‘આપણે જ સમસ્ત જગતના અનંત ‘સત્‌’ છીએ તથા આપણે જડભાવથી ઘેરાઈને આ ક્ષુદ્ર નરનારીરૂપ ધારણ કર્યાં છે. આપણે એક વ્યક્તિની મધુર વાતોથી પીગળી જઈએ છીએ તથા બીજા એક વ્યક્તિની અણગમતી કડવી વાતથી ક્રોધે ભરાઈએ છીએ. કેટલી ભયાનક નિર્ભરતા! કેટલું ભયાનક દાસત્વ! હું કે જે સકળ સુખદુ:ખોથી અતીત છું, સમગ્ર જગત જ જેનું પ્રતિબિંબ સ્વરૂપ છે; સૂર્ય, ચંદ્ર, તારા વગેરે જેના પ્રાણોના લઘુકણ માત્ર છે, એવો હું આ રીતે ભયાનક દાસભાવથી ચોતરફ ઘેરાયેલો છું. મારા આ દેહને તમારી એક કીડીનો ચટકો પણ કષ્ટદાયી બની જાય છે. જેવી કોઈ એક મનગમતી મીઠી વાત કરે છે ત્યાં જ આપણને આનંદ થવા લાગે છે. આપણી કેવી દુર્દશા છે! – જુઓ, આપણે દેહના દાસ, મનના પણ દાસ, જગતના ગુલામ, એક સારી વાતના પણ ગુલામ! અને વળી એક ખરાબ વાતના પણ દાસ, વાસનાના ગુલામ, જીવનના દાસ અને મૃત્યુના પણ દાસ! આપણે બધી વસ્તુઓના દાસ છીએ! આ દાસત્વને આપણે કેવી રીતે દૂર કરી શકીએ? આ આત્મા વિશે પહેલાં સાંભળવું પડશે અને ત્યાર પછી એને સાથે રાખીને મનન કે વિચાર કરવો પડશે. ત્યાર બાદ તેનું નિદિધ્યાસન અર્થાત્‌ ધ્યાન પણ ધરવું પડશે.’ (બૃહ.ઉપ.૫-૬) અદ્વૈતવાદીની આ છે સાધના પ્રણાલી. સત્યને પહેલાં સાંભળવું પડશે પછી એના ઉપર ચિંતન-મનન કરવું પડશે અને ત્યાર પછી એને નિરંતર દૃઢ કરતાં રહેવું પડશે. ‘અમે બ્રહ્મ છીએ’ હંમેશાં આનો જ વિચાર કરો. બીજા બધા વિચારોને દુર્બળતાજનક માનીને દૂર કરી દેવા પડશે. જે કોઈ વિચારથી તમને પોતાને નરનારી હોવાનું જ્ઞાન થાય છે તેને હટાવી દો. દેહ જાય, મન જાય, દેવીદેવતાઓ પણ જાય, ભૂતપ્રેતાદિ પણ જાય અને એ એક સત્તા સિવાય બધું ચાલ્યું જાય. (છાંદોગ્ય.ઉપ, ૭.૨૪.૧)માં કહ્યું છે : 

યત્ર નાન્યત્પશ્યતિ નાન્યચ્છૃણોતિ નાન્યદ્વિજાનાતિ
સ ભૂમા અથ યત્રાન્યત્‌ પશ્યત્યન્યચ્છૃણોત્યન્યદ્વિજાનાતિ તદલ્પમ્‌ ॥ 

જ્યાં એક વ્યક્તિ અન્યને જુએ છે, એક વ્યક્તિ અન્યને સાંભળે છે, એક વ્યક્તિ બીજું કંઈ જાણે છે તે ક્ષુદ્ર કે સસીમ છે; અને જ્યાં એક વ્યક્તિ બીજાને જોતી નથી, એક વ્યક્તિ બીજું કંઈ સાંભળતી નથી એક વ્યક્તિ બીજું કંઈ જાણતી નથી તે જ ‘ભૂમા’ અર્થાત્‌ મહાન કે અનંત છે.

