુગના મહાન ઋષિ સ્વામી વિવેકાનંદ પોતાના આધુનિક ભારતને કરવામાં આવેલા એક ઉદ્‌બોધનમાં આ પ્રશ્નનો જવાબ આપે છે : ‘ભૂતકાળમાંથી ભવિષ્યે આકાર ધારણ કરવાનો છે. ભૂતકાળ જ ભવિષ્ય બની જતો હોય છે. આથી હિંદુઓ જેમ જેમ પોતાના ભૂતકાળનો વધુ ને વધુ અભ્યાસ કરતા જશે તેમ તેમ તેમનો ભવિષ્યકાળ વધારે વધારે વખાણવા લાયક બનતો જશે. અને જે માણસ ભૂતકાળને પ્રત્યેકના દ્વારે લાવવાની કોશિશ કરે છે તે જ માણસ પોતાના રાષ્ટ્રનો સાચો લાભકર્તા છે.

સ્વામીજીના આ શબ્દો પરથી ઐતિહાસિક જ્ઞાનનું મૂલ્ય કેટલું છે, તે સ્પષ્ટ થાય છે. તે અજ્ઞાનને હાંકી કાઢવામાં માણસજાતને ઉપયોગી નીવડે છે. બધી નબળાઈઓનું મૂળકારણ અજ્ઞાન જ છે. ભવ્ય ભવિષ્યનું નિર્માણ કરવાનું બળ એ ઐતિહાસિક જ્ઞાન પૂરું પાડે છે. માર્ગમાં રહેલાં ભયસ્થાનોનું દર્શન કરવામાં તે પ્રકાશ પૂરો પાડે છે અને તેમને નિવારવામાં પણ તે સહાય કરે છે.

આ સૈકાના લબ્ધપ્રતિષ્ઠ ઇતિહાસકાર પ્રો. આર્નોલ્ડ ટૉયન્બીના મતાનુસાર ‘ઇતિહાસના અભ્યાસના એકમ તરીકે પરંપરાગત ગણરાજ્ય કરતાં સંસ્કૃતિને અપનાવવામાં આવવી જોઈએ.’ આપણે ‘સંસ્કૃતિ’નો અર્થ રાષ્ટ્રના બોધદાયક સાહિત્યમાંથી મળી આવતી છબી એવો સમજવો જોઈએ. તેમાં રાષ્ટ્રની યુગજૂની પરંપરાઓ અને સંસ્કારિતાને પ્રતિબિંબિત કરતી સંસ્કૃતિ પ્રતીકાત્મક રીતે રજૂ થઈ હોય છે. ભારતના સંદર્ભમાં પુરાણ અને ઇતિહાસ સાહિત્ય આપણા રાષ્ટ્રની સંસ્કારિતા અને સંસ્કૃતિનું પ્રતીક છે. આથી આપણા રાષ્ટ્રના ઇતિહાસના લાભકારક અભ્યાસ માટે તે સાહિત્ય ગંગોત્રીરૂપ બની રહેવું જોઈએ. આવા અભ્યાસ દ્વારા મેળવવામાં આવેલું જ્ઞાન આપણા મનમાં પ્રકાશ પાથરી દેશે અને યશસ્વી ભવિષ્ય માટેના આપણા સંકલ્પોનું દૃઢીકરણ કરશે. ઇતિહાસના સાહિત્યનાં ભાવ અને પરંપરાઓ માટે વિદેશી હોય તેવાં અન્ય સાધનો દ્વારા મેળવવામાં આવેલું ઐતિહાસિક જ્ઞાન આપણા માટે લાભકારક સિદ્ધ થઈ શકે નહિ, થશે નહિ. આપણી પ્રગતિ અને સમૃદ્ધિમાં અડચણો ઊભી કરીને આવું જ્ઞાન આપણા રાષ્ટ્રિય જીવનમાં નિષ્ફળ સાબિત થશે; એ આપણને અધ:પતન અને ગુલામી તરફ ઘસડી જશે.

