ભૂમિકા : યોગને વિજ્ઞાન તરીકે જોવાની સીમા

સ્વામી વિવેકાનંદના ઉપદેશોમાં યોગનો વિષય પ્રમુખ મહત્ત્વનો છે. તેમના સમગ્ર કાર્યકલાપમાં એની ઉપસ્થિતિ હોવાના સંદર્ભમાં, તે વિષયની તેમની મૌલિક રજૂઆતના સંદર્ભમાં, અને છેલ્લે તેમણે તે વિષયમાં સમય અને શક્તિનો જે ભોગ આપ્યો છે, તેના પ્રમાણના સદર્ભમાં એમ કહી શકાય છે. એનું ખૂબ ભારે અને વિશિષ્ટ મહત્ત્વ તો એ હકીકત છે કે પશ્ચિમમાં છેલ્લાં લગભગ ૪૦૦ વરસોથી પરિષ્કૃત અને રહસ્યવાદી સમકાલીન તત્ત્વજ્ઞાનનો વિકાસ થયા છતાં આપણે (પશ્ચિમીઓ) એને માટે જીવંત, ઉત્ક્રાંત, સ્ફોટક અને આપણી (પશ્ચિમની) સંસ્કૃતિની મજબૂત આધારશિલા બની શકે તેવી શક્તિશાળી પદ્ધતિઓનો વિકાસ કરવામાં નિષ્ફળ નીવડ્યા છીએ. આ કેવી રીતે થાય, તે પ્રશ્ન મારે મન તરતનો પ્રશ્ન છે. મારા મનમાં એની સાક્ષાત્‌ અનુભૂતિ કરવા માટેના અને ખરેખર એ ચૈતન્ય કે ચેતનાનો ઉચ્ચતર સ્તર શું છે, તે માટેના માર્ગો અને એના ઉપાયો શોધીને નવા યુગની કૂંપળો ફૂટવાની ચળવળ કરવાની અભિપ્રેરણા જાગે છે. એ વાત ખરેખર સાચી છે કે આ નવયુગીનોની શોધ ગોટાળાવાળી અને અવ્યવસ્થિત છે. અને કેટલીકવાર તો સાવ વિચિત્ર અને વિવેકહીન હોય છે. પરંતુ એની પાછળ એવી જબરી તાલાવેલી હોય છે કે આપણને એના તરફ માન મમતા જાગે છે. એ ખરેખર માનપૂર્વક વર્તાવ કરવા યોગ્ય છે એને એ સમકાલીન સમાજની આધ્યાત્મિક સમસ્યાઓના કાર્યક્ષમ સમાધાનો પૂરાં પાડવાનો સાચુકલો પ્રયત્ન કરવો જોઈએ.

મને લાગે છે કે સ્વામી વિવેકાનંદના ઉપદેશોથી લાભાન્વિત થયેલા આપણામાંના લોકોની એ જવાબદારી છે કે તેમના યોગવિષયક ઉપદેશોથી આપણે સુપરિચિત થઈએ, એને પૂરેપૂરા પચાવીએ એને સૌથી અગત્યનું તો એ કે છેલ્લે આપણે નિષ્ઠાપૂર્વક એને અમલમાં મૂકીએ. એ જ રીતે આપણે આપણું રૂપાન્તર કરી શકીએ અને સાથોસાથ બુદ્ધિગમ્ય અને કાર્યક્ષમ આધ્યાત્મિક વિજ્ઞાનની જબરી અને ત્વરિત આવશ્યકતા ધરાવતી આપણી સભ્યતા અને સંસ્કૃતિને સાચી રીતે પ્રદાન કરી શકીએ.

મેં ‘આધ્યાત્મિક વિજ્ઞાન’ શબ્દ વાપર્યો છે. શું હું યોગને વિજ્ઞાનની કક્ષામાં મૂકું છું? હા, યોગસંબંધી સ્વામી વિવેકાનંદના ઉદ્દેશોમાં એ પણ અવશ્ય એક ઉદ્દેશ હતો. તેઓ એ દર્શાવવા માગતા હતા કે યોગ એ વિજ્ઞાન છે. જો કે તેમણે પોતે એવું કરવા માટે કોઈ પદ્ધતિસરનો માપદંડ રજૂ કર્યો ન હતો. મને લાગે છે કે તેમને મતે ‘વિજ્ઞાન’નો અર્થ આવો હશે :

(૧) જાગતિક માનવીય આવશ્યકતાઓના સંદર્ભમાં જેની વ્યાખ્યા થઈ શકે એવી સમસ્યાઓને તે ઉકેલે છે. (૨) તે કાલપરીક્ષિત, કાર્યક્ષમ, અને સર્વતોલભ્ય એવી પદ્ધતિઓ રજૂ કરે છે, કે જેથી પ્રાપ્ત થતાં પરિણામો બીજાઓ દ્વારા અજમાવી શકાય અને એની ખોડખાપણ શોધી શકાય. (૩) પસંદ કરેલી પદ્ધતિના સાંગોપાંગ અને સુયાસ પ્રયોગ, કાળજીભર્યા નિરીક્ષણ અને પરિણામના અભ્યાસની એ આવશ્યકતા બતાવે છે. (૪) એ વિજ્ઞાનનો આગળ વિકાસ કરવા માટે એ સમાન્યીકરણ તરફ દોરી જાય છે. (૫) એનું સમાન્યીકરણ એવી સમસ્યાઓના સમાધાન માટે ઉપયોગમાં લેવામાં આવે છે કે જેણે પહેલાં તબક્કાની શોધને ઉત્પન્ન કરી હોય.