એ જ સર્વોત્તમ વસ્તુ છે જ્યાં વિષયી અને વિષય એક બની જાય છે. જ્યારે આપણે જ શ્રોતા અને આપણે જ વક્તા છીએ; જ્યારે આપણે જ આચાર્ય અને આપણે જ શિષ્ય છીએ; જ્યારે આપણે જ સૃષ્ટા અને આપણે જ સૃષ્ટ છીએ; કેવળ ત્યારે જ ભયનો નાશ થાય છે; કારણ કે આપણને ભયભીત કરવાવાળું બીજું કંઈ રહેતું નથી. આપણા સિવાય જ્યારે બીજું કંઈ રહેતું નથી ત્યારે આપણને ભય કોણ પમાડશે? દિનપ્રતિદિન આ જ તત્ત્વમાં તરબોળ થઈ જવું પડશે. બીજા બધા વિચારોને દૂર કરી દો અને બધાને તોડી ફોડીને દૂર ફેંકી દો. નિરંતર પેલા તત્ત્વની આવૃત્તિ કરો. જ્યાં સુધી હૃદયમાં ન પહોંચીએ, જ્યાં સુધી પ્રત્યેક સ્નાયુ, એકેએક માંસપેશી, અરે, પ્રત્યેક રક્તબિંદુ સુધ્ધા પણ ‘અમે તે જ છીએ, અમે તે જ છીએ’ આ ભાવથી પૂર્ણ ન બની જાય ત્યાં સુધી કાનમાંથી આ તત્ત્વને ક્રમશ: ભીતર પ્રવેશતું કરવું પડશે. ત્યાં સુધી કે મૃત્યુની સામે થઈને પણ કહીએ ‘અમે તે જ છીએ’.

…મૃત્યુના દ્વારે ઘોરતર વિપદમાં રણક્ષેત્રમાં, સમુદ્રતળે ઉચ્ચતમ પર્વતશિખરમાં, ગંભીરતર અરણ્યમાં, અરે! ભલેને ગમે ત્યાં જઈ પડો, સદા સર્વદા પોતાની જાતને કહેતા રહો : ‘હું તે જ છું, હું તે જ છું’. દિવસ રાત રટતા રહો, ‘હું તે જ છું, હું તે જ છું’. આ સર્વોત્કૃષ્ટ બળ છે, આ જ ધર્મ છે… તમને કોણ સહાયતા કરશે? તમે જગતના સહાયકર્તા છો, તમારી આ વાતમાં પછી બીજું કોણ સહાય કરી શકે? તમને સહાય કરવામાં કયો માનવ, કયો દેવતા અને કયો દૈત્ય સક્ષમ છે? તમારા પર કોની શક્તિ કામ કરશે? તમે જ જગતના ઈશ્વર છો, તો પછી ક્યાં સહાયને શોધવા જશો? રેશમના કીડાની જેમ તમે પોતે જ ચોતરફ જાળનું નિર્માણ કરતા હતા. તમારો ઉદ્ધાર કોણ કરશે? તમે એ જાળને કાપી-ફેંકીને સુંદર મજાના પતંગિયાના રૂપે, મુક્ત આત્માના રૂપે બહાર આવો. ત્યારે જ, કેવળ ત્યારે જ તમે સત્યદર્શન કરશો. ‘હું તે જ છું, હું તે જ છું’ એમ સર્વદા મનથી કહેતા રહો. હા, આજ સો વર્ષ પછી પણ ૧૮૯૬માં ન્યૂયોર્કમાં કહેલા આ શબ્દોનો પ્રતિધ્વનિ આજે પણ આપણા કાનોમાં ગૂંજી ઊઠે છે. એમાં એ તેજસ્વી વિચારોને યાદ અપાવવાનું સામર્થ્ય પણ છે. આ શબ્દોએ આપણને સૌને ગાઢ નિરસતાપૂર્ણ નિદ્રામાંથી, આ સંસારના ભયાનક સ્વપ્નમાંથી ઝટકો મારીને જગાડી દીધા છે. સાથે ને સાથે આપણને સૌને પોતાના આત્મજ્ઞાનના લક્ષ્ય તરફ ઉન્મુખ કરી દીધા છે. આધુનિક યુગનો માનવ ‘રોટલો રળવાની વિદ્યા’માં અવશ્ય પ્રબુદ્ધ બન્યો છે પણ તેણે ‘વૈજ્ઞાનિક અંધવિશ્વાસ’ તરફ આગેકૂચ કરી છે. સાથે ને સાથે આ ત્રિપરિમાણાત્મક ક્ષિતિજની સીમા બહાર કંઈ થઈ શકતું જ નથી એ વિચારીને ગર્વ પણ કરતો રહે છે. અચાનક વાસ્તવિકતાના શબ્દોથી ભરેલી આ ગર્જનાથી તે પૂરેપૂરો હચમચી ઊઠે છે. વિશ્વના આધારરૂપ વિશાળ વ્યક્તિત્વને પોતાના બંને હાથોમાં પૃથ્વીના અર્ધવૃત્તોને લઈને ઊભેલા એવા એ મહામાનવને જોઈને સૌ કોઈ અવાક્‌ બની જાય છે.માત્ર આ મહામાનવના મુખમંડળને જોઈને એના આશ્ચર્યનો કોઈ પાર રહેતો નથી. આ મહામાનવના શ્રીચરણોમાં સંપૂર્ણ વિશ્વશાંતિની અપેક્ષાએ વિશ્વ દાવાનળના ભયથી કાંપતું સમર્પિત બની જાય છે અને પરસ્પર ‘તે કોણ છે?’ની જિજ્ઞાસામાં ડૂબી જાય છે. હા, આપણી આ જિજ્ઞાસા પણ ‘તે કોણ છે?’ એવો પ્રશ્ન કરે છે. શું એ દાનવ છે કે દેવતા છે; તે દેવદૂત છે કે માત્ર માનવ? એ ક્યાંથી આવ્યો છે અને તેના અવતરણનું સાચું પ્રયોજન શું છે?

