(ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન, પાબલ (પૂણે)ના ડો. એસ.એસ. કાલબારે મૂળ અંગ્રેજીમાં લખેલ લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.)

કાર્ય જઽ કેળવણીનું મૂળસ્રોત

ભૂતકાળના બધા અનુભવોનું દૃઢીકરણ એટલે કેળવણી. એને લીધે સાર્વત્રિક સંજોગોનો અસરકારક પ્રતિભાવ કોઈ પણ વ્યક્તિ આપી શકે છે. હજારો વર્ષ પહેલાં પોતાની ઉત્ક્રાંતિની પ્રક્રિયા વખતે આ માનવજાતિએ જ્ઞાનના સ્વરૂપે વિપુલ માત્રામાં અનુભવ મેળવ્યો છે. જેમ જેમ જ્ઞાનની વૃદ્ધિ થતી ગઈ તેમ તેમ ભાવિ પેઢીમાં એ જ્ઞાનને હસ્તાંતરિત કરવામાં આવ્યું. સૌ પ્રથમ આ જ્ઞાનવિતરણ માટે ગુફાઓમાં દોરાતાં ચિત્રોનો ઉપયોગ થયો હતો. પછી બોલાતી વાણીનો અને ત્યાર પછી લેખિત ભાષાનો ઉપયોગ થયો હતો. લેખિત પ્રયોગોને કારણે છાપખાના આવ્યાં, પછી રેડિયો આવ્યો અને ત્યાર પછી છબિકલા પણ આવી. હવે ટીવીની સાથે ઓડિયોવિડિયો કેસેટ્‌સ પણ અનુભવ જ્ઞાનની આપ-લે કરે છે અને ભવિષ્યની પેઢીને એ જ્ઞાન પીરસતાં રહે છે. આ બધાં સાધનો માહિતી આપે છે. પરંતુ આ માહિતી કે જ્ઞાનને જ્યારે આપણે કાર્યમાં પરિણત કરીએ ત્યારે તે સાચું જ્ઞાન બને છે. એટલે જ જો કેળવણી દ્વારા આપણે જ્ઞાન મેળવવાનું હોય તો પુસ્તકોની કે બીજા માધ્યમોની માહિતીના ભંડારને કાર્યમાં પરિણત કરેલું જ્ઞાન બનાવવું જોઈએ. આપણી આજની કેળવણીનું કે એની પદ્ધતિનું સૌથી નિર્બળ પાસું એ છે કે આપણે માત્ર માહિતી આપીએ છીએ અને ત્યાં જ અટકી જઈએ છીએ. એટલે કે આપણે માહિતીને જ્ઞાન માની લઈએ છીએ.

એક સામાન્ય ખેડૂતમાં આજની શાળામાં મળતું અક્ષરજ્ઞાન ઘણું ઓછું હોય છે પણ એની કેળવણીની આંખ ઘણું ઘણું જુએ છે. અનુભવ દ્વારા મળેલ જ્ઞાનથી એ ખેડૂત પોતાના હાથમાં અનેક થોથાં ઉપાડીને ચાલતો અને માહિતી મેળવતો તેમજ બહુ ઓછા અનુભવવાળા કોલેજના વિદ્યાર્થીને મહાત કરી શકે છે. અલબત્ત માહિતી આવશ્યક છે, પણ એ પૂરતું નથી. વળી બધી માહિતી સાચી પણ ન હોય, એટલે હંમેશાં વ્યક્તિ માહિતી પર શ્રદ્ધા-વિશ્વાસ રાખી પણ ન શકે. વ્યક્તિએ ગ્રંથોમાં ઠાંસી ઠાંસીને ભરેલી કે બીજાં માધ્યમો દ્વારા ઓકાતી માહિતીના ગુલામ ન બની જવું જોઈએ.

