(સુબ્રોતો બાગચી ‘માઈન્ડ ટ્રી કન્સલ્ટીંગ’માં ચીફ ઓપરેટિંગ ઓફિસર હતા. એમણે ‘ક્લાસ ઓફ ૨૦૦૬-આઈ. આઈ.એમ. બેંગલોર’ને ૨ જુલાઈ ૨૦૦૪ના રોજ આપેલ અંગ્રેજી વક્તવ્યનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.)

એક સરકારી કર્મચારીના પાંચ ભાઈઓના કુટુંબનું હું છેલ્લું સંતાન હતો. મારી પૂર્વ સ્મૃતિ પ્રમાણે મારા પિતા કોરાપુટ ઓરિસ્સામાં જિલ્લા રોજગાર અધિકારી હતા. તમારી કલ્પનાની બહારની અસુવિધાનો એ સમય હતો. વીજળી ન હતી, નજીકમાં પ્રાથમિક શાળાયે ન હતી અને નળનું પાણી પણ ન મળતું. પરિણામે આઠ વર્ષની ઉંમર સુધી હું શાળાએ જઈ શક્યો ન હતો. હું ઘરે જ ભણતો. મારા પિતાની દર વર્ષે બદલી થતી રહેતી. અમારું કુટુંબ જીપમાં જ જાણે કે હરતું-ફરતું રહેતું. એક સ્થળેથી બીજે સ્થળે બદલીને કારણે જવું પડતું. પણ એમાં અમને કંઈ મુશ્કેલી ન પડતી. મારી મા બધું વ્યવસ્થિત ગોઠવી દેતી અને અમારું ઘર સુપેરે ચાલવા માંડતું. પૂર્વ બંગાળમાંથી નિરાશ્રિત રૂપે આવેલ એક મેટ્રિક્યુલેટ વિધવા સાથે મારા પિતાએ લગ્ન કર્યાં અને એમણે મને ઉછેર્યો. મારા પિતાએ જ મારા જીવનની આધારશિલા રચી દીધી હતી. મૂલ્યનિષ્ઠ આધારભૂમિકા સાથેના જીવન વિશે હું કહી શકું તો એને લીધે જ આજે મને સફળતા મળતી રહે છે.

જિલ્લાના રોજગાર અધિકારીના રૂપે મારા પિતાને જીપ મળતી. ઓફિસમાં ગેરેજ ન હતું એટલે જીપ અમારા ઘરે જ રહેતી. મારા પિતા એ જીપનો ઓફિસે જવા આવવા સિવાય બીજો કોઈ ઉપયોગ કરવા ન દેતા. તેઓ અમને કહેતા કે સરકારે આપેલ આ જીપ ઘણી ખર્ચાળ છે અને એમ પણ જણાવતા કે આ જીપ ‘પોતાની નથી’ પણ સરકારની છે. સામાન્ય રીતે મારા પિતાજી ઓફિસે ચાલીને જ જતા પણ દૂર દરાજનાં ગામ શહેરમાં જતી વખતે જીપનો ઉપયોગ કરતા. સામાન્ય રીતે અમે સરકારી જીપમાં ન બેસીએ; તેની તેઓ બરાબર ચોકસાઈ રાખતા. અલબત્ત, ઘરે ખાલી પડી હોય ત્યારે અમે એમાં બેસી લેતા. આ અમારા પ્રારંભના બાળપણના ઉછેરના બોધપાઠ હતા. આ બોધપાઠ આજની ઔદ્યોગિક પેઢીના મેનેજરોને શીખવા કપરા લાગે અને કેટલાક તો ક્યારેય શીખીયે ન શકે.