જે જ્ઞાન રાષ્ટ્રિય અધ:પતન અને ગુલામી લાવે તે ચોક્કસપણે વિદ્યા નથી. માનવની આબાદી માટે લાભકારક બની રહે તેવું તે સાચું જ્ઞાન નથી, પછી ભલે ને તે ગમે તેટલું વૈજ્ઞાનિક અથવા નિર્મમ કેમ ન હોય! આપણી પ્રગતિ અને આબાદીનું વિરોધી હોય તેવા જ્ઞાનને સંસ્કૃતમાં અવિદ્યા કહેવામાં આવે છે, એનો અર્થ થાય છે વિકૃત અથવા મિથ્યા જ્ઞાન. કમભાગ્યે આજના ઐતિહાસિક અભ્યાસનું વલણ એ દિશા તરફ છે. આપણી રાષ્ટ્રિય પ્રગતિ અને આબાદીની બાબતમાં વિઘ્નરૂપ બની રહે તેવું જ્ઞાન મેળવવાની આજના આપણા વિદ્વાનો ભારતીય પરંપરા અને સંસ્કારિતાની પરસ્પર સાવ વિરોધી અને રાષ્ટ્રિયતા વિરોધી હોય એવી કેટલીક રીતોને અનુસરે છે. ઐતિહાસિક સંશોધનની તેમની પદ્ધતિઓ કેવી છે?

આધુનિક ઐતિહાસિક સંશોધનની દોષપૂર્ણ પદ્ધતિઓ

ઐતિહાસિક સંશોધનની અને શિક્ષણની બે પદ્ધતિઓ આધુનિક ભારતના વિદ્વાનોએ અપનાવેલી છે. તેમનાં નામ છે (૧) સમકાલીન વિદેશી નોંધો પર આધાર અને (૨) પુરાતત્ત્વીય અભ્યાસો. ઓગણીસમા સૈકાના યુરોપના ભારતીયવિદ્યાના નિષ્ણાતોનો આ વારસો છે. પોતાની ઐતિહાસિક જાણકારીનાં ધોરણોનો ઉપયોગ કરીને તેમણે ભારતનો ઇતિહાસ ફરીથી લખવાની શરૂઆત કરી હતી. તેઓ ક્યાં છે?

પાશ્ચાત્ય વિદ્વાનોની દૃષ્ટિએ ભારતના ઇતિહાસની સૌથી નક્કર ગંગોત્રી છે તત્કાલીન નોંધો. તેમનો અર્થ થાય છે મેગેસ્થનીસ ટોલેમી, પ્લિની, હ્યુએન-ત્સંગ, અલ્બેરૂની તથા ભારતની મુલાકાત લેનારા અન્ય પ્રવાસીઓએ ઈ.સ.ના ત્રીજા સૈકાથી માંડીને તેરમા સૈકા દરમિયાન લખેલી કહેવાતી દૈનંદિન નોંધોના અંશો. માની લઈએ કે આ કહેવાતી રોજનીશીની નોંધો વિશ્વસનીય અને નક્કર છે, તોપણ આપણે પ્રશ્ન કરી શકીએ કે આ વિદેશી પ્રવાસીઓની મુલાકાતો પહેલાંના અને તે દરમિયાન પ્રવર્તમાન સમયગાળાના ઇતિહાસનું શું માનવું? વિદ્વાનો આ પ્રશ્નનો ઉત્તર આપે છે કે તે સમયગાળા પ્રાગ્‌-ઐતિહાસિક, અંધકારભર્યા, સૂનકારભર્યા છે અને તેથી તેમના વિશે માહિતી મેળવી શકાતી નથી કે તેમના વિશે જાણી શકાતું નથી. એક રીતે કહીએ તો આ તો મેગેસ્થનીસ અથવા સિકંદરની મુલાકાતો પૂર્વે ભારતને પોતાની સંસ્કૃતિ અને ઇતિહાસ હતાં એ હકીકતનો જ વાસ્તવિક રીતે ઇન્કાર કરવા જેવું છે.

