(ઋષીકેશમાં, પરમાર્થ નિકેતન, સ્વર્ગાશ્રમમાં સાધનાસપ્તાહ દરમિયાન થયેલાં સંત-મહાત્માઓનાં પ્રવચનોના સંકલિત અંશો અહીં પ્રસ્તુત છે. -સં. )

જીવનના કોઈપણ ક્ષેત્રમાં કુશળતા પ્રાપ્ત કરવી હોય તો સાધક બનવું આવશ્યક છે. વિદ્યામાં કુશળતા મેળવવી હોય તો વિદ્યાની સાધના કરવી જોઈએ, બળમાં કૌશલ્ય પ્રાપ્ત કરવું હોય તો એ માટેની સાધના કરવી જરૂરી છે, સારા ગાયક અથવા સારા સંગીતકાર બનવું હોય તો સંગીતની સાધના કરવી જરૂરી છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રગતિ કરવી હોય તો તે માટે પણ સાધના તો કરવી જ પડે. આપણા શરીરને નિરોગી અને સ્વસ્થ રાખવું હોય તો નિત્ય એક કલાક આસન અને પ્રાણાયામની સાધના કરવી આવશ્યક છે. યોગીઓ આ પ્રકારની સાધના કરીને નિરોગી અને દીર્ઘ જીવન જીવતા હતા. સામાન્ય મનુષ્ય માટે પણ એ બાબત દુર્લભ નથી. માટે જરૂર છે સાધના કરવાની.

સાધના કરે એ સાધક. આપણે સૌએ સાધક બનવાની જરૂર છે. સાધનાનું ક્ષેત્ર પણ બરાબર સમજી લેવું આવશ્યક છે. સાધનામાં આપણે આપણા મનનું સૌથી વધારે ધ્યાન રાખવાનું છે. આપણું મન આપણને મદદ કરે છે તેમ એ જ મન આપણને નુકશાન પણ કરે છે.

પાણી વિના જીવન અશક્ય છે, પાણી વિનાના જીવનની કલ્પના જ શક્ય નથી. પાણી આપણું રક્ષણ કરે છે અને આપણને જીવન બક્ષે છે. પરંતુ આ પાણી મર્યાદામાં હોય, સંયમમાં હોય, અંકુશમાં હોય ત્યાં સુધી જ એ આપણું રક્ષક બને છે. જેવું એ અમર્યાદિત બન્યું, અંકુશ બહાર ગયું કે તરત એ જ પાણી આપણું ભક્ષક બની જાય છે. ખૂબ જ વરસાદ પડે અને નદીઓનાં નીર પણ મર્યાદા વટાવી જાય, નદી ઉપર બાંધેલા બંધોની પાણી સંગ્રહવાની શક્તિ કરતાં ખૂબ વધારે પાણી બંધમાં આવી જાય તો બંધ ઉપરથી પાણી વહેવા માંડે અને આસપાસના પ્રદેશોમાં વહીને પાર વિનાનું નુકશાન કરે. જે પાણી આપણું રક્ષક હતું તે જ પાણી આપણો વિનાશ કરવાને તૈયાર થયું કારણ કે એ અંકુશ બહાર ગયું.

આજ પ્રકારે અગ્નિનું. અગ્નિ વિનાનું જીવન શક્ય છે ખરું? અગ્નિ આપણી રક્ષા કરે છે અને આપણને જીવન પ્રદાન કરે છે અગ્નિ વગરના જીવનની કલ્પના પણ અશક્ય છે. આ જ અગ્નિ અમર્યાદિત થઈ જાય, સંયમની હદ વટાવે તો આપણું ધનોતપનોત નીકળી જાય. જે અગ્નિનો ઉપયોગ કરીને આપણે રોજબરોજનું જીવન જીવવા શક્તિમાન બનીએ છીએ એ જ અગ્નિ જો અમર્યાદિત થઈ જાય, અંકુશ બહાર જતો રહે તો આપણાં ઘરબાર ને માલમિલકતનો વિનાશ જોતજોતાંમાં થઈ જાય.

