(ગતાંકથી આગળ)

ઠાકુરની જીવનકથાથી સૌ કોઈ પરિચિત છે. મુખ્યત્વે સ્વામી સારદાનંદજીએ લખેલ ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’નું અનુસરણ કરીને ‘શ્રીશ્રી રામકૃષ્ણ ભાગવતમ્‌’ ગ્રંથમાં મેં એ જ પરિચિત જીવન આલેખ્યું છે. એ ગ્રંથની બે-એક ઘટના મારા ગ્રંથના વિષયવસ્તુને સંગ્રહિત કરતી વખતે પ્રામાણિક સૂત્રોમાંથી મને જાણવા મળી. એ ઘટનાઓ એમના પ્રમાણભૂત જીવનકથા ગ્રંથમાં નથી. જેમ કે કામારપુકુરના ધનવાન જમીનદાર લાહાબાબુના ઘરે શ્રાદ્ધ પ્રસંગે એક વિચારસભા મળી હતી. એ સમયે શ્રાદ્ધાદિક કર્મના ઉપલક્ષ્યમાં આવી વિચારસભાનું આયોજન સામાન્ય રીતે ધનવાન અને જમીનદાર પરિવારની એક પ્રથા હતી. એ સભામાં ઘણા વિશિષ્ટ પંડિતો ઉપસ્થિત હતા. આ વિચારસભા ચાલતી હતી ત્યારે એક પેટપીડાથી પીડાતો બ્રાહ્મણયુવક ત્યાં આવી પહોંચ્યો. એણે સામવેદી પંડિતને ઉદ્દેશીને કહ્યું: ‘લગભગ ૨૦ વર્ષથી આ અતિશૂળવાળી પેટપીડાનું દુ:ખ હું વેઠું છું. ઘણાં દવાદારૂ કર્યા પણ રોગ શમતો નથી. હમણાં બાબા તારકનાથના શિવમંદિરે જઈને ઉપવાસ કર્યો હતો. રાતે તારકનાથ શિવે મને સ્વપ્નમાં દર્શન આપ્યાં. એમણે મને કહ્યું: ‘તમારા ગામને છેડે ગૌમાંસ ખાનાર એક ચાંડાલ રહે છે. સ્નાનાદિ કર્યા પછી તું ભક્તિભાવ સાથે એ જ ચાંડાલને પ્રણામ કરીને એમનું ચરણોદક પીજે. ત્યાર પછી એની પાસેથી એનું એંઠું અન્ન માગીને, મનમાં કોઈ પણ જાતનો વિકાર રાખ્યા વગર એ ખાઈ શકે તો તું રોગમુક્ત બની શકે.’ હવે સમસ્યા એ છે કે જો હું આ કરું તો સમાજ મને નાત બહાર મૂકી દેશે. આપ સૌ પંડિતો અહીં ઉપસ્થિત છો. આપને પૂછું છું કે હું કેવી રીતે બાબા તારકનાથના આદેશનું પાલન કરું અને વળી મારી જ્ઞાતિમાંથી ભ્રષ્ટ પણ ન થઉં.’

આ વિષયને ધ્યાનમાં રાખીને પંડિતોમાં તીવ્ર ચર્ચા થઈ. પણ એનું કોઈ સમાધાન ન મળ્યું. એ સભામાં શ્રોતાજનોની વચ્ચે બાલક ગદાધર પણ હતા. એમણે પંડિતો પાસે જઈને વિનયપૂર્વક કહ્યું: ‘જો રજા આપો તો મારે એક વાત કહેવી છે.’ બાળકની વાત સાંભળીને પંડિતો તો મંત્રમુગ્ધ થઈ ગયા. આમ છતાં પણ એમણે કહ્યું: ‘વારુ, તું જે કહેવા માગે છે તે કહે.’ બાળક ગદાધરે કહ્યું: ‘જો એ જ વ્યક્તિ એ ચાંડાલને લઈને પુરુષોત્તમ ક્ષેત્ર (જગન્નાથ પુરી)માં જાય અને ભગવાન જગન્નાથનો પ્રસાદ એને ખવડાવે તેમજ એનો એંઠો પ્રસાદ પોતે ખાય તો તારકનાથ શિવજીના આદેશનું પાલન પણ થશે અને જ્ઞાતિભ્રષ્ટ થવાનો ડર પણ ન રહે.’

