સ્વામી નિખિલાનંદજીને કોણ નથી ઓળખતું? તેમણે અનુવાદ કરેલ ‘ગોસ્પેલ ઓફ શ્રીરામકૃષ્ણ’, ઉપનિષદના ભાષાંતરિત ૪ ખંડ ઉપરાંત આત્મકથા અને વિવિધ લેખો! પશ્ચિમના દેશોમાં વેદાંત ચળવળને સારી એવી ગતિ આપનાર કેન્દ્રોમાં, તેમનું રામકૃષ્ણ – વિવેકાનંદ સેન્ટર, ન્યુયોર્ક અગ્રેસર હતું.

તેમની અગાધ બુદ્ધિમત્તાને કોઈપણ વિષય સહેલો લાગતો. એકવાર ડાર્વિનની ઉત્ક્રાંતિ અંગે બોલતા તેમણે કહેલો કિસ્સો સુંદર છે. તેમાંથી શીખવા જેવું પણ ઘણું મળે છે.

‘પશ્ચિમમાં થતા સ્વામીજીનાં ભાષણો અંગે ભારતમાં અહેવાલો છપાતા. એકવાર એવો રિપોર્ટ આવ્યો કે ‘હિન્દુ ધર્મ પુનર્જન્મમાં માને છે. 

માનવજન્મ એ સૌથી ઉચ્ચકક્ષાનો જન્મ છે. એકવાર તે મળી જાય પછી ઉલટી ગંગા ન વહે! (એટલે કે જીવ નીચલી કક્ષાએ જન્મ ના લે) સ્વામીજીના આ વિધાન પર કેટલાક લોકો કહેવા લાગ્યા કે ‘પશ્ચિમનો પ્રભાવ સ્વામીજી પર એટલો પડ્યો છે કે ઉપનિષદનાં કથનો પણ ભુલાઈ ગયા છે?’

ત્યારબાદ થોડા દિવસ પછી બીજો રીપોર્ટ આવ્યો. જેમાં પુનર્જન્મ અંગેના હિંદુધર્મના વિચારો સચ્ચાઈપૂર્વક નોંધેલા હતા. ટીકાકારોને વળી પાછું કારણ મળ્યું. ‘આ શું અદલબદલ? વિચારો શું આમ વારેઘડી બદલાઈ શકે?’

આ બધી વાતો સાંભળી સ્વામી અખંડાનંદજીને બહુ ખરાબ લાગેલું. તેમણે સ્વામીજીને સીધો પ્રશ્ન કર્યો હતો. ત્યારે સ્વામીજીએ તેમના સ્ટેનોગ્રાફર મી. ગુડવીન પાસે તેનો જવાબ માંગ્યો હતો. તેણે પોતાની સફાઈમાં કહ્યું હતું ‘અહીંયા અત્યારે ઉત્ક્રાંતિવાદનો પવન ફૂંકાઈ રહ્યો છે. તેથી તમારી વાતો લોકોને ગળે સહજ રીતે ઉતરે તેથી મેં એ રીતે લખેલું. પરંતુ પાછળથી જ્યારે તમારા વિચારો અંગે મેં ઉંડાણથી ચિંતન કર્યું ત્યારે મને સત્ય સમજાયું. મારા મગજમાં બરાબરનો પ્રકાશ પડ્યો તેથી તમે જે બોલ્યા તે જ મેં બરાબર લખ્યું.’

‘જોયું, આવું પણ બને છે.’ સ્વામી નિખિલાનંદજીએ કહેલું અને તેનું સમર્થન કરતા, મી. આલ્ડસ ડકસલેને ટાંકતા બોલ્યા હતા. ‘ડાર્વિને જ્યારે ઉત્ક્રાંતિવાદની થીઅરી લખી ત્યારે નાસ્તિકતાને ટેકો આપવાની કોઈ વાત એમાં નહોતી. પરંતુ અત્યારની પ્રજા જે મોજશોખભર્યું વિષયાસક્ત જીવન જીવવા માગે છે તેમના માટે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ કામે આવી ગયો. ભગવાનની બીક જ જતી રહી.’ સ્વામી નિખિલાનંદજીની સમજાવવાની રીત બહુ સરળ અને બૌદ્ધિક હતી. સાંભળનાર મંત્રમુગ્ધ બની સાંભળી રહેતા.

Total Views: 33

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.