રામકૃષ્ણ સંઘના સંન્યાસીએ એક વખત પોતાનો વ્યક્તિગત અનુભવ અમને કહ્યો. આશ્રમના ભોજનખંડમાં સંન્યાસીઓ અને ભક્તોને ભોજન પીરસવાની એની ફરજ હતી. એમાં ક્યારેક ક્યારેક અગવડતા ઊભી થતી. કારણ કે કેટલાક પૂર્વ સૂચના વિના અનિયમિત સમયે આવતા રહેતા. આ વાત એણે એક વરિષ્ઠ સંન્યાસીને કરી. એમણે એક સહજ સરળ પણ અંતર્દૃષ્ટિવાળું સૂચન કર્યું: ‘તમે તમારી જાતને ભૂલી જઈને એની જગ્યાએ શ્રીમાને મૂકીને વિચારો. તેઓ જે રીતે કરે છે એ રીતે પરિસ્થિતિનો ઉકેલ શોધી લો.’ શ્રીમાની દૃષ્ટિએ જોવાથી સંન્યાસીના દૃષ્ટિકોણમાં સમૂળગું પરિવર્તન આવી ગયું. પછી તો એકેય પરિસ્થિતિ એવી ન હતી કે જેને નીભાવી ન શકાય. જો આપણે દરેક વસ્તુને શ્રીરામકૃષ્ણ અને શ્રીમાના દૃષ્ટિકોણથી જોઈએ, દરેક બાબતને એ જ દૃષ્ટિકોણથી સાંભળીએ અને એ જ પ્રમાણે આપણે આચરણ કરીએ તો આપણાં જીવન પણ કેટલાં સમૃદ્ધ અને સાર્થક બની રહે! એ પોતે જ એક સાધના બની જાય અને એનાથી આપણને ધાર્યા કરતાં પણ વધારે જીવનફળ પ્રાપ્ત થાય.

આપણા જીવનમાં સુખદ કે દુ:ખદ ઘટનાઓ ઘટે છે, એવા જ ઘટના પ્રસંગો શ્રીરામકૃષ્ણ કે શ્રીમાના જીવનમાં જોવા મળે છે. એ બંનેએ દરેકેદરેક શક્ય અનુભવની પૂર્વ ધારણા કરીને, એ પ્રમાણે એને જીવી બતાવીને આપણે એને કેવો પ્રતિભાવ આપીએ છીએ એની એમણે જાણે કે અપેક્ષા સેવી હોય એવું લાગે છે. આપણે એટલા સદ્‌ભાગી છીએ કે આ બધી અનુભૂતિઓ ખરેખર ઇતિહાસની જેમ નોંધાઈ છે અને તે આપણી સમક્ષ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ અને ‘શ્રીશ્રી માતૃચરણે’ને નામે રજૂ થઈ છે. દરરોજે દરરોજ બનેલી ઘટનાઓ પર આધારિત સહજ-સરળ ભાષામાં સર્વોત્કૃષ્ટ સત્યોનું વર્ણન કરતી અસંખ્ય ઉપદેશકથાઓ આ બંને ગ્રંથોમાં છે. દરરોજ એમાંથી થોડાંક પાનાં વાંચીને, દરેક પરિચ્છેદનું પૂરેપૂરું અર્થઘટન કરીને, અહીં તહીં વેરેલાં ઉપદેશાત્મક વિધાનો પર ચિંતનમનન કરીને તેમજ એમાં રજૂ થતા પ્રસંગોને મનશ્ચક્ષુ સમક્ષ નિહાળીને આપણે આપણા મનને જાણે કે એમની નિશ્રામાં મૂકી શકીએ છીએ.

આપણાં જીવનમાં શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા સારદાદેવી કેવાં પ્રવેશી ગયાં છે એ ખરેખર નોંધનીય છે.

