૧૬-૧૭ જાન્યુઆરી, ૨૦૦૬ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ‘ઉત્તમ શિક્ષક બનવાની કળા અને તેનું શિક્ષણ’ વિષય પર એક પરિસંવાદ યોજાયો હતો જેમાં ગુજરાતની માધ્યમિક શાળાઓનાં ૪૫૦ શિક્ષક ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. યુનેસ્કો, યુનિસેફ, વર્લ્ડબેંક જેવી આંતરરાષ્ટ્રિય સંસ્થાઓના શિક્ષણ સલાહકાર ડૉ. રવીન્દ્ર દવેએ ૧૬મી જાન્યુઆરીએ આ પરિસંવાદમાં પ્રવર્તમાન પરિસ્થિતિમાં શિક્ષકો અપૂર્ણ શિક્ષકને પૂર્ણ શિક્ષક કેવી રીતે બનાવી શકે એ વિશે અત્યંત પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. જેનો સારાંશ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.

આજનો દિવસ મારા માટે મંગલકારી છે. છેલ્લા પાંચ છ વર્ષોથી ભારતના જુદા જુદા પ્રાંતોમાં (તેમજ વિદેશમાં) કેળવણી વિષયક કાર્યક્રમો અંગે જવાનું થાય છે. પણ આશ્રમમાં બોલવા માટે કોઈ તક મળી નથી. અહીં વિશેષ વાત એ છે કે એક આશ્રમમાં, એક અવતારી પુરુષ (શ્રીરામકૃષ્ણદેવ), તેમની શક્તિ (શ્રીમા શારદાદેવી) તથા તેમના શિષ્ય (સ્વામી વિવેકાનંદ) આપણી સાથે છે. જ્યારે આપણે સૌ શિક્ષક મિત્રો પરિસંવાદની શરૂઆત કરીએ છીએ ત્યારે સહચિંતન માટે તત્પર રહીએ; સહચિંતનનું અવલંબન લઈને આત્મચિંતનની દિશામાં વધુને વધુ આગળ જઈએ. એ ખૂબ જરૂરી છે. કારણ કે આત્મચિંતન કરી શકીએ, તો જ ઉત્તમ શિક્ષક બનીશું; જે શિક્ષકમાં આત્મચિંતનનો અભાવ હોય તે કદાચ સારો શિક્ષક (good teacher) હશે, પરંતુ તે ઉત્તમ શિક્ષક (better teacher) ક્યારેય બની શકે નહિ. એટલે જ સારા શિક્ષકમાંથી ઉત્તમ શિક્ષક બનવા માટે બે વાતની આવશ્યકતા એ છે. સહચિંતન તથા આત્મચિંતન. મારી વિનંતી કે અહીં જે કંઈ નોંધ તૈયાર કરો, તેનું દરરોજ સવારે-સાંજે ચિંતન કરશો કે આમાં હું શું ઉમેરી શકું? આપણી ભારતીય પરંપરામાં કેળવણી પ્રાપ્ત કરવા માટે ત્રણ મહત્તાના સાધનો દર્શાવાયા છે.

શ્રવણ, મનન અને નિદિધ્યાસન

શ્રવણ (acquisition) એટલે કે સાંભળવાથી મેળવી શકાય. શ્રવણ એટલે માત્ર સાંભળવું એવો સ્થૂળ અર્થ નથી. વાંચનથી અને અવલોકનથી પણ મેળવી શકાય. અત્યારના વર્તમાન યુગમાં ટી.વી., વિડિયો જેવા માધ્યમો દ્વારા પણ મેળવી શકાય. આ રીતે માહિતી (Information) પ્રાપ્ત થાય છે.

