ગોલાપમા

હવે આપણે સપ્તસાધિકામાલાનું એક વધુ અમૂલ્ય રત્ન જોઈએ. એમનું નામ છે ગોલાપસુંદરી દેવી. ઉત્તર કોલકાતાના એક બ્રાહ્મણ પરિવારમાં એમનો જન્મ થયો હતો. એમનું વિવાહિત જીવન જરાય સુખકર ન હતું. દુ:ખ, આપત્તિ-વિપત્તિએ એમના જીવનને કડવું ઝેર બનાવી દીધું. નાની ઉંમરે વૈધવ્ય આવી પડતાં એમના જીવનની આકાંક્ષાઓના મૂળમાં કુઠારાઘાત થયો. ગોલાપસુંદરીની અત્યંત સૌંદર્યવાન એકમાત્ર પુત્રી ચંડીના વિવાહ પાથુરિયા ઘાટમાં રહેતા ધનાઢ્ય અને પ્રસિદ્ધ સંગીતજ્ઞ સુરેન્દ્ર મોહન ઠાકુર સાથે થયા હતા. પણ અરે! ભાગ્યનો કેવો ક્રૂર પરિહાસ! વિવાહ પછી અત્યંત અલ્પ સમયમાં જ ચંડી પોતાનાં માતા ગોલાપ સુંદરીને શોકસાગરમાં ડૂબાડીને આ સંસાર છોડીને ચાલી ગઈ. પોતાના જીવનના અંતિમ આધારસ્તંભ રૂપ પુત્રીનું આકસ્મિક રીતે અવસાન થતાં આ બ્રાહ્મણી ગોલાપમા શોકમાં ગરકાવ થઈ ગયાં. નિરાશાના ઘનઘોર અંધકારમાં પોતાની પુત્રીના વિરહથી તેમજ વૈધવ્ય જીવનથી તેઓ વિભ્રાંત બની ગયાં. તેમનાં જેવાં જ (અત્યંત દુ:ખી) યોગીનમાએ ગોલાપમાનાં હૃદયમનની તીવ્ર વેદનાને અનુભવી. તેમને દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં રહેતા ચિરશાંતિનિકેતન સમા, માતૃભાવમાં સદૈવ નિમગ્ન રહેનાર શ્રીરામકૃષ્ણ પાસે લઈ આવ્યાં. શોકાતુર ગોલાપમા શ્રીરામકૃષ્ણદેવનાં શ્રીચરણકમળમાં બેસીને અવિરત અશ્રુધારા વહાવતાં રહ્યાં અને શ્રીઠાકુરનાં ચરણયુગલને અશ્રુથી ભીંજવી દીધાં. ભક્તવત્સલ, કરુણાઘનમૂર્તિ શ્રીરામકૃષ્ણે સ્નેહાર્દ્રવચને અનેક રીતે ગોલાપને સાંત્વના આપીને કહ્યું: ‘ભગવાને તમારું અશેષ કલ્યાણ કર્યું છે. પ્રભુએ તમારા જીવનના શેષબંધનની દોરી કાપી નાખીને તમારા માટે અનંત શાંતિના પથનો અપૂર્વ સુયોગ કરી આપ્યો છે. ઈશ્વરના આ આકસ્મિક નિર્મમ વિધાન દ્વારા પણ તમારા પર તેઓ પોતે કલ્યાણ વરસાવી રહ્યા છે, તેમના અસીમ આશીર્વાદનું એ સૂચન છે.’ શ્રીરામકૃષ્ણદેવની આ મર્મસ્પર્શી વાણીએ જાણે કે એમના શોકસંતપ્ત પ્રાણ પર શાંતિનું સુશીતલ જળ છાંટ્યું. તેમને એક ઉજ્જ્વળ પથનિર્દશન કરીને તેમને માનસિક ગ્લાનિમાંથી મુક્ત કર્યાં. આ દિવસથી જ શ્રીરામકૃષ્ણદેવ એમના જીવનના એકમાત્ર ધ્રુવતારા બની ગયા.