આ જાતનો અભિગમ એ છે કે જે ચોક્કસપણે પશ્ચિમમાં વિકાસ પામ્યો હતો. અને ભૌતિક દુનિયાને વશમાં રાખવા અને એનું રૂપાન્તરણ કરવા માટે ખૂબ ખૂબ શક્તિશાળી સાધન તરીકે એનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદે પણ આ જ પદ્ધતિને યોગના ક્ષત્રમાં પણ પ્રયોજવાનો પ્રસ્તાવ કર્યો હતો. એ સમય સુધી તો આ વાત ફક્ત ભારતને માટે જ હતી. ભારતને જ એ લાગુ પડતી હતી. પદ્ધતિસરના અને પૃથક્કરણાત્મક વિજ્ઞાન વિહોણો ભારતનો યોગ હતો. સ્વામી વિવેકાનંદને મતે એવી વિલક્ષણ તથા વિસ્મયજનક માનસશાસ્ત્ર ઉપર આધારિત ચમત્કૃતિપૂર્ણ યોગવિદ્યામાં પદ્ધતિ અને પૃથક્કરણનું વિજ્ઞાન સમન્વિત કરવું કઠિન હતું. આવા યોગવાદ ઉપર આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓનો પ્રકાશ ફેંકવાનો તેમણે નિશ્ચય કર્યો.

હવે આપણે જોઈએ કે યોગ એટલે શું? જો એ વિજ્ઞાન હોય તો સૌ પ્રથમ તો એ આત્મલક્ષી વિજ્ઞાન છે. એ એવું વિજ્ઞાન છે કે જે માનવમનનાં કાર્યો તરફ ધ્યાન આપે છે. અને એ પણ કોઈ બહારના સાધનો દ્વારા નહિ, પણ મનના પોતાના જ સાધન દ્વારા ધ્યાન આપે છે. આ વિધાન કરતી વખતે હું ‘મન’ શબ્દનો સૌથી વધારે શક્ય વિશાળ અર્થ લઉં છું કે જે બધી જ માનસિક શક્તિઓ અને ક્રિયાઓને વ્યાપ્ત થઈ રહેલ એવી આત્મસભાનતાની માનવીય સમજણશક્તિની ખાસિયતને પણ લાગુ પાડી શકાય. સ્વામી વિવેકાનંદે જોયું કે મનની સાધન તરીકે પસંદગી એ સાધન તરીકેના તેનાા પૃથક્કપણાને, તેની એકાગ્રતાને, તેની વિશુદ્ધિને અને છેલ્લે આપણે વર્તમાનમાં જેનાથી પરિચિત છીએ, તેની પેલી પારનાં પરિમાણોમાં જ જે પૂર્ણ રીતે કામ કરે છે, તેવા ‘લેસર’ પ્રકાશપ્રવાહ સાથે સરખાવી શકીએ તેવા ઊર્ધ્વીકરણને પોતામાં સમાવે છે. છેવટે તેમણે આ વિજ્ઞાનની ચાર વિવિધ શાખાઓની ધારણા કરી છે. કર્મનો યોગ, ભાવનાનો યોગ, આત્મપ્રક્ષેપનો યોગ અને અંત:પ્રેરણાનો યોગ. આ ચારયે યોગશાખાઓ સાથે તેમણે તે બધાને એક સાથે ભેગા કરી શકે – એકબીજામાં એકરૂપતામાં ભેળવી શકે, અને પોતાની ઇચ્છા મુજબ એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના આવનજાવન કરી શકે એવી એક સર્વગ્રાહી ક્ષમતાનો પણ ઉમેરો કર્યો.

