આપણો ભારત દેશ પુણ્યશાળી છે. તેની સનાતન સંસ્કૃતિ અને સંસ્કાર વિશ્વમાં આદર પાત્ર છે. પરમહંસો અને સંતોની જાગૃત ચેતનાએ ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ઘણું પ્રદાન કર્યું છે. તેની આધ્યાત્મિકતા વિશ્વમાં શિરમહોર છે. શ્રીરામકૃષ્ણ પરમહંસની આ ચેતનાએ સ્વામી વિવેકાનંદજીના જીવનમાં કામણ કર્યું. આથી જ તેઓ યુવાનોના શક્તિસ્રોત છે. એટલું જ નહિ પણ આબાલવૃદ્ધ સૌના પ્રેરણાસ્રોત છે. મહર્ષિ અરવિંદ ઘોષ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, પંડિત જવાહરલાલ નહેરુ, સી. રાજગોપાલાચારી, મહાત્મા ગાંધી, ડો. સી.વી. રામન અને અન્ય મહાનુભાવોએ સ્વામીજીના જીવનમાંથી પ્રેરણા મેળવી છે. પોતાના કાર્યક્ષેત્રમાં પ્રવીણ બન્યા છે. વિદેશોમાં ફ્રાંસના શ્રી રોમાં રોલાં, જાપાનના શ્રી ટોયમ્બી વગેરે પશ્ચિમના કેટલાક મહાન પુરુષોના પણ પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદ હતા. આવી વિરાટ વિભૂતિની ૧૨મી જાન્યુઆરીના રોજ જન્મજયંતી ભારત અને અન્ય દેશોમાં હર્ષોત્સાહથી ઉજવવામાં આવે છે. 

નરેન્દ્રનાથનું શ્રીરામકૃષ્ણદેવ સાથે મિલન

પ્રેસિડન્સી કોલેજમાં અંગ્રેજ પ્રોફેસર વિલિયમ હેસ્ટી વડર્‌ઝવર્થના ‘એક્સકર્ઝન’ કાવ્યમાં સમાધિદશા શબ્દ સ્પષ્ટ સમજાવી ન શકતા તેમણે દક્ષિણેશ્વરમાં સંતને મળવા સૂચન કર્યું. માતા ભુવનેશ્વરીના ભક્તિના સંસ્કાર નરેન્દ્રમાં ઉતર્યા જ હતા. પશ્ચિમની કેળવણીના મૂલ્યોથી પ્રભાવિત થયેલ અર્વાચીન ભારતનું પ્રતિનિધિત્વ નરેન્દ્રનાથ કરી રહ્યા હતા. ઈશ્વર ખરેખર હસ્તી ધરાવે છે ખરા! આ પ્રશ્નના ઉત્તરની ખોજમાં પરમહંસ શ્રીરામકૃષ્ણની મુલાકાત ઉપર્યુક્ત કારણથી થઈ. આ ભારતીય ઇતિહાસની મહત્ત્વની ઘટના છે. દક્ષિણેશ્વરના પાગલ પૂજારી શ્રીરામકૃષ્ણે સાધનામાં ઉત્કટ વ્યાકુળતાથી મહાકાલીની મૂર્તિમાંથી પ્રગટ થયેલ મહાકાલીનો સાક્ષાત્કાર કરેલો. અરે, તેમની સાથે વાતચિત પણ કરતા. નરેન્દ્રે શ્રીરામકૃષ્ણને પૂછ્યું, ‘આપે ઈશ્વરને જોયો છે?’ તેઓએ ત્વરિત અને દૃઢ ઉત્તર આપ્યો, ‘હા, મેં જોયો છે. અને તારી ઇચ્છા હોય તો તને પણ બતાવી શકું છું.’ સ્વામીજીમાં શ્રદ્ધા પ્રગટી. રામકૃષ્ણ પરમહંસે બધા ધર્મોની સાધના કરી હતી. તારણ આપ્યું કે બધા ધર્મનું સત્ય એક જ છે. તે જ લક્ષ્ય છે. ઈશ્વર દર્શન એ જ સત્ય. તે પ્રાપ્ત કરવા સાધનાના માર્ગ-પથ અનેક, ભિન્ન ભિન્ન હોઈ શકે. એકં સત્‌ વિપ્રા: બહુધા વદન્તિ । પંડિતો તેને જુદાં જુદાં નામે કહે છે. એટલે સર્વધર્મ સમાન. ધર્મ સંવાદિતા. શ્રીરામકૃષ્ણદેવ પાસેથી ત્યાગ અને સેવાની દિવ્ય પ્રેરણા મેળવીને તેમના દેહત્યાગ પછી નરેન્દ્રનાથ સંસાર ત્યાગ કરીને સંન્યાસી બન્યા અને સમગ્ર ભારતમાં પરિભ્રમણ કર્યું.

