(૧૯૭૬ની ૧૪ ઓગસ્ટે લગભગ ૧૦૦ વર્ષની ઉંમરે અવસાન પામેલ પંડિત રામેન્દ્રસુંદર ભટ્ટાચાર્ય ભક્તિતીર્થની આ સ્મૃતિકથા એમના મુખેથી સાંભળીને તેનું આલેખન કાર્ય ૧૨ જુલાઈ, ૧૯૭૪ના રોજ બ્રહ્મચારી શંકરે (હાલના સ્વામી પૂર્ણાત્માનંદે) કર્યું હતું. ૫૬/૪, ગ્રેસ્ટ્રીટ (અરવિંદ સરણી), કોલકાતા-૬માં તેઓ રહેતા હતા. એ વખતે રામેન્દ્રસુંદરની ઉંમર ૯૮ વર્ષની હતી. એમનો જન્મ ૧૮૭૬ની ઓક્ટોબરમાં થયો હતો. બાલ્યકાળમાં એમણે શ્રીરામકૃષ્ણને દક્ષિણેશ્વરમાં એકવાર જોયા હતા અને એમના આશીર્વાદ પણ મેળવ્યા હતા. ૮૪ વર્ષની ઉંમરે એમણે ૫૦૦૦થી વધુ શ્લોકવાળી સંસ્કૃત ભાષામાં કાવ્યદેહવાળી શ્રીરામકૃષ્ણની જીવનકથા લખી હતી. શ્રીરામકૃષ્ણનો મળેલ સ્વપ્નાદેશ એ આ લેખનનો પ્રેરણાસ્રોત હતો. ૬૦ના દાયકામાં પ્રકાશિત આ કાવ્ય- જીવનકથાનું નામ છે ‘શ્રીશ્રીરામકૃષ્ણ ભાગવતમ્‌’. એમના પિતાશ્રી યદુનાથ સાર્વભૌમ કૃત્યતત્ત્વ વિશારદ અને શાસ્ત્રજ્ઞ પંડિત હતા. એમના પૂર્વજો પણ સંસ્કૃત ભાષાના મહાન પંડિત હતા. રામેન્દ્રસુંદર ભટ્ટાચાર્ય કોલકાતાના હાથીબાગાન ચતુષ્પાઠીના સ્થાપક (૧૯૧૬) હતા અને પ્રધાન અધ્યાપક પણ હતા. લગભગ ૬૦ વર્ષ સુધી એમણે એ ચતુષ્પાઠીમાં દર્શનાદિ શાસ્ત્રોનું અધ્યાપન કાર્ય કર્યું હતું. ૧૯૭૧માં એમને ભારત સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ અપાયો હતો. ૧૦૦ વર્ષની ઉંમરે પણ એમનું મસ્તિષ્ક કેટલું સક્રિય હતું એ એમને જોનાર લોકો જાણતા હતા; માનસિક રીતે તેઓ સજાગ-સજીવ અને શારીરિક દૃષ્ટિએ પણ એમની ઉંમરના પ્રમાણમાં ઘણા સમર્થ હતા. આ સ્મૃતિકથાને પ્રગટ કરવામાં રામેન્દ્રસુંદરના પૌત્ર રામગોવિંદ ભટ્ટાચાર્યના અમે ઋણી છીએ. આ લેખ ‘ઉદ્‌બોધન’ માસિક પત્રિકાના ૯૪મા વર્ષના બીજા અંકમાં, ફાલ્ગુન, ૧૩૯૮ (બંગાબ્દ) પૃ.૮૧-૮૩માં છપાયો હતો. એનો બ્રહ્મચારી ચંદ્રનાથ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.)

હું જ્યારે આઠ વર્ષનો હતો ત્યારે મારા પિતાની સાથે રાણી રાસમણિની દક્ષિણેશ્વરમાં કાલીવાડીના મંદિરમાં ગયો હતો. મને યાદ છે ત્યાં સુધી એ ગ્રીષ્મકાળની સવાર હતી. અમારું ઘર મેદિનીપુર જિલ્લાના બગડી કૃષ્ણનગર મૌજાના ખુનબેરિયા ગામમાં હતું. અહીંથી કામારપુકુરનું અંતર આશરે ૨૦ માઈલ હતું. મારા પિતાજી શ્રીઠાકુરના સમવયસ્ક હતા. નાની ઉંમરથી જ એકબીજાને ઓળખતા હતા. એ બંને વચ્ચે સવિશેષ મૈત્રીસંબંધ હતો. પિતાજી વર્ષમાં બે ત્રણવાર કોલકાતામાં રહેવા આવતા. પોતાના ગામથી આવીને અને પોતાના ગામે જતાં પહેલાં દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણને એકવાર તો અવશ્ય મળતા જ. ગામમાં જતાં પહેલાં કામારપુકુરમાં કંઈ સમાચાર કહેવાના હોય તો તે જાણવા શ્રીઠાકુર પાસે જતા અને ઠાકુરને કેમ છે એ સમાચાર પણ તેઓ કામારપુકુરમાં લઈ જતા. ગામથી કોલકાતા આવતા ત્યારે શ્રીઠાકુરને મળીને કામારપુકુરના સમાચાર કહેતા. એકવખત મારા પિતાજી પોતાને ગામ જવાના હતા એ પહેલાં એમણે મને કહ્યું: ‘ચાલ, આજે હું તને એક જગ્યાએ લઈ જઉં છું. ત્યાં તું મા કાલીનું એક વિખ્યાત મંદિર પણ જોઈશ અને એક જીવતા-જાગતા ભગવાનને પણ જોઈશ.’

