રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘વેલ્યૂઝ : ધ કી ટુ એ મિનિંગફૂલ લાઈફ – સાર્થક જીવન માટે ગુરુચાવી રૂપ મૂલ્યો’માંથી ૧૯૫૭ની બેચના આઈએએસ અધિકારી, ૧૯૫૭ થી ૧૯૯૦ સુધી તમિલનાડુમાં સેવાઓ આપનાર અને શ્રીરામકૃષ્ણ જ્યોતના નિયમિત વાચક શ્રી ડી.કે.ઓઝાના લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

છેલ્લાં ૪૦ વર્ષથી હું સરકારશ્રીની વહીવટી જવાબદારીઓનું વહન કરી રહ્યો છું. આ સમયગાળા દરમિયાન મને ભારતનું જાહેર જીવન, તેની રાજનીતિ અને તેના વહીવટી સંચાલનને સંલગ્ન કેટલીક મહત્ત્વની ઘટનાઓનું નિરીક્ષણ કરવા મેં પ્રયત્ન કર્યો છે. આજે જે હું લખું છું તે માટે અંશત: મારાં શિક્ષણ-પ્રશિક્ષણ, મારાં મિજાજ અને પ્રકૃતિ તેમજ અનુભવોથી દૃઢીભૂત થયું છે. ઉપર્યુક્ત ત્રણેય પરિબળોથી આપણે આપણા મતાભિપ્રાય બાંધીએ છીએ અને ન્યાય નિરીક્ષણ પણ કરીએ છીએ, ખરું ને?

હું પહેલાં મારા જીવનની મીતાક્ષરી નોંધથી વાતનો પ્રારંભ કરીશ. મારા શાળા-કોલજના સમગ્ર વર્ષો દરમિયાન એક દિવસ પણ વિદ્યાર્થીઓની હડતાલ કે હિંસા જોવા મળી ન હતી. અમારી પરીક્ષાઓ ચોક્કસ સમય તારીખે લેવાતી અને મૂલ્યાંકન પણ ઘણું સખત રહેતું. (જો કોઈ વિદ્યાર્થીને ૭૫% ગુણ મળે તો તે દસ હજાર જેટલા વિદ્યાર્થીઓમાં સૌથી વધારે ગુણવત્તાવાળો વિદ્યાર્થી બનતો. અત્યારે તો પરીક્ષણ-મૂલ્યાંકન પ્રક્રિયા એટલી બધી ઉદાર છે કે ૯૫% ગુણ મેળવવા પણ અસામાન્ય નથી.) સાથે ને સાથે રમત-ગમતને પણ પ્રોત્સાહન મળતું. અમારા વર્ગનાં બહેનો પ્રત્યે આદર-માન રાખતા. અમારા શિક્ષકોનું પણ અમે સન્માન જાળવતા. તેઓ ક્યારેક ભયચકિત કરી દે તેવાં આજ્ઞા-આદેશ પણ આપતા. થોડા શિક્ષકો અત્યંત સહૃદયતાવાળા હતા. આમ હોવા છતાં પણ ક્ષુદ્ર કહી શકાય તેવી છૂટછાટ અમે લઈ ન શકતા. એક પણ શિક્ષક સિવાય કે તે અત્યંત માંદા હોય તે સિવાય પોતાના શિક્ષણ કાર્યમાં ગેરહાજર ન રહેતા.

એ દિવસોમાં નાતજાતના ભેદભાવ વિદ્યાર્થી- જગતમાં ન હતા. અલબત્ત એટલી વાત સાચી કે કેટલાક વિદ્યાર્થીઓ મિથ્યાભિમાની હતા, પરંતુ મોટા ભાગના વિદ્યાર્થીઓ જ્ઞાતિ-જાતિની ભાવનાથી પર રહીને સમાન ગુણશીલવાળા વિદ્યાર્થીઓને મિત્ર બનાવતા. મારા કોલેજ જીવનના ચાર શ્રેષ્ઠ મિત્રોમાં એક યહૂદી, એક ખ્રિસ્તી અને બે હિંદુ હતા. એ દિવસોમાં કેટલાક વિદ્યાર્થીઓ એવા હતા કે તેઓ જ્ઞાતિ અને પેટા જ્ઞાતિના આધારે મિત્રજૂથ રચતા. એનું કારણ એ હતું કે વિવિધ જ્ઞાતિ ઉદ્ધારક, સામાજિક ન્યાયની ખાતરી આપનારા અને જ્ઞાતિઘૃણાને ઉશ્કેરતા કાયદાઓનું રાજ્ય અને કેન્દ્ર સરકારે અમલીકરણ શરૂ કરી દીધું.

