દૈવી શક્તિનું અવતરણ શક્ય છે ખરું? કેટલાક અધ્યાત્મપ્રેમી, સાધનામાં રસ લેનારા વિદ્વાનો તરફથી એ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે. એના ઉત્તરમાં મારે પહેલાં મેં જે કહ્યું છે તે જ કહેવાનું છે કે દૈવી શક્તિનું અવતરણ શક્ય છે, અથવા થઈ શકે છે. અલબત્ત, સાધક કે યોગીના તનમાં, મનમાં અને અંતરમાં એ સંબંધી લેશ પણ શંકા કરવાની જરૂર નથી. એ એક વાસ્તવિકતા, હકીકત કે તથ્ય છે. એવું અસાધારણ, અલૌકિક અવતરણ કોઈ સામાન્ય માનવની અંદર નથી થતું; કોઈ લોકોત્તર પંડિત, મેધાવી, વિદ્વાન કે બુદ્ધિમાન માનવમાં પણ નહિ : જ્ઞાની, ભક્ત, યોગી કે તપસ્વીઓમાં પણ એવા અવતરણની શક્યતા અન અભીપ્સા ભાગ્યે જ હોય છે : એ અલૌકિક પરમ ચેતનાના અવતરણનો લાભ તો કોઈકને જ મળે છે. કોઈક અપવાદરૂપ વિરલ વિભૂતિને જ એનો આસ્વાદ સાંપડે છે. અને કોઈક બડભાગી મહાપુરુષ જ એનું વાહન બનીને, એ મહામહિમામયી શક્તિના અવતરણનું મંગલમય માધ્યમ થઈને, એની અપરોક્ષ, અનવરત અનુભૂતિ કરે છે.

એનું કારણ એ જ છે કે દરેકમાં એને માટેની યોગ્યતા નથી હોતી. અધ્યાત્મમાર્ગના પ્રામાણિક ઉમેદવારો જ એક તો ઓછા મળે છે. એ અલ્પસંખ્યક ઉમેદવારોમાંથી નિત્ય જાગ્રત રહીને પૂર્ણતાના પાવન પથ પર પ્રયાણ કરનારા પ્રવાસી વીરો પણ બહુ થોડા જડે છે. એવા પ્રવાસી વીરોમાંથી પણ પ્રવાસની પરિપૂર્ણતાએ પહોંચનારા પુરુષસિંહો મળે છે અથવા તો નથી પણ મળતા. એવા વિરલ પુરુષસિંહોમાંથી પણ દૈવી શક્તિના અવતરણની વાત કોઈકને જ સૂઝે છે, સમજાય છે, અને કોઈક જ એને માટે મનોરથ સેવે છે. પરિસ્થિતિ જ્યાં આવી કરુણ ને નાજુક છે ત્યાં, જેમને આધ્યાત્મિક્તા પ્રત્યે અનુરાગ નથી, સાધનામાં રસ નથી, સાધનામય જીવન જીવવાને બદલે જે ભળતું જ જીવન જીવી રહ્યા છે ને દુન્વયી ભોગવિલાસ, વ્યવસાય, કાવાદાવા, છળકપટ તથા વ્યસનમાં રત છે, તે દૈવી શક્તિના અવતરણની વાત ક્યાંથી સમજી શકવાના હતા? દૈવી શક્તિની હયાતી તથા એ શક્તિના સાક્ષાત્કાર અને આવિર્ભાવમાં જ જેમને શંકા છે, તેમને માટે એ પરમ શક્તિના અવતરણની વાત તો આકાશકુસુમ સમાન અશક્ય જ થઈ પડવાની. તેવા અનધિકારી જીવો એને વિશે જે અભિપ્રાયો આપવાના તે પણ આધાર વિનાના અને વ્યર્થ જ ઠરવાના. તેવા લોકોમાં વિશ્વાસ જગાવવા માટેની પ્રવૃત્તિ હું નથી કરી રહ્યો; એવા પ્રયોજનથી પ્રેરાઈને આ સૂક્ષ્માતિસૂક્ષ્મ વિષયની વિશે સ્વાનુભવપૂર્વકનું સ્પષ્ટીકરણ કરવાનું અને જેમને એમાં રસ છે તથા વિશ્વાસ છે તેમના રસ અને વિશ્વાસને પરિપુષ્ટ બનાવવાનું છે. ભારતીય સાધનાની એથી સેવા થશે એમ માનું છું.