અહીં એક વસ્તુ નોંધવી જરૂરી છે કે ભારતીય પ્રાચીન ઇતિહાસ અને સંસ્કૃતિના અર્થનો અનર્થ કરવામાં અને વિકૃત કરવામાં માત્ર ઓગણીસમા સૈકાના યુરોપીય વિદ્વાનો જ એકલા જવાબદાર ન હતા. તેઓ તો અંગ્રેજ શાસકોના ભાડૂતી માણસો હતા. અને અંગ્રેજ શાસકોનું લક્ષ્ય જ એ હતું કે ખોટા પ્રચાર દ્વારા પ્રસ્થાપિત કરવું કે પશ્ચિમના સંપર્કને લીધે જ ઇતિહાસમાં પ્રથમવાર ભારતીયો સંસ્કારી બન્યા હતા અને જો ભારતીયો સંસ્કારી બનવા માગતા હોય તો ભારતે કાયમ માટે પાશ્ચાત્યો (અંગ્રેજો)ના વર્ચસ્વ નીચે જ રહેવું જોઈએ.

આ રીતે અંગ્રેજ સત્તાધારીઓના આદર્શથી આ ભાડૂતી લોકોએ બધી જાતની ખોટી ધારણાઓ, બનાવટી ઐતિહાસિક વિચારસરણીઓ અને પોતાના હેતુને અનુકૂળ હોય તેવી સંશોધન પદ્ધતિઓને આગળ ધરીને એક નકારાત્મક કેળવણી પ્રથા દાખલ કરી દીધી. કમભાગ્યે આ પદ્ધતિ આપણા આધુનિક ભારતીય ઇતિહાસકારો માટે ‘વૈજ્ઞાનિક’ અને ‘અદ્યતન’ બની રહી છે. છેલ્લાં ૧૫૦ વરસથી આ દેશનાં બાળકોને જે ઇતિહાસ શિખવવામાં આવે છે તેના પાઠ્ય પુસ્તકો પાશ્ચાત્ય સંશોધન પદ્ધતિ અને અનુમાનોની નિષ્પત્તિ છે.

શુદ્ધ હૃદયના અને પૂર્વગ્રહરહિત સમજણ ધરાવતા લોકો જાણે છે કે માનવ સંસ્કૃતિની ઉષા અહીં પ્રબુદ્ધ ઋષિઓના દેશ ભારતમાં ઊગી હતી અને અહીંથી જ જ્ઞાન અને સંસ્કારનાં વહેણ જગતના જુદા જુદા ખંડોમાં વહ્યાં હતાં. ઈશુ પૂર્વેની ત્રીજી સદી કરતાં ય ઘણા દૂરનો ભૂતકાળ ભારતના યશસ્વી ઇતિહાસનો ખરેખરો ગાળો ગણાય છે. આ હકીકત સાબિત કરવા માટે આપણી પાસે આપણા પાંચમાવેદની અણમોલ નોંધો છે. પરંતુ અરેરે, પાશ્ચાત્ય શાળાના વિદ્વાનોને એ સ્વીકાર્ય નથી; તેઓ તે નોંધોની પ્રામાણિકતાને એવું બહાનું કાઢીને નકારી કાઢે છે કે ઇતિહાસ-પુરાણો તો કાવ્યાત્મક કલ્પનાઓથી ભરેલી દંતકથાઓ અને ઉપજાવી કાઢેલી વાર્તાઓ છે.

વસ્તુત: માત્ર ભારતની જ નહિ, ઇજીપ્ત, ગ્રીસ અને બધી પ્રાચીન રાષ્ટ્રોની પ્રાચીન ઐતિહાસિક નોંધો કાવ્યાત્મક વિહારમાં ઢંકાયેલી છે. તો કરવું શું જોઈએ? જો આપણે તેમની સાચી ભાવના જાણવા ઇચ્છતા હોઈએ તો આપણે તાર્કિક પૃષ્ઠભૂમિના આધારે એ દંતકથાઓ અને પૌરાણિક કથાઓનું વિશ્લેષણ કરવું જોઈએ અને કવિતાવિહારમાંથી તેમાં રહેલ ઐતિહાસિક તથ્યોને જુદાં તારવી લેવાં જોઈએ. આ પ્રકારનું વિશ્લેષણાત્મક અધ્યયન સાચી દિશામાં પ્રમાણિક પુરુષાર્થ માગી લે છે; અલબત્ત આધુનિક વિદ્વાનોને તેની ટેવ નથી. આથી તેઓ પોતાના પાશ્ચાત્ય ગુરુઓએ પઢાવેલી અનુમાનોની નકારાત્મક પદ્ધતિને કરુણાજનક રીતે વળગી રહે છે. આ ગુરુઓએ તો ભારતીય સંસ્કૃતિ અને ઈતિહાસનો વારસો પચાવ્યો હોતો નથી અને તેથી જાણી જોઈને કે બીજી કોઈક રીતે તેમણે આપણા ઈતિહાસ અને સંસ્કૃતિની પ્રાચીનતા સિકંદરના સમય સુધી નીચી લાવી દીધી છે.