જીપના ડ્રાઈવરનું પૂરતું માન-સન્માન જળવાતું. એક અધિકારીનાં બાળકો રૂપે અમે ક્યારેય એમને નામથી ન બોલાવીએ એવું અમને શીખવવામાં આવતું. અમે જાહેરમાં કે ખાનગીમાં એમને બોલાવતા ત્યારે ‘દાદા’ કહીને સંબોધતા. જ્યારે હું મોટો થયો અને મારે ઘરની ગાડી આવી અને મેં રાજુ નામના એક ભાઈને ડ્રાઈવર તરીકે રાખ્યો ત્યારે આ જ બોધપાઠ મેં મારી નાની બે બાળકીઓને ફરીથી આપ્યો. આને પરિણામે જ્યારે તે બંને મોટી થઈ ત્યારે ‘રાજુ અંકલ’ એમ કહીને બોલાવતી. એમની કેટલીક સખીઓ કરતાં આ જરા જુદું વર્તન હતું. તેઓ તો ‘મારો ડ્રાઈવર’ એમ જ કહેતી. જ્યારે જ્યારે હું કોઈ શાળા/કોલેજે જતા વ્યક્તિને આવું સંબોધન કરતાં સાંભળું છું ત્યારે મને આંચકો લાગે છે. મારી દૃષ્ટિએ આ બોધપાઠ ઘણો મહત્ત્વનો છે – મોટા વ્યક્તિ કરતાં પણ નાના વ્યક્તિ સાથે વધારે માન-સન્માનથી વર્તો. એનો અર્થ એ થયો કે તમે તમારા કરતાં શ્રેયાનને સન્માન આપો છો એના કરતાં તમારાથી કનિયાન લોકો પ્રત્યે પણ વધારે સન્માનથી વર્તો એ મહત્ત્વનું છે.

માના ચૂલાની આજુબાજુ ખચોખચ ભરાઈને અમારો દિવસ શરૂ થતો. જ્યાં જ્યાં અમારી બદલી થતી ત્યાં ત્યાં મા ચૂલો બનાવી લેતી અને એના પર ભોજન રાંધતી. એ વખતે ગેસ કે વિદ્યુત સગડીની વ્યવસ્થા ન હતી. સવારની દૈનિક ક્રિયા ચા સાથે શરૂ થતી. ચા અપાય કે તરત જ પિતાજી અમને સ્ટેટમેનનું સંપાદકીય પાનું જોરથી વાંચવા કહેતા. આવૃત્તિ એક દિવસ મોડી મળતી. અમે જે કંઈ વાંચતાં એમાંથી ઘણું બધું સમજી ન શકતાં. પણ આ નિત્યક્રમ અમારા માટે એટલે હતો કે કોરાપુટ જિલ્લા કરતાં દુનિયા ઘણી મોટી છે એનો અમને ખ્યાલ આવતો. હું ઉડિયા માધ્યમમાં ભણ્યો છું છતાં પણ આજે જે અંગ્રેજી બોલું છું તેને અમારા આ દૈનિક ક્રમ સાથે ઘણો સંબંધ છે. વર્તમાન પત્ર મોટેથી વાંચી લીધા પછી અમને એ બરાબર વાળીને સુઘડ રીતે મૂકવા કહેતા. પિતાજી અમને બહુ સરળ અને સાદો બોધપાઠ શીખવતા. તેઓ કહેતા : ‘તમને સરળતાથી મળી રહે એ રીતે તમારાં સમાચારપત્રો અને વસ્ત્રો વગેરે મૂકવાં જોઈએ.’ બીજા પ્રત્યે માન-સન્માન દાખવવાની પણ શીખ મળતી. આવી રીતે અમારું દૈનંદિન કાર્ય સીધાસાદા ઉપદેશ સાથે શરૂ થતું અને પૂરું થતું.

અમે નાના હતા એટલે સમાચાર પત્રમાં ટ્રાંજીસ્ટર રેડિયોની જાહેરાતને ઘેલા બનીને જોતા. અમારી પાસે આવો ટ્રાંજીસ્ટર રેડિયો ન હતો. અમે બીજા લોકોના ઘરે રેડિયો જોયો હતો. અવારનવાર ફિલિપ્સ, મરફી અને બુશ રેડિયોની જાહેરાત આવતી હતી. આપણે રેડિયો ક્યારે લઈશું, એમ અમે અમારા પિતાને પૂછતા. દરેક વખતે મારા પિતાજી પ્રત્યુત્તર આપતા કે આપણે રેડિયોની જરૂર નથી. એનું કારણ એ છે કે મારી પાસે પાંચ રેડિયો તો છે જ (પાંચ સંતાનો). અમારે પોતાનું ઘર તો હતું નહિ. બીજાની જેમ આપણું પોતાનું ઘર ક્યારે બનશે અને ક્યારે આપણે પોતાના ઘરમાં રહીશું, એમ પણ અમે પ્રસંગોપાત પૂછતા. તેઓ આવો જવાબ આપતા: ‘જુઓ, આપણે પોતાના ઘરની જરૂર નથી. મારી પાસે પાંચ ઘર તો છે જ.’ એ વખતે એમના આ ઉત્તરથી હૃદયમાં આનંદ ન થતો. આમ છતાં પણ અમે એટલું તો જરૂર શીખ્યા કે ભૌતિક કે સ્થાવર સંપત્તિ દ્વારા કોઈની ક્ષેમકુશળતા કે વ્યક્તિગત સફળતાને માપવી એ મહત્ત્વનું નથી.