મંદિરમાં મા ભવતારિણીનાં દર્શન કર્યા પછી મારા પિતાજી મને શ્રીઠાકુરના ઓરડામાં લઈ ગયા.

એ વખતે શ્રીઠાકુર પોતાના ઓરડામાં ન હતા. એક યુવકે (ઠાકુરના કોઈ શિષ્ય કાં એમના ભત્રીજા રામલાલ પણ હોઈ શકે) કહ્યું: ‘શ્રીઠાકુર પંચવટી તરફ છે.’ પિતાજી સાથે હું પંચવટી બાજુ ગયો. શ્રીઠાકુર પંચવટીની સામે ઊભા રહીને ગંગાદર્શન કરી રહ્યા હતા. એમની સાથે બે-એક યુવક ભક્તો પણ હતા. પિતાજીને જોઈને અત્યંત પ્રસન્ન થઈને ઠાકુરે પિતાજીના ખબર-અંતર પૂછ્યા. પિતાજીએ પણ એમ જ કર્યું. મેં જોયું કે પિતાજીએ એ ધૂળમાં શ્રીઠાકુરને સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કર્યા, એમની ચરણધૂલિ માથે ધરી અને મારા માથે પણ એ ચરણધૂલિ રાખી. મને કહ્યું: ‘મેં તને કહ્યું હતું કે હું તને ‘જીવતાજાગતા ભગવાન’ બતાવીશ – આ એ જ છે, તારી સામે જ! એમનાં ચરણસ્પર્શ કરીને તું ધન્ય બની જા!’ આમ કહીને એમણે પોતે જ મારું માથું શ્રીઠાકુરનાં ચરણોમાં નમાવ્યું. મેં પણ શ્રીઠાકુરને સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કર્યા. શ્રીઠાકુરે એમના હસ્તકમલ મારા મસ્તક પર રાખીને કહ્યું: ‘ઊઠ, ભાઈ ઊઠ.’ હું ઊભો થયો એટલે એમણે કહ્યું: ‘તું દીર્ઘજીવી બનીશ અને પંડિત પણ બનીશ.’ શ્રીઠાકુરે મારા મસ્તક પર પોતાનો હાથ રાખ્યો અને મેં એમનાં ચરણમાં મારું મસ્તક નમાવ્યું એ વખતે જાણે કે હું મારામાં ન હતો એવું લાગ્યું. હું કોઈ અદ્‌ભુત ભાવાવેશમાં હતો. જ્યારે મને ઉદ્દેશીને એમણે આશીર્વચન ઉચ્ચાર્યા ત્યારે પણ હું સ્વાભાવિક અવસ્થામાં ન હતો. ક્ષણભર માટે મારું બાહ્ય જ્ઞાન ચાલ્યું ગયું હતું, આમ છતાં પણ એમની વાણી મારા કાનમાં પ્રવેશી ગઈ હતી. ત્યાર પછી પણ કેટલીયે વાર એમની એ વાણી મારા કાનમાં ગૂંજતી રહેતી.