સ્વામી વિવેકાનંદનું ભારત ભ્રમણ 

આદિ શંકરાચાર્ય મહારાજે નાની વયમાં તે સમયમાં દ્વૈત-અદ્વૈત સિદ્ધાંતના પ્રચારાર્થે પગપાળા, ભારતનું ભ્રમણ કર્યું હતું. સ્વામીજીએ દેશનું વાસ્તવિક ચિત્ર નીરખવા પરિવ્રાજક રૂપે હાથમાં દંડ, કમંડળ ધારણ કરીને એકાકી ભ્રમણ કર્યું. ઉત્તર ભારતના પ્રદેશો, રાજસ્થાન, ગુજરાત, કચ્છ વગેરે રાજ્યમાં ભ્રમણ કર્યું. કોઈ વખતે ગરીબની ઝૂંપડીમાં તો કોઈ વખતે મહેલોમાં. કચ્છમાં ભુજમાં મહારાજાની મહેમાનગતી ટૂંક સમય માટે માણી. માંડવીમાં પંદર દિવસ રહ્યા અને નારાયણ સરોવર પણ આવ્યા હતા. સૌરાષ્ટ્રમાં લીંબડી, જૂનાગઢ, પોરબંદર, પાલીતાણા વગેરે આવ્યા હતા. (લીંબડીમાં ટાવર બંગલામાં જ્યાં મિશનનું કેન્દ્ર શરૂ થયું છે. પોરબંદરમાં ભોજેશ્વર બંગલો ત્યાં પણ સ્મૃતિ મંદિર કેન્દ્ર શરૂ કર્યું છે. વડોદરામાં પણ દિલારામ બંગલો, વિવેકાનંદ મેમોરિયલ સેવા કેન્દ્ર શરૂ થયું છે.)

જૂનાગઢમાં સ્વામીજી બે વખત આવેલા. દીવાન સાહેબ હરિદાસ દેસાઈ સાથે મૈત્રી થયેલ. પોરબંદરમાં વેદનું અધ્યયન કર્યું. વધુ સમય ત્યાં રોકાયા. નડિયાદમાં પ્રખર સાહિત્યકાર ચિંતક વેદાંતી શ્રી મણિલાલ નભુભાઈ ત્રિવેદી સાથે મુલાકાત થયેલ. નડિયાદમાં સંગીત મહેફિલ માણી. વડોદરાના દીવાન મણિભાઈ જશભાઈ પવિત્ર ચારિત્રશીલ માનવી સાથે કેળવણી વિશે ચર્ચા કરી હતી. રાજસ્થાનમાં અલવર અને ખેતડી, જયપુર, પુષ્કર વગેરે. અલવરમાં નિર્ધન, નીચલા વર્ગના લોકો સાથે રહ્યા. સ્વામીજી ગુજરાતથી મુંબઈ, પૂના, બેલગામ, મૈસૂર, ગોવા, વગેરે વિવિધ સ્થાનોનાં દર્શન કરતાં કરતાં રામેશ્વર પહોંચ્યા. ત્યાંથી તેઓ કન્યાકુમારીનાં દર્શને પણ ગયા હતા. 