આધુનિક દૃષ્ટિબિન્દુથી જોઈએ તો દેશના જુદા જુદા ભાગોમાંથી ઉત્‌ખનન દ્વારા મળી આવેલા પુરાતત્વના અવશેષોનું અધ્યયન એ ભારતીય ઈતિહાસની બીજી નક્કર ગંગોત્રી છે. તેમાં અમુક અંશે પૃથ્વી પર માનવજીવન અને સંસ્કૃતિની પ્રાચીનતા દર્શાવતી સક્ષમ અન્ય સામગ્રી – અસ્થિના ટુકડા, માટીકામ, પથ્થરનાં ઓજારો, સિક્કા, ઉત્કીર્ણ શિલાલેખો, વગેરેનો સમાવેશ થાય છે. શંકા વગરની વાત છે કે તેઓ નક્કર સામગ્રી છે; આપણે એનો સ્વીકાર કરીએ છીએ. પરંતુ એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે પોતાનાં ઉદ્‌ભવ અને ઐતિહાસિક ઉત્ક્રાંતિ માટે આ સામગ્રી પોતે કોઈ મૂલ્યવાન જાણકારી પૂરી પાડી ન શકે. એ જાણકારી મેળવવા માટે તેમની ઐતિહાસિક નોંધોને જાળવી રાખનાર પરંપરાગત સાહિત્યના પ્રકાશમાં તેનો અભ્યાસ કરવો જરૂરી છે. રાષ્ટ્રિય જીવન સાથે તેના સંબંધ વિષે સંતોષકારક ખુલાસો મેળવવા માટે આપણે તે સાહિત્ય(ઈતિહાસ)માં કાળજીપૂર્વક ઊંડી ડૂબકી મારવી જરૂરી બની રહે છે. કમભાગ્યે આપણા રાષ્ટ્રિય ઈતિહાસ-સાહિત્યનું આવું ઊંડું અને કાળજી ભર્યું અધ્યયન અત્યારના પુરાતત્વવિદો અને ઈતિહાસકારોની દૃષ્ટિમર્યાદા બહારનું છે. આંધળા લોકો આંધળાની પાછળ પાછળ જતા હોય તેવી રીતે તેઓ પોતાના પાશ્ચાત્ય ગુરુજીઓને પગલે પગલે અનુસરે છે; અટકળોની વિદેશી પદ્ધતિઓને વળગી રહે છે અને ઘણીવાર ભારતીય રાષ્ટ્રિય જીવન અને સંસ્કારિતા સાથે પ્રસ્તુત ન હોય તેવી હાસ્યાસ્પદ અને વિચિત્ર માન્યતાઓને આગળ ધરતા રહે છે.