વિચારણની આ સૂચિમાં આપણે જેને હાલ પ્રાકૃતિક વિજ્ઞાન કહીએ છીએ તેની સાથે ઘણી સમાનતાઓ કોઈ પણ માણસ જોઈ શકે છે. ગમે તેમ પણ એક વિચારનો સ્વીકાર તો એવો છે જ કે સત્તાના જુદા જુદા સ્તરો હોય છે. અહીં જ વેદાંતનો પ્રવેશ થાય છે. ઠેઠ વેદકાળથી માંડીને આગળ સુધી – આજ સુધીનો એનો પાયાનો સિદ્ધાંત એ છે કે માનવમન કેવળ ભૌતિક જગત પર જ ટકોરા મારવા માટે સર્જાયું નથી પણ ઉત્તરોત્તર વધતાં ભવ્યતા, શક્તિ અને એકાકારતાની ક્ષમતાવાળાં અનેકાનેક ગહન પરિમાણો પર પણ એ ટકોરા મારે છે. એનું અંતિમ સ્તર પડકમાં લાવી ન શકાય તેવી ભૂમિકાવાળું છે. એની ભવ્યતા અને એનું વૈરાજ્ય સંપૂર્ણરીતે આપણી પકડની બહાર હોય છે, એની શક્તિ અનંત છે, એની એકીકરણની ક્ષમતા ત્વરિત અને અક્ષય-અવિશ્રાન્ત હોય છે. વેદાંત પ્રમાણે આવી ટકોરા મારતી – અસર કરવાની ક્ષમતાવાળી ભૂમિકા સત્તારૂપે અલ્લાહ, ઈશ્વર, શૂન્યતા, બ્રહ્મ અથવા આત્માને નામે સામાન્ય રીતે રહેલી છે.

પશ્ચિમમાં યોગની વિચાર-કાર્યસૂચિ આપણને ભૌતિક પદાર્થ તરીકે ઓળખાવાયેલી, કાર્યકારણના નિયમથી મર્યાદિત થયેલી, સંઘર્ષમય અને પરસ્પર ભિન્ન એવી પ્રવર્તમાન દુનિયામાંથી એક એવા ચૈતન્ય તરફ લઈ જાય છે કે જ્યાં ભૌતિકતાની વ્યાખ્યા સત્તાની એક તુચ્છ-નાનકડી કણી જ બની રહે, કાર્યકારણસંબંધ તો અમાપ ચેતનાસાગરનાં માત્ર મોજાં જ બની રહે, અને સંઘર્ષો અને વિરોધો ફક્ત ‘ગલૂડિયાંની રમત’ જેવા જ થઈ રહે. સ્વામી વિવેકાનંદે આવું જ કહ્યું છે. 

હવે પ્રાકૃતિક વિજ્ઞાન ભૌતિકક્ષેત્રમાં ક્ષિતિજગામી કામ કરતું હોવાનું કહી શકાય છે. એ ક્ષેત્ર એવું એક માત્ર ક્ષેત્ર છે કે જે તે ક્ષણે તે વાસ્તવિક રીતે ‘સત્‌’ તરીકે સ્વીકારાય છે. જ્યારે બીજી બાજુ યોગ ભૌતિક વિશ્વ અને ચેતનાના વિશ્વ વચ્ચે ઊર્ધ્વગામિતાનો માર્ગ ચીંધે છે. આવી પ્રવર્તમાન કાર્યસૂચિ એમની પૂર્વ ધારણાઓમાં ગુણાત્મક રીતે આપણા પ્રાકૃતિક વિજ્ઞાન કરતાં જુદી છે. આ પૂર્વધારણાઓ પૈકીની અતિ મહત્ત્વની પૂર્વધારણા એ છે કે પોતાના મનને જ ખોજનું સાધન માનતા યોગવિજ્ઞાનીએ પોતાની ભીતરના પાયાના સંપૂર્ણ પરિવર્તન માટે તૈયાર રહેવું જોઈએ. જો મન સત્તાના વિવિધ સ્તરો સાથે સંબંધ કરે અને એમાં પ્રવેશે, તો તેણે તે તે સ્તરો પ્રમાણે જ પોતાનું રૂપાંતર કરવું જ જોઈએ. કારણ કે એ માનસિક સ્તરો માત્ર કંઈ કપોલકલ્પનાઓ નથી. વેદોનું પ્રમાણ, ઉપનિષદો તેમજ બધા ધર્મોનો કેન્દ્રવર્તી સિદ્ધાંત, પરંપરાઓ અને પ્રવર્તમાન પરાચૈતસિક મનોવિજ્ઞાન – આ બધાં જ એવી એક વ્યવસ્થિત ભાત અને ગહન પરિમાણોની વિગતોનો સુમેળ દર્શાવે છે. એમાં અવશ્યપણે ઊર્ધ્વગતિ અને સુમેળભર્યાં સ્તરોની હારમાળા દેખાય છે. અને માનવમન નો વિકાસ અને ધીરે ધીરે થયેલું રૂપાંતરણ જરૂર ત્યાં પહોંચી શકે છે.

