(યાદવગિરિ, મૈસૂરના શ્રીમતી હેમલતાબહેન મોરો ગુજરાતી ભાષાના એક પ્રસિદ્ધ કોલમિસ્ટ અને ટૂંકી વાર્તાઓના લેખિકા છે. એમણે લખેલા સત્ય ઘટના પર આધારિત પ્રેરણાદાયી જીવનપ્રસંગ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.)

અમેરિકન યોગીની આ વાત છે. તેમની પર ભારતીય વેદ-વેદાંતનો એટલો પ્રભાવ પડ્યો કે તેમણે લખ્યું છે કે ‘હે ભારતીયો, તમારી પાસે વેદોના રૂપમાં મોટો ખજાનો પડેલો છે. આખી માનવજાતને સંસ્કારિત કરી શકે એવી એ પૂંજી છે. તેને સમજો.’

જો કે આપણા સંત-મહંતો, યોગીઓ, સ્વામીજી અને સાધુઓ આ જ વાત કરી રહ્યા છે. પરંતુ જે રીતે અમેરિકન યોગીને એ જ્ઞાન લાધ્યું એ વાત જાણવા જેવી છે. એ અંગે વાંચતા મારા મનમંદિરની ઘંટડી રણકી ઊઠી હતી અને આજે એનો ઘંટારવ આ લેખ લખવા પ્રેરી રહ્યો છે.

ડેવિડ ૧૪ વર્ષના હતા ત્યારથી તેમણે ચર્ચમાં જવાનું છોડી દીધું. કુદરતના બળો, ખાસ કરીને ઉત્તુંગ શિખરો તેમને આકર્ષતા. ત્યાં પહોંચી જઈ નિસર્ગના ખોળામાં આળોટતા તેમના મનને શાંતિ મળતી અને ચિત્તશુદ્ધિ તરફ દોરી જતી. નિસર્ગના ઊંડાં રહસ્યો જાણવાની શોધ તેમને પુસ્તકો તરફ ખેંચી ગઈ. તેમને માનસશાસ્ત્ર અને મેટાફિઝિક્સનો અભ્યાસ કર્યો. યુરોપભરના ફિલોસોફરના પુસ્તકો વાંચી કાઢ્યા પણ મનને શાંતિ ન મળી. છેવટે એક સમજાયું – માનવની ચેતના, માનવનો અંતરાત્મા એ જ સત્ય છે અને તેને પામવાનો માર્ગ ધ્યાન, તપસ્યા, ચિંતન અને મનન! કોલેજ છોડીને ધ્યાન અને યોગા તરફ લક્ષ્ય કેન્દ્રિત કર્યું, રહસ્યમય અધ્યાત્મવાદને આવરી લેતા વિષયોનું વાંચન ચાલુ હતું. શ્રી અરવિંદોના ‘લાઈફ ડિવાઈન’માં ઋગ્વેદની ઋચાઓનો ઉલ્લેખ વાંચ્યો અને તેથી એ પુસ્તકો વાંચવાનું મન થયું.

વેદો અને ઉપનિષદ, જે મૂળ સંસ્કૃતમાં હતા તે મંગાવ્યા. તેનો અભ્યાસ શરૂ કર્યો, પરંતુ તે બહુ કઠિન હતો. કારણ કે એક તો સંસ્કૃત એક પારકી ભાષા અને તેના જૂના / આદ્યલિપિના શબ્દો! પણ ચમત્કાર થયો. તેમના ગતજન્મના સંસ્કારને લીધે હશે, કદાચિત પણ આખું વાંચન અને મનન સહજ રીતે સાધ્ય થયું. જાણે કોઈ મહાનદીની ઈરીગેશન કેનાલ ખુલી થઈ ગઈ છે અને નદીનું પાણી ઝડપથી એમાં ધસી રહ્યું છે, એવો અનુભવ થયો. તેમના અંતરમનના દ્વાર ખૂલી ગયા હતા તેથી એ શક્ય બન્યું, એવું તેમને લાગ્યું.

આ અલૌકિક અનુભવનો ઉલ્લેખ કરતા તેમણે લખ્યું છે કે ‘હિંદુધર્મની, તેના વેદ અને ઉપનિષદોની એ ખાસિયત છે કે તેમણે પાડેલ છબિ / સંસ્કાર જન્મજન્માંતર સુધી મનમાં અંકિત રહે છે. અને કદાચ હું બ્રહ્મલીન થઈશ ત્યાં સુધી રહેશે!

ખરેખર પૂરી માનવજાતને સંસ્કારિત કરી શકે તેવી આ પૂંજી છે. માનવજાતના સુખી ભવિષ્યની ચાવી વેદોમાં રહેલી છે.’

આપણી સંસ્કૃત ભાષા અને અણમોલ ભારતીય સંસ્કૃતિએ એક પરદેશી પર – અમેરિકન પર જે પ્રભાવ પાડ્યો તે ખરેખર અભિમાન લેવા જેવી વાત છે.,

આ એક સત્ય હકીકત છે. મિ. ડેવિડ ફોલે આજે સેન્ટા ફે. અમેરિકામાં, આશ્રમ ચલાવી રહ્યા છે અને તેમણે વામદેવ શાસ્ત્રીનું નામ ધારણ કરી અનેક પુસ્તકો લખ્યાં છે. તે અમેરિકન આજે ભારતીય પ્રજામાં બહુ લોકપ્રિય બન્યા છે. આવી પ્રભાવપૂર્ણ છે આપણી સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ.

Total Views: 38

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.