ભગિની નિવેદિતા પોતાના ગુરુ સ્વામીજીના વાસ્તવિક કાર્યમાં લીન બની ગયાં હતાં પણ તેમને કંઈક સમજ પડતી ન હતી. તેનું સમાધાન મેળવવા એમણે સ્વામીજીને પોતાના પ્રશ્ન સાથે પત્ર લખીને એ જાણવા જિજ્ઞાસા પ્રગટ કરી. સ્વામીજીએ પત્રના ઉત્તરના પ્રારંભમાં જ લખ્યું છે : ‘મારું આદર્શવાક્ય અવશ્ય થોડા શબ્દોમાં કહી શકાય તેમ છે, અને તે છે : ‘મનુષ્યજાતિને તેના પોતાના દિવ્યસ્વરૂપનો ઉપદેશ આપવો તથા જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં એને અભિવ્યક્ત કરવાનો ઉપાય બતાવવો.’ હવે આપણે અહીં સ્વામી વિવેકાનંદ અને તેમના પ્રાદુર્ભાવના ઉદ્દેશ્યને સમજી-જાણીને પોતાના દૃષ્ટિકોણને એ તરફ પરિચાલિત કરી શકીએ છીએ.

‘સ્વામી વિવેકાનંદ એક વિરાટ વ્યક્તિત્વ હતું, બંધનને છિન્ન ભિન્ન કરી નાખનારું વ્યક્તિત્વ હતું. એમને આ પૂર્ણજ્ઞાન હતું કે આ કાર્ય કોઈ પણ પરિસ્થિતિમાં છોડવાનું નથી. ‘પૂર્વમાંથી આવેલ’ આ માનવ પોતાની સાથે બેધારી તલવાર લઈને આવ્યા હતા. કેટલાક એવા હતા કે જેમણે ‘ધધકતી જ્વાળા અને તેજપુંજના આ મહામાનવ’ની અભ્યર્થના કરી અને એમને સ્વીકાર્યા; તે બધાને તેમણે શક્તિપૂર્ણ બનાવી દીધા. તેઓ આત્માના પ્રકાશ અને ગૌરવને પ્રગટ કરવા આવ્યા હતા.’ હવે આપણે એવી પરિસ્થિતિમાં આવી ગયા છીએ કે સ્વામીજીએ પ્રારંભમાં કરેલાં ઓજસ્‌પૂર્ણ કે ગર્જન કરતાં ઉદ્ધરણોનો અર્થ થોડોઘણો સમજવામાં સફળ થઈશું. યુગયુગોથી માનવ આત્માની જીવનયાત્રા વાંકીચૂંકી ચાલતી આવી છે અને જીવની પ્રારંભિક અવસ્થાથી માંડીને માનવશરીર ધારણ કરવા સુધીની આ કષ્ટપૂર્ણ યાત્રામાં હાંફતો હાંફતો આ અંતિમ ચરણે આવીને સ્વયંને સાંત્વના આપીને સંતોષ મેળવવા ઇચ્છે છે. આ જ સંતોષ તેની પ્રગતિમાં એક ખતરો ઊભો કરે છે. એમ કહેવાય છે કે સૃષ્ટિના કર્તાએ જ્યાં સુધી માનવનું સર્જન કર્યું ન હતું ત્યાં સુધી બીજા જીવોની સૃષ્ટિથી એને સંતોષ થયો ન હતો. માનવની સૃષ્ટિ પછી એણે બધા જીવોને આદેશ કર્યો અને ઉચ્ચતર લોકોના નિવાસી જીવોને પણ નિર્દેશ કર્યો કે તેઓ નવરચિત માનવનું અભિવાદન કરે, એને નમે. એમાંના એક સિવાય એ બધાએ સર્જનહારના આદેશનું અનુસરણ કર્યું. જેણે આદેશની અવગણના કરી તેને શેતાન બનાવી દીધો, દાનવ બનાવી દીધો. સંસાર ચક્રમાં આવી પ્રાથમિકતાનો અધિકાર