૧૮૮૫નો જુલાઈ માસ ચાલે છે. કૃપામય ભગવાન શ્રીરામકૃષ્ણ ગોલાપમાના ઘરે પોતાનાં પાવનચરણો મૂકવાના છે. આ સમાચાર સાંભળીને ગોલાપમા આનંદમગ્ન બનીને જાણે કે એમનું હૃદય નાચવા લાગ્યું. આજે ભગવાનના પાદસ્પર્શથી એમનું ઘર પવિત્ર તીર્થક્ષેત્ર બની જશે. શ્રીઠાકુરને ઘરે આવેલા જોઈને ગોલાપમા આનંદમાં અધીર બનીને ઉચ્ચસ્વરે બોલવાં લાગ્યાં: ‘અરે, હું આટલો બધો આનંદ કેમ સહન કરી શકીશ! હવે તો ચંડીનો શોકેય નથી રહ્યો! આજે મારે હૈયે જે આનંદની હેલી ઉપજે છે, તે વાત યોગીનમાને કહીશ. એક મજૂરને એક લાખ રૂપિયાની લોટરી લાગતાં તેના આનંદના અતિરેકથી તે મરી ગયો. અરે! આજે શું મારી પણ એવી જ અવસ્થા થશે? તમે બધા મને આશીર્વાદ આપો નહિ તો આ આનંદની હેલીથી મરી જઈશ.’ કેવાં અપૂર્વ પ્રેમભક્તિ! દુનિયાનાં બધાંય કામકાજ ભૂલીને આજે બ્રાહ્મણી બની છે ભગવદ્‌ધ્યાન અને ભગવદ્‌સેવામાં વિભોર!

ખરેખર ગોલાપમા શ્રીમા શારદાદેવીના અંતરંગ સંગિની બની ગયાં હતાં. શ્રીમાએ કહ્યું હતું: ‘ગોલાપને સાથે લીધા વિના હું બીજે ક્યાંય પણ જાતી નહિ. ગોલાપ સાથે હોવાથી હું નિશ્ચિંત રહેતી. ગોલાપ અને યોગીનએ કેટલી કઠોર તપશ્ચર્યા કરી છે! ગોલાપ તો જપસિદ્ધા!’ શ્રીમા શારદાદેવી તથા ભક્તજનોની સેવા, દીનદરિદ્રનાં દુ:ખદર્દને દૂર કરવા, નિત્ય પૂજા અને જપધ્યાન તેમજ ધર્મગ્રંથોના અધ્યયનમાં ગોલાપમાનો સમય કેવી રીતે પસાર થઈ જતો તેનો એમને પોતાને ખ્યાલ પણ ન રહેતો. શ્રીમા જેટલો સમય જીવંત રહ્યાં ત્યાં સુધી ગોલાપમા સદૈવ એમની સાથે રહેતાં. શ્રીમાની મહાસમાધિ પછી ચાર વર્ષ સુધી આ તપસ્યાપૂત પવિત્ર જીવનની આધ્યાત્મિક સંપત્તિ સૌ કોઈને ખૂલે હાથે આપીને ડિસેમ્બર, ૧૯૨૪માં તેઓ શ્રીઠાકુરનાં શ્રીચરણકમળમાં સદાને માટે લીન થઈ ગયાં.