શ્રવણથી જે પ્રાપ્ત થાય તે પર વિચાર કરતા થઈએ તે મનન. આપણામાંના ઘણાખરા શ્રવણથી (acquisition) પ્રાપ્ત થયેલ માહિતી (Information)ની ભૂમિકાએ જ અટકી જતા હોય છે. ખરેખર જરૂર છે મનનની- ચિંતનની. ચિંતન કરવાથી આંતરિક પરિવર્તન થાય છે ઉન્નત થવાય છે. જ્યારે શિક્ષક આ રીતે ચિંતન કરીને આંતરિક પરિવર્તન દ્વારા પોતાનું જીવન ઉન્નત બનાવે ત્યારે જ વિદ્યાર્થીના જીવનને ઉન્નત બનાવવા પ્રેરી શકે. (Information) – માહિતીની કક્ષામાંથી ઉપર ઉઠીને (Transformation) પરિવર્તનની કક્ષાએ જવાનું છે. એ આત્મચિંતનથી થઈ શકે.

ત્રીજું છે નિદિધ્યાસન. અહીં જ્ઞાનને આત્મસાત કરવાનું કહેવાયું છે. હમણા આપણે જે વેદ મંત્ર – 

ॐ सहनाववतु सहनौ भूनक्तु सह वीर्यम्
करवावहै तेजस्वीनौ अधीतम् अस्तु।

-નું ગાન સાંભળ્યું તેમાં ‘અધીતમ્‌’નો અર્થ છે જ્ઞાન, અભ્યાસ, સમજણ. શ્રવણની ભૂમિકાએથી પ્રાપ્ત કરેલ માહિતીથી થોડું તેજ આવે પણ એ પછી ચિંતનથી આંતરિક પરિવર્તનની ભૂમિકાએ – પહોંચીએ ત્યારે તેજથી વધુ પ્રકાશમાન થઈએ છીએ- અને નિદિધ્યાસથી – જ્ઞાનને આત્મસાત કરીએ ત્યારે જ વિદ્યાર્થીમાં પ્રદીપ-જ્યોતિ પ્રગટાવી શકીએ.

કેળવણીનું કાર્ય એ તપસ્યાનું કાર્ય છે. કંઈક પ્રાપ્તિ કે ઉપલબ્ધિ માટે ઉચ્ચ કક્ષાની તપસ્યા આવશ્યક છે. સતત તપસ્યાથી આધ્યાત્મિક શક્તિનો વિકાસ થાય. અને આ શક્તિનો વિકાસ થાય ત્યારે મગજના વામાર્થ (Left hemisphere) અને દક્ષિણાર્થ (Right hemisphere) બન્નેનો સમતોલ વિકાસ સાધી શકાય.

કેળવણી એ તો યજ્ઞ છે. આધ્યાત્મિક વિકાસ થયો હોય ત્યારે જ અંતરમાંથી આત્માની વાણી સાંભળી શકીએ. અથર્વવેદના એક મંત્રમાં કહેવાયું છે-

तपस् तपस्यामहे, उपतप्स्यामहे तपः।
श्रुनानि श्रूण्वन्तौ तपं, आयुष्मन्तः सुमेधसः॥

કંઈક પ્રાપ્ત કરવા માટે તપ કરવું પડશે, અહિં આશ્રમમાં જુદી જુદી જગ્યાએથી આપ સહુ આવ્યા – તે શારીરિક તપ છે. શારીરિક તપસ્યા સાથે માનસિક તપ મળે ત્યારે એમાંથી તેજ, દીપ, જ્યોત પ્રકટે છે, આપણા અંતરમાં પ્રકાશ જોઈ શકીએ છીએ, અંતરમાંથી શ્રુતિઓને સાંભળી શકીએ છીએ, અને અંતરમાંથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. આ તપના પરિણામે આપણી અંતર્નિહિત દિવ્યતા (Potential Divinity)નું વાસ્તવિક દિવ્યતા (Real Divinity)માં રૂપાંતર થાય એ માટે આપણે સહુ એકત્ર થયા છીએ.