અમારો મત એવો છે કે આધુનિક વિદ્વાનોએ રજૂ કરેલાં આ વિવિધ ઐતિહાસિક અનુમાનો અને માન્યતાઓ દોષપૂર્ણ છે અને તેથી આપણે તેમને આપણાં પ્રાચીન ઈતિહાસ અને સંસ્કારિતાના લાભકારક જ્ઞાન માટે નક્કર સ્રોતો તરીકે સ્વીકારી ન શકીએ; પછી ભલે ને તેઓ ગમે તેટલાં વૈજ્ઞાનિક અને નિર્મમ હોવાનો દાવો કરતાં હોય. આ સદીની શરૂઆતમાં જ આપણા ઘણા પ્રબુધ્ધ ઉપદેશકોએ અને સુપ્રસિદ્ધ વિદ્વાનોએ આ ભ્રષ્ટ અદ્યતન ઐતિહાસિક અનુમાનો અને શિક્ષણની રાષ્ટ્રવિરોધી પદ્ધતિઓ વિરુદ્ધ સાવચેતીનો સૂર કાઢ્યો હતો. જે મહાપુરુષોએ અદ્યતન ઐતિહાસિક અનુમાનો તથા લખાણોનાં ભય સ્થાનોને પિછાણી લીધાં હતાં. તેમાનાં સૌથી પહેલા અગ્રણી હતા શ્રીરામકૃષ્ણ પરમહંસના મહાન શિષ્ય સ્વામી વિવેકાનંદ. ઋષિની સમ્યક્‌ અંતર્દૃષ્ટિ અને દૂરદર્શિતા દ્વારા તેમણે આપણા રાષ્ટ્રના પ્રગતિ અને શ્રેયને બંધ બેસતી આવે તેવી નવી ઐતિહાસિક સંશોધન પદ્ધતિ અને શિક્ષણ પદ્ધતિનું એક સ્વપ્ન સેવ્યું હતું. નીચે ઉદધૃત કરેલા તેમના પ્રબોધક શબ્દમાં તેનું દર્શન થાય છે :

‘જે પ્રજાને પોતાનો ઈતિહાસ નથી તેને આ દુનિયામાં કંઈ જ નથી. તમને એમ લાગે છે કે જેનામાં ‘હું ઊંચા કુળનો છું’ એવું અભિમાન હોય એ કદી હલકો બને? એ બની શકે જ કેવી રીતે? તેના પોતનામાં રહેલી શ્રદ્ધા જ તેનાં કાર્યો અને લાગણીઓને સંયમમાં રાખે; અને તે પણ એટલે સુધી કે કંઈ ખોટું કરવા કરતાં તેઓ મરવાનું વધુ પસંદ કરે. તેથી પ્રજાનો રાષ્ટ્રિય ઇતિહાસ તેને ખૂબ સંયમમાં રાખે છે, તેને વધારે નીચે પડવા દેતો નથી. હા, હું જાણું છું કે તમે તુરત કહેશો કે: ‘પણ આપણે આવો કોઈ ઇતિહાસ છે જ નહિ!’ બરાબર; તમારી પેઠે વિચાર કરનારાઓના મત પ્રમાણે નથી; તેમ જ તમારી યુનિવર્સિટીના મોટા પંડિતોના મત પ્રમાણે પણ કશો જ ઇતિહાસ નથી; અને તે જ પ્રમાણે જેઓ ખૂબ ઝડપભેર પશ્ચિમનો એક પ્રવાસ કરી આવીને યુરોપિયન ઢબે કોટપાટલૂન પહેરીને ભારપૂર્વક કહેવા લાગે છે કે ‘આપણું પોતાનું કંઈ છે જ નહિ; આપણે જંગલી છીએ.’ તેમને માટે પણ આપણો ઇતિહાસ નથી. અલબત્ત બીજા દેશોના ઇતિહાસ જેવો જ આપણો ઇતિહાસ નથી. જેમ કે આપણે ભાત ખાઈએ છીએ અને અંગ્રેજો તો ખાતા નથી. તો એ કારણસર શું તમે એમ કલ્પના કરવાના કે એ લોકો બધા ભૂખે મરી જાય છે, અને જડમૂળથી નાશ પામી જશે? એ લોકો પોતાના દેશમાં જે કંઈ મેળવી શકે છે કે ઉત્પન્ન કરી શકે છે, તથા પોતાને જે અનુકૂળ છે તેના પર સારી રીતે જીવી શકે છે. તેવી જ રીતે આપણે માટે જેવો હોવો જોઈએ તેવો જ આપણો પોતાનો ઇતિહાસ પણ છે. તમે આંખો બંધ કરીને ‘અફસોસ! આપણે કશો ઇતિહાસ જ નથી!’ એવી બૂમો મારો તેથી શું એ ઇતિહાસ અસ્તિત્વમાંથી નાબૂદ થઈ જવાનો છે? જેમને આંખો છે તેઓ તો આપણો જ્વલંત ઇતિહાસ જુએ છે અને જાણે પણ છે કે પ્રજા હજી એના જોરે જ જીવંત છે. પરંતુ એ ઇતિહાસ હવે ફરીથી લખવાની જરૂર છે. પાશ્ચાત્ય કેળવણી દ્વારા આજના જમાનામાં આપણે માણસોએ જે જ્ઞાન અને વિચારવાની પદ્ધતિઓ સ્વીકારી છે તેને અનુકૂળ તે હોવો જોઈએ, અને તે પ્રમાણે તેનું પુનરાલેખન થવું જોઈએ.’