આપણું મન પણ આપણું રક્ષક છે અને સાથે અંકુશમાં ન હોય તો ભક્ષક પણ બને છે. આપણું મન જ આપણને બાંધે છે અને એ જ મન આપણને મુક્ત પણ કરે છે. શ્રીમદ્‌ ભગવતદ્‌ગીતામાં આ વાત ખૂબ સ્પષ્ટતાપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણે દર્શાવી છે.

मन एव मनुष्यणां कारण बंध मोक्षयो: ।

મન જ આપણા બંધનનું કારણ છે અને મન જ આપણે બંધનમાંથી મુક્તિ પણ અપાવી શકે છે.

રામાયણમાં અરણ્યકાંડમાં પ્રસંગ આવે છે. શૂર્પણખા ખૂબ સુંદર રૂપ લઈને, અપૂર્વ સુંદરી બનીને ભગવાન શ્રીરામની પાસે આવે છે. ભગવાનની કૃપા માંગે છે. ભગવાનને પતિ બનાવવાની એનામાં અભિલાષા છે. એના જેવી સુંદરી સમસ્ત બ્રહ્માંડમાં પણ નથી એવો એને ગર્વ છે. આમ એનું રૂપ ખૂબ સુંદર છે. પરંતુ એનું મન અશુધ્ધ છે, અપવિત્ર છે. ભગવાની કૃપા તો એ જ મનુષ્ય પ્રાપ્ત કરી શકે, જેનું મન શુધ્ધ હોય, પવિત્ર હોય. શૂર્પણખાનું મન અશુધ્ધ અને અપવિત્ર હોવાથી ભગવાનની કૃપા એના પર વરસી નહિ પરંતુ અવકૃપા થઈ અને એનાં નાકકાન ભગવાને કાપીને એને કુરૂપ બનાવી દીધી. તનની સુંદરતા નહિ પણ મનની સુંદરતાથી જ ભગવત્પ્રાપ્તિ શક્ય છે.

અરણ્યકાંડનો બીજો પ્રસંગ લઈએ. ભગવાન શ્રીરામે ઘણા આશ્રમોની મુલાકાત લીધી, પરંતુ ભક્ત અને સાધક એવી શબરીના આશ્રમે ભગવાને જે અનન્ય લાભ આપ્યો તેવો અનુગ્રહ મેળવવા કોઈ પણ આશ્રમ ભાગ્યશાળી બન્યો નથી. શબરીનું રૂપ જુઓ. ખૂબ જ સુકલકડી શરીર, શરીરનાં હાડકા ગણી શકાય એવું તદ્‌ન કૃશ થઈ ગયેલું એવું એનું શરીર છે. ગાલમાં ખાડા પડી ગયા છે, વાળ સફેદ થઈ ગયા છે. લાકડાના ટેકે માંડ માંડ એ ચાલી શકે છે. આંખો ઊંડી ઉતરી ગયેલી છે. આખા શરીરની ચામડી ઉપર કરચલીઓ પડી ગઈ છે. મોઢામાં દાંત તો છે જ નહિ. આમ, રૂપ તો એનામાં જરાય નથી. પરંતુ એના મનની સુંદરતા તો જુઓ! એનામાં રહેલી પવિત્રતાનાં દર્શન કરો. એનું મન દિનરાત ભગવાન શ્રીરામનું જ ચિંતન કરે છે. મારો રામ ક્યારે આવશે, મને ભગવાન રામનાં દર્શન ક્યારે થશે, આ જીવનો ભગવાન ક્યારે ઉદ્ધાર કરશે. ભગવાનનાં દર્શન માટેનાં આ તરસ્યાં નયનોને ભગવાન ક્યારે શાંતિ આપશે? આમ એનું મન ખૂબ સુંદર, શુધ્ધ અને પવિત્ર છે. રૂપની સુંદરતા ભલે એની પાસે નથી પરંતુ મનની સુંદરતા અપૂર્વ છે. આને કારણે એને ભગવાનનાં દર્શન થાય છે, ભગવાનની સેવાનો અનન્ય લાભ મળે છે. અને એનો ઉધ્ધાર થઈ જાય છે.