આ તપના ફળરૂપે આપણે વિદ્યાર્થીઓને દિવ્યતાના – પરમાત્મભાવનાના પ્રગટીકરણની દિશામાં આગળ લઈ જઈ શકીશું. એ શ્લોકમાં છેલ્લા ચરણમાં આયુષ્મંત: સુમેધસ્‌: કહ્યું છે- અમે મેધાવી બનીએ દીર્ઘાયુષ્ય બનીએ – દીર્ઘ જીવન જીવીએ.’

આજના પરિસંવાદનો વિષય છે. ‘ઉત્તમ શિક્ષક બનવા માટેનું વિજ્ઞાન અને તેની કળા’ – આ વિષયના શબ્દસમૂહનું સૌંદર્ય માણવા જેવું છે. શબ્દો સાંભળવા માત્રથી આપણે હૃદયમાંથી આનંદનો ઉમળકો અનુભવીએ છીએ. આ વિષય સુંદર તો છે પણ ખૂબ વિશાળ પણ છે. 

ઉત્તમ શિક્ષક બનવા માટે દસેક પાયાના મુદ્દાઓની ચર્ચા કરીશું. ઉત્તમ શિક્ષક બનવા માટે સહુ પ્રથમ શિક્ષણનું આદાન પ્રદાન કરવું એ બહુ આવશ્યક છે. અહિં આપણે પ્રાર્થનામાં વારંવાર સાંભળ્યું કે ‘આપણે શિક્ષાનું આદાન પ્રદાન કરીશું.’ (સ્વાધ્યાય-પ્રવચન ૨૬) આપણે સહુએ ઉત્તમ શિક્ષક બનવા માટેના વિજ્ઞાન તથા કળા, બન્ને પર પ્રભુત્વ મેળવી લેવું જોઈએ. એ સિવાય સારા શિક્ષક બનવું શક્ય નથી. આપણા ઉપનિષદોમાં એક આચાર્યના મુખે કહેવાયું છે કે –

आमायंतु ब्रह्म चारिणः।
विमायंतु ब्रह्म चारिणः।
प्रमायंतु ब्रह्म चारिणः।
दमायंतु ब्रह्म चारिणः।
समायंतु ब्रह्म चारिणः।

પ્રથમ ચરણમાં કહેવાયું છે કે અમારી પાસે આવે અમે તેમને પ્રેમથી આવકારીએ. સારા શિક્ષકનું પ્રથમ લક્ષણ છે વિદ્યાર્થી પર અંતરનો પ્રેમ ઢોળે.

દ્વિતીય ચરણમાં કહે છે કે આવનાર વિદ્યાર્થીને અમે ભણવા માટે પલોટીએ- તેને પ્રમાણિકતાથી પરિશ્રમ કરતો કરીએ. ઉત્તમ શિક્ષકનું દ્વિતીય લક્ષણ છે કે એ વિદ્યાર્થીને ભણતર એટલે શું? – કેવી રીતે અભ્યાસ કરવો એનું માર્ગદર્શન પ્રથમ આપે. શિક્ષણનું હાર્દ સમજાવે.

આજે તો ૧૨ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ‘હું શું કરું છું?’- અથવા ‘શિક્ષણનું હાર્દ શું છે?’ તેની સમજણ જ હોતી નથી. 

ત્રીજા ચરણમાં કહેવાયું છે કે આવનાર શિષ્યનો ઉદય કરીએ – તેનામાં રહેલી શક્તિનો વિકાસ કરીએ દરેક વિદ્યાર્થીમાં કુદરતે શક્તિ બક્ષી જ છે – તેને બહાર લાવવાનો શિક્ષકે પ્રયત્ન કરવાનો છે. આ શક્તિને ત્રણ વિભાગમાં દર્શાવી શકાય.