આ ભારત ભ્રમણમાં રાષ્ટ્રપ્રેમી સ્વામીજીએ શું જાણ્યું? ટૂંકમાં તેમણે સગી આંખે અજ્ઞાનતા, કંગાલિયત, અંધશ્રદ્ધા, છૂતાછૂત, ધર્મ રસોડામાં, તિલક આડું કે ઊભું કરવું, લોકોની દુર્દશા જોઈ. સામાજિક અસંવાદિતા જોઈ. તેમણે કહ્યું, આપણા અધ:પતનનું કારણ આમજનતાની ઉપેક્ષા પણ છે. સ્ત્રીઓનું શોષણ, ગરીબી, ધાર્મિક અજ્ઞાનતા, અને અંગ્રેજી શાસનથી પરવશતા, તેથી વિકાસ ન થાય. લગભગ પાંચેક વર્ષ પરિભ્રમણમાં ગાળ્યા. આ તેમની અંતર વ્યથા, દેશદાઝ તેના જ શબ્દોમાં ‘ઓ ભારતવાસી ભૂલતો નહિ કે નારી સમાજનો આદર્શ સીતા, સાવિત્રી છે. તારું દ્રવ્ય ભોગવિલાસ માટે નથી. ભારત માતાની વેદી પર બલિદાન માટે છે. બીજાનું થોડું પણ ભલું થઈ શકે તે કરતાં કરતાં મરવું વધારે સારું. ઓ ભારતવાસી ગર્વથી કહે ‘હું ભારતવાસી છું’ દરેક ભારતવાસી મારો ભાઈ છે. ભારતની ભૂમિ મારું ઉત્તમોત્તમ સ્વર્ગ છે. પહેલાં હું ભારતને ચાહતો હતો. પણ હવે તેની ધૂળ મારા માટે તીર્થ જેવી પવિત્ર છે. આ દુર્દશા કેમ દૂર થાય? તેની ચિંતામાં તેઓએ કન્યાકુમારીના દરિયાકિનારે તરીને ખડક પર બેસી ધ્યાન કર્યું તે ખડક ‘વિવેકાનંદ રોક’ રાષ્ટ્રિય સ્મારક છે. વિચાર સૂઝ્યો. શિકાગો વિશ્વધર્મ પરિષદમાં જવાનો નિશ્ચય કર્યો. મા સારદાના આશીર્વાદ મળ્યા. કન્યા કુમારીના છેડે સર્વધર્મસમાન-મંદિર છે. પ્રતીક ૐ, મૂર્તિ નહિ. દર્શનીય સ્થળ છે. ખેતડીના મહારાજા, રામનદના મહારાજા ભાસ્કર સેતુપતિ, આલાસિંગા પેરુમલ, મદ્રાસના યુવકો વગેરેએ શિકાગો સર્વ ધર્મ પરિષદમાં સનાતન ધર્મના પ્રતિનિધિ તરીકે જવા આગ્રહ કર્યો અને ફંડ એકઠું કર્યું.

શિકાગો વિશ્વધર્મ પરિષદમાં

સ્વામીજીને વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેતાં પહેલાં અનેક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું હતું. પરંતુ ભગવાન શ્રીરામકૃષ્ણદેવની દિવ્ય કૃપાથી બધી મુશ્કેલીઓને પાર કરી ગયા અને વિશ્વધર્મ પરિષદમાં ઉજ્જ્વલ સફળતા પ્રાપ્ત કરીને સનાતન ધર્મની ધજા લહેરાવી. ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ પ્રવચન કર્યું: ‘માય બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ઓફ અમેરિકા’ સંબોધન કર્યું અને બે મિનિટ સુધી તાડીઓનો જોરથી ગડગડાટ થયો. મહિમ્ન સ્તોત્રનો શ્લોક ‘ત્રયી સાંખ્યં યોગ:’ ગાયો. થોડી મિનિટોનું પ્રવચન બધાએ મંત્રમુગ્ધ બની સાંભળ્યું. ઘોષણા કરી કે ધર્મની સરિતા, નાનાં-નાનાં ઝરણા સાથે સાગરમાં મળી જાય છે. તેમ સંપ્રદાયો રૂપી પથો પરમાત્મા રૂપી સાગરમાં મળે છે. ધર્મ એક સત્ય, પરમાત્મા. સર્વ ધર્મની ‘મા’ તરીકે સનાતન હિન્દુધર્મની ઓળખાણ આપી. ભારતની સનાતન ધર્મની વિજયધજા લહેરાતી કરી. સર્વધર્મસમભાવ મારા ગુરુજીએ સિદ્ધ કરી શીખવ્યો છે. ગુરુ શિષ્યનો સંબંધ જુઓ. સ્વામીજીમાં સદ્‌ગુરુ પ્રત્યે શરણાગત ભાવ, સેવા, સમર્પણ, કર્તવ્ય હતાં. ગુરુએ નરેનને મહાસમાધિમાં ડૂબી જીવન જીવવાની મનાઈ કરી. તારે મારું કામ કરવાનું છે. છાતી પર હાથ મૂકી કહ્યું: ‘નરેન, આજે મેં તને મારું બધું આપી દીધું છે. હવે હું અકિંચન ફકીર બની ગયો છું.’ આવા સદ્‌ગુરુના આશીર્વાદથી સ્વામીજીએ વિશ્વધર્મ પરિષદમાં હિન્દુધર્મનો ડંકો વગાડ્યો. સ્વામીજી બોલ્યા છે ‘હું જે કંઈ છું, જે કંઈ કરી શક્યો છું, તે મારા સદ્‌ગુરુ શ્રીરામકૃષ્ણ ભગવાનની કૃપા છે.’