ગૌરીમા

સંન્યાસિની ગૌરીમાનું જીવનવૃતાંત આજના બંગાળનાં નરનારી સમાજમાં સુપ્રસિદ્ધ છે. શ્રીરામકૃષ્ણના આધ્યાત્મિક આદર્શનો આશ્રય લઈને એક દિક્‌પાલની જેમ આ મહાનારીએ ત્યારના નારીસમાજમાં કેવો પોતાનો પ્રભાવ વિસ્તાર કર્યો હતો! નારીશિક્ષણના કાર્યમાં કેવો અથક પરિશ્રમ કર્યો હતો! આ બધું બંગાળના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયું છે. ૧૮૫૭માં હાવરાના શિવપુર ગામમાં પાર્વતીચરણ ચટ્ટોપાધ્યાયના ઘરને અજવાળીને તેમણે જન્મ ધારણ કર્યો હતો. તેમનાં માતા ગિરિબાલા દેવી તેમની સુલક્ષણા કન્યાને ‘મૃડાનિ – પાર્વતી’ કહીને બોલાવતાં. બાલ્યકાળથી જ ગૌરીમાનાં અદ્‌ભુત પ્રતિભા અને તેજસ્વિતા, સંસારવૈરાગ્ય અને દેવબ્રાહ્મણસેવાપૂજા, સત્યનિષ્ઠા અને વિદેશીશિક્ષણ પ્રત્યેનો તીવ્ર અભાવ – આ બધાં એમનાં આગવાં લક્ષણો હતાં. એથી તેમણે પોતે પોતાની જાતને સંસારના પરિવેશથી અતિ ઊર્ધ્વસ્થાને સ્થાપી હતી. પવિપક્વ ઉંમર થતાં સાધુસંગલાભ, દેશદેશાંતર દર્શન અને તીર્થયાત્રાની તીવ્ર આકાંક્ષાએ તેમને એ માટે ઘેલું લગાડ્યું હતું. શ્રી ગૌરાંગ મહાપ્રભુની છબિ, પવિત્ર દામોદરશિલા, ગીતા, ચંડી, શ્રીમત્‌ ભાગવત વગેરે ગ્રંથો  સાથે રાખીને ગંગાસાગરથી હિમાલય સુધીના અત્યંત પ્રાચીન અને પરમ પાવનકારી તીર્થોની યાત્રા કરવા માટે તેઓ નીકળી પડ્યાં. કેટકેટલી ગિરિકંદરાઓ લાંઘવી પડી! કેટકેટલાં પર્વતો અને નદીનાળાં, દુર્ભેદ્ય વનપ્રદેશોને ઓળંગવા પડ્યાં! કેટકેટલા કષ્ટદાયી પથોના થાક અને ક્લેશને અમ્લાન વદને સહન કર્યાં! આ બધું શબ્દોમાં વર્ણવી શકાય નહિ. સર્વ અવસ્થામાં પ્રભુનો સાક્ષાત્કાર એમનું માત્ર લક્ષ્ય રહેતું. ક્યારેક હિમાદ્રીનાં શિખરોથી સદૈવ મંડિત રહેલ અમરનાથ તો ક્યારેક કેદારનાથ; વળી ક્યારેક બદ્રીનારાયણ, તો વળી ક્યારેક જ્વાલામુખીતીર્થ; ક્યારેક વૃંદાવન તો ક્યારેક દ્વારકાધામ; તો વળી ક્યારેક પુરુષોત્તમ ક્ષેત્ર પુરીધામ જેવાં પવિત્ર તીર્થસ્થાનોએ પોતાના પ્રાણારાધ્ય દેવતાને મેળવવા માટે એમણે સુદીર્ધકાળ સુધી અત્યંત કઠોર સાધના કરી હતી. પવિત્ર પુરીધામમાં શ્રીરામકૃષ્ણના ભક્તશિષ્ય શિરોમણિ શ્રીબલરામ બસુ સાથે એમની મુલાકાત થઈ. વિનંતીપૂર્વકના અનુરોધથી ગૌરીમા કોલકાતા શહેરના બાગબાજાર મહોલ્લામાં આવેલ બલરામ બસુના ઘરે આવ્યાં. એક વખત ઈષ્ટદેવની પૂજામાં લીન હતાં. એકાએક પવિત્ર શાલીગ્રામ પાસે કમળસમાં બે રક્તિમાભ ચરણકમળોનાં દર્શનથી ચમકી ઊઠ્યાં. સાથે ને સાથે એક અભૂતપૂર્વ આકર્ષણથી અભિભૂત બની ગયાં. ગૌરીમાની આવી ભાવલીનતા જોઈને બલરામ બસુ એમને તરત જ દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ પાસે લઈ ગયા. શ્રીરામકૃષ્ણનાં દર્શન કરીને અને એમનાં ચરણકમળોનો સ્પર્શ કરીને એમના વિસ્મયનો પાર ન રહ્યો. તેઓ મનમાં ને મનમાં વિચારવા લાગ્યાં: ‘કેવું આશ્ચર્ય! આજે જેમનાં શ્રીચરણકમળમાં હું બેઠી છું, એવાં જ કમળસમાં દિવ્ય પાદયુગલનાં બલરામના ઘરે પણ દર્શન થયાં હતાં! શ્રીઠાકુરે કાર્યસિદ્ધિ માટે ગૌરીમાને જે રીતે આકર્ષ્યા હતા તેને સમજતાં તેમને જરાય વધુ સમય ન લાગ્યો. આટલા સુદીર્ઘકાળ સુધી જેમને પામવા માટે એક પાગલની જેમ તીર્થે તીર્થે, અરણ્યે અરણ્યે, ગિરિકંદરાઓમાં શોધવા માટે ભમતાં રહ્યાં હતાં. એ જ પાવનકારી નીર વહાવતી ગંગાના તીરે, પવિત્ર દક્ષિણેશ્વરના મંદિરે, સ્નેહકરુણાની છાબડી સાથે શ્રીરામકૃષ્ણ રૂપે રાહ જોતા જોયા. શ્રીમા શારદાદેવી અને શ્રીઠાકુરનાં ચરણોમાં આત્મસમર્પણ કરીને ગૌરીમા આજે ધન્ય બની ગયાં.