૧. કાર્ય કૌશલ્યની શક્તિ

૨. બૌદ્ધિક શક્તિ

૩. નૈતિક શક્તિ – ચારિત્ર્ય શક્તિ

સુષુપ્ત અવસ્થામાં બીજાકારે વિદ્યાર્થીમાં કુદરતે આ શક્તિઓ મૂકી છે. તેનું શિક્ષકે માત્ર પોષણ કરીને કેળવવાની છે. ભારતની અન્ય ભાષામાં કેળવણી શબ્દ નથી. ફક્ત ગુજરાતી ભાષામાં છે આ શબ્દ બહુ સરસ છે.

ઘઉંના લોટમાંથી રોટલી બનાવતાં પહેલાં એની કણક બાંધીને કેળવવામાં આવે- લોટને પાણી, તેલ સાથે મસળે, ગૂંદે, ફરીથી થોડું પાણી ઉમેરે – એમાંથી પરિપાક રૂપે લોટ બંધાય અને ઉત્તમ રોટલી બને છે. બાળકને પણ આ રીતે કેળવવાનું છે. એનામાં રહેલી શક્તિઓને બહાર લાવવામાં માર્ગદર્શન આપવાનું છે, મદદ કરવાની છે.

ચોથા ચરણમાં તથા પાચમાં ચરણમાં શમ અને દમ પર ભાર મૂકવામાં આવ્યો છે. શમ અને દમ બન્નેનો વિકાસ થાય ત્યારે વિદ્યાર્થી આત્મસંયમી બને છે.

આ રીતે ઉત્તમ શિક્ષક બાળકના સર્વાંગી વિકાસમાં માર્ગદર્શક – સહાયક બની રહે છે. આમ સારા શિક્ષક, ઉત્તમ શિક્ષક બનવું એ અતિશય કપરું કાર્ય છે – એ કાર્ય સહેલું, સરળ તો નથી જ અને વર્તમાન સંજોગોમાં તો વધુ અઘરું બન્યું છે. 

એક કવિએ ગાયું છે કે –

‘માહી પડ્યા તે મહાસુખ માણે,
દેખન હારા દાજે જોને.’

શિક્ષકે નક્કી કરવાનું છે કે આ બેમાંથી શું થવું છે? – મરજીવા થઈને રત્નાકરના તળમાં રહેલાં મોતી ખોળી કાઢવાં છે કે પછી કાંઠે ઉભા રહીને જોતાં જ રહી જવું છે? આપણા કાર્યમાં સરકાર, સંચાલક, સહકાર્યકર તરફથી અનેક પ્રકારના વિઘ્નો ઉભા થતા હોય છે. પરંતુ ત્યારે પણ નિરાશ થયા વિના કવિવર ટાગોરે કહ્યું છે તેમ, ‘તારી જો હાક સૂણી કોઈ ના આવે, તો એકલો જાને રે’ ના જુસ્સાના હાર્દને અપનાવીને કાર્ય કર્યા કરીએ તો જરૂર સફળતા પ્રાપ્ત થશે જ.’ 

સ્વામી વિવેકાનંદના શક્તિદાયી વિચારો તમને પ્રકાશ અને પ્રેરણા આપશે. છેલ્લા પચાસ વર્ષોમાં દુનિયાના અનેક રાષ્ટ્રો ગુલામીની ઝંઝીરો તોડી આઝાદ થાય છે. ઘણા ખરા લોકશાહી રાષ્ટ્રો છે. યુનેસ્કો દ્વારા એક અભ્યાસ આવા રાષ્ટ્રોનો કરવામાં આવ્યો. તારણ એવું નીકળ્યું છે કે ‘વિકસિત રાષ્ટ્રો – જાપાન, જર્મની, અમેરિકા – જેવા લોકશાહી દેશો સહિત ૧૫૦ દેશોમાં લોકશાહી સાથે ભ્રષ્ટાચાર, ગુન્હાખોરી, શોષણ, સગાંવાદ પણ ફૂલ્યાં ફાલ્યાં છે. લોકશાહીનો અર્થ જે કંઈ કરવું ગમે તે કરીએ એવો થયો છે. આ સ્વતંત્રતા નથી પણ સ્વચ્છંદતા છે. 