એવામાં મારા હાથમાં માતૃભાષા ગુજરાતીમાં બહાર પડેલી સ્વામી વિવેકાનંદની કેટલીક પુસ્તિકાઓ આવી. એમનાં લખાણોને એક વખત પણ વાચનાર કોઈ પણ વ્યક્તિ એમની વાણીના સ્પર્શથી અછૂતો રહી શકતો નથી. ૧૯૪૦ના મધ્યમાં જ્યારે હું બાર વર્ષનો હતો ત્યારે મેં ગાંધીજીનું સાહિત્ય વાંચવાનું શરૂ કરી દીધું હતું. એ બધું સાહિત્ય મારા મનને સ્પર્શી ગયું હતું. હું અઢાર વર્ષનો થયો ત્યારે અંગ્રેજી વાંચતો થઈ ગયો એટલે ‘ડિસ્કવરી ઑફ ઈંડિયા’ નામનું જવાહરલાલ નહેરુનું પુસ્તક તો ૧૯૫૦ના પ્રારંભ સુધી રાહ જોતું રહ્યું. હું ઘણો વાચનપિપાસુ વાચક હતો અને મને કોઈ પુસ્તકમાં રસ પડતો ત્યારે સામાન્ય રીતે હું એને એક જ બેઠકે પૂરું કરી લેતો. હું ૨૧ વર્ષનો થયો ત્યારે અંગ્રેજી બહુ સારું વાંચી શકતો. ઔપચારિક વર્ગો ભર્યા વિના હું હિન્દી પણ શીખી ગયો.

૧૯૫૭માં એક વર્ષ માટે આઈએએસની તાલીમમાં જોડાયો ત્યારે પ્રાસંગિક મુલાકાતી વ્યાખ્યાતાઓમાં અત્યંત પ્રતિભાશાળી વ્યક્તિઓ હતી. સૌથી વિશેષ મને યાદ આવે છે સ્વામી રંગનાથાનંદજી. તેમણે અમને ત્રણ વ્યાખ્યાનો આપ્યાં હતાં. આ ઉપરાંત શ્રી પ્યારેલાલ અને શ્રી કાલેલકર એ બંને ગાંધીના રંગે રંગાયેલા હતા. એમનાં પણ વ્યાખ્યાનો સાંભળ્યાં હતાં. આવાં પુષ્કળ વાંચન, મનન-ચિંતન તેમજ મહાન વ્યક્તિઓનાં જીવનદર્શનથી હું એવા તારણ પણ આવ્યો છું કે જો આપણે સૌ સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીના જીવનતત્ત્વદર્શનને એકઠાં કરીએ તો સમગ્ર ભારત પૂર્ણપણે પુનર્જીવન પામે. મને એ કહેતાં ક્ષોભ થાય છે કે આપણા મોટા ભાગના રાજકારણીઓ અજ્ઞાન અને મૂર્ખ જેવા છે. હું નથી ધારતો કે એમાંના ઘણાએ આ બંને પથદર્શકોના ગ્રંથોનું વાચન કર્યું હોય. છતાં પણ આપણા રાજનીતિજ્ઞોને સાચા-સાક્ષર બનાવવાની આશા આપણે ક્યારેય છોડી દેવી ન જોઈએ. વહીવટી સંચાલનમાં મૂલ્યનિષ્ઠા વિશેના મારા વિચારોની પીઠિકા મારા ઉછેર, મારા શિક્ષણ-પ્રશિક્ષણ તેમજ ઉપર્યુક્ત બાબતો પર રહી છે. હવે મારી મુદ્દાની વાત સંક્ષેપમાં કરું છું.