હું માનું છું કે યોગના ક્ષેત્રનું આ કેન્દ્રવર્તી વિધાન છે. યોગને એક વિજ્ઞાન તરીકે નીરખવામાં એક અવરોધક અને મૂંઝવનાર બાબત એ છે કે અત્યાર સુધી આપણે યોગને ભારપૂર્વક સંસ્કૃતિવિશેષની પરિભાષામાં જ રજૂ કર્યો છે. દરેકેદરેક ધાર્મિક પરંપરાએ યોગની રજૂઆત તો કરી જ છે – કાબાલા, સ્પેનીશ કાર્મેલાઈટ્‌સ, તંત્રો- એવાં એના થોડાં નામ છે, પણ એ દરેકની ભાષા ધાર્મિક પૂર્વગ્રહો અને વિશિષ્ટ કિંવદન્તીઓ તેમજ કલ્પનાઓથી એટલી બધી ભરચક્ક છે કે એમાંથી જો કોઈ ગહન રહસ્યમય પ્રક્રિયા સમાયેલી હોય તો તે શી છે, તેને જોવી – શોધવી ખરેખર ભારે મુશ્કેલ છે. હજુયે યોગ જાણે કે સોળમી કે સત્તરમી સદીનું રસાયણ હોય, એવી સ્થિતિમાં છે; જાદુઈ, કિંવદન્તીઓથી લદાયેલું અને કોઈ પ્રવેશી જ ન શકે એવો રહ્યો છે. આમ છતાંય હું એવું સૂચન કરવાનું સાહસ કરું છું કે જેવી રીતે એ કાચું રસાયણ વર્તમાન રસાયણશાસ્ત્રનો – ભાવિ ઘટનાનો – અણસાર બની રહ્યું, તેવી જ રીતે આવો પરંપરિત યોગ પણ નવા વિજ્ઞાનનો અણસારો બની શકે છે.

સ્વામી વિવેકાનંદને દૃઢપણે એવું લાગ્યું કે યોગની રજૂઆત ખૂબ સરળ રીતે થવી જોઈએ કે જેથી ‘એક બાળક પણ એને સમજી શકે.’ પણ માનવની બુદ્ધિને અને એના અનુભવને અવગણી શકે એવી ન હોવી જોઈએ. સ્વામીજીને માટે યોગ એ માનવના અનુભવમાં આવતી બધી જ આવશ્યકતાઓને પૂરેપૂરી રીતે પ્રતિસાદ આપતો હોવો જોઈએ. યોગે સ્પષ્ટ રીતે બુદ્ધિગમ્ય ક્રમબદ્ધ અને ઉપયોગી પદ્ધતિ રજૂ કરવી જોઈએ. સ્વામીજીએ વારંવાર ભારપૂર્વક જણાવ્યું છે કે યોગની ક્ષેત્રસીમામાં આવતાં પરિણામો યથાર્થ રૂપે પ્રાપ્ત કરવા માટે સાધકે એની પદ્ધતિઓનું ગંભીરતાથી અનુસરણ કરવું જોઈએ. એ પરિણામો એટલે જ ‘સત્‌-તા’ના ગહનતર સ્તરોની અનુભૂતિઓ છે. આજના જમાનામાં કેટલાક લોકો એને ચેતનાની પરિવર્તિત સ્થિતિ તરીકે ગણે છે. વળી, આવાં પરિણામોને શોધમાં પ્રામાણિત ગણવાં કે અપ્રમાણિત ગણવાં તે માટે વિચારોની આપલેની રૂપરેખા શોધકની અંદર તેમજ વિવિધ યોગીઓની વચ્ચે ઊભી કરવી જોઈએ. આવી રૂપરેખા વૈશ્વિક મનોવિજ્ઞાન અને માનવીય સંભાવઓની સમષ્ટિના સંદર્ભમાં અનુભૂતિઓને અભિવ્યક્ત કરે છે. અંતમાં તેમણે એવો વિચાર મૂક્યો કે યોગના ચાર પરંપરાગત માર્ગો એકબીજાની પૂર્તિરૂપ અને સહયોગી છે, એમ સમજવું જોઈએ. માનવીય અનુભવની સામાન્ય ભૂમિકામાં જોડાયેલા છે. આ વિચારમાં કર્મનિષ્ઠતા, ભાવનાત્મકતા, બૌદ્ધિકતા અને અંત:પ્રેરણા – માનવપ્રાણીની આ બાજુઓ ચાર પ્રકારના યોગોના પાયારૂપ છે અને તે બધી માનવીય અનુભવોમાં પરસ્પર અવિભાજ્ય હોવાને કારણે આ ચાર યોગો પણ અંતત: એકબીજાથી જુદા પાડી શકાય નહિ. તેમનો ઉદ્દેશ તો એક એવી રૂપરેખા તૈયાર કરી મૂકવાનો હતો કે જેમાં લોકો સમાનતાથી અને સંવાદિતાથી ‘તત્ત્વજ્ઞાન, રહસ્યપ્રવણતા, ઊર્મિલતા અને કાર્ય’માં વિકાસ સાધી શકે. અને જે સ્વામીજીના ‘સંપૂર્ણ માનવ’ના આદર્શને મૂર્તિમંત કરી શકે. ‘આ ચારે ભાવોનો વિકાસ એક જ મનુષ્ય’માં જોડવાની શક્યતાનો જ માત્ર તેઓ વિચાર કરતા ન હતા પણ તેની સાથોસાથ ‘ભવિષ્યની માનવજાતિમાં બનવાનું છે’ એવું પણ તેઓ વિચારતા હતા. 