સ્વાતંત્ર્યનો સાચો અર્થ એ છે કે ‘જે કરવા યોગ્ય કાર્ય છે, તે સફળતાથી પાર પાડવાની તક.’ 

આ સંશોધનનો ફલિતાર્થ એ છે કે માનવ કલ્યાણ કરવા માટે, માનવ જીવનને ઉન્નત અને બહેત્તર બનાવવા માટે રાજનૈતિક ઉકેલ વ્યવહારમાં સાવ નિષ્ફળ ગયો છે.

લોકશાહી અને ભ્રષ્ટાચારનો પારસ્પારિક સંબંધ ઊંચો છે. ઈંગ્લેન્ડ જે લોકશાહીની જનની કહેવાય છે. ત્યાંની સંસદમાં પણ ભૌતિકવાદી વલણ ધરાવતા સાંસદો પહોંચી ગયા છે. અત્યારનો આપણી સમક્ષ યક્ષપ્રશ્ન છે-ક્યા પ્રકારનો ઉકેલ સફળ થઈ શકે? આ પૃથ્વી પર વસનારા આપણે – મનુષ્યો ક્યા ઉકેલને આચરણમાં મૂકીશું?

આજના યુગમાં ટેક્નોલોજીનો મોટો મહિમા ગાવામાં આવે છે. આજે અર્થશાસ્ત્રીય દૃષ્ટિએ ભારતને એક ‘વિશાળ બજાર’ તરીકે જોવામાં આવે છે. 

પરંતુ પ્રશ્ન એ છે કે માર્કેટની જ મહત્તા છે કે માનવની? માણસની માણસાઈ, મનુષ્યનું મનુષ્યત્વ હણાઈ ગયું છે. ભારતને આજે ‘માણેક ચોક’ – ‘શાક માર્કેટ’ જેવા સંદર્ભમાં જોવામાં આવે છે. ક્યાં છે આજે વૈદિક સંસ્કૃતિનું, ઉપનિષદોનું પુણ્યભૂમિ ભારત? ક્યાં છે રામકૃષ્ણ-વિવેકાનંદ, શંકરાચાર્ય, અશોક, ગાંધી, અરવિંદનું ભારત?

ટેકનોલોજીનો વિકાસ સારો છે – તેના ઉપયોગથી આર્થિક વિકાસ થાય – તે જરૂરી છે ટેક્નો-ઈક્નોમિક્સ ઉભું થયું છે. ટેકનોલોજીના વિકાસથી ઉત્પાદન વધે – ઉપભોગેય વધે; પણ ઉપભોગ-વપરાશ-માંથી ઉપભોગવાદ consumererismનો રોગ લાગુ પડે છે.

આથી આજે techno-ethicsની જરૂર છે. ઉપભોગવાદમાં ન સપડાવું હોય તો – તેની ગુલામીમાંથી મુક્તિ મેળવવી હોય તો આપણે આપણા વિદ્યાર્થીઓને ચાર ‘સ’ કાર શીખવવા પડશે. આધ્યાત્મિક શિક્ષણના એ પાયા છે.

(૧) સાદાઈ : જેના અભાવથી ટેકનોલોજી વિલાસિતતાને નિમંત્રણ દઈને વિનાશ નોતરશે. 

(૨) સંયમ : જેના અભાવથી ટેકનોલોજીનો ઉપયોગ દુ:ખને નોતરશે. 

(૩) સ્વાશ્રય : જેના અભાવથી ટેકનોલોજી આપણને સાવ નિર્બળ કરી મૂકશે. શારીરિક વિકાસને રોકનારી વસ્તુથી બચવાની જરૂર છે. 

(૪) સંસ્કાર : જેના અભાવથી સમાજની વ્યક્તિઓમાં વિષમતાઓ, માદક દ્રવ્યોનું સેવન, હતાશા, નિરાશા વગેરે અનિષ્ટો ફૂલશે ફાલશે.