કાર્ય જ જ્ઞાનની કસોટી

કહેવાય છે કે સોનાની પરીક્ષા અગ્નિમાં અને માણસની પરીક્ષા વિષમ સંજોગોમાં. આપણે એમાં ઉમેરો કરી શકીએ – જ્ઞાનની કસોટી કાર્યમાં જ રહેલી છે. જીવનની ઉત્ક્રાંતિની પ્રક્રિયાની જેમ જે માહિતી કાર્યમાં પરિણત થવા સફળ થઈ તેને જ સ્વાભાવિક રીતે સ્વીકારવામાં આવી છે અને બાકીનાને ફેંકી દીધી છે. વળી નિષ્ફળતા એ પણ એક અનુભવ છે અને એનો એક વધારાનો ફાયદો પણ છે, ભલે મૂળથી જુદો લાગતો હોય. એટલે કાર્ય હંમેશાં જ્ઞાનમાં ઉમેરણ કરે છે. જ્યાં જ્યાં આપણને સાચું જ્ઞાન મળે છે તેને પણ એ વધારે વિશુદ્ધ કે ધારદાર બનાવે છે. આવું જ્ઞાન વધારે ઉપયોગમાં લઈ શકાય તેવું અને આધાર રાખી શકાય તેવું હોય છે.

સમસ્યા શિક્ષણના પ્રારંભ માટે સારી પળ

જ્ઞાન એ માહિતી હોય અને એ કાર્યમાં પરિણત કરવાની કસોટી દ્વારા ટકી રહ્યું હોય તો સમસ્યા ક્યાં છે, એ શોધવાનું શા માટે શરૂ ન કરવું? કમલાદેવી ચટ્ટોપાધ્યાયે એક વખત અમને કહ્યું હતું: ‘ભારતીય લોકો સમસ્યા શોધીને એનો ઉકેલ શોધવામાં નિપુણ છે.’ એનો અર્થ મને સમજાય છે. જ્યારે નિરર્થક માહિતી કે ગ્રંથના જ્ઞાનના ગાંસડાથી કાર્ય નિરર્થક બની જાય ત્યારે સમસ્યા ઊભી થાય છે, પછી એ સમસ્યા સાચી હોય કે કાલ્પનિક. આમ હોવા છતાં પણ કાર્ય જ સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે અને જ્ઞાનમાં સમૃદ્ધિ કરી શકે છે. એટલે કે સમસ્યા એ ખરેખર તક છે, એક સિક્કાની બે બાજુ જેવી છે. તો પછી આપણે બધાએ શા માટે સમસ્યાને આવકારવી ન જોઈએ?

નિષ્ફળતા સફળતા તરફ દોરી જાય

આપણે નિષ્ફળતાથી ડરીએ છીએ અને એટલે સમસ્યાઓને અવગણવાનો પ્રયત્ન કરીએ છીએ. આમ જોઈએ તો સૌથી વધુ વિકટ સમસ્યાઓ જ સૌથી વધુ કીમતી જ્ઞાન આપી શકે છે. જો આપણે નિષ્ફળતા ઉપર લાગેલા કલંકને દૂર રાખીએ તો આપણે બધા વધારે ઝડપી પ્રગતિ કરી શકીએ. જનરલ મોટર્સના રિસર્ચ ડાયરેક્ટર ચાર્લ્સ કેટરિંગે એક વખત કહ્યું હતું: ‘તાજા સ્નાતક ઈજનેરને નિષ્ફળતાનો ભય સતાવે છે. એનું કારણ એ છે કે શાળાકીય શિક્ષણ પ્રણાલીમાં પરીક્ષાઓને કારણે તમે નિષ્ફળ જાઓ તો એમાંથી નીકળી જાઓ છો. આને લીધે તેઓ સાચા સંશોધકો બનવામાં ઓછી ક્ષમતાવાળા બને છે. કોઈ પણ સંશોધક નિષ્ફળતાથી લાજી મરતો નથી. ઊલટાનું તેઓ તો નિષ્ફળતાઓમાંથી નવું નવું શીખે છે. તેઓ પોતાના પ્રયાસમાં સો વાર નિષ્ફળ જાય પણ અંતે એક વખત સફળ થાય જ. આમ છતાં પણ પરીક્ષાઓ એ કંઈ સાવ ખરાબ જ છે એવું નથી. પણ એ માટે આપણે નિષ્ફળતા નામની છાપને દૂર કરવી પડે.

નિષ્ફળતાની છાપમાંથી આપણે પરીક્ષાઓને દૂર કરી શકીએ તો આ બને. એને લીધે કાર્યકુશળ માણસો તો ઊભા કરીશું, સાથે ને સાથે વધુ પ્રમાણમાં સંશોધકો આપી શકીશું. ઝડપી વિકાસ માટે આપણા સૌની આ તાતી આવશ્યકતા છે.

