દક્ષિણેશ્વરના સંત ઠાકુર રામકૃષ્ણ પરમહંસ (૧૮૩૬-૮૬)ના ઓજસ્વી શિષ્ય, વેદાંત જ્ઞાનના પ્રખર પંડિત, રામકૃષ્ણ મિશન અને મઠના સ્થાપક એવા સ્વામી વિવેકાનંદજી (૧૮૬૩-૧૯૦૨) વિશ્વમાં પહેલી જ વાર હિન્દુ ધર્મની સાચી સમજ પ્રસરાવનાર ભારતીય ઝંડાધારી હતા. સદીઓથી સ્થગિતતા થકી જડ ઘાલી બેઠેલી વિકૃતિઓને દૂર કરી પ્રાચીન સનાતન સંસ્કૃતિનું શુદ્ધિકરણ અને નવસંસ્કરણ કરવાનું એમનું સ્વપ્ન હતું.

સન ૨૦૦૦માં ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના એક ઈન્ટરનેટ-સર્વેમાં ‘સદીના મહાન ચિંતક’ તરીકે એમનું નામ મોખરે રહ્યું હતું. સદીના કે સહસ્રાબ્દીના પણ મહામાનવ ગણી શકાય એવા વિવેકાનંદજીની જોડ પૂર્વમાં કે પશ્ચિમમાં ક્યાંય પણ જડવી મુશ્કેલ છે. એમણે સમાનતા અને બંધુતાથી સભર એવા એક સામાજિક તંત્ર માટે હાકલ કરી હતી. વાસ્તવમાં તેઓ ‘માનવીને ઘડનારા’ હતા.

‘સેતુપતિ’ પદ્વીધારી શાસક

અર્વાચીન ભારતની આવી તેજસ્વી પ્રતિભા સમાન સ્વામી વિવેકાનંદે શિકાગો (અમેરિકા)માં યોજિત ‘વિશ્વ ધર્મ પરિષદ’માં હાજરી આપવા પોતાની પ્રથમ વિદેશયાત્રા (૧૮૯૩-૯૭) ખેડી ત્યારે તેમાં સહયોગી થનાર રામનદ ઉર્ફે રામનાથપુરમ્‌ના મહારાજા ભાસ્કર સેતુપતિ (૧૮૬૮-૧૯૦૩) હતા, જેઓ વયમાં સ્વામીજીથી પાંચ વર્ષ નાના હતા અને સ્વામીજી કરતાં ચાર વર્ષ ઓછું જીવ્યા હતા. છ વર્ષ અગાઉ અર્થાત્‌ ૨૦૦૩માં એમની પ્રથમ ‘પુણ્ય શતાબ્દી’ પણ આવી ગઈ. અહીં આ ઉદાત્ત રાજવીનું પ્રેરક જીવન-કવન સંક્ષેપમાં આપ્યું છે.

રામનાથપુરમ્‌ના શાસકો દ્વારા અપનાવાતી ‘સેતુપતિ’ની પદવીનો અર્થ ‘પૌરાણિક કથા અનુસાર ભગવાન રામે બાંધેલ રામેશ્વરમ્‌થી શ્રીલંકા સુધીના સમુદ્રી માર્ગ (સેતુ)ના તથા રામલિંગ મૂર્તિના રક્ષક અને દેખરેખ કરનાર’ એવો થાય છે. તેઓ પોતાને રામનાથપુરમ્‌ રાજ્યના માત્ર શાસક જ નહિ, પવિત્ર રામેશ્વરમ્‌ મંદિરના સંરક્ષક પણ માને છે.

સમાજ સુધારક રાજવી

આવા યશસ્વી રાજવંશમાં સમ્ર્રાટ મુત્થુ રામલિંગ સેતુપતિ – દ્વિતીય અને મુત્થથલ નાચિયારના પ્રથમ પુત્ર તરીકે ભાસ્કર સેતુપતિનો જન્મ ૩જી નવેમ્બર, ૧૮૬૮ના થયો હતો. તેઓ ભારતીય અને અંગ્રેજી બંને શિક્ષણ પદ્ધતિઓ દ્વારા મદ્રાસમાં ભણ્યા હતા.

૩જી એપ્રિલ, ૧૮૮૯માં એમણે રામનાથપુરમ્‌ રાજ્યની લગામ સંભાળી. ભાસ્કર સેતુપતિએ સામાન્ય પ્રજા માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી અને લલિતકલાઓને પણ ઉત્તેજન આપ્યું. એમણે મંદિરોમાં હરિજનોના પ્રવેશને સરળ બનાવ્યો અને જગદ્‌ગુરુ શૃંગેરી શંકરાચાર્ય સ્વામિગલની મદદથી રાજરાજેશ્વરી મંદિરમાં પશુબલિનો રિવાજ અટકાવ્યો. ૧૮૯૦-૯૩ દરમ્યાન એમણે ધાર્મિક, શૈક્ષણિક અને જનકલ્યાણ યોજનાઓ માટે ૪૦ લાખ રૂપિયાથી વધુ રકમનું દાન કર્યું હતું.