સ્વામી વિવેકાનંદના વિચારોના સામાન્ય સંદર્ભમાં યોગ :

સ્વામી વિવેકાનંદના વિચારોમાં યોગ એ ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે ખરો, પણ એ એક જ વાત એમાં નથી. સ્વામી વિવેકાનંદના સામાન્ય ઉપદેશોના સંદર્ભમાં યોગનો વિષય ચર્ચવા માટે હું થોડો સમય લઉં છું. થોડે અંશે તો એ એક રસના વિષય તરીકે છે, પણ હું માનું છું કે તે તેમના સમગ્ર નિર્માણ કાર્યના ભીતરના ખજાના રૂપ – સરવાળા રૂપ પણ છે. હવે, વેદો અને ઉપનિષદો ઉપર સ્વામી વિવેકાનંદના સંગ્રહસંપાદનના સમય દરમિયાન હું જે કંઈ કહેવા માગું છું ત્યાં સુધી આવી પહોંચી છું. તમારામાંના ઘણા જાણતા હશે કે એ વિષય હવે જય લાખાણીની વેબસાઈટ [http://www.vivekananda.co.uk/veda.htm] ઉપર દર્શાવાઈ રહ્યો છે. હું કહી શકું છું કે આ સંગ્રહસંપાદન કાર્યનાં ચૌદ વરસો જાણે કે ચાંદની વગરની રાત્રિમાં ભારે વાવાઝોડાંમાં એટલાંટિકની દરિયાઈ સફર જેવાં અથવા તો સંશોધનવિહોણા બાહ્ય અવકાશમાંની યાત્રા સમાન હતાં. એમાં ખાલી સંભાર-સામગ્રીના ઢગલા તો થયા પણ એનાથીય વધારે મુસીબત તો એ હતી કે જે માર્ગે મારું મન કામ રહ્યું હતું, એની સાથે એ સામગ્રીનો કશો મેળ બેસતો ન હતો. એ સામગ્રી એ માટે નિષ્ફળ નીવડી હતી. એક પછી બીજું મોટું મોજું આવ્યા કરતું અને મને આગળ ધકેલ્યા કરતું અને પછી શ્વાસ લેવાની મથામણ કરતી એવી મને જાણે કે અંધારી ઊંડી ખાઈમાં ધકેલી દેતું. કેટલીક વખત એવું જણાતું કે આ સંગ્રહ અને સંપાદનનું કામ અશક્ય બની જશે. છેવટે મેં નીરસ બનવાનું નક્કી કર્યું અને ફક્ત દરેક મંત્રનો સાક્ષાત્કાર કરવા માટેની પદ્ધતિનું અનુસરણ કરવાનું નીચેના દૃષ્ટિકોણ પ્રમાણે નક્કી કર્યું.

૧. વેદાંતના માન્યતાપ્રાપ્ત ઉપદેશકોના મંત્રો પરના કાર્ય પરત્વે સ્વામી વિવેકાનંદનું મૂલ્યાંકન.

૨. સ્વામીજીના પૂર્વગામીઓ દ્વારા પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ ઉપર નવા દૃષ્ણિકોણથી વિચાર કરવાની તેમની હિમાયત.

૩. વેદાંતના આ નવા દૃષ્ટિકોણની સત્યતા અને તર્કનું પરીક્ષણ કરવાની ક્ષમતાનો વિકાસ કરતી પદ્ધતિની તેમણે કરેલી રજૂઆત. આ વિભાગ ખરી રીતે તેમણે રજૂ કરેલ યોગોની અને તેને કેવી રીતે સમજવા અને અમલમાં મૂકવા તેની રૂપરેખા છે.

૪. યોગ દ્વારા આપણે કરેલાં કાર્યોનાં આપણે કરેલાં તારણો.

૫. યોગના વિજ્ઞાન દ્વારા થયેલી શોધોને આપણાં વ્યક્તિગત, સામાજિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક જીવનમાં કેવી રીતે વિનિયોગ કરવો, તે સંબંધી સ્વામી વિવેકાનંદનો દૃષ્ટિકોણ.

ટૂંકમાં મેં બુદ્ધિગમ્ય વૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યો. સંપાદનકાર્યમાં છેવટ સુધી આ પદ્ધતિનું ચુસ્તપણે અનુસરણ કરવામાં મને એ સંશોધનનો લાભ મળ્યો કે સ્વામી વિવેકાનંદના કાર્યમી પાંચ મુખ્ય વિષયો છે. હું એને નીચેની રીતે બતાવીશ.

માનવતા, યોગ, માયા, ઉત્ક્રાંતિ – નિષ્ક્રાંતિની સંવાદિતા (Holovolution), સમગ્રતા (Holism).