જાળવનારો માનવ પેલા શેતાનની જેમ અચાનક પોતાના દિવ્યસ્વરૂપને ભૂલી જઈને નિમ્નસ્તર પર અવતરે છે અને પોતાના આત્મદર્શનના પ્રયોજનનો જ નાશ કરીને ઘોર પ્રમાદની સ્થિતિમાં આવી પહોંચ્યો છે. માનવ આત્માને ફરીથી પોતાના વાસ્તવિક સ્વરૂપ પ્રત્યે જાગરૂક કરવા માટે, તેને પોતાનું ‘વિસ્મરિત અસ્તિત્વ’ ફરીથી અપાવવા માટે અને પોતાના અસ્તિત્વને ઉચ્ચતમ સ્તરે પ્રતિષ્ઠિત કરવા તે મહાન આત્મા આ યુગમાં પયગંબર કે અવતારના રૂપે આ ધરાતલ પર અવતરે છે. શ્રીરામકૃષ્ણ સ્વામી વિવેકાનંદને આ જ ઉદ્દેશથી લાવ્યા હતા. ‘આત્માનો મહિમા અને દિવ્યતાના ગાન’નું કાર્ય આ ‘વેદાંત કેસરી’ દ્વારા થયું તેવું કાર્ય બીજા કોઈ અવતરણમાં આટલી સુંદર રીતે થયું ન હતું. અને સ્વામીજી પોતે ઉચ્ચારેલા શબ્દોનું જાણે કે પ્રતિરૂપ હતા. એમણે ‘અભી: અભી:’ નિર્ભયતાનો ઉપદેશ આપ્યો અને તેઓ પોતે એનું જ અવતરણ હતા. એકવાર કઠોપનિષદ ના મધ્યવર્તી વિચારની વ્યાખ્યા કરતાં એમનું મન અધ્યાત્મરાજ્યની સૌથી વધુ ઊંચી અવસ્થા – સમાધિમાં લીન થઈ ગયું. એ સમયે એમને સાંભળનારા એમના પૂર્વપરિચિત પ્રિયશિષ્ય ‘શરત્‌ચંદ્ર ચક્રવર્તી’એ એમનામાં અભયદાતારૂપનું દર્શન કર્યું હતું. એમના ઉપદેશોમાં મુખ્યત્વે ‘મનુષ્યના વ્યક્તિત્વ નિર્માણ’ના નિશ્ચિતસ્વરનો જ ધ્વનિ પ્રગટ થતો જોવા મળે છે. એમના ઉપદેશ માનવની સર્વશક્તિ-સંપન્નતા, સર્વજ્ઞતા અને સર્વવ્યાપકતાથી ભરપૂર ભર્યા છે. આ ત્રિપરિમાણી સંરચનામાં નિ:સહાય ભાગ્યની ઠોકરો ખાતા જીવોને પોતાની સાથે રાખીને, ‘સૃષ્ટિના કારણ એવં પ્રભાવ’ની લહેરોના વેણથી બચાવી લઈને તેમને વાસ્તવિકતાના, અસીમિતતાના રાજ્યમાં પ્રવેશ કરાવી દે છે. એમનાં વિદ્યુતતરંગ જેવાં આહ્‌વાન નિરંતર માનવની દિવ્યતાનો દાવો કરે છે. ‘કેટલાક દિવસો પહેલાં હું વૈદ્યનાથ દેવઘરમાં પ્રિયનાથ મુખર્જીને ઘરે ગયો હતો. ત્યાં એવો તો શ્વાસ ચડ્યો કે જાણે જીવ જ બહાર ન નીકળી રહ્યો હોય! પરંતુ પ્રત્યેક શ્વાસ સાથે ભીતરથી ‘સોઽહમ્‌ સોઽહમ્‌’ જેવો ગંભીર ધ્વનિ ઊઠવા લાગ્યો.’ આ રીતે આપણને જોવા મળે છે કે માનવજાતિની દિવ્યતા માટે એમણે કરેલું આહ્‌વાન માત્ર શાબ્દિક આહ્‌વાન ન હતું પરંતુ એ તો એમના અંતરનો અવાજ હતો. એની પાછળ એમનું સંપૂર્ણ વ્યક્તિત્વ, પ્રજ્ઞાવાન આત્માનું અસ્તિત્વ હતું!