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી એટલે કાર્યપરિણતિ

વિજ્ઞાનની પ્રગતિ વાસ્તવિક રીતે કાર્ય અને તેના પરિણામ સાથે જોડાયેલ છે. એ જ પ્રાચીન તત્ત્વદર્શન કરતાં આધુનિક વિજ્ઞાનને અલગ પાડે છે. બ્રોનો વસ્કી કહે છે તેમ હાથ તો મનની કાપતી ધાર છે. ગ્રંથોમાં પડેલું વિજ્ઞાન પીરસવું એટલે કોઈ પણ પદાર્થ વિનાનું ખાલી પીપડું આપવા જેવું છે.

આમ છતાં પણ આટલા બધાં વર્ષોથી આપણી શાળા અને કોલેજોમાં આપણે શું રાંધી રહ્યા છીએ? શા માટે વિજ્ઞાન વિકાસ તરફ આપણને દોરી જતું નથી? થોડા ઘણા જે એમાં પોતાનું પ્રદાન આપે છે તેમણે શાળા-મહાશાળાની કેળવણી ભલે મેળવી હોય પણ એમના પ્રદાન માટે એ કેળવણી કારણભૂત નથી.

સારું શિક્ષણ કાર્યાન્વિત થવું જોઈએ

ઘણા લોકો આટલું તો સ્વીકારે છે કે વિજ્ઞાનનું શિક્ષણ પ્રયોગશાળામાં થતા નિદર્શન પ્રયોગોના કાર્ય સાથે જોડાયેલું હોવું જોઈએ. વિજ્ઞાનને શીખવા માટેની સર્વોત્તમ પ્રયોગશાળા એટલે સમગ્ર વિશ્વનું વાસ્તવિક જીવન છે, એ વાતને કેટલા લોકો સ્વીકારે છે? શાળા-કોલેજના શિક્ષણમાં વિજ્ઞાનને ભૌતિક, રસાયણ કે જીવવિજ્ઞાનમાં વિભાજિત કરવાથી કંઈ ફરક પડી જતો નથી. જે તે વિસ્તારની સાચી જીવન સમસ્યાઓને હાથ ધરો અને એને ઉકેલવાનો પ્રયત્ન કરો તેમજ આ સાહસ કાર્યમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓને જોડો. આ જ વિજ્ઞાનનું શ્રેષ્ઠ શિક્ષણ થશે. તે પ્રાસંગિક તો હશે પણ સમસ્યા ઉકેલકેન્દ્રી પણ બનશે. વાસ્તવિક રીતે તો તે શિક્ષણ અને વિકાસને એક સાથે જોડી દેશે.

આવો વિજ્ઞાન શિક્ષણનો એક નવો અભિગમ છેલ્લાં ત્રણ વર્ષથી પૂનાની નજીક આવેલા પાબલ નામના ગામડામાં અપનાવવામાં આવી રહ્યો છે. આ સંસ્થામાં વિદ્યાર્થીઓ જળસંસાધન, પાણીની ડંકીઓની જાળવણી, પોતાની સુખસુવિધાઓ કે ઘર બાંધણી, મરામત કાર્ય, ફેબ્રિકેશન સુવિધાઓ, પ્રાણી આરોગ્ય સેવા અને રોગ નિવારણ સેવા જેવાં સમાજને ઉપયોગી કાર્યો કરે છે. પ્રયોગો કરીને બાંધકામની નવી નવી રીતો શોધી કાઢે છે, કૃષિઊર્જા અને વાહનવ્યવહારમાં પણ નવું નવું કરતા રહે છે. વિવિધ બાબતોમાં સુધારો કરવાનો પ્રયત્ન કરવામાં તેમજ નવું નવું શોધવા તેઓ ચકાસતા રહે છે અને માહિતી એકઠી કરતા રહે છે. તેઓ આ બધી બાબતોમાં વિજ્ઞાનનો ઉપયોગ કરે છે એટલે એમને વિજ્ઞાનમાં અંતર્દૃષ્ટિ મળવાની જ. રસાયણ, ભૌતિક અને જીવ વિજ્ઞાનના પુસ્તકિયા જ્ઞાન કરતાં આ જ્ઞાન વધુ દૃષ્ટિ આપનારું બની જાય છે.