સરકારી મકાનોમાં વંડી જેવું હોતું નથી. હું અને મારી માતા ડાળી-ડાળખાં લાવીને નાની વાડ જેવું કરી લેતા. ભોજન પછી મારી માતા સૂતી નહિ. મા રસોડાના ધારદાર વાસણ બહાર લાવતી અને આજુબાજુમાં ઉધઈના રાફડાને ખોદી નાખતી. અમે ફૂલછોડ પણ ઉછેર્યા હતા. ઉધઈ એ ફૂલછોડને થવા ન દેતી. મારી માતા ચૂલામાંથી રાખ લઈને માટીમાં ભેળવીને પછી અમે ફરીથી રોપા વાવતા. આ વખતે એ પૂરબહારમાં ખીલ્યા.

બરાબર એ જ સમયે પિતાની બદલીનો ઓર્ડર આવ્યો. કેટલાક પડોશીઓ મારી માતાને સલાહ આપતાં કહેતાં કે શા માટે આ સરકારી મકાનને સુંદર બનાવવાનો આટલો ઢસરડો કરો છો? હવે પછી મકાનમાં આવનારના લાભાર્થે શા માટે આવા રોપા-છોડ અને બીજ વાવો છો? મારી માતા મીઠો જવાબ વાળતાં: ‘જુઓ બહેન, હું આ ફૂલો પૂરબહારમાં ખીલે એને ન જોઉં તો એમાં મને કંઈ હરકત જેવું નથી લાગતું.’ વળી તેઓ આગળ કહેતાં: ‘જુઓ બહેન, જ્યારે જ્યારે મને નવું ઘર અપાય ત્યારે હું વેરાન રણમાં સુંદર ફૂલછોડનું વન ઊભું કરવા ઇચ્છું છું અને મને મળ્યું હતું એના કરતાં વધારે સુંદર બનાવવાનો મારો પ્રયત્ન હોય છે.’ મારા સફળ જીવનનો આ પ્રથમ બોધપાઠ હતો. તમે પોતાને માટે શું શું નિપજાવી શકો કે ઊભું કરી શકો એના કરતાં તમે તમારાં કેવાં અને કેટલાં સર્જનો પાછળ છોડી જાઓ છો, એ જ સફળતાની સાચી વ્યાખ્યા છે.

હું ઘણો નાનો હતો ત્યારે મારી માતાની આંખમાં મોતિયા આવવા લાગ્યા. એ જ સમયે મારા સૌથી મોટા ભાઈને ભુવનેશ્વર યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકની નોકરી મળી. સાથે ને સાથે એણે સિવિલ સર્વિસની પરીક્ષાઓ માટે તૈયારીઓ કરવાની હતી. અંતે એવું નક્કી થયું કે મા એમને રાંધી આપવા માટે ત્યાં જાય અને હું એમની સાથે મદદગાર રૂપે જાઉં. આ રીતે મારે પણ જવું પડ્યું. મારા જીવનમાં મેં પહેલી વખત ઘરમાં વીજળી જોઈ અને નળમાં આવતું પાણીયે જોયું. ૧૯૬૫ની આસપાસનો આ સમય હતો અને ત્યારે આપણો દેશ પાકિસ્તાન સાથે યુદ્ધ કરતો હતો. બંગાળી હોવાને લીધે અને ઉડિયા ભાષાની લિપિ ન જાણતા હોવાને લીધે મારી માને વાંચવામાં સમસ્યા ઊભી થતી. મારા દરરોજનાં કાર્યો ઉપરાંત સ્થાનિક સમાચારપત્રો અથથી ઇતિ સુધી એમને વાંચી સંભળાવવાની જવાબદારી પણ મારી હતી. આને લીધે મારામાં આ વિશાળ દુનિયા સાથે સંલગ્ન રહેવાની ભાવના ઊભી થઈ. હું બીજી કેટલીયે બાબતમાં રસ લેતો થઈ ગયો. યુદ્ધના સમાચાર વાંચતી વખતે જાણે હું જ યુદ્ધ લડી રહ્યો હોઉં એવું મને લાગતું. મારી માતા અને હું બંને દરરોજના સમાચારની ચર્ચા કરતાં અને આમ આ વિશાળ વિશ્વ સાથે એક નાતો બંધાઈ ગયો. આ બાબતમાં અમે બંને આ વિશાળ યથાર્થતાના એક ભાગ બની ગયાં. આજની તારીખ સુધી હું આ વિશાળ સંલગ્નતાના ભાવના અર્થમાં મારી સફળતાનું મૂલ્યાંકન કરું છું.