ઉપયોગિતાવાદી અવશ્ય આ પ્રશ્ન પૂછવાનો : અવિશ્વાસી અને સંશયવાદી જનસામાન્યમાં આ અદ્વૈતદર્શનનો પ્રચાર કરવાનો શો લાભ છે? હા, સ્વામીજીએ એને માટે પણ ઉત્તર આપ્યો છે: માનવ માત્ર પોતાના દુ:ખપૂર્ણ અજ્ઞાનના આવરણથી બહાર આવવા માટે એક આશાવિહીન માનવની જેમ આનંદ પ્રાપ્ત કરવા માટે તુચ્છ સાધન-સાધક પામે છે અને એના પ્રત્યે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દે છે. પરંતુ તેઓ અત્યંત અલ્પમાત્રામાં આ વાત સમજી શકે છે કે ઉચ્ચ-આનંદ માત્ર આત્માના અનુસંધાન કે એની સાથે એક રૂપ થવામાં જ છે; નહિ કે આ શરીરના સીમિત ભોગના સામર્થ્યમાંથી. અને આ અજ્ઞાનતાને લીધે પુન: પુન: દુ:ખની સૃષ્ટિ થાય છે. સાથે ને સાથે ‘મારી સમજ પ્રમાણે તો સૌથી મોટું અજ્ઞાન તો એ જ છે કે જે અનંત સ્વરૂપ છે, તે જ પોતાને સાંત માનીને વિલાપ કરે છે; સમસ્ત અજ્ઞાનની મૂળ આધારશિલા આ જ છે કે આપણે અવિનાશી, નિત્ય, શુદ્ધ, પૂર્ણ આત્મા હોવા છતાં પણ એવું જ વિચારીએ છીએ કે આપણે બધા નાનાં નાનાં મન છીએ… અત: પૂર્વોક્ત જ્ઞાનની પ્રાપ્તિથી જો વર્તમાન માનવજાતિનો એક નાનોશો અંશ પણ આ ક્ષુદ્ર સંકીર્ણ અને સ્વાર્થીભાવનો ત્યાગ કરી શકે તો કાલે જ આ સંસાર સ્વર્ગમાં બદલાઈ જશે; તો એ લાભ થશે. પરંતુ આ પ્રકારનો લાભ યંત્ર તથા બાહ્યજગત સંબંધી જ્ઞાનની ઉન્નતિથી ક્યારેય સંભવ બનવાનો નથી. તો પછી સંપૂર્ણ નૈતિકતાનો આધાર અદ્વૈતદર્શનમાં જ સંભવ છે – ‘અદ્વૈતવાદના શિક્ષણથી તમને એવું જ્ઞાન થાય છે કે બીજા પ્રત્યે હિંસા કરતી વખતે તમે પોતાની જ હિંસા કરો છો, કારણ કે એ બધાં તમારું જ સ્વરૂપ છે, તમને એ બાબતની ખબર હોય કે ન હોય. હાથોથી તમે કાર્ય કરો છો, પગથી તમે ચાલો છો, રાજાના રૂપે તમે જ પ્રાસાદના સુખો ભોગવી રહ્યા છો, છતાંય તમે જ રસ્તાના ભીખારીના રૂપે પોતાનું દુ:ખમય જીવન પણ વીતાવી રહ્યા છો. અજ્ઞાનીઓમાં પણ તમે છો, વિદ્વાનોમાં પણ તમે છો, દુર્બળમાં પણ તમે છો, સબળમાં પણ તમે જ છો. આ તત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત કરીને તમારે બધા પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ. બીજાને દુ:ખહાનિ પહોંચાડવા એ પોતાને જ દુ:ખકષ્ટ પહોંચાડવાં જેવું છે. એટલે જ આપણે ક્યારેય બીજાને દુ:ખકષ્ટ આપવાં ન જોઈએ. એટલા માટે જ જો હું ભોજન વિના મરી જાઉં તો પણ મને એની ચિંતા નથી કારણ કે જે સમયે હું ભૂખ્યો મરી રહ્યો છું એ જ સમયે લાખો મુખે હું ભોજન કરી રહ્યો છું… હું જ એક બીજી રીતે સંસારના સંપૂર્ણ આનંદનો ભોગ કરી રહ્યો છું અને મારો કે આ સંસારનો વિનાશ પણ કોણ કરી શકે છે? આમ જુઓ છોને, અદ્વૈતવાદ જ નૈતિક તત્ત્વોની એકમાત્ર વ્યાખ્યા છે. બીજા બધા વાદ તમને નૈતિકતાની કેળવણી આપી શકે છે પરંતુ આપણે શા માટે નીતિપરાયણ બનીએ તેનો હેતુ નિર્દેશ કરી શકતા નથી.