ઝેક પેઈન્ટર ફ્રેંક ડોરેકે દૂર યુરોપમાં એક હૂબહૂ સંત જેવી આકૃતિવાળું અજ્ઞાત દૃશ્ય અનુભવ્યું અને એણે એ દૃશ્યને પોતાના કેનવાસ પર ઉતાર્યું. વર્ષો પછી એ ચિત્રમાં રહેલ સંતની આકૃતિને શ્રીરામકૃષ્ણ રૂપે સૌએ ઓળખી બતાવી; કારણ કે એ ચિત્ર શ્રીરામકૃષ્ણના જીવન સાથે અદલોઅદલ બંધ બેસતું હતું.

બંગાળના મહાન નાટ્યકાર ગિરિશચંદ્ર ઘોષે નાની ઉંમરમાં પોતાની માતાને ગુમાવ્યાં હતાં. પોતાની યુવાનીમાં જ્યારે તેઓ ગંભીર માંદગીમાં પટકાયા ત્યારે સ્વપ્નમાં આશ્વાસન આપતી એક દેદીપ્યમાન માતાની આકૃતિ એમણે જોઈ. ઘણાં વર્ષો પછી એમને શ્રીમા સારદાદેવીનાં દર્શન થયાં અને સ્વપ્નમાં આશ્વાસન આપનાર આ જ નારી હતાં એની એમને એ જ ક્ષણે પાકી ખાતરી થઈ.

આવા રહસ્યમય અનુભવો બહુ ઓછાને થયા છે. આમ છતાં પણ આપણામાંથી કેટલાકનાં જીવનમાં શ્રીરામકૃષ્ણ અને શ્રીમા સારદાદેવી જાણે કે છાનામાનાં પ્રવેશી જાય છે. શું બની રહ્યું છે એ આપણે અનુભવીએ તે પહેલાં તો તેઓ આપણા અસ્તિત્વનાં અંશ અને અંગ બની જાય છે. કોઈ પણ વ્યક્તિ બુદ્ધિની દૃષ્ટિએ આની મૂલવણી ન કરી શકે, આમ છતાં પણ કોઈ પણ વ્યક્તિ પોતાના બધા વિચારોમાં અને બધાં કર્મોમાં એમની પ્રભાવક અસરવાળી ઉપસ્થિતિ અનુભવી શકે છે.

‘વેદાંત કેસરી’નો ૧૯૯૪નો વિશેષાંક ‘વ્યવહારુ ધર્મ’ના વિષયને ફાળવવામાં આવ્યો હતો. બાળકો દ્વારા એ અંકમાં ઈશ્વર વિશેની લાગણીઓ જે રીતે વર્ણવી છે તે મનને તરોતાજા કરનારી અને માણસના વિચારોને ઉદ્દીપિત કરનારી છે. એમના નાના મનમાં રહેલા આવા ગહન વિચારો આપણા હૃદયને સ્પર્શી જાય છે. સર્વમાં ઈશ્વરને જોવા, ઈશ્વરનો ભય ન હોવો, પ્રભુના નિર્વ્યાજ પ્રેમમાં શ્રદ્ધા વગેરેની સંકલ્પનાઓ અને વિચારો એમાં છે; એમાંનાં મોટા ભાગનાં આપણે જ્યારે બાળકો હતા ત્યારે આપણી જાણ બહાર હતાં. શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા સારદાદેવી અને સ્વામી વિવેકાનંદની આપણા ઘરમાંની ઉપસ્થિતિએ આપણાં બાળકોના વિચારજગતમાં સઘન અને રહસ્યમય રીતે જબરો પ્રભાવ પાડ્યો હતો, એનો ખ્યાલ એક ભક્ત અને માતપિતા તરીકે આપણને ત્યારે આવે છે. આપણાં આ બાળકોનાં જીવનની આ સુસંપત્તિથી આપણાં હૃદય આનંદ અને કૃતજ્ઞતાથી છલકાઈ જાય છે; તથા આટલી નાની ઉંમરમાં એમના પર પ્રભુજીએ વરસાવેલી કૃપાથી આપણે આનંદ-આશ્ચર્ય અનુભવીએ છીએ.

