(ભારત સરકારે સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી ઉજવવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન શ્રી ડો. મનમોહન સિંહના અધ્યક્ષપણા હેઠળ એક વિશેષ રાષ્ટ્રિય સમિતિની રચના પણ કરી છે. આ રાષ્ટ્રિય સમિતિની પ્રથમ સભા નવી દિલ્હીમાં મળી હતી. આ સભાના અધ્યક્ષસ્થાને સન્માનનીય વડાપ્રધાન શ્રી ડો. મનમોહનસિંહ હતા. પોતાના પ્રારંભિક સંભાષણમાં તેમણે જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદે લોકોમાં રાષ્ટ્રિય ચેતના જગાડવા અને કેળવવા ઘણું ઘણું કર્યું છે. બુદ્ધિ પ્રતિભા અને સત્યનિષ્ઠા પર આધારિત એમનો સંદેશ વૈશ્વિક સંદેશ છે. એમનો અનન્ય સંદેશ રાષ્ટ્રના બધા વર્ગના જ્ઞાતિજાતિ અને ધર્મ-સંપ્રદાયના લોકોના હૃદયને સ્પર્શી ગયો હતો. એમના એકતા અને ભ્રાતૃભાવનાનો સંદેશ દૂરગામી પ્રભાવવાળો હતો અને આજે પણ એ એટલો જ પ્રાસંગિક છે. તેઓશ્રીએ આપેલા વ્યાખ્યાનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.)

સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રિય સમિતિની રચના વડાપ્રધાન શ્રી ડો. મનમોહનસિંહજીનું સંભાષણ

૨૦૧૩માં ઉજવવામાં આવનાર સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવ માટે રચાયેલ રાષ્ટ્રિય સમિતિની પ્રથમ સભામાં સમિતિના વિશિષ્ટ સભ્યોમાં ઉપસ્થિત રહીને હું આનંદ અને કૃતજ્ઞતા અનુભવું છું. સ્વામી વિવેકાનંદ આપણી શ્રેષ્ઠ આધ્યાત્મિક વિભૂતિઓમાંના એક હતા. ભારતનાં ઇતિહાસ અને સંસ્કૃતિમાં તેઓ એક માનાર્હ વ્યક્તિ રહેવાનાં છે. એમની ૧૫૦મી જન્મજયંતીને ઉજવવા આપણે સૌએ અત્યંત નિષ્ઠાપૂર્વક સક્રિય બનીને અને એમનાં જીવન-સંદેશને છાજે એ રીતે કાર્ય કરવું જોઈએ.

એમની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવને આપણે એમનાં મૂલ્યો, વિચારો અને આદર્શોને વિશેષ કરીને આપણા યુવાનોમાં વિશેષ રસરુચિ ઊભાં કરવામાં પ્રયોજવો જોઈએ. વાસ્તવિક રીતે આપણે સૌ સ્વામી વિવેકાનંદના જન્મ દિનને ૧૨મી જાન્યુઆરીને ‘રાષ્ટ્રિય યુવા દિન’ રૂપે દર વર્ષે ઉજવીએ છીએ. આ પાવનકારી દિને આપણે એમણે આપેલા આહ્‌વાન ‘કાર્ય કરો, કાર્ય કરો, કાર્ય કરો’ને ફરીથી યાદ કરીએ છીએ.

સ્વામી વિવેકાનંદે કેળવણી વિશે ગહન ચિંતન કર્યું હતું; અને એનું ભારતના સમાજ માટે કેટલું તાત્પર્ય છે એ સઘન વિચાર કર્યા હતા. એમને મન કેળવણી એટલે ભારતીય સમાજના પુનર્ઘડતરનાં પ્રાથમિક સાધન છે. એમની દૃષ્ટિએ કેળવણી એટલે વૈશ્વિકતાનું શિક્ષણ. એના દ્વારા ચારિત્ર્ય ઘડતર થાય છે અને વિદ્યાર્થીઓમાં માનવમૂલ્યો રોપાય છે.