એ દિવસે શ્રીઠાકુર સાથે એકાદબે વાત કરી અમે કોલકાતા પાછા આવ્યા. આ જ મારું-એમનું પ્રથમ અને અંતિમ દર્શન બની રહ્યું. જો કે મારી ઉંમર એ વખતે નાની હતી, મનમાં એ વાત ઠસાઈ જાય એવું પણ ન હતું, પરંતુ શ્રીઠાકુરનું મુખારવિંદ આજે પણ જાણે કે મારા મનશ્ચક્ષુ સમક્ષ તરી આવે છે. લાંબી કાયા અને સુદૃઢ બાંધો, સૌમ્યકાંતિ, પ્રસન્ન હાસ્ય સાથેનું ઉજ્જ્વલ મુખારવિંદ. દેહનો વર્ણ વધુ ધવલ નથી, પણ દેહકાંતિ ઊજળી-ઘઉંવર્ણી દેખાતી. પિતાજીના મુખે સાંભળ્યું હતું કે યૌવનમાં શ્રીઠાકુરનો દેહવર્ણ અત્યંત ગૌર હતો. પિતાજીએ ઉમેરતાં કહ્યું: ‘એમની દેહકાંતિ સુવર્ણ જેવી હતી. સાધનાકાળમાં ભયંકર કઠોર તપશ્ચર્યાને લીધે એમનો દેહ ર્જીણ બની ગયો અને એમની દેહકાંતિની ઉજ્જ્વલતા પણ ઓછી થઈ.’

શત શત જન્મનાં સત્કર્મોના અને પુણ્યના પ્રતાપે મેં એક દિવસ એક જ વખત એમને સાક્ષાત્‌ ભાવાવસ્થામાં જોયા હતા. આમ છતાં પણ હું એનાથી કૃતકૃત્ય બની ગયો. એ જ દર્શનના અઢીક વર્ષ પછી એક રાત્રે સ્વપ્નમાં મેં પહેલી વખત જોયેલ સ્વરૂપમાં મને શ્રીઠાકુરે દર્શન આપીને કહ્યું: ‘અરે છોકરા! સારું છે ને! હું જાઉં છું.’ આ સાંભળીને મને રોમાંચ થયો. પછીથી મને જાણવા મળ્યું કે એ જ રાતે તેઓ મહાસમાધિ પામ્યા હતા. ત્યાર પછી ઘણાં વર્ષો વીતી ગયાં. જ્યારે હું પચાસ વર્ષનો થયો ત્યારે એક રાતે સ્વપ્નમાં મને પહેલાં જોયેલા રૂપે દર્શન આપીને એમણે કહ્યું: ‘કેમ છે પંડિત, સારું છે ને! ધ્યાન દઈને સાંભળ.’ એમ કહીને એમણે એક સંસ્કૃત શ્લોક કહ્યો. એ શ્લોક આ છે : ‘મલ્લીલાં વિલિખત્વં ભો દેવભાષા યુતાં સુધી: । ત્વામહં સંવદિષ્યામિ માભૈષી: પંડિતોભવાન્‌ ॥’ આ શ્લોકની એમની સાથે ત્રણ વખત પુનરાવૃત્તિ કરવા મને કહ્યું. આ શ્લોક મને મોઢે રહી ગયો. ઊંઘ ઉડ્યા પછી આ શ્લોક મેં એક કાગળમાં લખી લીધો. ત્યાર પછી શ્રીઠાકુરે મને કહ્યું હતું: ‘અરે પંડિત, તું સંસ્કૃતમાં મારી જીવનકથા લખ.’ મેં કહ્યું : ‘પણ, હું તો આપ વિશે કંઈ જાણતો નથી, બાલ્યકાળમાં મેં આપને એક જ વાર જોયા છે. ત્યાર પછી આટઆટલાં વરસ સુધી મેં આપની લીલા વિશે કંઈ વિચાર્યુંયે નથી. હું કેવી રીતે આપની કથા લખી શકું?’ પ્રત્યુત્તર આપતાં એમણે કહ્યું: ‘તું ડર નહિ, ચિંતાનું કોઈ કારણ નથી. કામારપુકુર, દક્ષિણેશ્વરમાં મને જાણનારા જૂના લોકો પાસેથી તને મારા વિશે ઘણું ઘણું જાણવા મળશે. બેલુર મઠમાં મારા સંન્યાસી શિષ્યો – માનસપુત્રો પાસેથી પણ ઘણી ઘણી વાતો જાણવા મળશે. હું પણ ક્યારેક ક્યારેક આવી રીતે કોઈ તથ્ય કે ઘટના પ્રસંગ વિશે તારા સંદેહને દૂર કરી દઈશ.’ પરંતુ ત્યાર પછી મારા ગૃહસંસાર અને મારા અધ્યાપન કાર્યમાં હું વ્યસ્ત બની ગયો હતો. એટલે શ્રીઠાકુરના એ વખતે જીવતા માનસપુત્રો સાથે મારે મળવાનું કે એમની સાથે વાત કરવાનું ન બન્યું. આમ છતાં પણ કામારપુકુર અને દક્ષિણેશ્વરના એ જમાનાના જૂના લોકો પાસેથી મેં થોડાઘણા તથ્યાંશો સંગ્રહી લીધા હતા.

