કોઈ એક પ્રદેશમાં રાજા પરમ શિવભક્ત હતા. મહેલની નજીક રાજાનું ખાનગી શિવમંદિર હતું. શ્વેત આરસપારસથી જડેલા એ મંદિરની કેવી અપૂર્વ શોભા હતી! મંદિરના ગર્ભગૃહમાં આરસપહાણનું એક વિશાળ શિવલિંગ. રાજાના પુરોહિત હંમેશ મહાદેવને પંચામૃતથી સ્નાન કરાવે. રાજા પણ દરરોજ ત્યાં આવે અને પોતાના હાથે ફૂલ, બિલ્વપત્ર, ગંગાજળ ઈષ્ટદેવતાને ચઢાવીને ઉપાસના કરે. એક વખત ચાતુર્માસમાં રાજાને બહુ ઇચ્છા થઈ કે શ્રાવણના પ્રત્યેક સોમવારે તે મહાદેવનો દૂધથી અભિષેક કરશે અને રાજ્યની તમામ પ્રજા પણ મહાદેવનો દૂધથી અભિષેક કરશે; તો ગર્ભમંદિર દૂધથી છલકાઈ જશે. આવું દુર્લભ દૃશ્ય જોઈને શિવભક્ત મહારાજને પરમ આનંદ થશે.

રાજાની ઇચ્છા પૂરી કરવાનું મન કોને ન થાય? રાજાના મિત્રો, સેવકો અને મંત્રીઓએ સમગ્ર રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો. શ્રાવણના પ્રત્યેક સોમવારે રાજમહેલના શિવમંદિરના દરવાજા આખો દિવસ ખુલ્લા રહેશે. રાજાની ઇચ્છા છે કે તે દિવસે પ્રજા યથાશક્તિ દૂધ શિવલિંગ પર ચઢાવે.

પ્રજા સમજી ગઈ કે કેવળ આશુતોષ શિવ જ નહિ પરંતુ રાજા પણ દૂધ – સ્નાન કરાવવાથી સંતુષ્ટ થશે. તેથી શ્રાવણના સોમવારે સવાર થતાં ન થતાં શિવમંદિરના માર્ગે માણસોની કતાર લાગી. બાળક, યુવાન, વૃદ્ધ બધા જ માથા પર દૂધનો ઘડો લઈ ચાલી નીકળ્યા. માતાઓ, બહેનો, ઘરનાં કામકાજ વિસરીને દૂધની લોટી લઈને ચાલી નીકળી. દૂધ પીતાં બાળકોની તૃષા, વાંછરડાંનાં ‘હંબા’ ‘હંબા’ શબ્દ કોઈના કાને પડ્યો નહિ. કોઈએ પોતાના વાસણમાં તેમના માટે એક ટીપું દૂધ પણ ન રાખ્યું. ‘રાજા પ્રસન્ન થશે’ તેથી બધું દૂધ મહાદેવના માથા પર રેડો!

પરંતુ કેવું આશ્ચર્ય! આટલા વિપુલ પ્રમાણમાં શિવજીને દૂધથી સ્નાન કરાવ્યું તો પણ ગર્ભમંદિરનું તળિયું તો દૂધથી ભરાયું નહિ! અરે, દૂધથી ભીંજાયું પણ નહિ! આ તે કેવી અદ્‌ભુત ઘટના! રાજા વિચારે છે. મંત્રી અને પ્રજા પણ વિચારમાં ડૂબી ગઈ. શું કોઈ અદૃશ્ય ક્રિયાથી દૂધ કયાંક વહ્યું જાય છે!! અતિ ચીવટથી નિરીક્ષણ કરવામાં આવ્યું પણ કયાંય કોઈ ત્રુટિ દેખાઈ નહિ. રાજાનું મન ખિન્ન થઈ ગયું. નિશ્ચય દેવતાનો કોઈ કોપ જણાય છે. મારી સેવામાં કયાંક પ્રમાદ વર્તાયો છે તેથી દેવતા નારાજ થયા છે.