આજ વિષયવસ્તુ પર આધારિત અનેક સૂચનો સાથે રામકૃષ્ણ મઠ અને મિશન, બેલુર તરફથી મળેલી દરખાસ્તો માટે હું આનંદ અનુભવું છું. સ્વામી વિવેકાનંદના ‘મૂલ્યનિષ્ઠ કેળવણી’ના આદર્શો અને વિચારોને જીવનમાં ઉતારવાના કાર્યનો અમલ કરવાની વાત એમાં છે. આજની આપણી કેળવણી માહિતીજ્ઞાન મૂલક છે અને તેના દ્વારા પાયાનાં હાર્દસમાં મૂલ્યોને કેળવવા પર ભાર દેવાતો નથી. આજના આપણાં શાળા-કોલેજના શિક્ષણમાં સ્વામી વિવેકાનંદનાં કેળવણીના કેટલાક ઉદાત્ત આદર્શો કેવી રીતે સામેલ કરવા એ વિશે આપણે વિચારવું જોઈએ એમ હું સ્પષ્ટપણે માનું છું.

આ ઉપરાંત આપણને રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કોલકાતા દ્વારા અને ન્યુ દિલ્હીના પબ્લીક સર્વિસ બ્રોડ કાસ્ટીંગ ટ્રસ્ટ દ્વારા પણ કેટલીક દરખાસ્તો મળી છે, એની પણ આપણે સંક્ષિપ્તમાં ચર્ચા કરીશું.

પરંતુ મારી એવી અપેક્ષા પણ છે કે ભારતના ચારેય ખૂણેથી સ્વામી વિવેકાનંદનાં જીવનસંદેશમાં શ્રદ્ધા ધરાવતી અને કાર્ય કરતી સંસ્થાઓ અને સમાજવૃંદો પાસેથી આવી દરખાસ્તો મગાવવી જોઈએ. દેશના વિભન્ન વિભાગોમાં આવતા સભ્યોને આવી સ્થાનિક પ્રાદેશિક સંસ્થાઓની જાણ મેળવવા વિનંતી કરું છું. જેથી આપણે સ્વામી વિવેકાનંદના સંદેશને દૂર-સુદૂર ફેલાવવા એવી સંસ્થાઓને સહાય કરી શકીએ.

સ્વામી વિવેકાનંદ એક સંન્યાસી રૂપે દેશના ખૂણે ખૂણે ફરી વળ્યા હતા. એ વાત સર્વવિદિત છે. કન્યાકુમારીમાં એમણે ધરેલ ધ્યાનથી સુખ્યાત બનેલ શિલા પર એમના નામનું અમર સ્મૃતિમંદિર રચાયું છે. પણ એમણે દેશના ભિન્ન ભિન્ન પ્રદેશોમાં કરેલ પરિભ્રમણને આપણે બહુ ઓછું જાણીએ છીએ. એમના ભારત પરિભ્રમણને પુનર્જાગ્રત કરવા અને એમની સાથે એ સમયે સંકળાયેલ સ્થળોનો પુનરુદ્ધાર કરવા પર પણ આપણે ધ્યાન દેવું જોઈએ.

આપણા યુવાનો સુધી આ બધું પહોંચાડવા આપણે ઇન્ટરનેટ વગેરે જેવા જાહેર પ્રચાર-પ્રસારનાં સાધનોનો ઉપયોગ કરવા જાગ્રત થવું જોઈએ. મને અવારનવાર કહેવામાં આવ્યું છે કે સ્વામી વિવેકાનંદ જેવી ઐતિહાસિક વિભૂતિઓ વિશેની વધુ વિસ્તૃત માહિતી પશ્ચિમના સ્રોતોમાંથી સાંપડે છે. જો આવું હોય તો આપણે આપણી પોતાની માહિતીજ્ઞાનની અલગ આકર્ષક અને ઉપયોગી વેબસાઈટ ઊભી કરવા ઉત્કટ પ્રયાસો કરવા જોઈએ. આપણા યુવાનો માટે સુલભ બની શકે તે માટે સ્વામી વિવેકાનંદ વિશે શ્રેષ્ઠ પુસ્તકોની પોસાય તેવા સસ્તાદરની આવૃત્તિઓ બહાર પાડવા આપણે ઇચ્છુક બનવું જોઈએ.