સ્વામી વિવેકાનંદની માનવતા ઘણી સ્પષ્ટ છે, ઘણી આગ્રહભરી છે. અને તેમની વિચારણાને ખૂણે ખૂણે વ્યાપીને રહી છે. એ કેવળ કંઈ મન:શારીરિક માનવગઠનનું જ ગૌરવગાન નથી. ભલે પછી તેમણે એને પ્રામાણિત એને કેટલીક વાર તો પ્રધાનતા પણ આપી હોય! એ તો સંભવત: માનવતાની આત્મિક ભીતરી શક્તિ તરીકેની સમજૂતી અથવા તો આત્માનું પ્રકટીકરણ પણ દર્શાવ્યું હોય; આમ, એક ઝડપી સંકેત દ્વારા પદાર્થ-પ્રકૃતિ અને ચૈતન્યની સમાનતા દર્શાવી છે કે જે બંને પરંપરાગત રીતે સાવ જુદા શબ્દો છે. આ આધ્યાત્મિક માનવતામાં દરેકેદરેક માનવપ્રાણીમાં મહત્ત્વ ધરાવી રહેલી દિવ્યતા જ એની પ્રમાણભૂતતાનો માનદંડ છે. આત્મરૂપાન્તરના બધા પ્રયત્નોનું એ સંગમ બિંદુ છે. તેમજ આપણને ફક્ત શરીર અને મનના પરિઘમાંથી આપણે અત્યારે જાણીએ છીએ એના કરતાં ઉચ્ચતર જ્ઞાન અને અનુભૂતિના તદ્દન જુદા રાજ્યમાં લઈ જતી શક્તિનું પણ સંગમબિંદુ છે. ત્યાંથી આપણે જડ પદાર્થરૂપ ધારેલી ભૌતિકતામાં પણ દિવ્યતાનું પ્રકટીકરણ કરી શકીએ છીએ.

ઉપર નિર્દિષ્ટ વિષયોની સૂચિમાં આધ્યાત્મિક માનવવાદની અવધારણાઓની કસોટી કરવા માટે ‘યોગ’ આવે છે. તેમજ આપણી અનુભૂતિઓની આંતરિક પ્રયોગશાળામાં આપણે મેળવેલાં પરિણામો કરવા માટે પણ એ ‘યોગ’ છે આપણી આંતરિક અનુભૂતિઓના પદ્ધતિસરના અને શિસ્તબદ્ધ સંશોધનથી આપણે અત્યાર સુધી નહિ જાણેલો આપણાં પરિમાણોને પિછાણી શકીએ છીએ અને એનો આપણા રોજબરોજના જીવનમાં કેવી રીતે ઉપયોગ કરવો, તે પણ જાણી શકીએ છીએ.

ત્રીજો મુદ્દો માયાનો છે. આપણાં ‘સામાન્ય’ મનોને યોગમાં જોડતાં આપણી સામે આવતા અવરોધો અને કેટલાક ભયંકર વિરોધોને ઉલ્લંઘી જવાના વિષય સાથે એ સંબંધ ધરાવે છે. આપણી માનવતાના ઊર્ધ્વગામી આંતરિક ઊંડાણોનો એ મનોએ સામનો કરવો પડે છે. ટૂંકમાં, યોગ દ્વારા માનવત્વ અને દિવ્યતાને એકબીજાની ખૂબ નજીક લાવવા માટેનો સંઘર્ષ, તે બંનેની પેલીપારની માનવીય અનુભૂતિની સમાનભૂમિકા પર સ્વયંપર – આત્મા પરની છલાંગથી ટાળી શકાય છે. જ્યારે આપણે અનુભૂતિના આવા સ્તર પર પહોંચીએ છીએ, કે તરત જ આપણે એવી સ્થિતિમાં આવી જઈએ છીએ કે પહેલાંના જે પરસ્પર સંઘર્ષો અને વિરોધો જણાતા હતા, તે તો આપણા મનની પૂર્વગૃહીત ગ્રંથિઓ અને બુદ્ધિની જડતા-સ્થૂલતા- જ હતી. આપણે આનંદ સહ એ પણ નીરખી શકીએ છીએ કે જડપ્રકૃતિ અને ચેતનાને જોડવાના આપણા પ્રયત્નોમાં જે અવરોધોનો આપણે સામનો કરવો પડે છે, તેને ભરી પીવા અને પાર કરી જવાની ક્ષમતા પૂરી પાડનાર શક્તિનું ભીતરી ઝરણું અહીં અને અત્યારે જ આપણા સીધા પ્રવેશ માટે ખુલ્લું જ છે!

હવે માયા પરથી આપણે ઉત્ક્રાંતિ-નિષ્ક્રાંતિની સંવાદિતા (Holovolution) – તરફ જઈએ. એ ઉત્ક્રાંતિ અને નિષ્ક્રાંતિની પ્રક્રિયાનો સંવાદ છે. સ્વામી વિવેકાનંદના કાર્યના સંદર્ભમાં ઉત્ક્રાંતિ એ જડપ્રકૃતિથી ચૈતન્ય તરફની ગતિ સૂચવે છે. એ સાક્ષાત્કારની પ્રક્રિયા છે અને નિષ્ક્રાંતિ એ ચૈતન્યથી જડપ્રકૃતિ તરફની ગતિ છે. એ પ્રકટીકરણની પ્રક્રિયા છે. yin (યીન) અને yang (યાંગ) જેવી આ બે પ્રક્રિયાઓ જાણે કે સર્જન અને વિનાશની શાશ્વત વૈશ્વિક લીલાના યંત્રને ચલાવવામાં અવિરત રત રહેલી જણાય છે. આ બંને પ્રક્રિયાઓ ખૂબ બુદ્ધિગમ્ય રીતે, સ્થિતિસ્થાપક અને ખૂબ સર્જનાત્મક છતાં વ્યવસ્થાપૂર્વક માનવત્વ અને દિવ્યત્વના એક છેડેથી બીજા છેડા સુધી ઘડિયાળના લોલકની પેઠે અવિરત ચાલ્યા જ કરે છે.