શ્રીરામકૃષ્ણદેવ તથા શ્રીમાનાં સંદેશ અને બોધકથાઓ તેમજ એમનાં સહજસરળ જીવન સાહજિક રીતે અનુસરણ કરી શકાય તેવાં છે. તેઓ આપણા પોતાના હોય તેમ આપણે તેમને આંબી શકીએ છીએ. ઘરમાં વાસણમાં દૂધ મેળવીને દહીં બનાવતી ગૃહિણી આપણને એ વાતની યાદ અપાવે છે કે જ્યારે આપણું મન સ્થિર શાંત હોય ત્યારે જ સાધના શક્ય બને છે. ફણસ કાપતી વખતે હાથ પર તેલ લગાડવું જોઈએ, એ વાત આપણને ઈશ્વર પ્રત્યેનો દિવ્ય પ્રેમ આપણને સંસારની આસક્તિવાળા જીવનમાંથી મુક્ત કરે છે કે અટકાવે છે, એ વાતની યાદ અપાવે છે. આમ, અનેક રીતે તેઓ આપણાં જીવનને સતત સ્પર્શી રહ્યાં છે.

શ્રીરામકૃષ્ણ દૈનંદિન જીવનની નાનામાં નાની બાબત પ્રત્યે પણ પૂરતું ધ્યાન આપવા ટેવાયેલા હતા. એમની દૃષ્ટિએ બધું જ્ઞાન ઈશ્વરમાંથી જ આવે છે અને એટલે જ ઈશ્વરનું જ્ઞાન મેળવવા માટે કોઈ પણ જ્ઞાનશાખા ઊતરતી કક્ષાની નથી. તેમણે પોતાનાં યુવાન પત્નીને પણ દૈનંદિન ગૃહકાર્યમાં કેળવ્યાં હતાં. સાથે ને સાથે નિયમિતતા અને સુઘડતાની આવશ્યકતાનું મહત્ત્વ સમજાવતા અને તેના પર પૂરતું ધ્યાન આપવા કહેતા. તેઓ કહેતા: ‘દરેકે પોતાની વ્યક્તિગત બાબતો જેવી કે કપડાં ધોવાં, ઘરને સુવ્યવસ્થિત સુઘડ રાખવું, વગેરેની પૂરતી કાળજી લેવી જોઈએ; કારણ કે આ દરેક બાબત પ્રભુનું જ કાર્ય છે. સદૈવ એક મહાન પૂજા ચાલતી રહે છે. કશાયની અવગણના ન થાય. ખાવા, હલન-ચલન કરવા, વાતો કરવા, ઊંઘવા જેવી આપણાં જીવનની બધી પ્રવૃત્તિઓમાં આપણે ઈશ્વરનું ચિંતન કરવું જોઈએ. આ જ સાચો ધર્મ છે.’ (રામકૃષ્ણ એઝ વી સો હીમ, સ્વામી ચેતનાનંદ, અદ્વૈત આશ્રમ, ૧૯૯૨, પૃ.૩૦૩-૩૦૪)

શ્રીમા સારદાદેવીની દૃષ્ટિએ સાધનાની સૌથી સરળ રીત જપ છે. તેઓ પોતે પણ એનું આચરણ કરતાં અને દરરોજ એક લાખ જેટલા મંત્રજપ કરતાં. તેઓ પ્રેમ, ભક્તિ અને આધ્યાત્મિક જીવન પર વધુ ભાર દેતાં. તેઓ માતૃપ્રેમ અને કરુણાભાવનું મૂર્તરૂપ હતાં. ભગિની નિવેદિતા કહે છે : ‘ભારતીય નારીના આદર્શ માટે મારી દૃષ્ટિએ તેઓ શ્રીરામકૃષ્ણનું અંતિમ વચન છે એવું મને લાગ્યું છે… સૌથી સરળમાં સરળ સ્ત્રી પણ કેળવી શકે તેવાં શાણપણ અને માધુર્ય તેમનામાં અનુભૂત થતાં કોઈને પણ જોવા મળે છે… એમનું જીવન એટલે સુદીર્ઘકાળનું શાંત અને ધીર પ્રાર્થનાનું જીવન.’ (સિસ્ટર નિવેદિતા, ધ માસ્ટર એઝ આઈ સો હીમ, ઉદ્‌બોધન, પૃ.૧૨૨)