સ્વામી વિવેકાનંદ ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિના ભારતના પહેલા રાજદૂત, સંદેશાવાહક હતા. તેઓ ભારતનાં દર્શનશાસ્ત્ર, વિચારો-આદર્શો, સંસ્કૃતિને વિશ્વના બીજા દેશોમાં ફેલાવી શક્યા હતા. એમણે આગવી પ્રતિભા અને કૌશલ્ય સાથેના આપણા પ્રાચીન ગ્રંથોમાંના ભારતનાં સહિષ્ણુતા, બહુમુખતા અને મનની ઉદારતાના વિચાર-આદર્શોને સૌની સમક્ષ રજૂ કર્યા અને એના પ્રત્યે સૌનું ધ્યાન દોર્યું.

શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ આપેલ વ્યાખ્યાન ભારતના સાંસ્કૃતિક ઇતિહાસની જ્વલંત પળ અને ઘટના છે. અમેરિકાના નાગરિક ન હોય એવા લોકોને શિકાગો રાજ્ય સ્મારક માટે અનુમતિ આપતું નથી. પરંતુ ઐતિહાસિક ઘટના જે સ્થળે ઘટી હતી તેને કાયમી સંભારણું બનાવવા આપણે કોઈ ઉપાય કે માર્ગ શોધી કાઢવો જોઈએ. મને એટલી ખાતરી છે કે અમેરિકાનો ભારતીય સમાજ આ માટે રચનાત્મક અભિગમ અપનાવી શકશે.

સ્વામીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી અંગે આપણને અનેક દરખાસ્ત અને સૂચનો મળ્યાં છે. આ બધું ચકાસવા, એમને બહાલી આપવા અને પછીથી એના અમલીકરણના નજર રાખવા એક સુવ્યવસ્થિત તંત્રરચના કરવી પડશે. એટલા માટે હું વિનમ્ર સૂચન કરું છું કે આ મહોત્સવ માટે ‘અમલીકરણ સમિતિ’ ઊભી કરવી અને એ સમિતિ આ મહાન કાર્ય ઉપાડી લે અને આપણી રાષ્ટ્રિય સમિતિને સમયે સમયે એ અંગે પ્રગતિ અહેવાલ પણ આપે. હવે પછીની મીટિંગમાં આપણે એ વિશે ચર્ચા કરીશું.

સ્વામીજીની ૧૫૦મી જન્મજયંતીના મહોત્સવમાં કઈ રીતે શ્રેષ્ઠ પ્રયાસોથી આગળ વધીએ એ વિશે આપનાં વિચારો-દૃષ્ટિબિંદુઓ મેળવવા એ આજની મીટિંગનો મુખ્ય હેતુ હતો. આ મહોત્સવની સમિતિને તેમના પ્રતિભાસંપન્ન સભ્યોનાં માર્ગદર્શન અને બુદ્ધિયુક્ત સૂચનો મળી રહે તેવી અપેક્ષા છે. આપ સૌનાં મંતવ્યોની અપેક્ષા સેવું છું. આપ સૌનો આભાર.’

આ સભામાં ઉપસ્થિત રહીને ચર્ચામાં ભાગ લેનારા સભ્યોમાં શ્રીમતી સોનિયા ગાંધી, ડો. કરણસિંહ, શ્રી પ્રણવ મુખર્જી (નાણામંત્રી), શ્રી એસ. એમ. ક્રિષ્ણા (વિદેશ પ્રધાન), શ્રી કપિલ સિબલ (માનવ સંસાધન મંત્રી), શ્રીમત અંબિકા સોની (માહિતી પ્રસારણ મંત્રી), સિક્કીમના રાજ્યપાલ શ્રી બી.પી. સિંઘ, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી, ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી રમેશ પોખરિયાલ, લોક સભામાંના વિરોધ પક્ષના નેતા શ્રીમતી સુષ્મા સ્વરાજ, મહિલા કમિશનના અધ્યક્ષ શ્રીમતી ગિરિજા વ્યાસ; પ્રવાસન-સાંસ્કૃતિક વિભાગની પાર્લમેન્ટની સ્ટેન્ડીંગ કમિટિના, અધ્યક્ષ શ્રી સીતારામ યેચુરી તેમજ પ.બંગાળ, તમિલનાડુ, આસામ અને પંજાબના મુખ્યમંત્રીઓના પ્રતિનિધિ રૂપે વરિષ્ઠ મંત્રીઓનો સમાવેશ થાય છે.