પ્રથમ તો વહીવટી સંચાલન પારદર્શી હોવું જોઈએ. એમાં કંઈ પણ ખાનગી કે સુગુપ્ત રીતે ન થવું જોઈએ. સુગુપ્તી અનિષ્ટો ઊભાં કરે છે. કોઈ પણ નિર્ણય લેવાનાં કારણો બધાને જોવા મળે તેવી રીતે નોંધવાં-જળવાવાં જોઈએ. આને લીધે આજના વહીવટી સંચાલન અને રાજકારણમાં વ્યાપેલા સાર્વત્રિક ભ્રષ્ટાચારને દૂર કરવામાં સહાય મળશે.

બીજું લોકહિતને ધ્યાનમાં રાખીને જ નિર્ણયો લેવાવા જોઈએ. ‘લોકહિત’ આ શબ્દને બરાબર સમજવો જ પડે. કોઈ પણ જાતના દબાણને વશ થઈને એક પણ નિર્ણય લેવાવો ન જોઈએ. દરેક નિર્ણય એવો હોવો જોઈએ કે જે સમગ્ર સમાજનું કલ્યાણ સાધનારો હોય. દરેક નિર્ણય સૂક્ષ્મ અન્વિક્ષા કરી શકાય તેવો હોવો જ જોઈએ. અમને પ્રારંભના વર્ષોમાં સિવિલ સર્વિસમાં પ્રશિક્ષણ કે તાલીમ આપનાર પાસેથી અમે આ પ્રથમ બોધપાઠ શીખ્યા હતા.

‘કોઈ પણ જાતના દબાણ વગર નિર્ણય લેવો’ એની પાછળનો મારો સુચિતાર્થ કયો છે? ઉદાહરણ તરીકે કોઈ ખ્રિસ્તી સમાજ કબ્રસ્તાન માટે જમીનનો કોઈ ભાગ લેવા માટે સુયોગ્ય વિનંતી કરે તો ખ્રિસ્તી ધર્મ વિરોધી ઝનૂનીઓના જાતિવાદના પ્રચારનો તેના નિર્ણય પર પ્રભાવ ન પડવો જોઈએ. તેવી જ રીતે સંસ્કૃતના પ્રચાર-પ્રસાર માટે હિંદુઓની કોઈ અનુદાન સહાય માટેની વિનંતી આવે તો બિન-સાંપ્રદાયિકતાના નામે તેનો ઇન્કાર પણ ન કરવો જોઈએ. એવી જ રીતે ઉર્દૂભાષાના ઉદ્ધાર માટે સહાયની કોઈ દરખાસ્ત મુસ્લિમો દ્વારા આવે તો તેનો પણ ઇન્કાર ન કરવો જોઈએ.

ત્રીજું, દરેકેદરેક સિવિલ સર્વન્ટે – સરકારી અધિકારીએ પોતાનાં જ્ઞાતિજાતિ, ધર્મભાષાને પોતાના ઘરે મૂકીને આવવું જોઈએ. તેઓ જ્યારે કામ માટે જાય ત્યારે આ બધી છાપો તેમની સાથે હોવી ન જોઈએ. કાર્યસ્થળે કે કચેરીકાર્યાલયમાં સરકારી નોકર કે અધિકારી જાહેર હિતમાં કામ કરતો અને લોકોની સેવા કરવાનો પ્રયત્ન કરતો કર્મચારી છે.

ચોથું, ભ્રષ્ટાચારીઓને કઠોરમાં કઠોર સજા મળવી જોઈએ, પછી ભલે ભ્રષ્ટાચારી પોતે રાજકારણી હોય કે સરકારનો મહાધિકારી. ભ્રષ્ટાચારે અત્યારે પોતાનાં મૂળિયાં એટલાં બધાં ઊંડાં ઉતારી દીધાં છે કે આ સૂચનનો અમલ પણ કઠિનતર બની ગયો છે. નાનામાં નાના ભ્રષ્ટચારના કાર્યને નિર્દયતાથી ખુલ્લું પાડી દેવું જોઈએ. રાજકારણી કે અધિકારી જેમના પર અપ્રમાણિકતાની શંકાની સોય હોય તેમનો ગાંધી ચીંધ્યા માર્ગે બહિષ્કાર કરવો જોઈએ. જ્યાં અપ્રમાણિકતાની પૂરતી સાબિતી હોય તેવી વ્યક્તિને જાહેર જીવનમાંથી ફેંકી દેવી જોઈએ અને એને જેલ ભેગી કરવી જોઈએ તેમજ ત્રણ વર્ષ કે તેથી વધારે સમય સુધી સખત કેદની સજા કરવી જોઈએ. આ બધું ઘણું અગત્યનું છે.