યુવકોને શીખ આપતા સ્વામીજી કહે છે: ‘બાળપણમાં વેદાંતથી મનને ભરી દો. સાથે એકાગ્રતા અને દૃઢતાથી ખૂબ ભણો. શક્તિ અને નિર્ભયતા આવશે.’ ‘અભિ:’ વાચન સર્વકાર્યનો રાજા છે. યુવકોએ નાનાં, નાનાં પુસ્તકો સમય મળે વાંચવાં જોઈએ. વીરવાણી, યુવાનોને, રાષ્ટ્રને સંબોધન, મારા ગુરુદેવ, શિકાગો પ્રવચન, વગેરે. તેના દરેકેદરેક શબ્દમાં ઓજસ છે. અગ્નિમંત્ર છે, હતાશા, નિરાશાને ફગાવી દે તેવી તાકાત છે. વળી તેઓ યુવાનોને કહે છે: શરીર પુષ્ટ, તાકાતવાળું બનાવો. હેલ્ધી માઈન્ડ ઈન હેલ્ધી બોડી. આજે લોખંડી સ્નાયુઓ અને પોલાદી નાડી વાળા સમર્પિત યુવકોની દેશને જરૂર છે. વિશાળતા એ જીવન છે સંકુચિતતા એ મૃત્યુ છે. બળ હશે તો સેવા કરી શકાશે. ફૂટબોલની રમત રમવી ગીતાજી વાંચવા કરતા વધારે ઉપયોગી. સ્વામીજીનો ચહેરો છબિ જુઓ. હૃષ્ટપુષ્ટ શરીર, આંખો વિશાળ, તેજસ્વી ચહેરો, નિર્ભિક, ચહેરો જ સ્વામીજી જીવનનું પ્રતિબિંબ જાણે રાજયોગી.

રામકૃષ્ણ મિશનની સ્થાપના

સ્વામી વિવેકાનંદે ૪ વર્ષ સુધી વિદેશની ભૂમિમાં રહીને પીપાસુ લોકોને વેદાંતામૃત પાઈને આપણી સનાતન ધારાની ઉચ્ચ, ભવ્ય ગરિમાની સર્વને અનુભૂતિ કરાવી. સ્વામીજીએ ૧૮૯૭માં ફેબ્રુઆરીમાં સ્વદેશ આગમન કર્યું અને ભારત વર્ષ પણ પોતાના આ પનોતા પુત્રને વધાવવા માટે ઉત્કંઠ બન્યું. ચારે તરફથી આત્મશ્રદ્ધા અને ઉત્સાહની હેલી ઊઠી.

સ્વામી વિવેકાનંદના સન્માનમાં વિવિધ શહેરોમાં યોજાયેલી વિશાળ શોભાયાત્રામાં અનેક જગ્યાએ જગ્યાએ મોટા રંગીન શબ્દમાં લખ્યું હતું: ‘પૂજ્યપાદ વિવેકાનંદ દીર્ઘાયુ બનો’, ‘પ્રભુના સેવક ભલે પધાર્યા’, ‘પ્રાચીન ઋષિવરોના સેવકને વધાવીએ છીએ’, ‘પ્રબુદ્ધ ભારતના આપને હાર્દિક અભિનંદન’, ‘સ્વામી વિવેકાનંદ સુસ્વાગત્‌’, ‘શાંતિદૂતની જય હો’, ‘શ્રીરામકૃષ્ણના પનોતા પુત્રને વધાવીએ છીએ’, ‘પધારો નરેન્દ્ર’, વળી અનેક સંસ્કૃત શ્લોકોમાંથી પણ લખ્યું હતું – એકં સત્‌ વિપ્રા બહુધા વદન્તિ. સ્વામી વિવેકાનંદ કોલકાતા પહોંચ્યા અને તેમના ગુરુભાઈઓ સાથે આલમબજાર મઠમાં રહેવા લાગ્યા. તેમણે કહ્યું કે ભારતમાં થયેલ આ સન્માનનો એક અંશ પણ બીજાને મળે તો તે પાગલ બની જાય. પણ હું ગુરુદેવની કૃપાથી એ સહજતાથી લઈ શક્યો છું. સ્વામીજીએ પોતાના ગુરુભાઈઓને ખાતરી કરાવી કે પોતાને યંત્ર બનાવીને ભગવાન શ્રીરામકૃષ્ણદેવ જ કાર્ય કરાવી રહ્યા છે.