આ વિષયના વિવરણના અનુસંધાનમાં, આરંભમાં એક વાત તરફ અંગુલિનિર્દેશ કરી લઉં કે દૈવી શક્તિનું અવતરણ સાધનાના માર્ગમાં શક્ય છે એમ કહેવાને બદલે, એ શક્તિની સાથેનો સંબંધ અને એની સાથેની એક્તા અથવા એકરૂપતા શક્ય છે એમ કહેવું વધારે ઉચિત લાગે છે. એવા પ્રકારના કથનથી જે કહેવાનું છે તેનું સંતોષકારક સ્પષ્ટીકરણ થઈ રહે છે. દૈવી શક્તિનું અવતરણ થાય છે એવો શબ્દપ્રયોગ કરવાને બદલે, સાધક પોતાની સાધનાના માર્ગમાં એ શક્તિનો સંપર્ક સાધી શકે છે, સાક્ષાત્કાર કરે છે, અને એની સાથે એકરૂપ બનીને અખંડ એકત્વનો અનુભવ કરે છે, એવી વાક્યરચના કરવાથી મૂળ વિષયનું રહસ્ય સરળતાથી સમજવામાં મદદ મળે છે.

ભારતમાં છેલ્લે છેલ્લે થઈ ગયેલા મહાયોગી શ્રીઅરવિંદે અતિ મનસના અવતરણની વાત કહી છે. એવા અવતરણનો ઉલ્લેખ કરનાર ભારતના એ સૌથી પ્રથમ અર્વાચીન મહર્ષિ હતા. ભારતમાં જ શા માટે, સમસ્ત સંસારમાં એમની એ વાત અજોડ હતી એમ કહીએ તો ચાલે. એમની પહેલાંના કોઈ યોગી કે ઋષિએ એવી રીતે એ વિષયની રજૂઆત કરી ન હતી. દૈવી શક્તિના અવતરણની જે વાત અહીં કહેવાઈ રહી છે તે વાત તેમણે કહેલા અતિ-મનસના અવતરણ સાથે સામ્ય ધરાવે છે કે નહિ, અને ધરાવે છે તો કેટલે અંશે, તેનો નિર્ણય વિદ્વાનોએ કરવાનો છે. અહીં તો તેને મારી રીતે સમજાવવાની કોશિશ કરી રહ્યો છું. જે દૈવી શક્તિ કે પરમ ચેતનાનો નિર્દેશ અહીં થઈ રહ્યો છે તે શક્તિ મન અને બુદ્ધિથી અતીત છે; મન અને બુદ્ધિના પારના પ્રદેશમાં પહોંચવાથી એનો સાક્ષાત્કાર થઈ શકે એ અર્થમાં એને અતિમનસ કહી શકાય. બાકી તો એને ગમે તે નામ આપો કે ગમે તે નામે સંબોધો, મૂળભૂત રીતે તો એ શક્તિ એક જ છે. એને સર્વોપરિ શક્તિ કહો, પરમ ચેતના કહો, કે બીજા ગમે તે નામે ઓળખો, એ બે નથી પરંતુ એક જ છે, ને એક જ હોઈ શકે, એ તો સહેલાઈથી સમજી શકાય તેમ છે.

