(લોકનાયક જયપ્રકાશ નારાયણે ૧૭ ફેબ્રુઆરી, ૧૯૫૨ના રોજ રામકૃષ્ણ મિશન, નવી દિલ્હીમાં આપેલા વ્યાખ્યાનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.)

સ્વામી વિવેકાનંદ સત્યદૃષ્ટા એવા મહાન ઋષિઓની કોટિના હતા. એમની પ્રજ્ઞા મહાન હતી પરંતુ એનાથીયે મહાન હતું એમનું હૃદય. બેલૂર મઠમાં એકવાર એમણે પોતાના શિષ્યોને કહ્યું હતું કે જો ક્યારેય બુદ્ધિ અને હૃદય વચ્ચે દ્વન્દ્વ ઊભો થાય તો બુદ્ધિને છોડીને હૃદયનું જ અનુસરણ કરવું પડશે. આપણા દેશમાં અનેક સંતોએ જન્મ લીધો છે. એમનામાંથી કેટલાકને એવું લાગ્યું કે હિમાલયની કંદરાઓમાં જઈને આત્મચિંતન કરવું એ જ સાચો માર્ગ છે. સ્વામી વિવેકાનંદ પણ આવી પરંપરાથી પ્રભાવિત થયા હતા અને એમની કિશોરાવસ્થામાં એમના મનમાં પણ આ અંતર્દ્વન્દ્વ ઊભો થયો હતો. એમની બુદ્ધિ પરંપરાગત આત્મદર્શનમાં ડૂબી જવા વ્યગ્ર હતી અને એમનું હૃદય આસપાસના લોકોનાં દુ:ખોથી વિગલિત થઈ રહ્યું હતું. અંતે એમણે નિશ્ચય કર્યો કે હું એકાંતવાસ છોડીને પ્રત્યેક જીવના આત્મામાં પ્રવેશીને એમની સેવાના માધ્યમ દ્વારા ઈશ્વરપૂજન કરીશ. નિર્ધન અને પછાત લોકોને સ્વામીજી તરફ ખેંચનાર એમનું કરુણામય હૃદય હતું, જે હૃદય એ લોકો માટે સદૈવ દ્રવિત થતું રહેતું અને એ જ હૃદય ૩૯ વર્ષના સંક્ષિપ્ત જીવનકાળમાં એ દરિદ્રલોકોની સેવાથી ક્લાંત બની ગયું હતું. પોતાના હૃદયની આ વ્યથાના આવેગમાં ૧૮૯૭માં ચેન્નાઈમાં પોતાના ચિરસ્મરણીય સંદેશમાં તેમણે કહ્યું હતું:

‘હે મારા ભાવિ સુધારકો, મારા ભાવી દેશભક્તો, શું તમને લાગી આવે છે? શું તમે હૃદયથી એવું અનુભવો છો કે દેવ અને ઋષિનાં કરોડો સંતાનો આજે પશુતુલ્ય બની ગયાં છે? શું તમારા હૃદયમાં એવો અનુભવ થાય છે ખરો કે લાખો માનવીઓ આજે ભૂખે મરી રહ્યાં છે અને લાખો લોકો શતાબ્દિઓથી આવી રીતે ભૂખે મરતાં રહ્યાં છે? શું તમને એવી લાગણી થાય છે કે અજ્ઞાનના કાળા વાદળે સમગ્ર ભારતને ઢાંકી દીધું છે? શું તમે આ બધું વિચારીને વિહ્‌વળ બની જાઓ છો? શું આ ભાવનાએ તમારી ઊંઘ હરી લીધી છે? શું એણે તમને પાગલ બનાવી દીધા છે?’