‘સંસ્કૃતનો અભ્યાસ કરો અને તેની સાથોસાથ પાશ્ચાત્ય વિજ્ઞાનનું અધ્યયન પણ કરો. દીકરાઓ, ચોક્કસાઈ શીખો! અધ્યયન કરો અને મહેનત કરો, એક વખત એવો આવશે કે જ્યારે તમે તમારા ઇતિહાસને વૈજ્ઞાનિક પાયા પર મૂકી શકશો. કેમ કે અત્યારે ભારતીય ઇતિહાસ અસ્તવ્યસ્ત છે. અંગ્રેજ લેખકોએ લખેલા આપણા દેશના ઇતિહાસો આપણા માનસને નિર્બળ બનાવવા સિવાય બીજું કશું ન કરી શકે, કેમ કે તેઓ તો આપણા અધ:પતનની જ વાતો કરે છે. આપણા રીતરિવાજો અથવા આપણા ધર્મ અને તત્ત્વજ્ઞાનની બહુ જ ઓછી સમજ ધરાવતા વિદેશીઓ ભારતના ઇતિહાસોનું વફાદાર અને પૂર્વગ્રહમુક્ત આલેખન કરી શકે? કુદરતી રીતે જ તેમાં ઘણી ખોટી ધારણાઓ તથા અનુમાનો ઘૂસી ગયાં છે. તે છતાં ય આપણા પ્રાચીન ઇતિહાસમાં સંશોધનો કરતાં કરતાં કેવી રીતે આગળ વધવું તેનો માર્ગ આપણને દર્શાવ્યો છે. હવે વેદો, પુરાણો અને ભારતીય તવારીખો (ઇતિહાસ)નું અધ્યયન કરવાનું અને આપણા માટે ઐતિહાસિક સંશોધનનો સ્વતંત્ર માર્ગ કંડારી કાઢવો એ આપણું કર્તવ્ય બની રહે છે. અને તેમાંથી દેશના સુનિશ્ચિત, સહાનુભૂતિપૂર્ણ અને આત્મ-પ્રેરક ઇતિહાસો લખવાની જીવનસાધના (તપસ્યા) તમારે કરવાની છે. ભારતનો ઇતિહાસ લખવાનું કર્તવ્ય ભારતીય લોકોનું છે. તેથી આપણા ખોવાઈ ગયેલા અને ગુપ્ત ખજાનાને વિસ્મૃતિના ગર્તમાંથી બચાવી લેવાના કામે લાગી જાઓ. જેનું બાળક ખોવાઈ ગયું હોય તેને શોધી ન કાઢે ત્યાં સુધી માણસને નિરાંત થતી નથી, તે રીતે તમે ભારતના કીર્તિપૂર્ણ અતીતને લોકમાનસમાં પુનર્જીવિત ન કરો ત્યાં સુધી શ્રમ કરવાનું સતત ચાલું રાખો. તે સાચું રાષ્ટ્રિય શિક્ષણ બની રહેશે અને તેના વિકાસની સાથે સાથે સાચી રાષ્ટ્રિય ભાવના જાગૃત થશે!