મન જ આપણને આપણી સાધનામાં સહાયક નીવડે છે અને મન જ આપણી સાધનામાં વિક્ષેપરૂપ બને છે. વિદ્યાર્થીનો દાખલો લઈએ. વહેલા ઊઠીને અભ્યાસ કરવાનો એ સંકલ્પ કરે છે. એલાર્મ પૂરે છે. જો એનું મન દૃઢ ન હોય, બળવાન ન હોય, સ્થિર ન હોય, સંયમિત ન હોય અથવા અંકુશમાં ન હોય તો એનો સંકલ્પ પાર પડવાની શક્યતા નથી. એનું મન એની સાધનામાં આડું આવશે તો એલાર્મ વાગશે. ડગુમગુ મન હોવાથી એલાર્મને બંધ કરીને વિદ્યાર્થી પાછો સૂઈ જશે. પરંતુ એ જ વિદ્યાર્થીનું મન જો દૃઢ હશે, મજબૂત હશે, સ્થિર હશે, સંયમિત હશે અને અંકુશમાં હશે તો એલાર્મ વાગતાંની સાથે જ એ પથારીમાંથી ઊભો થઈને એના સંકલ્પ પ્રમાણે અભ્યાસની સાધના કરવા માંડશે. એનું મન અભ્યાસમાં પરોવાઈ જશે.

આથી સાધક બનીને સાધના કરીને કોઈ પણ ક્ષેત્રમાં કુશળતા પ્રાપ્ત કરવી હોય તો મનને મજબૂત, સંયમિત અને મર્યાદિત બનાવવું અને એને અંકુશમાં રાખવું આવશ્યક છે. એક કહેવતમાં કહ્યું છે કે ‘‘મન હોય તો માળવે જવાય’’ મન મજબૂત હોય તો કોઈ પણ કાર્ય અશક્ય નથી. મન જ મજબૂત ન હોય તો બધાં કાર્યો અશક્ય અને મુશ્કેલ જ લાગે. એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે:

प्रारभ्यते न खलु विघ्न भयेन नीचैः ।
विघ्नः पुनः पुनः प्रतिहन्यमाना प्रारब्धे उत्तम जनाः न भजन्ति ॥

વિઘ્ન આવશે એમ માનીને, એવો ભય રાખીને નિમ્નકોટિના પુરુષો કાર્યનો આરંભ જ કરતા નથી. એનાથી સારી કોટીના પુરુષો કાર્યનો આરંભ તો કરી દે છે પરંતુ વિઘ્ન આવે એટલે કાર્યને વિરામ આપી દે છે, છોડી દે છે. પરંતુ ઉત્તમ પ્રકારના મનુષ્યો ગમે એટલાં વિઘ્નો વારંવાર સતાવે તેમ છતાં પણ લીધેલા કાર્યને છોડી દેતા નથી.

ગમે એટલી મુશ્કેલીઓ આવે તો પણ તેનો વીરતાથી સામનો કરીને તેને પૂર્ણતાએ પહોંચાડવું એ જ ઉત્તમ પુરુષનું લક્ષણ છે. મન જો અંકુશમાં હોય તો પછી મનુષ્ય, ગમે તેવા સંજોગો આવે તો પણ તેનો સામનો કરશે અને પોતાની નિષ્ઠામાંથી જરા પણ ચલાયમાન થશે નહિ અને પોતાના નિશ્ચયમાં દૃઢ રહેશે.

શ્રીકૃષ્ણ પરમાત્મા ગીતાના છઠ્ઠા અધ્યાયમાં ભક્ત અર્જુનને સમદર્શનરૂપ યોગની વાત સમજાવે છે. તે સાંભળ્યા પછી ભક્ત અર્જુન ભગવાનને કહે છે:

चञ्चलं हि मनः कृष्ण प्रमाथि बलवद् दृढम् ।
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ॥

(ગીતા: ૬: ૩૪)

આમ અર્જુન જેવા ભગવાનના સખા અને વીરપુરુષ પણ એ વાત દર્શાવે છે કે મન ચંચલ હોવાથી, મહાતોફાની અને હઠીલું હોવાથી, બહુ બળવાન છે. એટલે તેને વશ કરવું એ તો વાયુને અંકુશમાં લેવા કરતાં પણ વધુ કપરું કાર્ય છે. મન એવું તો બલિષ્ઠ અને જિદ્દી છે કે તે ઘણીવાર બુધ્ધિ પર ચઢી બેસે છે અને તેને દોરે છે. આવા દુર્દમ અને તોફાની મનને વશ કરવું એ સૂસવાતા વાયરાને રોકવા કરતાં પણ કપરું કાર્ય છે.