આ ચાર ‘સ’ કારના અભાવે ભૌતિકવાદ – ઈંદ્રિયજનક સુખ- વધે છે આ તો Wine vs Divineની લડાઈ છે. ભારતની મોટામાં મોટી તાકાત કુટુંબ છે – વિકસિત દેશોમાં કુટુંબો તૂટી રહ્યા છે.

૧૯૫૭ થી ૧૯૯૫ સુધીમાં અમેરિકામાં કેળવણીનો વ્યાપ અને વિસ્તાર વધ્યો છે પણ વિષમ પરિણામો આવ્યા છે. ૧૯૫૭માં વિવાહિત દંપતીઓમાં છૂટાછેડાનું પ્રમાણ ૧૦% હતું, તે ઓક્ટો. ’૯૫માં વધીને ૬૭% થયું છે. ઈંગ્લેન્ડમાં પંદર વર્ષની ઉંમર કે તેથી ઓછી ઉંમરના એક કરોડ બાળકોમાંથી ૩૦ લાખ બાળકો એક માતા કે પિતાવાળા છે. 

Techno-economics without techno-ethics is dirt.

અમેરિકામાં ૧૮ વર્ષના નવયુવકોની વર્તમાન ભયજનક માનસિક અવસ્થા જોઈએ તો – આ ઉંમર સુધીના યુવાનો ટીવીના પડદા પર ૨ લાખ જાતિય અને હિંસક દૃશ્યો નિહાળી ચૂકે છે – આમાંથી ૬૦,૦૦૦ ખૂનની ઘટના છે. આવા યુવાનો – ખૂન કરતાં અચકાતા નથી, માદક દવાઓ, દારૂનું સેવન; એઈડસની બિમારીમાં સપડાય છે.

આ સંશોધનના આંકડા અને માહિતી મેળવ્યા પછી આપણે કેળવણીની વ્યાખ્યા બદલવી પડશે.

૧. આધુનિક શિક્ષણ = અપૂર્ણ શિક્ષણ

૨. આધુનિક શિક્ષણ + આધ્યાત્મિક શિક્ષણ = પૂર્ણ શિક્ષણ અથવા તો શિક્ષણ + સંસ્કાર = વિદ્યા.

આધુનિક શિક્ષણના ઉત્તમ તત્ત્વોને જરૂર સ્વીકારીએ. પરંતુ તેની સાથે આધ્યાત્મિક કેળવણીને ઉમેરીએ, આધુનિક કેળવણીને યોગ્ય દિશામાં લઈ જવાનો આ એક જ ઉપાય છે.

આપણા એક શ્લોકમાં વિદ્યાનું મહત્ત્વ બતાવતા જણાવાયું છે કે –

विद्या ददाति विनयम् विनयात् याति पात्रताम्
पात्रत्वात् धनमादाय, धनात धर्म ततः सुखम्

એટલે કે વિદ્યા વિનય આપે છે, વિનયથી કાર્યમાં કુશળતા, કાર્યક્ષમતા, દક્ષતા, બૌદ્ધિક શક્તિઓનો વિકાસ અને ચારિત્ર્યની શક્તિઓ કેળવીએ ત્યારે પાત્રતા પ્રાપ્ત થાય છે. આવી પાત્રતા – યોગ્યતા કેળવી હોય તેને ધન મળે છે. ઉત્પન્ન થયેલ ધનને ધર્મના માર્ગે ઉપયોગમાં લેવાથી જીવનમાં સુખ પ્રાપ્ત થાય છે.

આપણા ઋષિઓએ ધન કમાવાનો નિષેધ નથી કર્યો – ગરીબી દૂર કરવા ધન કમાવું જરૂર છે પણ ધનનો ઉપયોગ ધર્મમય માર્ગે કરવા જણાવ્યું છે. તો એવી વિદ્યાથી સુખ મળે છે.