એ દરમિયાન યુદ્ધ તો વધતું ગયું અને ભારતે બંને મોરચે લડવાનું હતું. તત્કાલીન વડાપ્રધાન શ્રી લાલબહાદૂર શાસ્ત્રીએ ‘જય જવાન જય કિશાન’ નામનું એક નવું સૂત્ર આપ્યું અને સમગ્ર રાષ્ટ્રને દેશભક્તિના રંગે રંગી દીધું. મારી મા માટે આવી રીતે સમાચારપત્રો વાંચી દેવા સિવાય એમના બીજા કોઈ કાર્યમાં મદદગાર થઈ શકવાની સ્થિતિ મારી ન હતી. એટલે સમાચાર પત્ર વાંચી લીધા પછી હું દરરોજ યુનિવર્સિટીની પાણીની ટાંકી પાસે ઊભો રહેતો. આ પાણીની ટાંકીમાંથી સમાજને પાણી મળતું. કદાચ કોઈ પરદેશી જાસૂસ આવે અને આ પાણીની ટાંકીમાં ઝેર નાખી ન દે એવા નઠારા કાર્ય પર નજર રાખવાનું કામ મારું છે, એવી કલ્પના કરીને હું કલાકોના કલાકો સુધી એની નીચે બેઠો રહેતો. આવા કોઈ જાસૂસને મેં પકડી લીધો હોય અને બીજે દિવસે સમાચાર પત્રમાં હું ઝળક્યો હોઉં એવાં દિવાસ્વપ્ન પણ હું સેવતો. પણ મારા કમભાગ્યે આ ઘોરતા રહેતા ભુવનેશ્વર શહેરની આ જાસૂસોને કાંઈ પડી ન હતી અને મને કોઈ દિવસ એમને પકડવાની તક પણ ન મળી. આમ છતાં પણ આ કાર્યે મારી કલ્પનાની આડેનાં તાળાં ખોલી નાખ્યાં. આ કલ્પના કે મનોવિહાર એ સર્વકંઈ છે. જો આપણે આપણા ભાવિની કલ્પના કરીએ તો આપણે ભાવિને સર્જી શકીએ. જો આપણે એ ભાવિને સર્જી શકીએ તો બીજા લોકો એની શીતળ છાંયડીમાં જીવી શકે. આ છે સફળતાનું સારભૂત તત્ત્વ.