એક નવું લક્ષ્ય (Range of Vision)

આપણા કીર્તિયુક્ત અતીતના ચિત્રપટને સ્પષ્ટ પરિપ્રેક્ષ્યમાં લાવવા માટે ઐતિહાસિક સંશોધનની નવી પદ્ધતિ, એક નવો દૃષ્ટિવિસ્તાર સ્વામી વિવેકાનંદ અહીં આપણી સમક્ષ રજૂ કરે છે. સૌથી પ્રથમ આપણે ઋષિ-ગુરુઓ અને શિષ્યોની પેઢી દર પેઢીથી ઊતરી આવેલ માનવભાષાના સૌથી પ્રાચીન અને સુસંસ્કૃત (સંસ્કૃત) સ્વરૂપ ભાષામાં પ્રકટ થયેલા અને જેમાં સર્વોચ્ચ આધ્યાત્મિક સિદ્ધાંતો મૂર્તિમાન થયા છે, તેવા સાહિત્ય-વેદનો આપણે અભ્યાસ કરવો પડશે. એના પછી ‘પંચમવેદ’ અથવા ઇતિહાસ-પુરાણનો અભ્યાસ આવે છે. એ તો આપણા રાષ્ટ્રનાં ઇતિહાસ અને સંસ્કૃતિની ખૂબ પ્રબોધક સાહિત્યિક નોંધો છે. શંકા વિનાની વાત છે કે પૌરાણિક સાહિત્યમાં જળવાઈ રહેલી આપણા પ્રાચીન ઇતિહાસની નોંધોમાં કાવ્યાત્મક ઉડ્ડયનો અને અલંકારશાસ્ત્રોનું મિશ્રણ થયેલું છે. અને એ તો કુદરતી છે; બધાં પ્રાચીન રાષ્ટ્રોના ઐતિહાસિક સાહિત્યમાં કાવ્યાત્મક અલંકારોની વિપુલતા જોવા મળે છે. આપણે વિશ્લેષણ કરીને આન્વીક્ષિકી વિદ્યા- ભારતીય તર્કશાસ્ત્ર દ્વારા તેમાંથી સત્ય તારવી લેવાનું છે. તાર્કિક ડહાપણ દ્વારા સત્યને તારવી લેવાની પ્રક્રિયા શાસ્ત્રોના ખાસ કરીને પંચમ-વેદના અભ્યાસમાં અત્યંત જરૂરી છે. મનુ, દત્તાત્રેય, કપિલ અને વ્યાસ જેવા આપણા મહર્ષિઓ તર્ક કે આન્વીક્ષિકી વિદ્યા દ્વારા સત્ય તારવવાની મૂળ પદ્ધતિની બાબતમાં મોટા જાણકારો છે. આ રીતે એકત્ર કરેલાં ઐતિહાસિક તથ્યોને ભૂતકાળની ઘટનાઓનો સમયાનુક્રમ મેળવવા માટે સમયગાળા મુજબ પછી તેમને ગોઠવવાનાં રહે છે. આપણા વૈદિકઋષિઓએ વિકસાવેલાં ખગોળશાસ્ત્ર અને વેદાંગોની સહાયથી અંશત: આ લક્ષ્ય સિદ્ધ કરી શકાય. તેમણે ઉલ્લેખેલા પ્રાચીન ઐતિહાસિક યુગોની તવારીખ નક્કી કરવા માટે આ શાસ્ત્રો આપણને સમયની ગણતરી કરવા માટેના સિદ્ધાંતો અને જરૂરી ખગોળશાસ્ત્રીય જાણકારી પૂરી પાડી મદદરૂપ થાય છે. બ્રાહ્મણગ્રંથો અને પંચમ વૈદિક શાસ્ત્રોમાં નોંધાયેલી ઘટનાઓને લગતી પુષ્કળ ખગોળશાસ્ત્રીય સામગ્રી રહેલી છે. આ સામગ્રી અને ગણતરી કરવાની ખગોળશાસ્ત્રીય પદ્ધતિઓની સહાયથી આપણે બહુ ભૂલ કર્યા વિના અમુક અંશે એ ઘટનાઓના સમયો (કે તવારીખો) નક્કી કરી શકીએ.

ખગોળશાસ્ત્રીય સિદ્ધાંતો દ્વારા ઘટનાઓનો સમય નક્કી કરવાની પદ્ધતિને આર્યન તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે પ્રાચીન ભારતના પ્રબુદ્ધ અને સંસ્કૃતિપ્રિય ઋષિ-ગુરુઓનું એ પ્રદાન છે. સમયના પસાર થવાની સાથે ખગોલીય પદાર્થોની ગતિવિધિના આ વિજ્ઞાનમાં પૂર્વના અને પશ્ચિમના ઋષિમુનિઓએ વારંવાર કરેલા પ્રયોગો અને નિરીક્ષણોને લીધે બહુ મોટો વિકાસ થયો છે. સમજદાર લોકોમાં હજી પણ તેનું ચલણ છે.