સાધક પોતાના વ્યક્તિગત સાધનાત્મક અભ્યાસથી, પોતાની અંદર રહેલી એ પરમ ચેતના અથવા પરમ દિવ્ય શક્તિના સંપર્કમાં આવે છે, અથવા તો એનો સાક્ષાત્કાર કરે છે, એ વાત તો સર્વવિદિત તથા સર્વસ્વીકૃત જેવી છે. ભારતીય ધર્મ, સાધના તથા ભારતના લગભગ બધા જ પ્રામાણિક સાધકોનું એ ધ્યેય રહ્યું છે. એને પરમાત્માનો સાક્ષાત્કાર અથવા તો આત્મદર્શન પણ કહેવામાં આવે છે. કેટલાકનું કહેવું છે કે ભારતીય ધર્મ કે સાધનાનું ધ્યેય આટલું જ હતું. એ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને જ પરિતૃપ્ત થવામાં કે કૃતાર્થ બનવામાં માનતી હતી. એમના અભિપ્રાય કે કથન સાથે આપણે સંમત નહિ થઈએ. એમને આપણે કહીશું કે તમારું મંતવ્ય બરાબર નથી. તમે ભારતીય ધર્મને ને સાધનાને સારી પેઠે સમજ્યા નથી એમ લાગે છે. નહિ તો તમે આવું મંતવ્ય ન રજૂ કરત. ભારતીય ધર્મ અને સાધના પરમાત્માના સાક્ષાત્કારમાં તો માને જ છે, અને એનો પોતાના ધ્યેય તરીકે સ્વીકાર પણ કરે છે. પરંતુ એટલામાં જ એ પરિતૃપ્ત કે કૃતાર્થ થઈને બેસી નથી રહેતી. એ પોતાના ધ્યેયની દિશામાં થોડીક આગળ વધે છે ને કહે છે કે પરમાત્માનો સાક્ષાત્કાર કરનાર પરમાત્મા તુલ્ય અથવા પરમાત્મા જ બની જાય છે. ब्रह्मविद् ब्रह्मैव भवति । એ સંદેશને કેમ ભૂલી ગયા? એ ઉપનિષદ વચનમાં કહેવામાં આવ્યું છે કે જીવનના આધ્યાત્મિક વિકાસની બે મહત્વની ભૂમિકાઓ છે. એક તો બ્રહ્મવિદ્‌ થવું એટલે કે પરમાત્માનો સાક્ષાત્કાર કરવો ને બીજી પરમાત્મા કે બ્રહ્મ જ બનવું. ભારતીય સાધના કે સંસ્કૃતિએ એવા ઉભયવિધ આત્મિક વિકાસના આદર્શ તરફ અંગુલિનિર્દેશ કરેલો છે, અને એ પણ આજથી નહિ, પરંતુ એના ઉદ્‌ભવકાળના આરંભથી જ. એ અંગુલિનિર્દેશને કોઈ ભૂલી જાય એટલે કાંઈ એવું થોડું જ કહેવાય કે ભારતીય સાધનાનો સંદેશ અધૂરો છે?

એટલે પરમાત્માના અથવા તો પરમ શક્તિના સાક્ષાત્કારથી અટકવાને બદલે, એથી આગળ વધીને, એ શક્તિ સાથેની એકરૂપતાની સિદ્ધિ કરવાનું ધ્યેય ભારતના ઋષિવરોએ નજર સમક્ષ રાખ્યું હતું. વખતના વીતવાની સાથે એ ધ્યેય ભુલાતું ગયું, એકાંગી બની ગયું, અને સાધના દ્વારા એકમાત્ર પરમાત્મ સાક્ષાત્કાર જ ઈષ્ટ છે એવું મનાતું રહ્યું. એમાં સાધનાનો દોષ છે એમ ન કહી શકાય. દૈવી શક્તિના અવતરણના અથવા તો એ શક્તિ સાથેની એકરૂપતાના ભુલાયેલા આદર્શને નાથ સંપ્રદાયે મહત્ત્વનો માન્યો હતો. એટલા માટે તો એ સંપ્રદાયમાં સ્વસ્થ, નીરોગી, અખંડ યૌવનવાળા શરીરનો, સર્વજ્ઞતાનો, અને ઈશ્વરસદૃશ અસાધારણ શક્તિઓનો તથા અખંડ ઈશ્વરપરાયણતાનો આદર્શ કે પેટા આદર્શ તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો. નાથ સંપ્રદાયના કેટલાક યોગીપુરુષો એ આદર્શના સાકાર સ્વરૂપ સરખા બની રહ્યા હતા.