અને છેલ્લે સમગ્રતા – સર્વગ્રાહિતામાં – આપણે ચેતનાની એવી સ્થિતિ પ્રાપ્ત કરીએ છીએ કે જે કેવળ સૃષ્ટિની અખિલાઈ સર્જતા ભાગોને જ નથી અવલોકતું, પણ તે દરેકેદરેક ભાગ પોતાનામાં સમગ્રને સમાવીને રહેલ છે, તે પણ જુએ છે. આ અવસ્થામાં કોઈ કાનૂની વારસદારી નથી, કોઈ વિશેષાધિકાર નથી, કોઈ સિદ્ધાંત નથી. અહીં ચૈતન્ય જ જડપ્રકૃતિ છે અને જડપ્રકૃતિ જ ચૈતન્ય છે. દેખીતી રીતે જ આ ખૂબ દુર્લભ અવસ્થા છે, હું કહીશ કે ઐતિહાસિક રીતે આપણે જેને મહાન દૃષ્ટાઓ, પયગંબરો કે અવતારો કહીએ છીએ, તેવાઓમાં એ બહોળાપ્રમાણમાં પ્રકટ થઈ છે. સ્વામી વિવેકાનંદના ઉપદેશની ખાસિયત એ છે કે ગમે તે માનવપ્રાણી માટે પ્રાપ્ત કરવા યોગ્ય આ જ માત્ર અવસ્થા છે, અને તે પ્રાપ્ત થઈ પણ શકે છે. શરત એ છે કે તે માટેની યોગ્ય પદ્ધતિઓનું ચુસ્તપણે અને અવિરતપણે અનુસરણ કરાતું હોય, ખરેખર આ પોતે ખૂબ મોટો વિષય છે. અને એ વિશે હું અહીં આગળ વધી શકતી નથી.

સ્વામી વિવેકાનંદના વેદાંતની મુખ્ય બાબતોને આ લગભગ એકીશ્વાસે કરેલ ઉપરછલ્લો દૃષ્ટિપાત છે. તેઓ દરેકેદરેક વિષય ચર્ચા અને અનુભૂતિની એક નવી જ દુનિયાનું ઉદ્‌ઘાટન કરે છે. અહીં હું કહેવા એ માગું છું કે આ પાંચ વિષયો એક બીજાથી જુદા પણ નથી અને એક બીજા પર અવલંબિત પણ નથી. મેં તેમને જે રીતે રજૂ કર્યા છે તે તો લગભગ એક વ્યવસ્થા બતાવવા માટેની રીત છે. સર્વથી સુગમ માનવજાતથી માંડીને અંત:પ્રેરણાનો સામનો કરતી અને અત્યંત મુશ્કેલ એવી સર્વગ્રાહિતા સુધીની ક્રમશ: પ્રગતિની વ્યવસ્થા નિર્દેશી છે. વળી, પ્રગતિનો અર્થ સમજવામાં નિરીક્ષણની સૂક્ષ્મતા તેમજ સભાનતાની ગહરાઈ અને ભેદકતાનો સંદર્ભ પણ સમજી શકાય છે. ટૂંકમાં આ યોજના યોગની પદ્ધતિનો આખી સાધનાપ્રક્રિયામાં ઉપયોગ અને એનો સ્વીકાર કરવા માગતા, રસ ધરાવતા કોઈ પણ સાધક માટે અંતરમાં થતી અનુભૂતિ પર ખડી થયેલી છે.

સ્વામી વિવેકાનંદના કોઈ પણ ઉપદેશવિષયની ચર્ચામાં ધ્યાનાર્હ બે બાજુઓ :