પોતાના માનવબંધુઓ અને વિશેષ કરીને સ્વદેશવાસીઓના આધ્યાત્મિક તથા ભૌતિક દારિદ્ર્ય અને પીડાના આક્રંદનો અનુભવ કરીને તેઓ નૈતિક ઊર્જાના એક તોફાનના રૂપે સમગ્ર વિશ્વમાં સંચરણ કરે છે અને એમના જીવનના અંતિમકાળ સુધી આ દારિદ્ર્ય અને પીડાએ એમને ચેન પડવા દીધો નથી. પોતાની આ ભાવનાઓથી અભિભૂત બનીને જ એમણે પ્રાચ્ય એવં પાશ્ચાત્ય દેશોનું વિજય-અભિયાન કર્યું. તેમજ રામકૃષ્ણ મઠ-મિશનની સ્થાપના કરી. એમનું જીવન પ્રેમ અને પવિત્રતાથી પરિપૂર્ણ હતું; આ જગતમાં એમનો ઉદય તેમજ અસ્ત દ્રુત અને અચાનક થયો. પરંતુ ૩૯ વર્ષના પોતાના સંક્ષિપ્ત જીવનકાળમાં એમણે જનમાનસમાં નવી ચેતના અને નવી આશા જગાડવાના અને દૃઢપ્રતિજ્ઞ કરવાની દિશામાં એટલું બધું કર્યું છે કે આપણા મહાન દેશના ઇતિહાસમાં શંકરાચાર્ય સિવાય એમની બરોબરી કરનારો બીજો કોઈ મળતો નથી. 

આજે આપણે પોતાની જ રીતે એક અભિનવ ભારતના નિર્માણકાર્યમાં લાગી ગયા છીએ. હવે આપણને સ્વામીજીની શક્તિ અને એમના સાંનિધ્યની આવશ્યકતાનો ખ્યાલ આવે છે. એ વાત સાચી છે કે સ્વામીજી આપણી વચ્ચે નથી, પરંતુ એમના શબ્દ, એમનો ઉપદેશ આજે પણ આપણી સમક્ષ છે. આપણા દેશમાં અત્યારે અજ્ઞાન અને દરિદ્રતાનું સામ્રાજ્ય ફેલાયેલું છે. (એના નિવારણ માટે) સ્વામીજી એ આપણને આપણી સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક વિરાસત પર આધારિત એક મંત્ર આપ્યો છે, એક નવીન માર્ગ બતાવ્યો છે, એક નવો ધર્મ આપ્યો છે અને તે છે : સહિષ્ણુતા, વિશ્વબંધુત્વ અને માનવજાતિના સમત્વનો ધર્મ. આપણા દેશમાં વિવિધ પ્રકારની ક્રાંતિઓ જોવા મળી છે, પરંતુ આ બધાં મહાપરિવર્તનોની વચ્ચે પણ આપણે પોતાની સંસ્કૃતિના આત્માની સદા સર્વદા રક્ષા કરતા રહ્યા છીએ. પોતાની સભ્યતા – સંસ્કૃતિના આ આત્માને છોડીને આપણે આગળ વધી ન શકીએ, એક પ્રગતિશીલ રાષ્ટ્ર ન બની શકીએ. સંભવ છે કે કેટલાક પ્રભાવશાળી લોકો એકલા જ સાચા પથે ચાલી શકે, પરંતુ બાકીના લોકો માટે એ આવશ્યક છે કે તેઓ આપણી પ્રાચીન સંસ્કૃતિમાંથી પ્રેરણા મેળવે. સ્વામીજીએ આવું જ કરવાનો પ્રયાસ કર્યો હતો. એમના જમાનામાં આપણા દેશમાં આપણને દુર્બળ બનાવનારી અનેક શક્તિઓ સક્રિય હતી. તેઓ ઇચ્છતા હતા કે એમને દૂર કરીને એક કર્મઠ રાષ્ટ્રિય સંસ્કૃતિની સ્થાપના થાય. અત: એમનો સંદેશ હતો કે આપણે પોતાની આ સંસ્કૃતિના ખોળામાં જ લાલન-પાલન પામીએ અને એનાથી આપણું રાષ્ટ્ર બળવાન અને શક્તિશાળી બનશે.