અને જે વૈદિક ઋષિએ પરમાત્મ સદૃશ થવાનો આદર્શ રજૂ કર્યો, તે તો એ આદર્શનું મૂર્તિમંત સ્વરૂપ હશે જ ને? એ આદર્શની સિદ્ધિ માટે એમણે પોતાના જીવનમાં પ્રામાણિક પુરુષાર્થ કર્યો જ હશે ને? એ પુરુષાર્થને પરિણામે કોઈક નક્કર વસ્તુ પણ મેળવી હશે ને? ત્યારે જ એ આવો સર્વોત્તમ સંદેશ આપી શક્યા.

દૈવી શક્તિના અવતરણનાં પરિણામો

શ્રીરામકૃષ્ણ પરમહંસદેવની અવસ્થા એકદમ અનેરી હતી. ઈશ્વરને એ માતાતુલ્ય માનતા, અને માતૃભાવે જ ભજતા. એ ભાવમાં દિવસો સુધી ડૂબકી લગાવીને એમણે એ ઈશ્વરીશક્તિ જગદંબાનું દર્શન કર્યું હતું. એ શક્તિ એમને માટે મનબુદ્ધિ અથવા ઇન્દ્રિયોથી અતીત અથવા અગમ્ય જ ન હતી રહી. સંસારમાં સર્વવ્યાપક થઈને શ્વાસ લેનારી એ શક્તિ એમના પ્રબળ પ્રેમથી પ્રાદુર્ભાવ પામીને એમની આગળ પ્રકટ થઈને દૃષ્ટિગોચર બની હતી. મન અને બુદ્ધિથી જ નહિ. પરંતુ ચક્ષુ જેવી બીજી ઇન્દ્રિયોથી એનો રસાસ્વાદ લઈ શકાય એવી રીતે મૂર્ત બની હતી.

અને એટલું જ નહિ, પરંતુ એથી આગળ વધીને એ મહાપુરુષના જીવનમાં એ પરમશક્તિ જગદંબાએ એક બીજો અસાધારણ ચમત્કાર સર્જ્યો હતો. એ ચમત્કારની તમને માહિતી છે? બનતાં લગી હશે જ. જગદંબાના સાક્ષાત્‌ દર્શનથી જ એ મહાપુરુષને તૃપ્તિ ન મળી. એથી એમનો આત્મા સંપૂર્ણપણે સંતુષ્ટ ન થયો. એ દર્શનને પરિણામે જગદંબા સાથેનો પ્રત્યક્ષ સંપર્ક તો એમને માટે સહજ બન્યો. પરંતુ એ સંપર્ક પછી જગદંબા તિરોધાન બન્યાં ત્યારે એમનો આત્મા આક્રંદ કરી ઊઠ્યો. એમને થયું કે જગદંબાએ કૃપા કરીને દર્શન તો આપ્યું, પરંતુ એ દર્શન તો ચપલાના ચમકારા જેવું ક્ષણજીવી અથવા અસ્થાયી થયું. એવાં દર્શનથી સંપૂર્ણ શાંતિ કેવી રીતે સાંપડી શકે? જગદંબાનું એ મનમોહન, મધુમય સ્વરૂપ વધારે કે ઓછા વખત લગી દૃષ્ટિ સમક્ષ રહેવાને બદલે જ્યારે આઠે પહોર લોચનની સામે હાજર રહે ત્યારે જ સંતોષ થાય. એ ભાવનાથી પ્રેરાઈને રામકૃષ્ણદેવે ફરી વાર તપવા ને પ્રાર્થવા માંડ્યું, અને એ ઉત્કટ પ્રાર્થના તથા તપશ્ચર્યાના ફળસ્વરૂપે જગદંબાની ફરી કૃપા થઈ. એ પછી તો એમના જીવનમાં એવો તબક્કો આવ્યો કે જ્યારે એમને અહર્નિશ જગદંબાના દર્શનનો લાભ મળવા માંડ્યો. જગદંબાનો એમના પર સંપૂર્ણ અનુગ્રહ થયો. અને એને લીધે એ જ્યારે ધારે ત્યારે જગદંબાનું દર્શન કરી શકતા, તથા ઇચ્છાનુસાર જગદંબાની સાથે વાતો કરી શકતા. જગદંબાનું અવતરણ એમના જીવનમાં કાયમને માટે થઈ ગયું.