શિક્ષણમાં ક્રિયાન્વિતતા એ માત્ર વિજ્ઞાનના શિક્ષણ માટે અગત્યની છે એવું નથી પણ ઇતિહાસ, ભૂગોળ, ગણિતશાસ્ત્ર અને ભાષાઓમાં પણ એ એટલું જ ઉપયોગી છે. ક્રિયાન્વિતતા સ્મૃતિ અને સાદૃશીકરણ ઉમેરીને આપણી બુદ્ધિને ઉત્તેજે છે. આપણા રસના વિષય માટે સૌથી વધારે ઉપયોગી એવા કાર્યાનુભવને આપણે પસંદ કરવો પડે.

સર્વોત્કૃષ્ટતાની પાછળ લાગી જાઓ

વિજ્ઞાન એ અલગ અલગ બાબતો વિશે શીખીને એનું સામાન્યીકરણ કરવાની આધારભૂમિકા પર છે. આપણી શિક્ષણ પ્રણાલી કોઈક બીજી બાજુ આંટા મારે છે. એમાં ઓછામાં ઓછી મહત્ત્વવાળી બાબતો વધુ ને વધુ શીખવાય છે. એમાં ક્યાંય વિશેષતા પણ નથી. વિસ્તૃત ક્ષેત્રમાંથી જ્ઞાન મેળવવું અને નાનાં ક્ષેત્રોમાં અદ્‌ભુત પરિણામો નિપજાવવા તરફ કેન્દ્રિત કરવું એને વિશેષતાભર્યું જ્ઞાન કહેવાય. દરેક વ્યક્તિને સર્વોત્કૃષ્ટતા પ્રાપ્ત થતી નથી પણ એણે એની પાછળ મંડી રહેવું પડે. અને આ બધાને માટે શક્ય છે. આપણે ગઈ કાલે જે કંઈ પણ મેળવ્યું હતું એના કરતાં વધારે સારું પરિણામ આજે મેળવવા માટે મથામણ કરીશું, જો સર્વોત્કૃષ્ટતા પાછળ મંડી પડવાની ભાવનાને આપણે અંદર ઉતારી દઈએ તો સવોત્કૃષ્ટતા એની મેળે આવી જવાની. આનું આયોજન કોઈ બીજી રીતે થઈ ન શકે. દરેક જિલ્લામાં સર્વોત્કૃષ્ટતા સાધવાના કેન્દ્ર સમી આદર્શ શાળાઓ આપણે રચવા માગતા હોઈએ તો કોઈ પણ જાતના વિશેષ સંસાધનો વિના આપણે સર્વોત્કૃષ્ટતા માટે મથવું પડે અને આ આદર્શને બીજી શાળાઓ માટે પણ અનુસરવુ વ્યવહારુ બની જશે.

વધુ સારા પસંદગીના વિદ્યાર્થીઓવાળી, વધુ સંસાધનો સાથેની, મનગમતી સુવિધાઓ સાથેની સર્વોત્કૃષ્ટ શાળાઓ ઊભી કરવી સરળ અને શક્ય છે. પણ આ આદર્શ શાળાઓ ન બની શકે. બીજી બાજુએ સર્વોત્કૃષ્ટતા માટે પોતાની રીતે મથતી પ્રશિક્ષિત શિક્ષકો, ગ્રંથાલયો અને પ્રૌદ્યોગિકી દ્વારા જ્ઞાન અને ચૈતસિક શક્તિમાં માર્ગદર્શન મેળવતી શાળાઓ બીજી શિક્ષણ શાળાઓને સ્થાનિક પ્રાપ્ય સુવિધાઓની વચ્ચે શું અને કેવું મેળવી શકાય તે બતાવી શકે છે. વળી આ વસ્તુઓને વ્યવહારુ ઉપયોગમાં પણ લાવી શકાય છે. આવી શાળાઓ આદર્શ શાળાઓ તો બનશે જ પણ સાથે ને સાથે બીજાઓને સર્વોત્કૃષ્ટતા પાછળ મંડી પડવા પ્રેરણા પણ આપશે.

Total Views: 17

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.