આપણા માટે શ્રીમાનો શ્રેષ્ઠ સંદેશ આ હોઈ શકે: ‘પણ હું તમને એક વાત કહું છું. જો તમે શાંતિ ચાહતા હો તો દોષ કોઈના જોતા નહિ. દોષ જો જો પોતાના. જગતને તમારું કરતાં શીખો. કોઈ પારકું નથી, જગત છે તમારું.’ (હોલી મધર શ્રી સારદાદેવી, સ્વામી ગંભીરાનંદ, પૃ.૫૧૯)

ઉપર્યુક્ત વાણી પ્રેરણાદાયી છે. પણ આપણે તેને માત્ર વાંચીને સંતોષ માની ન લેવો જોઈએ. આપણે તો આ સંદેશને આચરણમાં ઉતારવા મથવું જોઈએ. શ્રીરામકૃષ્ણ અને શ્રીમા સારદાદેવીની ઇચ્છા અને ઉપદેશ પ્રમાણે આપણે કેવી રીતે જીવન જીવીએ એનું એક સહજસરળ ઉદાહરણ આપણે જીવી બતાવવા પ્રયત્ન કરવો જોઈએ. આ આપણને ઘણું અઘરું તો લાગશે, પરંતુ આપણને શ્રીરામકૃષ્ણદેવની એટલી ખાતરી છે કે આપણે પ્રભુ તરફ એક ડગલું આગળ વધીએ તો તેઓ સો ડગલાં આપણા તરફ આગળ આવશે. આવી પૂર્ણતાની ભાવના સાથે ભરેલું એક એક ડગલું આપણને સતત આગળ અને આગળ ધપતા રાખશે. જો આપણી ભીતર રહેલી શક્તિઓથી આપણે જાગ્રત ન થયા હોઈએ તો હવે એ જાગ્રત થવાનો સમય આવી ચૂક્યો છે.

શ્રીરામકૃષ્ણ અને શ્રીમા સારદાદેવી આપણી સાથે હજી પણ સૂક્ષ્મ દેહે છે જ. એમનો દિવ્ય આત્મા કાળને ભેદીને પણ ઈશ્વરાનુભૂતિ અને અંતરની શાંતિ ઝંખતા આધ્યાત્મિક પિપાસુઓને માર્ગદર્શન આપી શકે છે. તેઓ બંને પોતાનાં પ્રેમ અને અમીદૃષ્ટિ વરસાવવામાં ગૃહસ્થ કે સંન્યાસીનો ભેદ ન રાખતાં. તેમણે ગૃહસ્થ ભક્તોને પણ આધ્યાત્મિક પથ બતાવ્યો હતો. એમના સંદેશને જીવનમાં ઝીલવા – આચરણમાં મૂકવાની વાત પણ એમણે કરી હતી. એમનાં પવિત્ર જીવન ગૃહસ્થોને એક નવજીવનપથ બતાવે છે. એના દ્વારા ગૃહસ્થો પોતાના ઘરની અને જીવનની ફરજો બજાવતાં બજાવતાં પણ સર્વોત્કૃષ્ટ આધ્યાત્મિક આનંદની પ્રાપ્તિ કરી શકે છે. કૌટુંબિક જીવનમાં પણ આધ્યાત્મિક દિશાના ઉઘાડની જાગૃતિ મોટા પ્રમાણમાં નિપજાવી શકાય છે એ રામકૃષ્ણ ભાવધારાની સૌથી વધારે મહત્ત્વની સિદ્ધિ છે.

Total Views: 34

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.