તેમણે મે, ૧૮૯૭માં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. તેમણે ભગવાન શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશ ‘આત્મનો મોક્ષાર્થં જગત્‌ હિતાય ચ’, ‘બહુજન હિતાય બહુજન સુખાય’, ‘શિવજ્ઞાને જીવસેવા’ જેવા મંત્ર સ્વરૂપ સિદ્ધાંતોને રામકૃષ્ણ મિશનના આદર્શ સ્વરૂપે સ્વીકાર્યા. અત્યારે તો આ રામકૃષ્ણ મિશન વટવૃક્ષ સમાન બની ગયું છે. ભારતમાં આશરે ૧૭૦ અને વિદેશમાં ૫૦ જેટલાં કેન્દ્રો જનકલ્યાણ માટે સામાજિક અને આધ્યાત્મિક સંવાદિતા માટે ત્યાગ અને સેવાના આદર્શથી કાર્ય કરે છે. રામકૃષ્ણ મિશનનાં કાર્યોનું સંચાલન સંન્યાસીઓ અને ગૃહસ્થો કરે છે, જ્યારે રામકૃષ્ણ મઠનાં કાર્યોનું સંચાલન સંન્યાસીઓ જ કરે છે. ગુજરાતમાં રાજકોટ, લીંબડી, પોરબંદર અને વડોદરામાં બેલૂર મઠ સંચાલિત રામકૃષ્ણ મઠ-મિશનનાં શાખાકેન્દ્રો છે.

મઠ મિશનના સભ્યો પોતાની અંદર રહેલી દિવ્ય શક્તિના આવિર્ભાવનો પ્રયત્ન કરતાં કરતાં ડ્યૂટી, ડિવોશન અને ડેડિકેશનથી તેને વટવૃક્ષની જેમ ખૂબ વિકસાવી રહ્યા છે. દેશવિદેશમાં ભાવપ્રચાર પરિષદ હેઠળ ભક્તો દ્વારા ૧૦૦૦ જેટલાં કેન્દ્રો ચાલે છે. 

કુદરતી આપત્તિઓ જેવી કે પૂર, વાવાઝોડું, સુનામી, દુષ્કાળ, ભૂકંપ વગેરે જે પ્રદેશમાં હોય ત્યાં આત્મનો મોક્ષાર્થં જગત્‌ હિતાય ચ અને માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રથી આશ્રમના સંન્યાસીઓ તીવ્રગતિથી પહોંચી જઈ પીડિતોનાં દુ:ખ દૂર કરવા પ્રાથમિક રાહત-સેવાકાર્ય રૂપે જીવન જરૂરી સામગ્રી તથા મેડિકલની સેવા આપે છે. જરૂરત હોય તો તેઓ પુનર્વસનકાર્ય રૂપે આવાસો, ભવનો, શાળા, મંદિર પણ બાંધી આપે છે. આ સેવા કાર્ય વર્ણ, જાતિના ભેદ વિના કરવામાં આવે છે. આને સ્વામીજી વ્યાવહારિક વેદાંત કહે છે. વેદમંત્ર મનકેન્દ્રમાં અને વ્યવહારમાં સેવા. આ છે સામાજિક સંવાદિતા શિવ ભાવે જીવ સેવા.