રામકૃષ્ણ મઠ-મિશન વતી સંસ્થાના જનરલ સેક્રેટરી સ્વામી પ્રભાનંદજી અને અન્ય ત્રણ વરિષ્ઠ સંન્યાસીઓ આ સભામાં ઉપસ્થિત હતા. તદુપરાંત પ્રો. લોકેશચંદ્ર (ભૂતપૂર્વ સાંસદ), આનંદબજાર પત્રિકા સમુહના શ્રી અવિક સરકાર; સુખ્યાત લેખક શ્રી શંકર; નેહુ યુનિ.ના ભૂતપૂર્વ કુલપતિ પ્રો. શ્રી મૃણાલ મિરિ, પ્રો. એમ.જી. કે. મેનન; તિબેટિયન વિદ્યાશાખાની કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, સારનાથના ઉપકુલપતિ પ્રો. સામતેન; સુવિખ્યાત વિદ્વાન પ્રો. સત્કરી મુખોપાધ્યાય અને ઇતિહાસકાર પ્રો. રુદ્રાંગ્શુ મુખર્જીનો પણ સમાવેશ થાય છે.

સ્વામી વિવેકાનંદ યુવાનોના અનુસરણીય આદર્શ રોલ મોડલ રૂપ સમિતિએ અહીં આપેલ છ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

૧. વિવેકાનંદ યુવાનોના આદર્શ પ્રેરણામૂર્તિ
ચારિત્ર્ય ઘડતર, મૂલ્યલક્ષી કેળવણી, ભારતની સાર્વજનિક બહુમુખી વૈશ્વિક પ્રણાલીઓનું આત્મસાતીકરણ.

૨. વિવેકાનંદ અને રાષ્ટ્રચેતના
સનાતન ભારત અને આધુનિક ભારત વચ્ચે તાલમેલ, સુષુપ્ત રાષ્ટ્રિય ચેતનાની જાગૃતિ.

૩. ૨૧મી સદીમાં વિવેકાનંદની પ્રાસંગિકતા
પ્રવર્તમાન સંદર્ભમાં એમના આદર્શોનું મહત્ત્વ એમના આદેશોનું મહત્ત્વ; એમના ઉચ્ચ આદર્શ સાથે ચાલો આપણે આગળ ધપીએ.

૪. દરિદ્રનારાયણસેવા અને માનવજાતની સેવા
અતિ દરિદ્ર વસતીના લોકોનાં કલ્યાણ પર ભાર – ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારો – નકસલ આંદોલનથી અસરગ્રસ્ત વિસ્તારો પર વધુ ધ્યાન

૫. સ્ત્રી-પુરુષ-જાતિભેદ – સમસ્યાઓ માટેના એમના પ્રદાનને વધુ ઉજાગર કરવું
એમનાં લખાણો અને પત્રો દ્વારા નારી કેળવણી અને વિશેષ આરોગ્ય લક્ષી કાર્યક્રમો

૬. વિવેકાનંદની વિજ્ઞાનમાં અભિરુચિ
વૈજ્ઞાનિક શોધ-પ્રતિશોધ માટે સંશોધનો અને અભિરુચિને પ્રદીપ્ત કરવી

સૂચિત પ્રારંભિક કાર્યો – ઇન્ટરવેશન્સ (સમયાંતરે કાર્યસૂચનો)

૧. વિવિધ સ્પર્ધા
* નિબંધલેખન, પરિચર્ચા, અભ્યાસ વર્તુળો દ્વારા વધુ ને વધુ યુવાનોને સામેલ કરવા.