ભવિષ્યમાં સમાજ પર એક વધુ મહત્ત્વપૂર્ણ પ્રભાવ પડશે અને એ છે ‘વિશેષાધિકારોનો સમૂળગો નાશ’. આપણે જાણીએ છીએ કે ભારતવર્ષમાં ઘણી મોટી સંખ્યામાં જાતિઓ, ઉપજાતિઓ અને સંપ્રદાયો જોવા મળે છે. એ બધાની વચ્ચે યુગોથી ચાલ્યા આવતા વેર અને ઘૃણાએ મોટી સંખ્યામાં માનવજીવનને હાનિ પહોંચાડી છે અને આપણા સામાજિક માળખા ઉપર લાગેલો એક મોટો ડાઘ છે. પરંતુ જો કોઈ પણ વ્યક્તિ આ સમસ્યાના ઊંડાણ સુધી જાય તો તેને જોવા મળશે કે તેનું કારણ સમાજનું વિભિન્ન જાતિઓ અને વર્ગોમાં વિભાજિત થવામાં નથી, પરંતુ કેટલીક જાતિઓ અને વર્ગો દ્વારા બીજી જાતિઓ અને વર્ગોને નિમ્નકક્ષાના માનીને પોતાના વિશેષાધિકારોનું એમના પર આરોપણ કરવામાં જ એ કારણ રહેલું છે. અને આ અદ્વૈત દર્શન આત્માના આશ્ચર્યમય એકત્વના સિદ્ધાંત સાથે આપણા સૌના ઉદ્ધાર માટે પ્રસ્તુત છે. આ વિશે સ્વામીજીએ આપેલો ઉકેલ આવો છે: ‘માછીમાર જો પોતાના આત્માને સમજીને ચિંતન કરે તો એક ઉત્તમ માછીમાર બનશે. વિદ્યાર્થી જો પોતાના આત્માનો વિચાર કરે તો તે એક શ્રેષ્ઠ વિદ્યાર્થી બનશે. જો વકીલ પોતાના આત્માને સમજે તો તે એક સારો વકીલ બનશે. બીજાને વિશે પણ આવું જ સમજો. એનું પરિણામ એ આવશે કે જાતિવિભાગ અનંતકાળ સુધી રહી જશે, કારણ કે વિભિન્ન શ્રેણીઓમાં વિભક્ત થવું એ જ સમાજની પ્રકૃતિ છે. પણ શું રહેશે નહિ? વિશેષ અધિકારોનું અસ્તિત્વ નહિ રહે. જાતિવિભાજન પ્રાકૃતિક નિયમ છે. સામાજિક જીવનમાં એક વિશેષ કાર્ય હું કરી શકું છું તો બીજું વિશેષ કાર્ય તમે કરી શકો છો. તમે એક દેશનું શાસન કરી શકો છો તો હું એક જુના જોડાને સાંધી શકું છું; પરંતુ એને લીધે તમે મારાથી મોટા થઈ શકતા નથી. શું તમે મારા જોડાને સાંધી શકો છો ખરા? શું હું દેશનું શાસન કરી શકું છું ખરો? આ કાર્યવિભાજન સ્વાભાવિક છે. હું જોડા બનાવવામાં ચતુર છું, તમે વેદપાઠમાં નિપુણ છો. એટલે એમાં કોઈ એવું કારણ નથી કે તમે એની વિશેષતાને લીધે મારા માથા પર તમારો પગ રાખી શકો… જો માછીમારને તમે વેદાંત શીખડાવશો તો તે કહેવાનો જ, ‘હું અને તમે બંને સરખા જ છીએ. તમે દાર્શનિક છો, હું માછીમાર છું પણ એનાથી શું થયું? તમારી ભીતર જે ઈશ્વર છે એ જ ઈશ્વર મારામાં પણ છે.’ આપણે કોઈને કોઈપણ પ્રકારનો વિશેષ અધિકાર ન મળી જાય એવું ઇચ્છીએ છીએ. અને પ્રત્યેક મનુષ્યની ઉન્નતિ માટે સાથે મળીને કામ કરીએ. બધા લોકોની ભીતર રહેલ બ્રહ્મતત્ત્વનું શિક્ષણ સૌને આપો. પ્રત્યેક વ્યક્તિ પોતાની મુક્તિ માટે સ્વયં પોતે જ પ્રયત્ન કરશે.’