આ કેન્દ્રો નિયમિત સમયમાં છાત્રાલયો, પુસ્તકાલયો, હોસ્પિટલો, સ્કૂલો વગેરે માનવ કલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે. પુસ્તક પ્રકાશનો, વિદ્વાનોનાં પ્રવચનો, શિક્ષણ, જપતપ અનુષ્ઠાનો, આધ્યાત્મિક શિબિરો, ધર્મના મહાપુરુષોની જન્મજયંતીઓ, હાઈસ્કૂલોમાં ચિત્ર પ્રદર્શનો (સ્વામીજી અને ગુરુ મહારાજ) વગેરે ચાલુ જ હોય છે. આશ્રમોની આદિવાસી વિસ્તારમાં, રણમાં, પહાડી પ્રદશોમાં, જનમનજાગૃતિ માટે આ પ્રવૃત્તિઓ ચાલુ જ હોય છે. આશ્રમના અધ્યક્ષ, શાસ્ત્ર જ્ઞાતા, પીઢ, ઉદાર, ચુસ્ત શિસ્તના આગ્રહી અને ગુરુ મહારાજના ઉપદેશને પચાવેલા, વિશાળ હૃદયના હોય છે. આજુબાજુનાં શહેરોમાં તેમનાં પ્રવચનો પણ ગોઠવાય છે. સંગીત, યોગ, ધ્યાન તો ખરાં જ. એમનો હેતુ આત્માનંદની અનુભૂતિ. 

નારી ઉત્કર્ષ માટે શ્રીમા સારદાદેવીના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે ૧૯૫૪માં શારદામઠની સ્થાપના થઈ. તેનું સ્વતંત્રપણે સંચાલન સંન્યાસિનીઓ જ કરે છે. તે પણ આ ઉપર્યુક્ત કાર્યો કરે છે. 

વિચારક્રાંતિકારી, દેશભક્ત, બ્રહ્મર્ષિ, યુગપુરુષ સ્વામીજીએ આ વિશ્વને આપેલ અનેક ભેટોમાં રામકૃષ્ણ મિશન એક વિશિષ્ટ ભેટ છે. સ્વામીજીનું સ્મારક, દીવાદાંડી છે. વિપુલ સાહિત્ય, પ્રચંડ માત્રામાં દરિદ્ર નારાયણની સેવા જે શબ્દ સ્વામીજીએ આપેલ છે એને ગાંધીજીએ અપનાવેલ છે તેમ વિનોબા ભાવે સંત કહે છે. સ્વામીજીનું ભારત માટે મહાન ઋણ છે. ભારત તે ઋણ કઈ રીતે ચૂકવે છે તે જોઈએ – દરેક શહેરમાં સ્વામીજીની પ્રતિમા, વિદ્યાલય, કોલેજ, હોસ્પિટલ, જાહેર માર્ગ વગેરેમાં તેમનું નામ સુવર્ણ અક્ષરે છે. તે ઉપરાંત આપણે સ્વામીજીનાં પ્રેરણાદાયી પુસ્તકો ખરીદીએ, વાંચીએ, વંચાવીએ. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા મઠ-મિશનની એકમાત્ર ગુજરાતી માસિક પત્રિકા ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના ગ્રાહક બનીએ, બનાવીએ. જ્યાં આશ્રમ નથી ત્યાં સ્વૈચ્છિક સેવા સમિતિ રચી રામકૃષ્ણ-વિવેકાનંદની વિચારધારા જનતા સમક્ષ રજૂ કરીએ. વિદ્વાનોનાં પ્રવચનો ગોઠવીએ, જયંતીઓ ઉજવીએ. 

તેમણે આપેલા મંત્રો માનવ સેવા પ્રભુ સેવા વગેરેને કાર્યાન્વિત કરીએ. ‘ઊઠો, જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’ને જીવનમાં ઉતારીએ. વિવેકાનંદજીએ કહ્યું છે ‘વિવેકાનંદે જે કંઈ કર્યું છે તે બીજો વિવેકાનંદ જ સમજી શકે.’ 

પ્રતીક્ષા કર્યા કરું છું, ગુજરાતના કોઈક સ્ટેશન ઉપર વિવેકાનંદ મળી જાય! માત્ર ૩૯ વર્ષની વયમાં જ કેટલું બધું આપ્યું! વિશ્વખ્યાતં કૃતં યેન ભારતસ્યોજ્જલ યશ: । વન્દે વિવેકાનંદં તં સદ્‌-ધર્મ પથદર્શકમ્‌ ॥ આ મહાન યુગ પુરુષ, પ્રેરણાસ્રોત વિવેકાનંદજીને અંતરથી પ્રાર્થના કરીએ. બીજાને માટે કંઈક કરી જીવન સાર્થક કરીએ. શ્રીરામકૃષ્ણાય નમ: । પ્રેમ દેવો ભવ ।

વ્રજલાલ રા. પંડ્યા
૫૧, સત્ય પ્રકાશ સોસાયટી અંજાર-કચ્છ

Total Views: 21

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.