આખી ભગવદ્‌ગીતામાં આ એક જ જગ્યાએ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુન સાથે સંમત થયા છે. ભગવાન કહે છે:

असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् ।
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ।।

(ગીતા : ૬:૩૫)

મનને વશ કરવું એ અત્યંત કઠિન કાર્ય છે એ શંકા વગરની વાત છે પરંતુ હે કૌન્તેય! સતત અભ્યાસ અને વૈરાગ્યથી તેને વશ કરી શકાય છે. ભગવાન ભક્તની મુશ્કેલી કબૂલ રાખે છે. મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી તેથી એ વાત સૂચવે છે કે અભ્યાસ અને વૈરાગ્યથી તેને અંકુશમાં લાવી શકાય. અભ્યાસનો અર્થ અહિ ‘‘યોગનો અભ્યાસ’’એવો અર્થ અભિપ્રેત નથી. તીર્થક્ષેત્રમાં જઈને રહેવું,પરમાત્મા પર મનને એકાગ્ર કરવું, ઇન્દ્રિયો અને મનને નિયમનમાં રાખવાં, બ્રહ્મચર્ય પાળવું, એકાંતમાં એકલા રહેવું-આવા કડક નિયમોનું પાલન આ જમાનામાં કોઈ સામાન્ય મનુષ્ય કરી શકે નહિ. પરંતુ કૃષ્ણ ભાવનાના મહાવરાથી મનુષ્ય નવધા ભક્તિમાં પોતાના મનને પરોવાયેલું રાખી શકે છે.

આપણે ભગવાનના નામનો જપ કરવાનો સંકલ્પ કરીએ છીએ અને એવો પણ સંકલ્પ કરીએ છીએ કે અમુક સમય સુધી અથવા તો અમુક સંખ્યામાં જપ કરીશું. આથી આપણા જપનો અભ્યાસ તો ચાલુ થઈ જાય છે, પરંતુ આપણું મન જપમાં લાગવાને બદલે સમય અથવા સંખ્યામાં જ રોકાયેલ રહે છે. આટલો સમય થયો અને આટલો બાકી રહ્યો, આટલી સંખ્યા થઈ અને આટલી બાકી રહી એની પળોજણમાં જ આપણું મન કાર્ય કરે છે. જપ કરતાં આ વાતો બહુ અગત્યની બની જાય છે. આથી મન એકાગ્ર થતું નથી. આવી કોઈ લપમાં પડ્યા સિવાય એક જ નિશ્ચય રાખી ઈશ્વરના નામનો જપ કરવામાં આવે તો એકાગ્ર થઈને મન ઈશ્વરમાં લાગેલું રહેશે અને ઈશ્વર પ્રાપ્તિ માટેની તાલાવેલી વધશે અને આખરે એ કાર્ય સિધ્ધ થશે.

કેટલીકવાર આપણે ધાર્યું હોય કે અમુક અનુષ્ઠાન કરીશું તો અમુક કાર્ય સિધ્ધ થશે અથવા તો અમુક ફળની પ્રાપ્તિ થશે. પરંતુ અનુષ્ઠાન સમાપ્ત થાય અને ફળની પ્રાપ્તિ ન થાય અથવા કાર્યની સિધ્ધિ ન થાય તો આપણે નિરાશ થઈ જઈએ છીએ. આપણું મન ખિન્ન બની જાય છે. આથી ફળની પ્રાપ્તિ ઉપર લક્ષ્ય ન રાખતાં સિધ્ધિની પ્રાપ્તિ તરફ ધ્યાન રાખતાં માત્ર એકાગ્ર મનથી પૂરી શ્રધ્ધાથી અનુષ્ઠાન કરવું અને ફળ ભગવાનના હાથમાં છોડી દેવું, એ જ મનને દૃઢ કરવાનો સારામાં સારો ઉપાય છે. અનુષ્ઠાન સરસ રીતે થશે અને મન અંકુશમાં હોવાથી એકાગ્રતામાં સંપૂર્ણ લાભ મળશે. કાર્ય સિધ્ધ થવામાં પણ મુશ્કેલી નહિ આવે.