આજકાલ જ્યારે આપણે સર્વસામાન્ય માનવના ઉદ્ધાર વિશે ઘણું ઘણું સાંભળીએ છીએ, ગરીબી અને અજ્ઞાનતાના બંને રાક્ષસોને કચડી નાખવા માટે સરકાર દ્વારા વિભિન્ન યોજનાઓ કાર્યાન્વિત છે અને ભિન્ન ભિન્ન સ્વમાલિકીની સંસ્થાઓ અને સંગઠનો દ્વારા સ્મૃતિરૂપે પ્રયાસ થઈ રહ્યા છે ત્યારે શું આપણે આજની આ વિકટ પરિસ્થિતિ પર આપણી પોતાની દૃષ્ટિનું વિહંગાવલોકન પણ નહિ કરીએ? આજ સુધી લગભગ અડધી જનસંખ્યા ગરીબીની રેખા નીચે ઘણા લાંબા સમય સુધી દુ:ખમાં રહેવા માટે બાધ્ય બની છે અને આપણા ૬૦% ભાઈ-બહેનો નિરક્ષરતાના કાદવમાં આજ સુધી ડૂબેલાં રહ્યાં છે. જ્યાં ચારે તરફ પ્રાકૃતિક સંસાધનોથી ભરપૂરભર્યાં છે એવા ભારત રાષ્ટ્રના તેજસ્વી સભ્યતાના ઇતિહાસ માટે વિશ્વરાષ્ટ્રોની વચ્ચે થતું નિરાશાજનક પ્રદર્શન કેટલી હદ સુધી ઉપયુક્ત છે? પરંતુ હવે રોદણાં રોવાનો સમય નથી. આપણા રાષ્ટ્રનાયકના શબ્દોમાં કહીએ તો : ‘હવે વધુ રુદન કરવાની જરૂર નથી. હવે તમે બધા તમારા પગ પર ઊભા થઈ જાઓ અને ‘મર્દ’ બનો. આપણને એવા ધર્મની આવશ્યકતા છે કે જેના દ્વારા આપણે માનવ બની શકીએ. આપણે એવા સિદ્ધાંતોની આવશ્યકતા છે કે જેનાથી આપણે મનુષ્ય બની શકીએ. આપણે એવી સર્વાંગસંપન્ન કેળવણીની જરૂર છે, જે આપણને મનુષ્ય બનાવી શકે અને આ રહી સત્યની કસોટી: જે કોઈ તમને શારીરિક, માનસિક કે આધ્યાત્મિક દૃષ્ટિએ દુર્બળ બનાવે એનો ઝેરની જેમ ત્યાગ કરો. તેમાં જીવનશક્તિ નથી, તે ક્યારેય સત્ય બની શકે જ નહિ. સત્ય તો બળપ્રદ છે, તે પવિત્રતા છે, તે જ્ઞાનસ્વરૂપ છે. સત્ય તો એ છે કે જે શક્તિ પ્રદાન કરે, હૃદયના અંધકારને દૂર કરી દે અને હૃદયમાં સ્ફૂર્તિ ભરી દે.’ અને જે કેળવણી આપણાં પુત્રપુત્રીઓને વિદ્યાલયો કે મહાવિદ્યાલયોમાં મળે છે એને સ્વામીજી ઇચ્છતા હતા તેમ એ બધાંને શક્તિશાળી બનાવવામાં, બળવાન બનાવવામાં, મનુષ્ય બનાવવામાં જરાય ઉપયોગી નથી અને એનું પરિણામ આપણી સામે જ છે. જે કેળવણીના મૂળ તત્ત્વનું શિક્ષણ એમને આપવામાં આવે છે તે અભાવાત્મક રહે તો, વર્ષોવર્ષની એ વિદ્યાલયની કે મહાવિદ્યાલયની કેળવણી કંઈ પણ કરી શકવાની નથી. એ કેળવણી મનુષ્યના નિર્માણના વિચારોથી દૂર અને સામાજિક માળખા સાથે અસંતુલિત થતી જતી લાગે છે. હવે સ્વામીજીના વિચારો પર કાર્ય ન કરવા જેવી આત્મઘાતી ભૂલ ન થાય એટલા માટે એકવાર ફરીથી આપણે આપણા નાયક, પથપ્રદર્શક અને પ્રાણપરિત્રાતાના શબ્દોને સાંભળીને, એમના પર ચિંતન-મનન કરીને આપણે સૌ કાર્યમાં લાગી જઈએ. કારણ કે આપણા અભાવાત્મક વ્યવહારને લીધે આપણે ઘણું ઘણું ભોગવવું પડે છે. સાથે ને સાથે ઉચ્ચ મૂલ્યોની પ્રસ્થાપના કરવા માટે આપણાં શાસ્ત્રોમાં રહેલા વિદ્યાર્થી માટેની પ્રારંભિક આવશ્યકતાઓ તરફ પણ વધારે ધ્યાન દેવું જોઈએ.

શ્રોતવ્યો મન્તવ્યો નિદિધ્યાસિતવ્ય: ।

પહેલાં સાંભળો; પછી મનન કરો અને પછી નિદિધ્યાસન કરો : શ્રવણ, મનન અને નિદિધ્યાસન. ત્યારે જ આપણા દેશ અને આપણા દેશવાસીઓનો ઉદ્ધાર થઈ શકશે. ‘જ્ઞાતિ-જાતિનો ભેદ ત્યજીને નિર્બળ-બળવાનનો વિચાર છોડીને દરેકેદરેક સ્ત્રીપુરુષને, પ્રત્યેક બાળક-બાલિકાને આ સંદેશ સંભળાવો અને શીખવો કે ઉચ્ચનીચ, અમીરગરીબ અને નાનામોટા બધાંમાં, એ જ એક અનંત આત્મા વસે છે; એ સર્વવ્યાપી છે; એટલા માટે બધા લોકો મહાન તથા બધા લોકો સાધુ-પવિત્ર બની શકે છે. ચાલો આપણે પ્રત્યેક વ્યક્તિમાં ઘોષિત કરીએ :

ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત ।
(કઠ. ૧.૩.૧૪)

ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડી રહો. ઊઠો, જાગો નિર્બળતાના એ વ્યામોહનમાંથી જાગી ઊઠો. વાસ્તવમાં કોઈ પણ માણસ દુર્બળ નથી. આત્મા અનંત, સર્વશક્તિમાન અને સર્વજ્ઞ છે. એટલા માટે ઊઠો, તમે પોતાના વાસ્તવિક મૂળરૂપને પ્રગટ કરો. તમારી ભીતર જે ભગવાન છે એની સત્તાને ઉચ્ચસ્વરે ઘોષિત કરો એનો અસ્વીકાર ન કરો. આપણા પર ઘોર આળસ, દુર્બળતા અને વ્યામોહ છવાઈ ગયાં છે. એટલા માટે હે આધુનિક હિંદુઓ! પોતાની જાતને આ વ્યામોહથી મુક્ત કરો. એનો ઉપાય તમને તમારા પોતાનાં ધર્મશાસ્ત્રોમાંથી જ મળી જશે. તમે પોતાની જાતને અને પ્રત્યેક વ્યક્તિને પોતાના એ સાચા સ્વરૂપની કેળવણી આપો. અને ઘોરતમ મોહનિદ્રામાં પડેલા જીવાત્માને એ નિદ્રામાંથી જગાડી દો. જ્યારે તમારો જીવાત્મા પ્રબુદ્ધ બનીને સક્રિય બની ઊઠશે ત્યારે તમે પોતે શક્તિનો અનુભવ કરશો; મહિમા અને મહત્તા પ્રાપ્ત કરશો; તમારામાં સાધુતા આવશે અને પવિત્રતા પણ એની મેળે ચાલી આવશે. એનો અર્થ એ છે કે જે કંઈ સદ્‌ગુણ છે એ બધા તમારી પાસે આવી પહોંચશે. ગીતામાં મને પસંદ છે આ બે શ્લોક. કૃષ્ણના ઉપદેશના સાર સ્વરૂપે એ બંને શ્લોકમાંથી ઘણી મોટી તાકાત મળી રહે છે.

સમં સર્વેષુ ભૂતેષુ તિષ્ઠતં પરમેશ્વમ્‌ ।
વિનશ્યત્સ્વ વિનશ્યન્તં ય: પશ્યતિ સ પશ્યતિ ॥ ૧૩.૨૦

સમં પશ્યન્‌ હિ સર્વત્ર સમવસ્થિતમીશ્વરમ્‌ ।
ન હિનસ્ત્યાત્મનાત્માનં તતો યાતિ પરાં ગતિમ્‌ ॥ ૧૩.૨૮

વિનાશ પામનારાં બધાં પ્રાણીઓમાં જે લોકો અવિનાશી પરમાત્માને રહેલો જુએ છે, વાસ્તવિક રીતે એનું જ જોવું સાર્થક છે. કારણ કે ઈશ્વરને સર્વત્ર સમાનભાવે જોઈને તેઓ આત્માની હિંસા કરતા નથી, એટલે જ તેઓ પરમગતિ મેળવે છે. ૧૦

સંદર્ભ

૧. વિવેકાનંદ સાહિત્ય ‘જન્મશતી સંસ્કરણ’, જુલાઈ ૧૯૬૨, ભાગ-૬, પૃ.૨૧૫-૧૭
૨. એજન, ભાગ-૪, પૃ.૪૦૭
૩. Reminiscences of S.V. (Third edition) May 1983, Mary C. Funke, pp. 251-57
૪. ભયાદસ્યાગ્નિસ્તપતિ ભયાત્તપતિ સૂર્ય:
            ભયાદિન્દ્રશ્ચ વાયુશ્ચ મૃત્યુર્ધાવતિ પંચમ: 

એના ભયથી અગ્નિ તપે છે, એના ભયથી સૂર્ય તપે છે તથા એના ભયથી ઇન્દ્ર, વાયુ અને પાંચમા મૃત્યુદેવતા (પોતપોતાના કામમાં) પ્રવૃત્ત થઈ રહ્યા છે.(કઠ.૨.૩.૩)

૫. વિવેકાનંદ સાહિત્ય ‘જન્મશતી સંસ્કરણ’, જુલાઈ ૧૯૬૨, ભાગ-૬, પૃ.૧૭
૬. એજન, ભાગ – ૨, પૃ.૧૬
૭. એજન, ભાગ – ૫, પૃ.૩૧૫-૧૬
૮. એજન, ભાગ – ૫, પૃ.૧૪૦-૪૧
૯. એજન, ભાગ – ૫, પૃ.૧૧૯-૨૦
૧૦. એજન, ભાગ – ૫, પૃ.૮૯-૯૦

Total Views: 67

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.