ભારતમાં પરમાત્મતત્વની સાથેના સતત અનુસંધાન અથવા તો પ્રત્યક્ષ સંપર્કની એવી ભૂમિકાની પ્રાપ્તિ ભાગ્યે જ કોઈ વિરલ મહાપુરુષને થઈ હશે. એ દૃષ્ટિએ જોતાં, રામકૃષ્ણદેવ એક અસાધારણ અપવાદરૂપ મહાપુરુષ હતા.

દૈવી પરમાત્મશક્તિનું અવતરણ એવી રીતે એક વાસ્તવિક વસ્તુ છે. એવા અવતરણની પૂર્વભૂમિકારૂપે હૃદયની ઊંડી શુદ્ધિ જોઈએ, લગન જોઈએ, સાધના જોઈએ, અને એથી પણ અગત્યની વાત તો એ છે કે એ શક્તિની ઇચ્છા, તૈયારી કે કૃપા જોઈએ. એ સઘળી વસ્તુનો સુમેળ સધાય તો એ શક્તિનું અવતરણ શક્ય બની શકે ખરું. લૌકિક લાલસા, વાસના કે સ્વાર્થકામનાથી ભરેલા સાધકોને એ શક્તિની સાક્ષાત્કાર તેમ જ સતત સંર્પક માટેની સાધનામાં સ્વપ્ને પણ સફળતા નથી મળતી.

એ શક્તિનો સાક્ષાત્કાર થયા પછી એની સાથે એવો અલૌકિક સંબંધ સ્થાપિત થાય છે કે એ શક્તિ આપણામાં આવિર્ભાવ પામીને ચોવીસ કલાક કામ કરે છે. આપણે તેને કામ કરતી જોઈ કે અનુભવી શકીએ છીએ. તે આપણે માટે સમાધિની પારના પ્રદેશમાં અનુભવવાની શક્તિ નથી રહેતી. જાગૃતિદશામાં પ્રત્યેક પાસામાં ને પ્રત્યેક પળે એનો સભાન સંપર્ક થયા કરે છે. આપણી અંદર રહીને એ જ લખે છે, બોલે છે, ને કાર્ય કરે છે. એની સાથેનો સંબંધ એકધારો, સદાકાળ અને સઘળા સંજોગોમાં ચાલુ રહે છે, તે કદી પણ તૂટતો નથી. મન ને બુદ્ધિથી પરના પ્રદેશમાંથી અવતરણ પામેલી એ શક્તિ ભગવતી ભાગીરથીની જેમ આપણા તન, મન ને અંતરને તથા આપણા અસ્તિત્વના પ્રત્યેક અણુ પરમાણુને અનુપ્રાણિત અને પાવન તથા પ્રસન્ન ને મંગલમય કરતી બધે ફરી વળે છે. આ કોઈ કલ્પના, તરંગ કે હવાઈ વાત નથી, પરંતુ વિકાસની ઉચ્ચતમ અવસ્થા છે, વાસ્તવિકતા છે, અને આધ્યાત્મિક ભૂમિકાની એક અતિ ઉજ્જવલ, અસાધારણ, યથાર્થ પરિસીમા છે. બુદ્ધિ કે કલ્પનાની સહાયતાથી તેને સમજી શકાય પરંતુ અનુભૂતિ વિના તેનું યથાર્થ રહસ્ય કદી ન કળી શકાય.