આપણે પોતાના રાષ્ટ્રનું નિર્માણ કરવા ઇચ્છીએ છીએ, પરંતુ એ કેવી રીતે કરીએ એ એક સમસ્યા છે. મારો તો એ દૃઢ વિશ્વાસ છે કે જ્યાં સુધી આપણા દેશમાં એક ધાર્મિક પુનર્જાગરણ નહિ થાય ત્યાં સુધી આપણે પ્રગતિ કરી શકીશું નહિ. આપણે એક એવા ધર્મનું નિયંત્રણ ઇચ્છીએ છીએ કે જે અન્ય બીજા ધર્મોનો સ્વીકાર કરે અને સ્વામીજીએ મહાન વેદાંતના રૂપે આપણને એ ધર્મ આપ્યો છે. નિ:સંદેહ વેદાંત આપણા દેશ માટે નવો નથી, પરંતુ આપણી પાસે એમાં પ્રવેશ કરવાના સાધન ન હતાં, આપણે એનો ઉપયોગ ન કરી શક્યા. આપણને બુદ્ધના પ્રેમની એવં વ્યાવહારિકતાની તેમજ વેદાંતના તત્ત્વજ્ઞાનની આવશ્યકતા છે. પોતાના ચેન્નાઈના એક વ્યાખ્યાનમાં સ્વામીજીએ કહ્યું હતું કે હુ એક સંદેશો આપીશ. એ કેવળ આપણા પોતાના દેશ માટે નહિ પરંતુ બહારના દેશો માટે પણ ઉપયોગી નીવડશે. પોતાના ઉપદેશોને પ્રભાવી બનાવવા માટે તથા એ બધાનો સામાન્યજનોમાં પ્રચાર કરવા માટે જેવી રીતે બુદ્ધદેવે સંન્યાસી સંઘની રચના કરી હતી તેવી જ રીતે સ્વામીજીએ પણ મહાન એવી સંસ્થા રામકૃષ્ણ મિશનનો પ્રારંભ કર્યો હતો. આ ગર્વ અને આનંદની વાત છે કે મિશનનાં કેન્દ્રનાં કાર્યો દ્વારા એમનાં આદર્શ અને લક્ષ્યને રૂપાયિત થઈ રહ્યાં છે, એમની કલ્પનાઓને સાકાર કરવામાં આવી રહી છે. આ રીતે વેદાંત નિર્ધનની પાસે સહાયતાના રૂપે અને દલિતની પાસે ઉત્થાનના રૂપે જઈ રહ્યું છે.

આપણાં જાતિઓ, સંપ્રદાયો, મતવાદોની અનેકતા જ આપણા દેશની મોટી સમસ્યા છે. શું તમે આ બધા ભેદોને દૂર કરી શકો છો? શું આપણે ઉન્નતિ સાધીને શક્તિસંગ્રહ કરી શકીએ છીએ? સ્વામીજીએ જાતિભેદની તીવ્ર આલોચના કરી છે. આપણી સામાજિક દુર્બળતા માટે એમણે એને જ ઠીક ઠીક પ્રમાણમાં જવાબદાર ગણાવી છે. ઘણા વખત પહેલાં સામાજિક એકતા છિન્ન ભિન્ન થઈ ગઈ હતી, એને પરિણામે આપણે એક હજાર વર્ષ સુધી દુ:ખ અને દુદર્શા ભોગવ્યાં. સ્વામીજીએ તત્કાલીન પ્રાચીન ધર્મપ્રથાઓને ખેદપૂર્વક ‘રસોડાનો ધર્મ’, ‘ભાતની હાંડીનો ધર્મ’, ‘અમને અડશો મા’નો ધર્મ કહ્યો છે. એમણે સ્પષ્ટ રૂપે ઘોષણા કરી છે કે જ્યાં સુધી આપણે લોકો આવા ધર્મને જકડી રાખીએ છીએ ત્યાં સુધી માનવ એકતાનું શિક્ષણ આપનારા વાસ્તવિક ધર્મથી આપણે દૂર રહીએ છીએ. આપણે જરૂર છે એકતાની, પરંતુ આપણું બધું આપણી વચ્ચે ભેદ ઉત્પન્ન કરનારું છે. બ્રાહ્મણ બ્રહ્મવિદ્યામાં લીન રહે છે, પરંતુ જો એનો પુત્ર વ્યવસાય કે બીજું કંઈ કરે તો પણ તેને બ્રાહ્મણ ગણવામાં આવે છે, કેવળ એનું કારણ એ છે કે એ બ્રાહ્મણના ઘરે જન્મ્યો છે.