આ બાજુ સવારનો સૂર્ય મધ્યાહ્‌નના આકાશમાં પહોંચ્યો. સોમવારે પ્રજા મંદિરથી એક એક કરીને ઘરે પાછી ફરે છે. નગરથી થોડે દૂર એક છેડે એક ડોશીમા પોતાનાં પૌત્ર – પૌત્રી, પુત્ર- પુત્રી સાથે રહે છે. રાજાની ઇચ્છાની વાત તેમણે પણ સાંભળી હતી. પરંતુ સવારે ઉઠતાં જ મંદિરમાં દોડે તેવી ફુરસદ તેમને કયાં હતી? દરરોજ સવારથી સાંજ સુધી એમને તો પુષ્કળ કામ રહે. પ્રત્યેક કાર્ય ડોશીમા પોતાના હાથથી જ નિષ્ઠાપૂર્વક કરતાં. ઘરનું બધું જ કામકાજ આટોપીને, કુટુંબના બધા સભ્યોને જમાડીને, શિશુ સંતાન માટે વાસણમાં પર્યાપ્ત દૂધ કાળજીપૂર્વક રાખે, પાળેલાં પશુઓને ખવડાવે, ગૌશાળામાં ગાયો માટે ઘાસચારો પુરતા પ્રમાણમાં છે કે નહિ, વાછરડાં માનું દૂધ પીએ, એ બધી વ્યવસ્થા કરે; ત્યારબાદ તેમને નદીએ સ્નાન કરવા જવાનો સમય મળે. સ્નાન કર્યા બાદ પોતાની પીતળની નાની – લોટીને ચકચકાટ કરતી માંજે. તેમાં બાકી બચેલું દૂધ ભરે. વૃક્ષ પરથી સફેદ ફૂલ અને ચંદન એક કેળના પાનમાં વીંટીને લોટી હાથમાં લઈને શિવમંદિરે જાય.

રોજના નિયમ મુજબ આજે મંદિરમાં જ્યારે ડોશીમા પહોંચ્યાં ત્યારે કોઈએ તેમના તરફ જોયું પણ નહિ. સામાન્ય એક લોટી દૂધ અને બિલ્વપત્ર – ફૂલ લઈને પ્રાણપૂર્વક પ્રેમથી પૂજા કરીને મનમાં ને મનમાં પ્રાર્થના કરવા લાગ્યાં : હે મહાદેવ, હે શંકર. હું તારી દીનહીન ભક્ત છું. રાજાના તો કેટલા ધનવાન પ્રતિષ્ઠાવાન લોકો તને ઘડા ઘડા ભરીને દૂધ ચઢાવે છે. તો પણ રાજાના મનનું દુ:ખ ઓછું ન થયું. હજુ ય મંદિરમાં દૂધ ભરપૂર થયું નહિ. મારું તો આટલું નજીવું સમર્પણ, વળી ભાવભક્તિ તો કંઈ નથી. પ્રભુ! તો પણ જે છે તે બધું જ તારાં ચરણોમાં આપું છું. કૃપા કરીને થોડુંક દૂધ ચઢાવું છું. તેનો સ્વીકાર કરો, પ્રભુ! આંખો બંધ કરીને વૃદ્ધા ધીરે ધીરે શિવલિંગ પર દૂધની ધાર કરે છે. પરંતુ કેવું આશ્ચર્ય! મંદિરનું ગર્ભગૃહ દૂધથી છલકાઈ ગયું. આ કેવું અદ્‌ભુત દૃશ્ય! જેણે જોયું તે રાજાને સમાચાર આપવા દોડી ગયા. પરંતુ કોઈને ખબર પડી નહિ કે કોણ ભગવાનનો ભક્ત છે?