હિન્દુ અસ્મિતાના ઉદ્‌ગાતા સ્વામી વિવેકાનંદ સપ્ટેમ્બર, ૧૮૯૩માં યોજિત વિશ્વ ધર્મ સંમેલન (શિકાગો)માં ભાગ લેવા અમેરિકા જઈ રહ્યા હતા ત્યારે સમ્ર્રાટ ભાસ્કર સેતુપતિએ અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. એમણે સ્વામીજીની અમેરિકા યાત્રા અને ત્યાંના નિવાસ વગેરેની જરૂરી વ્યવસ્થા કરી હતી.

સ્વામીજીની સ્મૃતિમાં કીર્તિસ્તંભ

હિન્દુ જાગૃતિના આ ભારતીય દૂત વૈશ્વિક ખ્યાતિ મેળવીને ૨૩મી જાન્યુઆરી, ૧૮૯૭ના ભારત પરત ફર્યા ત્યારે સેતુપતિએ એમના ભવ્ય સ્વાગતની વ્યવસ્થા કરી. સ્વામીજીએ ભારતમાં જ્યાં પ્રથમ ચરણસ્પર્શ કરેલો તે સ્થળે આ મહાન પ્રસંગની ચિરસ્મૃતિમાં રાજા ભાસ્કરે ૧૮૯૭માં જ ચાળીસ ફૂટ ઊંચો ‘કીર્તિસ્તંભ’ બનાવ્યો હતો અને તેના પર ‘સત્યમેવ જયતે’ કોતરાવ્યું હતું!

રાજા ભાસ્કર સેતુપતિએ આપેલી સેવાઓની કદર રૂપે વિવેકાનંદજીએ એમને ‘રાજર્ષિ’ (એસેટિક કિંગ) એટલે કે ‘આત્મસંયમી કે ત્યાગી રાજા’નો ખિતાબ આપ્યો. એક બહુશ્રુત તમિલ વિદ્વાન તરીકે રાજા સેતુપતિએ તમિલ ભાષામાં કેટલાંક પુસ્તકો પણ લખ્યાં છે અને પોતાના પિત્રાઈ ભાઈ પંડિથુરાઈ થેવરને ‘ચોથા તમિલ સંગમ’ના આયોજન પ્રસંગે ઘણી મદદ પણ કરેલી.

વિવેકાનંદજીની વિદાયથી વૈરાગ્ય

નિષ્ફળતા અને નિરાશાના સ્થાને ભારતવર્ષના યુવાનોને આપણા મહાન વારસાની યાદ અપાવનાર સ્વામી વિવેકાનંદનું ૪થી જુલાઈ, ૧૯૦૨ના અવસાન થયું ત્યારે ભાસ્કર સેતુપતિને ઊંડોઆઘાત લાગ્યો. સાદું વૈરાગી જીવન પસાર કરવા તેઓ કલ્લિદઈકુરુચિમાં તામિરબારની નામક નદીના કાંઠે આવેલા એક મઠમાં ગયા, જ્યાં એમણે પોતાનો શેષ સમય ચિંતન – મનનમાં જ વિતાવ્યો.

વિવેકાનંદજીના ઉર્ધ્વપ્રયાણના બરાબર દોઢ વર્ષ બાદ અર્થાત્‌ ૨૭મી ડિસેમ્બર, ૧૯૦૩ના ભાસ્કર સેતુપતિએ પણ અંતિમ શ્વાસ લીધા. જો કે આ જગતમાં તેઓ ફક્ત ૩૫ વર્ષ જીવ્યા, તેમ છતાં પોતાના અલ્પ જીવનકાળમાં પણ સામાજિક – સાંસ્કૃતિક પરિદૃશ્ય પર એમણે અમિટ છાપ છોડી છે.

સ્વામી વિવેકાનંદજીની વિદેશયાત્રામાં સહયોગી થનાર દક્ષિણના રાજવી ભાસ્કર સેતુપતિની ગયા મહિનાઓ પૈકી નવેેમ્બરમાં ૧૪૧મી જન્મજયંતી અને ડિસેમ્બરમાં ૧૦૬મી પુણ્યતિથિ હતી. ૨૦૦૪માં એમની ૧૦૧મી સંવત્સરી પ્રસંગે ભારતીય ટપાલ વિભાગે ૨૭મી ડિસેમ્બર, ૨૦૦૪ના રોજ એમની સ્મૃતિમાં પાંચ રૂપિયા મૂલ્યની એક ખાસ બહુરંગી ટપાલ-ટિકિટ પણ બહાર પાડીને એમના પ્રત્યે આદરાંજલિ વ્યક્ત કરી છે.

લેખકનું સરનામું : ‘શિવમ્‌’, ૪૦/બી, વૃંદાવનનગર, વૈશાલી સિનેમા રોડ, અંજાર, (કચ્છ) – ૩૭૦ ૧૧૦.

Total Views: 21

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.