પછીનાં થોડાં વર્ષોમાં મારી માની નજર નબળી પડતી ગઈ પણ એણે મારામાં એક વિશાળ દૃષ્ટિકોણ ઊભો કર્યો. એ દૃષ્ટિકોણથી હું આ સમગ્ર વિશ્વને સતત નિહાળતો રહ્યો. મને લાગે છે તેમ મારી આંખો દ્વારા તે પણ સમગ્ર વિશ્વને નિહાળતી હતી. આમ થોડાં વર્ષો વીત્યાં. મારી માતાની આંખની નજર વધુ ને વધુ મંદ પડતી ગઈ અને એના મોતિયાનું ઓપરેશન થયું. પોતાના ઓપરેશન પછી જ્યારે તે ઘરે પાછી ફરી ત્યારે પહેલી વખત મારો ચહેરો સ્પષ્ટ જોઈને એની નવાઈનો પાર ન રહ્યો, એ ઘટના મને યાદ આવે છે. એણે કહ્યું : ‘અરે ભગવાન! મને તો ખબરેય ન હતી કે તું આટલો બધો દેખાવડો છે!’ આજની તારીખ સુધી એમની આ ખુશીના ઉદ્‌ગારોથી હું ખૂબ આનંદ અનુભવું છું. અઠવાડિયામાં મારી માની આંખ સારી સાજી થઈ તો ગઈ પણ કોર્નિયામાં એને અલ્સર થયું અને બંને આંખે અંધ થઈ ગઈ. એ ૧૯૬૯નું વર્ષ હતું. મારી મા ૨૦૦૨માં મૃત્યુ પામી. એટલે ૩૨ વર્ષ સુધી અંધાપામાં જ જીવી. આમ છતાં પણ એમણે ક્યારેય પોતાની કમનસીબીનાં રોદાણાં રોયાં ન હતાં. પોતાની દૃષ્ટિહીન આંખોએ તેમણે શું જોયું એ જાણવાની મને જિજ્ઞાસા થઈ. એટલે એક વખત મેં એને પૂછી નાખ્યું કે તું અંધારું જોઈ શકે કે કેમ? તેમણે જવાબ આપ્યો: ‘ના બેટા, મને અંધારુંયે દેખાતું નથી. હું મારી બંધ આંખે પણ માત્ર પ્રકાશ જ જોઉં છું.’ તેઓ એંશી વર્ષનાં થયાં ત્યાં સુધી દરરોજ સવારે યોગ કરતાં. પોતાનો ઓરડો પોતાની મેળે વાળતાં અને કપડાં પણ હાથે જ ધોતાં. મારી દૃષ્ટિએ સફળતા તો આ સ્વાવલંબન કે સ્વાધીનતાની ભાવનામાં; સાથે ને સાથે આ દુનિયાને ન જોવામાં નહિ પણ પ્રકાશને જોવામાં જ રહેલ છે.

વચ્ચેના સમયગાળા દરમિયાન હું મોટો થયો, મેં અભ્યાસ કર્યો અને એક ઉદ્યોગમાં જોડાયો. એની સાથે મેં મારા જીવનપથની યાત્રા શરૂ કરી. સરકારી ઓફિસમાં એક કારકુન તરીકે મેં મારા જીવનની કારકિર્દી આરંભી. તેમાંથી આગળ વધીને ડીસીએમ સમુહમાં હું મેનેજમેન્ટનો તાલીમાર્થી બન્યો. જ્યારે ભારતમાં ૧૯૮૧માં ચોથી પેઢીનું કમ્પ્યુટર આવ્યું ત્યારે આઈ.ટી. ઇન્ડસ્ટ્રીઝ સાથે મારા જીવનનો સાદ મેં સાંભળ્યો. મારા જીવનનો વ્યવસાય અને જીવન મને અનેક સ્થળે લઈ ગયા; મેં કેટલાય અગ્રણી વ્યક્તિઓ સાથે કામ કર્યું, પડકારતા કાર્યબોજ પણ મેં સ્વીકાર્યા અને સમગ્ર વિશ્વમાં હું ફરી વળ્યો. ૧૯૯૨માં જ્યારે યુ.એસ.એ.માં મારી નિમણૂક થઈ ત્યારે મને જાણવા મળ્યું કે મારા પિતાજી નિવૃત્ત જીવન મારા મોટા ભાઈના ઘરે ગાળતા હતા. તેમને ત્યાં ઓચિંતાની આગમાં ખૂબ દાઝી ગયા અને દિલ્હીની સફદરજુંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હું એમની સેવાચાકરી કરવા વળી પાછો હવાઈ માર્ગે દિલ્હી આવ્યો. મારા પિતાજી થોડા દિવસો જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતા રહ્યા. પગનાં આંગળાથી માંડીને ગરદન સુધી પાટાપીંડી હતાં. સફદરજુંગ હોસ્પિટલમાં સ્વચ્છતાનો સાવ અભાવ હતો. પરિચારિકાઓને વધુ કામ કરવું પડતું અને પ્રમાણમાં ઓછા અનુભવવાળી હતી. એટલે એની સેવાસુશ્રૂષા પ્રમાણમાં નબળી કહેવાય એવી હતી. એક દિવસ સવારે હું મારા પિતાની પથારી પાસે હતો, એ વખતે મને ખ્યાલ આવ્યો કે લોહી ચડાવવાની બોટલમાં લોહી હતું નહિ અને એની નસોમાં હવા જશે એવા ભયથી મેં મારા પિતાનું ધ્યાન રાખતી પરિચારિકાને એ બોટલ બદલાવવા કહ્યું. એણે એ બધું મારી મેળે કરી લેવા સ્પષ્ટપણે કહી દીધું. આ મૃત્યુની ભયંકર રંગભૂમિમાં મારાં દુ:ખ, ક્રોધ અને હતાશાનો કોઈ પાર ન હતો. અંતે એ પરિચારિકા થોડી કૂણી પડી અને મારા પિતાની પથારી પાસે આવી. પિતાએ આખો ખોલી અને અત્યંત ધીમા અવાજે એને કહ્યું: ‘અરે બહેન, તું હજી સુધી ઘરે શા માટે નથી ગઈ?’ અહીં એક માણસ જીવનમરણ વચ્ચે ઝોલાં ખાય છે અને સાથે ને સાથે એને આ અતિકામગરી પરિચારિકાના કામના બોજાની પોતાની દયનીય સ્થિતિને ધ્યાનમાં લીધા વગર ચિંતા કરે છે. આના પરથી મને એ જ બોધપાઠ મળ્યો કે જીવનમાં બીજા માનવ માટેની ખેવના કે ચિંતા કરવામાં કોઈ મર્યાદા હોતી નથી. સૌને પોતાનામાં આવરી લેવાનો ભાવ વ્યક્તિએ પોતે જ પેદા કરવો પડે. બીજે જ દિવસે પિતાનું મૃત્યુ થયું.