વિદેશથી પાછા ફર્યા પછી સ્વામીજીને મેં જોયા હતા. સ્વામીજીના એક શિક્ષક (સ્કોટિશચર્ચ કોલેજના અધ્યાપક) મને બહુ ચાહતા હતા. તેઓ હતા બંગાળી પણ ધર્મે ખ્રિસ્તી. તેઓ સ્વામીજીને ખૂબ ચાહતા હતા. સ્વામીજી વિશે એમના મનમાં ઘણી ઉચ્ચ ધારણા હતી. પરંતુ એમણે જ્યારે સાંભળ્યું કે એમની કોલેજના મહાન પ્રતિભાવાન વિદ્યાર્થીએ એક મૂર્તિપૂજા કરનાર બ્રાહ્મણનું શિષ્યત્વ સ્વીકારીને સંન્યાસ લીધો છે ત્યારે તેઓ ઘણા હતાશ થયા. ત્યાર પછી સ્વામીજી એમને મળવા એમના ઘરે ગયા હતા. તેઓ નજીકમાં જ રહેતા હતા. સ્વામીજી ત્યારે પણ નરેન્દ્રનાથ હતા, વિશ્વ વિખ્યાત વિવેકાનંદ બન્યા ન હતા; સંન્યાસ લીધો હતો. એ અધ્યાપકે સ્વામીજીને કહ્યું: ‘ભાઈ નરેન, તેં આ શું કર્યું! અંતે એક પાગલ જેવા અને એક સામાન્ય પૂજારી પાસે માથું મુંડાવી નાખ્યું! વળી મેં એમ પણ સાંભળ્યું છે કે તમારે મન એ માત્ર પૂજારી નહિ પણ ભગવાન છે, જગતને તારનાર માણસ રૂપે આવ્યા છે? આવા ગંજેડીયાની વાતમાં તું પણ ફસાઈ ગયો?’ સ્વામીજીએ શાંત સ્વરે કહ્યું: ‘સાહેબજી, તમે બરાબર સાંભળ્યું છે. હું તેઓ સ્વયં ઈશ્વર છે એમ માનું છું. મને એ પણ પાકી શ્રદ્ધા છે કે જગતનો ઉદ્ધાર કરવા માટે એમણે માનવદેહ ધારણ કર્યો છે. તમારી જેમ હું પણ પહેલાં એમને ગપોડિયા અને વાતોડિયા ગણતો હતો. મેં પણ આ જ વાત એમને સીધે સીધી કેટલીયેવાર કહી હતી. તેઓ તો બાળસહજ સ્વભાવના હતા, મારી વાત સાંભળીને તેઓ એક બાળકની જેમ સહજભાવે હસતા હતા અને કહેતા – ‘મેં શું તને મારા પર શ્રદ્ધા રાખવા કહ્યું છે?’ પણ મારે તો સાહેબજી, છેવટે એમના પર શ્રદ્ધા રાખવી જ પડી. મને એમણે પોતે એક દિવસ બતાવી દીધું કે સ્વયં ઈશ્વર એમના દેહમાં રામકૃષ્ણ રૂપે આવિર્ભૂત થયા છે. જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ બનીને આ વખતે અવતર્યા છે. એક વાર રામરૂપ, એકવાર કૃષ્ણ રૂપ, એમ અલગ અલગ કરીને એમણે મને એ બધાં રૂપ બતાવ્યાં હતાં. ત્યાર પછી એ બંને રૂપ રામકૃષ્ણના દેહમાં મળી ગયાં, એવું પણ મને બતાવ્યું હતું. આ દર્શન કોઈ ભ્રમણા નથી, મારી સગી આંખે જોયું છે. માત્ર આ જ રીતે નહિ પણ અનેક પ્રકારે મેં એમને જોયા-જાણ્યા અને અનુભવ્યું કે તેઓ પોતે જ ઈશ્વર છે.’ સ્વામીજીના એ પ્રાધ્યાપકના મુખે મેં આ વાત સાંભળી હતી. એમણે કહ્યું હતું: ‘નરેનને હું બરાબર ઓળખતો હતો. હું એ પણ જાણતો હતો કે કોઈ જાદુઈ ચમત્કારમાં આવી જાય એવી એ વ્યક્તિ ન હતી. એ દિવસે હું બરાબર જાણી ગયો કે અંધશ્રદ્ધાથી રામકૃષ્ણને નરેન્દ્રે ભગવાન માનીને એમનામાં શ્રદ્ધા રાખી ન હતી. એમની ત્યાર પછીની જીવન ઘટનામાં એ દેખાયું કે શ્રીરામકૃષ્ણ સાધારણ માનવી ન હતા.’

Total Views: 22

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.