બાળકની વાત સાંભળીને પંડિત લોકો તો સ્તબ્ધ થઈ ગયા. એમણે બધાએ એકી અવાજે એમના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું અને બાળ ગદાધરને આશીર્વાદ આપતાં કહ્યું: ‘બેટા, તું સાધારણ માનવ નથી. તારામાં અમે જગદ્‌ગુરુનાં લક્ષણ જોઈએ છીએ. સમય આવ્યે આ બધું સાબિત થશે.’ લીલાપ્રસંગમાં શાસ્ત્રીય પ્રશ્ન વિશેની મીમાંસાનો ઉલ્લેખ છે, પણ પ્રશ્ન શું હતો એનો ઉલ્લેખ એમાં આવતો નથી.

હવે સ્વપ્નમાં ઠાકુરના સ્વમુખે સાંભળેલી એમના જીવનની ઘટનાઓમાંથી એકનો અહીં ઉલ્લેખ કરું છું. શ્રીઠાકુરે એક દિવસ મને સ્વપ્નમાં કહ્યું: ‘પંડિત, તમે લોકો તો મને મૂર્ખ ગણો છો, પરંતુ બહાર જે મૂર્ખતા દેખાય છે એ તો મારો છદ્મવેશ છે. એક વખત મારા યુવાન ભક્ત વૈકુંઠનાથ સાંન્યાલને કહ્યું: ‘તમે રામાયણમાંથી શબરીના આખ્યાનનો પાઠ મને સંભળાવો.’ વૈકુંઠનાથે મૂળ સંસ્કૃત ન વાંચતા બંગાળી અનુવાદ વાચવાનું શરૂ કર્યું. એમને એમ હતું કે તેઓ સંસ્કૃત વાંચે તો હું સમજી નહિ શકું. મેં એમને કહ્યું: ‘તમે મૂળ સંસ્કૃતમાંથી જ પાઠ કરો.’ વૈકુંઠનાથે એ વાત સાંભળીને મારા તરફ અવાક્‌ બનીને જોયું. તેઓ વિચારતા હતા કે હું અભણ માણસ વાલ્મીકિનું સંસ્કૃત કેવી રીતે સમજી શકું? મેં એ વખતે એમને કહ્યું: ‘રામાયણમાં જેની વાત છે એ તો આ ભીતર રહેલાની જ છે. એટલે રામાયણમાં જે કંઈ લખ્યું છે આનું (મારું) જાણીતું જ છે. જો તમને વિશ્વાસ ન આવતો હોય તો સાંભળો.’ એમ કહીને હું રામાયણના અરણ્યકાંડમાંથી ૭૪મા અધ્યાયના મૂળ શ્લોક બોલવા લાગ્યો હતો. પંડિત તમે પણ તે સાંભળો.’ ત્યાર પછી શ્રીઠાકુરે મારી સામે વાલ્મીકિ રામાયણના અરણ્યકાંડમાંથી ૭૪મા અધ્યાયના મૂળ શ્લોક બોલવાનું શરૂ કર્યું – વિશુદ્ધ ઉચ્ચાર સાથે અપૂર્વ સ્વરભાર સાથે. એમના મુખે બધા સંસ્કૃત શ્લોક એટલી અપૂર્વ રીતે ઉચ્ચારિત થતા હતા એ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. ત્યાર પછી શ્રીઠાકુરે કહ્યું: ‘વૈકુંઠનાથ તો મારી વાત સાંભળીને અવાક્‌ થઈ ગયા. જળોના મુખમાં ચૂનો લગાડવાથી જળોની જે અવસ્થા થાય, એમની પણ એવી જ દશા. એક વાક્ય પણ એમને મોઢેથી નીકળતું નથી; એનું કારણ એ હતું કે એ વખતે પોતાની નજર સમક્ષ શ્રીરામચંદ્ર, લક્ષ્મણ અને શબરીને જ જોતા હતા. થોડીવારે થોડા સ્થિર થયા પછી એમણે મને પ્રણામ કર્યા અને મૂળ સંસ્કૃતમાંથી પઠન કરવા લાગ્યા. પંડિત તમે જુઓ, મેં શ્રીરામચંદ્રના રૂપે શબરી પર કેવી કૃપા કરી હતી!’ મારા પર કૃપા કરીને એમણે આ બધું મને બતાવ્યું.