એ પરમ શક્તિનું અવતરણ થવાથી તન ને મન અલૌકિક બની જાય છે, અને અસાધારણ શક્તિથી સંપન્ન થાય છે. એ શક્તિનું અવતરણ થવાને લીધે જેમ સર્વજ્ઞપણું સહજ બને છે, તેમ સર્વશક્તિમાનપણું પણ પ્રાપ્ત થાય છે. સંક્ષેપમાં કહી શકાય કે માણસમાં એ પરમ શક્તિની બધી જ વિશેષતાઓ મૂર્તિમંત બનીને પ્રકટ થાય છે, અને એક રીતે જોતાં એ મહામહિમામયી પરમ શક્તિનું સજીવ સાકાર સ્વરૂપ જ બની જાય છે. એની અભિનવ અદ્‌ભુત, અલૌકિક આવૃત્તિ થાય છે. સમસ્ત સંસારમાં એ દૈવી શક્તિનું અવતરણ શક્ય છે કે કેમ અને એ દૈવી શક્તિના અવતરણને લીધે સમસ્ત સંસારને દૈવી બનાવવાની સંભાવના છે કે કેમ, એ વિષયને અળગો રાખીએ તો પણ, એટલી વાત તો નિર્વિવાદ છે કે પરમશક્તિ સાથે સતત સંપર્ક સાધી ચૂકેલા, પરમ શક્તિની પ્રતિમૂર્તિ જેવા એ મહામાનવની હયાતી જ આ સંસારને માટે આશીર્વાદરૂપ ઠરે છે, સુખકારક તથા શાંતિદાયક થઈ પડે છે, અને પ્રેરણાત્મક બની રહે છે. સંસારને વધારે દૈવી બનાવવામાં અથવા તો એની કાયાપલટ કરવામાં એવા મહામાનવની યોગ્યતા બહુ મોટો ભાગ ભજવે છે. એવા મહામાનવના સંકલ્પ, પ્રયાસ, માર્ગદર્શન તથા સેવાકર્મથી સંસારને અસાધારણ લાભ થાય એમાં સંદેહ નહિ.

સંસારને આજે એવા દૈવી શક્તિશાળી મહામાનવની જરૂર છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં એવા મહાપુરુષનો પ્રાદુર્ભાવ એક અદ્‌ભુત અજોડ વિક્રમરૂપ લેખાશે. સ્વાર્થ, શોષણ, હિંસા, સ્પર્ધા, ભેદભાવ તેમ જ અશાંતિથી આચ્છાદિત અવનિમાં એ અનેરી ક્રાંતિ કરશે, તે પ્રકાશ પાથરશે. સૃષ્ટિને માટે નવી આશા ઊભી થશે. એવા પૂર્ણ પુરુષનું પ્રાકટ્ય વહેલામાં વહેલું થાય તે અવનિને માટે અમૂલખ આશીર્વાદરૂપ બની જાય એમ આપણે અંત:કરણપૂર્વક ઇચ્છીશું ને પ્રાર્થીશું.

માનવની શક્તિ કેવી અમર્યાદ બની શકે છે, અને માનવ કેવો સર્વોત્તમ વિકાસ કરી શકે છે, તેની કલ્પના આટલી વિચારણા પછી સહેલાઈથી કરી શકાય છે. એટલે જ કહ્યું છે કે નર જો કરણી કરે નરકા નારાયણ હોય. પરંતુ નરમાંથી નારાયણ થવાની કરણી પણ કેટલા કરે છે? અરે, સાચા અર્થમાં આદર્શ નર થવાની કરણી પણ કેટલા કરે છે? મોટા ભાગના લોકો તો આંખ મીંચીને જ જીવતા હોય છે. એમાં કેટલી બધી કરુણતા રહેલી છે એનો ખ્યાલ નથી આવતો શું?

Total Views: 53

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.