સ્વામી વિવેકાનંદે પણ આધ્યાત્મિકતાને કેન્દ્રમાં રાખીને, દેશની ગરીબ જનતાની આધ્યાત્મિકતાને હાનિ પહોંચાડ્યા વગર તેના આર્થિક ઉપાર્જનની દિશામાં વિકાસ સાધવા માટે સંદેશ આપ્યો છે – આથી રામકૃષ્ણ મિશનના બધાં સેવા કાર્યોની સાથે સાથે મનુષ્યમાં આધ્યાત્મિક નવજાગરણ આવે તે ઉદ્દેશ આપણે જોઈએ છીએ.

આપણા દેશમાં અભણ કે નિરીક્ષર દેશવાસી કૌભાંડ કે ભ્રષ્ટાચાર કરતો નથી – પણ શિક્ષિત વર્ગમાંથી આવતા રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ વગેરે જ આવો ભ્રષ્ટાચાર કરે છે. એનો અર્થ એ થયો કે આધુનિક શિક્ષણમાં કંઈક ખૂટે છે તે ગેરમાર્ગે દોરી જાય છે.

મનુષ્યની શક્તિઓને વિનાશક દિશામાં દોરે તે કેળવણીને કેળવણી કહી શકાય નહીં. એટલે જૂની વ્યાખ્યા ‘વિકાસ માટે શિક્ષણ’ એ હવે ટકી શકે જ નહિ. કહેવાતા વિકસિત રાષ્ટ્રો પણ તેમનો સર્વાંગીણ વિકાસ થયો છે તેવો દાવો કરી શકે તેમ નથી. અનેક પાસામાં તેઓ અવિકસિત – કે અલ્પવિકસિત છે – જે સંશોધનના આંકડાથી સાબિત થઈ ચૂક્યું છે. એટલે હવે કેળવણીની નવેસરથી વ્યાખ્યા કરવી પડશે, એ આ મુજબ છે.

Education is a progress of human empowerment for the achievement of better and higher quality of life. 

‘કેળવણી એ માનવને સક્ષમતા બક્ષવાની પ્રક્રિયા છે જેના દ્વારા માનવજીવન બહેતર અને ઉન્નત બને.’

આપણા ઉપનિષદોમાં હજારો વર્ષ પહેલાં શિક્ષણ પૂરું થયા પછી દિક્ષાંત સમારંભ કે સમાવર્તન સ્નાન કરીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશનાર વિદ્યાર્થીને મંત્રોથી સંબોધન કરનાર ઋષિ કહે છે- 

मातृदेवो भव, पितृ देवो भव,
आचार्य देवो भव– વગેરે.

આમ આર્થિક ઉપાર્જન માટે સાધન સામગ્રીથી સજ્જ થઈ રહેવાનો વિલક્ષણ સંકેત કરવામાં આવ્યો છે. અર્થાત ગૃહસ્થાશ્રમ રહીને તે કુટુંબીજનોની સેવા, અતિથિ સેવા, આચાર્યની ઉપાસના, અન્નવસ્ત્ર, રહેઠાણ વ. કર્તવ્યનું પાલન વિનય, શ્રદ્ધા અને તત્પરતાથી કરવા માટે સક્ષમ બને તેમ ગુરુ જણાવે છે. 

ઉન્નત જીવન જીવવા માટે અંતરમાં નિહિત દિવ્યતાના પ્રગટીકરણની સાધના ભૂલી જવાનું પોસાય નહિ તેમ પણ જણાવે છે.

એવી સાધનાનો માર્ગ સ્વામી વિવેકાનંદે કર્મયોગ, ભક્તિયોગ, રાજયોગ, જ્ઞાનયોગ વ.માં દર્શાવ્યો છે. તે શીખી લઈએ, તેને આચરીએ તો આત્મશુદ્ધિ, આત્મશક્તિ, આત્મ શાંતિ તથા અંતરાત્માનો શાશ્વત આનંદ પ્રાપ્ત થાય. એથી જીવનની સાર્થક્તાનો અણમોલ આસ્વાદ મળશે.