ગમે તેમ પણ સ્વપ્નમાં શ્રીઠાકુર પાસેથી સંસ્કૃત ભાષામાં એમની કાવ્યજીવનકથા લખવાનો જે નિર્દેશ મને મળ્યો હતો, એ વિશે થોડા ઘણા તથ્યાંશો એકઠા કર્યા સિવાય મેં એ વિશે ઘણાં વર્ષો સુધી કશું કર્યું નહિ. આ પ્રસંગે એ ઉલ્લેખનીય છે કે સ્વપ્નમાં શ્રીઠાકુરે સંસ્કૃતમાં એમનું કાવ્યજીવનકથા લખવાનો એકવાર નહિ પણ અનેકવાર નિર્દેશ કર્યો હતો. પહેલાં તો હું એ સ્વપ્નાદેશને માત્ર સપનું જ સમજ્યો. પરંતુ જ્યારે મારી ઉંમર ૮૦ વર્ષથી વધુ થઈ ત્યારે વળી પાછાં સ્વપ્નમાં એમણે મને પુણ્યદર્શન આપ્યાં. સાથે ને સાથે એમણે સંસ્કૃતમાં કાવ્યજીવનકથા લખવાના નિર્દેશની યાદ પણ અપાવી. મેં એમને મારી વૃદ્ધાવસ્થા અને ખરાબ તંદુરસ્તી વિશે કહ્યું. આમ છતાં પણ એમણે કહ્યું: ‘તારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. તું લખવાનું શરૂ કરી દે.’ એમ બની શકે કે આ બધી વાત પર લોકો વિશ્વાસ ન કરી શકે. મને સ્વપ્નમાં એમની પાસેથી અનેકવાર આવા નિર્દેશ મળ્યા અને ૮૪ વર્ષની ઉંમર સુધીમાં એમનું ચરિત્રકાવ્ય લખી પણ નાખ્યું. એમના આશીર્વાદની શક્તિથી ‘શ્રીશ્રી રામકૃષ્ણ ભાગવતમ્‌’ લખવાનું અને પ્રકાશિત કરવાનું સંભવ બન્યું છે. એમણે મારા પર કૃપા કરીને મારી પાસે આ બધું લખાવી લીધું. કોઈ વિશ્વાસ કરે કે ન કરે, એમણે મને સ્વપ્નમાં દર્શન આપીને લખવાને વખતે મારા કેટલાય સંદેહોને દૂર કરી દીધા, જરૂરી નિર્દેશ પણ કર્યા છે. હું તો ગરીબ બ્રાહ્મણ. ગ્રંથ પ્રકાશન માટેના નાણાની વ્યવસ્થા કરવાનો વિચાર પણ મારે કરવો ન પડ્યો. ભારત સરકારે આ પ્રકાશન માટે અનુદાન આપ્યું. આ ગ્રંથનો ઘણા પ્રતિભાસંપન્ન લોકોએ સમાદર કર્યો છે. આવા વિદ્વાનોમાં ભારતના રાષ્ટ્રખ્યાત વિદ્વાન સુનીતિકુમાર ચટ્ટોપાધ્યાય જેવા વિખ્યાત પંડિત તો હતા. સાથે ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઈંદિરાગાંધી પણ ખરાં. અને રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ પણ આ વિદ્વાનોમાં આવે છે. હું મારાં મનપ્રાણહૃદયથી સમજી ગયો હતો અને આજે પણ દૃઢ મને માનું છું કે શ્રીરામકૃષ્ણદેવ નરદેહે અવતરેલા ભગવાન પોતે જ છે. એમની કૃપાકણથી મુખમાં વાણી ફૂટે છે, પાંગળો પર્વત પણ ઓળંગી જાય છે. ‘તું દીર્ઘજીવી બનીશ અને પંડિત પણ બનીશ’ એવો એમનો અમોઘ આશીર્વાદ મારા જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ફળ્યો છે. મને દીર્ઘાયુષ્ય પણ સાંપડ્યું અને પંડિત પણ બની શક્યો.

મેં શ્રીરામકૃષ્ણને નજરે જોયા છે. મેં એમનો ચરણ સ્પર્શ પણ કર્યો છે. હું એ બધું સમજ્યો કે ન સમજ્યો હોઈશ પણ ભગવાન શ્રીરામકૃષ્ણે તો મને જોયો છે, પછી એમણે મારા મસ્તક પર હાથ મૂક્યો છે,પછી ભલે એમણે આ હાથ એક જ વાર રાખ્યો હોય! હું બરાબર જાણું છું કે એકમાત્ર દૃષ્ટિપાતથી, એકવારના સ્પર્શદાનથી એમણે મને અનંત સૌભાગ્યનો અધિકારી બનાવી દીધો.

॥ ૐ નમો ભગવતે રામકૃષ્ણાય નમ: ॥

Total Views: 34

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.