જો દેશને પ્રગતિ કરવી હશે તો આપણે ધર્મનું તાત્પર્ય સમજીને એ માર્ગે ચાલવું પડશે. માત્ર જન્મને જ નહિ પરંતુ ગુણ અથવા બ્રાહ્મણત્વને મહાનતાનો માપદંડ બનાવવો પડશે. આપણા ધર્મના આદેશ અનુસાર એક મ્લેચ્છ પણ સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. વેદાંતના મૂળભૂત તત્ત્વનો આધાર બનાવીને સ્વામીજીએ ‘રસોડાના ધર્મ’ને નિરુત્સાહિત કર્યો અને માનવ માનવની વચ્ચે સમાનતાની ઘોષણા કરી. ભેદ કેવળ અભિવ્યક્તિમાં છે, મૂળભૂત બ્રહ્મમાં નહિ. બધાને સર્વોચ્ચ તક આપી શકાય છે, બધામાં મહાનતમ બનવાની ક્ષમતા છે. આ ટોનિક દ્વારા આપણી બધી દુર્બળતા અને આપણું બધું અજ્ઞાન દૂર કરી શકાય છે. વેદાંતના આ મહાન આદર્શના આધાર પર આપણે એક સમાજનું, એક સભ્યતાનું નિર્માણ કરી શકીએ છીએ. મને તો એ શ્રદ્ધા છે કે જો આપણે સાચા દિલથી પ્રયાસ કરીએ તો સફળતા અવશ્યંભાવી છે. જો આ આદર્શનો દેશમાં પ્રચાર કરવામાં આવે તો કયો હિંદુ એનો અસ્વીકાર કરશે? એવો કોણ વિદેશી છે કે જે પોતાની અંતર્નિહિત દિવ્યતાના પોકારને ઉત્તર ન આપે? આપણે એ સમજી લેવું પડશે કે જાતિ તથા અન્ય ભેદો દ્વારા ઉત્પન્ન થયેલ આપણી આ સાંસ્કૃતિક, સામાજિક તથા રાજનૈતિક વિછિન્નતા સ્વામી વિવેકાનંદના વેદાંતિક સંદેશ દ્વારા જ દૂર કરી શકાય તેમ છે. તે સંદેશ દ્વારા આપણે હિંદુ, મુસલમાનની સમસ્યાનું પણ સમાધાન કરી શકીશું. એના આધારે નિર્ધનતાનો પ્રશ્ન પણ ઉકેલી શકાય છે.