પાંચમું, રાજકારણીઓ અને અધિકારીઓને વિશેષાધિકાર આપવા ન જોઈએ. પ્રજાને ભોગે તેમને આનંદ પ્રમોદ અને ભોગવિલાસ ભોગવવા દેવા ન જોઈએ. ‘જાહેર રજા’ના નામે તેમને પોતાની ફરજમાંથી મુક્ત રહેવા દેવા ન જોઈએ. એમણે વખતસર કચેરીએ પહોંચી જવું જોઈએ અને કપરું કાર્ય કરવું જોઈએ. એક વખત મેં કેન્દ્ર સરકારને સૂચન કર્યું હતું કે મહાત્મા ગાંધી લગભગ ૨૪ કલાક કામ કરતા એટલે એમના જન્મદિવસ બીજી ઓક્ટોબરને રજાનો દિવસ જાહેર કરવાને બદલે તે દિવસે બે કલાક વધારે કાર્ય કરવું જોઈએ. આ સૂચનનો મને પ્રત્યુત્તર મળ્યો કે ૧૫મી ઓગસ્ટ, ૨૬મી જાન્યુઆરી અને ૨જી ઓક્ટોબર રાષ્ટ્રિય તહેવાર છે. આ પત્ર આજે પણ મેં સાચવી રાખ્યો છે.

છઠ્ઠું, સરકારના વહીવટી તંત્રની દરેક કક્ષાની વ્યક્તિને મુક્ત રીતે વિચારવા અને પોતાની સલાહ આપવા પ્રેરવી જોઈએ. ઉપલીકક્ષાના અધિકારીઓ કે પ્રધાનશ્રીઓએ એવું ન ધારી લેવું કે તેમની પાસે જ બધા શાણપણની ચાવી છે.

સાતમી અને સૌથી વધારે મહત્ત્વની બાબત છે આપણા જનસમૂહની ગરીબી. સમગ્ર વહીવટી તંત્રને આ સમસ્યાને હલ કરવાના કામે લગાડી દેવું જોઈએ. આ સમસ્યાનો નિકાલ કરવા માટે સરકારી તંત્રના બધા કર્મચારીગણને તેમજ રાજકારણીઓને સો-પાનાની એક પુસ્તિકા આપવી જોઈએ. આ પુસ્તિકામાંના અર્ધાભાગમાં સ્વામી વિવેકાનંદના ઉપદેશો અને બાકીના અર્ધાભાગમાં ગાંધીજીના સંદેશ હોવા જોઈએ. એ મહામાનવોએ ગરીબો, પીડિતો અને દલિતો તેમજ અસહાય લોકો વિશે જે વાણી ઉચ્ચારી છે એ ઉપદેશવાણી એમાં હોવી જોઈએ એમ હું સ્પષ્ટપણે કહું છું. દરેકે દરેક સરકારી અમલદારે આની મૌખિક કસોટી સફળ કરવા આદેશ આપવો જોઈએ. આ ઉપરાંત સરકારના વહીવટીતંત્રમાં દરેકેદરેકનું સતત મૂલ્યાંકન થતું રહેવું જોઈએ. એક ખ્રિસ્તી સંસ્થામાં આને ‘વિચારોનું સતત ચાલતું શુદ્ધીકરણ’ કહે છે.

આઠમું, સ્વૈચ્છિક સંસ્થાઓ અને બિનસરકારી સેવાભાવી મંડળોને પ્રેરવા જોઈએ, કારણ કે તેઓ લોકસેવાના કાર્યમાં અને ગરીબોને પ્રગતિ માટે સજ્જ કરવાના કાર્યમાં વધારે સક્ષમ છે. ઘણી બાબતોમાં વહીવટી તંત્રે આવી સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ જાહેર સેવાભાવનાને વરેલા મંડળોનું માર્ગદર્શન મેળવવું જ જોઈએ.