સુદીર્ઘકાળના પરિભ્રમણના પરિણામે તેઓ સમજ્યાં હતાં કે ધર્મમૂલક નારીકેળવણી વિના સ્ત્રીજાતિનાં અભ્યુત્થાન અને કલ્યાણ શક્ય નથી. અજ્ઞાનતા અને કુસંસ્કારથી છવાયેલ, સ્વાધિકાર છીનવી લેવાયેલ ભારતીય નારીના શોચનીય અધ:પતને તેમને પંગુ અને મેરુદંડવિહીન કરી મૂકી છે. એક દિવસ દક્ષિણેશ્વરના ઉદ્યાનમાં ગૌરી મા પુષ્પ ચૂંટતાં હતાં ત્યારે શ્રીરામકૃષ્ણે તેમને કહ્યું હતું: ‘ગૌરી, હું જળ સિંચું છું; તું માટીને સંકોરી દે.’ ગૌરી મા આ કથાનકનું તાત્પર્ય ન સમજી શક્યાં. એટલે શ્રીરામકૃષ્ણદેવે એમને ફરીથી કહ્યું: ‘દેશની નારીઓના સુશિક્ષણના અભાવે તેમની ઘોર તમસથી છવાયેલી અત્યંત દયનીય દશા જોવા મળે છે. તમારે એમનાં શિક્ષણનું કાર્ય કરવું પડશે.’ તેમના આદેશને શિરોધાર્ય કરીને ગૌરી મા જીવનનાં છેલ્લાં ચાલીસ વર્ષો સુધી નારીકેળવણીકાર્યમાં દૃઢસંકલ્પ બનીને રહ્યાં અને તેમણે સંન્યાસિનીસંઘસ્થાપનામાં પ્રાણપણે કાર્ય કર્યું. એમના અવિરત પ્રયત્નોને લીધે આપણે ‘શારદેશ્વરી આશ્રમ’ અને ‘માતૃસંઘ’ને જોઈએ છીએ. અહીં સેંકડો બાલિકાઓ કેળવણી મેળવીને સમાજકલ્યાણ માટે આત્મસમર્પણ કરે છે. ગૌરી માનાં આધ્યાત્મિક અનુભૂતિ, વાગ્મિતા, તેજસ્વીતા, કર્મનિષ્ઠા,  સંગઠનશક્તિ કેળવણી પ્રત્યેનો પ્રેમ તેમને બંગાળના નારીસમાજમાં ઉચ્ચ સ્થાને પ્રસ્થાપિત કર્યાં છે. જીવનવ્યાપી કઠોર સાધનાથી તેમણે પ્રાપ્ત કરેલી અમૂલ્યઆધ્યાત્મિકસંપત્તિ આજે પણ અસંખ્ય નરનારીનાં હૃદયમાં દિવ્યશાંતિ રેડી દે છે. ૧૯૩૬માં શ્રીઠાકુરની જન્મશતાબ્દિની ઉજવણી તેમજ એમના નવપ્રતિષ્ઠિત ‘વિદ્યાયતન’નું મંગલ ઉદ્‌ઘાટનનું મહાકાર્ય સંપન્ન કરીને કર્મક્લાંતદેહે ચિરવિશ્રામ માટે ગૌરી મા તૈયાર થઈ ગયાં. ૧૯૩૮ના માર્ચ માસમાં શ્રીઠાકુરનું નામોચ્ચાર કરતાં કરતાં સભાનપણે આ ઐહિકલીલા એમણે સંકેલી લીધી.