વ્યક્તિએ પોતે જે લક્ષ્ય નક્કી કર્યું હોય તેને માટે સાધનાનો જે માર્ગ વિચાર્યો હોય તે સાધનામાં સતત મંડ્યા રહેવું તેનું નામ અભ્યાસ. એકની એક વસ્તુ વારંવાર કર્યા કરવી એનું નામ અભ્યાસ. નિષ્ઠાપૂર્વક કાર્ય કરવું એ જ આપણું સૌનું કર્તવ્ય છે. જે નિષ્ઠાપૂર્વક અને દૃઢ મનોબળથી કાર્ય કરે છે તેને ઈશ્વર સદા સહાય કરે છે. કાર્ય કરતા રહેવું, કોઈક દિવસ સફળતા મળવાની જ છે. કરેલું કાર્ય ફોગટ જતું જ નથી.

આમ મન ચંચળ છે એ વાત ભગવાન પણ સ્વીકારે છે પરંતુ સાથે સાથે એને વશ કરવાનો, એને સંયમિત અને દૃઢ રાખવાનો ઉપાય પણ બતાવે છે. નિત્ય, સતત, નિરંતર અભ્યાસ એ જ મનને વશ કરવાનો ઉપાય છે. જગતમાં કોઈપણ બાબત અશક્ય નથી. મુશ્કેલ હોય પણ કદી શક્ય જ ન બને એવું કોઈ પણ કાર્ય નથી, એ સિધ્ધાંતને વળગી રહીને મનથી દૃઢ નિશ્ચય કરવો અને પોતાની સાધનામાં સતત પ્રવૃત્ત રહેવું એ કોઈ પણ સાધક માટે અનિવાર્ય છે.

નિષ્ઠા અને દૃઢતા સાથે કાર્ય કરતી વખતે સાધકે એ પણ ખ્યાલમાં રાખવું આવશ્યક છે કે એની નિષ્ઠા બદલાયા કરે એવી ન હોવી જોઈએ. આજે એક સાધન કર્યું, થોડા દિવસ પછી બીજું વળી પાછું ત્રીજું, એમ સાધનનિષ્ઠા બદલાયા કરે તો સાધનામાં સમય તો જાય પરંતુ ઉપલબ્ધિ કશી થાય જ નહિ. એક ખેડૂતનું દૃષ્ટાંત છે: એના ખેતરમાં પાણીનો કુવો ન હોતો એને કુવો કરવાનો વિચાર આવ્યો. એણે ખેતરમાં એક જગ્યાએ વીસ ફુટ ખોદાણ કાર્ય કર્યું. પાણી ન આવ્યું એટલે બીજી જગ્યાએ ખોદવા માંડ્યું ત્યાં પણ વીસ ફૂટ ખોદ્યું તો પણ પાણી ન આવ્યું. આમ વીસ વીસ ફૂટના દસ ખાડાઓ એણે ખેતરમાં ખોદી કાઢ્યા, પરંતુ પાણી ન મળ્યું. એની સાધનનિષ્ઠા બદલાતી રહી. એક જ જગ્યાએ ૫૦ થી ૮૦ ફૂટ સુધીનું ખોદકામ કર્યું હોત તો એને પાણી મળત જ. એણે જે સમય દસ ખાડા ખોદવામાં કાઢ્યો એ નકામો ગયો, એના કરતાં ઓછા સમયમાં એ પાણી મેળવી શક્યો હોત. 