મારા પિતા એવા માનવ હતા કે જેમની સફળતાને એમનાં જીવનમૂલ્યો કે સિદ્ધાંતો, એમની કરકસરપૂર્વક જીવન જીવવાની કળા, એમનો સાર્વત્રિક પ્રેમભાવ અને સૌને પોતાના ગણી લેવાના ભાવ દ્વારા માપી શકાય. આ ઉપરાંત એમણે મને એ પણ શીખવ્યું કે તમારી બધી અગવડતા અને મુશ્કેલીઓની વચ્ચે ઉન્નત થવાની તમારી ક્ષમતા એ જ સફળતા છે; પછી ભલે તમારી વર્તમાન પરિસ્થિતિ કે દરજ્જો ગમે તે હોય. તમારા તત્કાલીન સંજોગોથી ઉપર ઊઠીને તમે તમારી ચેતનાને જો તમે ઇચ્છો તો ઉન્નત કરી શકો. સફળતા કોઈ ભૌતિક સુવિધાઓની વૃદ્ધિ કરવામાં નથી. આવું કહેનાર મારા પિતા પોતાના જીવનમાં એક ટ્રાંજીસ્ટર રેડિયો પણ ખરીદી શક્યા ન હતા અને શાંતિથી રહેવા માટે પોતાનું ઘર પણ બાંધી શક્યા ન હતા. એમણે આપેલ અમૂલ્ય વારસો, પોતાના આદર્શોને અનુસરવાની સાતત્યતા, બહુ ઓછા પગારવાળી અને કોઈ કદરદાની વિહોણી સરકારી નોકરીઆત તરીકે રહીને જગતમાં ઉન્નત થવામાં એમની સાચી જીવન-સફળતા રહેલી છે.