આ રીતે શ્રાવણના પ્રત્યેક સોમવારની સાંજે મંદિર દૂધથી છલકાય જાય. કોના અભિષેકથી મહાદેવ આટલા પ્રસન્ન થાય છે તેની શોધ કોઈ કરી શકયું નહિ. છેવટે રાજાએ એક ચોકીદાર ગોઠવ્યો અને તેને આદેશ આપ્યો, ‘તમે ખૂબ સાવધાન રહેજો. ગર્ભ મંદિરમાં દૂધ છલકાઈ જાય કે તુરંત તે ભક્તને મારી પાસે લાવજો.’ પરંતુ તેનાથી પણ કોઈ એંધાણ મળ્યા નહિ. ચોકીદાર આવી અદ્‌ભુત ઘટનાની કોઈ માહિતી આપી શકયો નહિ. અંતે રાજા સ્વયં ગર્ભગૃહમાં છૂપાઈને આખો દિવસ ઊભા રહ્યા અને પૂજાનુષ્ઠાન જોવા લાગ્યા. ડોશીમા તેમની સજાગ દૃષ્ટિથી બચી શક્યાં નહિ.

રાજાએ ડોશીમાને બહુ આદર સત્કાર આપીને વિનયપૂર્વક પૂછ્યું : ‘મા, તમે તો જાણો છો. આ રાજ્યમાં બધા જ પ્રત્યેક સોમવારે શિવજીને ઘડા ઘડા ભરીને દૂધનો અભિષેક કરે છે તો પણ મંદિર દૂધથી છલકાઈ જતું નથી. તમે શું જાદુ કર્યો કે આવું અસંભવ સંભવ થયું? હું તમારો પુત્ર છું. કંઈ પણ ભય રાખ્યા વિના મને કહો કે કઈ રીતે આવો ચમત્કાર થાય છે?

ડોશીમા તો મૂંઝવણમાં પડ્યાં. તે તો પોતાના આરાધ્ય દેવતાની લીલા કંઈ જાણતાં નથી. કેવળ બોલ્યા: ‘હે તાત! હું તમારી સામાન્ય પ્રજા છું. હું તો મૂર્ખ સ્ત્રી – કંઈ સમજતી નથી. બાપ, માત્ર એક વાત સમજું છું. – મારા દેવતા, મારા ભોળાનાથ કેવળ મંદિરમાં રહીને પૂજા ગ્રહણ કરતા નથી. તે સવારથી મારી આજુબાજુનાં તમામ માણસો અને જીવો દ્વારા મારી સેવા ગ્રહણ કરે છે. પ્રભુ અંતર્યામી છે. તેઓ જાણે કે જેને જે રીતે પ્રાપ્ય તેને તે રીતે સંતુષ્ટ કરીને છેલ્લે હું તેમની સેવા માટે દેવમંદિરમાં આવું છું.’

પછી કંઈ બોલવું ન પડ્યું. રાજાની આંખ ઉઘડી ગઈ. પ્રત્યેક માણસના અંતરમાં જે ભગવાન રહેલા છે, તેમને સન્માન આપવું એ જ સાચી આરાધના. જીવની શિવજ્ઞાને સેવા ન કરીને, કેવળ મંદિરમાં દૂધ વહેવડાવવાથી ભગવાન પ્રસન્ન થશે નહિ. તે દિવસથી રાજા સાચા અર્થમાં ધાર્મિક થયો. ધર્મને પોતાની સાધનાથી પ્રત્યક્ષ પ્રકટ કર્યો.

મહારાષ્ટ્રમાં ઘરે ઘરે આ વાર્તા આજે પણ પ્રચલિત છે. વાર્તામાં સનાતન સત્ય પ્રકાશે છે, જે કાળના પ્રવાહમાં કયાંય ખોવાઈ નથી, પોતાનું મૂલ્ય ગુમાવ્યું નથી.

Total Views: 33

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.