જો લોકો પોતે જાગ્રત હોય અને જાહેર માધ્યમનાં સાધનો તાનાશાહી કે નિર્ણય લેનારની નિષ્ફળતા પ્રત્યે આક્રમક અભિગમ અપનાવે તો વહીવટી તંત્રમાં આવાં મૂલ્યોને તો જ સામેલ કરવાનો આગ્રહ રાખી શકાય.

ગુરુના ઉપદેશની માર્મિકતા

ગુરુના આશ્રમેથી ભણી-ગણીને શિષ્યો ઘરે જવાની તૈયારીમાં હતા. એ શિષ્યોને ગુરુએ કહ્યું: ‘તમારામાંના દરેકને મારી પાસે જે જ્ઞાન હતું તે તમને આપી દીધું છે. એને બરાબર જાળવજો અને એમાં વૃદ્ધિ કરવાનો પુરુષાર્થ કરજો. મારી પાસે તમને આપવા જેવું હવે કંઈ નથી.’ આમ કહીને દરેક શિષ્યોને અનાજના દાણા પ્રસાદરૂપે આપી વિદાય કર્યા. વિદ્યાર્થીઓમાં બે સગા ભાઈઓ પણ હતા. નાના ભાઈએ એ અનાજને ચાંદીની પેટીમાં રાખીને તેની દરરોજ ભક્તિભાવથી સેવા-પૂજા કરવા માંડી. મોટા ભાઈએ એ અનાજના દાણા પોતાના ખેતરમાં વેરી દીધા. ચોમાસું આવ્યું અને વરસાદ વરસતાં એ અનાજ ઊગી નીકળ્યું. એમાંથી ઘણું અનાજ નીપજ્યું. તે પૈસાદાર બની ગયો. નાના ભાઈની પરિસ્થિતિ હતી એવી ને એવી રહી. તેણે મનમાં વિચાર્યું કે ગુરુજીએ એના મોટા ભાઈ પ્રત્યે પક્ષપાત કર્યો લાગે છે. એટલે જ એ પૈસાદાર થઈ ગયા છે.

એક દિવસ ગુરુજી આ શિષ્યોના ગામ આવ્યા અને મોટાભાઈને ઘરે પહેલાં મળવા ગયા. એમણે તો ગુરુજીનો ઘણો સત્કાર કર્યો. એમણે આપેલા અનાજના દાણા વાવીને તે કેવી રીતે પૈસા કમાણો એની વાત કરી. ત્યાંથી ગુરુજી નાનાભાઈને ઘરે ગયા. એણે પણ એમનું સન્માન કર્યું. ગુરુજી નીકળતા હતા ત્યારે નાનાભાઈએ પૂછ્યું: ‘ગુરુજી, આપશ્રીએ મોટાભાઈ પર મારા કરતાં વધુ કૃપા કરી અને એ ધનવાન બની ગયા. હું તો પહેલાં હતો એવો જ ગરીબ છું.’ ગુરુજીએ પૂછ્યું: ‘તેં અનાજનું શું કર્યું?’ નાના ભાઈએ ઘરમાં જઈને ચાંદીની પેટી ગુરુજીને બતાવી. આ પેટીમાં અનાજ રાખીને તે દરરોજ કેવી ભક્તિથી તેની પૂજા કરે છે તેની વાત કરી. ગુરુજીએ પેટી ખોલીને જોયું તો અનાજ સડી ગયું હતું. એ સડેલું અનાજ બતાવીને ગુરુજીએ કહ્યું : ‘ભાઈ, મેં પક્ષપાત કર્યો નથી. મેં તો તમારા બંને પ્રત્યે સમાન ભાવ રાખ્યો હતો. તારા મોટાભાઈએ આ પ્રસાદીના દાણાને ખેતરમાં વાવી દીધા અને એમાંથી નીપજેલા અનાજથી તે આટલું કમાયો છે. તારો મોટોભાઈ ખરેખર મારા આશીર્વાદને સમજી ગયો હતો. મેં તમને અનાજ શા માટે આપ્યું એ વાત તું ન સમજી શક્યો. એટલે તારી દશા આજે પણ હતી એવી જ છે!’ નાનાભાઈને પોતાની ભૂલ તો સમજાઈ પણ ઘણું મોડું થયા પછી.

Total Views: 55

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.