લક્ષ્મીદેવી

શ્રીઠાકુરના ભાઈ રામેશ્વરનાં પુત્રી લક્ષ્મીમણિદેવીનું પવિત્ર અને તપોમય જીવન આ સપ્તસાધિકા રત્નમાલાનું શેષરત્ન છે. શ્રીઠાકુરની જન્મકર્મભૂમિ કામારપુકુરમાં ફેબ્રુઆરી, ૧૮૬૪માં એમનો જન્મ થયો હતો. બ્રાહ્મણ બાલિકા તરીકે બાલ્યકાળથી જ દેવસેવાપૂજામાં એમને દૃઢ ભક્તિપ્રેમ હતો. શ્રદ્ધાભક્તિને લીધે પરિપક્વ વયે અનન્ય આધ્યાત્મિક સંપત્તિના તેઓ અધિકારિણી બની શક્યાં. ગ્રામ્યપાઠશાળામાં પ્રાથમિકશિક્ષણ પૂરું થતાં ૧૨ વર્ષની ઉંમરે હુગલી જિલ્લાના ગોઘાટ ગામના ધનકૃષ્ણ ઘટક સાથે એમનાં લગ્ન થયાં હતાં. લક્ષ્મીદેવીના વિવાહના સમાચાર સાંભળતાં શ્રીઠાકુરે ભાવાવસ્થામાં કહ્યું: ‘લક્ષ્મી પરણ્યા પછી તરત વિધવા થશે.’ શ્રીઠાકુરના ભાણેજ હૃદય આ સાંભળીને અત્યંત વ્યથિત થયા. શ્રીઠાકુરની આવી ભયાનક ઉક્તિનું કારણ પૂછતાં તેમણે કહ્યું: ‘હું શું કરું? જગજ્જનની માએ જ મને આ વાત કરી છે. લક્ષ્મી તો શીતળાદેવીનો અવતાર છે. સ્વલ્પ આધ્યાત્મિક આધારવાળા ને દુર્બળ પતિ સાથે આવાં શક્તિસંપન્નદેવીનું સાહચર્ય અને મિલન સંભવ નથી.’ એમની ભવિષ્યવાણી અલ્પકાલમાં અક્ષરશ: સાચી પડી. એક વર્ષની અંદર જ એમના પતિનું મૃત્યુ થયું. પતિના વિયોગ સાથે શ્રીરામકૃષ્ણ પાસેથી વૈષ્ણવમંત્રની દીક્ષા લઈને લક્ષ્મીદેવી શ્રીમા શારદાદેવી સાથે દક્ષિણેશ્વરના નોબતખાનામાં રહેવાં લાગ્યાં. તેઓ સાધુસેવા અને સાધન-ભજનમાં લાગી ગયાં.  શ્રીરામકૃષ્ણદેવની અંતિમ બિમારીના દિવસોમાં શ્રીમાની સાથે રહીને આ સદાનંદમયી સાધિકા શ્યામપુકુર અને કાશીપુર ઉદ્યાનમાં શ્રીઠાકુરની સેવામાં લાગી ગયાં હતાં. પછીથી દક્ષિણેશ્વર ગામના એક મહોલ્લામાં ભક્તજનોએ શ્રીલક્ષ્મીદીદી માટે બે માળના મકાનનું નિર્માણ કર્યું. અહીં તેઓ દસ વર્ષ સુધી રહ્યાં અને અનેક ધર્મપિપાસુઓની આધ્યાત્મિક તૃષ્ણાને તૃપ્ત કરી હતી. એમનો હૃદયંગમ ધર્મોપદેશ બધાને મંત્રમુગ્ધ કરી દેતો. તેમણે ઉત્તર ભારતના પ્રખ્યાત તીર્થસ્થાનોની યાત્રા કરી હતી. પોતાના શેષ જીવનકાળને પુરીધામમાં વિતાવવા માટે ૧૯૨૪ના વર્ષમાં તેઓ જગન્નાથ પુરી ગયાં. અહીં અલ્પકાળમાં જ એમનો નિર્વાણકાળ આવી ગયો. ૧૯૨૬માં ૬૨ વર્ષની ઉંમરે લક્ષ્મીદીદીએ પોતાના ઈષ્ટદેવતાની ચરણવંદના કરતાં કરતાં મહાપ્રસ્થાન કર્યું. ભગિની નિવેદિતાએ એમના વિશે કહ્યું છે: ‘લક્ષ્મીદીદીને બધા શ્રદ્ધાની નજરે જોતાં. એમની પાસેથી ધર્મોપદેશ મેળવવા સ્ત્રીપુરુષો ટોળે વળતાં. લક્ષ્મીદીદીનું સહજસરળ અને મધુર જીવન બધાંને મુગ્ધ કરી દેતું. અત્યંત બળવાન એવી સંસારની માયા એમના હિમશુભ્ર ચરિત્ર પર લેશમાત્ર પણ છાયા પાડી શકી નહિ. એમના હૃદયનો અનન્ય સ્નેહ, શિશુસહજ સરળતા સાહજિક રીતે સૌના ચિત્તને જીતી લેતાં. એટલે જ આજે પણ શ્રીરામકૃષ્ણદેવનાં ભક્તનારીગણમાં તેઓ અનન્ય આદર્શ મહિલારૂપે બધાં જાતિવર્ણના લોકોના હૃદયમાં શ્રદ્ધાભક્તિનું સ્થાન મેળવી શક્યાં છે.’

Total Views: 225

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.