મહાદેવને પતિ તરીકે પ્રાપ્ત કરવા હોય તો એમને પ્રસન્ન કરવા તપશ્ચર્યા કરવાનો માર્ગ નારદ ઋષિએ પાર્વતીજીને બતાવ્યો. સતી પોતાની શ્રધ્ધામાં, સાધન નિષ્ઠામાં અડગ હતાં, દૃઢ હતાં અને એ ઉપરાંત પોતાને સાધનાનો માર્ગ બતાવનારમાં એમની પૂરી શ્રધ્ધા હતી. ઘણા બધાએ એને એની નિષ્ઠામાંથી ડગાવવાની ઘણી કોશિશ કરી પરંતુ પાર્વતીજી દૃઢ રહ્યાં, જરા પણ ચલાયમાન ન થયાં. એમની નિષ્ઠામાંથી એમને સ્વયં શંકર ભગવાન પણ ચલિત કરી શક્યા નહિ, છેવટે પાર્વતીનો સંકલ્પ ફળ્યો અને શંકર ભગવાનની પતિ રૂપે પ્રાપ્તિ થઈ.

આ ઉપરાંત સાથે સાથે સાધકે એ પણ સમજી લેવું જરૂરી છે કે પોતાની સાધનામાં એકનિષ્ઠાથી આગળ વધતાં વધતાં બીજા સાધનો તરફ દૃષ્ટિ જાય, મન લલાચાય અને એ કરવાનું મન થાય, તો સાધનામાં સફળતા મળશે નહિ. એક સાધન પડતું મૂકીને બીજું સાધન કરવા માંડે, બીજું પડતું મૂકીને ત્રીજું સાધન કરવા માંડે અને આમ એની સાધનનિષ્ઠા બદલાયા કરે તો પણ સાધનાની ફલશ્રુતિ આવતી નથી, લક્ષ્ય સિદ્ઘ થતું નથી. સમયની બરબાદી થાય છે અને ફળ પ્રાપ્ત થતું નથી. આથી સાધન નિષ્ઠા પણ ખૂબ મહત્વની છે.

મનમાં દૃઢ વિશ્વાસ જાગે કે અમુક કાર્ય કરવાથી હાનિ થાય એમ છે. તો સાધકે એ કાર્ય કરવું જોઈએ નહિ. વાસ્તવિકતાની સમજ આવી જાય તો એ સમજણ પ્રમાણે સાધનામાં આગળ વધવું જોઈએ. સંતને ભોજન કરતી વખતે એ વાતનો ખ્યાલ આવી ગયો કે એ ભોજનમાં વિષ ભળેલું છે તો પછી સંત ગમે એટલા ભૂખ્યા હતા છતાં પણ એ ભોજન ગ્રહણ ન જ કર્યું. વિવેકપૂર્ણ દૃષ્ટિ જ આનો નિશ્ચય કરવામાં સહાયભૂત થાય. સાધકને ખાત્રી થાય કે જે માર્ગે એ આગળ વધી રહ્યો છે એ સિવાયના માર્ગો એને હાનિકર્તા છે. તો એવા માર્ગો તરફ જવું ન જોઈએ, આનું નામ વૈરાગ્ય. બીજો માર્ગ ગમે એટલો સારો જણાતો હોય, મન પણ વારંવાર એમ કહેતું હોય કે એ માર્ગે જતા રહીએ પણ જ્યારે ઊંડા ઉતરીને વિચાર કરતાં એમ લાગે, એમ ખાત્રી થાય કે એ માર્ગ યોગ્ય નથી, અથવા એમ પણ લાગે કે એ માર્ગ હાનિકર્તા છે ત્યારે એનો ત્યાગ કરવો જરૂરી છે. 

આમ અભ્યાસ અને વૈરાગ્ય એ બંને આપણી સાધનામાં અવરોધ કરતા મનને અંકુશમાં લેવા માટે જરૂરી છે. અભ્યાસમાં અને વૈરાગ્યમાં ચિત્ત ચોંટી જાય પછી સાધકને એની સાધનામાં સફળતા પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડતી નથી.

આથી એક જ વાત લક્ષ્યમાં રાખો કે જો કુશળતા પ્રાપ્ત કરવી હોય, સફળતા પ્રાપ્ત કરવી હોય તો સાચા સાધક બનો.

Total Views: 107

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.