જો એક સુખી સમાજની સ્થાપના કરવી એ આપણું સ્વપ્ન હોય તો એવું ન થવું જોઈએ કે કેટલાક લોકો સાધનસંપન્ન હોય અને મોટા ભાગના લોકો નિર્ધન રહે. પચાસ વર્ષ પહેલાં જ સ્વામીજીએ આર્થિક વિષમતાનું સમાધાન શોધી કાઢ્યું હતું. પોતાના એક પત્રમાં તેઓ લખે છે : ‘હું સમાજવાદી છું’. એમને બ્રહ્મવિદ્યામાં જે ઐક્ય અને સમાનતા જોવા મળી તેને તેઓ રાષ્ટ્રિય અર્થવ્યવસ્થા તથા અન્ય સામાજિક ક્ષેત્રોમાં પણ સ્થાપિત કરવા ઇચ્છતા હતા. આજ રાજા, જમીનદાર અને સાધનસંપન્ન વર્ગ શ્રમજીવીઓને તુચ્છ માને છે પરંતુ સ્વામીજીનો ઉપદેશ એનાથી બિલકુલ ઊલટો છે એમણે કહ્યું હતું: ‘એ લોકો તમારાથી અભિન્ન છે. એક જ બ્રહ્મ તેમના અને તમારા દ્વારા પ્રતિભાસિત થઈ રહ્યો છે.’ અદ્વૈત વેદાંતમાં એમને જે ઐક્યનું અસ્તિત્વ દેખાયું, માનવના વ્યક્તિત્વમાં એમણે જે પ્રકારની સમાનતાની અનુભૂતિ કરી હતી. એને જ તેઓ આર્થિક અને સામાજિક ક્ષેત્રમાં પણ અપનાવવા ઇચ્છતા હતા. એમણે પોતાની ચારે તરફ ભૂખ્યા અને વસ્ત્રવિહીન અવસ્થામાં રહેલાં લોકોને જોયાં હતાં અને એ અનુભવ્યું હતું કે જ્યાં સુધી આ ભૂખ્યાં નાગાં લોકોને ખાવા-પહેરવાનું ન મળે ત્યાં સુધી એ લોકોમાં ધર્મપ્રચાર કરવો નિરર્થક છે; સામાન્ય લોકોના કલ્યાણ પર જ ધર્મની દૃઢ આધારશિલા રચી શકાય છે. એટલે આજે આપણું હૃદય સ્વામીજી સમક્ષ અવનત બની જાય છે. હું સ્વામીજીનો અધ્યેયતા છું. હું એમના વિશે કંઈ કહેવા માટે અધિકારી નથી; પરંતુ આ બધું એમનામાં જોઉં છું અને શીખતો રહું છું. તેઓ તો તરી ગયા અને આપણને પણ તારવા ઇચ્છે છે એમણે આપણી જે નબળાઈઓ જોઈ તે તિરસ્કારની કે ઘૃણાની આંખે નહીં પણ સહાનુભૂતિ સાથે સેવાની ઉત્કટ ભાવના સાથે આપણી અવનત અવદશા પ્રત્યે દુ:ખની લાગણીનો અનુભવ કરતાં કરતાં આ બધું જોયું. પોતાના એ જ પત્રમાં તેઓ સમાજવાદનું સમર્થન કરે તો છે, પણ તેને એક પૂર્ણત: નિર્દોષ વ્યવસ્થા માનીને નહીં પરંતુ, ન મામા કરતાંં કહેણો મામો શું ખોટો? એમ માનીને.

ધર્મ, સંસ્કૃતિ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર દરેક ક્ષેત્રમાં હું સ્વામી વિવેકાનંદને એક નેતા માનું છું. આ બધાંને આપણે આપણા પોતાના પ્રાચીન યુક્તિપૂર્ણ દર્શન-વેદાંતના દૃઢ પાયા પર સ્થાપિત કરવું પડશે. જો આપણે એ વાતને ભૂલી જઈશું અને આપણી ઐતિહાસિક વિરાસતની આધારશિલા પર રાષ્ટ્રની રચના નહીં કરીએ તો ભારત ભારત રહેશે નહીં. આપણે સ્વામીજીમાંથી પ્રેરણા લઈને રામકૃષ્ણ મિશનનો સાથસહયોગ મેળવી સાચા હૃદયથી પોતાના તથા પોતાના અસંખ્ય દેશવાસીઓનાં જીવનને પરિપૂર્ણ અને સમૃદ્ધ બનાવવા કાર્ય કરવું પડશે. આપણી પોતાની વ્યક્તિગત અનુભૂતિથી આપણી પ્રગતિ પૂર્ણતા મેળવશે નહીં પરંતુ બીજાને માટે પણ સ્વાધીનતા લાવવા માટે કાર્યશીલ બનવું પડશે. આપણે સૌએ સ્વામી વિવેકાનંદના સંદેશના આ પાસાને સમજવું પડશે અને એ પણ જોવું પડશે કે આપણાં ગામડાં, આપણો દેશ, આપણાં ભાઈ-બહેનોને પીડનારી સમસ્યાઓ પરના વિચાર અને એનું સમાધાન કયાંક ધર્મના ક્ષેત્રમાંથી બહિષ્કૃત ન બની જાય. જો આપણે સ્વામી વિવેકાનંદના ઉપદેશ પ્રમાણે જીવન જીવીએ અને કાર્ય કરીએ આ બધી સમસ્યાઓનો ઉકેલ સફળતાપૂર્વક થઈ શકે તેમ છે.

Total Views: 69

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.