મેં ઉપર હમણાં જ દર્શાવેલી યોજના પરત્વે આગળ વધતાં મને બીજું સૂચન કરવાનું મન થાય છે: દરેકેદરેક વિષયવસ્તુ પ્રત્યે આપણે બે રીતે જોઈ શકીએ. (૧) તાર્કિક અને (૨) આનુભવિક. તાર્કિકનો મારો અભિપ્રેત અર્થ પદ્ધતિસર, શબ્દોમાં મૂકી શકાય એવી યોગ્યતા ધરાવનાર, પારંપરિક રીતે વસ્તુઓ-પદાર્થો સાથે સંબંધ ધરાવનાર અને ગુણાત્મક પ્રમાણભૂતતા ઉપર ભાર મૂકનાર રીત છે. એને આપણે સહજસામાન્ય રીતે ઘણીવાર ‘ડાબા મસ્તિક’ તરીકે ઓળખાવીએ છીએ. જ્યારે બીજી બાજુ આનુભવિક રીત આપણા અનુભવો ઉપર આધાર રાખે છે એ શબ્દોની પશ્ચાદ્‌ભૂમિમાં બિનપરંપરિત છે. એકીસાથે બધી વસ્તુઓ એમાં સમાયેલ છે. અને એ ગુણાત્મક એકતા ઉપર ભાર મૂકે છે. એને આપણે ‘જમણા મગજ’ તરીકે કહી શકીએ. હું માનું છું કે આ બંને પ્રકારો સ્વામી વિવેકાનંદના કાર્યમાં આપણને જોવા મળે છે. અને વધારે તો એ કે ભારતને તેમણે આપેલા સંદેશમાં તાર્કિક બાજુ પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે, જ્યારે પશ્ચિમમાં તેમણે આનુભવિક ઉપર વધારે ભાર મૂક્યો છે. આ વિષયને દર્શાવવા હું બીજા કોષ્ટકમાં પ્રયત્ન કરીશ. એમાં વચ્ચેની કોલમમાં પાંચ વિષયો જોઈએ છીએ. ડાબી બાજુ ભારતના ઉપદેશો અને જમણી બાજુ પશ્ચિમના ઉપદશો જોઈએ છીએ. હવે આપણે બંને સ્વરૂપોને લેતાં કેવી રીતે દરેક વિષય વિચારી શકાય તે વિશે જોઈએ :

માનવતાના સંબંધમાં ભારતમાં સ્વામી વિવેકાનંદ માનવતાવાદી વેદાંત ઉપર ભાર મૂકે છે. મેં હમણાં જ ઉપર જે તાર્કિક અભિગમની રૂપરેખા પ્રસ્તુત કરી તે લાંબા કાળથી સ્થાપિત થયેલ અને ગહન અનુભૂતિગમ્ય રહસ્યમય વેદાંતની પરંપરા સ્પષ્ટ અને પદ્ધતિસર માનવ પરિપ્રેક્ષ્યને તેમણે રજૂ કર્યું છે. અને પશ્ચિમમાં તેમણે વ્યાપક બનતા જતા લોકશાહીના આદર્શને પકડ્યો. પશ્ચિમના લોકોમાં એ ખ્યાલ, માનવના નક્કર વૈયક્તિકતાના ખ્યાલમાંથી અને એની વાસ્તવિકતામાંથી જન્મ્યો હતો. સ્વામીજીએ ત્યાંના પ્રવર્તમાન ખ્યાલમાં ચૈતન્યની અનુભૂતિની આવશ્યકતા દાખલ કરી, જે અનુભૂતિ બધી માનવીય કક્ષાઓની પેલી પાર જાય છે અને ચૈતન્યને જીવનનાં બધાં જ કાર્યોમાં માર્ગદર્શક બળનું રૂપ આપે છે. ટૂંકમાં એ આધ્યાત્મિક લોકશાહી છે. કોઈ પણ કહી શકે કે આ બંને બાબતો એક બીજાની ગૌણ પ્રતિછબિઓ છે.

વિજ્ઞાન તરીકે યોગના ક્ષેત્રમાં ભારતમાં સ્વામી વિવેકાનંદે મૂકેલો ભાર પ્રાયોગિક વિજ્ઞાન પરત્વે હતો. એટલે કે હજારો વરસોથી ભારતીય પરંપરાએ જેને માટે યથોચિત સતત કામ કર્યું છે. તેનો ભારતમાં જેની તાતી જરૂરિયાત છે તેનો અમલ કરવા સૂચવ્યું. વિશુદ્ધ વિજ્ઞાન તરીકે પશ્ચિમમાં યોગનો અર્થ લોકશાહી જેવા સમાજ સંબંધી વિષયોથી માંડીને આત્મસાક્ષાત્કાર ઉપર ભાર મૂકવાનો છે. અને છેવટે આ પ્રક્રિયાને પશ્ચિમ માટે પ્રામાણિત અને સક્રિય રૂપ તરીકે વ્યવસ્થિત કરવાનું છે. સ્પષ્ટ રીતે વિષયની આ બંને બાજુઓ પરસ્પર સીધો સંબંધ ધરાવે છે. હું સૂચવીશ કે એ પરસ્પર પૂરક છે.

(ક્રમશ:)

(૧) સ્વા. વિ. ગ્રં. મા., ભાગ – ૧૧, પૃ. ૨૮૭
(૨) સ્વા. વિ. ગ્રં. મા., ભાગ – ૭, પૃ. ૩
(૩) સ્વા. વિ. ગ્રં. મા., ભાગ – ૧૧, પૃ. ૨૮૭-૮૮
(૪) એજન, ભાગ – ૫, પૃ.૧૦૯
(૫) એજન, ભાગ – ૬, પૃ.૧૦૦

Total Views: 153

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.