મારા પિતાજી બ્રિટિશ શાસનમાં ઘણો વિશ્વાસ ધરાવતા હતા. સ્વતંત્રતા પછીના ભારતીય રાજનૈતિક પક્ષોની આ દેશ પરનું શાસન ચલાવવાની ક્ષમતામાં એમને પૂરતી શંકા હતી. એમની દૃષ્ટિએ યુનિયન ઝેકને ઉતારવો એટલે એક દુ:ખદ ઘટના હતી. મારી મા એનાથી બરાબર વિરુદ્ધનો અભિપ્રાય ધરાવતી. જ્યારે સુભાષચંદ્ર બોઝે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનો ત્યાગ કર્યો અને તેઓ ઢાંકા આવ્યા ત્યારે મારી માતાએ એક વિદ્યાર્થિની રૂપે એમને હારતોરા કર્યા હતા. તે ખાદી વણતા શીખી ગઈ અને ભૂમિગત આંદોલનમાં જોડાઈ અને તેણે તલવાર અને ચપ્પુ ચલાવવાની તાલીમ પણ લીધી હતી. આમ જોઈએ તો અમારા બંને વડીલોમાં રાજનૈતિક દૃષ્ટિકોણમાં ચોખ્ખો વિરોધ અમે જોયો. વિશ્વ વિશેની સમસ્યાભરી ઘટનાઓ માટે આ વૃદ્ધ પુરુષ (પિતા) અને વૃદ્ધ નારી (માતા)ની વચ્ચે મતભેદો રહેતા. એમની પાસેથી અમે કોઈ પણ વિષય વિશે અસહમત થવાની શક્તિ, પરસ્પર વિચાર-વિનિમય કરવાની ક્ષમતા અને વિચારોમાં આવી ભિન્નતા સાથે જીવવાના સાર વિશે ઘણું ઘણું શીખ્યા. કોઈ ચોક્કસ રૂઢિવાદી વિચારસરણીને નિપજાવવાની ક્ષમતામાં સફળતા નથી, એ તો છે વિચારની પ્રક્રિયાના ઉઘાડમાં, પરિસંવાદ કે વાર્તાલાપમાં અને સાતત્યમાં.

બે વર્ષ પછી ૮૨ વર્ષની ઉંમરે મારી માતાને પક્ષઘાતનો હુમલો થયો અને તે ભુવનેશ્વરની સરકારી ઇસ્પિતાલમાં હતાં. એ વખતે હું યુ.એસ.માં બીજી વખતની સેવાકીય પ્રવૃત્તિમાં હતો. ત્યાંથી હું હવાઈ માર્ગે ભુવનેશ્વર આવ્યો. બે અઠવાડિયા મેં એમની સાથે હોસ્પિટલમાં વીતાવ્યાં. તેઓ તો પક્ષઘાતની અસર નીચે જ હતાં. એમની તબિયત સારીયે નહોતી થતી અને હલીચલી પણ શકતાં ન હતાં. હવે મારે મારા કામ માટે પાછું જવાનું હતું. એમનાથી છૂટા પડતી વખતે મેં એમને ચુંબન કર્યું. પક્ષઘાતની અસર નીચે ગળગળા અવાજે તેમણે કહ્યું: ‘મને શા માટે ચૂમે છે. તું જા અને દુનિયાને ચૂમી લે.’ એમની જીવનનદી હવે યાત્રાના અંત તરફ વહેતી હતી, એટલે કે જીવન અને મૃત્યુના સંગમ સ્થાને હતી. આ સ્ત્રી ભારતમાં એક નિરાશ્રિત સ્ત્રી તરીકે આવી અને વિધવા માતાએ જેને આગળ વધારી. માધ્યમિક શાળાથી વધુ કેળવણી ન મેળવનાર, જેનો છેલ્લો પગાર ત્રણસો રૂપિયા હતો એવા એક અજાણ્યા સરકારી નોકરની સાથે લગ્ન કરનાર, નસીબજોગે પોતાની દૃષ્ટિ ગુમાવનાર અને વિષમ સંજોગોમાં જ સતત જીવતી રહેનાર મા કે એક અદ્‌ભુત નારી મને દુનિયાને ચાહવાનું કહે છે!

મારી દૃષ્ટિએ સફળતા એટલે દૃષ્ટિકોણ કેળવવો.

પ્રત્યક્ષ દુ:ખોથી પર થઈને ઉપર ઊઠવું એ છે માનવની સાચી ક્ષમતા.

દૃષ્ટિકોણ એટલે કલ્પનાનો મનોવિહાર,

નવી દૃષ્ટિ એટલે નાના માણસો પ્રત્યે પણ સંવેદના,

દૃષ્ટિ એટલે સૌને આવરી લેવાની ભાવના,

દૃષ્ટિકોણ એટલે વિશાળ વિશ્વના અસ્તિત્વ સાથેની સંલગ્નતા,

દૃષ્ટિકોણ એટલે વ્યક્તિગત દૃઢતા,

દૃષ્ટિ એટલે જીવનમાંથી જે કંઈ લો તેના કરતાં તેને વધુ પ્રમાણમાં પાછું આપો,

દૃષ્ટિ એટલે સામાન્ય જીવન સાથે અદ્‌ભુત સફળતા નિપજાવવી.

Total Views: 28

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.