૨. વિશેષ પ્રકાશનો –
* સંવર્ધિત આવૃત્તિ રૂપે સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળાનું પુન: પ્રકાશન
* વિવિધ લેખ-સંભાષણ-પત્ર વગેરે વિચારખંડોની સંક્ષિપ્ત આવૃત્તિઓ
* સૂત્રાત્મક વારસો, અગ્નિમંત્ર જેવા વિચારો, અને પ્રેરક સંદેશની પુસ્તિકાઓનું પ્રકાશન

૩. સુખ્યાત લેખકોની – સ્વામી વિવેકાનંદની જીવનકથા
* સ્વામી વિવેકાનંદની રોમાં રોલાંએ લખેલ જીવનકથાનું પુન: પ્રકાશન

૪. કેળવણી
* વૈશ્વિક વિચારોને વાચા આપતા પત્રો
* શિક્ષણ અને પાઠ્યક્રમ
– શાળા અને મહાશાળાઓ માટે
– વિશ્વ વિદ્યાલયોમાં ‘સ્વામી વિવેકાનંદ ચેર’ની સ્થાપના

૫. વિવેકાનંદ અને યોગ
* યોગ વિશેની સાચી સમજણ વિકસાવવી
* એના માનકો-ધોરણો સ્થાપવાં-નક્કી કરવા

૬. સ્વામીજીના સંદેશવાહક રૂપે – ઇલેક્ટ્રોનિક માધ્યમો વધુ શક્તિશાળી માધ્યમો
* આકાશવાણી અને દૂરદર્શન
* સી.ડી. ડીવીડી, ઈન્ટરનેટ, વેબસાઈટ
* સ્વામી વિવેકાનંદ વિશેનાં ચલચિત્રો
– સૌથી લોકપ્રિય સંકલ્પના – એ વિશે મતૈક્ય
– પીબીએસટીને આધારરૂપ બનવું

૭. સમગ્ર ભારતમાં સ્વામી વિવેકાનંદનું પરિભ્રમણ
* એમનાં મહત્ત્વનાં સંપર્ક-સંસ્પર્શ સ્થાનોની જાળવણી
* પ્રવાસ રાહત યોજના દ્વારા યુવાનો-વિદ્યાર્થીઓનાં એવાં સ્થળોના પ્રવાસ-અભ્યાસ

૮. સ્વામી વિવેકાનંદ વિશેના આંતરરાષ્ટ્રિય કાર્યક્રમો
* પરિચર્ચા, વ્યાખ્યાનમાળા અને પરિસંવાદોનું આયોજન
* વિદેશમાં વસતા ભારતીયોને સામેલ કરવા
* વિદેશોની યુનિવર્સિટીમાં ‘વિવેકાનંદ ચેર’ની સ્થાપના

૯. ધર્મ અને વિવિધ ધર્મ વચ્ચે સુસંવાદિતા, સર્વધર્મ સમભાવ-પરિચર્ચા અને સંશોધન
* પ્રવર્તમાન ધર્મ પરિચર્ચામાં એમના વિચારો લાવવા
* આદિવાસીઓની ધર્મશ્રદ્ધાને અને તેની સ્વાયતતા જાળવીને સામેલ કરીને તેનો અભ્યાસ કરવો
* હિંસા-ધર્માંધતાના ઝનૂન, ભાગલાવાદી ધર્મ-સાંપ્રદાયિક ભાવના તેમજ ધર્મનાં વૈશ્વિક પાસાઓ પર વધુ ભાર દેવો

૧૦. શિકાગો સંભાષણ સ્મારક
* અમેરિકાના ભારતીયો એ વિશે કાર્યક્રમોનું સૂચન કરે
* શિકાગો વિશ્વવિદ્યાલયમાં ‘વિવેકાનંદ ચેર’ની સ્થાપના
* વાર્ષિક વ્યાખ્યાનમાળા-કાયમી નિભાવ નિધિ

૧૧. અન્ય
* સ્વામી વિવેકાનંદના ૧૫૦મા જન્મજયંતી મહોત્સવ માટે આકર્ષક – શબ્દસમુહની રચના-પસંદગી
* એ માટેનો સુયોગ્ય મુદ્રાલેખ
* આ મહોત્સવ માટેનાં સૂચનો, વિચારો બધા પાસેથી મેળવવા
* હરતાં ફરતાં પ્રદર્શનો
* નાણામંત્રી શ્રી પ્રણવ મુખર્જીના અધ્યક્ષપણા હેઠળ આ મહોત્સવની વધુ વિગતો અને વિગતવાર કાર્યક્રમની માહિતી માટેની સમિતિની ઉદ્‌ઘોષણ સન્માનીય પ્રધાનમંત્રીશ્રીએ કરી હતી.

Total Views: 18

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.