૧. इतिहासपुराणः पञ्चमो वेदानां वेदः ।
– छांदोग्योपनिषद्, ७.१.४ ।
इतिहासपुराणं च पञ्चमो वेद उच्यते ।
– श्रीमद् भागवत्, १.४.२० ।

૨. केन उपनिषद् , ૨.૨.૪ ।

૩. સ્વા.વિ.ગ્રં.મા., ભાગ-૬, પૃ.૨૫૫

૪. સ્વામી વિવેકાનંદના શબ્દો ધ્યાન દઈને સાંભળો –

‘તમારામાંના જે લોકો એમ માનતા હોય કે હિંદુઓ હંમેશાં પોતાના દેશની ચાર દીવાલો વચ્ચે બંધાઈને રહેલા છે, તો તેઓ ભીંત ભૂલે છે; તમે પ્રાચીન ગ્રંથોનો અભ્યાસ કર્યો નથી; જો તમે એમ માનતા હો તો તમે એ જાતિના ઇતિહાસનું અધ્યયન કર્યું નથી. જીવતા રહેવા માટે પ્રત્યેક રાષ્ટ્રે ત્યાગ કરવો જોઈએ. જ્યારે તમે જીવનનો ત્યાગ કરશો ત્યારે તમને જીવન મળશે… અને ઊડીને આંખે વળગે એવી હકીકત એ છે કે આપણે ઘણાંયે હજારો વર્ષોથી એ જીવતા આવ્યા છીએ; અને જે ઉકેલ બાકી રહે છે તે એ છે કે આપણે બહારના જગતને આપતા રહીએ છીએ, અજ્ઞાની લોકો ભલે ગમે તે માનતા હોય પરંતુ દુનિયાને ભારતની ભેટ છે, ધર્મ અને તત્ત્વજ્ઞાન, સમજદારી અને અધ્યાત્મ.’… ‘દૃષ્ટિગોચર થયા વિના અને કર્ણગોચર થયા વિના જેમ કોમળ ઝાકળ બિંદુઓ પડતાં રહે છે અને તે છતાં સુંદરતમ ગુલાબોને ખીલવા પ્રેરે છે, તે રીતનું પ્રદાન જગતને ભારતનું વૈચારિક ક્ષેત્રે રહ્યું છે. શાંત, દૃષ્ટિગોચર થયા વિનાના અને તે છતાંય અસરમાં સર્વશક્તિમાન તેણે જગતના વિચારમાં ક્રાંતિ સર્જી છે; અને તે છતાંય કોઈને ખબર નથી કે તેણે આ કાર્ય ક્યારે કર્યું… દરરોજ ભેગા થતા જતા પુરાવા દર્શાવે છે કે બૌદ્ધોનો જન્મ થયો તે પહેલાં ભારતીય વિચારધારાએ દુનિયામાં વેધક પ્રવેશ કરી દીધો હતો… બૌદ્ધ ધર્મની પૂર્વે વેદાંતે ચીન, ઇરાન અને પૂર્વના દ્વીપોમાં ઊંડે સુધી પ્રવેશ મેળવી લીધો હતો. (સ્વા.વિ.ગ્રં.મા., વૉ.૪, પૃ.૧૪૭-૧૪૯)

૫. સ્વા.વિ.ગ્રં.મા. ભાગ-૧૧, પૃ.૧૮૦.

૬. ૧૮૯૧માં રાજપુતાનાની યુનિવર્સિટીના એક વિદ્યાર્થી જૂથને આપેલાં સૂચનો; જુઓ ધ લાઈફ ઑફ સ્વામી વિવેકાનંદ, (કલકત્તા : અદ્વૈત આશ્રમ, ૧૯૭૪), પૃ.૨૧૩-૧૪.

Total Views: 90

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.