કવિવર ટાગોરનું ‘અંતર મમ વિકસિત કરો’ એ ભક્તિગીત યાદ કરીએ. અનેક વિશેષણો વાપર્યા પછી તેમાં નંદિત કરો – નંદિત કરો – નંદિત કરો – ને ત્રણવાર દોહરાવીને મનુષ્યજીવનમાં દિવ્ય શાશ્વત આનંદને માણી લેવાની તક સમજીને પૃથ્વી પર મનુષ્ય જીવનની ઉત્કૃષ્ટતાનું કવિએ ગાન કર્યું છે.

આ બધા પરથી સ્પષ્ટ થાય છે કે શિક્ષકે સમાજના ગાડરિયા પ્રવાહની સામેની દિશામાં તરવું એ અનિવાર્ય છે. એ કપરું કાર્ય, કર્તવ્યનિષ્ઠાથી, આદર્શનિષ્ઠ બનીને પાર પાડવા માટે હિંમતવાન, સાહસિક, બહાદુર બનવાનું છે. સ્વામી વિવેકાનંદે નિર્ભયતાથી લલકારતાં શબ્દોમાં દેશવાસીઓને ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટેના પુરુષાર્થનું સૂત્ર આપ્યું છે. કઠોપનિષદ અને ગીતાના તેઓ ચાહક, પ્રશંસક અને પ્રખર અભ્યાસી હતા. ભગવદ્‌ ગીતાનો સંદેશ તેમના મત મુજબ આ શ્લોકમાં જ સમાઈ જાય છે.

क्लेब्यं मा स्म गमः पार्थः ….. (ગીતા :૨.૩)

‘હે પાર્થ (અર્જુન) બાયલો થામા, હૃદયની તુચ્છ દુર્બળતાને ફગાવી દઈ (અધર્મ વિરુદ્ધ લડવા માટે) ઊભો થઈ જા.’

આપણે શિક્ષકોએ પણ આ શ્લોકમાંથી પ્રેરણા લઈ આપણો શિક્ષક ધર્મ આચરવા કટિબદ્ધ થવાનું છે.

અંતમાં શિક્ષકની વ્યાખ્યા આપનાર ત્રણ શ્લોકો સંભળાવીશ.

आनंदमानंद करं प्रसन्नम्,
ज्ञान स्वरूपं निज बोध रुपम्।
योगीन्द्र मीडे भवरोग वैद्यम्,
श्रीमद् गुरुं नित्यमहं नमामि॥

આનંદ રૂપ, આનંદ કરનારા, પ્રસન્ન જ્ઞાનમૂર્તિ, આત્મજ્ઞાનરૂપ, યોગીન્દ્ર, પૂજ્ય, ભવરોગને મટાડનારા વૈદ્ય, એવા શ્રીમદ્‌ ગુરુદેવને હું નિત્ય નમું છું.

अखंडमंडलाकारं व्याप्तं येन चराचरम्।
तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः॥

જે અખંડ બ્રહ્માંડના આકારરૂપે છે, જેનાથી સમસ્ત સ્થાવર જંગમ વ્યાપ્ત છે – એવા બ્રહ્મપદની ઝાંખીને દર્શન કરાવનાર શ્રીગુરુદેવને પ્રણામ હો.

अज्ञान तिमिरांधस्य ज्ञानांजनशलाकया।
चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः॥

જેમણે અજ્ઞાનરૂપી અંધકારથી અંધ બનેલા શિષ્યનાં નેત્રો, જ્ઞાનરૂપી અંજન – શલાકાથી નિર્મળ કરી ઊઘાડ્યાં છે, તેવા શ્રીગુરુદેવને પ્રણામ હો.

Total Views: 70

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.